સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૧૧

પ્રેરિતો નિશાની માંગે છે

પ્રેરિતો નિશાની માંગે છે

માથ્થી ૨૪:૩-૫૧ માર્ક ૧૩:૩-૩૭ લુક ૨૧:૭-૩૮

  • ચાર શિષ્યો નિશાની માંગે છે

  • પહેલી સદીમાં અને પછી પૂરી થતી ભવિષ્યવાણી

  • આપણે સજાગ રહેવું જોઈએ

મંગળવાર બપોરનો સમય હતો અને નીસાન ૧૧નો દિવસ પૂરો થવા આવ્યો હતો. ઈસુના પૃથ્વી પરના સૌથી વ્યસ્ત દિવસો પણ પૂરા થવાને આરે આવ્યા હતા. દિવસે તે મંદિરમાં શીખવતા અને રાત્રે શહેર બહાર રહેતા. લોકોને ઈસુનું શિક્ષણ ખૂબ ગમતું હોવાથી, તેઓ “તેમને સાંભળવા વહેલી સવારે મંદિરમાં તેમની પાસે આવતા.” (લુક ૨૧:૩૭, ૩૮) હવે ઈસુ મંદિરમાં ફરી દેખાવાના ન હતા. તે જૈતૂન પહાડ પર પોતાના ચાર પ્રેરિતો પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન સાથે બેઠા હતા.

એ ચાર પ્રેરિતો એકાંતમાં ઈસુ પાસે આવ્યા હતા. ઈસુએ થોડા સમય પહેલાં જ મંદિર વિશે ભાખ્યું હતું કે, એનો એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ. એટલે, પ્રેરિતોને મંદિરની ચિંતા થતી હતી. તેઓને બીજું કંઈક પણ મૂંઝવી રહ્યું હતું. ઈસુએ તેઓને અગાઉ અરજ કરી હતી: “તમે પણ તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.” (લુક ૧૨:૪૦) તેમણે એ પણ જણાવ્યું હતું કે, “માણસના દીકરાને પ્રગટ કરવામાં આવશે.” (લુક ૧૭:૩૦) ઈસુની આ બધી વાતો અને મંદિર વિશે તેમણે હમણાં જે કહ્યું, એ શું કોઈક રીતે એકબીજા સાથે સંકળાયેલું હતું? પ્રેરિતો એ જાણવા ઘણા આતુર હતા. તેઓએ કહ્યું: “અમને જણાવો કે એ બનાવો ક્યારે બનશે અને તમારી હાજરીની તથા દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”—માથ્થી ૨૪:૩.

તેઓના મનમાં એમ હશે કે ત્યાંથી નજરે પડતા મંદિરનો વિનાશ થવાનો છે. વધુમાં, તેઓએ માણસના દીકરાની હાજરી વિશે પૂછ્યું. કદાચ તેઓને ઈસુએ આપેલું ઉદાહરણ યાદ આવ્યું હશે, જેમાં “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો, જેથી પોતાના માટે રાજસત્તા મેળવીને પાછો ફરે.” (લુક ૧૯:૧૧, ૧૨) તેઓના મનમાં એ સવાલ પણ હતો કે ‘દુનિયાના અંતના સમયે’ કેવા બનાવો બનશે.

ઈસુએ વિસ્તારથી જવાબ આપ્યો. તેમણે એક નિશાની આપી, જેનાથી પારખી શકાતું હતું કે યરૂશાલેમ અને એના મંદિરનો ક્યારે નાશ થશે. તેમણે વધુ માહિતી પણ આપી. એ નિશાનીથી ઈશ્વરભક્તો ભાવિમાં પારખી શકવાના હતા કે તેઓ ઈસુની “હાજરી” દરમિયાન જીવી રહ્યા છે અને આખી દુનિયાના અંતનો સમય નજીક આવ્યો છે.

