સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧

“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”

“તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”

માથ્થી ૪:૧૦

ઝલક: યહોવાની ભક્તિ શા માટે ફરીથી શરૂ થવી જોઈએ?

૧, ૨. ઈસુ ૨૯ની સાલમાં યહૂદિયાના વેરાન પ્રદેશમાં કઈ રીતે ગયા? ત્યાં શું થયું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

 આ વાત ૨૯ની સાલના ઑક્ટોબર-નવેમ્બરની છે. એ સમયે ઈસુનું બાપ્તિસ્મા થયું અને તેમને અભિષિક્ત કરવામાં આવ્યા. પવિત્ર શક્તિ તેમને યહૂદિયાના વેરાન પ્રદેશમાં લઈ ગઈ, જે મૃત સરોવરના ઉત્તરે આવેલો હતો. ખડકો અને ખીણોવાળો એ ઉજ્જડ પ્રદેશ એકદમ સૂમસામ હતો. ત્યાં ઈસુ ૪૦ દિવસ સુધી રહ્યા. એ શાંત માહોલમાં ઈસુએ ઉપવાસ કર્યા, પ્રાર્થના કરી અને મનન કર્યું. એ સમયે યહોવાએ પોતાના દીકરા સાથે વાત કરી હશે અને આવનાર કસોટીઓનો સામનો કરવા તૈયાર કર્યા હશે.

ઈસુએ ઘણા દિવસોથી કંઈ ખાધું ન હતું. એટલે તેમને કકડીને ભૂખ લાગી. એ વખતે શેતાન ઈસુ પાસે આવ્યો. એના પછી એવું કંઈક થયું, જેનાથી એક મહત્ત્વનો મુદ્દો ઊભો થયો. આ મુદ્દો યહોવાની ભક્તિ કરતા બધા લોકોનાં જીવનને અસર કરે છે. એ તમારા જીવનને પણ અસર કરે છે.

“જો તું ઈશ્વરનો દીકરો હોય . . .”

૩, ૪. (ક) શેતાને પહેલી અને બીજી લાલચ આપતી વખતે ઈસુ સાથે કઈ રીતે વાત શરૂ કરી? (ખ) શેતાન કઈ રીતે ઈસુના મનમાં શંકા ઊભી કરવા માંગતો હતો? (ગ) આજે પણ શેતાન કેવી ચાલાકીઓ વાપરે છે?

માથ્થી ૪:૧-૭ વાંચો. શેતાને ઈસુ સામે પહેલી અને બીજી લાલચ મૂકી ત્યારે તેણે ચાલાકીથી કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય.” શું શેતાનને ખબર ન હતી કે ઈસુ ઈશ્વરના દીકરા છે? શેતાન બંડખોર સ્વર્ગદૂત હતો. તે સારી રીતે જાણતો હતો કે ઈસુ તો ઈશ્વરના પ્રથમ જન્મેલા દીકરા છે. (કોલો. ૧:૧૫) શેતાનને એ પણ ખબર હતી કે ઈસુના બાપ્તિસ્મા વખતે યહોવાએ સ્વર્ગમાંથી કહ્યું હતું: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.” (માથ. ૩:૧૭) કદાચ શેતાન ચાહતો હતો કે ઈસુને આવી શંકા થાય: શું તેમના પિતા પર ભરોસો મૂકી શકાય? શું તે તેમની ખરેખર કાળજી રાખે છે? શેતાને પહેલી લાલચ આપતી વખતે ઈસુને કહ્યું, પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય. તે જાણે કહેતો હતો, ‘જો તું ઈશ્વરનો દીકરો હોય તો તારા પિતા તને કેમ વેરાન પ્રદેશમાં ભૂખે મારે છે?’ શેતાને બીજી લાલચ આપતી વખતે ઈસુને કહ્યું, મંદિરની દીવાલની ટોચ પરથી નીચે કૂદકો માર. તે જાણે કહેતો હતો, ‘જો તું ઈશ્વરનો દીકરો હોય તો તારા પિતા તારું રક્ષણ કરશે જ ને!’

