સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હેસમોનીઓ અને તેઓનો વારસો

હેસમોનીઓ અને તેઓનો વારસો

હેસમોનીઓ અને તેઓનો વારસો

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, યહુદી ધર્મ ઘણા જૂથોમાં વહેંચાયેલો હતો અને તેઓ લોકો પર પોતાની સત્તા જમાવતા હતા. પ્રથમ સદીના યહુદી ઇતિહાસકાર જોસેફસના લખાણમાં અને બાઇબલમાં મળી આવતી ઈસુની સુવાર્તામાં એ પરિસ્થિતિ જોવા મળે છે.

આવી પરિસ્થિતિમાં સાદુકીઓ અને ફરોશીઓ એક શક્તિશાળી જૂથ તરીકે આગળ આવ્યા. તેઓ પોતાની સત્તાથી લોકોને જેમ નચાવવા હોય એમ નચાવી શકતા હતા, એ હદ સુધી કે લોકોએ ઈસુનો મસીહા તરીકે નકાર કર્યો. (માત્થી ૧૫:૧, ૨; ૧૬:૧; યોહાન ૧૧:૪૭, ૪૮; ૧૨:૪૨, ૪૩) તેમ છતાં, હેબ્રી શાસ્ત્રવચનોમાં આ બે પ્રભાવશાળી જૂથોનો કંઈ પણ ઉલ્લેખ જોવા મળતો નથી.

સૌ પ્રથમ જોસેફસ સાદુકીઓ અને ફરોશીઓનો ઉલ્લેખ બીજી સદી બી.સી.ઈ. દરમિયાન કરે છે. એ સમયમાં ઘણા યહુદીઓ હેલીનીસમ, એટલે કે ગ્રીક સંસ્કૃતિ અને ફિલસુફીમાં માનવા લાગ્યા હતા. પરંતુ સલુકસ શાસકોએ યરૂશાલેમના મંદિરમાં ઝૂસ દેવતાની સ્થાપના કરીને એને ભ્રષ્ટ કર્યું ત્યારે, યહુદી ધર્મ અને ગ્રીક લોકો વચ્ચે દુશ્મનીનો પાર ન રહ્યો. છેવટે, યહુદીઓનો એક બળવાન આગેવાન યહુદા મક્કાબી આગળ આવ્યો, જે હેસમોનીઓના કુળમાંથી આવતો હતો. તેણે યહુદીઓનું સુસંગઠિત દળ બનાવીને ગ્રીક લોકો વિરુદ્ધ બળવો પોકાર્યો અને તેઓના કબજામાંથી મંદિર પાછું મેળવ્યું. *

મક્કાબીઓએ બળવો પોકાર્યો અને જીત મેળવી એના થોડા જ સમય પછી યહુદીઓમાં જૂથો પડવા લાગ્યા. દરેક જૂથો પોતાની માન્યતામાં ચઢિયાતા બનવાનો અને પોતાના પક્ષે વધારેને વધારે યહુદીઓને ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ, એવું શા માટે બન્યું? શા માટે યહુદી ધર્મમાં ભાગલાઓ પડ્યા? આ પ્રશ્નોનો જવાબ મેળવવા, ચાલો આપણે હેસમોનીઓનો ઇતિહાસ તપાસીએ.

સ્વતંત્રતા વધી તેમ એકતા ઘટી

યહોવાહના મંદિરમાં ફરીથી સાચી ઉપાસના શરૂ કરવાનો ધાર્મિક ધ્યેય પૂરો કર્યા પછી, યહુદા મક્કાબી રાજકારણમાં જોડાયો. તેથી, ઘણા યહુદીઓએ તેને અનુસરવાનું છોડી દીધું. તોપણ, યહુદાએ સલુકસની સત્તા વિરુદ્ધ લડાઈ ચાલુ રાખી. પછીથી તેણે રોમ સાથે સંધિ કરીને સ્વતંત્ર યહુદી રાજ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. યહુદા લડાઈમાં માર્યો ગયો પછી તેના નાના ભાઈ યોનાથાન તથા મોટા ભાઈ સિમોને લડાઈ ચાલુ જ રાખી. શરૂઆતમાં તો સલુકસ શાસકોએ મક્કાબીઓનો સખત વિરોધ કર્યો હતો. પરંતુ સમય જતાં, શાસકોએ રાજકીય રીતે સમાધાન કર્યું અને હેસમોની ભાઈઓને અમુક પ્રમાણમાં રાજ કરવા આપ્યું.

