સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૫૦

માતા-પિતા અને બાળકો કઈ રીતે ખુશ રહી શકે?

માતા-પિતા અને બાળકો કઈ રીતે ખુશ રહી શકે?

બાળકો યહોવા તરફથી અનમોલ ભેટ છે. યહોવા ચાહે છે કે માતા-પિતા તેઓની સંભાળ રાખે. એ માટે તેમણે માતા-પિતાને સરસ સલાહ આપી છે. યહોવાએ બાળકોને પણ સલાહ આપી છે. એનાથી બાળકોને શીખવા મળે છે કે કુટુંબમાં ખુશીઓ લાવવા તેઓ શું કરી શકે.

૧. યહોવાએ માતા-પિતાને કઈ સલાહ આપી છે?

યહોવા ચાહે છે કે માતા-પિતા બાળકોને પ્રેમ અને વહાલ કરે અને તેઓ સાથે બની શકે એટલો સમય વિતાવે. તે એ પણ ચાહે છે કે માતા-પિતા ખરાબ બાબતોથી બાળકોનું રક્ષણ કરે અને તેઓને બાઇબલના સિદ્ધાંતો શીખવે. (નીતિવચનો ૧:૮) બાઇબલ પિતાઓને સલાહ આપે છે: ‘યહોવા ચાહે છે તેમ શિખામણ આપીને બાળકોનો ઉછેર કરો.’ (એફેસીઓ ૬:૪ વાંચો.) બાળકોનો ઉછેર કરવાની જવાબદારી માતા-પિતાની છે. તેઓએ એ જવાબદારી બીજાઓને સોંપવી ન જોઈએ. જ્યારે માતા-પિતા યહોવાના કહ્યા પ્રમાણે બાળકોને ઉછેરે છે, ત્યારે તે ખૂબ ખુશ થાય છે.

૨. યહોવાએ બાળકોને કઈ સલાહ આપી છે?

યહોવાએ બાળકોને સલાહ આપી છે: “તમારાં માતા-પિતાનું કહેવું માનો.” (કોલોસીઓ ૩:૨૦ વાંચો.) જ્યારે બાળકો માતા-પિતાનું કહેવું માને છે અને તેઓને માન આપે છે, ત્યારે યહોવા અને માતા-પિતા બંને ખુશ થાય છે. (નીતિવચનો ૨૩:૨૨-૨૫) ઈસુએ બાળકો માટે સરસ દાખલો બેસાડ્યો છે. તે નાના હતા ત્યારે, પોતાનાં માતા-પિતાની વાત માનતા અને તેઓને માન આપતા. ઈસુમાં કોઈ ખામી ન હતી અને તે ભૂલો કરતા ન હતા. પણ તેમનાં માતા-પિતા આપણી જેમ ભૂલ-ભરેલાં હતાં. તેમ છતાં, ઈસુ તેઓને આધીન રહ્યા.—લૂક ૨:૫૧, ૫૨.

૩. આખું કુટુંબ કઈ રીતે યહોવા સાથે સંબંધ મજબૂત કરી શકે?

શું તમને બાળકો છે? તો તમે ચાહતા હશો કે તેઓ પણ યહોવાને એટલો જ પ્રેમ કરે, જેટલો તમે કરો છો. તમે તેઓને કઈ રીતે મદદ કરી શકો? બાઇબલની આ સલાહ પાળો: ‘યહોવાની આજ્ઞાઓ તું તારા દીકરાઓને વારંવાર શીખવ. જ્યારે તું ઘરમાં બેઠો હોય અને રસ્તે ચાલતો હોય ત્યારે એ વિશે વાત કર.’ (પુનર્નિયમ ૬:૭) તમે સારી રીતે જાણતા હશો કે બાળકોને કોઈ વાત એક જ વારમાં યાદ રહેતી નથી, તેઓને વારંવાર શીખવવું પડે છે. એટલે જ્યારે પણ મોકો મળે, ત્યારે બાળકો સાથે યહોવા વિશે વાત કરો. દર અઠવાડિયે થોડો સમય અલગ રાખો, જેથી સાથે મળીને કુટુંબ તરીકે ભક્તિ કરી શકો. જો બાળકો ન હોય, તોપણ દર અઠવાડિયે બાઇબલમાંથી શીખવા થોડો સમય કાઢો. એનાથી તમને ચોક્કસ ફાયદો થશે.