આજે પણ શેતાન એવી જ ચાલાકીઓ વાપરે છે. (૨ કોરીં. ૨:૧૧) તે લાગ જોઈને જ બેઠો હોય છે કે ક્યારે આપણે કમજોર કે નિરાશ થઈએ અને તે આપણા પર હુમલો કરીને તેની ચાલાકીઓમાં ફસાવી દે. (૨ કોરીં. ૧૧:૧૪) તે આપણાં મનમાં ઠસાવવા માંગે છે કે યહોવા આપણને જરાય પ્રેમ નથી કરતા અને આપણાથી ક્યારેય ખુશ નથી થતા. શેતાન એમ પણ ઠસાવવા માંગે છે કે યહોવા પર જરાય ભરોસો ન મુકાય. તે પોતાનાં એકેય વચનો પાળવાના નથી. પણ એ બધું તો સાવ જૂઠું છે. (યોહા. ૮:૪૪) આપણે શેતાનની ચાલાકીઓથી કઈ રીતે બચી શકીએ?

૫. ઈસુએ કઈ રીતે પહેલી અને બીજી લાલચનો સામનો કર્યો?

જરા વિચારો કે ઈસુએ કઈ રીતે પહેલી અને બીજી લાલચનો સામનો કર્યો. તેમના પિતા તેમને પ્રેમ કરે છે કે નહિ એ વિશે તેમને જરાય શંકા ન હતી. તેમને પોતાના પિતા પર પૂરો ભરોસો હતો. એટલે જ્યારે શેતાને ઈસુને લાલચમાં ફસાવવાની કોશિશ કરી ત્યારે તેમણે ચોખ્ખી ના પાડી દીધી. શેતાનને જવાબ આપતી વખતે ઈસુએ એવી કલમો ટાંકી, જેમાં ઈશ્વરનું નામ યહોવા જોવા મળે છે. (પુન. ૬:૧૬; ૮:૩) ઈશ્વરનું નામ વાપરીને ઈસુએ એકદમ બરાબર કર્યું. ઈસુએ બતાવી આપ્યું કે તેમને પોતાના પિતા પર પૂરો ભરોસો છે. યહોવા પોતાનાં બધાં વચનો પૂરાં કરશે, એવો ભરોસો રાખવા તેમનું અજોડ નામ જ પૂરતું છે. *

૬, ૭. શેતાનના ફાંદાથી બચવા આપણે શું કરવું જોઈએ?

આપણે બાઇબલ વાપરવું જોઈએ અને યહોવાના નામના અર્થ પર મનન કરવું જોઈએ. એમ કરીશું તો શેતાનના ફાંદાથી બચી શકીશું. બાઇબલ બતાવે છે કે યહોવા આપણને બહુ પ્રેમ કરે છે અને આપણી સંભાળ રાખે છે. આપણે નિરાશ થઈ જઈએ ત્યારે પણ તે આપણને સાચવે છે. એટલે શેતાનનું એ જૂઠાણું આપણે કદી નહિ માનીએ કે યહોવા આપણને પ્રેમ કરતા નથી અને તે કદી આપણાથી ખુશ થતા નથી. (ગીત. ૩૪:૧૮; ૧ પિત. ૫:૮) યહોવાના નામ જેવા જ તેમનાં કામ છે. તે પોતાનાં દરેક વચનો પૂરાં કરે છે. જો આપણે એ યાદ રાખીશું તો તેમના પર પૂરો ભરોસો રાખીશું. આપણે તેમના પર કદી શંકા નહિ કરીએ.—નીતિ. ૩:૫, ૬.

પણ શેતાનનો ઇરાદો શું છે? તે આપણી પાસેથી શું ચાહે છે? તેણે ઈસુ સામે જે ત્રીજી લાલચ મૂકી, એનાથી આ સવાલોના જવાબ મળશે.

