સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૧૬

“તેઓનાં કપાળ પર નિશાની કર”

“તેઓનાં કપાળ પર નિશાની કર”

હઝકિયેલ ૯:૪

ઝલક: હઝકિયેલના સમયમાં ઈશ્વરભક્તોને બચાવવા કઈ રીતે નિશાની કરવામાં આવી? આપણા સમયમાં નિશાની કરવાનો શું અર્થ થાય?

૧-૩. (ક) હઝકિયેલના હોશકોશ કેમ ઊડી ગયા? (ખ) યરૂશાલેમના નાશ વિશે તેમને શું ખબર પડી? (ગ) આપણે કયા સવાલોનો વિચાર કરીશું?

 હઝકિયેલના હોશકોશ ઊડી ગયા. તેમણે જોયું કે યરૂશાલેમના મંદિરમાં શું થતું હતું. બંડખોર યહૂદી લોકો ત્યાં નીચ અને અધમ કામો કરતા હતા. * એ મંદિર તો આખા ઇઝરાયેલમાં યહોવાની ભક્તિ કરવાની પવિત્ર જગ્યા હતું. એ બળવાખોર લોકોએ યહોવાનું એ મંદિર જ અશુદ્ધ કર્યું ન હતું, પણ આખા યહૂદામાં જ્યાં જુઓ ત્યાં હિંસા ફેલાવી દીધી હતી. એનો કોઈ ઇલાજ જ ન હતો. પોતાના લોકોનાં આવાં કરતૂતો જોઈને યહોવા દુઃખી દુઃખી થઈ ગયા. યહોવાએ હઝકિયેલને કીધું, “મારો ક્રોધ સળગી ઊઠશે.”—હઝકિ. ૮:૧૭, ૧૮.

એક સમયે યરૂશાલેમનું મંદિર બહુ પવિત્ર ગણાતું. પણ હવે યરૂશાલેમ અને મંદિર પર યહોવાનો ક્રોધ સળગી ઊઠશે. તે એનો નાશ કરશે. એ જાણીને હઝકિયેલને કેટલું દુઃખ થયું હશે! હઝકિયેલના મનમાં એક પછી એક સવાલો ઊભા થયા હશે. જેમ કે, ‘યરૂશાલેમના વફાદાર લોકોનું શું થશે? શું તેઓને નાશમાંથી બચાવવામાં આવશે? જો તેઓને બચાવવામાં આવે તો કઈ રીતે?’ હઝકિયેલને એના જવાબો જાણવા માટે બહુ રાહ જોવી ન પડી. દર્શનમાં યહોવા યરૂશાલેમને સજા ફટકારે છે. પછી તરત જ મોટા અવાજે અમુક માણસોને હુકમ આપવામાં આવે છે. તેઓને કહેવામાં આવે છે કે યરૂશાલેમના લોકોને ઈશ્વર તરફથી સજા કરે. (હઝકિ. ૯:૧) હઝકિયેલ આગળ દર્શનમાં જુએ છે તેમ, તેમને ખબર પડે છે કે જેમતેમ વિનાશ કરવામાં નહિ આવે. પણ ફક્ત બેવફા લોકોનો નાશ થશે. વફાદાર લોકો તો બચી જશે. એ જાણીને હઝકિયેલના દિલને કેટલી ઠંડક થઈ હશે!

આજે આ દુષ્ટ દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાય રહી છે. આપણને થાય કે એ મોટા વિનાશમાંથી બચી જવા માટે શું કરવું જોઈએ. ચાલો આપણે આ સવાલોનો વિચાર કરીએ: (૧) હઝકિયેલ દર્શનમાં આગળ શું જુએ છે? (૨) હઝકિયેલના સમયમાં એ દર્શન પ્રમાણે શું થયું? (૩) આપણા સમયમાં એ દર્શનનો શું મતલબ થાય છે?

“સજા કરનારાઓને બોલાવો!”

૪. દર્શનમાં હઝકિયેલ આગળ શું જુએ છે અને શું સાંભળે છે?

