સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિયામક જૂથ તરફથી પત્ર

નિયામક જૂથ તરફથી પત્ર

વહાલાં ભાઈ-બહેનો:

આપણે યહોવાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. નાના-મોટા બધા લોકોને પણ પ્રેમ કરીએ છીએ. એટલે આપણને આ આજ્ઞા પાળવી ખૂબ ગમે છે: “જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો. તેઓને . . . બાપ્તિસ્મા આપો.” (માથ. ૨૮:૧૯, ૨૦; માર્ક ૧૨:૨૮-૩૧) સાચા પ્રેમમાં જોરદાર તાકાત છે. સાચો પ્રેમ બતાવીશું તો ‘જેઓનું દિલ સારું છે’ તેઓને મદદ કરી શકીશું, ‘જેથી તેઓ હંમેશ માટેનું જીવન મેળવી શકે.’—પ્રે.કા. ૧૩:૪૮.

અગાઉ આપણે રજૂઆત યાદ રાખવા પર અને સાહિત્ય આપવા પર વધારે ધ્યાન આપતા હતા. પણ હવે આપણે કઈ રીતે સહેલાઈથી વાતચીત કરી શકીએ એના પર ધ્યાન આપવું જોઈએ. એ આવડત કેળવવા મહેનત કરવી જોઈએ. આપણે લોકોને પ્રેમ કરીએ છીએ, એટલે તેઓને ગમે એવા વિષયો પર વાત કરીએ. આપણે વિચારવું જોઈએ કે વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, તેને કઈ ચિંતા છે અને પછી એ પ્રમાણે તેની સાથે વાત કરીએ. એ માટે આ ચોપડી આપણને મદદ કરશે.

આ ચોપડીમાં ૧૨ પાઠ છે. દરેક પાઠમાં એક રીત બતાવી છે. એ રીત વાપરીને આપણે લોકોને પ્રેમ બતાવી શકીશું અને તેઓને સારી રીતે શીખવી શકીશું. દરેક પાઠમાં ઈસુ અથવા પહેલી સદીના એક વફાદાર ઈશ્વરભક્તનો દાખલો છે. આપણે જોઈશું કે તેઓએ કઈ રીત અપનાવી હતી. આ ચોપડીમાં એ નથી જણાવ્યું કે પ્રચારમાં શું ગોખીને જઈશું અને એ કેવી રીતે કહીશું. પણ એ શીખવા મળશે કે કઈ અલગ અલગ રીતે લોકોને પ્રેમ બતાવી શકીએ. આ ચોપડીમાં આપેલી ૧૨ રીત પ્રચાર માટે ખૂબ જરૂરી છે. પણ વાત શરૂ કરવા, ફરી મળવા જવા અને શિષ્યો બનાવવા અમુક રીતો આપણને ખાસ કામમાં આવશે.

દરેક પાઠ વાંચતી વખતે વિચારો કે તમારા વિસ્તારના લોકો સાથે વાત કરો ત્યારે એ રીતો વાપરવા તમે શું કરી શકો. યહોવા અને લોકો માટે પ્રેમ વધારવા મહેનત કરતા રહેજો. શીખવવાની કોઈ પણ રીત કરતાં એવો પ્રેમ હોવો વધારે મહત્ત્વનું છે. એ પ્રેમને લીધે આપણે લોકોને સારી રીતે શીખવી શકીશું અને તેઓને ઈસુના શિષ્યો બનવા મદદ કરી શકીશું.

અમે તમારી સાથે ખભેખભા મિલાવીને કામ કરી શકીએ છીએ. એ લહાવાની અમે ઘણી કદર કરીએ છીએ. (સફા. ૩:૯) અમારી પ્રાર્થના છે કે યહોવા તમને ભરપૂર આશીર્વાદ આપે અને તમે લોકોને પ્રેમથી શીખવતા રહો.

તમારા ભાઈઓ,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