સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૭

ઈસુએ પોતાનો જીવ આપીને આપણને કઈ રીતે બચાવ્યા?

ઈસુએ પોતાનો જીવ આપીને આપણને કઈ રીતે બચાવ્યા?

આપણે શીખી ગયા કે આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી, એટલે આપણામાં પાપની અસર આવી. એ કારણે આપણા પર દુઃખ ને મરણ આવે છે. a પણ શું એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા. આપણને પાપ અને મરણના શ્રાપમાંથી છોડાવવા, યહોવાએ પોતાના એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા. ઈસુએ પોતાનું જીવન આપીને છુટકારાની કિંમત ચૂકવી. (માથ્થી ૨૦:૨૮ વાંચો.) કોઈને છોડાવવા જે કિંમત ચૂકવવામાં આવે એને છુટકારાની કિંમત કહેવાય છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે હંમેશ માટે જીવી શકતા હતા. તોપણ આપણા માટે તેમણે એ જતું કર્યું અને ખુશી ખુશી પોતાનો જીવ આપી દીધો, જેથી આપણને એ બધું જ મળે જે આદમ અને હવાએ ગુમાવ્યું હતું. પોતાનો જીવ આપીને ઈસુએ એ પણ બતાવ્યું કે તે અને યહોવા આપણને કેટલો બધો પ્રેમ કરે છે! ઈસુએ આપણા માટે જે કર્યું છે એની કદર બતાવવા આ પાઠ તમને મદદ કરશે.

૧. ઈસુના મરણથી આજે કેવા આશીર્વાદો મળે છે?

આપણામાં જન્મથી જ પાપની અસર છે, એટલે ઘણી વાર એવું કંઈક કરી બેસીએ છીએ, જેનાથી યહોવાને દુઃખ થાય છે અને તેમની સાથેના આપણા સંબંધમાં તિરાડ પડે છે. પણ શું એ સંબંધ ફરી જોડી શકાય? હા, ચોક્કસ! એ માટે જરૂરી છે કે આપણે સાચા દિલથી પસ્તાવો કરીએ, ઈસુના નામમાં યહોવા પાસે માફી માંગીએ અને ફરી ક્યારેય એવી ભૂલ ન કરવાનો મક્કમ નિર્ણય લઈએ. જો એવું કરીશું તો યહોવા આપણને જરૂર માફ કરશે અને તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત થશે. (૧ યોહાન ૨:૧) બાઇબલમાં લખ્યું છે: “આપણાં પાપ માટે ખ્રિસ્ત મોતને ભેટ્યા, એવું તેમણે એક જ વાર અને હંમેશ માટે કર્યું. તે નેક હોવા છતાં મોતને ભેટ્યા, જેથી તમને ઈશ્વર પાસે લઈ જઈ શકે.”૧ પિતર ૩:૧૮.

૨. ઈસુના મરણથી ભવિષ્યમાં કેવા આશીર્વાદો મળશે?

યહોવાએ ઈસુને પૃથ્વી પર મોકલ્યા, જેથી તે પોતાના શરીરનું બલિદાન આપે અને ‘જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.’ (યોહાન ૩:૧૬) એ બલિદાનના આધારે યહોવા બહુ જલદી બધી બૂરાઈ અને દુઃખ-તકલીફોને દૂર કરશે, જે આદમના પાપના લીધે આવી છે. જો આપણે ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકીશું, તો સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવી શકીશું.—યશાયા ૬૫:૨૧-૨૩.

વધારે જાણો

ઈસુએ પોતાનો જીવ કેમ આપ્યો અને એનાથી આપણને કેવા આશીર્વાદો મળે છે, એ વિશે વધારે શીખો.

૩. ઈસુએ પોતાનો જીવ આપીને આપણને પાપ અને મરણમાંથી છોડાવ્યા

વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • યહોવાની આજ્ઞા તોડીને આદમે શું ગુમાવ્યું?

રોમનો ૫:૧૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • આદમે જે કર્યું એના લીધે તમારે શું સહન કરવું પડે છે?

યોહાન ૩:૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવાએ પોતાના દીકરાને પૃથ્વી પર કેમ મોકલ્યો?