‘એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કર’

૮. શેતાનની ત્રીજી લાલચથી તેનો ઇરાદો કઈ રીતે ખુલ્લો પડ્યો?

માથ્થી ૪:૮-૧૧ વાંચો. શેતાને ઈસુ સામે ત્રીજી લાલચ મૂકી ત્યારે ગોળ ગોળ વાત ન કરી, પણ સીધેસીધું જણાવી દીધું. એનાથી શેતાનનો ઇરાદો ખુલ્લો પડ્યો. શેતાને (કદાચ દર્શનમાં) ઈસુને “દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં,” પણ એમાં થતો ભ્રષ્ટાચાર ન બતાવ્યો. પછી તેણે ઈસુને કહ્યું, “જો તું એક વાર મારી આગળ નમીને મારી ભક્તિ કરે, તો હું તને આ બધું આપી દઈશ.” * શેતાનનો અસલી ઇરાદો એ હતો કે ઈસુ તેની ભક્તિ કરે. તે તો ચાહતો હતો કે ઈસુ તેને પોતાનો ભગવાન માને અને યહોવાને છોડી દે. તે તેમને સહેલા રસ્તે જવા લલચાવતો હતો. તે ઈસુને કહેવા માંગતો હતો કે તેમણે કોઈ મુશ્કેલી સહેવી નહિ પડે. તેમણે કાંટાનો મુગટ પહેરવો નહિ પડે, કોરડાનો માર સહેવો નહિ પડે અને વધસ્તંભે મરવું પણ નહિ પડે. તેમને તો દુનિયાની બધી જ જાહોજલાલી એક પળમાં મળી જશે. શેતાને સાચે જ ઈસુ સામે આ લાલચ મૂકી હતી. આખી દુનિયા શેતાનના હાથમાં છે, એના પર ઈસુએ સવાલ ન ઉઠાવ્યો. (યોહા. ૧૨:૩૧; ૧ યોહા. ૫:૧૯) શેતાન ચાહતો હતો કે ઈસુ તેમના પિતા યહોવાને છોડીને તેની ભક્તિ કરે. એ માટે તે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતો.

૯. (ક) યહોવાના ભક્તો પાસેથી શેતાન શું ચાહે છે? (ખ) તે આપણને કઈ રીતે લલચાવવાની કોશિશ કરે છે? (ગ) ઈશ્વરની ભક્તિમાં શાનો સમાવેશ થાય છે? (“ભક્તિ એટલે શું?” બૉક્સ જુઓ.)

આજે પણ શેતાન ચાહે છે કે આપણે તેની ભક્તિ કરીએ અથવા યહોવાની ઇચ્છા વિરુદ્ધ જઈએ. શેતાન ‘આ દુનિયાનો દેવ’ છે. એટલે તે દુનિયાના ધર્મો દ્વારા લોકો પાસે પોતાની ભક્તિ કરાવે છે. (૨ કોરીં. ૪:૪) આજે કરોડો લોકો શેતાનને ભજે છે તોપણ તે એનાથી ખુશ નથી. શેતાનની નજર તો યહોવાના ભક્તો પર છે કે તેઓ યહોવાની ઇચ્છા વિરુદ્ધ જાય અને તેની ભક્તિ કરે. તે આપણને લલચાવવાનો પ્રયત્ન કરે છે, જેથી આપણે દુનિયાની ધનદોલત અને માન-મોભો મેળવવા પાછળ પડી જઈએ. તે નથી ચાહતો કે આપણે ‘ખરા માર્ગે ચાલીને’ ઈશ્વરની ભક્તિ કરીએ, જેમાં કદાચ દુઃખ સહેવું પડે. (૧ પિત. ૩:૧૪) જો આપણે શેતાનની જાળમાં ફસાઈને શુદ્ધ ભક્તિ કરવાનું છોડી દઈએ અને દુનિયાના લોકો જેવા બની જઈએ તો શું થશે? એ તો જાણે એવું થશે કે આપણે શેતાનને નમીએ છીએ અને તેની ભક્તિ કરીએ છીએ. અરે, જાણે તેને ભગવાન માનીએ છીએ. આપણે કઈ રીતે તેની લાલચોનો સામનો કરી શકીએ?

