સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૨

“ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો”

“ખરેખર, આ ઈશ્વરનો દીકરો હતો”

માથ્થી ૨૭:૪૫-૫૬ માર્ક ૧૫:૩૩-૪૧ લુક ૨૩:૪૪-૪૯ યોહાન ૧૯:૨૫-૩૦

  • ઈસુ વધસ્તંભ પર મરણ પામે છે

  • ઈસુના મરણ સમયે અદ્‍ભુત ઘટનાઓ

હવે, બપોરના “બારેક વાગ્યા” હતા. “આખા દેશમાં અંધારું છવાઈ ગયું, જે બપોરના ત્રણેક વાગ્યા સુધી રહ્યું.” (માર્ક ૧૫:૩૩) એ ભયાવહ અંધારું કંઈ સૂર્યગ્રહણને લીધે ન હતું. સૂર્યગ્રહણ અમાસ પછીના પહેલા દિવસે થાય છે. પણ, ત્યારે તો પાસ્ખાનો સમયગાળો હતો, જ્યારે પૂનમ હોય છે. ગ્રહણ વખતે થતા અંધારા કરતાં, આ અંધારું લાંબો સમય રહ્યું. એનો અર્થ એમ કે, એ ઈશ્વર તરફથી હતું!

જરા વિચારો, ઈસુની મશ્કરી કરનારાઓની એ સમયે કેવી હાલત થઈ હશે! એ અંધારામાં ચાર સ્ત્રીઓ વધસ્તંભ પાસે ગઈ. તેઓ ઈસુની મા, શલોમી, મરિયમ માગદાલેણ અને નાના યાકૂબની મા મરિયમ હતી.

“વધસ્તંભ” નજીક, પ્રેરિત યોહાન સાથે ઊભેલી ઈસુની મા રડી રહી હતી. પોતાની કૂખે જન્મ લેનાર અને પોતે પાળીને મોટા કરેલા દીકરાને મરિયમ વધસ્તંભે રિબાતા જોઈ રહી હતી. એ તો જાણે ‘લાંબી તલવાર’ આરપાર નીકળી ગઈ હોય, એવી મરિયમની હાલત હતી. (યોહાન ૧૯:૨૫; લુક ૨:૩૫) ઈસુને અસહ્ય પીડા થતી હોવા છતાં, તે પોતાની મા વિશે વિચારી રહ્યા હતા. તેમણે યોહાન તરફ માથાથી ઇશારો કરીને મરિયમને કહ્યું: “મા, તે હવેથી તારો દીકરો છે.” પછી, મરિયમ તરફ ઇશારો કરીને તેમણે યોહાનને કહ્યું: “તે હવેથી તારી મા છે.”—યોહાન ૧૯:૨૬, ૨૭.

ઈસુની મા વિધવા હોવાથી, તેમણે તેની સંભાળ રાખવાનું કામ પોતાના વહાલા પ્રેરિતને સોંપ્યું. ઈસુ જાણતા હતા કે મરિયમના બીજા દીકરાઓ, એટલે કે પોતાના સાવકા ભાઈઓએ હજી તેમનામાં શ્રદ્ધા નહોતી મૂકી. એટલે, તેમણે માતાની દેખરેખ રાખવા તેમજ ભક્તિને લગતી જરૂરિયાતો પૂરી પાડવા ગોઠવણો કરી. કેટલું સરસ ઉદાહરણ!

બપોરે ત્રણેક વાગ્યે ઈસુએ કહ્યું: “મને તરસ લાગી છે.” તેમના એ શબ્દોમાં શાસ્ત્રવચન પૂરું થયું. (યોહાન ૧૯:૨૮; ગીતશાસ્ત્ર ૨૨:૧૫) ઈસુએ અનુભવ્યું કે, પોતાની વફાદારીની પૂરી કસોટી થાય એ માટે પિતાએ તેમના પરથી રક્ષણ હટાવી દીધું છે. પછી, ખ્રિસ્ત પોકારી ઊઠ્યા: “એલી, એલી, લામા સાબાખ્થાની?” તે કદાચ ગાલીલી બોલીમાં એ અરામિક શબ્દો બોલ્યા હતા, જેનો અર્થ થાય, “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?” ત્યાં ઊભેલા અમુક લોકો એ બરાબર સમજ્યા નહિ, તેઓ કહેવા લાગ્યા: “જુઓ! તે એલિયાને બોલાવે છે.” ત્યારે તેઓમાંથી કોઈ દોડીને ગયો અને ખાટા દ્રાક્ષદારૂમાં વાદળી બોળીને લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપી. પણ બીજાઓએ કહ્યું: “તેને રહેવા દો! આપણે જોઈએ કે એલિયા તેને નીચે ઉતારવા આવે છે કે નહિ.”—માર્ક ૧૫:૩૪-૩૬.

