સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનોને સમયસરનાં સૂચનોથી મદદ કરવી

યુવાનોને સમયસરનાં સૂચનોથી મદદ કરવી

સંપૂર્ણ થઈને દૃઢ રહો

યુવાનોને સમયસરનાં સૂચનોથી મદદ કરવી

પ્રથમ સદીના ખ્રિસ્તી એપાફ્રાસ રોમમાં ગયા હતા. તેમ છતાં, તે એશિયા માયનોરના કોલોસી શહેર વિષે વિચાર્યા કરતા હતા. એની પાછળ એક કારણ પણ હતું. તેમણે ત્યાં પ્રચાર કર્યો હતો અને કોલોસીમાંના ઘણા રહેવાસીઓને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરી હતી. (કોલોસી ૧:૭) એપાફ્રાસ કોલોસીમાંના ભાઈઓ વિષે ઘણા ચિંતિત હતા, એ આપણે પાઊલે રોમમાંથી તેઓને લખેલા પત્રમાંથી જોઈ શકીએ છીએ. તેમણે લખ્યું: ‘એપાફ્રાસ હંમેશાં તમારે સારૂ આગ્રહથી પ્રાર્થના કરે છે, કે દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો.’—કોલોસી ૪:૧૨.

એવી જ રીતે, વર્તમાન સમયના ખ્રિસ્તી માબાપો પોતાનાં બાળકોના આત્મિક હિત માટે અવારનવાર પ્રાર્થના કરે છે. આ માબાપો પોતાનાં બાળકોનાં હૃદયમાં પરમેશ્વર માટેનો પ્રેમ ઠસાવવાનો પ્રયત્ન કરે છે જેથી તેઓ સત્યમાં દૃઢ રહે.

ઘણા ખ્રિસ્તી યુવાનોએ શાળામાં અને બીજી જગ્યાઓએ સામનો કરવી પડતી મુશ્કેલીઓ માટે મદદ માંગી છે. એક પંદર વર્ષની છોકરીએ કહ્યું: “અમારી સમસ્યાઓ દિવસે દિવસે વધારે ગંભીર થતી જાય છે. જીવન ઘણું ભયજનક બની ગયું છે. અમને મદદની જરૂર છે!” શું આવા યુવાનોની વિનંતી અને પરમેશ્વરનો ભય રાખનારા માબાપોની પ્રાર્થનાનો જવાબ આપવામાં આવ્યો છે? હા! “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા બાઇબલ આધારિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. (માત્થી ૨૪:૪૫) આ લેખમાં કેટલાક સાહિત્ય વિષે બતાવવામાં આવ્યું છે કે જેણે હજારોને હજારો યુવાનોને ‘પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહેવા’ મદદ કરી છે. ચાલો આપણે આમાંના થોડાં પ્રકાશનોનો વિચાર કરીએ.

“જુઓ! . . . ૧૫,૦૦૦ નવા સાક્ષીઓ!”

યહોવાહના સાક્ષીઓએ સેંટ લુઇસ, મિઝૂરી ખાતે ઑગષ્ટ, ૧૯૪૧માં યોજેલા એક વિશાળ મહાસંમેલનમાં ૧,૧૫,૦૦૦ લોકો ભેગા થયા હતા. એ મહાસંમેલનનો છેલ્લો દિવસ, “બાળકોનો દિવસ” હતો. પ્લૅટફૉર્મ નજીક બેઠેલા કંઈક ૧૫,૦૦૦ બાળકો, “રાજાના બાળકો” વિષય પર ભાષણ આપતા જોસેફ એફ. રધરફર્ડને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ભાષણના અંતે ૭૧ વર્ષના રધરફર્ડે પિતા જેવા અવાજમાં કહ્યું:

‘સર્વ બાળકો, જેમણે પરમેશ્વર અને તેમના રાજાને આધીન રહેવાનું નક્કી કર્યું હોય એ સર્વ કૃપા કરીને ઊભા થાવ.’ બધાં બાળકો એક સાથે ઊભા થયા. ભાઈ રધરફર્ડે કહ્યું, “જુઓ, ૧૫,૦૦૦ કરતાં વધારે રાજ્યના નવા સાક્ષીઓ!” અને જોરદાર તાળીઓનો ગડગડાટ થયો. પછી વક્તાએ કહ્યું, “તમે સર્વ પરમેશ્વરના રાજ્ય વિષે બીજાને જણાવવા તમારાથી બનતું બધું કરવા તૈયાર હોવ તો, કૃપા કરીને ‘હા’ કહો.” બાળકોએ મોટા અવાજે કહ્યું, “હા!” ત્યાર પછી તેમણે નવું અંગ્રેજી પુસ્તક, બાળકો પ્રકાશિત કર્યું કે જે તાળીઓના લાંબા ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું.

આ ઉત્તેજન આપનાર ભાષણ પછી, બાળકો લાંબી કતારમાં વારાફરતી પ્લૅટફૉર્મ પર ગયા કે જ્યાં ભાઈ રધરફર્ડ તેઓને આ નવા પુસ્તકની એક પ્રત ભેટ આપી રહ્યા હતા. એ દૃશ્ય જોઈને શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા. એ બનાવને નજરે જોનાર એક ભાઈએ કહ્યું: “બાળકોને યહોવાહ પરમેશ્વરમાં પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો [બતાવતાં] જોઈને ફક્ત પથ્થરદિલ વ્યક્તિઓની જ આંખમાં આંસુ આવ્યા નહિ હોય.”

