સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહાસંમેલનો—આપણા આનંદી ભાઈચારાને દૃઢ કરે છે

મહાસંમેલનો—આપણા આનંદી ભાઈચારાને દૃઢ કરે છે

પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહો

મહાસંમેલનો—આપણા આનંદી ભાઈચારાને દૃઢ કરે છે

પચાસ વર્ષના ભાઈ જોસેફ એફ. રધરફર્ડને અન્યાયથી થયેલી એક વર્ષની જેલની સજા પછી, તેમની તબિયત સારી રહેતી ન હતી. તોપણ, ખ્રિસ્તી ભાઈબહેનોને હોટલમાં તેઓના રૂમ સુધી તે આનંદથી લઈ જતા હતા. તે ઉત્સાહથી ભાઈબહેનોની સૂટકેસોને ઊંચકી લઈને તેઓને હોટલના રૂમ સુધી પહોંચાડવા મદદ કરતા હતા. અગાઉના તેમના બે સાથી બાઇબલ વિદ્યાર્થીઓ, રૂમ મેળવવાની રાહ જોતા વિશાળ ટોળાને તેઓના રૂમની સ્લીપ આપતા હતા. આ કાર્ય અડધી રાત સુધી ચાલુ રહ્યું હતું. દરેક વ્યક્તિ એકબીજાને જોઈને ઉત્સાહમાં આવી ગઈ હતી. પરંતુ, એ કયો પ્રસંગ હતો?

એ ૧૯૧૯નું વર્ષ હતું અને બાઇબલ વિદ્યાર્થીઓ (આજે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાય છે) જુલમી સતાવણીમાંથી બહાર આવી રહ્યા હતા. તેઓએ પોતાના ભાઈચારાને મજબૂત બનાવવા માટે સપ્ટેમ્બર ૧થી ૮, ૧૯૧૯માં અમેરિકાના સીદાર પોઈન્ટ, ઓહાયોમાં મહાસંમેલન ભર્યું હતું. મહાસંમેલનના છેલ્લા દિવસે ભાઈ રધરફર્ડે ૭૦૦૦ શ્રોતાજનોને ઉત્તેજન આપતા નીચેના શબ્દો કહ્યા ત્યારે, તેઓ આનંદથી રોમાંચિત થઈ ઊઠ્યા: “તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુના રાજદૂત છો અને મહાન રાજ્યની . . . લોકોમાં જાહેરાત કરનારાઓ છો.”

યહોવાહના લોકો, પ્રાચીન ઈસ્રાએલના સમયથી મહાસંમેલનો યોજતાં આવ્યા છે. (નિર્ગમન ૨૩:૧૪-૧૭; લુક ૨:૪૧-૪૩) આવા મેળાવડા આનંદી પ્રસંગો હતા અને હાજર રહેનારા સર્વને પરમેશ્વરના શબ્દમાં તેઓનું મન પરોવવા મદદ કરતા હતા. એવી જ રીતે, આધુનિક સમયના યહોવાહના સાક્ષીઓના મહાસંમેલનોમાં પણ આત્મિકતા કેન્દ્રમાં છે. આવા આનંદી મેળાવડાઓ પ્રામાણિકતાથી અવલોકન કરનારાઓને સ્પષ્ટ પુરાવો આપે છે કે સાક્ષીઓ ખ્રિસ્તી ભાઈચારાના દૃઢ બંધનથી એક થયેલા છે.

મહાસંમેલનમાં હાજર રહેવા કરવામાં આવતા પ્રયત્નો

આધુનિક સમયના ખ્રિસ્તીઓ જાણે છે કે તેઓને મહાસંમેલનોમાંથી આત્મિક તાજગી અને પરમેશ્વરના શબ્દમાંથી સૂચનો મળે છે. ‘પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને દૃઢ રહેવામાં’ મદદ કરતા આ મહાસંમેલનોને તેઓ ખૂબ મહત્ત્વના ગણે છે. (કોલોસી ૪:૧૨) તેથી, સાક્ષીઓ આવા મેળાવડાઓને હૃદયપૂર્વક ટેકો આપે છે અને એમાં હાજર રહેવા પોતાનાથી બનતું બધું જ કરે છે.

કેટલાક લોકોને આવાં મહાસંમેલનોમાં જવા માટે, વિશ્વાસ બતાવવાની અને પહાડ જેવી મુસીબતોનો સામનો કરવાની જરૂર પડે છે. દાખલા તરીકે, ઑસ્ટ્રિયાના એક વૃદ્ધ બહેનનો વિચાર કરો. તેમને ડાયાબિટીસની બીમારી હતી અને દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો લેવા પડતા હતા. તોપણ, તેમણે પોતાના દેશના ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં બધા દિવસો હાજર રહેવા માટે વ્યવસ્થા કરી. ભારતમાં, અત્યંત ગરીબીમાં રહેતા સાક્ષીઓના એક મોટા કુટુંબને મહાસંમેલનમાં જવું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. પરંતુ, કુટુંબના એક સભ્યએ મદદ પૂરી પાડી. તે બહેન કહે છે, “મહાસંમેલનમાં જવાનું ચૂકી ન જઈએ માટે, મેં મારી સોનાની બુટ્ટીઓ વેચી દીધી. ભાઈબહેનોની સંગત અને અનુભવોથી અમારો વિશ્વાસ દૃઢ થયો હોવાથી આ બલિદાન યોગ્ય જ હતું.”

