સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૂરા સમયની સેવા માટે યહોવાહનો આભાર!

પૂરા સમયની સેવા માટે યહોવાહનો આભાર!

જીવનકથા

પૂરા સમયની સેવા માટે યહોવાહનો આભાર!

સ્ટેન્લી ઈ. રેનોલ્ડ્‌સે પોતે એ જણાવ્યું

હું ૧૯૧૦માં ઇંગ્લૅંડના લંડન શહેરમાં જન્મ્યો હતો. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી અમે વિસ્ટર વિસ્તારના વેસ્ટબુરી લેઈથ નામના નાના ગામમાં રહેવા ગયા. હું નાનો હતો ત્યારે મને ઘણી વાર મનમાં પ્રશ્ન ઊઠતો કે ‘ખરેખર પરમેશ્વર કોણ છે?’ મેં કદી કોઈના મોઢે તેમના વિષે સાંભળ્યું ન હતું. મને એ સમજણ નહોતી પડતી કે અમારા નાના સમાજમાં ત્રણ દેવળોની શી જરૂર હતી?

બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એના ચાર વર્ષ પહેલા ૧૯૩૫માં, હું અને મારો નાનો ભાઈ ડિક, તંબુમાં રજાઓ માણવા સાયકલ લઈને ઇંગ્લૅંડના દક્ષિણ કાંઠે આવેલા વેમાત ગયા હતા. અમે તંબુમાં હતા ત્યારે ધોધમાર વરસાદ જોઈને વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. એટલામાં એક વૃદ્ધ ભાઈ અમારા તંબુમાં આવ્યા, અને અમને બાઇબલ પર આધારિત ત્રણ અંગ્રેજી પુસ્તકો આપ્યાં. એનાં નામ ધ હાર્પ ઑફ ગોડ, લાઈટ ૧, અને લાઈટ ૨ હતાં. મેં તો એ લઈ જ લીધાં કેમ કે કંટાળો દૂર કરવા અમને કંઈક તો જોઈતું જ હતું. એ વાંચીને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. પરંતુ એ સમયે મેં સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે એ પુસ્તકો મારૂં અને મારા ભાઈઓનું પૂરેપૂરું જીવન બદલી નાખશે.

મેં ઘરે જઈને એ પુસ્તકો વિષે વાત કરી ત્યારે, મારી માતાએ મને કહ્યું કે આપણા ગામમાં રહેતા, એક કેટ પારસોન્સ નામના બહેન પણ આવાં જ બાઇબલ પુસ્તકો આપે છે. તે બહેન વૃદ્ધ હોવા છતાં અમારા છૂટાછવાયાં ઘરોના લોકોને મળવા નાની મોટરસાયકલ લઈને આવતા, તેથી લોકો તેમને સારી રીતે ઓળખી ગયા હતા. હું તેમને મળવા ગયો ત્યારે તેમણે મને ક્રિએશન અને રીચેસ નામનાં અંગ્રેજી પુસ્તકો તથા વૉચટાવર સંસ્થાના બીજાં સાહિત્યો પણ આપ્યાં. અને તેમણે જણાવ્યું કે તે એક યહોવાહના સાક્ષી છે.

મેં એ પુસ્તકોને વાંચ્યાં, સાથે એમાં ઉલ્લેખ કરેલી બાઇબલ કલમોને પણ ખોલીને જોઈ. આ રીતે અભ્યાસ કરવાથી મને ખબર પડી કે ફક્ત યહોવાહ જ સાચા દેવ છે અને હું તેમની ઉપાસના કરવા ઇચ્છતો હતો. તેથી અમારા ચર્ચમાં રાજીનામું આપીને હું જ્હોન તથા એલીશ મૂડીના ઘરે ચાલતા બાઇબલ અભ્યાસોમાં હાજરી આપવા લાગ્યો. તેઓ અમારા નજીકના શહેર વેસ્ટબરીમાં રહેતા હતા. એ સભાઓમાં અમે ફક્ત સાત જ જણ હતા. સભાઓની શરૂઆતમાં અને અંતે અમે મોટા અવાજે દેવના રાજ્યનાં ગીતો ગાતા અને બહેન કેટ પારસોન્સ પોતાનું હારમોનિયમ વગાડતા!

