સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૨૧

“હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે”

“હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે”

યોહાન ૧૬:૧-૩૩

  • પ્રેરિતો થોડા સમય પછી ઈસુને જોશે નહિ

  • પ્રેરિતોનો શોક આનંદમાં બદલાઈ જશે

પાસ્ખાનું ભોજન લીધા પછી, ઈસુ અને તેમના પ્રેરિતો ઉપરના ઓરડામાંથી બહાર નીકળ્યા. ઈસુએ તેઓને ઘણી સલાહ આપી હતી. હવે, તેમણે આગળ કહ્યું: “મેં તમને એ બધું જણાવ્યું છે, જેથી તમે ઠોકર ન ખાઓ.” એવી ચેતવણી કેમ જરૂરી હતી? તેમણે કહ્યું: “લોકો તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. અરે, એવો સમય આવશે, જ્યારે તમને મારી નાખનારા લોકો વિચારશે કે તેઓએ ઈશ્વરની પવિત્ર સેવા કરી છે.”—યોહાન ૧૬:૧, ૨.

પ્રેરિતો માટે કદાચ એ હચમચાવી નાખનારા સમાચાર હતા. ઈસુએ શરૂઆતમાં કહ્યું હતું, દુનિયા તેઓને ધિક્કારશે. પણ, તેમણે સીધેસીધું જણાવ્યું ન હતું કે તેઓને મારી નાખવામાં આવશે. શા માટે? તેમણે કહ્યું: “મેં તમને આ વાતો અગાઉ જણાવી ન હતી, કારણ કે હું તમારી સાથે હતો.” (યોહાન ૧૬:૪) તે હવે જતાં પહેલાં તેઓને ચેતવી રહ્યા હતા, જેથી તેઓ પછીથી ઠોકર ન ખાય.

ઈસુએ આગળ કહ્યું, “મને મોકલનારની પાસે હવે હું જાઉં છું; તોપણ, તમારામાંથી કોઈ મને પૂછતું નથી કે, ‘તમે ક્યાં જાઓ છો?’” થોડા કલાકો પહેલાં તેઓએ પૂછ્યું હતું કે તે ક્યાં જવાના છે. (યોહાન ૧૩:૩૬; ૧૪:૫; ૧૬:૫) પણ હવે, ઈસુએ સતાવણી વિશે જે કહ્યું, એ સાંભળીને તેઓ હચમચી ગયા હોવાથી દુઃખી હતા. એટલે, ઈસુને મળનાર ગૌરવ વિશે કે પછી સાચા ભક્તો માટે એનો શો અર્થ થાય, એ વિશે પૂછવાનું તેઓ ચૂકી ગયા. તેમણે કહ્યું: “મેં તમને એ વાતો જણાવી હોવાથી, તમારા દિલ શોકમાં ડૂબી ગયા છે.”—યોહાન ૧૬:૬.

ઈસુએ સમજાવ્યું, “હું તમને સાચું કહું છું કે હું તમારા ભલા માટે જઈ રહ્યો છું. કેમ કે હું ન જાઉં તો સહાયક તમારી પાસે આવશે નહિ; પણ, જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલીશ.” (યોહાન ૧૬:૭) ઈસુ મરણ પામે અને સ્વર્ગમાં જાય, એ પછી જ તેમના શિષ્યો પવિત્ર શક્તિ મેળવી શકે એમ હતા. પોતાના લોકોના સહાયક તરીકે એ શક્તિને તે પૃથ્વી પર ગમે ત્યાં મોકલી શકતા હતા.

પવિત્ર શક્તિ “દુનિયાને પાપ વિશે, ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ખરું શું છે એના વિશે અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવતા પુરાવા આપશે.” (યોહાન ૧૬:૮) હા, ઈશ્વરના દીકરામાં શ્રદ્ધા બતાવી ન હોવાથી દુનિયાનાં કામો જલદી જ ખુલ્લાં પડવાનાં હતાં. ઈસુ સ્વર્ગમાં જાય ત્યારે એની સાબિતી મળવાની હતી કે તે નેક છે. એ પણ જાહેર થવાનું હતું કે શા માટે ‘દુનિયાનો શાસક’ શેતાન ભારે ન્યાયચુકાદાને લાયક છે.—યોહાન ૧૬:૧૧.