૧૦. (ક) ઈસુએ કઈ રીતે શેતાનની ત્રીજી લાલચનો સામનો કર્યો? (ખ) ઈસુએ કેમ એવું કર્યું?

૧૦ ધ્યાન આપો કે ઈસુએ કઈ રીતે શેતાનની ત્રીજી લાલચનો સામનો કર્યો. તેમણે તરત જ ચોખ્ખી ના પાડતા કહ્યું, “અહીંથી ચાલ્યો જા શેતાન!” આ રીતે તેમણે બતાવી આપ્યું કે તે ફક્ત યહોવાની ભક્તિ કરશે. ઈસુએ પહેલી અને બીજી લાલચ વખતે કર્યું હતું તેમ ફરીથી તેમણે પુનર્નિયમની એક કલમ ટાંકી, જેમાં યહોવાનું નામ છે. તેમણે કહ્યું, “એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’” (માથ. ૪:૧૦; પુન. ૬:૧૩) ઈસુએ દુનિયાની જાહોજલાલી અને એશઆરામનું જીવન જતું કર્યું. એવા જીવનમાં કોઈ તકલીફ સહેવી પડતી નથી, પણ એ લાંબું ટકતું નથી. ઈસુ જાણતા હતા કે ફક્ત તેમના પિતા યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. જો તે એક વાર પણ શેતાનની “ભક્તિ કરે” તો તે જાણે તેને પોતાનો ભગવાન માને. એટલે ઈસુએ એમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જ્યારે શેતાનનું કંઈ ન ચાલ્યું, ત્યારે તે “તેમને છોડીને ચાલ્યો ગયો.” *

“અહીંથી ચાલ્યો જા શેતાન!” (ફકરો ૧૦ જુઓ)

૧૧. આપણે શેતાન અને તેની લાલચોનો સામનો કઈ રીતે કરી શકીએ?

૧૧ ભલે શેતાન અને તેની દુષ્ટ દુનિયા આપણને લલચાવવાની લાખ કોશિશ કરે, પણ આપણે એનો સામનો કરી શકીએ છીએ. યહોવાએ આપણને બધાને એક અનમોલ ભેટ આપી છે. ઈસુની જેમ આપણને પણ પોતાના નિર્ણયો લેવાની આઝાદી છે. સાચી ભક્તિ કરવાથી આપણને કોઈ રોકી શકતું નથી. અરે, દુષ્ટ શેતાન પણ નહિ. આપણે જ્યારે “શ્રદ્ધામાં મક્કમ રહીને તેનો વિરોધ” કરીએ છીએ, ત્યારે જાણે તેને કહીએ છીએ: “અહીંથી ચાલ્યો જા શેતાન!” (૧ પિત. ૫:૯) યાદ છે, ઈસુએ શેતાનની વાત માનવાની ના પાડી ત્યારે તેણે શું કર્યું? શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો. બાઇબલ આપણને ખાતરી આપે છે, “શેતાનની સામા થાઓ અને તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂ. ૪:૭.

શેતાનની દુનિયાની લાલચોને ના પાડીએ, પસંદગી આપણા હાથમાં છે (ફકરા ૧૧, ૧૯ જુઓ)

શુદ્ધ ભક્તિનો દુશ્મન

૧૨. શેતાને એદન બાગમાં કઈ રીતે બતાવ્યું કે તે શુદ્ધ ભક્તિનો દુશ્મન છે?