શરૂઆતના દિવસો

હું જોઈ શકતો હતો કે અમે જે સમયોમાં જીવી રહ્યા હતા એ ખૂબ કટોકટીમય હતા. હું માત્થી ૨૪:૧૪માં આપેલી આજ્ઞા પ્રમાણે પ્રચારમાં જોડાવા ઇચ્છતો હતો. તેથી મેં ધૂમ્રપાન કરવાનું છોડી દીધું, એક બેગ ખરીદી લાવ્યો અને આપણા મહાન દેવ યહોવાહને મારું સમર્પણ કર્યું.

ઑગસ્ટ ૧૯૩૬માં, વૉચટાવર સોસાયટીના પ્રમુખ જોસેફ એફ. રધરફોર્ડ “આર્માગેદન” વિષય પર ભાષણ આપવા સ્કોટલેન્ડ, ગ્લાસગો આવ્યા હતા. ગ્લાસગો લગભગ ૬૦૦ કિલોમીટર દૂર હતું છતાં, મેં ત્યાં જઈને જ મહાસંમેલનમાં બાપ્તિસ્મા લેવાનું નક્કી કર્યું. મારી પાસે વધુ પૈસા ન હતા, તેથી મેં સ્કોટીશ સરહદ પર આવેલા કારલીશ શહેર સુધી ટ્રેનમાં સાયકલ ચઢાવી લીધી, અને ત્યાંથી ઉત્તર તરફ ૧૬૦ કિલોમીટર સાયકલ ચલાવી. પાછા ઘરે જતા પણ હું મોટાભાગના રસ્તે સાયકલ ચલાવીને જ ગયો, તેથી હું શારીરિક રીતે ખૂબ જ થાકી ગયો હતો છતાં આત્મિક રીતે ખૂબ દૃઢ બન્યો હતો.

ત્યારથી માંડીને, હું નજીકના કોઈપણ ગામમાં પ્રચારકાર્ય માટે સાયકલ લઈને જ જતો. એ દિવસોમાં દરેક યહોવાહના સાક્ષી પાસે ઘરમાલિકને વંચાવવા એક કાર્ડ રહેતું જેમાં બાઇબલની કલમો અને સંદેશો લખેલા હતા. અમે અમારી સાથે ફોનોગ્રાફ પણ લઈ જતા, અને સંસ્થાના પ્રમુખે આપેલ બાઇબલ આધારિત ભાષણની રેકર્ડને વગાડીને લોકોને સંભળાવતા હતા. અમારી સામયિક બેગ * જોઈને જ લોકો ઓળખી જતા કે અમે યહોવાહના સાક્ષીઓ છીએ.

યુદ્ધ ચાલતું હોવા છતાં પાયોનિયર કાર્ય

બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯માં શરૂ થયું અને મારો ભાઈ ૧૯૪૦માં બાપ્તિસ્મા પામ્યો. એ સમયે અમને બંનેને પૂરા સમયના પ્રચારકોની તાત્કાલિક જરૂર જણાઈ. તેથી, અમે પાયોનિયર કાર્ય માટે અરજી કરી. જ્યારે અમને બંનેને બ્રીસટોલ પાયોનિયર ગૃહમાં ત્યાંના બીજા પાયોનિયરો સાથે કામ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે અમને ઘણો આનંદ થયો. બ્રીસટોલ પાયોનિયર ગૃહમાં એડીથ પૂલ, બર્ટ ફારમર, ટોમ અને ડોરોથી બ્રિજીસ, બર્નાડ હોટન, અને બીજા પાયોનિયરો રહેતા હતા. અમારે તેઓ સાથે કામ કરવાનું હતું કે જેઓના અડગ વિશ્વાસની અમે ખૂબ પ્રશંસા કરી હતી.