  1. ક. આદમે યહોવાની આજ્ઞા તોડીને પાપ કર્યું. એટલે બધામાં પાપ આવ્યું અને તેઓ મરે છે

  2. ખ. ઈસુમાં પાપની અસર ન હતી અને તેમણે હંમેશાં યહોવાની આજ્ઞા પાળી. તેમના બલિદાનને લીધે આપણે પાપોની માફી મેળવી શકીએ છીએ અને હંમેશ માટે જીવી શકીએ છીએ

૪. ઈસુના મરણથી બધાને આશીર્વાદો મળે છે

વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • એક માણસના મરણથી કઈ રીતે બધાને આશીર્વાદો મળી શકે?

૧ તિમોથી ૨:૫, ૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો આદમે પાપ કર્યું ન હોત, તો તે કદી મર્યો ન હોત. પણ તેણે પાપ કર્યું, એટલે બધા માણસોમાં પાપ આવ્યું અને તેઓનું મરણ થાય છે. ઈસુ સંપૂર્ણ હતા, તેમનામાં પાપની જરાય અસર ન હતી. ઈસુએ પોતાનો જીવ આપીને કઈ રીતે “પૂરેપૂરી કિંમત” ચૂકવી? એનાથી શું શક્ય બન્યું?

૫. ઈસુનું બલિદાન—યહોવા તરફથી એક કીમતી ભેટ

યહોવાનો દરેક ભક્ત ઈસુના બલિદાનને એક કીમતી ભેટ ગણે છે, જે યહોવાએ તેને આપી છે. ગલાતીઓ ૨:૨૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • પાઉલ માનતા હતા કે ઈસુએ તેમના માટે પોતાનો જીવ આપ્યો છે. આ કલમથી એ વાત કઈ રીતે સાબિત થાય છે?

આદમે પાપ કર્યું એટલે તે મરી ગયો. આદમનાં બાળકો હોવાને લીધે આપણે પણ મરીએ છીએ. પણ યહોવાએ પોતાના દીકરાને પૃથ્વી પર પોતાનો જીવ આપવા મોકલ્યા, જેથી આપણને હંમેશ માટેનું જીવન મળી શકે.

આ કલમો વાંચો ત્યારે કલ્પના કરો કે પોતાના વહાલા દીકરાને દુઃખ સહેતા જોઈને યહોવાને કેવું લાગ્યું હશે. યોહાન ૧૯:૧-૭, ૧૬-૧૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવા અને ઈસુએ તમારા માટે જે કર્યું એ જાણીને તમને કેવું લાગે છે?

જો કોઈ પૂછે: “એક માણસના મરણથી કઈ રીતે બધા લોકો બચી શકે?”

  • જો કોઈ તમને એવું પૂછે તો તમે શું કહેશો?

આપણે શીખી ગયા

ઈસુએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો. એના લીધે યહોવા આપણાં પાપ માફ કરે છે અને આપણે હંમેશ માટે જીવી શકીએ છીએ.

તમે શું કહેશો?

  • ઈસુએ કેમ પોતાનો જીવ આપ્યો?

  • ઈસુએ પોતાનો જીવ આપીને કઈ રીતે પૂરેપૂરી કિંમત ચૂકવી? એનાથી શું શક્ય બન્યું?

  • ઈસુના મરણથી તમને કેવા આશીર્વાદો મળે છે?

આટલું કરો

વધારે માહિતી

ઈસુના બલિદાનને શા માટે છુટકારાની કિંમત કહેવામાં આવે છે? આ લેખમાં એ વિશે વાંચો.

“ઈસુનું બલિદાન કઈ રીતે ‘ઘણા લોકો માટે છુટકારાની કિંમત’ ચૂકવે છે?” (jw.org/gu પર આપેલો લેખ)

પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ થવા આપણે શું કરવું જોઈએ?

“ઈસુ આપણને કઈ રીતે બચાવે છે?” (jw.org/gu પર આપેલો લેખ)

શું યહોવા ગંભીર પાપ પણ માફ કરે છે?

“સવાલોના શાસ્ત્રમાંથી જવાબ” (ચોકીબુરજનો લેખ)

એક માણસે ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિચાર કર્યો અને એનાથી તે પોતાનો સ્વભાવ બદલી શક્યા.

“હવે હું હિંસાનો ગુલામ નથી” (jw.org/gu પર આપેલો લેખ)

a પાપ એટલે કોઈ ખોટું કામ કરવું. એટલું જ નહિ, આપણામાં કંઈક ખોટું કરવાનું જે વલણ છે એને પણ પાપ કહેવાય. આપણામાં એ વલણ જન્મથી હોય છે, જે આદમ અને હવાથી વારસામાં મળ્યું છે.