૧૨ ત્રીજી લાલચથી શેતાને સાબિત કર્યું કે તે શુદ્ધ ભક્તિનો પહેલો દુશ્મન છે. લોકો યહોવાની ભક્તિ કરે, એ શેતાનને જરાય ગમતું નથી. હજારો વર્ષ પહેલાં શેતાને એદન બાગમાં જે કર્યું, એનાથી તેની એ નફરત દેખાઈ આવી. શેતાને હવાને ફસાવી, જેથી તે યહોવાની આજ્ઞા તોડે. પછી હવાની વાતમાં આવીને આદમે પણ યહોવાની આજ્ઞા તોડી. શેતાને એમ કરીને આદમ અને હવાને પોતાની સત્તા નીચે લઈ લીધા અને પોતાની મુઠ્ઠીમાં કરી લીધા. (ઉત્પત્તિ ૩:૧-૫ વાંચો; ૨ કોરીં. ૧૧:૩; પ્રકટી. ૧૨:૯) આદમ અને હવા જાણતા ન હતા કે કોણ તેઓને ખોટા માર્ગે લઈ જતું હતું. તેઓને છેતરીને શેતાન તેઓનો ભગવાન બની ગયો અને તેઓ તેના ભક્ત બની ગયા. આ રીતે શેતાને એદન બાગમાં બંડની શરૂઆત કરી. આમ કરીને તેણે યહોવાના રાજ કરવાના હક પર સવાલ ઉઠાવ્યો. એટલું જ નહિ, તેણે શુદ્ધ ભક્તિ સામે જંગ છેડી દીધો. કઈ રીતે?

૧૩. રાજ કરવાનો હક કોને છે અને કોની ભક્તિ થવી જોઈએ, એ બંને મુદ્દા એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે?

૧૩ રાજ કરવાનો હક કોને છે અને કોની ભક્તિ થવી જોઈએ, એ બંને મુદ્દા એકબીજા સાથે જોડાયેલા છે. આખા વિશ્વના માલિકની જ ભક્તિ થવી જોઈએ, કેમ કે તેમણે “બધી વસ્તુઓ બનાવી” છે. (પ્રકટી. ૪:૧૧) યહોવાએ આદમ અને હવાને કોઈ ખામી વગરના બનાવ્યા. તેઓને રહેવા માટે એદન બાગ આપ્યો. યહોવા ચાહતા હતા કે આખી ધરતી એવા મનુષ્યોથી ભરાઈ જાય, જેઓમાં કોઈ ખામી ન હોય. તેમની ઇચ્છા હતી કે બધા મનુષ્યો રાજીખુશીથી તેમની ભક્તિ કરે. ખરાં દિલથી તેમની ભક્તિ કરે. (ઉત. ૧:૨૮) આખા વિશ્વના માલિક યહોવાની જ ભક્તિ થવી જોઈએ. પણ શેતાનના મનમાં લાલચ જાગી કે તેની ભક્તિ થાય. એટલે જ તેણે યહોવાના રાજ કરવાના હક પર સવાલ ઉઠાવ્યો.—યાકૂ. ૧:૧૪, ૧૫.

૧૪. શું શેતાન શુદ્ધ ભક્તિને રોકી શક્યો? સમજાવો.