અમે ત્યાં પહોંચ્યા ત્યારે એક નાની વાન અમને લેવા આવી પહોંચી, જેની બંને બાજુએ મોટા અક્ષરે લખ્યું હતું, “યહોવાહના સાક્ષીઓ.” વાનના ડ્રાયવર, ભાઈ સ્ટેનલી જૉન્સ હતા, કે જેમણે પાછળથી ચીનમાં મિશનરિ કામ કર્યું અને પ્રચારને કારણે સાત વર્ષ કેદમાં એકાંતવાસની સજા પણ ભોગવી.

યુદ્ધ વધતું ગયું તેમ, અમને ભાગ્યે જ પૂરતી ઊંઘ મળતી કારણ કે અમારા પાયોનિયર ગૃહની આજુબાજુ બૉંબ પડતા હતા. અમારે સતત દેખરેખ રાખવી પડતી કે અમારા ઘરની આજુબાજુ તો કોઈ બૉંબ પડ્યો નથી ને. બ્રીસટોલ શહેરમાં એક સંમેલન ભરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ વ્યક્તિઓ હાજર હતી. સંમેલન પૂરું થયા પછી અમે બૉંબમારાથી બચતા બચતા અમારા પાયોનિયર ગૃહે પહોંચ્યા કે જે સંમેલનના સ્થળ કરતાં સલામત હતું.

બીજે દિવસે હું અને ડિક અમારી બાકી રહેલી વસ્તુઓને લેવા પાછા એ શહેરમાં ગયા. અમે તો ચોંકી જ ગયા, કેમ કે બ્રીસટોલ વેરવિખેર થઈ ગયું હતું. આખું શહેર બૉંબમારાથી નાશ પામ્યું હતું. અમારું રાજ્યગૃહ જ્યાં હતું એ પાર્ક સ્ટ્રીટ ધુમાડો કાઢતા આગના દેવતાઓનો ઢગલો બની ગયું હતું. પરંતુ ખુશીની બાબત છે કે એક પણ યહોવાહના સાક્ષીને કંઈ ઇજા પહોંચી ન હતી. ઉપરાંત અમે પહેલેથી જ અમારું બાઇબલ સાહિત્ય રાજ્યગૃહથી ખસેડીને મંડળના જુદા જુદા ભાઈબહેનોના ઘરે મૂકી દીધું હતું. બધુ જ સલામત હતું માટે અમે દેવનો ખૂબ ખૂબ આભાર માન્યો.

અણધારી સ્વતંત્રતા મળી

મને ફોજમાં ભરતી થવા માટેની અરજી આપવામાં આવી ત્યાં સુધીમાં તો મેં સેવા કરી હતી એ બ્રીસટોલ મંડળમાં ૬૪ પ્રકાશકો થઈ ગયા હતા. બીજા ઘણા સાક્ષીઓને તેઓના તટસ્થ સ્થાનને કારણે જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેથી મને લાગ્યું કે પ્રચારની મારી સ્વતંત્રતા પણ છીનવાઈ જશે. સ્થાનિક બ્રીસટોલ અદાલતમાં મારો કેસ ચાલ્યો, ભાઈ એન્થની બક, મારો બચાવ કરી રહ્યા હતા કે જે અગાઉ જેલના અધિકારી હતા. તે હિંમતવાળા, નીડર તથા બાઇબલ સત્ય માટે મક્કમ હતા. તેમની સારી છાપને કારણે, મને ફોજમાં ભરતી નહિ થવામાંથી છૂટકારો મળ્યો. પરંતુ મારી સામે એ શરત મૂકવામાં આવી કે મારે મારી પૂરા સમયની સેવા ચાલુ રાખવી!

