સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૬

દોસ્તોના દબાણનો સામનો હું કઈ રીતે કરી શકું?

દોસ્તોના દબાણનો સામનો હું કઈ રીતે કરી શકું?

એ જાણવું મહત્ત્વનું છે

જો તમે નિર્ણયમાં મક્કમ રહેશો, તો તમારા જીવન પર બીજા કોઈનો નહિ, તમારો કાબૂ હશે.

તમે શું કરશો?

આની કલ્પના કરો: બ્રાયન તેના બે દોસ્તોને પોતાની તરફ આવતા જોઈને ટેન્શનમાં આવી જાય છે. આ અઠવાડિયામાં તેઓએ બ્રાયનને સ્મોકિંગ કરવા બે વખત દબાણ કર્યું છે. હવે, આ ત્રીજી વાર છે.

પહેલો છોકરો કહે છે:

“ફરીથી એકલો? ચલ, તને એક દોસ્ત સાથે મળાવું.”

તે “દોસ્ત” શબ્દ પર ભાર મૂકતા આંખ મારીને ખિસ્સામાંથી કંઈક કાઢે છે અને બ્રાયન આગળ ધરે છે.

બ્રાયન તેની આંગળીઓ વચ્ચે સિગારેટ જુએ છે. બ્રાયનના ધબકારા વધી જાય છે.

બ્રાયન કહે છે: “સોરી, મેં તને પહેલેથી જ જણાવ્યું છે કે હું નથી પીતો . . .”

બીજો છોકરો તરત બોલી ઊઠ્યો: “ડરપોક ન બન!”

બ્રાયન હિંમત ભેગી કરીને જણાવે છે: “હું ડરપોક નથી!”

બીજો છોકરો બ્રાયનના ખભા પર હાથ મૂકીને ધીરેથી કહે છે: “લઈ લે યાર.”

પહેલો છોકરો બ્રાયનના મોં પાસે સિગારેટ લાવીને ધીરેથી કહે છે: “કોઈને નહિ કહીએ. કોઈને ખબર પણ નહિ પડે.”

જો તમે બ્રાયન હો, તો તમે શું કરશો?

થોભો અને વિચારો!

શું બ્રાયનના દોસ્તોએ વિચાર કર્યો હશે કે પોતે શું કરે છે? શું તેઓએ જાતે જ પસંદગી કરી હશે? એવું ન પણ હોય. તેઓએ બીજાઓની વાતમાં આવી જઈને એમ કર્યું હોય શકે. તેઓ બીજાઓથી જુદા પડવા નથી માંગતા, એટલે તેઓના ઇશારે નાચે છે.

તમે એવા સંજોગોમાં આવી જાઓ તો, કઈ રીતે અલગ રસ્તો લઈ શકો અને દોસ્તોના દબાણનો સામનો કરી શકો?

  1. ૧ અગાઉથી તૈયાર રહો

    શાસ્ત્ર કહે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”—નીતિવચનો ૨૨:૩.

    ઘણી વાર તમે અગાઉથી મુશ્કેલી જોઈ શકો છો. દાખલા તરીકે, તમે દૂરથી દોસ્તોને સ્મોકિંગ કરતા જુઓ છો. મુશ્કેલી આવી શકે છે, એ જોઈને તમે એનો સામનો કરવા તૈયાર રહેશો.

  2. ૨ વિચારો

    શાસ્ત્ર કહે છે: “શુદ્ધ અંતઃકરણ રાખો.”—૧ પીતર ૩:૧૬.

    પોતાને પૂછો: ‘જો હું તેઓને સાથ આપીશ તો પછીથી મને કેવું લાગશે?’ ખરું કે થોડા સમય માટે તમે દોસ્તોને ખુશ કરી શકશો. પણ, પછીથી તમને કેવું લાગશે? શું ફક્ત દોસ્તોને ખુશ કરવા તમારી ઓળખનો ભોગ આપી દેશો?—નિર્ગમન ૨૩:૨.