૧૪ શું શેતાન શુદ્ધ ભક્તિને રોકી શક્યો? આદમ અને હવાને યહોવાથી દૂર લઈ જવામાં શેતાન સફળ થયો. એ સમયથી તે શુદ્ધ ભક્તિ સામે જંગ લડી રહ્યો છે. તે વધારે ને વધારે લોકોને યહોવાથી દૂર ખેંચી જવા માંગે છે. ખ્રિસ્તીઓના સમય પહેલાં પણ તેણે યહોવાના ભક્તોને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો. પહેલી સદીમાં પણ એ દુષ્ટ શેતાને ખ્રિસ્તી મંડળમાં યહોવાની ભક્તિ વિરુદ્ધ બળવો શરૂ કરાવ્યો. એના લીધે મંડળમાં એટલી ભેળસેળ થઈ ગઈ કે જાણે શુદ્ધ ભક્તિનો અંત આવી ગયો હોય. (માથ. ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩; પ્રે.કા. ૨૦:૨૯, ૩૦) બીજી સદીની શરૂઆતમાં ઈશ્વરભક્તો લાંબા સમય માટે મહાન બાબેલોનની ગુલામીમાં ગયા. મહાન બાબેલોન તો દુનિયાના એવા બધા ધર્મોને રજૂ કરે છે, જેઓ ખરા ઈશ્વરને ભજતા નથી. શેતાને આટલા બધા ધમપછાડા કર્યા તોપણ તે યહોવાની ભક્તિને રોકી શક્યો નહિ. તે યહોવાનો આ હેતુ પૂરો થતા રોકી શકશે નહિ કે આખી ધરતી પર તેમની ભક્તિ થાય. યહોવાને પોતાનો હેતુ પૂરો કરતા કંઈ પણ રોકી શકશે નહિ. (યશા. ૪૬:૧૦; ૫૫:૮-૧૧) એ હેતુની સાથે તેમનું નામ જોડાયેલું છે. યહોવા હંમેશાં પોતાના નામ પ્રમાણે કામ કરે છે. યહોવા કાયમ પોતાનો હેતુ પૂરો કરીને જ રહે છે.

શુદ્ધ ભક્તિને વળગી રહેનાર

૧૫. (ક) બળવો કરનારાઓ સામે યહોવાએ કેવાં પગલાં ભર્યાં? (ખ) યહોવાએ કઈ રીતે ખાતરી આપી કે તેમનો હેતુ જરૂર પૂરો થશે?

૧૫ એદન બાગમાં બળવો કરનારાઓ સામે યહોવાએ તરત પગલાં ભર્યાં. એમ કરીને યહોવાએ ખાતરી આપી કે તેમનો હેતુ જરૂર પૂરો થશે. (ઉત્પત્તિ ૩:૧૪-૧૯ વાંચો.) આદમ અને હવા એદનમાં હતા ત્યારે જ યહોવાએ બળવો કરનાર ત્રણેય જણને સજા કરી. જેણે પહેલા પાપ કર્યું હતું, તેને પહેલા સજા કરવામાં આવી. બંડ શરૂ કરનાર શેતાનને યહોવાએ પહેલા સજા કરી, પછી હવાને અને છેલ્લે આદમને સજા કરી. યહોવાએ શેતાનને સજા કરતી વખતે કહ્યું કે એક “વંશજ” આવશે. એદનમાં થયેલા બંડને લીધે થયેલી ખરાબ અસરને તે મિટાવી દેશે. યહોવાનો હેતુ હતો કે બધા લોકો તેમની ભક્તિ કરે. એ “વંશજ” યહોવાનો હેતુ પૂરો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

૧૬. એદનમાં થયેલા બળવા પછી યહોવાએ પોતાનો હેતુ પૂરો કરવા કેવાં પગલાં ભર્યાં?