પછી હઝકિયેલ શું જુએ છે અને શું સાંભળે છે? (હઝકિયેલ ૯:૧-૧૧ વાંચો.) તે જુએ છે કે “ઉત્તર તરફ આવેલા ઉપરના દરવાજાથી” સાત માણસો આવે છે. કદાચ આ જ જગ્યાએ રોષ ચઢે એવી મૂર્તિ ઊભી કરવામાં આવી હતી કે પછી સ્ત્રીઓ તામ્મૂઝ દેવ માટે રડતી હતી. (હઝકિ. ૮:૩, ૧૪) સાત માણસો મંદિરના અંદરના આંગણામાં આવે છે. તેઓ આવીને તાંબાની અર્પણની વેદી પાસે ઊભા રહે છે. તેઓ મંદિરમાં બલિદાન ચઢાવવા નથી આવ્યા, કેમ કે હવે યહોવા અહીં બલિદાન સ્વીકારતા નથી. એ સાત માણસોમાંથી છ માણસોના “હાથમાં વિનાશનું હથિયાર” છે. પણ સાતમો માણસ એ લોકો કરતાં કંઈક અલગ દેખાય છે. તેણે શણનાં કપડાં પહેરેલાં છે. તેના હાથમાં કોઈ હથિયાર નથી, પણ “મંત્રીનો શાહીનો ખડિયો” છે.

૫, ૬. કોનાં કપાળ પર નિશાની કરવામાં આવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

જે માણસ પાસે શાહીનો ખડિયો છે, તેને યહોવા એક મહત્ત્વની જવાબદારી સોંપે છે. યહોવા કહે છે, “જા, આખા યરૂશાલેમ શહેરમાં ફરી વળ. શહેરમાં થતાં નીચ કામોને લીધે જેઓ નિસાસા નાખે છે અને રડે છે, તેઓનાં કપાળ પર નિશાની કર.” એ સાંભળીને હઝકિયેલને અગાઉનો એક બનાવ યાદ આવ્યો હશે. વફાદાર ઇઝરાયેલીઓએ ઘરના દરવાજાના ચોકઠાની ઉપરના ભાગ પર અને બંને બારસાખ પર લોહી છાંટ્યું હતું. એ લોહી એક નિશાની હતી કે તેઓનાં પ્રથમ જન્મેલાં બાળકો નાશમાંથી બચી જશે. (નિર્ગ. ૧૨:૭, ૨૨, ૨૩) દર્શનમાં શાહીના ખડિયાવાળો માણસ લોકોનાં કપાળ પર નિશાની કરે છે. એ શું બતાવતું હતું? શું એ એવું બતાવતું હતું કે ઇઝરાયેલીઓના સમયની જેમ યરૂશાલેમના નાશ વખતે પણ થશે? શું એ વખતે પણ જે લોકોનાં કપાળ પર નિશાની કરી હશે, એ જ લોકો બચી જશે?

એનો જવાબ જાણવા વિચારો કે એ નિશાની શાના આધારે કરવામાં આવતી હતી. “શહેરમાં થતાં” નીચ કામોને લીધે જે લોકો “નિસાસા નાખે છે અને રડે છે,” એ લોકોનાં કપાળ પર નિશાની કરવાની હતી. તો પછી આના પરથી શું જોવા મળે છે? પહેલી વાત, એ લોકોનાં કપાળ પર નિશાની કરવામાં આવે છે, જેઓનું કાળજું આ બધું જોતા કપાઈ જાય છે: મંદિરમાં મૂર્તિપૂજા થાય છે. યરૂશાલેમમાં હિંસા, નીચ અને અધમ કામો થાય છે. આખો દેશ એટલો ખરાબ થઈ ગયો છે કે પૂછો ન વાત! (હઝકિ. ૨૨:૯-૧૨) બીજી વાત, એ લોકોને દેશમાં થતાં આવાં બધાં કામોથી કેટલી નફરત થતી હતી, એ તેઓએ છુપાવ્યું નહિ. આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં ખોટાં કામોની ઝેરી હવા ફેલાયેલી હતી. સાચા ઈશ્વરભક્તોએ પોતાનાં વાણી-વર્તનથી બતાવી આપ્યું કે તેઓ એ કામોને કેટલા ધિક્કારે છે! એટલું જ નહિ, તેઓએ એ પણ બતાવી આપ્યું કે યહોવાની ભક્તિને તેઓ દિલોજાનથી ચાહે છે. યહોવા તો દયાના સાગર છે. તે આવા લોકોને ચોક્કસ બચાવી લેશે.

