સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૩૮

ઈશ્વરને જમણે હાથે ખ્રિસ્ત

ઈશ્વરને જમણે હાથે ખ્રિસ્ત

પ્રેરિતોનાં કાર્યો ૭:૫૬

  • ઈશ્વરને જમણે હાથે ઈસુ બેસે છે

  • શાઊલ શિષ્ય બને છે

  • ખુશ થવા આપણી પાસે કારણ છે

ઈસુ આકાશમાં ગયા, એને દસ દિવસો વીતી ગયા હતા. પછી, પચાસમા દિવસે શિષ્યો પર પવિત્ર શક્તિ રેડાઈ ત્યારે, એ પુરવાર થયું કે ઈસુ હવે સ્વર્ગમાં છે. એ વાતનો બીજો એક પુરાવો થોડા જ સમયમાં મળ્યો. ઈસુના શિષ્ય સ્તેફનને ઈશ્વરનો સંદેશો જણાવવા બદલ પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પણ, મરણ પામતા પહેલાં તે બોલી ઊઠ્યા: “જુઓ! હું આકાશને ખુલ્લું થયેલું અને માણસના દીકરાને ઈશ્વરના જમણા હાથે ઊભા રહેલા જોઉં છું.”—પ્રેરિતોનાં કાર્યો ૭:૫૬.

સ્વર્ગમાં પિતા સાથે રહેતા ઈસુ એક ખાસ હુકમની રાહ જોતા હતા, જે વિશે શાસ્ત્રવચનોમાં ભવિષ્યવાણી હતી. દાઊદે ઈશ્વર પ્રેરણાથી લખ્યું હતું: “યહોવાએ મારા પ્રભુને [ઈસુને] કહ્યું, કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” આમ, ઈસુએ અમુક સમય રાહ જોવાની હતી, પછી તે ‘તેમના શત્રુઓ ઉપર રાજ કરવાના’ હતા. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨) દુશ્મનો સામે પગલાં લેવાનો સમય આવે, ત્યાં સુધી રાહ જોવા ઉપરાંત ઈસુએ બીજું શું કર્યું?

ઈસવીસન ૩૩માં પચાસમા દિવસે ખ્રિસ્તી મંડળ રચાયું. પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા લોકો પર ઈસુ સ્વર્ગમાંથી રાજ કરવા લાગ્યા. (કોલોસીઓ ૧:૧૩) તેમણે શિષ્યોને પ્રચારકાર્યમાં દોરવણી આપી તેમજ ભવિષ્યમાં તેઓ જે જવાબદારી નિભાવવાના હતા એના માટે તૈયાર કર્યા. કઈ જવાબદારી? મરણ સુધી વફાદાર રહેનારા શિષ્યો સજીવન થયા પછી, ઈસુ સાથે સાથી રાજાઓ તરીકે રાજ કરવાના હતા.

તેઓમાં શાઊલનો દાખલો જોરદાર છે, જે ભાવિમાં ઈસુ સાથે રાજા બનવાના હતા. તે પોતાના રોમન નામ પાઊલથી જાણીતા હતા. તે યહુદી હતા અને ઈશ્વરના નિયમશાસ્ત્ર માટે વર્ષોથી ખૂબ ઉત્સાહી હતા. પરંતુ, યહુદી ધર્મગુરુઓએ શાઊલને એ હદે ગેરમાર્ગે દોર્યા હતા કે સ્તેફનને મોતને ઘાટ ઉતારવા તેમણે મંજૂરી આપી. ‘શાઊલ પ્રભુના શિષ્યો માટે ખતરારૂપ હતા અને તેઓને મારી નાખવાનું ઝનૂન તેમના પર સવાર હતું.’ એટલે, તે દમસ્ક જવા નીકળી ગયા. પ્રમુખ યાજક કાયાફાસે ઈસુના શિષ્યોને પકડીને પાછા યરૂશાલેમ લાવવાની તેમને સત્તા આપી હતી. (પ્રેરિતોનાં કાર્યો ૭:૫૮; ૯:૧) પરંતુ, શાઊલ હજુ રસ્તામાં હતા ત્યારે, તેમની આસપાસ પ્રકાશ ઝળહળી ઊઠ્યો અને તે જમીન પર પડ્યા.

તેમને કોઈ અદૃશ્ય વ્યક્તિનો અવાજ સંભળાયો: “શાઊલ, શાઊલ, તું શા માટે મારા પર જુલમ કરે છે?” શાઊલે પૂછ્યું: “પ્રભુ, તમે કોણ છો?” તેમને જવાબ મળ્યો: “હું ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે.”—પ્રેરિતોનાં કાર્યો ૯:૪, ૫.

