સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સવાલ ૮

જાતીય પજવણી વિશે મારે શું જાણવું જોઈએ?

જાતીય પજવણી વિશે મારે શું જાણવું જોઈએ?

એ જાણવું મહત્ત્વનું છે

દર વર્ષે લાખો લોકો બળાત્કાર અથવા તો જાતીય શોષણનો ભોગ બને છે. મોટા ભાગે યુવાનો એનો શિકાર બનતા હોય છે.

તમે શું કરશો?

એનેટને ખ્યાલ આવે એના પહેલાં તો હુમલાખોરે તેને જમીન પર પછાડી. એનેટ કહે છે, “તેનો સામનો કરવા મેં બનતું બધું જ કર્યું. મેં ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ ન નીકળ્યો. મેં ધક્કો માર્યો, લાતો મારી, મુક્કા માર્યા અને નખોરિયાં ભર્યાં. પણ ત્યારે જ મારા શરીરમાં ચપ્પુ ભોંકાયું અને હું એકદમ ઢીલી પડી ગઈ.”

જો તમે એવા સંજોગોમાં હો, તો તમે શું કરશો?

થોભો અને વિચારો!

બની શકે કે તમે આવા સંજોગોનો સામનો કરવા તૈયાર છો. રાત્રે બહાર નીકળતી વખતે પણ તમે સાવધાની રાખતા હશો. છતાં, ખરાબ સંજોગો ઊભા થઈ શકે છે. શાસ્ત્ર કહે છે: ‘ઝડપી દોડનાર જ હંમેશાં શરતમાં વિજયી બને એવું નથી. કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ, એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.’—સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ.

એનેટની જેમ અમુક યુવાનો અજાણી વ્યક્તિ દ્વારા જાતીય અત્યાચારનો ભોગ બન્યા છે. બીજાઓનું કુટુંબના સભ્યો અથવા ઓળખીતાઓ દ્વારા જાતીય શોષણ થયું છે. નેટલીના ઘર પાસે રહેતા એક ટીનએજરે તેના પર બળાત્કાર કર્યો. એ સમયે તે ફક્ત દસ વર્ષની હતી. તે કહે છે, “હું ખૂબ ડરી ગઈ અને મને એટલી શરમ આવી કે શરૂઆતમાં મેં એ વિશે કોઈને જણાવ્યું નહિ.”

પોતાને દોષિત ન ગણશો

જે બન્યું એના માટે એનેટ હજુ પણ પોતાને દોષ આપે છે. તે કહે છે: ‘એ રાતનું દૃશ્ય મારા મગજમાંથી ખસતું નથી. મારે તેનો સામનો કરવા વધારે જોર લગાવવું જોઈતું’તું. પણ, હકીકત એ છે કે ચપ્પુ ભોંકાયા પછી ડરને કારણે જાણે મને લકવો મારી ગયો. હું કંઈ જ કરી ન શકી. પણ લાગે છે, મારે કંઈક કરવું જોઈતું’તું!’

નેટલી પણ એવી જ લાગણીઓ સામે ઝઝૂમી રહી છે. તે કહે છે, ‘મારે આટલો બધો ભરોસો રાખવો જોઈતો ન’તો. મારાં મમ્મી-પપ્પાએ નિયમ બનાવ્યો હતો કે મારે અને મારી બહેને બહાર રમતી વખતે સાથે રહેવું, પણ મેં જ માન્યું નહિ. એટલે, મનમાં થયા કરે છે કે મને નુકસાન કરવાની તક મેં જ પડોશીને આપી. જે કંઈ બન્યું એની અસર મારા કુટુંબ પર પડી. મને થયા કરે છે કે તેઓ મારા કારણે જ આટલા બધા દુઃખી છે. મને એ લાગણી સૌથી વધુ સતાવે છે.’

જો તમને પણ એનેટ કે નેટલી જેવું લાગે, તો આ વાત ક્યારેય ભૂલશો નહિ: બળાત્કારનો ભોગ બનતી વ્યક્તિ પોતે એમાં ખુશીથી સામેલ હોતી નથી. અમુક લોકો બહાનું કાઢે છે કે છોકરાઓ આવું કરે એ તો સ્વાભાવિક છે. અથવા, એનો શિકાર બનનારે સામે ચાલીને મુસીબત ઊભી કરી હશે. આમ, તેઓ વાતને સાવ નજીવી બનાવી દે છે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ પર બળાત્કાર ન જ થવો જોઈએ. જો તમે એવા ઘોર અન્યાયનો ભોગ બન્યા હો, તો એમાં તમારો વાંક નથી.

ખરું કે, “તમારો વાંક નથી” એ વાંચવું સહેલું છે, એમ માનવું ઘણું મુશ્કેલ છે. જે બન્યું અને વીત્યું એ વિશે અમુક લોકો મનમાં ને મનમાં ઘૂંટાય છે. તેઓ દોષની અને બીજી ખરાબ લાગણીઓથી પીડાય છે. પરંતુ, ચૂપ રહેવાથી કોને ફાયદો? તમને કે એ હવસખોરને? એટલે, બીજો ઉપાય શોધી કાઢવાની જવાબદારી તમારી છે.

જે બન્યું એ જણાવો

પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે જીવનમાં આવેલી આકરી કસોટીમાં અયૂબે કહ્યું હતું: “મારા જીવની વેદનાએ હું બોલીશ.” (અયૂબ ૧૦:૧) તમને પણ એમ કરવાથી ફાયદો થઈ શકે છે. તમારી સાથે જે બન્યું એ વિશે કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને જણાવો. એનાથી તમને જાણવા મદદ મળશે કે હવે શું કરવું જોઈએ. તેમ જ, કચડી નાખતી લાગણીઓથી તમને રાહત મળશે.