૧૬ એદનમાં થયેલા બળવા પછી યહોવાએ પોતાનો હેતુ પૂરો કરવા એક પછી એક પગલાં ભર્યાં. યહોવાએ પાપી માણસો માટે એક ગોઠવણ કરી, જેથી તેઓ તેમની ભક્તિ કરી શકે. હવે પછીના પ્રકરણમાં આપણે એના વિશે જોઈશું. (હિબ્રૂ. ૧૧:૪–૧૨:૧) યહોવાએ યશાયા, યર્મિયા અને હઝકિયેલને શુદ્ધ ભક્તિ વિશે લખી લેવા પ્રેરણા આપી. એ વિશે તેઓએ જોરદાર ભવિષ્યવાણીઓ લખી. યહોવાની શુદ્ધ ભક્તિ ફરીથી થાય, એ બાઇબલનો મુખ્ય વિષય છે. આ બધી ભવિષ્યવાણીઓ એ ‘વંશજ’ પૂરી કરશે, જેનો મુખ્ય ભાગ ઈસુ ખ્રિસ્ત છે. (ગલા. ૩:૧૬) ઈસુ શુદ્ધ ભક્તિને હંમેશાં વળગી રહે છે અને એના માટે લડે છે. શેતાનની ત્રીજી લાલચ વખતે ઈસુએ એ વાત સાબિત કરી. શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ થાય, એ વિશેની ભવિષ્યવાણીઓ પૂરી કરવા યહોવાએ ઈસુને પસંદ કર્યા. (પ્રકટી. ૧૯:૧૦) ઈસુ યહોવાના ભક્તોને એવા ધર્મોના બંધનમાંથી છોડાવશે, જે ધર્મો ખરા ઈશ્વરની ભક્તિ કરવાનું શીખવતા નથી. તે યહોવાની ભક્તિ ફરી શરૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

તમે શું કરશો?

૧૭. યહોવાની ભક્તિ ફરી શરૂ થશે એની ભવિષ્યવાણીઓ વિશે જાણવાનું આપણને કેમ ગમે છે?

૧૭ યહોવાની ભક્તિ ફરી શરૂ થશે એ વિશેની ભવિષ્યવાણીઓમાંથી આપણને ઘણું શીખવા મળશે. એનાથી આપણી શ્રદ્ધા મક્કમ થશે. એ ભવિષ્યવાણીઓ વિશે જાણવાનું આપણને ખૂબ ગમે છે. આપણે એ સમયની ખૂબ રાહ જોઈએ છીએ, જ્યારે સ્વર્ગમાં અને ધરતી પર બધા જ વિશ્વના માલિક યહોવાની ભક્તિ કરતા હશે. એ ભવિષ્યવાણીઓથી આપણને લાખો નિરાશામાં આશા મળે છે. બાઇબલમાં આપેલી એ ભવિષ્યવાણીઓથી આપણને ખાતરી મળે છે કે આપણું ભવિષ્ય એકદમ સરસ હશે! યહોવાનું એકેએક વચન પૂરું થશે. જેમ કે, આપણાં ગુજરી ગયેલાં સગા-વહાલાઓને ઉઠાડવામાં આવશે, આખી પૃથ્વી સુંદર બાગ જેવી બની જશે, આપણે એકદમ તંદુરસ્ત હોઈશું અને કાયમ જીવીશું. એ દિવસો જોવા આપણું દિલ કેટલું ઝંખે છે!—યશા. ૩૩:૨૪; ૩૫:૫, ૬; પ્રકટી. ૨૦:૧૨, ૧૩; ૨૧:૩, ૪.

૧૮. આ પુસ્તકમાં આપણે શું શીખીશું?

૧૮પુસ્તકમાં આપણે શું શીખીશું? આપણે હઝકિયેલના પુસ્તકની જોરદાર ભવિષ્યવાણીઓ વિશે શીખીશું. એમાંની ઘણી ભવિષ્યવાણીઓ ભાર મૂકે છે કે કઈ રીતે યહોવાની ભક્તિ ફરી શરૂ થશે. આપણે જોઈશું કે એ ભવિષ્યવાણીઓ બાઇબલની બીજી ભવિષ્યવાણીઓ સાથે કઈ રીતે જોડાયેલી છે. ઈસુ એ ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી કરશે. એ ભવિષ્યવાણીઓ આપણને કઈ રીતે અસર કરે છે.—“હઝકિયેલના પુસ્તક પર એક નજર” બૉક્સ જુઓ.

૧૯. તમે શું કરવાનો પાકો નિર્ણય લીધો છે અને કેમ?