મને સ્વતંત્રતા મળી માટે હું ખૂબ ખુશ હતો, અને તેથી જ મારી સ્વતંત્રતાનો બની શકે એટલો પ્રચારમાં વધુ ઉપયોગ કરવાનું મેં નક્કી કર્યું. પછી મને યહોવાહના સાક્ષીઓની લંડન શાખાકચેરી તરફથી, શાખા નિરીક્ષક આલ્બર્ટ ડી. શ્રોડરને મળવાનું કહેવામાં આવ્યું. હું વિચારમાં પડી ગયો કે મને શા માટે બોલાવ્યો હશે. મને એક નવું કામ સોંપવામાં આવ્યું. મારે એક પ્રવાસી નિરીક્ષક તરીકે યોર્કશાયરમાં ભાઈઓને આત્મિક રીતે મદદ કરવા તથા ઉત્તેજન આપવા દર અઠવાડિયે અલગ અલગ મંડળોમાં મુલાકાત લેવા જવાનું હતું, એ માટે હું ખૂબ ખુશ હતો. શરૂઆતમાં તો મને લાગ્યું કે હું આ કામ માટે લાયક જ નથી, પરંતુ ફોજમાં જોડાવામાંથી મુક્તિ મળી હતી માટે હું એ કરી શકું એમ હતો. તેથી મેં યહોવાહ દેવનું માર્ગદર્શન સ્વીકાર્યું અને ખુશીથી ગયો.

ભાઈ આલ્બર્ટ શ્રોડરે મને હડર્સફિલ્ડમાંના સંમેલનમાં ત્યાંના ભાઈઓની ઓળખાણ કરાવી, અને એપ્રિલ ૧૯૪૧થી મેં મારી આ નવી કાર્યસોંપણી શરૂ કરી. એ પ્રેમાળ ભાઈઓને ઓળખવાનો કેવો આનંદ! તેઓનો પ્રેમ અને માયાળુપણું જોઈને હું યહોવાહની વધુ કદર કરવા પ્રેરાયો કે આ બધા યહોવાહના જ સમર્પિત લોકો છે.—યોહાન ૧૩:૩૫.

સેવાના વધુ લહાવાઓ

લેસ્ટર શહેરના ડે મોન્ટફોર્ટ હોલમાં ૧૯૪૧માં ભરવામાં આવેલું પાંચ-દિવસનું મહાસંમેલન ભૂલી ન શકાય એવું હતું. એ શહેરમાં ખોરાકની માપબંધી તથા મર્યાદિત વાહનવ્યવહાર હોવા છતાં રવિવારની હાજરી ૧૨૦૦૦ની હતી; એ સમયે દેશમાં ફક્ત ૧૧૦૦૦ કરતાં થોડા વધુ સાક્ષીઓ હતા. મહાસંમેલનમાં સંસ્થાના પ્રમુખના રેકોર્ડિંગ કરેલાં ભાષણો વગાડવામાં આવ્યાં અને અંગ્રેજીમાં ચિલ્ડ્રન પુસ્તક બહાર પાડવામાં આવ્યું. બીજું વિશ્વયુદ્ધ ચાલુ હોવા છતાં, મહાસંમેલન ભરવામાં આવ્યું એ બ્રિટનના યહોવાહના સાક્ષીઓ માટે બહુ મોટી વાત હતી.

આ મહાસંમેલન પછી તરત જ, મને લંડનમાં યહોવાહના સાક્ષીઓની શાખાકચેરીમાં સેવા કરવાનું આમંત્રણ મળ્યું. શરૂઆતમાં મેં ત્યાં શીપીંગ અને પેકીંગ વિભાગમાં અને પછીથી ઑફીસમાં કામ કર્યું. ઑફિસમાં યહોવાહના સાક્ષીઓનાં મંડળોને લગતું કાર્ય થતું હતું.