કચડી નાખતી લાગણીઓનો બોજો એકલા ન ઉપાડો. કેમ નહિ કે એ વિશે કોઈને વાત કરીને મદદ લો!

એનેટે પણ એવું જ અનુભવ્યું. તે કહે છે: ‘મેં મારી ખાસ ફ્રેન્ડને એ વાત કરી. તેણે મને મંડળના અમુક વડીલોને એ વિશે જણાવવાની સલાહ આપી. સારું થયું કે મેં એવું જ કર્યું. વડીલોએ અનેક વાર મારી સાથે બેસીને વાત કરી અને મને એ જ કહ્યું, જેની મને જરૂર હતી. એ જ કે એમાં મારો કોઈ વાંક નથી. હા, જરાય વાંક નથી.’

નેટલી સાથે જે બન્યું એ વિશે તેણે મમ્મી-પપ્પાને વાત કરી. તે કહે છે, ‘મમ્મી-પપ્પાએ મને સાથ આપ્યો. તેઓએ મને એ વિશે વાત કરવાનું ઉત્તેજન આપ્યું. એના લીધે મને ગુસ્સો અને ઉદાસી દૂર કરવા મદદ મળી.’

પ્રાર્થના કરવાથી પણ નેટલીને રાહત મળી. તે જણાવે છે, ‘ઈશ્વર આગળ દિલ ઠાલવવાથી મને મદદ મળી. ખાસ કરીને એવા સમયે જ્યારે મને લાગતું કે હું કોઈ વ્યક્તિ સાથે વાત નથી કરી શકતી. પ્રાર્થનામાં હું દિલ ખોલીને વાત કરી શકું છું. એનાથી મને સાચે જ શાંતિ અને રાહત મળે છે.’

તમે પણ અનુભવી શકો કે ‘સાજા થવાનો વખત’ છે. (સભાશિક્ષક ૩:૩) તમારાં શરીર અને મનની સંભાળ રાખો. પૂરતો આરામ લો. સૌથી મહત્ત્વનું તો, દરેક રીતે દિલાસો આપનાર ઈશ્વર યહોવા પર આધાર રાખો.—૨ કોરીંથી ૧:૩, ૪.

ડેટિંગ કરવાની ઉંમરે આનું ધ્યાન રાખો

જો તમે છોકરી હો અને કોઈ તમને ખોટું કરવા દબાણ કરે, તો આમ કહેવામાં કંઈ ખોટું નથી: “એવું ન કર!” અથવા “તારો હાથ હટાવ!” એવી બીક ન રાખો કે તમારો બૉયફ્રેન્ડ તમને છોડીને જતો રહેશે. આ વાતને લઈને જો તે સંબંધ તોડી નાખે, તો સમજો કે તે તમારે લાયક નથી. તમને એવા સાથીની જરૂર છે, જે તમારાં શરીરને અને સિદ્ધાંતોને માન આપે.

જાતીય પજવણી વિશે ક્વિઝ

‘હું સેકન્ડરી સ્કૂલમાં હતી ત્યારે, ત્યાંના છોકરાઓ મારી બ્રા ખેંચીને હલકી વાતો કરતા. જેમ કે, હું તેઓ સાથે સેક્સ માણીશ તો મને બહુ મજા આવશે.’—કોરેટા.

શું એ છોકરાઓ

  1. ૧. મશ્કરી કરતા હતા?

  2. ૨. ફ્લર્ટ કરતા હતા?

  3. ૩. જાતીય પજવણી કરતા હતા?

‘બસમાં એક છોકરો ખરાબ વાતો કહેવા લાગ્યો અને મને જકડી લીધી. મેં તેનો હાથ ઝાટકી કાઢ્યો અને તેને દૂર જવા કહ્યું. તે મને એવી રીતે જોવા લાગ્યો જાણે હું પાગલ હોઉં.’—કેન્ડીસ.

શું એ છોકરો

  1. ૧. મશ્કરી કરતો હતો?

  2. ૨. ફ્લર્ટ કરતો હતો?

  3. ૩. જાતીય પજવણી કરતો હતો?

‘ગયા વર્ષે, એક છોકરો મને કહ્યા કરતો કે હું તેને ગમું છું અને તેને મારી સાથે ફરવા જવું છે. હું સતત ના કહેતી તોપણ તે પીછો છોડતો ન’તો. અમુક વાર તે મારા હાથ પર હાથ ફેરવવા લાગતો. હું તેને ના પાડતી તોપણ તે અટકતો નહિ. પછી, એક વાર હું સેંડલ પહેરવા વાંકી વળી હતી ત્યારે તેણે મારી પછવાડે થપાટ મારી.’—બેથની.

શું એ છોકરો

  1. ૧. મશ્કરી કરતો હતો?

  2. ૨. ફ્લર્ટ કરતો હતો?

  3. ૩. જાતીય પજવણી કરતો હતો?

દરેક સવાલનો સાચો જવાબ ૩ છે.

જાતીય પજવણી કઈ રીતે મશ્કરી અથવા ફ્લર્ટિંગથી જુદી છે?

જાતીય પજવણી એકતરફી હોય છે. ના કહેવા છતાં પજવનાર અટકતો નથી.

શારીરિક છેડછાડ ગંભીર બાબત છે, જે જાતીય અત્યાચાર તરફ દોરી જઈ શકે.