સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૪૧

જાતીય સંબંધ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

જાતીય સંબંધ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

જ્યારે જાતીય સંબંધ અથવા સેક્સની વાત આવે, ત્યારે ઘણા લોકો વાત કરતા અચકાય છે. પણ બાઇબલમાં એ વિશે સાફ સાફ જણાવ્યું છે અને એ પણ પૂરા આદર સાથે. સેક્સ વિશે બાઇબલની સલાહ પાળવાથી આપણું ભલું થાય છે, કેમ કે એ સલાહ યહોવા ઈશ્વરે આપી છે. તેમણે આપણને બનાવ્યા છે, એટલે તે જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. શું તેમના કરતાં વધારે સારી સલાહ બીજું કોઈ આપી શકે? તેમણે જણાવ્યું છે કે તેમને ખુશ કરવા અને કાયમ માટે સુખચેનથી રહેવા શું કરવું જોઈએ.

૧. જાતીય સંબંધ વિશે યહોવાના વિચારો શું છે?

જાતીય સંબંધ યહોવા તરફથી એક ભેટ છે. તે ચાહે છે કે પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે લગ્‍ન કર્યા પછી જ જાતીય સુખનો આનંદ માણે. આ ભેટ દ્વારા પતિ-પત્ની બાળકો પેદા કરે છે. એટલું જ નહિ, તેઓ એકબીજા માટે પ્રેમ બતાવે છે અને લાગણીઓ વ્યક્ત કરે છે. એટલે બાઇબલમાં લખ્યું છે, “તારી યુવાનીની પત્ની સાથે તું ખુશ રહે.” (નીતિવચનો ૫:૧૮, ૧૯) યહોવા ચાહે છે કે પતિ-પત્ની એકબીજાને વફાદાર રહે, એટલે તેઓ વ્યભિચાર નહિ કરે, લગ્‍નસાથી સિવાય બીજા કોઈ સાથે જાતીય સંબંધ નહિ બાંધે.​—હિબ્રૂઓ ૧૩:૪ વાંચો.

૨. વ્યભિચાર એટલે શું?

બાઇબલમાં લખ્યું છે, ‘વ્યભિચારી લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’ (૧ કોરીંથીઓ ૬:૯, ૧૦) બાઇબલ લેખકોએ વ્યભિચાર કે અયોગ્ય જાતીય સંબંધ માટે ગ્રીક ભાષામાં પોર્નિયા શબ્દ વાપર્યો હતો. એમાં આવાં કામોનો સમાવેશ થાય છે: (૧) એવાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જાતીય સંબંધ a જેઓનાં લગ્‍ન થયાં નથી, (૨) સજાતીય સંબંધ, એટલે કે પુરુષ-પુરુષ અથવા સ્ત્રી-સ્ત્રી વચ્ચે જાતીય સંબંધ અને (૩) પ્રાણીઓ સાથે જાતીય સંબંધ. જ્યારે આપણે આવા અયોગ્ય સંબંધ કે ‘વ્યભિચારથી દૂર રહીએ’ છીએ, ત્યારે યહોવા ખુશ થાય છે અને આપણું ભલું થાય છે.​—૧ થેસ્સાલોનિકીઓ ૪:૩.

વધારે જાણો

તમે કઈ રીતે વ્યભિચારથી દૂર રહી શકો? ચારિત્ર શુદ્ધ રાખવાથી કેવા ફાયદા થાય છે? ચાલો જોઈએ.

૩. વ્યભિચારથી નાસી જાઓ

યૂસફ ઈશ્વરનો ડર રાખતા હતા. જ્યારે એક સ્ત્રીએ તેમને જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું, ત્યારે તેમણે ના પાડી અને ત્યાંથી નાસી ગયા. ઉત્પત્તિ ૩૯:૧-૧૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • યૂસફ કેમ ત્યાંથી તરત નાસી ગયા?​—કલમ ૯ જુઓ.

  • શું તમને લાગે છે કે યૂસફે જે કર્યું એ યોગ્ય હતું? શા માટે?

આજે યુવાનો કઈ રીતે યૂસફના પગલે ચાલી શકે અને વ્યભિચારથી નાસી શકે? વીડિયો જુઓ.

યહોવા ચાહે છે કે આપણે વ્યભિચારથી દૂર રહીએ. ૧ કોરીંથીઓ ૬:૧૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • એવા કયા સંજોગો છે, જેમાં એક વ્યક્તિ વ્યભિચારના ફાંદામાં પડી શકે છે?

  • તમે કઈ રીતે વ્યભિચારથી દૂર નાસી શકો?

૪. તમે ખરાબ ઇચ્છાઓ સામે લડી શકો છો

આપણે ચાહીએ છીએ કે ખરાબ ઇચ્છાઓ સામે લડીએ અને વ્યભિચારથી દૂર રહીએ. પણ કયાં કારણોને લીધે આપણું મન કમજોર પડી શકે છે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • વીડિયોમાં જોયું તેમ, ભાઈને ખ્યાલ આવ્યો કે તેમનાં વિચારો અને કામો તેમને બેવફા બનવા દોરી જઈ શકે છે. એ સમજાયું ત્યારે તેમણે શું કર્યું?

યહોવાના વફાદાર ભક્તો માટે પણ અમુક વાર પોતાના વિચારો શુદ્ધ રાખવા અઘરું બની શકે છે. ખરાબ વિચારો મનમાં ભમ્યા ન કરે એ માટે તમે શું કરી શકો? ફિલિપીઓ ૪:૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • આપણે કેવી વાતો પર વિચાર કરવો જોઈએ?

