સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૩

બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?

બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?

ઈસુએ શીખવ્યું હતું કે તેમના શિષ્ય બનવા બાપ્તિસ્મા લેવું જરૂરી છે. (માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો.) પણ બાપ્તિસ્મા એટલે શું? બાપ્તિસ્મા લેવા મારે શું કરવું જોઈએ?

૧. બાપ્તિસ્મા એટલે શું? એ કઈ રીતે આપવામાં આવે છે?

“બાપ્તિસ્મા” શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ થાય, “પાણીમાં ડૂબકી મરાવવી.” ઈસુનું બાપ્તિસ્મા પણ એવી જ રીતે થયું હતું. તેમને યર્દન નદીમાં ડૂબકી મરાવી અને પછી તરત તે “પાણીમાંથી બહાર આવ્યા.” (માર્ક ૧:૯, ૧૦) ઈસુની જેમ તેમના ખરા શિષ્યો પણ એ જ રીતે બાપ્તિસ્મા લે છે. તેઓને પણ પાણીમાં ડૂબકી મરાવવામાં આવે છે.

૨. બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ શું બતાવે છે?

બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ બતાવે છે કે તેણે પોતાનું જીવન યહોવાને સોંપી દીધું છે, એટલે કે સમર્પણ કર્યું છે. પણ તે સમર્પણ કઈ રીતે કરે છે? બાપ્તિસ્મા પહેલાં તે એકાંતમાં યહોવાને પ્રાર્થના કરે છે અને જણાવે છે કે તે હંમેશાં યહોવાને ભજવા માંગે છે. તે વચન આપે છે કે તે ફક્ત યહોવાની જ ભક્તિ કરશે અને યહોવાની ઇચ્છા પૂરી કરવાને તે સૌથી વધારે મહત્ત્વ આપશે. તે નિર્ણય લે છે કે ‘પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરશે’ તેમજ ઈસુની આજ્ઞાઓ પાળશે અને તેમના જેવા ગુણો બતાવશે. (માથ્થી ૧૬:૨૪) જ્યારે એક વ્યક્તિ સમર્પણ કરે છે અને બાપ્તિસ્મા લે છે, ત્યારે યહોવા અને મંડળનાં ભાઈ-બહેનો સાથે તેનો સંબંધ વધારે મજબૂત થાય છે.

૩. બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે શું કરવું જોઈએ?

બાપ્તિસ્મા લેતા પહેલાં જરૂરી છે કે તમે યહોવા વિશે શીખો અને તેમનામાં શ્રદ્ધા મજબૂત કરો. (હિબ્રૂઓ ૧૧:૬ વાંચો.) તમે જેમ જેમ એવું કરશો, તેમ તેમ યહોવા માટે તમારો પ્રેમ વધતો જશે. પછી તમને પોતાને ઇચ્છા થશે કે તમે યહોવા વિશે બીજાઓને જણાવો અને બાઇબલમાં આપેલી તેમની આજ્ઞાઓ પાળો. (૨ તિમોથી ૪:૨; ૧ યોહાન ૫:૩) જ્યારે તમે ‘યહોવાના નામને શોભે એ રીતે જીવશો,’ ત્યારે સમર્પણ કરવાનો અને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય લઈ શકશો.​—કોલોસીઓ ૧:​૯, ૧૦. a

વધારે જાણો

બાઇબલમાં ઈસુના બાપ્તિસ્મા વિશે જે લખ્યું છે, એમાંથી આપણે શું શીખી શકીએ? બાપ્તિસ્મા એક મહત્ત્વનું પગલું છે. જો કોઈએ એ પગલું ભરવું હોય, તો તેણે શું કરવું જોઈએ?

૪. ઈસુના બાપ્તિસ્મા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

ઈસુનું બાપ્તિસ્મા કેવી રીતે થયું એ જાણવા માથ્થી ૩:૧૩-૧૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે શું તે નાનું બાળક હતા?

  • શું ઈસુનું બાપ્તિસ્મા પાણી છાંટીને કરવામાં આવ્યું હતું? તેમનું બાપ્તિસ્મા કેવી રીતે થયું હતું?

ઈસુએ બાપ્તિસ્મા પછી પૃથ્વી પર એક ખાસ કામ શરૂ કર્યું, જે યહોવાએ તેમને સોંપ્યું હતું. લૂક ૩:૨૧-૨૩ અને યોહાન ૬:૩૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • બાપ્તિસ્મા લીધા પછી ઈસુ માટે કયું કામ સૌથી વધારે મહત્ત્વનું હતું?