૭, ૮. (ક) છ માણસોએ સૌથી પહેલા કોનો નાશ કરવાનો હતો? (ખ) દર્શનમાં છેલ્લે શું થયું?

આપણે જોયું કે છ માણસોના હાથમાં વિનાશનાં હથિયાર હતાં. તેઓએ લોકોનો વિનાશ કઈ રીતે કરવાનો હતો? હઝકિયેલ સાંભળે છે કે યહોવા એ છ માણસોને એક આજ્ઞા આપે છે. યહોવા તેઓને કહે છે કે જે માણસ પાસે શાહીનો ખડિયો છે, તેની પાછળ પાછળ જાય. તેઓ જઈને એવા લોકોને મારી નાખે, જેઓનાં કપાળ પર નિશાની નથી. યહોવા એ છ માણસોને કહે છે, “તમે મારા મંદિરથી શરૂઆત કરો.” (હઝકિ. ૯:૬) તેઓએ એ કામ યહોવાના મંદિરથી શરૂ કરવાનું હતું, જે એક જમાનામાં પવિત્ર જગ્યા હતું. પણ હવે યહોવા એ મંદિરને પવિત્ર ગણતા ન હતા. સૌથી પહેલા તો તેઓએ ઇઝરાયેલના ૭૦ વડીલોનો નાશ કરવાનો હતો. એ ‘વડીલો મંદિર આગળ’ હતા અને બીજા દેવોને ધૂપ ચઢાવતા હતા.—હઝકિ. ૮:૧૧, ૧૨; ૯:૬.

દર્શનમાં છેલ્લે શું થયું? હઝકિયેલે દર્શનમાં જોયું કે શાહીના ખડિયાવાળો માણસ યહોવા પાસે પાછો આવ્યો. તેણે કીધું, “તમે જે આજ્ઞા આપી હતી, એવું જ મેં કર્યું છે.” (હઝકિ. ૯:૧૧) કદાચ આપણાં મનમાં આવા સવાલો થાય: ‘યરૂશાલેમના લોકોનું શું થયું? શું યરૂશાલેમમાં એવા વફાદાર લોકો હતા, જેઓ વિનાશમાંથી બચી ગયા?’

હઝકિયેલના સમયમાં દર્શન કઈ રીતે પૂરું થયું?

૯, ૧૦. (ક) યરૂશાલેમના નાશમાંથી બચી ગયેલા વફાદાર લોકોમાં કોણ કોણ હતા? (ખ) તેઓ કેવા લોકો હતા?

બીજો કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૦ વાંચો. ઈ.સ. પૂર્વે ૬૦૭માં હઝકિયેલની ભવિષ્યવાણી પ્રમાણે થયું. એ સમયે બાબેલોનનું લશ્કર આવ્યું. તેઓએ યરૂશાલેમ અને એના મંદિરનો નાશ કર્યો. બાબેલોન તો ‘યહોવાના હાથમાં પ્યાલા’ જેવું હતું. એના દ્વારા યહોવાએ બેવફા યરૂશાલેમને સજા કરી. (યર્મિ. ૫૧:૭) શું જે કોઈ હાથમાં આવે એ બધાનો નાશ થઈ ગયો? ના. હઝકિયેલના દર્શનમાં જણાવવામાં આવ્યું હતું કે બાબેલોનના હાથમાંથી અમુક લોકોને બચાવી લેવામાં આવશે.—ઉત. ૧૮:૨૨-૩૩; ૨ પિત. ૨:૯.

