સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૩

“ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો”

“ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો”

હઝકિયેલ ૧:૧

ઝલક: હઝકિયેલે યહોવાના રથનું દર્શન જોયું

૧-૩. (ક) હઝકિયેલે શું જોયું અને સાંભળ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) હઝકિયેલ શાની મદદથી એ દર્શન જુએ છે? (ગ) એ દર્શનની હઝકિયેલ પર કેવી અસર પડી?

 હઝકિયેલ દૂર નજર નાખે છે તો તેમને એક મોટું મેદાન દેખાય છે. મેદાનને પેલે પાર તેમને કંઈક દેખાય છે. તે આંખો પહોળી કરીને જુએ છે. તે જે જુએ છે એ તેમના માનવામાં નથી આવતું. આકાશમાં કાળાં કાળાં વાદળો ઘેરાયેલાં છે. તે જુએ છે કે એક મોટું તોફાન આવે છે. આ કંઈ જેવું તેવું તોફાન નથી. ઉત્તરથી ધૂળની ડમરીઓ ઊડે છે. જોરશોરથી પવન ફૂંકાય છે. એટલે હઝકિયેલનાં વાળ અને કપડાં પણ પવનથી ઊડે છે. એક મોટું વાદળ હઝકિયેલ તરફ આવી રહ્યું છે. એ વાદળમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. એની ચમક હઝકિયેલને ચળકતી ધાતુ જેવી લાગે છે. * એ વાદળ હઝકિયેલ તરફ ઝડપથી આવી રહ્યું છે. એનો અવાજ વધતો ને વધતો જાય છે. એનો અવાજ એટલો બધો છે કે જાણે કોઈ લશ્કર ધમધમ કરતું આગળ વધતું હોય.—હઝકિ. ૧:૪, ૨૪.

એ દર્શન જોયું ત્યારે હઝકિયેલ આશરે ૩૦ વર્ષના હતા. હજુ તો તેમને ઘણાં દર્શનો બતાવવામાં આવશે, જે તે ક્યારેય ભૂલી નહિ શકે. તેમના પર “યહોવાની શક્તિ” હતી, એટલે કે તેમની જોરદાર પવિત્ર શક્તિ! યહોવાની શક્તિથી હઝકિયેલ જે જોશે અને સાંભળશે, એની સામે તો આજની નવી નવી ફિલ્મો પણ સાવ ફિક્કી પડી જાય. હઝકિયેલે જોયેલા દર્શનની તેમના પર એટલી જબરજસ્ત અસર થઈ કે તેમણે ઘૂંટણિયે પડીને માથું નમાવ્યું.—હઝકિ. ૧:૩, ૨૮.

યહોવાએ હઝકિયેલને એ દર્શન કેમ બતાવ્યું? એ જોઈને તે દંગ રહી જાય એટલા માટે? ના, એવું નથી. હઝકિયેલે જોયેલું એ પહેલું દર્શન ખૂબ મહત્ત્વનું હતું. એના પછી જે દર્શનો જોયાં એ પણ ખૂબ મહત્ત્વનાં હતાં. એ બધાં દર્શનો વિશે હઝકિયેલે પોતાના પુસ્તકમાં લખી લીધું. ફક્ત હઝકિયેલ માટે જ નહિ, આજના ઈશ્વરભક્તો માટે પણ એ દર્શનો એટલાં જ મહત્ત્વનાં છે. હઝકિયેલે જે જોયું અને સાંભળ્યું, એ આપણે પણ જોઈએ અને સાંભળીએ.

તેમણે ક્યાં અને ક્યારે દર્શન જોયું?

૪, ૫. હઝકિયેલે દર્શન જોયું ત્યારે સંજોગો કેવા હતા?

હઝકિયેલ ૧:૧-૩ વાંચો. ચાલો પહેલા જોઈએ કે હઝકિયેલે એ દર્શન ક્યાં અને ક્યારે જોયું હતું. આ ઈ.સ. પૂર્વે ૬૧૩ની વાત છે. આપણે ગયા પ્રકરણમાં જોયું કે હઝકિયેલ બાબેલોનમાં હતા. ત્યાં ગુલામીમાં ગયેલા બીજા યહૂદીઓ પણ રહેતા હતા. તેઓ કબાર નદી પાસે રહેતા હતા. એવું લાગે છે કે કબાર એક નહેરનું નામ હતું. એ યુફ્રેટિસ નદીમાંથી નીકળતી હતી અને આગળ જઈને પાછી એમાં મળી જતી હતી.

હઝકિયેલ ગુલામીમાં ગયેલા બીજા લોકો સાથે કબાર નદી પાસે રહેતા હતા (ફકરો ૪ જુઓ)

યહૂદીઓનું વતન યરૂશાલેમ હતું. એ શહેર બાબેલોનથી આશરે ૮૦૦ કિ.મી. દૂર હતું. * એક સમયે યરૂશાલેમના મંદિરમાં હઝકિયેલના પિતા યાજક હતા. પણ હવે ત્યાં મૂર્તિપૂજા થતી હતી. એક જમાનામાં યરૂશાલેમની રાજગાદી પરથી દાઉદ અને સુલેમાન રાજ કરતા હતા. તેમના રાજમાં જાહોજલાલી હતી. પણ હવે એ શહેર ખરાબ કામોથી ખદબદતું હતું. યરૂશાલેમનો દુષ્ટ રાજા યહોયાખીન પણ યહૂદીઓ સાથે ગુલામીમાં હતો. તેની જગ્યાએ રાજા સિદકિયા યરૂશાલેમ પર રાજ કરતો હતો. તે ઘણો દુષ્ટ હતો અને નબૂખાદનેસ્સારના ઇશારે નાચતો હતો.—૨ રાજા. ૨૪:૮-૧૨, ૧૭, ૧૯.