લંડન શહેર પર રાતદિવસ હવાઈ હુમલાઓ થતા હતા અને શાખાકચેરીના ભાઈબહેનો પણ એનાથી ઘણા જ પરેશાન હતા. ઉપરાંત જવાબદારીવાળા ભાઈઓની ઑફિસોમાં અધિકારીઓ વારંવાર તપાસ કરવા આવતા હતા. પ્રીસ હ્યૂઝ, ઈવર્ટ ચીટ્ટી, અને ફ્રેન્ક પ્લેટ પોતાની માન્યતાઓમાં મક્કમ રહ્યા માટે તેઓને કેદ કરવામાં આવ્યા. છેવટે આલ્બર્ટ શ્રોડરને યુનાઈટેડ સ્ટેટ્‌સમાં દેશનિકાલ કરવામાં આવ્યા. આટલા બધા દબાણો હોવા છતાં, દેવનાં મંડળો અને પ્રચારકાર્ય પર કોઈ અસર થઈ નહિ.

ગિલયડમાં

યુદ્ધનો ૧૯૪૫માં અંત આવ્યો ત્યારે, મેં મિશનરિઓને તાલીમ આપતી વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડમાં અરજી કરી. ત્યાં મને ૧૯૪૬માં આઠમાં ક્લાસ માટે બોલાવવામાં આવ્યો. સંસ્થાએ ટોની અટવુડ, સ્ટેનલી જોન્સ, હેરોલ્ડ કીંગ, ડોન રેનડેલ અને સ્ટેનલી વુડબર્ન સહિત અમારામાંના ઘણા માટે ફોવેયના કોરનીશ ફીશીંગ પોર્ટથી આવવાની ગોઠવણ કરી હતી. એક સ્થાનિક સાક્ષી ભાઈએ ચીનાઈ માટી લઈ જતા એક વહાણમાં અમારી મુસાફરી કરવાની ગોઠવણ કરી. અમને આપેલી કેબીન ખૂબ સાંકડી હતી, અને વહાણના તૂતક પર પાણીના મોજા અથડાઈને પાણી ભરાતું હતું. છેવટે અમે અમારા બંદર, ફીલાડેલ્ફીયામાં પ્રવેશ્યા ત્યારે અમને ખૂબ રાહત થઈ!

ગિલયડ સ્કુલનું આયોજન ન્યૂયૉર્ક શહેરના સાઉથ લેસિંગના એક સુંદર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. મને જે તાલીમ મળી એ મારા માટે ખૂબ મૂલ્યવાન હતી. અમારા વર્ગના વિદ્યાર્થીઓ ૧૮ દેશોમાંથી આવેલા હતા. સંસ્થાએ પહેલી વાર બીજા દેશોમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને અમે બધા ગાઢ મિત્રો બની ગયા. એમાંય ફીનલેન્ડનો કાલ સલવારા રૂમમાં મારી સાથે રહેતો હતો, તેનો સાથ મને ખૂબ ગમ્યો.

સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. પાંચ મહિના પૂરા થયા ત્યારે સંસ્થાના પ્રમુખ, નાથાન એચ. નોર બ્રુકલિન મુખ્યમથકથી અમને અમારા ડિપ્લોમાના સર્ટિફિકેટ આપવા અને અમારે ક્યાં કામ કરવાનું રહેશે એ જણાવવા આવ્યા. એ દિવસોમાં, સ્નાતકના કાર્યક્રમમાં જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ખબર પડતી ન હતી કે તેઓને ક્યાં કાર્યસોંપણી મળી છે. મને લંડન શાખાકચેરીમાં જ કામ ચાલુ રાખવાની સોંપણી મળી.