  • બાઇબલ વાંચવાથી અને યહોવાની સેવામાં વ્યસ્ત રહેવાથી આપણે કઈ રીતે ખરાબ ઇચ્છાઓ સામે લડી શકીશું અને પાપ કરવાથી દૂર રહી શકીશું?

૫. યહોવાના નિયમો આપણા ભલા માટે છે

યહોવા જાણે છે કે આપણા માટે સૌથી સારું શું છે. તેમણે જણાવ્યું છે કે આપણે કઈ રીતે ચારિત્ર શુદ્ધ રાખી શકીએ અને એનાથી આપણને કેવા ફાયદા થાય છે. નીતિવચનો ૭:૭-૨૭ વાંચો અને વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • યુવાન કઈ રીતે લાલચમાં ફસાયો?​—નીતિવચનો ૭:૮, ૯ જુઓ.

  • નીતિવચનો ૭:૨૩, ૨૬માં જણાવ્યું છે તેમ, વ્યભિચારનાં ખરાબ પરિણામો આવી શકે છે. જો આપણે ચારિત્ર શુદ્ધ રાખીશું, તો કઈ મુશ્કેલીઓ ટાળી શકીશું?

  • જો આપણે ચારિત્ર શુદ્ધ રાખીશું, તો ભાવિમાં કયા આશીર્વાદો મળશે?

અમુક લોકોને લાગે છે કે બાઇબલમાં સજાતીય સંબંધો વિશે જે જણાવ્યું છે એ ક્રૂર છે અને એ બતાવે છે કે ઈશ્વર લોકોને પ્રેમ કરતા નથી. પણ એ સાચું નથી. યહોવા તો પ્રેમના ઈશ્વર છે અને તે ચાહે છે કે દરેક વ્યક્તિને હંમેશ માટેનું જીવન મળે. પણ એવું જીવન મેળવવા તેણે યહોવાના નિયમો અને સિદ્ધાંતો પાળવા જોઈએ. ૧ કોરીંથીઓ ૬:૯-૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જો ઈશ્વરની નજરે જોઈએ, તો શું ફક્ત સજાતીય સંબંધોથી જ દૂર રહેવું જોઈએ?

ઈશ્વરને ખુશ કરવા આપણે બધાએ કોઈ ને કોઈ ફેરફાર કરવાની જરૂર છે અને એ માટે મહેનત કરવી પડે છે. શું મહેનત કરવાથી કોઈ ફાયદો થાય છે? ગીતશાસ્ત્ર ૧૯:૮, ૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • ચારિત્ર શુદ્ધ રાખવા યહોવાએ જે નિયમો અને સિદ્ધાંતો આપ્યા છે, શું એ વાજબી છે? તમને એવું કેમ લાગે છે?

યહોવાએ ઘણા લોકોને મદદ કરી છે, જેથી તેઓ શુદ્ધ ચારિત્ર રાખી શકે. તે તમને પણ મદદ કરશે

અમુક લોકો કહે છે: “જો બે જણ એકબીજાને પ્રેમ કરતા હોય, તો જાતીય સંબંધ બાંધવામાં કંઈ ખોટું નથી.”

  • તમે શું જવાબ આપશો?

આપણે શીખી ગયા

જાતીય સંબંધ યહોવા તરફથી એક ભેટ છે. યહોવા ચાહે છે કે એક પુરુષ અને સ્ત્રી લગ્‍ન પછી જ એનો આનંદ માણે.

તમે શું કહેશો?

  • વ્યભિચારમાં કેવાં કામોનો સમાવેશ થાય છે?

  • વ્યભિચારથી દૂર રહેવા શાનાથી મદદ મળશે?

  • ચારિત્ર શુદ્ધ રાખવા યહોવાના નિયમો અને સિદ્ધાંતો પાળીશું તો, કયા ફાયદા થશે?

આટલું કરો

વધારે માહિતી

શું એક પુરુષ અને સ્ત્રી લગ્‍ન વગર સાથે રહી શકે? એ વિશે ઈશ્વરના વિચારો શું છે? આ લેખમાં વાંચો.

“લગ્‍ન વગર સાથે રહેવા વિશે પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?” (jw.org/gu પર આપેલો લેખ)

બાઇબલમાં જણાવ્યું છે કે સજાતીય સંબંધ બાંધવા ખોટું છે. પણ એનો અર્થ એ નથી કે સજાતીય સંબંધ બાંધનાર લોકોને નફરત કરવી જોઈએ. એ વિશે આ લેખમાં વાંચો.

“શું સજાતીય સંબંધો ખોટા છે?” (jw.org/gu પર આપેલો લેખ)

જાતીય સંબંધ વિશે ઈશ્વરે જે નિયમો આપ્યા છે, એનાથી કઈ રીતે આપણું રક્ષણ થાય છે? આ લેખ વાંચો.

“શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?” (jw.org/gu પર આપેલો લેખ)

“તેઓ મારી સાથે આદરથી વર્ત્યા” લેખ વાંચો અને જાણો કે સજાતીય સંબંધ બાંધનાર એક વ્યક્તિને પોતાનું જીવન બદલવા અને ઈશ્વરને ખુશ કરવા શાનાથી મદદ મળી.

“પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” (ચોકીબુરજનો લેખ)

a પોર્નિયામાં જાતીય સંબંધ ઉપરાંત આવાં ગંદાં કામોનો પણ સમાવેશ થાય છે: મુખમૈથુન (ઓરલ સેક્સ), ગુદામૈથુન (એનલ સેક્સ) અને બીજી વ્યક્તિનાં જાતીય અંગો પંપાળવાં.