સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૪

દૂતો—આપણે તેઓ વિશે શું જાણવું જોઈએ?

દૂતો—આપણે તેઓ વિશે શું જાણવું જોઈએ?

યહોવા ચાહે છે કે આપણે તેમના કુટુંબને ઓળખીએ, જે સ્વર્ગમાં છે. તેમના કુટુંબમાં દૂતો અથવા ફરિશ્તાઓ છે, જેઓને “ઈશ્વરના દીકરાઓ” કહેવામાં આવે છે. (અયૂબ ૩૮:૭) બાઇબલમાં દૂતો વિશે શું લખ્યું છે? શું તેઓ આપણને મદદ કરી શકે અથવા નુકસાન પહોંચાડી શકે? શું બધા જ દૂતો યહોવાના કુટુંબનો ભાગ છે?

૧. દૂતો કોણ છે?

યહોવાએ ધરતી બનાવી એ પહેલાં દૂતોને બનાવ્યા હતા. જેમ આપણે યહોવાને જોઈ નથી શકતા, તેમ આપણે દૂતોને પણ જોઈ નથી શકતા. (લૂક ૨૪:૩૯ખ) સ્વર્ગમાં લાખો ને કરોડો દૂતો છે, પણ તેઓ બધા એકબીજાથી અલગ છે. (પ્રકટીકરણ ૫:૧૧) તેઓ ‘યહોવાનું કહેવું સાંભળે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦) પહેલાંના સમયમાં અમુક વાર યહોવાએ પોતાના લોકોને સંદેશો જણાવવા, મદદ કરવા અને મુશ્કેલીઓમાંથી છોડાવવા દૂતોને મોકલ્યા હતા. આજે દૂતો કઈ રીતે યહોવાના સેવકોને મદદ કરે છે? દૂતો તેઓને એવા લોકો સુધી દોરી જાય છે, જેઓ યહોવા વિશે જાણવા માંગે છે.

૨. શેતાન અને દુષ્ટ દૂતો કોણ છે?

એક દૂત યહોવાની સામે થયો અને તેણે યહોવાની આજ્ઞા તોડી. તે “શેતાન તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) શેતાન બધા પર રાજ કરવા માંગતો હતો. એટલે તેણે દુનિયાનાં સૌથી પહેલાં સ્ત્રી-પુરુષને યહોવા વિરુદ્ધ ઉશ્કેર્યાં, જેથી તેઓ તેમની આજ્ઞા તોડે. પછી અમુક દૂતોને પણ ઉશ્કેર્યા. એ દૂતો યહોવાને વફાદાર ન રહ્યા, એટલે તેઓ દુષ્ટ દૂતો કહેવાય છે. યહોવાએ શેતાનને અને દુષ્ટ દૂતોને સ્વર્ગમાં રહેવા ન દીધા. તેઓને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા અને બહુ જલદી તેઓનો નાશ કરવામાં આવશે.​—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨ વાંચો.

૩. શેતાન અને દુષ્ટ દૂતો કઈ રીતે લોકોને ખોટા માર્ગે દોરે છે?

શેતાન અને દુષ્ટ દૂતો મેલીવિદ્યા અને જાદુટોણાંથી લોકોને ખોટા માર્ગે દોરે છે. ઘણા લોકો મેલીવિદ્યામાં ભાગ લે છે, પણ જાણતા નથી કે એમ કરીને તેઓ દુષ્ટ દૂતોના સંપર્કમાં આવે છે. મેલીવિદ્યાના અલગ અલગ પ્રકાર છે. જેમ કે, જ્યોતિષીઓ અને ભૂવા પાસે જવું, રાશિ જોવી, કુંડળી જોવડાવવી, વગેરે. અમુક લોકો એવી સારવાર કરાવે છે, જેમાં મેલીવિદ્યા હોય છે. તો અમુક લોકોને એવું કહીને છેતરવામાં આવે છે કે તેઓ ગુજરી ગયેલાં સગાં-વહાલાં કે મિત્રો સાથે વાત કરી શકે છે. a પણ યહોવા આપણને ચેતવણી આપે છે, “મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવાઓ તરફ તમે ન ફરો અને ભવિષ્ય ભાખનાર પાસે ન જાઓ.” (લેવીય ૧૯:૩૧) એ ચેતવણી આપવાનું કારણ એ છે કે યહોવા આપણને શેતાન અને દુષ્ટ દૂતોથી બચાવવા ચાહે છે. તેઓ યહોવાના દુશ્મનો છે અને આપણને નુકસાન કરવા ચાહે છે.

વધારે જાણો

દૂતો આપણને કઈ રીતે મદદ કરે છે? મેલીવિદ્યાથી શું નુકસાન થાય છે? શેતાન અને દુષ્ટ દૂતોથી આપણે કઈ રીતે બચી શકીએ? ચાલો જોઈએ.

૪. યહોવા વિશે શીખવા દૂતો લોકોને મદદ કરે છે

દૂતો જાતે પ્રચાર કરવા નથી જતા. પણ તેઓ યહોવાના સેવકોને એવા લોકો પાસે લઈ જાય છે, જેઓને યહોવા વિશે શીખવું છે. પ્રકટીકરણ ૧૪:૬, ૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • પ્રચારકામમાં આપણને દૂતોની મદદની કેમ જરૂર છે?