પછી, ઈસુ પોકારી ઊઠ્યા: “બધું પૂરું થયું છે!” (યોહાન ૧૯:૩૦) હા, તેમના પિતાએ જે કામ માટે પૃથ્વી પર મોકલ્યા હતા, એ બધું તેમણે પૂરું કર્યું. છેલ્લે, ઈસુએ કહ્યું: “હે પિતા, હું મારું જીવન તમારા હાથમાં સોંપું છું.” (લુક ૨૩:૪૬) તેમને ખાતરી હતી કે ઈશ્વર તેમને સજીવન કરશે. આ રીતે, ઈશ્વરમાં અપાર ભરોસો રાખીને ખ્રિસ્તે પોતાની ડોક ઢાળી દીધી અને તે મરણ પામ્યા. આમ, ઈસુએ પોતાનું જીવન યહોવાને સોંપી દીધું.

ત્યારે ભારે ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા. એ ધરતીકંપ એટલો જબરજસ્ત હતો કે યરૂશાલેમની બહાર આવેલી કબરો ખુલી ગઈ અને એમાંથી શબ બહાર ફેંકાયાં. ત્યાંથી પસાર થનારાઓએ એ શબ જોયાં. તેઓ “પવિત્ર શહેરમાં” આવ્યા ત્યારે, પોતે જે જોયું હતું એની સાક્ષી આપી.—માથ્થી ૧૨:૧૧; ૨૭:૫૧-૫૩.

જ્યારે ઈસુ મરણ પામ્યા, ત્યારે ઈશ્વરના મંદિરમાં પવિત્ર અને પરમ પવિત્રને અલગ પાડતો લાંબો અને ભારે પડદો બે ભાગમાં, ઉપરથી નીચે સુધી ચિરાઈ ગયો. આ અદ્‍ભુત ઘટના બતાવતી હતી કે, પોતાના દીકરાને મારી નાખનારાઓ પર ઈશ્વર ગુસ્સે છે તેમજ પરમ પવિત્ર જગ્યા, સ્વર્ગમાં જવું હવે શક્ય બન્યું છે.—હિબ્રૂઓ ૯:૨, ૩; ૧૦:૧૯, ૨૦.

દેખીતું છે કે લોકો ઘણા ગભરાયા. ત્યાં ફરજ પર ઊભેલા લશ્કરી અધિકારીએ કહ્યું: “ખરેખર, આ માણસ ઈશ્વરનો દીકરો હતો.” (માર્ક ૧૫:૩૯) પીલાત આગળ ચાલેલા મુકદ્દમામાં ઈસુ સાચે જ ઈશ્વરના દીકરા છે કે નહિ, એની ચર્ચા થતી હતી ત્યારે કદાચ એ અધિકારી ત્યાં હાજર હતો. હવે, તેને પૂરી ખાતરી થઈ કે ઈસુ નેક હતા, ઈશ્વરના દીકરા હતા.

આ અદ્‍ભુત ઘટનાઓથી સ્તબ્ધ થઈ ગયેલા લોકો “છાતી કૂટતા” ઘરે પાછા ફર્યા. આ રીતે તેઓ શોક અને શરમ વ્યક્ત કરી રહ્યા હતા. (લુક ૨૩:૪૮) દૂરથી આ બધું જોઈ રહેલાઓમાં ઈસુની ઘણી શિષ્યાઓ હતી. તેઓએ તેમની સાથે કેટલીક વાર મુસાફરી કરી હતી. આ મહત્ત્વની ઘટનાઓની તેઓ પર પણ ઊંડી છાપ પડી હતી.