લંડન પાછા

બ્રિટનમાં યુદ્ધ પછીનાં વર્ષો ખૂબ મુશ્કેલ હતા. કાગળ, ખોરાક અને બીજી જીવનજરૂરી વસ્તુઓની સતત અછત વર્તાતી હતી. પરંતુ અમે ટકી રહ્યા, અને યહોવાહનું રાજ્ય કામ ચાલુ રહ્યું. શાખાકચેરીમાં સેવા આપવાની સાથે, મેં ડિસ્ટ્રીક્ટ અને સરકીટ સંમેલનોમાં તથા ઘણાં યહોવાહના સાક્ષીઓનાં મંડળોમાં સેવા આપી. એમાં આયર્લેન્ડમાંનાં અમુક મંડળોનો પણ સમાવેશ થતો હતો. એરીક ફ્રોસ્ટ અને યુરોપના બીજા ભાઈ-બહેનોને મળવાનો તથા નાઝી જુલમી છાવણીમાં જે સાથી સાક્ષીઓએ પ્રમાણિકતા માટે ભયંકર યાતનાઓ ભોગવી હતી તેઓ વિષે જાણવા માટેનો પણ લહાવો હતો. શાખાકચેરીમાં સેવા ખરેખર એક આશીર્વાદિત લહાવો હતો.

લંડનની ઉત્તરે આવેલા, વોટફોર્ડ શહેરમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપતી બહેન જોન વેબને હું દસ વર્ષથી ઓળખતો હતો. છેવટે ૧૯૫૨માં અમે લગ્‍ન કર્યા. અમે બંને પૂરા સમયની સેવામાં જ રહેવા માંગતા હતા તેથી શાખાકચેરી છોડ્યા પછી મને સરકીટ નિરીક્ષક તરીકે કાર્યસોંપણી મળી ત્યારે અમે ખૂબ ખુશ થઈ ગયા. અમારે પ્રથમ જે સરકીટની મુલાકાત લેવાની હતી એ સસેક્ષ અને હામ્પશાયરમાં ઇંગ્લૅન્ડના દક્ષિણ દરિયાકાંઠે આવેલી હતી. એ દિવસોમાં સરકીટ કાર્યને પહોંચી વળવું ખૂબ કઠિન હતું. અમે મોટે ભાગે બસ, સાયકલ અને પગપાળા મુસાફરી કરતા. ઘણાં મંડળોએ મોટા, ગ્રામ્ય પ્રચારવિસ્તારો આવરવાના હતા કે જ્યાં પહોંચવું જ મુશ્કેલ હતું. છતાં પણ સાક્ષીઓની સંખ્યા એકધારી વધતી રહી.

વર્ષ ૧૯૫૮નું ન્યૂયૉર્ક શહેર

વર્ષ ૧૯૫૭માં, મને શાખાકચેરી તરફથી એક બીજું આમંત્રણ મળ્યું: “ન્યૂયૉર્ક શહેરમાં ૧૯૫૮માં યાંકી સ્ટેડિયમ અને પોલો ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય મહાસંમેલન થવાનું છે. શું તમે અહીં શાખાકચેરીમાં આવીને ભાઈઓ માટે મુસાફરીની વ્યવસ્થા કરવામાં મદદ કરશો?” ત્યાર પછી તરત હું અને મારી પત્ની જોન સંસ્થાએ ભાડે લીધેલાં વિમાનો અને જહાજોમાં મુસાફરી કરવા માટેની ભાઈઓની અરજીઓને હાથ ધરવામાં વ્યસ્ત બની ગયા. એ દૈવી ઇચ્છા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ૨,૫૩,૯૨૨નો વિશાળ શ્રોતાગણ હતો. આ મહાસંમેલનમાં ૭,૧૩૬ વ્યક્તિઓએ પાણીનું બાપ્તિસ્મા લઈને યહોવાહ દેવને પોતાનું સમર્પણ જાહેર કર્યું. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના ઐતિહાસિક બનાવમાં જેટલી વ્યક્તિઓએ બાપ્તિસ્મા લીધું હતું એના કરતાં આ મહાસંમેલનમાં બાપ્તિસ્મા લેનારની સંખ્યા બમણાં કરતાં વધારે હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧.