૧૦ ઘણા વફાદાર લોકોને બચાવવામાં આવ્યા. જેમ કે, રેખાબીઓ, ઇથિયોપિયાના એબેદ-મેલેખ, યર્મિયા પ્રબોધક અને તેમના મંત્રી બારૂખ. (યર્મિ. ૩૫:૧-૧૯; ૩૯:૧૫-૧૮; ૪૫:૧-૫) હઝકિયેલના દર્શનથી જોવા મળે છે કે નાશ પહેલાં, વફાદાર લોકો યરૂશાલેમમાં થતાં ‘નીચ કામોને લીધે નિસાસા નાખતા હતા અને રડતા હતા.’ (હઝકિ. ૯:૪) એવાં કામો જોઈને તેઓને સખત નફરત થતી હશે. તેઓએ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરવાની મનમાં ગાંઠ વાળી હશે. એટલે જ તેઓને બચાવી લેવામાં આવ્યા.

૧૧. શાહીના ખડિયાવાળો માણસ અને હથિયાર લીધેલા માણસો કોને રજૂ કરે છે?

૧૧ શું એ વફાદાર લોકોનાં કપાળ પર સાચે જ કોઈ નિશાની કરવામાં આવી હતી? બાઇબલમાં એવું કંઈ લખવામાં આવ્યું નથી. એમાં એવું જણાવ્યું નથી કે હઝકિયેલ અથવા બીજા પ્રબોધકોએ આખા યરૂશાલેમમાં જઈને લોકોનાં કપાળ પર નિશાની કરી હોય. એના પરથી એક વાત સાફ છે કે મંત્રીના શાહીના ખડિયાવાળો માણસ અને હથિયાર લીધેલા છ માણસો સ્વર્ગદૂતોને રજૂ કરે છે. તેઓ હંમેશાં યહોવાની ઇચ્છા પૂરી કરવા તૈયાર હોય છે. (ગીત. ૧૦૩:૨૦, ૨૧) હઝકિયેલે દર્શનમાં જે જોયું, એ કદાચ એક ઝલક હતી. શાની? યરૂશાલેમના નાશ વખતે દૂતો જે કરતા હતા એની. યહોવાએ સ્વર્ગદૂતો મોકલ્યા હશે, જેથી તેઓ બેવફા યરૂશાલેમનો નાશ કરવામાં માર્ગદર્શન આપે. દૂતોએ જે કામ કર્યું, એ કોઈએ જોયું નહિ હોય. તેઓએ જાણે કે લોકોનાં કપાળ પર નિશાની કરીને ધ્યાન રાખ્યું કે યરૂશાલેમમાં જેમતેમ નાશ કરવામાં ન આવે. તેઓએ એ પણ ધ્યાન રાખ્યું હશે કે વફાદાર લોકોને બચાવી લેવામાં આવે.

હઝકિયેલના દર્શનનો આજે શું અર્થ થાય?

૧૨, ૧૩. (ક) યહોવાએ યરૂશાલેમ પર પોતાનો ક્રોધ કેમ રેડી દીધો હતો? (ખ) શાના પરથી કહી શકીએ કે આપણા સમયમાં પણ યહોવા એવું જ કંઈક કરશે? (ગ) શું બેવફા યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે? સમજાવો. (“શું યરૂશાલેમ ચર્ચોને રજૂ કરે છે?” બૉક્સ જુઓ.)

૧૨ આપણે એવા સમયમાં જીવીએ છીએ, જ્યારે યહોવા દુનિયાના દુષ્ટ લોકોને સજા કરવા તેઓનો વિનાશ કરશે. જલદી જ “એવી મોટી વિપત્તિ આવશે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.” (માથ. ૨૪:૨૧) એ મોટી આફત ઝડપથી આવી રહી છે. એવા સમયે આપણાં મનમાં અમુક મહત્ત્વના સવાલો ઊભા થઈ શકે: શું એ વિનાશ જેમતેમ કરવામાં આવશે કે પછી એમાં ફક્ત દુષ્ટ લોકો માર્યા જશે? યહોવાની ભક્તિ કરનારા લોકોને બચાવવા શું તેઓ પર કોઈ નિશાની કરવામાં આવશે? બીજા શબ્દોમાં, હઝકિયેલના દર્શનમાં શાહીના ખડિયાવાળો જે માણસ હતો, એનું કામ શું આપણા સમયમાં પણ ચાલુ રહેશે? આ ત્રણે સવાલોના જવાબ છે, હા! આપણે કેમ એવું કહીએ છીએ? એનો જવાબ મેળવવા ચાલો ફરીથી હઝકિયેલના દર્શનનો વિચાર કરીએ.