વર્ષો વીતતાં ગયાં તેમ, પ્રેરિતો જોઈ શક્યા કે ઈસુની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. હા, તેમણે જણાવેલી ઘણી બાબતો તેઓના જીવનકાળમાં જ બનવા લાગી હતી. આમ, ઈસુની ભવિષ્યવાણીનાં ૩૭ વર્ષ પછી, ઈસવીસન ૭૦માં સજાગ ઈશ્વરભક્તો યરૂશાલેમ અને એના મંદિરના વિનાશ માટે તૈયાર હતા. જોકે, તેમણે ભાખેલી બધી જ બાબતો ઈ.સ. ૭૦ સુધીના સમયગાળામાં અને એ વર્ષમાં જ બની ન હતી. તો પછી, તે સ્વર્ગના રાજ્યમાં સત્તા પર આવશે ત્યારે, તેમની હાજરીને બતાવતી નિશાનીઓ કઈ હશે? તેમણે પ્રેરિતોને એનો જવાબ આપ્યો.

ઈસુએ ભાખ્યું કે, ‘યુદ્ધો અને યુદ્ધોની ખબરો સંભળાશે’ અને “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.” (માથ્થી ૨૪:૬, ૭) તેમણે એમ પણ કહ્યું કે, “મોટા મોટા ધરતીકંપો થશે અને એક પછી બીજી જગ્યાએ દુકાળો પડશે તથા ચેપી રોગો ફેલાશે.” (લુક ૨૧:૧૧) ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી: “લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે.” (લુક ૨૧:૧૨) જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણા લોકોને ખોટે માર્ગે દોરશે. દુષ્ટતા વધી જશે અને ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. વધુમાં, તેમણે જણાવ્યું, “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪.

રોમન સત્તાએ યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે અને એ અગાઉ ઈસુની ભવિષ્યવાણી અમુક હદે પૂરી થઈ હતી. પણ, શું ઈસુ એમ સૂચવતા હતા કે ભાવિમાં એ ભવિષ્યવાણી મોટા પાયે પૂરી થવાની છે? શું તમે એ પુરાવો જોઈ શકો છો કે ઈસુની મહત્ત્વની ભવિષ્યવાણી હાલમાં મોટા પાયે પૂરી થઈ રહી છે?

ઈસુએ પોતાની હાજરીની નિશાની આપતી વખતે એક વાત જણાવી હતી કે, “વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુ” દેખાશે. (માથ્થી ૨૪:૧૫) ઈ.સ. ૬૬માં, એ ધિક્કારપાત્ર વસ્તુ ‘ઘેરો નાખેલા’ રોમન સૈન્યના રૂપમાં દેખાઈ આવી; એ સૈન્ય પોતાના ઝંડાઓ લઈને આવ્યું હતું, જેને તેઓ પૂજતા હતા. રોમનોએ યરૂશાલેમને ઘેરી લીધું અને એની અમુક દીવાલોને નુકસાન પહોંચાડ્યું. (લુક ૨૧:૨૦) આમ, યહુદીઓ જે શહેરને ‘પવિત્ર જગ્યા’ ગણતા હતા, ત્યાં “ધિક્કારપાત્ર વસ્તુ” આવીને ઊભી રહી.

ઈસુએ આગળ ભાખ્યું: “એ સમયે એવી મહાન વિપત્તિ આવશે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી; ના, ફરી કદી થશે પણ નહિ.” ઈ.સ. ૭૦માં રોમન સૈન્યે યરૂશાલેમનો નાશ કર્યો. યહુદીઓના ‘પવિત્ર શહેર’ અને એના મંદિર પર થયેલો ઘાતક હુમલો એ મહાન વિપત્તિ સાબિત થયો. એમાં હજારો લોકો માર્યા ગયા. (માથ્થી ૪:૫; ૨૪:૨૧) આવો મોટો વિનાશ યરૂશાલેમ અને યહુદી પ્રજાએ પહેલા કદી જોયો ન હતો. આ વિનાશને કારણે એ ભક્તિની ગોઠવણનો અંત આવ્યો, જેને યહુદીઓ સદીઓથી અનુસરતા હતા. ઈસુએ ભાખેલા શબ્દો મોટા પાયે પૂરા થશે ત્યારે પણ એવી જ ભયાનક સ્થિતિ હશે.

