સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૫૯

તમે સતાવણીનો સામનો કરી શકો છો!

તમે સતાવણીનો સામનો કરી શકો છો!

આજે નહિ તો કાલે, લોકો આપણને યહોવાની ભક્તિ કરતા અટકાવશે. તેઓ આપણો વિરોધ કરશે, આપણને સતાવશે અથવા આપણા પર જુલમ ગુજારશે. પણ એના લીધે આપણે ડરી જતા નથી. શા માટે? ચાલો જોઈએ.

૧. સતાવણી થાય ત્યારે આપણને કેમ નવાઈ લાગતી નથી?

બાઇબલમાં સાફ સાફ લખ્યું છે, “જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.” (૨ તિમોથી ૩:૧૨) ઈસુની પણ સતાવણી થઈ હતી, કેમ કે તે શેતાનની દુનિયાનો ભાગ ન હતા. જ્યારે સરકારો અને ધાર્મિક સંગઠનો આપણી સતાવણી કરે છે, ત્યારે આપણને જરાય નવાઈ લાગતી નથી. કેમ કે આપણે પણ આ દુનિયાનો ભાગ નથી.—યોહાન ૧૫:૧૮, ૧૯.

૨. સતાવણીનો સામનો કરવા આપણે કઈ રીતે તૈયાર થઈ શકીએ?

આપણે અત્યારથી જ યહોવા પર ભરોસો વધારવાની જરૂર છે. એ માટે આપણે રોજ સમય કાઢીને યહોવાને પ્રાર્થના કરીએ અને બાઇબલ વાંચીએ. એકેય સભા ચૂકીએ નહિ. એમ કરવાથી આપણને હિંમત મળશે અને સતાવણીનો સામનો કરી શકીશું. ભલે કુટુંબના સભ્યો આપણો વિરોધ કે સતાવણી કરે, આપણે ડરીશું નહિ. પ્રેરિત પાઉલે પણ ઘણો જુલમ સહન કર્યો હતો. પણ તેમણે લખ્યું: “યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ.”હિબ્રૂઓ ૧૩:૬.

નિયમિત પ્રચાર કરવાથી પણ આપણી હિંમત વધે છે. પ્રચારથી યહોવામાં આપણો ભરોસો વધે છે. એટલું નહિ, મનમાંથી માણસોનો ડર પણ નીકળી જાય છે. (નીતિવચનો ૨૯:૨૫) જો અત્યારે હિંમતથી પ્રચાર કરીશું, તો કેવી મદદ મળશે? જ્યારે સરકારો આપણને પ્રચાર કરતા રોકશે, ત્યારે પણ આપણે ડર્યા વગર પ્રચાર કરી શકીશું.—૧ થેસ્સાલોનિકીઓ ૨:૨.

૩. સતાવણીમાં પણ યહોવાને વફાદાર રહેવાથી કેવું સારું પરિણામ આવે છે?

એવું નથી કે આપણને સતાવણી ગમે છે. પણ સતાવણી થાય છે ત્યારે, યહોવામાં આપણી શ્રદ્ધા વધારે મજબૂત થાય છે. કઈ રીતે? જ્યારે આપણને લાગે કે સતાવણીમાં ટકી નહિ શકીએ, ત્યારે યહોવા આપણને બળ આપે છે. એનાથી આપણે યહોવાની વધારે નજીક જઈએ છીએ. (યાકૂબ ૧:૨-૪ વાંચો.) આપણને દુઃખ સહન કરતા જોઈને યહોવાને પણ દુઃખ થાય છે. પણ જ્યારે તે જુએ છે કે આપણે સતાવણીમાં પણ તેમને વફાદાર છીએ, ત્યારે તે બહુ ખુશ થાય છે. બાઇબલમાં લખ્યું છે, “જો સારું કરવાને લીધે તમે સહન કરો, તો એનાથી ઈશ્વર ખુશ થાય છે.” (૧ પિતર ૨:૨૦) જો યહોવાને વફાદાર રહીશું, તો તે આપણને હંમેશ માટેનું જીવન આપશે. એ સમયે બધા જ લોકો યહોવાની ભક્તિ કરતા હશે અને તેઓને એમ કરતા કોઈ રોકશે નહિ.—માથ્થી ૨૪:૧૩.

વધારે જાણો

ચાલો જોઈએ કે આપણે કેમ સતાવણીમાં પણ યહોવાને વફાદાર રહી શકીએ છીએ. એ પણ જોઈએ કે એનાથી કેવા આશીર્વાદો મળે છે.

૪. કુટુંબમાંથી વિરોધ થાય ત્યારે પણ તમે યહોવાને વફાદાર રહી શકો છો

યહોવાને ભજવાનો નિર્ણય લઈએ ત્યારે કુટુંબના અમુક સભ્યોને કદાચ એ નહિ ગમે. એ વાત ઈસુ બહુ સારી રીતે જાણતા હતા. માથ્થી ૧૦:૩૪-૩૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • તમે યહોવાને ભજવાનો નિર્ણય લો ત્યારે કુટુંબમાં શું થઈ શકે?