૬, ૭. શા માટે હઝકિયેલનું કાળજું કપાઈ ગયું હશે?

એ ખરાબ સંજોગો વિશે સાંભળીને હઝકિયેલ જેવા વફાદાર ઈશ્વરભક્તોનું કાળજું કપાઈ ગયું હશે. ગુલામીમાં ગયેલા તેમના જેવા બીજા ઈશ્વરભક્તોનાં મનમાં આવા સવાલો થયા હશે: ‘શું યહોવાએ અમને કાયમ માટે છોડી દીધા છે? બાબેલોનની દુષ્ટ સત્તા અને એના દેવો ખરેખર યહોવાની શુદ્ધ ભક્તિ મિટાવી દેશે? શું તેઓ ધરતી પરથી યહોવાના રાજનું નામનિશાન મિટાવી દેશે?’

એ સંજોગો મનમાં રાખીએ. ચાલો આપણે બાઇબલમાંથી હઝકિયેલના પુસ્તકમાં આપેલા પહેલા દર્શન વિશે જોઈએ. એમાં હઝકિયેલ જણાવે છે કે તેમણે શું જોયું અને શું સાંભળ્યું. (હઝકિ. ૧:૪-૨૮) કલ્પના કરો કે તમે હઝકિયેલની જગ્યાએ છો. તેમણે જે જોયું એ જોવાની કોશિશ કરો. તેમણે જે સાંભળ્યું એ સાંભળવાની કોશિશ કરો.

કાર્કમીશ પાસેના વિસ્તારમાં યુફ્રેટિસ નદી (ફકરા ૫-૭ જુઓ)

એક અજાયબ વાહન

૮. (ક) હઝકિયેલે દર્શનમાં શું જોયું? (ખ) તેમણે દર્શનમાં જે જોયું એ શાને રજૂ કરે છે?

ચાલો ટૂંકમાં જોઈએ કે હઝકિયેલ શું જુએ છે. તે એક અજાયબ વાહન જુએ છે. એ વાહન બહુ જ મોટું અને જબરજસ્ત છે. એ વાહનનું રથ તરીકે વર્ણન થયું છે. એનાં ચાર મોટાં મોટાં પૈડાં છે. દરેક પૈડાની બાજુમાં એક એક દૂત છે. પછીથી એ દૂતોની ઓળખ કરૂબો તરીકે આપવામાં આવી. (હઝકિ. ૧૦:૧) એ કરૂબોની ઉપર કાચનો એક મોટો મંચ છે. એ બરફ જેવો ચળકે છે. એની ઉપર ઈશ્વરની ભવ્ય રાજગાદી છે. એના પર યહોવા બિરાજેલા છે. એ રથ શાને રજૂ કરે છે? એમાં કોઈ શંકા નથી કે એ યહોવાના સંગઠનના સ્વર્ગના ભાગને રજૂ કરે છે, જે સંગઠન આખા વિશ્વમાં ફેલાયેલું છે. એવું શાના પરથી કહી શકાય? ચાલો એનાં ત્રણ કારણો જોઈએ.

૯. રથના વર્ણનથી કઈ રીતે જાણવા મળે છે કે યહોવા દૂતો પર રાજ કરે છે?

યહોવા દૂતો પર રાજ કરે છે. ધ્યાન આપો કે દર્શનમાં યહોવાની રાજગાદી કરૂબોની ઉપર છે. બાઇબલમાં બીજે પણ યહોવાનું વર્ણન એ રીતે થયું છે. એમાં જણાવ્યું છે કે યહોવા કરૂબોની ઉપર કે તેઓની વચ્ચે રાજગાદી પર બિરાજે છે. (૨ રાજાઓ ૧૯:૧૫ વાંચો; નિર્ગ. ૨૫:૨૨; ગીત. ૮૦:૧) એનો અર્થ એ નથી કે યહોવા ખરેખર એ કરૂબો પર બેસે છે, જાણે તેમને એ શક્તિશાળી દૂતોએ ઊંચકવા પડે. એનો અર્થ એ પણ નથી કે યહોવા સાચે જ એ રથ પર સવારી કરે છે. પણ કરૂબો તો યહોવાના રાજ કરવાના હકને પૂરો ટેકો આપે છે. યહોવા પોતાની મરજી પૂરી કરવા તેઓને આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ મોકલે છે. બીજા પવિત્ર દૂતોની જેમ કરૂબો પણ યહોવાના વફાદાર સેવકો છે. યહોવા જે નિર્ણયો લે એ પ્રમાણે તેઓ કરે છે. (ગીત. ૧૦૪:૪) આ રીતે બધા દૂતો જાણે એક મોટો રથ છે અને યહોવા તેઓ પર “સવારી કરે છે.” યહોવા એક મહાન રાજા છે. તે દૂતોને જણાવે છે કે તેઓએ શું કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ.