હેસમોનીઓ યાજક વંશના હતા છતાં, તેઓમાંથી કોઈએ પણ મુખ્ય યાજક તરીકે સેવા આપી ન હતી. ઘણા યહુદીઓ એમ માનતા હતા કે મુખ્ય યાજકની જગ્યા સાદોકના વંશજોમાંથી કોઈએ લેવી જોઈએ, કેમ કે સુલેમાને તેમને મુખ્ય યાજક તરીકે નિયુક્ત કર્યા હતા. (૧ રાજા ૨:૩૫; હઝકીએલ ૪૩:૧૯) પરંતુ યોનાથાને મુખ્ય યાજક પદ મેળવવા યુદ્ધ કરીને અને રાજનીતિનો ખેલ રમીને સલુકસ શાસકોનું મન જીતી લીધું હતું. યોનાથાનના મૃત્યુ પછી તેના ભાઈ સિમોને તેનાથી પણ વધારે પ્રાપ્ત કર્યું. સપ્ટેમ્બર ૧૪૦ બી.સી.ઈ.માં યરૂશાલેમમાં એક ખાસ નિયમ બહાર પાડવામાં આવ્યો, જેને ગ્રીક ભાષામાં કાંસાની સીલા પાટી પર લખવામાં આવ્યો હતો: “રાજા દેમેત્રિયસે [ગ્રીક સલુકસ શાસક] તેને [સિમોનને] વડાપુરોહિતપદે [મુખ્ય યાજકપદ] બહાલ કર્યો, રાજમિત્રોમાં સ્થાન આપ્યું અને તેનું ભારે સન્માન કર્યું, . . . યહૂદીઓએ અને તેમના પુરોહિતોએ [યાજકોએ] એમ નક્કી કર્યું છે કે, જ્યાં સુધી કોઈ વિશ્વાસપાત્ર નબી ન ઉદય પામે ત્યાં સુધી સિમોન કાયમ માટે તેમનો આગેવાન અને વડો પુરોહિત રહે; તે જ તેમનો સેનાપતિ થાય.”—૧ મક્કાબીઓ ૧૪:૩૮-૪૧; સંપૂર્ણ બાઇબલ.

આમ, પરદેશી સલુકી શાસકોએ સિમોન અને તેના વંશજોને મુખ્ય યાજક તરીકેની પદવી આપી એટલું જ નહિ, પરંતુ તેના પોતાના લોકોની “મોટી સભાએ” પણ મંજૂરી આપી હતી. આ રીતે, હેસમોનીઓના ઇતિહાસમાં એક મહત્ત્વનો ફેરફાર આવ્યો. ઇતિહાસકાર ઈમીલ શુઅરે પોતાના પુસ્તકમાં લખ્યું કે, એક વખત હેસમોનીઓએ પોતાની સત્તા મેળવી લીધી પછી, “તેઓની મુખ્ય ચિંતા તોરાહને [યહુદી નિયમો] અનુસરવાની ન હતી, પરંતુ ફક્ત પોતાની સત્તા જાળવી રાખવાની અને એમાં વધારો કરવાની હતી.” તેમ છતાં, યહુદીઓની લાગણીઓ ન ઘવાય એ ધ્યાનમાં રાખીને સિમોન પોતાને “રાજા” નહિ પણ “લોકોનો નેતા” તરીકે ઓળખાવતો હતો.

પરંતુ હેસમોનીઓએ જે રીતે અન્યાયથી રાજનીતિ અને ધર્મની પદવી પડાવી લીધી હતી એનાથી કંઈ બધા જ ખુશ ન હતા. ઘણા ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ સમયમાં કુમરાન નામનો સમાજ ઊભો થયો. એવું માનવામાં આવે છે કે, કુમરાનનાં લખાણોમાં સાદોક વંશના એક યાજકનો “ન્યાયી શિક્ષક” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ કદાચ આજ હોય શકે. તે યરૂશાલેમ છોડી અને મૃત સમુદ્ર પાર કરીને યહુદાહના રણમાં એક વિરોધી જૂથને લઈ ગયો. મૃત સમુદ્રમાંથી મળી આવેલા એક વીંટામાં, હબાક્કૂકના પુસ્તક પરની ચર્ચામાં એક દુષ્ટ યાજકની નિંદા કરવામાં આવી છે. “એ દુષ્ટ યાજક જે શરૂઆતમાં સત્યના નામે ઓળખાતો હતો, પરંતુ જ્યારે તેણે ઈસ્રાએલ પર રાજ કર્યું ત્યારે તે અહંકારી થયો.” ઘણા વિદ્વાનો માને છે કે આ પંથના ‘દુષ્ટ યાજકનું’ વર્ણન યોનાથાન કે સિમોનનું જ હોવું જોઈએ.