મને અને મારી પત્નીને ૧૨૩ દેશોમાંથી ન્યૂયૉર્ક શહેરમાં આવી રહેલા પ્રતિનિધિઓની કાળજી લેવામાં મદદ કરવાનું ભાઈ નોરે પોતે જણાવ્યું, એ હું અને મારી પત્ની ક્યારેય ભૂલીશું નહિ. એ કામમાં અમે ખૂબ આનંદ મેળવ્યો.

પૂરા સમયની સેવાના આશીર્વાદો

ત્યાંથી પાછા ફર્યા પછી અમારી તબિયત બગડી ત્યાં સુધી અમે મંડળોની મુલાકાત લેવાનું કામ ચાલુ રાખ્યું. મારી પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને મને પણ સામાન્ય એટેક આવ્યો. તેથી અમે ખાસ પાયોનિયર એટલે કે પૂરા સમયના પ્રચારક બનીને સેવા કરવા લાગ્યા. પરંતુ પાછળથી થોડા સમય માટે મને ફરીથી સરકીટ નિરીક્ષક તરીકે કામ કરવાનો લહાવો મળ્યો. છેવટે, અમે બ્રીસટોલ પાછા ફર્યા, અને ત્યારથી અમે પૂરા સમયની સેવા કરી રહ્યા છીએ. મારો ભાઈ ડિક અમારા ઘરની નજીકમાં જ પોતાના કુટુંબ સાથે રહે છે. અમે ઘણી વાર જૂની વાતોને યાદ કરીએ છીએ.

વર્ષ ૧૯૭૧માં મારી આંખના નેત્રપટલને નુકશાન પહોંચ્યું હોવાથી હું ખાસ કંઈ જોઈ શકતો ન હતો. ત્યારથી હું કંઈ જ વાંચી શકતો નથી. પરંતુ યહોવાહે જે સુંદર જોગવાઈ કરી છે એ બાઇબલની રેકર્ડ કરેલી કેસેટને હવે હું સાંભળું છું. હું અને મારી પત્ની જોન હજુ પણ લોકો સાથે બાઇબલ અભ્યાસો ચલાવીએ છીએ. આજ સુધી અમે લગભગ ૪૦ વ્યક્તિઓને સત્ય આપવાનો લહાવો મેળવ્યો છે. તેઓમાં સાત સભ્યોવાળા કુટુંબનો પણ સમાવેશ થાય છે.

અમે ૬૦ વર્ષ પહેલા યહોવાહ દેવને અમારું સમર્પણ કર્યું ત્યારે, અમારી ઇચ્છા કાયમ માટે પૂરા-સમયની-સેવામાં જ રહેવાની હતી. અમે ખૂબ આભારી છીએ કે મહાન દેવ યહોવાહની સેવા કરવાની શક્તિ હજુ પણ અમારામાં છે. અમે બંનેએ ભેગા મળીને યહોવાહની સેવામાં આનંદથી વર્ષો વિતાવ્યાં છે. એ ઉપરાંત દેવે અમને ઘણી મદદ કરી છે એનો આભાર માનવા અમારા માટે પૂરા સમયની સેવામાં લાગુ રહેવા સિવાય બીજો કયો માર્ગ હોય શકે!

[ફુટનોટ]

^ આ બેગ ખભે ભરવવાની કપડાની એક થેલી હતી. એને વૉચટાવર અને કોન્સોલેશન (કે જે પાછળથી અવેક થયું એ)ની પ્રતો રાખવા બનાવવામાં આવી હતી.

[પાન ૨૫ પર ચિત્ર]

બ્રીસટોલ પાયોનિયર ગૃહ સામે મારો ભાઈ ડિક (ડાબી બાજુ; ડિક ઊભા છે) અને બીજા પાયોનિયરો સાથે હું

[પાન ૨૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૪૦માં બ્રીસટોલનું પાયોનિયર ગૃહ

[પાન ૨૬ પર ચિત્રો]

સ્ટેન્લી અને જોન રેનોલ્ડ્‌સ, જાન્યુઆરી ૧૨, ૧૯૫૨ના રોજ તેઓના લગ્‍નના દિવસે અને આજે