૧૦. યહોવાના રથ કે સંગઠનમાં ફક્ત ચાર કરૂબો નથી, એવું શા માટે કહી શકાય?

૧૦ યહોવાના રથ કે સંગઠનમાં ફક્ત ચાર કરૂબો નથી. હઝકિયેલે દર્શનમાં ચાર કરૂબો જોયા હતા. બાઇબલમાં મોટા ભાગે ચારની સંખ્યા કંઈક પૂરેપૂરું કે આખું હોય એને બતાવે છે. તો પછી, દર્શનના ચાર કરૂબો શાને રજૂ કરે છે? એ યહોવાના બધા વફાદાર દૂતોને રજૂ કરે છે. એ પણ વિચાર કરો કે પૈડાં અને કરૂબો પર આંખો જ આંખો છે. એનો અર્થ થાય કે કરૂબો સાવધ રહે છે. ફક્ત ચાર કરૂબો જ નહિ, પણ યહોવાના બધા દૂતો હંમેશાં સાવધ રહે છે. હઝકિયેલે જોયેલું વાહન એટલું જબરજસ્ત છે કે એની સામે મોટા મોટા કરૂબો પણ નાના લાગે. (હઝકિ. ૧:૧૮, ૨૨; ૧૦:૧૨) એનાથી જોવા મળે છે કે યહોવાના સંગઠનનો સ્વર્ગનો ભાગ કેટલો મોટો અને જબરજસ્ત છે! એમાં ફક્ત ચાર કરૂબો જ નહિ, પણ ઘણા બધા દૂતો છે.

દર્શનમાં યહોવાનો રથ જોઈને હઝકિયેલ પર ડર છવાઈ ગયો (ફકરા ૮-૧૦ જુઓ)

૧૧. દાનિયેલે પણ દર્શનમાં શું જોયું અને શું કહેવું ખોટું ન ગણાય?

૧૧ દાનિયેલે પણ સ્વર્ગનું એવું જ એક દર્શન જોયું હતું. પ્રબોધક દાનિયેલ બાબેલોનમાં ઘણાં વર્ષો સુધી રહ્યા. તેમણે પણ સ્વર્ગનું એક દર્શન જોયું હતું. નવાઈની વાત તો એ છે કે તેમણે પણ દર્શનમાં યહોવાની રાજગાદી જોઈ, જેને પૈડાં હતાં. તેમણે દર્શનમાં યહોવાનું એક મોટું કુટુંબ જોયું, જે સ્વર્ગદૂતોનું બનેલું હતું. દાનિયેલે જોયું કે ‘હજારો ને હજારો અને લાખો ને લાખો’ દૂતો યહોવાની આગળ ઊભા હતા. તેઓ જાણે યહોવાની અદાલતમાં હતા. દરેકને પોતપોતાની જગ્યા આપવામાં આવી હતી. (દાનિ. ૭:૯, ૧૦, ૧૩-૧૮) તો પછી એમ કહેવું ખોટું ન ગણાય કે હઝકિયેલે દર્શનમાં જે જોયું એ પણ આ લાખો ને લાખો દૂતોને રજૂ કરે છે.

૧૨. બાઇબલમાં આપેલાં દર્શનો પર મનન કરવાથી કઈ રીતે આપણાં મનનું રક્ષણ થાય છે?

૧૨ યહોવા જાણે છે કે “જે અદૃશ્ય છે” એના પર મન લગાડીએ તો આપણાં મનનું રક્ષણ થશે. એનાથી નકામી વાતોમાં આપણું ધ્યાન ફંટાઈ નહિ જાય. કઈ રીતે? આપણે માટીના માણસો છીએ. એટલે “જે દૃશ્ય છે” એના પર આપણું ધ્યાન લાગેલું હોય છે. આપણે જીવનની ચિંતાઓનો ટોપલો માથે લઈને ચાલતા હોઈએ છીએ. એ ચિંતાઓ તો ઘડી બે ઘડીની હોય છે. (૨ કોરીંથીઓ ૪:૧૮ વાંચો.) શેતાન આપણી દુખતી રગ જાણે છે અને એનો ફાયદો ઉઠાવે છે. તે ચાહે છે કે આપણે જીવનની ચિંતાઓમાં ડૂબેલા રહીએ. એમાંથી બહાર જ ન આવીએ. આપણે શેતાનના ફાંદાથી કઈ રીતે બચી શકીએ? યહોવા આપણને ખૂબ પ્રેમ કરતા હોવાથી મદદ કરે છે. તેમણે આપણા માટે બાઇબલમાં અનેક દર્શનો લખાવી લીધાં છે. એ વાંચીએ અને એના પર મનન કરીએ. એમ કરીશું તો આપણે શેતાનના ફાંદાથી બચી શકીશું. એમાંનું એક છે, હઝકિયેલે જોયેલું દર્શન! એ આપણને યાદ અપાવે છે કે સ્વર્ગમાં યહોવાનું મોટું કુટુંબ છે. એમાં લાખો ને કરોડો દૂતો છે.