આમ, સિમોને પોતાનો વિસ્તાર વધારવા માટે લશ્કરી ઝુંબેશ ચાલુ રાખી. તેમ છતાં, સિમોનના શાસનનો અચાનક અંત આવી ગયો. તે પોતાના બે પુત્રો સાથે યરીખો નજીક એક ઉજાણીનો આનંદ માણી રહ્યો હતો ત્યારે, તેના જમાઈ તોલમીએ તેને અને તેના પુત્રોને મારી નાખ્યા. પરંતુ સત્તા પચાવી પાડવાનો તેનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો. સિમોનના ત્રીજા પુત્ર યોહાન હાઈરકાનસને પહેલેથી જ ચેતવી દેવામાં આવ્યો હતો કે તેનું ખૂન કરવામાં આવશે. તેથી, તેણે જેઓ પર શક હતો તેઓ સર્વને બંદીવાન બનાવી લીધા. પછી તે પોતાના પિતાની જગ્યાએ મુખ્ય યાજક અને શાસક બન્યો.

જુલમી રાજ્યનો ફેલાવો

શરૂઆતમાં, યોહાન હાઈરકાનસને સિરીયાના લશ્કર તરફથી ઘણો ખતરો હતો. પરંતુ, ૧૨૯ બી.સી.ઈ.માં સલુકસ સામ્રાજ્ય પારથીઓ સામે મહત્ત્વના યુદ્ધમાં હારી ગયું. એનાથી સલુકસના લોકો પર જે અસર થઈ એ વિષે યહુદી ઇતિહાસકાર મેનાહેમ સ્ટર્ને લખ્યું: “રાજ્યની બધી જ વ્યવસ્થા પડી ભાંગી.” તેથી, હાઈરકાનસ “આખા યહુદાને સ્વતંત્રતા અપાવી શક્યો અને તેણે પોતાના સામ્રાજ્યને ચારેબાજુ ફેલાવવાનું શરૂ કર્યું.” ખરેખર, તે પોતાનું સામ્રાજ્ય ફેલાવતો જ રહ્યો.

હવે હાઈરકાનસને સિરીયાથી કોઈ ભય ન હતો. તેથી તેણે યહુદાના બહારના વિસ્તારો પર ચઢાઈ કરીને પોતાનો કબજો જમાવ્યો. ત્યાંના રહેવાસીઓ પર દબાણ કરવામાં આવ્યું કે તેઓ યહુદી ધર્મ નહિ અપનાવે તો તેઓના શહેરનો વિનાશ કરવામાં આવશે. આવી જ એક ચળવળ અદોમીઓ (અદોમના લોકો) વિરુદ્ધ કરવામાં આવી હતી. એ વિષે સ્ટર્ને લખ્યું: “જે રીતે અદોમના લોકોનું ધર્માંતર કરવામાં આવ્યું એવું પહેલાં ક્યારેય થયું નથી, કેમ કે એમાં ફક્ત અમુક લોકોનું જ નહિ પરંતુ આખી જાતિનું ધર્માંતર કરવામાં આવ્યું હતું.” એમાંના બીજા વિસ્તારોમાં સમરૂનનો પણ સમાવેશ થતો હતો. ત્યાં હાઈરકાનસે ગેરીઝીમ પર્વત પર આવેલા સમરૂનીઓના મંદિરનો પણ વિનાશ કર્યો. હેસમોનીઓનું સામ્રાજ્ય બળજબરીથી લોકોનો ધર્મ બદલાવી રહ્યું હતું એના વિષે ઇતિહાસકાર સોલોમોન ગ્રેઝલે આમ લખ્યું: “મત્તાથિયાના [યહુદા મક્કાબીના પિતા] પૌત્રએ પોતે ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ કર્યો, જેનું આગળની પેઢીએ ખૂબ રક્ષણ કર્યું હતું.”