૧૩ શું તમને યાદ છે કે યહોવાએ અગાઉના યરૂશાલેમ પર કેમ પોતાનો ક્રોધ રેડી દીધો હતો? હઝકિયેલ ૯:૮, ૯ પર ફરીથી ધ્યાન આપો. (વાંચો.) હઝકિયેલને એ વાતની ચિંતા સતાવતી હતી કે યહોવા “ઇઝરાયેલના બાકી રહેલા બધાનો” નાશ કરી નાખશે તો? એ વખતે યહોવાએ તેમને જણાવ્યું કે તે કેમ લોકોનો નાશ કરવાના છે. તેમણે એનાં ચાર કારણો બતાવ્યાં. એક, દેશના લોકોનાં ‘પાપ આસમાને ચઢ્યાં હતાં.’ * બે, યહૂદા ‘દેશ ખૂનખરાબીથી ભરપૂર હતો.’ ત્રણ, યહૂદાની રાજધાની યરૂશાલેમમાં ‘ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો હતો.’ ચાર, લોકો પોતાનાં પાપ ઢાંકવા એવું બહાનું કાઢતા હતા કે યહોવા કંઈ “જોતા નથી.” શું આજની દુનિયાની પણ એવી જ હાલત નથી? લોકો નીચ, અધમ અને બેશરમ કામોમાં ડૂબેલા છે. હિંસા, ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાત તો રોજનું થયું. પણ યહોવા ‘કદી બદલાતા નથી.’ હઝકિયેલના સમયમાં દુષ્ટ લોકો પર તેમનો ક્રોધ ભડકી ઊઠ્યો હતો. તેમણે તેઓને આકરી સજા કરી હતી. આપણા સમયમાં પણ યહોવા દુષ્ટ લોકોના એવા હાલ કરે, એમાં કંઈ નવાઈ નથી. (યાકૂ. ૧:૧૭; માલા. ૩:૬) હઝકિયેલના દર્શનમાં આપણે જોયું કે હથિયારવાળા છ માણસો અને શાહીના ખડિયાવાળો માણસ સ્વર્ગદૂતોને રજૂ કરે છે. આપણે ખાતરી રાખીએ કે તેઓ આપણા સમયમાં પણ યહોવાએ સોંપેલું કામ સારી રીતે પૂરું કરશે.

હથિયારવાળા છ માણસોને જલદી જ એક કામ સોંપવામાં આવશે (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૪, ૧૫. શાના પરથી જોવા મળે છે કે યહોવા વિનાશ લાવતા પહેલાં લોકોને ચેતવણી આપે છે?

૧૪ હઝકિયેલની એ ભવિષ્યવાણી આપણા સમયમાં કઈ રીતે સાચી પડે છે? એ જાણવા ધ્યાન આપીએ કે ભવિષ્યવાણી અગાઉના સમયમાં કઈ રીતે પૂરી થઈ હતી. એનાથી ખબર પડશે કે હમણાં અને ભવિષ્યમાં કઈ રીતે એ સાચી પડશે. આપણે વિચાર કરીએ કે આજે શું બની રહ્યું છે અને ભવિષ્યમાં શું બનશે.