“પૈડાઓ!”

૧૩, ૧૪. (ક) હઝકિયેલ રથનાં પૈડાઓ વિશે શું જણાવે છે? (ખ) યહોવાની રાજગાદીમાં કેમ પૈડાઓ છે?

૧૩ પહેલા તો હઝકિયેલની નજર ચાર કરૂબો પર પડે છે. એ કરૂબો વિશે ચોથા પ્રકરણમાં વધારે જોઈશું. આપણે શીખીશું કે એ કરૂબો અને તેઓના દેખાવ પરથી યહોવા વિશે શું જાણવા મળે છે. હઝકિયેલ ચાર કરૂબોની સાથે સાથે ચાર પૈડાઓ પણ જુએ છે. એ પૈડાઓ ચારેય ખૂણે છે. એનાથી બહુ મોટું ચોરસ બને છે. (હઝકિયેલ ૧:૧૬-૧૮ વાંચો.) એવું લાગે છે કે એ પૈડાઓ જાણે તૃણમણિ પથ્થરનાં બનેલાં છે, જે એક કીમતી પથ્થર છે. એનો રંગ પીળો કે લીલો-પીળો જેવો છે. એમાંથી આરપાર જોઈ શકાય છે. સુંદર પથ્થરથી બનેલાં પૈડાઓ ચમકે છે.

૧૪ હઝકિયેલના દર્શનમાં રથનાં પૈડાઓ વિશે ઘણું બધું જણાવ્યું છે. દર્શનમાં હઝકિયેલે જે રાજગાદી જોઈ, એના પૈડાં છે. એ રાજગાદી કોઈ સામાન્ય રાજગાદી નથી. એ દુનિયાના રાજાઓની રાજગાદી જેવી નથી, જે એક જ જગ્યાએ હોય. તેઓની રાજગાદીને પૈડાં હોતાં નથી કે એને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જવાય. જો દુનિયાના રાજાઓની વાત કરીએ તો એ રાજાઓનું રાજ અમુક વિસ્તાર સુધી જ હોય છે. પણ યહોવાનું રાજ આખા વિશ્વમાં ફેલાયેલું છે. એના પછી હઝકિયેલે જે જોયું, એનાથી આપણને જાણવા મળે છે કે યહોવાના રાજની કોઈ સીમા નથી. (નહે. ૯:૬) યહોવા આખા વિશ્વના માલિક છે. એટલે તે જ્યાં ચાહે ત્યાં રાજ કરી શકે છે.

૧૫. પૈડાઓ કેવાં હતાં અને એની બનાવટ કેવી હતી?

૧૫ હઝકિયેલને પૈડાં જોઈને નવાઈ લાગી. એ એટલાં મોટાં મોટાં હતાં કે વાત જ ન પૂછો! તે કહે છે, “પૈડાં એટલાં ઊંચાં હતાં કે જોઈને દંગ થઈ જવાય.” જરા કલ્પના કરો કે હઝકિયેલ પહોળી આંખે આકાશ તરફ જુએ છે. તે આકાશમાં ચળકતાં પૈડાઓ જુએ છે. એ પૈડાઓ ગગન ચૂમે છે! તે જણાવે છે: “ચારેય પૈડાંની બહારની સપાટી પર આંખો જ આંખો હતી.” હજુ નવાઈ લાગે એવી વાત છે, એ પૈડાંની બનાવટ! તે કહે છે: “તેઓની બનાવટ એવી હતી જાણે એક પૈડામાં બીજું પૈડું હોય.” એનો શું મતલબ થાય?

૧૬, ૧૭. (ક) એક પૈડામાં બીજું પૈડું કઈ રીતે લાગેલું હતું? (ખ) પૈડાઓની અનોખી બનાવટને લીધે યહોવાનો રથ કઈ રીતે દિશા બદલે છે?

૧૬ હઝકિયેલે જોયેલાં પૈડાં એવાં હતાં, જાણે એક પૈડામાં બીજું પૈડું હોય. એ પૈડાંનો આકાર એકસરખો હતો. એ પૈડાં કદાચ એક ધરી પર કાટખૂણે લગાવેલાં હતાં. એટલે જ પૈડાં જે રીતે ફરે છે એ એકદમ અજાયબ લાગે છે. હઝકિયેલ જણાવે છે, “તેઓ આગળ વધતાં ત્યારે, આમતેમ વળ્યા વગર કોઈ પણ દિશામાં જઈ શકતાં.” એ પૈડાઓ હઝકિયેલે જોયેલા રથ વિશે શું જણાવે છે?

૧૭ દર્શનમાં જોયેલાં એ ઊંચાં ઊંચાં પૈડાં જો એક વાર પણ ફરે, તો ક્યાંથી ક્યાંય પહોંચી જાય! દર્શનમાં એ પણ બતાવ્યું છે કે રથની ઝડપ વીજળીની ઝડપ જેવી છે. (હઝકિ. ૧:૧૪) એટલે આપણે વિચારી પણ નથી શકતા કે આંખના એક પલકારામાં રથનાં એ પૈડાં કેટલે દૂર સુધી પહોંચી જાય! માણસ તો ફક્ત સપનામાં જ એવાં પૈડાં બનાવી શકે, જે ચારે બાજુ ફરે. દર્શનમાં બતાવેલો રથ પોતાની ઝડપ ઓછી કર્યા વગર અને આમતેમ વળ્યા વગર દિશા બદલી શકે છે. પણ એનો મતલબ એ નથી કે એ આંખો મીંચીને દોડે છે. પૈડાંની સપાટી પર આંખો જ આંખો છે. એનો અર્થ એ થાય કે રથને સારી રીતે ખબર છે કે એની ચારે દિશામાં શું થઈ રહ્યું છે.