એ વાતને સારી રીતે સમજવા વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • જો કોઈ દોસ્ત કે સગાં-સંબંધી તમને યહોવાની ભક્તિ કરતા રોકે, તો તમે શું કરશો?

ગીતશાસ્ત્ર ૨૭:૧૦ અને માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:

  • જ્યારે કુટુંબના સભ્યો કે દોસ્તો તમને યહોવાની ભક્તિ કરતા રોકે, ત્યારે આ કલમ કઈ રીતે મદદ કરી શકે?

૫. સતાવણીમાં પણ યહોવાની ભક્તિ કરવાનું ન છોડો

જ્યારે લોકો આપણને યહોવાની ભક્તિ કરતા રોકે, ત્યારે આપણને હિંમતની જરૂર હોય છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • આ વીડિયોમાં બતાવેલા અનુભવોથી તમને કઈ રીતે હિંમત મળી?

પ્રેરિતોનાં કાર્યો ૫:૨૭-૨૯ અને હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:

  • જ્યારે સરકારો આપણને પ્રચાર કરવાની અને સભાઓ માટે ભેગા મળવાની ના પાડે, ત્યારે પણ કેમ યહોવાની ભક્તિમાં મંડ્યા રહેવું જોઈએ?

૬. સતાવણી સહેવા યહોવા તમને હિંમત આપશે

આજે અનેક દેશોમાં યહોવાના સાક્ષીઓની સતાવણી થાય છે. પણ તેઓ યહોવાને વળગી રહ્યા છે. જુદા જુદા સમાજમાંથી આવતા આ ભક્તોને શાનાથી મદદ મળી? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.

  • વીડિયોમાં બતાવેલાં ભાઈ-બહેનો કઈ રીતે સતાવણી સહી શક્યાં?

રોમનો ૮:૩૫, ૩૭-૩૯ અને ફિલિપીઓ ૪:૧૩ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:

  • તમે ગમે એવી કસોટીને પાર કરી શકશો એવો ભરોસો વધારવા આ કલમ કઈ રીતે મદદ કરે છે?

માથ્થી ૫:૧૦-૧૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • તમે કેમ સતાવણીમાં પણ ખુશ રહી શકો છો?

યહોવાના લાખો ભક્તો વિરોધ અને સતાવણીમાં પણ યહોવાને વફાદાર રહ્યા છે. તમે પણ એવું કરી શકો છો!

અમુક લોકો કહે છે: “જો મારી સતાવણી થશે, તો મને લાગતું નથી કે હું સહી શકીશ.”

  • તમે કઈ કલમો બતાવીને તેમની હિંમત વધારી શકો?

આપણે શીખી ગયા

સતાવણીમાં પણ આપણે યહોવાની ભક્તિ કરતા રહીએ છીએ ત્યારે, યહોવા એ યાદ રાખે છે. તેમની મદદથી આપણે ગમે એવી સતાવણીનો સામનો કરી શકીએ છીએ.

તમે શું કહેશો?

  • યહોવાના ભક્તોની સતાવણી થાય ત્યારે, તેઓને કેમ નવાઈ લાગતી નથી?

  • સતાવણીનો સામનો કરવા તમે કઈ રીતે હમણાંથી જ તૈયાર થઈ શકો?

  • તમને શાનાથી ખાતરી થઈ કે ગમે એવી કસોટીમાં પણ તમે યહોવાને વફાદાર રહી શકશો?

આટલું કરો

વધારે માહિતી

લશ્કરમાં ન જોડાવાને લીધે એક યુવાન ભાઈને જેલની સજા થઈ. આ વીડિયોમાં જુઓ કે હિંમત ન હારવા યહોવાએ તેને કઈ રીતે મદદ કરી.

સતાવણીઓ છતાં ધીરજ રાખો (૨:૩૪)

એક પતિ-પત્નીએ વર્ષો સુધી વિરોધનો સામનો કર્યો. યહોવાને વફાદાર રહેવા તેઓને શાનાથી મદદ મળી? આ વીડિયો જુઓ.

સંજોગો બદલાયા, પણ યહોવાની ભક્તિ ન છોડી (૭:૧૧)

જાણો કે હિંમતથી સતાવણીનો સામનો કરવા શું કરી શકીએ.

“સતાવણી માટે હમણાંથી જ પોતાને તૈયાર કરો” (ચોકીબુરજ, જુલાઈ ૨૦૧૯)

કુટુંબમાંથી વિરોધ થાય ત્યારે કઈ વાત યાદ રાખવી જોઈએ? કુટુંબમાં શાંતિ જળવાઈ રહે અને યહોવાને વફાદાર રહી શકીએ એ માટે આપણે શું કરી શકીએ? આ લેખમાં વાંચો.

“સત્યથી ‘શાંતિ તો નહિ, પણ ભાગલા પડે છે’” (ચોકીબુરજ, ઑક્ટોબર ૨૦૧૭)