૧૫ યહોવા વિનાશ લાવતા પહેલાં હંમેશાં લોકોને ચેતવણી આપે છે. ૧૧મા પ્રકરણમાં જોઈ ગયા તેમ, તેમણે હઝકિયેલને “ઇઝરાયેલીઓ પર ચોકીદાર” ઠરાવ્યા હતા. (હઝકિ. ૩:૧૭-૧૯) ઈ.સ. પૂર્વે ૬૧૩થી હઝકિયેલે ઇઝરાયેલી લોકોને આવનાર વિનાશ વિશે ચેતવણી આપી હતી. યરૂશાલેમ પર આવનારી આફતો વિશે બીજા પ્રબોધકોએ પણ ચેતવણી આપી હતી. એ ચેતવણી આપનારાઓમાં યશાયા અને યર્મિયા પણ હતા. (યશા. ૩૯:૬, ૭; યર્મિ. ૨૫:૮, ૯, ૧૧) આજે પણ યહોવાએ એવી જ ગોઠવણ કરી છે. તેમણે ઈસુ ખ્રિસ્ત દ્વારા અભિષિક્ત લોકોના એક નાના સમૂહને પસંદ કર્યો છે. એ સમૂહ ઘરના સેવકો, એટલે કે યહોવાની ભક્તિ કરતા લોકોને માર્ગદર્શન આપે છે. તેઓની બધી રીતે સંભાળ રાખે છે. એટલું જ નહિ, તેઓ ઝડપથી આવી રહેલી મોટી વિપત્તિ વિશે લોકોને ચેતવણી પણ આપે છે.—માથ. ૨૪:૪૫.

૧૬. શું યહોવાના લોકો નિશાની કરવાનું કામ કરે છે? સમજાવો.

૧૬ જે લોકોને નાશમાંથી બચાવવામાં આવશે, તેઓ પર નિશાની કરવાનું કામ યહોવાના લોકો નથી કરતા. હઝકિયેલને એવું કંઈ કહેવામાં આવ્યું ન હતું કે આખા યરૂશાલેમમાં ફરીને લોકો પર નિશાની કરે કે નાશમાંથી કોણ બચી જશે. એવી જ રીતે, આજે યહોવાના લોકોએ કોઈ નિશાની કરવા જવાનું નથી કે વિનાશમાંથી કોને બચાવી લેવામાં આવશે. આપણે ખ્રિસ્તના ઘરના સેવકો છીએ. આપણને તો ખુશખબર ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. એ જવાબદારી પૂરી કરવામાં આપણે તન-મન રેડી દઈએ છીએ. એટલે લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવીએ છીએ. તેઓને ચેતવણી પણ આપીએ છીએ કે આ દુષ્ટ દુનિયાનો બહુ જલદી નાશ થવાનો છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૮-૨૦) એમ કરીને આપણે નેક દિલના લોકોને મદદ કરીએ છીએ, જેથી તેઓ યહોવાની ભક્તિ કરવાનો પાકો નિર્ણય લે.—૧ તિમો. ૪:૧૬.

૧૭. આવનાર વિનાશમાંથી બચવા માટે લોકોએ અત્યારથી શું કરવું પડશે?

૧૭ આવનાર વિનાશમાંથી બચવા માટે લોકોએ અત્યારે જ શ્રદ્ધાની સાબિતી આપવી પડશે. ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો હતો. એ નાશમાંથી બચી ગયેલા લોકોએ નાશ પહેલાં જ શું બતાવી આપ્યું હતું? એ જ કે તેઓ દેશમાં થતાં ખરાબ કામોને સખત નફરત કરે છે. તેઓએ બતાવી આપ્યું કે ભલે જીવનમાં લાખ તોફાન આવે, પણ તેઓ યહોવાની ભક્તિ કરતા રહેશે. આજે પણ લોકોએ એવું જ કરવું પડશે. નાશ આવતા પહેલાં, એ લોકોએ બતાવી આપવું પડશે કે દુનિયામાં થતાં નીચ, અધમ અને દુષ્ટ કામો જોઈને તેઓનું કાળજું કપાઈ જાય છે. એ બધું જોઈને તેઓ “નિસાસા નાખે છે અને રડે છે.” તેઓએ પોતાની લાગણીઓ છુપાવવાની નથી. પણ તેઓએ પોતાનાં વાણી-વર્તનથી બતાવવાનું છે કે ફક્ત યહોવાની જ ભક્તિ કરશે. તેઓ એ કઈ રીતે બતાવી શકે? લોકોએ ખુશખબર સાંભળીને સ્વીકારવી પડશે. ઈસુ જેવો સ્વભાવ કેળવતા રહેવું પડશે. તેઓએ પોતાનું જીવન યહોવાને સોંપીને બાપ્તિસ્મા લેવું પડશે. ઈસુના ભાઈઓને પૂરેપૂરો સાથ આપવો પડશે. (હઝકિ. ૯:૪; માથ. ૨૫:૩૪-૪૦; એફે. ૪:૨૨-૨૪; ૧ પિત. ૩:૨૧) એવા લોકો પર નિશાની કરવામાં આવશે, જેઓ અત્યારથી આ બધું કરે છે. એટલું જ નહિ, તેઓ મોટી વિપત્તિની શરૂઆતમાં યહોવાની ભક્તિ કરતા હશે. જે લોકો આ બધું કરતા હશે, તેઓને જ બચાવવામાં આવશે.