રથનાં પૈડાં મોટાં મોટાં છે અને એ પૂરઝડપે દોડે છે (ફકરો ૧૭ જુઓ)

૧૮. મોટાં મોટાં પૈડાઓ અને એની સપાટી પરની આંખો વિશે શું શીખવા મળે છે?

૧૮ યહોવા આ દર્શન બતાવીને હઝકિયેલ અને બધા વફાદાર ઈશ્વરભક્તોને શું શીખવવા માંગે છે? યહોવા પોતાના સંગઠનના સ્વર્ગમાંના ભાગ વિશે અમુક મહત્ત્વની વાત શીખવવા માંગે છે. વિચારો કે આપણે અત્યાર સુધી શું શીખ્યા? પૈડાઓ ખૂબ મોટાં મોટાં છે. પૈડાઓનો ચળકાટ પણ જોવા જેવો છે. એના પરથી જોવા મળે છે કે યહોવાના સંગઠનનો સ્વર્ગમાંનો ભાગ કેટલો ભવ્ય અને નવાઈ લાગે એવો છે. પૈડાંની સપાટી પર આંખો જ આંખો છે. એ બતાવે છે કે સંગઠનનો આ ભાગ બધું જ જાણે છે. અરે, યહોવા પોતે બધું જ જોઈ શકે છે! (નીતિ. ૧૫:૩; યર્મિ. ૨૩:૨૪) યહોવા પાસે લાખો ને કરોડો સ્વર્ગદૂતો છે. તે તેઓને વિશ્વના કોઈ પણ ખૂણે મોકલી શકે છે. દૂતોની નજર પણ તેજ છે. દૂતો પોતાના માલિક યહોવાને વિશ્વની એકેએક ખબર આપે છે.—હિબ્રૂઓ ૧:૧૩, ૧૪ વાંચો.

પૈડાંની બનાવટ એવી છે કે એને કોઈ પણ દિશામાં વાળી શકાય (ફકરા ૧૭, ૧૯ જુઓ)

૧૯. યહોવાનો રથ ઝડપથી દોડે છે અને એને કોઈ પણ દિશામાં વાળી શકાય છે. એના પરથી યહોવા અને તેમના સંગઠન વિશે શું શીખવા મળે છે?

૧૯ આપણે એ પણ જોયું કે રથ વીજળીની ઝડપે દોડે છે. એને કોઈ પણ દિશામાં વાળી શકાય છે. આ રથ એટલે કે યહોવાના સંગઠનના સ્વર્ગમાંના ભાગને ચલાવનાર યહોવા જ છે. વિચારો કે યહોવાના સંગઠનના સ્વર્ગમાંના આ ભાગ અને માણસોની સરકારો અને સંગઠનોમાં આભ-જમીનનો ફરક છે. એ માણસો તકલીફોનો કોઈ ઉકેલ લાવી શકતા નથી. તેઓ સંજોગો પ્રમાણે ફેરફાર કરી શકતા નથી. એટલે તેઓ સફળ થતા નથી. જલદી જ તેઓનો નાશ કરવામાં આવશે. પણ યહોવાનું સંગઠન સંજોગો પ્રમાણે ફેરફાર કરે છે. એ સમજી-વિચારીને વર્તે છે. એ સંગઠનને ચલાવનાર યહોવા એવું જ કરે છે. તેમના નામથી જ જાણવા મળે છે કે તે પોતાનો હેતુ પૂરો કરવા જે બનવા ચાહે એ બને છે. (નિર્ગ. ૩:૧૩, ૧૪) દાખલા તરીકે, યહોવા એક પળમાં શૂરવીર યોદ્ધા બનીને પોતાના લોકો માટે લડી શકે છે. બીજી જ પળે તે દયાળુ પિતા બનીને સાચા દિલથી પસ્તાવો કરનાર લોકોને માફ કરે છે. એટલું જ નહિ, યહોવા તેઓને દિલાસો આપે છે અને તેઓનાં દિલના ઘા રુઝાવવા મદદ કરે છે.—ગીત. ૩૦:૫; યશા. ૬૬:૧૩.

૨૦. આપણે યહોવાના રથને પૂરાં દિલથી કેમ આદર આપવો જોઈએ?