ઈસુએ શાઊલને દમસ્ક શહેરમાં જવા કહ્યું. ત્યાં તેમણે વધારે માર્ગદર્શન માટે રાહ જોવાની હતી. ચમત્કારિક પ્રકાશે તેમને આંધળા કરી દીધા હોવાથી, બીજા માણસો તેમને શહેરમાં દોરી ગયા. બીજા એક દર્શનમાં ઈસુ અનાન્યાને દેખાયા. તે દમસ્કમાં રહેતા હતા અને ઈસુના શિષ્ય હતા. ઈસુએ તેમને અમુક જગ્યાએ જઈને શાઊલને મળવા કહ્યું. અનાન્યા એમ કરતા અચકાતા હતા, પણ ઈસુએ તેમની હિંમત બંધાવતા કહ્યું: “આ માણસ મારું પસંદ કરેલું પાત્ર છે. તે બીજી પ્રજાઓ, રાજાઓ તથા ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે.” પછી, શાઊલને દેખતા કરવામાં આવ્યા અને દમસ્કમાં ‘તે પ્રચાર કરવા લાગ્યા કે ઈસુ એ ઈશ્વરના દીકરા છે.’—પ્રેરિતોનાં કાર્યો ૯:૧૫, ૨૦.

ઈસુનો સાથ હોવાથી, પાઊલ અને બીજા શિષ્યો એ પ્રચાર કરવા લાગ્યા, જેની ઈસુએ શરૂઆત કરી હતી. ઈશ્વરે તેઓને એમાં મોટી સફળતા અપાવી. દમસ્ક જતાં રસ્તે પાઊલને ઈસુ દેખાયા, એના આશરે ૨૫ વર્ષો પછી તેમણે લખ્યું કે ખુશખબર “આકાશ નીચેની સર્વ સૃષ્ટિને જાહેર કરવામાં આવી હતી.”—કોલોસીઓ ૧:૨૩.

વર્ષો પછી ઈસુએ તેમના વહાલા પ્રેરિત યોહાનને અનેક દર્શનો આપ્યાં, જે પ્રકટીકરણના પુસ્તકમાં જોવા મળે છે. યોહાને પોતાના જીવનકાળમાં મેળવેલાં દર્શનોમાં ઈસુને રાજસત્તામાં આવતા જોયા. (યોહાન ૨૧:૨૨) યોહાન ‘પવિત્ર શક્તિની પ્રેરણાથી પ્રભુના દિવસમાં આવ્યા.’ (પ્રકટીકરણ ૧:૧૦) એ દિવસ ક્યારે શરૂ થયો?

બાઇબલ ભવિષ્યવાણીઓનો ધ્યાનથી અભ્યાસ કરવાથી જાણવા મળે છે કે હાલના સમયમાં ‘પ્રભુનો દિવસ’ શરૂ થઈ ગયો છે. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એ પછીના દાયકાઓમાં અનેક યુદ્ધો, રોગચાળો, ભૂખમરો અને ધરતીકંપો થયાં. આ અને બીજા પુરાવાઓ શું બતાવે છે? એ જ કે ઈસુએ પોતાની “હાજરી” તથા ‘દુનિયાના અંત’ વિશે પ્રેરિતોને જે “નિશાની” આપી હતી, એ મોટા પાયે પૂરી થઈ રહી છે. (માથ્થી ૨૪:૩, ૭, ૮, ૧૪) રાજ્યની ખુશખબરનો પ્રચાર હવે બધે થઈ રહ્યો છે, ફક્ત રોમન સામ્રાજ્યના વિસ્તારમાં જ નહિ, પણ આખી દુનિયા ફરતે.

એનો અર્થ શું થાય એ યોહાને ઈશ્વર પ્રેરણાથી સમજાવ્યું: “જુઓ! આપણા ઈશ્વર લોકો માટે તારણ લાવ્યા છે, તેમની શક્તિ જાહેર થઈ છે, તેમનું રાજ્ય સ્થપાયું છે અને તેમના ખ્રિસ્તે સત્તા ચલાવવાનું શરૂ કર્યું છે.” (પ્રકટીકરણ ૧૨:૧૦) ઈસુએ લોકોને સ્વર્ગના રાજ્ય વિશે જણાવ્યું હતું. હા, ઈશ્વરનું એ રાજ્ય સાચે જ હકીકત છે!

ઈસુના બધા વફાદાર શિષ્યો માટે એ ખુશીના સમાચાર છે! યોહાનના આ શબ્દો તેઓએ ધ્યાનમાં લેવા જોઈએ: “એટલા માટે, ઓ સ્વર્ગ અને એમાં રહેનારાઓ, તમે આનંદ કરો! પૃથ્વી તથા સમુદ્રને અફસોસ, કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે અને તે ઘણો ગુસ્સે ભરાયો છે, કારણ કે તે જાણે છે કે તેની પાસે થોડો જ સમય છે.”—પ્રકટીકરણ ૧૨:૧૨.

આમ, યહોવા પિતાને જમણે હાથે બેસીને ઈસુ રાહ જોઈ રહ્યા નથી. તે તો રાજા તરીકે રાજ કરી રહ્યા છે અને જલદી જ બધા દુશ્મનોનો નાશ કરી નાખશે. (હિબ્રૂઓ ૧૦:૧૨, ૧૩) એ પછી કેવા રોમાંચક બનાવો બનશે?