૫. તમે પણ બાપ્તિસ્મા લઈ શકો છો!

સમર્પણ અને બાપ્તિસ્મા વિશે તમને કદાચ થાય, ‘શું હું બાપ્તિસ્મા લઈ શકીશ?’ જો એમ હોય, તો ચિંતા ન કરો. યહોવા વિશે શીખતા રહો. સમય જતાં તમને પોતાને લાગશે કે તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો. ચાલો જોઈએ કે અમુક લોકોએ આ મહત્ત્વનું પગલું ભરવા શું કર્યું છે. વીડિયો જુઓ.

યોહાન ૧૭:૩ અને યાકૂબ ૧:૫ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:

  • બાપ્તિસ્મા લેવા તમારે શું કરવું જોઈએ?

  1. ક. સમર્પણ કરવા આપણે પ્રાર્થનામાં યહોવાને જણાવીએ છીએ કે હંમેશાં તેમની ભક્તિ કરીશું

  2. ખ. બાપ્તિસ્મા લઈને બતાવીએ છીએ કે આપણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે

૬. બાપ્તિસ્મા લીધા પછી તમે યહોવાના કુટુંબનો ભાગ બનશો

આખી દુનિયાના યહોવાના સાક્ષીઓ એક મોટું કુટુંબ છે. ભલે અમે જુદા જુદા દેશોમાં રહેતા હોઈએ અને અમારો ઉછેર અલગ અલગ રીતે થયો હોય, પણ અમારી માન્યતાઓ એકસરખી છે અને અમે બાઇબલમાં આપેલા નિયમો પાળીએ છીએ. બાપ્તિસ્મા લઈને તમે પણ આ મોટા કુટુંબનો ભાગ બની શકો છો. ગીતશાસ્ત્ર ૨૫:૧૪ અને ૧ પિતર ૨:૧૭ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:

  • આ કલમો પ્રમાણે બાપ્તિસ્મા પછી એક વ્યક્તિને કેવા આશીર્વાદ મળે છે?

અમુક લોકો કહે છે: “હું હજી બાપ્તિસ્મા લેવા તૈયાર નથી.”

  • તમારા વિશે શું? શું તમને લાગે છે કે બાપ્તિસ્મા એક મહત્ત્વનું પગલું છે અને એ માટે તમારે મહેનત કરવી જોઈએ?

આપણે શીખી ગયા

ઈસુએ શીખવ્યું હતું કે તેમના શિષ્ય બનવા બાપ્તિસ્મા લેવું જરૂરી છે. બાપ્તિસ્મા લેતા પહેલાં જરૂરી છે કે યહોવામાં શ્રદ્ધા વધારીએ, તેમની આજ્ઞાઓ પાળીએ અને તેમને પોતાનું જીવન સમર્પણ કરીએ.

તમે શું કહેશો?

  • બાપ્તિસ્મા કેવી રીતે આપવામાં આવે છે? બાપ્તિસ્મા લેવું કેમ જરૂરી છે?

  • બાપ્તિસ્મા લઈને એક વ્યક્તિ શું બતાવે છે?

  • સમર્પણ અને બાપ્તિસ્મા પહેલાં શું કરવું જોઈએ?

આટલું કરો

વધારે માહિતી

બાપ્તિસ્મા એટલે શું એ જાણવા આ લેખ વાંચો.

“બાપ્તિસ્મા એટલે શું?” (jw.org/gu પર આપેલો લેખ)

એક માણસને બાપ્તિસ્મા લેવા કઈ વાતે મદદ કરી, એ વિશે જાણો.

“તેઓ ચાહતા હતા કે હું પોતે બાઇબલની વાતો તપાસું” (ચોકીબુરજનો લેખ)

બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ? બાપ્તિસ્મા લેવા તમે શું કરી શકો? એ વિશે જાણો.

“શું મારે બાપ્તિસ્મા લેવું જોઈએ?” (jw.org/gu પર આપેલો લેખ)

a જો કોઈ વ્યક્તિએ બીજા કોઈ પંથમાં બાપ્તિસ્મા લીધું હોય, તોપણ તેણે ફરી બાપ્તિસ્મા લેવું જોઈએ. કેમ કે એ પંથમાં તેને બાઇબલની સાચી વાતો શીખવવામાં આવી ન હતી.​—પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧-૫ અને પાઠ ૧૩ જુઓ.