૨૦ અત્યાર સુધી હઝકિયેલના દર્શનમાંથી આપણે કેટલું બધું શીખી ગયા! આપણે વિચાર કરવો જોઈએ કે ‘શું હું યહોવાના રથને પૂરા દિલથી આદર આપું છું?’ આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાનો રથ એટલે યહોવાનું સંગઠન. એ આજે ઝડપથી દોડે છે. માનો કે આપણા પર કોઈ તકલીફ આવી પડી છે. આપણે ચિંતાનાં વાદળોથી ઘેરાઈ ગયા છીએ. એ સમયે આપણે એવું ન વિચારીએ કે યહોવા, ઈસુ અને બધા દૂતો હાથ પર હાથ ધરીને બેઠા છે. આપણે એવી પણ ચિંતા ન કરીએ કે યહોવા મદદનો હાથ લંબાવવામાં મોડું કરે છે. એમ ન વિચારીએ કે દુનિયામાં કોઈ નવી મુસીબત ઊભી થાય તો યહોવાનું સંગઠન ટકી નહિ શકે. આપણે યાદ રાખીએ કે યહોવાનું સંગઠન જોરશોરથી કામ કરે છે અને ઝડપથી આગળ વધે છે. હઝકિયેલે પણ દર્શનમાં એવું જ જોયું. તેમણે સ્વર્ગમાંથી એક અવાજ આમ કહેતો સાંભળ્યો: “પૈડાઓ!” એ અવાજ પૈડાઓને આગળ વધવાની આજ્ઞા આપે છે. (હઝકિ. ૧૦:૧૩) યહોવા પોતાના સંગઠનને જે રીતે આગળ વધારે છે, એ જોઈને આપણું દિલ કદરથી ઊભરાઈ આવે છે. યહોવા માટે આપણી શ્રદ્ધા વધતી ને વધતી જાય છે.

સંગઠન ચલાવનાર

૨૧, ૨૨. વાહનના ભાગો એકબીજા સાથે જોડાયેલા નથી, તો પછી તેઓ કઈ રીતે એકસાથે આગળ વધી શકે?

૨૧ હવે હઝકિયેલની નજર પૈડાઓ પરથી હટીને ઉપરની તરફ જાય છે. તે કાચનો એક ભવ્ય મંચ જુએ છે, “જે બરફની જેમ ચળકતો હતો.” (હઝકિ. ૧:૨૨) કરૂબોનાં માથાં ઉપરનો કાચનો એ મંચ દૂર દૂર સુધી ફેલાયેલો છે. એ ચમકે છે અને એની આરપાર જોઈ શકાય છે. જે વાચક મશીનોથી જાણકાર હોય, તેને ઘણા સવાલો થઈ શકે. જેમ કે, ‘પૈડાઓ ઉપર કાચનો એ મંચ કઈ રીતે લગાવેલો છે? પૈડાઓ એકબીજા સાથે જોડાયેલાં નથી, તો પછી તેઓ કઈ રીતે એકસાથે આગળ વધી શકે?’ આપણે ભૂલીએ નહિ કે આ કંઈ સાચૂકલું વાહન નથી. અહીં આપણને ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે. એ યહોવાના સંગઠનના સ્વર્ગના ભાગને રજૂ કરે છે. આપણે યાદ રાખીએ કે “દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી.” (હઝકિ. ૧:૨૦, ૨૧) કરૂબોને અને પૈડાંને જે શક્તિ દોરતી હતી, એ શું છે?

૨૨ એમાં કોઈ શંકા નથી કે એ શક્તિ યહોવાની પવિત્ર શક્તિ હતી. આખા વિશ્વમાં એના જેવી કોઈ શક્તિ નથી. એ શક્તિ જ વાહનના બધા ભાગોને જોડેલા રાખે છે. એ શક્તિ બધા ભાગોને મદદ કરે છે, જેથી બધા એકસાથે મળીને કામ કરે. એ શક્તિ વાહનને આગળ વધારે છે. આ વાત ધ્યાનમાં રાખીને ચાલો જોઈએ કે હઝકિયેલની નજર હવે ક્યાં પડે છે. હઝકિયેલ હવે વાહન એટલે કે રથના ચલાવનાર તરફ ધ્યાન આપે છે.

હઝકિયેલે દર્શનમાં એવું કંઈક જોયું, જેનું વર્ણન કરવા તેમની પાસે શબ્દો ખૂટી પડ્યા

૨૩. યહોવા વિશે વાત કરતી વખતે હઝકિયેલ કેવા શબ્દો વાપરે છે? કેમ?

૨૩ હઝકિયેલ ૧:૨૬-૨૮ વાંચો. હઝકિયેલ આખા દર્શનની વાત કરતી વખતે આવા શબ્દો વાપરે છે: “દેખાવ,” “જેવો હતો,” “જેવું દેખાતું હતું” અને “જેવું કંઈક.” હઝકિયેલ ૧:૨૬-૨૮માં આવા શબ્દો વારંવાર વપરાયા છે. માનો કે આ કલમોનું વર્ણન કરતી વખતે હઝકિયેલ પાસે જાણે શબ્દો ખૂટી પડ્યા હોય. તેમણે જોયું કે “નીલમના પથ્થર જેવું કંઈક હતું. એ રાજગાદી જેવું દેખાતું હતું.” શું તમને નીલમના મોટા પથ્થરમાંથી કોતરેલી રાજગાદી દેખાય છે? એ રાજગાદી પર સર્વોપરી ઈશ્વર બિરાજમાન છે, “જેમનો દેખાવ માણસ જેવો હતો.”