  3. ૩ નિર્ણય લો

    શાસ્ત્ર કહે છે: “જ્ઞાની માણસ ચેતતો રહે છે.”—નીતિવચનો ૧૪:૧૬, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

    આજે નહિ તો કાલે, આપણે નિર્ણય લેવો પડશે અને એનાં પરિણામો ભોગવવાં પડશે. પવિત્ર શાસ્ત્રમાં યુસફ, અયૂબ અને ઈસુ જેવા લોકો વિશે જણાવ્યું છે, જેઓએ સારા નિર્ણયો લીધા હતા. કાઈન, એસાવ અને યહુદા વિશે પણ એમાં જણાવ્યું છે, જેઓએ ખોટા નિર્ણયો લીધા હતા. તમે શું કરશો?

પવિત્ર શાસ્ત્ર કહે છે: “જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે.” (લુક ૧૬:૧૦) જો તમે અગાઉથી પરિણામો વિશે વિચારીને મન તૈયાર કર્યું હોય, તો તમને નવાઈ લાગશે કે એ વિશે જણાવવું કેટલું સહેલું છે અને એનાથી ઘણો ફાયદો થશે.

ચિંતા ન કરો—તમારે દોસ્તોને ભાષણ આપવાની જરૂર નથી. હિંમતથી ના કહેવું જ પૂરતું હોય શકે. અથવા, તમારા મક્કમ નિર્ણય વિશે જણાવવા આમ કહી શકો:

  • “મને એમાં ગણતા જ નહિ!”

  • “હું એવું કંઈ કરતો નથી!”

  • “હું એમ નહિ કરું!”

અગત્યનું એ છે કે તમે પૂરી ખાતરીથી તરત જવાબ આપો. એમ કરશો તો, માનવામાં ન આવે એટલા જલદી તેઓ પાછા હટી જશે.

કોઈ મજાક ઉડાવે તો . . .

જો તમે દોસ્તોનું કહેવું માનતા રહો, તો તમે રોબોટ જેવા બનો છો, જેનું રીમોટ તેઓના હાથમાં છે

દોસ્તો તમારી મજાક-મશ્કરી કરે તો? કદાચ તેઓ આવું કહે: “આવું શું કરે છે યાર? તું તો ડરપોક છે!” યાદ રાખો કે આવો ટોન્ટ એક પ્રકારનું દબાણ છે. તમે શું કરશો? તમારી પાસે બે રસ્તા છે.

  • તમે એ ટોન્ટ સ્વીકારી લો. (“તમે સાચું કહો છો, મને ડર લાગે છે!” પછી, ટૂંકમાં એનું કારણ જણાવો.)

  • એ દબાણ તેઓ તરફ વાળી શકો. કારણ જણાવો કે તમે કેમ તેઓના કહેવા પ્રમાણે નથી કરતા. પછી, તેઓ વિચારતા થઈ જાય એવું કંઈક કહો. (“અરે, તમે સિગારેટ પીઓ છો! માનવામાં નથી આવતું!”)

દોસ્તો જો ટોન્ટ મારતા રહે, તો ત્યાંથી જતા રહો! યાદ રાખો, જેટલું વધારે ત્યાં રોકાશો, એટલું જ વધારે દબાણ તમારા પર આવશે. તમે ત્યાંથી જતા રહીને બતાવો છો કે તમે બીજાઓના હાથની કઠપૂતળી બનવાના નથી.

ખરું કે તમે દોસ્તોના દબાણથી ભાગી નથી શકતા. પણ તમે નક્કી કરી શકો કે તમારે શું કરવું છે. તમારો નિર્ણય જણાવો અને પરિસ્થિતિને બેકાબૂ બનવા ન દો. આખરે, પસંદગી તમારી છે!—યહોશુઆ ૨૪:૧૫.