વધારે જાણો

ચાલો અમુક સૂચનો જોઈએ, જે પાળવાથી કુટુંબના બધા સભ્યો ખુશ રહે છે અને સલામતી અનુભવે છે.

૪. બાળકોને પ્રેમથી શીખવો

બાળકોને શીખવવું સહેલું નથી. પણ બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરે છે? યાકૂબ ૧:૧૯, ૨૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • માતા-પિતા કઈ રીતે બાળકો સાથે પ્રેમથી વાત કરી શકે?

  • માતા-પિતા ગુસ્સે ભરાયેલાં હોય ત્યારે, તેઓએ કેમ બાળકોને શિસ્ત a આપવી ન જોઈએ?

૫. બાળકોનું રક્ષણ કરો

બાળકોનું રક્ષણ કરવા જરૂરી છે કે તમે તમારા દરેક બાળકને સેક્સ વિશે સમજાવો. કદાચ એ વિશે વાત કરતા તમે સંકોચ અનુભવો. પણ મદદ માટે વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • અમુક માતા-પિતાને બાળકો સાથે સેક્સ વિશે વાત કરવી કેમ અઘરી લાગે છે?

  • સેક્સ વિશે પોતાનાં બાળકોને સમજાવવા અમુક માતા-પિતાએ શું કર્યું?

બાઇબલમાં જણાવ્યું છે તેમ આજે શેતાનની આ દુનિયા દિવસે ને દિવસે બગડી રહી છે. ૨ તિમોથી ૩:૧, ૧૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • કલમ ૧૩માં જે દુષ્ટ લોકો વિશે જણાવ્યું છે, એમાંના અમુક લોકો બાળકોનું જાતીય શોષણ કરે છે. એટલે, માતા-પિતા પોતાનાં બાળકોને સેક્સ વિશે સમજાવે એ કેમ જરૂરી છે? તેઓએ કેમ બાળકોને દુષ્ટ લોકોથી પોતાનું રક્ષણ કરતા શીખવવું જોઈએ?

જાણવા જેવું

યહોવાના સાક્ષીઓ ઘણું સાહિત્ય બહાર પાડે છે, જેથી માબાપ પોતાનાં બાળકોને સેક્સ વિશે સમજાવી શકે અને જાતીય શોષણ કરતા લોકોથી તેઓનું રક્ષણ કરી શકે. જેમ કે,

૬. બાળકો, માતા-પિતાને માન આપો

બાળકો અને યુવાનો પોતાની વાત કરવાની રીતથી બતાવી શકે છે કે, તેઓ પોતાનાં માતા-પિતાને માન આપે છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • બાળકોએ કેમ માતા-પિતા સાથે માનથી વાત કરવી જોઈએ?

  • માતા-પિતા સાથે માનથી વાત કરવા બાળકો શું કરી શકે?

નીતિવચનો ૧:૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • જ્યારે બાળકને તેનાં માતા-પિતા કોઈ સલાહ આપે, ત્યારે તેણે શું કરવું જોઈએ?

૭. કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરો

યહોવાના સાક્ષીઓ દર અઠવાડિયે થોડો સમય અલગ રાખે છે, જેથી કુટુંબ સાથે મળીને ભક્તિ કરી શકે. કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે તમે શું કરી શકો? એ જાણવા વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  • દર અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિ કરવા કુટુંબના સભ્યો શું કરી શકે?

  • કુટુંબ તરીકે ભક્તિ કરે ત્યારે બધાને મજા આવે અને ફાયદો થાય એ માટે માતા-પિતા શું કરી શકે?—આ પાઠની શરૂઆતમાં આપેલું ચિત્ર જુઓ.

  • કુટુંબ તરીકે ભક્તિ કરવામાં તમારી સામે કેવી અડચણો આવી શકે?