૨૪, ૨૫. (ક) યહોવાની રાજગાદીની ચારે બાજુ ફેલાયેલું મેઘધનુષ્ય શાની યાદ અપાવે છે? (ખ) અમુક પ્રબોધકોએ જોયેલાં દર્શનોથી તેઓને કેવું લાગ્યું?

૨૪ હઝકિયેલ એ રાજગાદી તરફ જુએ છે તો તેમને ઝાંખું ઝાંખું દેખાય છે. તે એ રાજગાદી પર બિરાજેલા ઈશ્વર યહોવાને જોઈ શકતા નથી. યહોવાની કમરની નીચેના અને ઉપરના ભાગમાંથી તેમના ગૌરવનો પ્રકાશ ઝળહળે છે. આપણે કલ્પના કરી શકીએ કે એ પ્રકાશને લીધે હઝકિયેલની આંખો મીંચાઈ જતી હશે. એટલે તેમણે વારંવાર હાથથી પોતાનો ચહેરો ઢાંકવો પડતો હશે. એ દર્શન કેટલું શાનદાર હતું, એની એક જોરદાર વાત હઝકિયેલ જણાવે છે. તે કહે છે, “તેમની ચારે બાજુ પ્રકાશ ફેલાયેલો હતો. ઝળહળતો એ પ્રકાશ વરસાદના દિવસે વાદળમાં દેખાતા મેઘધનુષ્ય જેવો હતો.” એ નજારો એકદમ મસ્ત હતો, જાણે આપણે જોયા જ કરીએ! મેઘધનુષ્ય આપણા રચનારના ગૌરવની એક ઝાંખી આપે છે. એનાથી આકાશ રંગીન થઈ જાય છે. એ પાણીના પૂર વખતે યહોવાએ કરેલા શાંતિના કરારની યાદ અપાવે છે. (ઉત. ૯:૧૧-૧૬) યહોવા સૌથી શક્તિશાળી ઈશ્વર છે. તેમના જેવું બીજું કોઈ જ નથી. તે શાંતિના પણ ઈશ્વર છે. (હિબ્રૂ. ૧૩:૨૦) તેમની રગેરગમાં શાંતિ વહે છે. પૂરાં દિલથી તેમની ભક્તિ કરનારા લોકોને તે શાંતિ આપે છે.

યહોવાની રાજગાદીની ચારે બાજુ રંગીન મેઘધનુષ્ય છે. એ યાદ અપાવે છે કે આપણે શાંતિના ઈશ્વરની ભક્તિ કરીએ છીએ (ફકરો ૨૪ જુઓ)

૨૫ હઝકિયેલે દર્શનમાં યહોવાના ગૌરવની એક ઝલક જોઈ. એનાથી તેમને કેવું લાગ્યું? તે કહે છે: “એ જોઈને હું ઘૂંટણિયે પડ્યો અને મેં માથું નમાવ્યું.” એ દર્શન જોઈને હઝકિયેલના હોશકોશ ઊડી જાય છે. તેમના પર ઈશ્વરનો ડર છવાઈ જાય છે. એટલે સુધી કે તે ઘૂંટણિયે પડીને માથું નમાવે છે. યહોવાએ બીજા પ્રબોધકોને પણ દર્શનો બતાવ્યાં હતાં. તેઓની હાલત પણ હઝકિયેલ જેવી થઈ ગઈ હશે. તેઓને લાગ્યું હશે કે પોતે કેટલા મામૂલી માણસો છે. તેઓ દર્શનો જોઈને ગભરાઈ ગયા હશે. (યશા. ૬:૧-૫; દાનિ. ૧૦:૮, ૯; પ્રકટી. ૧:૧૨-૧૭) પણ યહોવાએ પ્રબોધકોને બતાવેલાં દર્શનોથી તેઓને થોડા સમય પછી હિંમત મળી. હઝકિયેલે જોયેલા દર્શનથી તેમને પણ હિંમત મળી. આપણે જ્યારે બાઇબલમાંથી એ દર્શનો વિશે વાંચીએ છીએ, ત્યારે આપણને પણ ઘણી હિંમત મળે છે.

૨૬. હઝકિયેલને આ દર્શનથી કઈ રીતે હિંમત મળી હશે?

૨૬ હઝકિયેલને ઘણી ચિંતા સતાવતી હશે કે બાબેલોનમાં યહોવાના લોકોનું શું થશે. આ દર્શનથી તેમને ચિંતામાં રાહત મળી હશે. તેમને ઘણી હિંમત મળી હશે. ભલે યહોવાના લોકો યરૂશાલેમમાં હોય, બાબેલોનમાં હોય કે ધરતીના બીજા કોઈ ખૂણે હોય, યહોવા માટે એ કંઈ બહુ મોટી વાત ન હતી. તેઓ યહોવાની પહોંચથી જરાય દૂર ન હતા. તેઓ ચાહે ત્યારે યહોવાના રથની મદદ લઈ શકતા હતા. સ્વર્ગનો એ ભવ્ય રથ ખુદ યહોવા ચલાવે છે. શેતાનની કોઈ તાકાત યહોવાને પોતાની મરજી પૂરી કરતા રોકી શકતી નથી. (ગીતશાસ્ત્ર ૧૧૮:૬ વાંચો.) હઝકિયેલે જોયું કે યહોવાનો એ રથ માણસોથી બહુ દૂર નથી. જુઓ તો ખરા, એનાં પૈડાં ધરતીને અડકે છે! (હઝકિ. ૧:૧૯) એનો મતલબ એ થાય કે ગુલામીમાં રહેતા પોતાના લોકોની યહોવાને બહુ ચિંતા થતી હતી. તેઓ ક્યારેય યહોવાના પ્રેમની છાયાથી દૂર ન હતા.