  • નેક લોકોને શોધવા દૂતો આપણી મદદ કરે છે, એ જાણીને શું તમને હિંમત મળે છે? તમને એવું કેમ લાગે છે?

૫. મેલીવિદ્યાથી દૂર રહો

શેતાન અને દુષ્ટ દૂતો યહોવાના દુશ્મનો છે. તેઓ આપણા પણ દુશ્મનો છે. લૂક ૯:​૩૮-૪૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • દુષ્ટ દૂતો લોકો સાથે કેવી રીતે વર્તે છે?

આપણે નથી ચાહતા કે દુષ્ટ દૂતો આપણને નુકસાન પહોંચાડે. એટલે આપણે તેઓથી દૂર રહેવું જોઈએ. પુનર્નિયમ ૧૮:૧૦-૧૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • દુષ્ટ દૂતો કઈ અલગ અલગ રીતે આપણને છેતરવાની અને આપણો સંપર્ક કરવાની કોશિશ કરે છે? તમારા વિસ્તારમાં લોકો મેલીવિદ્યા કરવા શું કરે છે?

  • યહોવાએ કોઈ પણ પ્રકારની મેલીવિદ્યાથી દૂર રહેવા કહ્યું છે. શું તમને લાગે છે કે એ યોગ્ય છે? શા માટે?

વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • શું તમને લાગે છે કે પેલેસાની દીકરીના હાથે જે તાવીજ બાંધ્યું હતું, એનાથી નુકસાન થઈ રહ્યું હતું? તમને એવું કેમ લાગે છે?

  • દુષ્ટ દૂતોથી બચવા પેલેસાએ શું કરવાની જરૂર હતી?

ઈસુના ખરા શિષ્યો દુષ્ટ દૂતોથી દૂર રહેવા બનતો બધો પ્રયત્ન કરે છે. પ્રેરિતોનાં કાર્યો ૧૯:૧૯ અને ૧ કોરીંથીઓ ૧૦:૨૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો તમારી પાસે મેલીવિદ્યાથી જોડાયેલી કોઈ વસ્તુ હોય, તો એનો નાશ કરવો કેમ જરૂરી છે?

૬. શેતાન અને દુષ્ટ દૂતો સામે તમે જીતી શકો છો

દુષ્ટ દૂતોનો આગેવાન શેતાન છે. પણ વફાદાર દૂતોના આગેવાન પ્રમુખ દૂત મિખાયેલ છે. મિખાયેલ ઈસુનું બીજું નામ છે. મિખાયેલ કેટલા શક્તિશાળી છે? પ્રકટીકરણ ૧૨:૭-૯ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • આમાંથી કોણ સૌથી વધારે શક્તિશાળી છે: મિખાયેલ અને તેમના દૂતો, કે પછી શેતાન અને તેના દુષ્ટ દૂતો?

  • શું ઈસુના ખરા શિષ્યોએ શેતાન અને દુષ્ટ દૂતોથી ડરવું જોઈએ? શા માટે?

શેતાન અને દુષ્ટ દૂતો સામે તમે જીતી શકો છો. યાકૂબ ૪:૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • શેતાન અને દુષ્ટ દૂતોથી બચવા તમે શું કરી શકો?

અમુક લોકો કહે છે: “ભૂતવાળી ફિલ્મો કે સિરિયલ જોવામાં કે એવી રમતો રમવામાં કંઈ ખોટું નથી. એમાં તો બહુ મજા આવે.”

  • એવું વિચારવું કેમ જોખમી છે?

આપણે શીખી ગયા

વફાદાર દૂતો આપણી મદદ કરે છે. શેતાન અને દુષ્ટ દૂતો યહોવાના દુશ્મનો છે અને મેલીવિદ્યાથી લોકોને ખોટા માર્ગે દોરે છે.

તમે શું કહેશો?

  • યહોવા વિશે શીખવા દૂતો કઈ રીતે લોકોને મદદ કરે છે?

  • શેતાન અને દુષ્ટ દૂતો કોણ છે?

  • તમે કેમ મેલીવિદ્યાથી દૂર રહેવા ચાહો છો?

આટલું કરો

વધારે માહિતી

શાના આધારે કહી શકીએ કે ઈસુ જ પ્રમુખ દૂત મિખાયેલ છે?

“પ્રમુખ દૂત મિખાયેલ કોણ છે?” (jw.org/gu પર આપેલો લેખ)

શેતાન આપણામાં રહેલી બૂરાઈ નથી, પણ તે સાચે જ છે, એના પુરાવા તપાસવા આ લેખ વાંચો.

“શું શેતાન ખરેખર છે?” (jw.org/gu પર આપેલો લેખ)

જાણો કે એક સ્ત્રી કઈ રીતે દુષ્ટ દૂતોના પંજામાંથી આઝાદ થઈ.

“તેને જીવવાનું કારણ મળ્યું” (ચોકીબુરજનો લેખ)

શેતાન કઈ રીતે મેલીવિદ્યાથી લોકોને છેતરે છે?

“જાદુટોણાં અને ડાકણો વિશે સત્ય” (jw.org/hi પર આપેલો લેખ, હિંદી)

a પાઠ ૨૯માં આપણે શીખીશું કે મરણ પછી વ્યક્તિ કંઈ કરી શકતી નથી અને કંઈ વિચારી શકતી નથી.