૧૮. (ક) જે લોકોને બચાવી લેવામાં આવશે, તેઓ પર ઈસુ ક્યારે અને કઈ રીતે નિશાની કરશે? (ખ) શું વફાદાર અભિષિક્ત લોકો પર નિશાની કરવામાં આવશે? સમજાવો.

૧૮ જે લોકોને બચાવી લેવામાં આવશે, તેઓ પર નિશાની કરવાનું કામ ઈસુ કરશે. હઝકિયેલના સમયમાં વફાદાર લોકોને નાશમાંથી બચાવવામાં આવ્યા હતા. તેઓ પર નિશાની કરવાના કામમાં સ્વર્ગદૂતો પણ હતા. આજે શાહીના ખડિયાવાળો માણસ ઈસુને રજૂ કરે છે. તે બધી પ્રજાઓના ન્યાયાધીશ બનીને “પોતાના ગૌરવમાં” આવશે. (માથ. ૨૫:૩૧-૩૩) ઈસુ ક્યારે આવશે? મોટી વિપત્તિ વખતે દુનિયાના બધા ધર્મોના નાશ પછી! * આર્માગેદન શરૂ થશે એના થોડા જ સમય પહેલાં, ઈસુ લોકોનો ન્યાય કરશે કે કોણ ઘેટાં જેવા છે અને કોણ બકરાં જેવા. એ તો ઇતિહાસનો સૌથી જોરદાર અને મહત્ત્વનો સમય હશે! “મોટું ટોળું,” એટલે કે ઘેટાં જેવા લોકોનો ન્યાય કરીને તેઓ પર નિશાની કરવામાં આવશે. એ બતાવશે કે તેઓ “હંમેશ માટેનું જીવન મેળવશે.” (પ્રકટી. ૭:૯-૧૪; માથ. ૨૫:૩૪-૪૦, ૪૬) શું વફાદાર અભિષિક્ત લોકો પર નિશાની કરવામાં આવશે? ના! તેઓને આર્માગેદનમાંથી બચાવવાની જરૂર નહિ પડે. તેઓનું મરણ થાય એ પહેલાં અથવા મોટી વિપત્તિ શરૂ થાય એ પહેલાં, તેઓ પર છેલ્લી મહોર થઈ ચૂકી હશે. આર્માગેદન શરૂ થાય એના થોડા સમય પહેલાં, પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્ત લોકોને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે.—પ્રકટી. ૭:૧-૩.

૧૯. આ દુષ્ટ દુનિયાનો વિનાશ કરવા ઈસુની સાથે બીજું કોણ હશે? (“નિસાસા નાખવા અને રડવું, નિશાની કરવી, વિનાશ કરવો—ક્યારે અને કઈ રીતે?” બૉક્સ જુઓ.)

