સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૬

ગાલીલ સરોવરને કિનારે

ગાલીલ સરોવરને કિનારે

યોહાન ૨૧:૧-૨૫

  • ગાલીલ સરોવરે ઈસુ દેખાય છે

  • પીતર અને બીજાઓએ ઘેટાંને ખવડાવવાનું છે

પ્રેરિતો સાથેની છેલ્લી સાંજે ઈસુએ તેઓને કહ્યું હતું: “મને ઉઠાડવામાં આવશે પછી હું તમારી આગળ ગાલીલ જઈશ.” (માથ્થી ૨૬:૩૨; ૨૮:૭, ૧૦) હવે, તેમના ઘણા શિષ્યો ગાલીલ પહોંચ્યા. તેઓએ ત્યાં શું કરવાનું હતું?

એક સમયે પીતરે બીજા છ પ્રેરિતોને કહ્યું: “હું માછલીઓ પકડવા જાઉં છું.” તેઓ બધાએ કહ્યું: “અમે પણ તારી સાથે આવીએ છીએ.” (યોહાન ૨૧:૩) આખી રાત તેઓને એક પણ માછલી મળી નહિ. થોડું અજવાળું થયું ત્યારે, ઈસુ કિનારે દેખાયા. પણ, તેઓને ખ્યાલ ન આવ્યો કે એ કોણ છે. ઈસુએ બૂમ પાડી: “બાળકો, શું તમારી પાસે કંઈ ખાવાનું છે?” તેઓએ જવાબ આપ્યો: “ના!” તેમણે તેઓને કહ્યું: “હોડીની જમણી બાજુ જાળ નાખો અને તમને થોડી માછલીઓ મળશે.” (યોહાન ૨૧:૫, ૬) તેઓએ એટલી બધી માછલીઓ પકડી કે તેઓ જાળ ખેંચી શક્યા નહિ.

યોહાને પીતરને કહ્યું: “એ તો પ્રભુ છે!” (યોહાન ૨૧:૭) પીતરે તરત જ ઝભ્ભો પહેરી લીધો, જે તેમણે માછલીઓ પકડતી વખતે કાઢી નાખ્યો હતો. તે સરોવરમાં કૂદી પડ્યા અને આશરે ૯૦ મીટર જેટલું તરીને કિનારે પહોંચ્યા. હોડીમાંના બીજાઓ માછલીઓ ભરેલી ભારે જાળ ખેંચતાં ખેંચતાં કિનારે આવી પહોંચ્યા.

કિનારે આવીને તેઓએ જોયું તો, “બળતા કોલસા પર માછલીઓ મૂકેલી હતી અને રોટલી પણ હતી.” ઈસુએ કહ્યું: “હમણાં તમે જે માછલીઓ પકડી, એમાંથી થોડી અહીં લાવો.” પીતર જાળ ખેંચી લાવ્યા; એમાં ૧૫૩ મોટી મોટી માછલીઓ હતી! ઈસુએ કહ્યું: “આવો, નાસ્તો કરી લો.” તે ઈસુ છે, એવી ખબર પડી હોવાથી શિષ્યોમાંથી કોઈએ એવું પૂછવાની હિંમત ન કરી કે, “તમે કોણ છો?” (યોહાન ૨૧:૧૦-૧૨) શિષ્યો ભેગા થયા હતા ત્યારે, આ ત્રીજી વખત ઈસુ તેઓને દેખાયા.

ઈસુએ તેઓ દરેકને થોડી રોટલી અને માછલી ખાવા આપ્યા. પછી, કદાચ માછલીઓના ઢગલા તરફ જોઈને ઈસુએ પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” પીતરને શાનાથી વધારે લગાવ હતો, ઈસુએ સોંપેલા કામથી કે માછીમારીના ધંધાથી? પીતરે જવાબ આપ્યો: “હા પ્રભુ, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” એટલે, ઈસુએ તેમને વિનંતી કરી: “મારાં ઘેટાંને ખવડાવ.”—યોહાન ૨૧:૧૫.

ઈસુએ ફરી તેમને પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” એ સાંભળીને પીતર મૂંઝાઈ ગયા હશે. પણ, તેમણે ઉત્સાહથી જવાબ આપ્યો: “હા પ્રભુ, તમે જાણો છો કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ કહ્યું: “મારાં ઘેટાંની સંભાળ રાખ.”—યોહાન ૨૧:૧૬.

ત્રીજી વાર ઈસુએ પૂછ્યું: “યોહાનના દીકરા સિમોન, શું તને મારા પર પ્રેમ છે?” પીતરને લાગ્યું હશે કે ઈસુ તેમની વફાદારી પર શંકા કરે છે કે કેમ. તેમણે ભારપૂર્વક કહ્યું: “પ્રભુ, તમે બધું જાણો છો; તમને ખબર છે કે મને તમારા પર પ્રેમ છે.” ઈસુએ ફરીથી ભાર મૂક્યો કે પીતરે શું કરવું જોઈએ: “મારાં ઘેટાંને ખવડાવ.” (યોહાન ૨૧:૧૭) હા, આગેવાની લેતા ભાઈઓની જવાબદારી છે કે તેઓ ઈશ્વરના વાડામાં આવી રહેલાઓનું ધ્યાન રાખે.

ઈશ્વરે સોંપેલું કામ કરવાને લીધે ઈસુને પકડવામાં આવ્યા અને મારી નાખવામાં આવ્યા. હવે, તેમણે જણાવ્યું કે પીતર સાથે પણ એવું જ થશે. ઈસુએ કહ્યું: “તું યુવાન હતો ત્યારે, તારી જાતે કપડાં પહેરતો અને મન ફાવે ત્યાં જતો. પરંતુ, તું ઘરડો થશે ત્યારે, તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ માણસ તને કપડાં પહેરાવશે અને તને જ્યાં જવું નહિ હોય ત્યાં તને લઈ જશે.” પછી, ઈસુએ તેને અરજ કરી: “મારી પાછળ ચાલતો રહે.”—યોહાન ૨૧:૧૮, ૧૯.

પીતરે પ્રેરિત યોહાન સામે જોયું અને પૂછ્યું: “પ્રભુ, આ માણસનું શું થશે?” ઈસુના એ વહાલા પ્રેરિતનું ભાવિમાં શું થવાનું હતું? ઈસુએ જવાબ આપ્યો: “જો મારી ઇચ્છા હોય કે હું આવું ત્યાં સુધી તે રહે, તો એમાં તારે શું?” (યોહાન ૨૧:૨૧-૨૩) બીજાઓ શું કરે છે, એની ચિંતા કર્યા વગર પીતરે ઈસુ પાછળ ચાલવાનું હતું. ઈસુ એમ પણ સૂચવતા હતા કે, બીજા પ્રેરિતોના મરણ પછી યોહાન જીવતા હશે અને રાજા બનેલા ઈસુનું દર્શન તેમને જોવા મળશે.

સાચે જ, ઈસુએ બીજું ઘણું કર્યું હતું, એ વિશે લખવામાં આવે તો ઘણા વીંટાઓમાં પણ ન સમાય.