છેલ્લા દિવસો દરમિયાન ભરોસો રાખવો

સ્વર્ગના રાજ્યમાં પોતાની હાજરીની અને દુનિયાના અંતના સમયની નિશાની વિશે ઈસુ અને પ્રેરિતોની વાતો હજુ પૂરી થઈ ન હતી. હવે, તેમણે તેઓને “જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો” પાછળ ન જવાની ચેતવણી આપી. તેમણે જણાવ્યું, ‘શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાને પણ ભમાવવાના’ પ્રયત્નો થશે. (માથ્થી ૨૪:૨૪) પરંતુ, આ પસંદ કરાયેલા લોકો ખોટા માર્ગે ફંટાઈ જશે નહિ. જૂઠા ખ્રિસ્તને નરી આંખે જોઈ શકાશે, પણ ઈસુની હાજરી અદૃશ્ય હશે.

દુનિયાના અંતના સમયે આવી પડનારી મહાન વિપત્તિ વિશે જણાવતા ઈસુએ કહ્યું: “સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે, આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.” (માથ્થી ૨૪:૨૯) પ્રેરિતોએ આ ભયંકર બનાવો વિશે સાંભળ્યું ત્યારે, તેઓ જાણતા ન હતા કે ખરેખર શું બનવાનું છે, પણ એનાથી તેઓને ચોક્કસ આઘાત લાગ્યો હશે.

એ આઘાતજનક બનાવોની મનુષ્યો પર કેવી અસર પડવાની હતી? ઈસુએ કહ્યું: “પૃથ્વી પર જે આવી પડવાનું છે, એના ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે, કેમ કે આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.” (લુક ૨૧:૨૬) હકીકતમાં, માનવ ઇતિહાસના સૌથી અંધકારમય સમયનું ઈસુ વર્ણન કરતા હતા.

ઈસુએ પ્રેરિતોને આશ્વાસન આપતા જણાવ્યું, ‘માણસનો દીકરો સામર્થ્ય તથા મહાન ગૌરવ સાથે આવશે’ ત્યારે કંઈ બધા લોકો વિલાપ કરતા નહિ હોય. (માથ્થી ૨૪:૩૦) તેમણે અગાઉ કહ્યું હતું કે, “પસંદ થયેલા લોકોને કારણે” ઈશ્વર પગલાં ભરશે. (માથ્થી ૨૪:૨૨) તો પછી, ઈસુએ જણાવેલા ભયાનક બનાવો બને ત્યારે વફાદાર શિષ્યોએ શું કરવું જોઈએ? ઈસુએ શિષ્યોને ઉત્તેજન આપતા કહ્યું: “આ બાબતો બનવાની શરૂ થાય તેમ, માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહો, કારણ કે તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે.”—લુક ૨૧:૨૮.

પરંતુ, ઈસુએ ભાખેલા સમયગાળામાં જીવતા શિષ્યો કઈ રીતે પારખી શકશે કે અંત નજીક છે? ઈસુએ અંજીરના ઝાડનું ઉદાહરણ આપ્યું: “એની કુમળી ડાળી ઊગે અને એના પર પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, તમે જ્યારે આ બધું થતું જુઓ, ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે. હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી જતી રહેશે નહિ.”—માથ્થી ૨૪:૩૨-૩૪.

આમ, નિશાનીનાં વિવિધ પાસાઓ પૂરાં થતાં જોઈને શિષ્યો પારખી શકવાના હતા કે અંત નજીક છે. એ મહત્ત્વના સમયે જે શિષ્યો જીવતા હશે, તેઓને સલાહ આપતા ઈસુએ કહ્યું:

“એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ. કારણ કે જેવું નુહના દિવસોમાં થયું હતું, એવું જ માણસના દીકરાની હાજરીના સમયે થશે. કેમ કે જેમ જળપ્રલય પહેલાંના દિવસોમાં જ્યાં સુધી નુહ વહાણની અંદર ગયા નહિ, ત્યાં સુધી લોકો ખાતાપીતા, માણસો પરણતા અને સ્ત્રીઓને પરણાવતા હતા; અને જળપ્રલય આવ્યો અને તેઓ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી, તેઓએ ધ્યાન આપ્યું નહિ; એવું જ માણસના દીકરાની હાજરીના સમયે પણ થશે.” (માથ્થી ૨૪:૩૬-૩૯) ઈસુ યાદ અપાવતા હતા કે જેમ નુહના દિવસોમાં આવેલા જળપ્રલયની અસર આખી દુનિયામાં થઈ હતી, તેમ આ દુનિયાના અંતના સમયે પણ થશે.