ફરોસીઓ અને સાદુકીઓનો જન્મ

હાઈરકાનસના સામ્રાજ્ય વિષે લખતી વખતે જોસેફસે પ્રથમ એ બતાવ્યું કે ફરોશીઓ અને સાદુકીઓએ કઈ રીતે લોકો પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. (યોનાથાનના સમયમાં ફરોશીઓ હતા એના વિષે જોસેફસે ઉલ્લેખ કર્યો હતો.) પરંતુ, એ ફરોશીઓ ક્યાંથી આવ્યા હતા એ વિષે તે કંઈ જણાવતા નથી. અમુક ઇતિહાસકારો માને છે કે તેઓ હસિદીઓના સમુહમાંથી આવેલા છે. તેઓ ધર્મચુસ્ત પંથના એક ભાગ હતા જેઓએ યહુદા મક્કાબીને પોતાનો ધાર્મિક ધ્યેય પૂરો કરવામાં સાથ આપ્યો હતો. પરંતુ યહુદા મક્કાબી રાજકારણ તરફ ફર્યો ત્યારે, તેઓએ તેને સાથ આપવાનું છોડી દીધું.

ખાસ કરીને ફરોશીનો અર્થ મૂળ હેબ્રીમાં “અલગ લોકો” થાય છે, તેમ છતાં કેટલાક લોકો માને છે કે આ શબ્દ “દુભાષિયા” સાથે જોડાએલો છે. ફરોશીઓ સામાન્ય લોકોમાંથી આવેલા વિદ્વાનો હતા, તેઓ કોઈ ખાસ વંશમાંથી આવ્યા ન હતા. ખાસ કરીને તેઓ અશુદ્ધતાથી દૂર રહીને શુદ્ધતાના દરેક નિયમો પાળતા હતા. મંદિરમાં યાજકોને શુદ્ધ રહેવા માટે જે નિયમો આપવામાં આવ્યા હતા એને તેઓ રોજિંદા જીવનમાં લાગુ પાડતા હતા. પછી ફરોશીઓએ શાસ્ત્રવચનોને સમજાવવા માટે એનું એક નવી રીતે અર્થઘટન કર્યું, જે પાછળથી મૌખિક નિયમ તરીકે જાણીતું થયું. સિમોનના શાસનમાં અમુક ફરોશીઓને જ્યારે યેરોસીઆની એટલે કે (વડીલોની સમિતિ)માં નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે, તેઓ લોકો પર વધારે હક્ક જમાવવા લાગ્યા અને એ સમિતિ પછીથી સેન્હેડ્રિન તરીકે જાણીતી થઈ.

જોસેફસ બતાવે છે કે યોહાન હાઈરકાનસ પહેલાં ફરોશીઓનો વિદ્યાર્થી અને તેઓને ટેકો આપનાર હતો. પરંતુ અમુક સમય પછી ફરોશીઓએ તેને મુખ્ય યાજકપદ ન છોડવા બદલ ઠપકો આપ્યો. એ કારણથી મોટા મોટા ફેરફારો આવ્યા. હાઈરકાનસે ફરોશીઓના ધાર્મિક નિયમો પર પાબંદી લગાવી દીધી. એ ઉપરાંત તેઓને પાઠ ભણાવવા તેણે ફરોશીઓના ધાર્મિક દુશ્મનો એટલે કે સાદુકીઓનો પક્ષ લીધો.

સાદુકીઓનું નામ અને મુખ્ય યાજક સાદોક વચ્ચે કદાચ કંઈક સંબંધ હોઈ શકે. કેમ કે સુલેમાનના સમયથી સાદોકના વંશજો યાજક તરીકે સેવા આપી રહ્યા હતા. તેમ છતાં, સર્વ સાદુકીઓ આ વંશના ન હતા. જોસફસના કહ્યા પ્રમાણે સાદુકીઓ દેશના અમીર અને ઉચ્ચ ખાનદાનમાંથી આવતા હતા. તેઓને લોકો તરફથી કોઈ ટેકો ન હતો. પ્રોફેસર સ્ચીફમન કહે છે: “તેઓમાંના ઘણા . . . યાજકો હતા અથવા તો યાજકોનાં કુટુંબોમાં તેઓએ લગ્‍ન કર્યાં હતા.” તેઓ સત્તાવાળાઓ સાથે લાંબા સમયથી ગાઢ સંબંધ રાખતા હતા. તેથી, સામાન્ય લોકોના જીવન પર ફરોશીઓનો પ્રભાવ પડવા લાગ્યો અને તેઓએ એવું શિક્ષણ શરૂ કર્યું કે સર્વ લોકોએ યાજકો જેવી શુદ્ધતા રાખવી જ જોઈએ ત્યારે, સાદુકીઓનું શાસન ખતરામાં આવી ગયું. પરંતુ, છેવટે હાઈરકાનસના શાસનના છેલ્લાં વર્ષોમાં સાદુકીઓએ ફરીથી સત્તા મેળવી લીધી.