યહોવા ચાહતા હતા કે પ્રાચીન ઇઝરાયેલીઓ કુટુંબ સાથે નિયમિત રીતે શાસ્ત્રવચનો પર ચર્ચા કરે. પુનર્નિયમ ૬:૬, ૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • તમે કઈ રીતે આ સિદ્ધાંત લાગુ પાડી શકો?

કુટુંબ તરીકે ભક્તિ માટે અમુક સૂચનો:

  • સભાની તૈયારી કરો.

  • તમારા કુટુંબને રસ પડે એવો કોઈ બાઇબલ અહેવાલ વાંચો અને એની ચર્ચા કરો.

  • jw.org/gu પર “બાળકો માટે ખજાનો” વિભાગમાં નાની નાની વાર્તાઓ, રંગ પૂરવા ચિત્રો અને બીજું ઘણું છે. એમાંથી કોઈ એક ડાઉનલોડ કે પ્રિન્ટ કરો અને તમારાં બાળકોને આપો.

  • jw.org/gu પર યુવાનો માટે ઘણા લેખો છે. એમાંના કોઈ લેખની ચર્ચા કરો.

  • તમે અને તમારાં બાળકો બાઇબલનું કોઈ પાત્ર બનો અને એ અહેવાલને નાટકની જેમ ભજવો.

  • jw.org/gu પર આપેલો કોઈ વીડિયો જુઓ અને એની ચર્ચા કરો.

અમુક લોકો કહે છે: “બાઇબલની વાતો મોટા લોકોને પણ સમજાતી નથી, તો બાળકોને ક્યાંથી સમજાય!”

  • તમે શું કહેશો?

આપણે શીખી ગયા

યહોવા ચાહે છે કે માતા-પિતા બાળકોને પ્રેમ કરે, તેઓને શીખવે અને તેઓનું રક્ષણ કરે. તે ચાહે છે કે બાળકો માતા-પિતાને માન આપે અને તેઓનું કહેવું માને. તે એ પણ ચાહે છે કે આખું કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરે.

તમે શું કહેશો?

  • માતા-પિતા પોતાનાં બાળકોને શીખવવા અને તેઓનું રક્ષણ કરવા શું કરી શકે?

  • બાળકો પોતાનાં માતા-પિતાને માન આપવા શું કરી શકે?

  • કુટુંબ તરીકે ભક્તિ કરવા દર અઠવાડિયે થોડો સમય કાઢવો કેમ જરૂરી છે? એનાથી કયા ફાયદા થાય છે?

આટલું કરો

વધારે માહિતી

તમે બાળકોને કયા ગુણો કેળવવાનું શીખવી શકો, જે તેઓને યુવાનીમાં પણ મદદ કરે?

“બાળકોને સારા સંસ્કાર આપો” (સજાગ બનો! નં. ૨ ૨૦૧૯)

જેઓ વૃદ્ધ માબાપની સંભાળ રાખે છે, તેઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે? ચાલો જોઈએ.

“પવિત્ર શાસ્ત્ર વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા વિશે શું કહે છે?” (jw.org/gu પર આપેલો લેખ)

એક માણસને ખબર ન હતી કે બાળકોનો સારો ઉછેર કઈ રીતે કરવો. ચાલો જોઈએ કે તે કઈ રીતે સારા પિતા બની શક્યા.

અમારા બાળકોને મોટાં કરવાનું યહોવાએ શીખવ્યું (૫:૫૮)

ચાલો જોઈએ કે પિતાઓ કઈ રીતે પોતાના દીકરાઓ સાથે સંબંધ મજબૂત કરી શકે.

“દીકરા સાથે સમય વિતાવવા પિતા શું કરી શકે?” (ચોકીબુરજ, ડિસેમ્બર ૧, ૨૦૧૧)

a બાઇબલમાં જ્યારે “શિસ્ત” શબ્દ આવે છે, ત્યારે એ શીખવવાને, માર્ગદર્શન આપવાને અને બાળકના ખોટા વિચારો કે વર્તન સુધારવા મદદ કરવાને બતાવે છે. શિસ્ત આપવાનો અર્થ એ નથી કે બાળકોને ખરાબ શબ્દો બોલીએ અથવા મારપીટ કરીએ.—નીતિવચનો ૪:૧, ફૂટનોટ.