રથ અને તમે

૨૭. હઝકિયેલને થયેલા દર્શનમાંથી શું શીખવા મળે છે?

૨૭ હઝકિયેલને થયેલા દર્શનમાંથી ઘણું બધું શીખવા મળે છે. શેતાન આજે પણ યહોવાની શુદ્ધ ભક્તિ મિટાવવા આભ-જમીન એક કરી રહ્યો છે. તે આપણને એવું મનાવવા ચાહે છે કે યહોવા અને તેમના સંગઠનથી આપણે ક્યાંય દૂર છીએ. આપણે સાવ એકલા-અટૂલા અને લાચાર છીએ. જો આપણે એવું માની લઈએ તો શેતાનને મજા પડી જશે! પણ તમે એની જૂઠી વાતોમાં જરાય આવતા નહિ. (ગીત. ૧૩૯:૭-૧૨) હઝકિયેલના દર્શન વિશે જાણીને આપણે પણ દંગ રહી જઈએ છીએ. ખરું કે આપણે હઝકિયેલની જેમ ઘૂંટણિયે પડી જતા નથી. પણ યહોવાના સંગઠનના સ્વર્ગમાંના ભાગ વિશે જાણીને આપણું રોમેરોમ કદરથી ઊભરાઈ જાય છે. એ કેટલું શક્તિશાળી છે. એ કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. એ સમય અને સંજોગો પ્રમાણે ફેરફાર કરે છે. એ કેટલું અદ્‍ભુત છે!

૨૮, ૨૯. શું બતાવે છે કે છેલ્લાં સો વર્ષોથી યહોવાનો રથ પૂરઝડપે દોડે છે?

૨૮ યહોવાના સંગઠનનો એક ભાગ ધરતી પર છે, જે પાપી માણસોથી બનેલો છે. તોપણ વિચારો કે યહોવાએ તેઓને આખી દુનિયામાં કેટલાં મોટાં મોટાં કામો કરવા મદદ કરી છે! એ માણસો કદી પણ પોતાની શક્તિથી એવાં કામો કરી શક્યા ન હોત. (યોહા. ૧૪:૧૨) પરમેશ્વર કા રાજ હુકૂમત કર રહા હૈ! પુસ્તક પર આપણે ઊડતી નજર નાખીએ તો શું જોવા મળે છે? આપણને જોવા મળે છે કે છેલ્લાં સો વર્ષોમાં કેટલા જોરશોરથી પ્રચારકામ થયું છે. એવું તો પહેલાં કદી થયું નથી. આપણને એ પણ જોવા મળે છે કે યહોવાની મરજી પૂરી કરવા તેમના સંગઠને કેવાં કેવાં શિખરો સર કર્યાં છે! જેમ કે, ઈશ્વરભક્તોને બાઇબલનું સત્ય શીખવ્યું છે. ઘણી કાનૂની જીત મેળવી છે. અરે, તેઓને નવી નવી ટૅક્નોલૉજી વાપરવા મદદ પણ કરી છે.

૨૯ આપણે આ દુષ્ટ દુનિયાના છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. એ સમયે યહોવાએ પોતાની શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરવા કેટલું બધું કર્યું છે! આપણે સાફ સાફ જોઈ શકીએ છીએ કે યહોવાનો રથ પૂરઝડપે દોડે છે. આપણને કેટલો મોટો આશીર્વાદ મળ્યો છે કે આપણે પણ એ સંગઠનમાં છીએ. આપણને વિશ્વના માલિક યહોવાની ભક્તિ કરવાનો મોકો મળ્યો છે. એ કેટલી મોટી વાત કહેવાય!—ગીત. ૮૪:૧૦.

યહોવાના સંગઠનનો ધરતી પરનો ભાગ ઝડપથી આગળ વધે છે (ફકરા ૨૮, ૨૯ જુઓ)

૩૦. હવે પછીના પ્રકરણમાં આપણે શું શીખીશું?

૩૦ હઝકિયેલના આ દર્શનમાંથી હજુ પણ ઘણું શીખી શકીએ છીએ. હવે પછીના પ્રકરણમાં જોઈશું કે દર્શનમાં જોયેલા ચાર “દૂતો” અથવા કરૂબો આપણને શું શીખવે છે. એ કરૂબો આપણા રાજા-મહારાજા, વિશ્વના માલિક યહોવા વિશે ઘણું બધું શીખવશે.

^ અહીં હઝકિયેલ સોના-ચાંદીના મિશ્રણવાળી ચળકતી ધાતુની વાત કરે છે.

^ જો સીધેસીધો રસ્તો લેવામાં આવે તો એટલું અંતર થતું હતું. પણ યહૂદીઓ બીજા રસ્તેથી બાબેલોન ગયા હશે, જેનું અંતર આશરે ૧,૬૦૦ કિ.મી. હતું.