રાજકારણની ચડતી—ધર્મની પડતી

હાઈરકાનસનો મોટો દીકરો, એરીસ્ટોબ્યુલસ ફક્ત એક વર્ષ રાજ કરીને મરણ પામ્યો. તેણે ઈતુરિયાના લોકોનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવડાવ્યું અને ઉત્તર ગાલિલને હેસમોનીઓના કબજામાં લાવ્યો. પરંતુ, તેના ભાઈ એલેક્ષાંડર જનાસ ૧૦૩-૭૬ બી.સી.ઈ. સુધી રાજ કર્યું ત્યારે હેસમોનીઓનું સામ્રાજ્ય એના શિખરે હતું.

એલેક્ષાંડર જનાસે સર્વ જૂના નિયમોને તોડી નાખ્યા અને પોતાને મુખ્ય યાજક તથા રાજા તરીકે જાહેર કર્યો. એનાથી હેસમોનીઓ અને ફરોશીઓ વચ્ચે દુશ્મની ઊભી થઈ હોવાથી અંદરોઅંદર લડાઈ ફાટી નીકળી જેમાં ૫૦,૦૦૦ યહુદીઓ માર્યા ગયા. લડાઈ શમી ગયા પછી, જેનસે ૮૦૦ વિદ્રોહીઓને શૂળીએ ચઢાવી દીધા. આ એવું કૃત્ય હતું જે સામાન્ય રીતે બિનયહુદી રાજાઓ કરતા હતા. આ વિદ્રોહીઓ છેલ્લી ઘડીઓ ગણી રહ્યા હતા ત્યારે, તેઓની સામે તેઓની પત્નીઓ અને બાળકોની કતલ કરવામાં આવી હતી. એ સમયે જનાસ પોતાની ઉપપત્નીઓ સાથે મોજ માણી રહ્યો હતો. *

ફરોશીઓ જોડે દુશ્મની હોવા છતાં, જનાસ રાજકારણના દાવ રમવામાં હોંશિયાર હતો. તેણે જોયું કે વધારે લોકો ફરોશીઓને સાથ આપી રહ્યા છે. તેથી, તે મરણપથારીએ હતો ત્યારે તેની પત્ની, સોલોમી એલેક્ષાંડરને ફરોશીઓ સાથે હાથ મિલાવવાની સલાહ આપી. જનાસે પોતાના પુત્રોને બદલે પોતાની પત્નીને રાજ સોંપ્યું. તેની પત્ની રાજનીતિમાં કુશળ હતી. તેથી આખા દેશમાં, એટલે કે હેસમોનીઅન સામ્રાજ્યમાં (૭૬-૬૭ બી.સી.ઈ.) શાંતિ હતી. આમ ફરોશીઓને તેઓનો અધિકાર પાછો મળી ગયો અને તેઓના ધાર્મિક નિયમો પર લગાવેલી પાબંદી હટાવી દેવામાં આવી.

