સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૧૨

સજાગ રહેવા વિશે બોધપાઠ—કન્યાઓ

સજાગ રહેવા વિશે બોધપાઠ—કન્યાઓ

માથ્થી ૨૫:૧-૧૩

  • ઈસુ દસ કન્યાઓનું ઉદાહરણ આપે છે

પ્રેરિતોએ ઈસુને તેમની હાજરી વિશે અને દુનિયાના અંતની નિશાની વિશે પૂછ્યું હતું. ઈસુએ એનો જવાબ આપ્યો ત્યારે બીજું એક ઉદાહરણ પણ જણાવ્યું, જેમાં તેઓના ભલા માટે ચેતવણી હતી. જેઓ ઈસુની હાજરી દરમિયાન જીવતા હશે, તેઓ એ ઉદાહરણના શબ્દો પૂરા થતા જોશે.

તેમણે આમ કહીને ઉદાહરણની શરૂઆત કરી: “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતપોતાના દીવા લઈને વરરાજાને મળવા બહાર ગઈ. એમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજદાર હતી.”—માથ્થી ૨૫:૧, ૨.

ઈસુના કહેવાનો અર્થ એવો ન હતો કે સ્વર્ગના રાજ્યનો વારસો મેળવનારા શિષ્યોમાંથી અડધા મૂર્ખ અને અડધા સમજદાર હતા. ઈસુ તો એ સમજાવવા માંગતા હતા કે રાજ્ય વિશે તેમના દરેક શિષ્ય પાસે આ પસંદગી છે: તેઓ સજાગ રહે અથવા બેધ્યાન બને. જોકે, પોતાના દરેક શિષ્ય વફાદાર રહીને પિતા યહોવાના આશીર્વાદો મેળવી શકે છે, એ વાતની ઈસુને કોઈ શંકા ન હતી.

ઉદાહરણમાં, દસેદસ કન્યાઓ વરરાજાને આવકારવા અને લગ્‍નની જાનમાં સામેલ થવા બહાર ગઈ. વરરાજા આવે ત્યારે, કન્યાઓએ પોતાના દીવાઓ સળગાવીને રસ્તાને પ્રકાશિત કરી દેવાનો હતો. તૈયાર કરેલા ઘર તરફ નવવધૂને લઈ જતાં વરરાજાને માન આપવા તેઓએ એમ કરવાનું હતું. પછી, શું થયું?

ઈસુએ આગળ જણાવ્યું: “જેઓ મૂર્ખ હતી તેઓએ પોતાના દીવા તો લીધા, પણ સાથે વધારાનું તેલ લીધું ન હતું, જ્યારે કે સમજદાર હતી તેઓએ પોતાના દીવા સાથે કુપ્પીમાં વધારાનું તેલ લીધું હતું. વરરાજાને આવવામાં મોડું થતું હોવાથી, એ બધી કન્યાઓને ઊંઘ ચડી અને સૂઈ ગઈ.” (માથ્થી ૨૫:૩-૫) કન્યાઓને હતું કે વરરાજા જલદી જ આવશે, પણ તેને આવતા મોડું થયું. એવું લાગે છે કે ઘણો સમય લાગ્યો હોવાથી, કન્યાઓને ઊંઘ આવી ગઈ. એ સમયે પ્રેરિતોને કદાચ ઈસુએ કહેલું પેલું ઉદાહરણ યાદ આવ્યું હશે, જેમાં રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ જાય છે અને ‘છેવટે તે રાજસત્તા મેળવીને પાછો આવે છે.’—લુક ૧૯:૧૧-૧૫.

ઈસુએ પછી જણાવ્યું કે છેવટે વરરાજા આવે છે ત્યારે શું થાય છે: “અડધી રાતે પોકાર સંભળાયો કે, ‘વરરાજા આવે છે! તેને મળવા નીકળો.’” (માથ્થી ૨૫:૬) ત્યારે કન્યાઓની શું હાલત હતી? શું તેઓ તૈયાર હતી? સજાગ હતી?

ઈસુએ આગળ કહ્યું: “એટલે, બધી કન્યાઓ ઊઠી અને પોતપોતાના દીવા તૈયાર કર્યા. મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું: ‘તમારા તેલમાંથી અમને થોડું આપો, કેમ કે અમારા દીવા હોલવાઈ જવાની તૈયારીમાં છે.’ સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો: ‘કદાચ અમારા અને તમારા માટે એ પૂરતું નહિ હોય, માટે તેલ વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે ખરીદી લાવો.’”—માથ્થી ૨૫:૭-૯.

આમ, પાંચ મૂર્ખ કન્યાઓ સજાગ ન હતી અને તેઓ વરરાજાને આવકારવા માટે તૈયાર ન હતી. તેઓ પાસે પોતાના દીવાઓ માટે પૂરતું તેલ ન હતું, એટલે તેલ શોધવા નીકળવાનું હતું. ઈસુએ પછી જણાવ્યું: “તેઓ ખરીદવા ગઈ ત્યારે, વરરાજા આવી પહોંચ્યો. જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્‍નની મિજબાનીમાં ગઈ અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. પછી, બાકીની કન્યાઓ પણ આવી અને કહેવા લાગી, ‘સ્વામી, સ્વામી, અમારા માટે બારણું ખોલો!’ જવાબમાં તેણે કહ્યું: ‘હું તમને સાચું કહું છું કે હું તમને જાણતો નથી.’” (માથ્થી ૨૫:૧૦-૧૨) તેઓ તૈયાર અને સજાગ ન રહી, એનું કેવું દુઃખદ પરિણામ આવ્યું!

પ્રેરિતોને ખ્યાલ આવ્યો કે ઉદાહરણમાં જણાવેલ વરરાજા ઈસુને જ દર્શાવતા હતા. અગાઉ પણ ઈસુએ પોતાની સરખામણી વરરાજા સાથે કરી હતી. (લુક ૫:૩૪, ૩૫) અને સમજદાર કન્યાઓ વિશે શું? જેઓને રાજ્ય મળવાનું હતું એ “નાની ટોળી” વિશે ઈસુએ અગાઉ આમ કહ્યું હતું: “તૈયાર રહો અને તમારા દીવા સળગાવેલા રાખો.” (લુક ૧૨:૩૨, ૩૫) એટલે, પ્રેરિતો પારખી શક્યા કે સમજદાર કન્યાઓ તેઓને અને ઈસુના બીજા શિષ્યોને દર્શાવતી હતી. આ ઉદાહરણથી ઈસુ કયો સંદેશો આપી રહ્યા હતા?

ઈસુએ એ વિશે પોતાના સાંભળનારાઓને અંધારામાં ન રાખ્યા. ઉદાહરણને અંતે તેમણે ચેતવણી આપી: “તેથી, જાગતા રહો, કેમ કે તમે એ દિવસ કે એ ઘડી જાણતા નથી.”—માથ્થી ૨૫:૧૩.

આમ, ઈસુ પોતાના વફાદાર અનુયાયીઓને ચેતવણી આપતા હતા કે, તેમની હાજરી વિશે તેઓ ‘જાગતા રહે.’ તે જરૂર આવશે અને તેમના આગમન સમયે શિષ્યોએ તૈયાર અને સજાગ રહેવું પડશે, જેમ પાંચ સમજદાર કન્યાઓએ કર્યું હતું. એમ કરશે તો, તેઓનું ધ્યાન પોતાની અનમોલ આશાથી ફંટાઈ નહિ જાય અને તેઓ ઈશ્વર તરફથી મળનારા આશીર્વાદો પણ નહિ ગુમાવે.