૧૯ યાદ કરો કે ૨૯ની સાલમાં યહૂદિયાના વેરાન પ્રદેશમાં શું થયું હતું. એ વખતે ઈસુને શુદ્ધ ભક્તિથી દૂર લઈ જવા શેતાને કોશિશ તો કરી, પણ તે એમાં સાવ નિષ્ફળ ગયો. આજે તે આપણને પણ શુદ્ધ ભક્તિથી દૂર લઈ જવા આકાશ પાતાળ એક કરી રહ્યો છે. (પ્રકટી. ૧૨:૧૨, ૧૭) ઈસુની જેમ શું આપણે પણ શેતાનનો સામનો કરી શકીશું? અમે આશા રાખીએ છીએ કે આ પુસ્તકથી આપણને બધાને ઘણી હિંમત મળે. એનાથી આપણે એ દુષ્ટ શેતાનનો સામનો કરવાનો પાકો નિર્ણય લઈએ. આપણે આપણાં વાણી-વર્તનથી બતાવીએ કે આ શબ્દો આપણે પૂરાં દિલથી પાળીએ છીએ: “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર.” પછી આપણે યહોવાનો હેતુ પૂરો થતા જોઈ શકીશું. એટલે કે સ્વર્ગમાં અને ધરતી પર બધા જ શુદ્ધ દિલથી યહોવાની ભક્તિ કરશે. ફક્ત યહોવાની જ ભક્તિ થશે, જેના તે સાચા હકદાર છે!

^ અમુક લોકો માને છે કે યહોવા નામનો અર્થ થાય, “તે શક્ય બનાવે છે.” એ અર્થ યહોવા માટે એકદમ બંધબેસે છે, કેમ કે તે સર્જનહાર છે અને પોતાનો હેતુ પૂરો કરે છે.

^ શેતાનના આ શબ્દો માટે બાઇબલ વિશે જણાવતું એક પુસ્તક કહે છે, ‘શેતાને આદમ અને હવાને લલચાવ્યા ત્યારે તેઓએ પસંદ કરવાનું હતું કે તેઓ શેતાનની મરજી પૂરી કરશે કે ઈશ્વરની. અસલ મુદ્દો તો એ હતો કે તેઓ ઈશ્વરની ભક્તિ કરશે કે શેતાનની. એકમાત્ર સાચા ઈશ્વરને બદલે શેતાન પોતાને ઈશ્વર બનાવવા માંગે છે.’

^ લૂકમાં એ લાલચો જે ક્રમમાં છે, એનાથી માથ્થીનો ક્રમ અલગ છે. માથ્થીના પુસ્તકમાં જે ક્રમમાં લખવામાં આવ્યું છે, એ પ્રમાણે શેતાને ઈસુ સામે લાલચો મૂકી હોય શકે. એનાં ત્રણ કારણો વિચારીએ: (૧) “પછી” શબ્દથી માથ્થીએ બીજી લાલચ વિશે જણાવવાનું શરૂ કર્યું. એ શબ્દથી ખબર પડે છે કે પહેલી લાલચ પછી બીજી લાલચ આપવામાં આવી હતી. (૨) જે લાલચોની શરૂઆતમાં શેતાને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય,” એ બંને લાલચો તેણે પહેલા આપી હશે. શેતાને પહેલી બે વાર એ શબ્દો વાપરીને ચાલાકીથી ઈસુને ફસાવવાની કોશિશ કરી હશે. જ્યારે તેની એ ચાલાકી કામ ન આવી, ત્યારે તેણે દસ આજ્ઞાઓમાંની પહેલી આજ્ઞા તોડવાનું ઈસુને સીધેસીધું કહી દીધું. (નિર્ગ. ૨૦:૨, ૩) (૩) ઈસુએ જે લાલચ વખતે શેતાનને કહ્યું, “અહીંથી ચાલ્યો જા શેતાન!” એ ચોક્કસ ત્રીજી અને છેલ્લી લાલચ હશે.—માથ. ૪:૫, ૧૦, ૧૧.