એ યાદગાર મહાસંમેલનમાં ૧,૩૦૦ યુવાન લોકોએ યહોવાહને પોતાનું સમર્પણ કરીને પાણીનું બાપ્તિસ્મા લીધું. એમાંના ઘણા તો આજ સુધી પોતાના વિશ્વાસમાં દૃઢ રહ્યા છે. તેઓ સ્થાનિક મંડળોમાં, બેથેલમાં સ્વયંસેવકો તરીકે કે પરદેશમાં મિશનરિ તરીકે સેવા કરે છે. ખરેખર, એ ‘બાળકોના દિવસે’ અને બાળકો (અંગ્રેજી) પુસ્તકે ઘણા યુવાનોના હૃદય પર ઊંડી અસર કરી!

“એ સમયસરના હતાં”

યહોવાહના સાક્ષીઓએ ૧૯૭૦ના દાયકામાં બીજા ત્રણ પુસ્તકો પ્રકાશિત કર્યા કે જેણે લાખો યુવાનોના હૃદય પર અસર કરી. એ પુસ્તકો મહાન શિક્ષકને સાંભળવા (અંગ્રેજી), તમારી યુવાનીનો ભરપૂર આનંદ માણો (અંગ્રેજી) અને બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક હતા. સજાગ બનો! સામયિકમાં ૧૯૮૨થી “યુવાન લોકો પૂછે છે . . . ” શ્રેણીની શરૂઆત થઈ. એ લેખો યુવાન અને વૃદ્ધોના હૃદયને સ્પર્શી ગયા છે. એક ૧૪ વર્ષના કિશોરે કહ્યું, “એ લેખો બહાર પાડવા માટે હું દરરોજ રાત્રે દેવનો આભાર માનું છું.” એક તેર વર્ષની છોકરીએ કહ્યું, “મને એ લેખો ગમે છે, એ યોગ્ય સમયે જ આવ્યા હોય એવું લાગે છે.” માબાપો અને ખ્રિસ્તી વડીલો સહમત થાય છે કે આ લેખો સમયસરના અને લાભદાયી છે.

સજાગ બનો!માં ૧૯૮૯ સુધીમાં તો કંઈક ૨૦૦ “યુવાન લોકો પૂછે છે . . . ” લેખ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એ વર્ષના “દૈવી ભક્તિભાવ” મહાસંમેલનમાં પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. શું આ પુસ્તકે યુવાનોને વિશ્વાસમાં દૃઢ રહેવા મદદ કરી? ત્રણ યુવાનોએ લખ્યું: “આ પુસ્તકે અમને અમારી સમસ્યાઓ સમજવા અને એને કઈ રીતે હલ કરવી એ જાણવામાં અદ્‍ભુત મદદ કરી છે. અમારા ભલામાં રસ લેવા બદલ તમારો ખૂબ આભાર.” આખા જગતના અસંખ્ય યુવાન વાચકો તેઓ સાથે સહમત થાય છે.

“એણે અમારી ભૂખ સંતોષી”

યુવાનોને સમયસરની સલાહ મળે માટે, યહોવાહના સાક્ષીઓએ ૧૯૯૯માં યુવાનો માટે યુવાનો પૂછે છે—હું કઈ રીતે સાચા મિત્રો બનાવી શકું? (અંગ્રેજી) વીડિયો કૅસેટ બહાર પાડી. એનો ઉત્સાહી પ્રત્યુત્તર મળ્યો. એક ૧૪ વર્ષની છોકરીએ કહ્યું, “આ વીડિયોએ મારા હૃદયને ઊંડી અસર કરી છે. એક એકલવાયી માતાએ કહ્યું, “આ વીડિયો અમારા આત્મિક ખોરાકનો નિયમિત ભાગ રહેશે.” એક સ્ત્રીએ કહ્યું, “એ જાણવું ખરેખર ઉત્તેજન આપનારું છે કે આપણા સૌથી ગાઢ મિત્ર યહોવાહ, તેમના જગતવ્યાપી સંગઠનમાં યુવાનોને સાચે જ પ્રેમ કરે છે અને તેઓની કાળજી રાખે છે.”

આ વીડિયોએ કઈ બાબત સિદ્ધ કરી છે? યુવાન લોકો કહે છે: “એણે મને બીજા સાથે સંગત રાખવામાં સાવધ રહેવા મદદ કરી છે, મંડળમાં વધારે મિત્રો કરવા અને યહોવાહને મારા મિત્ર બનાવવા મદદ કરી છે.” “એણે મને મારા મિત્રો સામે મારું સ્થાન લેવા મદદ કરી છે.” “એણે મને યહોવાહની સેવામાં દૃઢ રહેવાના મારા નિર્ણયમાં મક્કમ રહેવા મદદ કરી છે.” એક પરિણીત યુગલે લખ્યું: “અમને આ ‘ખોરાક’ પૂરો પાડવા બદલ તમારો ઘણો આભાર. એણે ખરેખર અમારી ભૂખ સંતોષી છે.”

પરમેશ્વરે આપેલા કાર્યમાં વિશ્વાસુ રહીને અભિષિક્ત “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ જેઓ સ્વીકારવા ઇચ્છે છે તેઓ માટે સમયસરનો ખોરાક પૂરો પાડ્યો છે. એ જોવું કેટલું આનંદ આપનારું છે કે આ પ્રકારના આત્મિક સૂચનો આજે પણ યુવાનોને મદદ કરી રહ્યાં છે જેથી તેઓ ‘દેવની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહે’!