સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૫

યહોવા આપણને શરૂઆતથી જ કેવું જીવન આપવા ચાહે છે?

યહોવા આપણને શરૂઆતથી જ કેવું જીવન આપવા ચાહે છે?

બાઇબલમાં જણાવ્યું છે કે માણસોનું જીવન “ટૂંકું અને મુશ્કેલીઓથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) શું ઈશ્વર યહોવા આપણને એવું જ જીવન આપવા માંગે છે? ના, તે એવું નથી ચાહતા. તો પછી તે આપણને કેવું જીવન આપવા માંગે છે? તેમની ઇચ્છા શું છે? શું તેમની ઇચ્છા ક્યારેય પૂરી થશે? ચાલો બાઇબલમાંથી એ સવાલોના જવાબ જોઈએ. એ જાણીને તમારા દિલને ઠંડક વળશે.

૧. યહોવા આપણને કેવું જીવન આપવા ચાહે છે?

યહોવા આપણને સૌથી સારું જીવન આપવા ચાહે છે. તેમણે પ્રથમ પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં ત્યારે, તેઓને સુખચેનથી ભરેલું જીવન આપ્યું હતું. એ પુરુષ આદમ અને તેની સ્ત્રી હવાને રહેવા માટે યહોવાએ એક સુંદર બાગ આપ્યો હતો, જેનું નામ એદન બાગ હતું. પછી “ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું: ‘તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો.’” (ઉત્પત્તિ ૧:૨૮) યહોવા ચાહતા હતા કે આદમ અને હવાને બાળકો થાય, તેઓ આખી પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવે અને પ્રાણીઓની સંભાળ રાખે. તે એ પણ ચાહતા હતા કે તેઓ કદી બીમાર ન પડે, ઘરડાં ન થાય અને સુખચેનથી હંમેશ માટે જીવે. ઈશ્વર બધા મનુષ્યો માટે એવું જ ચાહે છે.

ખરું કે, આજે આપણે બીમાર પડીએ છીએ, ઘરડા થઈએ છીએ અને મરી જઈએ છીએ. a પણ એનો એવો અર્થ નથી કે ઈશ્વર માણસને ભૂલી ગયા છે. તે પોતાની ઇચ્છા પૂરી કરીને જ રહેશે. (યશાયા ૪૬:૧૦, ૧૧) તે આજે પણ ચાહે છે કે જેઓ તેમની આજ્ઞાઓ પાળે છે, તેઓ દુઃખ-તકલીફ વગર હંમેશ માટે જીવે.​—પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચો.

૨. આપણે હમણાં કઈ રીતે ખુશ રહી શકીએ?

યહોવાએ માણસને એ રીતે બનાવ્યો છે કે તેનામાં “ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ” હોય. (માથ્થી ૫:​૩-૬ વાંચો.) એટલે આપણને પણ ઈશ્વર વિશે શીખવાની અને તેમની ભક્તિ કરવાની ઇચ્છા થાય છે. તે ચાહે છે કે આપણે તેમના દોસ્ત બનીએ, ‘તેમના માર્ગે ચાલીએ, તેમને પ્રેમ કરીએ અને પૂરા દિલથી તેમની સેવા કરીએ.’ (પુનર્નિયમ ૧૦:૧૨; ગીતશાસ્ત્ર ૨૫:૧૪) એમ કરીએ છીએ ત્યારે આપણે તકલીફોમાં પણ ખુશ રહી શકીએ છીએ. યહોવાને ભજવાથી અને તેમને પસંદ પડે એ રીતે જીવવાથી આપણને સાચી ખુશી અને સંતોષ મળે છે.

વધારે જાણો

યહોવાએ જે રીતે પૃથ્વી બનાવી એમાં કઈ રીતે તેમનો પ્રેમ જોવા મળે છે? તે આપણને જે જીવન આપવા માંગે છે, એ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? ચાલો જોઈએ.

૩. યહોવા ચાહે છે કે આપણું જીવન ખુશીઓથી ભરેલું હોય

વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • ઈશ્વરે આ સુંદર પૃથ્વી કેમ બનાવી?

સભાશિક્ષક ૩:૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • આ કલમ પ્રમાણે યહોવા માણસો માટે શું ચાહે છે?

૪. યહોવાની ઇચ્છા જરૂર પૂરી થશે

ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯ અને યશાયા ૫૫:૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાની ઇચ્છા જરૂર પૂરી થશે?

૫. યહોવાને ભજવાથી આપણને સાચી ખુશી મળે છે

જ્યારે આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણને સાચી ખુશી અને સંતોષ મળે છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • જ્યારે ટેરુમીબહેનને ખબર પડી કે ઈશ્વરને ભજવાથી જ સાચી ખુશી મળે છે, ત્યારે તેમનું જીવન કઈ રીતે બદલાઈ ગયું?

સભાશિક્ષક ૧૨:૧૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવાએ આપણા માટે ઘણું બધું કર્યું છે, તો બદલામાં આપણે શું કરવું જોઈએ?

જો કોઈ પૂછે: “જો દુઃખ જ સહન કરવાનું હોય, તો ભગવાને જીવન શું કામ આપ્યું?”

  • તમે કેવો જવાબ આપશો?

આપણે શીખી ગયા

યહોવા ચાહે છે કે આપણે પૃથ્વી પર સુખચેનથી જીવીએ, હંમેશ માટે જીવીએ. તે નથી ચાહતા કે આપણા પર કોઈ દુઃખ-તકલીફ આવે કે આપણે ઘરડા થઈને મરી જઈએ. જો આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીશું, તો હમણાં પણ ખુશ રહી શકીશું.

તમે શું કહેશો?

  • યહોવાએ આદમ અને હવાને બનાવ્યાં ત્યારે તેઓને કેવું જીવન આપવા ચાહતા હતા?

  • આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાની ઇચ્છા જરૂર પૂરી થશે?

  • તમે હમણાં કઈ રીતે સાચી ખુશી અને સંતોષ મેળવી શકો?

આટલું કરો

વધારે માહિતી

આપણે કેમ કહી શકીએ કે એદન બાગ નામની જગ્યા ખરેખર હતી? એના પુરાવાઓ તપાસો.

“એદન બાગ​—હકીકત કે વાર્તા?” (ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧, ૨૦૧૧)

આપણે કેમ ભરોસો રાખી શકીએ કે પૃથ્વી હંમેશાં ટકી રહેશે, એનો કદી નાશ નહિ થાય?

“શું આ પૃથ્વીનો નાશ થઈ જશે?” (jw.org/gu પર આપેલો લેખ)

યહોવા આપણને કેવું જીવન આપવા ચાહે છે? એ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

“ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?” (jw.org/gu પર આપેલો લેખ)

એક માણસને લાગતું હતું કે તેની પાસે બધું જ છે, છતાં તેના જીવનમાં કંઈક ખૂટતું હતું. જુઓ કે તેને કઈ રીતે ખુશી મળી.

હવે હું મારા જીવનથી ખુશ છું (૩:૫૫)

a હવે પછીના પાઠમાં જોઈશું કે આપણા પર કેમ દુઃખ-તકલીફો આવે છે.