૧૯ સ્વર્ગમાંથી રાજા ઈસુ ખ્રિસ્ત અને તેમનું લશ્કર આ દુષ્ટ દુનિયા પર વિનાશ લઈ આવશે. ચાલો ફરીથી હઝકિયેલના દર્શનમાં ડોકિયું કરીએ. શણનાં કપડાં પહેરેલા માણસે લોકોનાં કપાળ પર નિશાની કરવાનું પૂરું કર્યું. એ પછી જ હથિયારવાળા છ માણસોએ વિનાશ શરૂ કર્યો. (હઝકિ. ૯:૪-૭) એવી જ રીતે, આવનાર વિનાશમાં પણ થશે. પહેલા તો ઈસુ બધા લોકોનો ન્યાય કરશે. પછી તે ઘેટાં જેવા નમ્ર લોકોને બચાવી લેવા તેઓ પર નિશાની કરશે. એના પછી જ વિનાશ શરૂ થશે. ત્યાર બાદ આર્માગેદનનું યુદ્ધ લડવા ઈસુ પોતાના સૈન્ય સાથે આવશે. તેમની સાથે સ્વર્ગદૂતો હશે. તેમની સાથે રાજ કરનારા ૧,૪૪,૦૦૦ પણ હશે. તેઓ આર્માગેદનની લડાઈ લડીને આ દુષ્ટ દુનિયાનું નામનિશાન મિટાવી દેશે. પણ જે લોકો યહોવાની પૂરાં દિલથી ભક્તિ કરે છે, તેઓને સુંદર મજાની નવી દુનિયામાં લઈ જશે.—પ્રકટી. ૧૬:૧૪-૧૬; ૧૯:૧૧-૨૧.

૨૦. મંત્રીના શાહીના ખડિયાવાળા માણસના દર્શન પરથી શું શીખ્યા?

૨૦ આપણે મંત્રીના શાહીના ખડિયાવાળા માણસના દર્શન વિશે જોઈ ગયા. એમાંથી આપણે ઘણું બધું શીખ્યા. યહોવા પર પૂરો ભરોસો રાખીએ કે તે દુષ્ટોની સાથે સાથે સારા લોકોનો નાશ નહિ કરે. (ગીત. ૯૭:૧૦) આપણે જોઈ ગયા કે અત્યારે શું કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં આપણા પર નિશાની કરવામાં આવે અને બચાવી લેવામાં આવે. આપણે યહોવાની જ ભક્તિ કરીએ છીએ. એટલે મનમાં આ ગાંઠ વાળી છે: આપણે એવા લોકોને ખુશખબર જણાવતા રહીએ, જેઓ દુનિયામાં થતાં દુષ્ટ કામો જોઈને નિસાસા નાખે છે અને રડે છે. આવનાર વિનાશની ચેતવણી પણ આપતા રહીએ. એમ કરીને એવા લોકોને મદદ કરીએ છીએ, ‘જેઓનું દિલ સારું છે અને જેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે છે.’ પછી તેઓ પણ આપણી સાથે યહોવાની ભક્તિ કરશે. એટલે તેઓ પર નિશાની કરવામાં આવશે. તેઓને બચાવીને નવી દુનિયામાં લઈ જવામાં આવશે.—પ્રે.કા. ૧૩:૪૮.

^ હઝકિયેલે દર્શનમાં જોયું હતું કે મંદિરમાં લોકો નીચ અને અધમ કામો કરતા હતા. એ વિશે પાંચમા પ્રકરણમાં બતાવ્યું છે.

^ “પાપ” માટેના હિબ્રૂ શબ્દ વિશે એક પુસ્તક જણાવે છે: એ શબ્દનો મતલબ થાય, “એકદમ નીચ, અધમ કામ.” બીજું એક પુસ્તક જણાવે છે કે ‘આ શબ્દ ધર્મ સાથે જોડાયેલી બાબતો માટે વપરાય છે. એ શબ્દ મોટા ભાગે એવાં કામો માટે વપરાય છે, જે ભગવાનની નજરમાં એકદમ ખોટાં છે.’

^ મહાન બાબેલોનનો નાશ કરવામાં આવશે. એનો મતલબ એ નથી કે દુનિયાના ધર્મોના બધા જ લોકોનો નાશ કરવામાં આવશે. અરે, એ વખતે તો અમુક પાદરીઓ પણ એવો ધર્મ છોડી દેશે. તેઓ તો એવું બતાવશે કે તેઓને એની સાથે કોઈ લેવાદેવા નથી.—ઝખા. ૧૩:૩-૬.