સોલોમીના મરણ પછી તેના પુત્રો, હાઈરકાનસ બીજો, જેણે મુખ્ય યાજક તરીકે સેવા આપી હતી અને એરીસ્ટોબ્યુલસ બીજો સત્તા મેળવવા હરીફાઈમાં ઊતર્યા. તેઓ બંનેમાં તેઓના બાપદાદા જેવી રાજનૈતિક અને લશ્કરી આવડત ન હતી. એમ લાગે છે કે તેઓ એ સમજ્યા ન હતા કે સલુકી શાસનના પતન પછી તેઓના વિસ્તારમાં રોમનું વર્ચસ્વ વધી રહ્યું હતું. રોમનો શાસક પોમ્પી, ૬૩ બી.સી.ઈ.માં દમસ્કમાં હતો ત્યારે બંને ભાઈઓ પોતાનો ઝગડો હલ કરવા તેમની પાસે મદદ લેવા ગયા. પછી એ જ વર્ષે પોમ્પીએ પોતાના લશ્કર સાથે યરૂશાલેમ પર ચઢાઈ કરી અને એનો કબજો મેળવ્યો. એનાથી હેસમોનીઅન રાજ્યના છેલ્લા દિવસો શરૂ થઈ ગયા. વર્ષ ૩૭ બી.સી.ઈ.માં અદોમીઓનો રાજા હેરોદ મહાન યરૂશાલેમ પર રાજ કરવા લાગ્યો, જેને રોમની સેનેટે “યહુદાના રાજા” અને “રૂમી લોકોના સહાયકારી તથા મિત્ર” તરીકે મંજૂરી આપી હતી. પછીથી, હેસમોનીઅન રાજ્યનો અંત આવી ગયો હતો.

હેસમોનીઓનો વારસો

યહુદા મક્કાબીથી લઈને એરીસ્ટોબ્યુલસ બીજા સુધી હેસમોનીઓનું રાજ ચાલ્યું તેમ, યહુદી ધર્મમાં ભાગલા પડવાની શરૂઆત થઈ અને ઈસુ પૃથ્વી પર હતા ત્યારે પણ એ જોવા મળતા હતા. શરૂઆતમાં હેસમોનીઓ પરમેશ્વરની ઉપાસનામાં ઘણા ઉત્સાહી હતા, પરંતુ પાછળથી તેઓ સ્વાર્થી બન્યા અને લોકો પર જુલમ કરવા લાગ્યા તેમ, તેઓનો ઉત્સાહ ઠંડો પડી ગયો. તેઓના યાજકો પાસે તક હતી કે પરમેશ્વરના નિયમોનું પાલન કરવા લોકોને એક કરે. પરંતુ, એના બદલે તેઓ દેશને રાજનીતિની લડાઈઓમાં દોરી ગયા. આવી પરિસ્થિતિમાં ઘણા અલગ અલગ જૂથો ઊભા થયા. પછી હેસમોનીઓ તો રહ્યા નહિ, પરંતુ સાદુકીઓ, ફરોશીઓ તથા બીજા પંથના લોકો વચ્ચે ધર્મને લઈને અંદરોઅંદર સંઘર્ષ ચાલતો રહ્યો, જે હવે હેરોદ અને રોમના રાજા હેઠળ યહુદી લોકોની એક ઓળખ બની ગઈ હતી.

[ફુટનોટ્‌સ]

^ નવેમ્બર ૧૫, ૧૯૯૮ના ચોકીબુરજમાં, “મક્કાબીઓ કોણ હતા?” લેખ જુઓ.

^ મૃત સરોવર પાસે મળેલા વીંટા, “નાહુમ પર ટીકામાં” “ક્રોધિત સિંહનો” ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેણે “માણસોને ફાંસી પર ચઢાવ્યા હતા.” આ કદાચ ઉપર બતાવેલા બનાવોને જ ચિત્રિત કરે છે.

[પાન ૩૦ પર ચાર્ટ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

હેસમોનીઅન સામ્રાજ્ય

યહુદા મક્કાબી યોનાથાન મક્કાબી સિમોન મક્કાબી

યોહાન હાઈરકાનસ

↓ ↓

સોલોમી એલેક્ષાંડર—નો પતિ—એલેક્ષાંડર જનાસ એરીસ્ટોબ્યુલસ

↓ ↓

હાઇરકાનસ બીજો એરીસ્ટોબ્યુલસ બીજો

[પાન ૨૭ પર ચિત્ર]

યહુદા મક્કાબી યહુદીઓને સ્વતંત્રતા આપવા ઇચ્છતો હતો

[ક્રેડીટ લાઈન]

The Doré Bible Illustrations/Dover Publications, Inc.

[પાન ૨૯ પર ચિત્ર]

હેસમોનીઓએ બિનયહુદી શહેરો પર કબજો જમાવવાની કોશિશ કરી

[ક્રેડીટ લાઈન]

The Doré Bible Illustrations/Dover Publications, Inc.