તેમણે આગળ કહ્યું, “મારે તમને હજુ ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે એ સમજી શકો એમ નથી.” ઈસુ તેઓ પર પવિત્ર શક્તિ રેડવાના હતા. એનાથી તેઓ “સત્ય પૂરેપૂરું” સમજવાના હતા અને એ પ્રમાણે જીવી શકવાના હતા.—યોહાન ૧૬:૧૨, ૧૩.

ઈસુએ આગળ જે કહ્યું, એ સાંભળીને પ્રેરિતો અચંબામાં પડ્યા: “થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે ફરીથી મને જોશો.” શિષ્યો એ વિશે પૂછવા માંગે છે, એ જાણીને તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમે રડશો અને વિલાપ કરશો, પણ દુનિયા આનંદ કરશે; તમે શોક કરશો, પણ તમારો શોક ખુશીમાં બદલાઈ જશે.” (યોહાન ૧૬:૧૬, ૨૦) બીજા દિવસે બપોરે ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, ધર્મગુરુઓએ આનંદ મનાવ્યો પણ શિષ્યોએ શોક કર્યો. પછી, ઈસુ સજીવન થયા ત્યારે એ શોક ખુશીમાં બદલાઈ ગયો! ઈસુએ તેઓ પર ઈશ્વરની પવિત્ર શક્તિ રેડી ત્યારે તેઓ ખુશી મનાવતા રહ્યા.

ઈસુએ પ્રેરિતોની સ્થિતિની સરખામણી બાળકને જન્મ આપતી સ્ત્રીની વેદના સાથે કરી: “પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કેમ કે બાળકને જન્મ આપવાનો સમય આવી ગયો છે. પણ, બાળકને જન્મ આપ્યા પછી તે વેદના ભૂલી જાય છે, કેમ કે દુનિયામાં બાળક આવ્યું એની તેને ખુશી થાય છે.” તેમણે પ્રેરિતોને આમ કહીને ઉત્તેજન આપ્યું, “તમે પણ હમણાં શોકમાં છો; પણ, હું તમને ફરીથી મળીશ અને તમારા દિલ ખુશ થશે અને કોઈ તમારી ખુશી છીનવી લેશે નહિ.”—યોહાન ૧૬:૨૧, ૨૨.

પ્રેરિતોએ પ્રાર્થનામાં પહેલાં કદી ઈસુના નામમાં વિનંતી કરી ન હતી. ઈસુએ હવે કહ્યું: “એ દિવસે તમે મારા નામમાં પિતાને વિનંતી કરશો.” તેઓએ કેમ એવું કરવાનું હતું? એવું ન હતું કે પિતા પ્રાર્થનાનો જવાબ આપતા ન હતા. તેમણે તો કહ્યું હતું: “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને તમે ભરોસો કર્યો છે કે ઈશ્વરે મને મોકલ્યો છે.”—યોહાન ૧૬:૨૬, ૨૭.

ઈસુના એ ઉત્તેજનકારક શબ્દોથી પ્રેરિતોને હિંમત મળી હશે. એટલે, તેઓ કહી શક્યા: “એ પરથી અમે માનીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.” તેઓના એ ભરોસાની જલદી જ પરખ થવાની હતી. હવે શું બનવાનું છે, એ વિશે ઈસુએ કહ્યું: “જુઓ! એવી ઘડી આવી રહી છે, હકીકતમાં, આવી પહોંચી છે, જ્યારે તમે બધા વિખેરાઈ જઈને પોતપોતાના ઘરે ચાલ્યા જશો અને તમે મને એકલો છોડી દેશો.” પરંતુ, તેઓને ખાતરી આપતા ઈસુએ કહ્યું: “મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારા દ્વારા તમને શાંતિ મળે. દુનિયામાં તમારા પર તકલીફો આવશે, પણ હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે.” (યોહાન ૧૬:૩૦-૩૩) ઈસુએ શિષ્યોને છોડી દીધા ન હતા. તેમને ખાતરી હતી કે તેઓ વફાદારીથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે, પછી ભલે શેતાન અને તેની દુનિયા તેઓની શ્રદ્ધા તોડવા ઘણા પ્રયત્નો કરે. આમ, તેમને ખાતરી હતી કે પોતાની જેમ શિષ્યો પણ દુનિયા પર જીત મેળવી શકે છે.