જૈતૂન પહાડ પર ઈસુની વાત સાંભળી રહેલા પ્રેરિતો સજાગ રહેવાની જરૂરિયાતને ચોક્કસ પારખી ગયા હશે. ઈસુએ કહ્યું: “પોતાના પર ધ્યાન આપો, જેથી અતિશય ખાવાપીવાથી તથા જીવનની ચિંતાઓના બોજથી તમારા હૃદયો દબાઈ ન જાય અને અચાનક એ દિવસ ઓચિંતો તમારા પર ફાંદાની જેમ આવી ન પડે. કેમ કે આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો પર એ આવી પડશે. એટલે, જાગતા રહો અને હર ઘડી વિનંતી કરતા રહો, જેથી જે ચોક્કસ થવાનું છે એ બધામાંથી તમે બચી શકો અને માણસના દીકરાની સામે તમે ઊભા રહી શકો.”—લુક ૨૧:૩૪-૩૬.

ઈસુએ ફરી ભાર મૂક્યો કે તેમની ભવિષ્યવાણી કોઈ ચોક્કસ સમય કે સ્થળ પૂરતી ન હતી. ઈસુ ફક્ત એ બનાવો વિશે ભવિષ્યવાણી કરી રહ્યા ન હતા, જે આવનાર અમુક દાયકાઓમાં બનવાના હતા અને એની અસર ફક્ત યરૂશાલેમ કે યહુદી પ્રજાને થવાની હતી. ના, તે તો એવા બનાવો વિશે જણાવી રહ્યા હતા, જેની અસર “આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો પર” થવાની હતી.

ઈસુ કહેતા હતા કે તેમના શિષ્યોએ સજાગ, સાવચેત અને તૈયાર રહેવું પડશે. એ ચેતવણી પર ભાર આપવા ઈસુએ બીજું એક ઉદાહરણ આપ્યું: “એક વાત જાણો: જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવશે, તો તે જાગતો રહ્યો હોત અને તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત. એ માટે તમે પણ તૈયાર રહો, કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવી રહ્યો છે.”—માથ્થી ૨૪:૪૩, ૪૪.

શિષ્યો નિરાશ ન થાય માટે ઈસુએ આશા બંધાવતા શબ્દો કહ્યા. તેમણે તેઓને ખાતરી આપી કે જ્યારે તેમની ભવિષ્યવાણી પૂરી થઈ રહી હશે, ત્યારે સજાગ અને ઉત્સાહી “ચાકર” હશે. પ્રેરિતો તરત જ સમજી શકે માટે ઈસુએ કહ્યું: “વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે, જેને તેના માલિકે પોતાના ઘરના સેવકો પર ઠરાવ્યો છે, જેથી તેઓને યોગ્ય સમયે ખોરાક આપે? એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ! હું તમને સાચે જ કહું છું, તે તેને પોતાની બધી માલમિલકત પર કારભારી ઠરાવશે.” પણ, જો એ “ચાકર” દુષ્ટ વલણ કેળવીને સાથી ચાકરો સાથે ખરાબ વ્યવહાર કરે, તો માલિક “તેને કડકમાં કડક સજા કરશે.”—માથ્થી ૨૪:૪૫-૫૧; સરખાવો: લુક ૧૨:૪૫, ૪૬.

ઈસુના કહેવાનો અર્થ એ ન હતો કે તેમના શિષ્યોમાંથી અમુક દુષ્ટ વલણ કેળવશે. તો પછી, શિષ્યોને તે કયો બોધપાઠ શીખવવા માંગતા હતા? ઈસુ ચાહતા હતા કે તેઓ સજાગ અને ઉત્સાહી રહે. આ મુદ્દા પર ભાર મૂકવા તેમણે બીજું એક ઉદાહરણ પણ આપ્યું.