પાપુઆ ન્યૂ ગિનીમાં બાપ્તિસ્મા નહિ પામેલા કેટલાક રસ ધરાવતા લોકોએ પોતાના મુખ્ય શહેરમાં યોજાયેલા ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં જવાનો નિર્ણય કર્યો. તેઓએ પોતાના ગામમાં ટેક્સી ચલાવતા એક માણસને પૂછ્યું કે તે તેઓને મહાસંમેલનમાં લઈ જવા માટે કેટલા રૂપિયા લેશે. પરંતુ, તેઓ પાસે ભાડાના પૂરતા પૈસા ન હોવાથી, તેઓએ તે માણસના ઘરના રસોડાને ફરીથી બનાવવાની ગોઠવણ કરી. આમ, તેઓ ડિસ્ટ્રીક્ટ મહાસંમેલનમાં જઈ શક્યા અને આખા કાર્યક્રમમાંથી લાભ ઉઠાવ્યો.

યહોવાહના સાક્ષીઓ માટે, મહાસંમેલનમાં હાજર રહેવા લાંબા અંતરની મુસાફરી કરવી મુશ્કેલ તો છે પરંતુ અશક્ય નથી. વર્ષ ૧૯૭૮માં ફ્રાન્સના લીલેમાં યોજાયેલા મહાસંમેલનમાં હાજરી આપવા એક યુવાન ભાઈએ, સાઇકલ પર પોલૅન્ડથી છ દિવસ ૧,૨૦૦ કિલોમીટરની મુસાફરી કરી. વર્ષ ૧૯૯૭માં ઉનાળાના સમય દરમિયાન, ઇર્કુત્સ્ક, રશિયામાં યોજાયેલા મહાસંમેલનમાં જવા માટે એક યુગલે મૉંગોલિયાથી ૧,૨૦૦ કિલોમીટરની મુસાફરી કરી.

ભાઈચારો પ્રેમાળ કાર્યોથી ઓળખાઈ આવે છે

સાક્ષીઓને નિખાલસતાથી જોનારાઓને મહાસંમેલનમાં તેઓની એકતા અને ભાઈચારાનો પુરાવો જોવા મળે છે. ઘણા પ્રભાવિત થયા છે કે ત્યાં સંમેલનના પ્રતિનિધિઓ મધ્યે કોઈ પક્ષપાત જોવા મળતો નથી અને ત્યાં એકબીજાને પહેલી વાર મળનારાઓમાં પણ સાચો પ્રેમ જોવા મળે છે.

ઑસ્ટ્રેલિયામાં તાજેતરમાં થયેલા આંતરરાષ્ટ્રીય મહાસંમેલન દરમિયાન, સંમેલનના મુલાકાતી પ્રતિનિધિઓ સાથે એક ટુર ગાઈડ એક અઠવાડિયા માટે રહ્યો હતો. પરંતુ, તે તેઓ સાથે થોડું વધારે રહીને તેઓની સંગતનો આનંદ માણવા ઇચ્છતો હતો. તેઓમાંના મોટા ભાગના એકબીજાને ઓળખતા ન હતા તોપણ, તેઓ એકબીજા સાથે એટલા તો ભળી ગયા હતા કે ટુર ગાઈડ માની જ શકતો ન હતો. તેઓ મધ્યે પ્રેમ અને એકતા જોઈને તે ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો. તેથી, જ્યારે તેનો બધાથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે, તેણે ભાઈઓને પોતાના તરફ ધ્યાન આપવા કહ્યું. તેણે “ભાઈઓ અને બહેનો” તરીકે સંબોધીને આભાર માનવાનું શરૂ કર્યું. પરંતુ, તે આગળ કંઈ ન બોલી શક્યો, કેમ કે તેનું ગળું ભરાઈ આવ્યું અને તેની આંખોમાં આંસુ ધસી આવ્યા.

વર્ષ ૧૯૯૭માં શ્રીલંકામાં, પહેલી વાર મોટા સ્ટેડિયમમાં ત્રણ ભાષાઓમાં ડિસ્ટ્રીક્ટ મહાસંમેલન ભરવામાં આવ્યું. આખો કાર્યક્રમ એક સાથે અંગ્રેજી, સિંહાલી અને તામિલ ભાષામાં રજૂ કરવામાં આવ્યો હતો. જગતમાં જાતિય ભેદભાવ વધતો જતો હોવાથી, એક સાથે ત્રણ ભાષાઓમાં યોજાયેલો આ મોટો મેળાવડો ધ્યાન બહાર ગયો નહિ. એક પોલીસે એક ભાઈને પૂછ્યું: “આ સંમેલનને કઈ ભાષાના લોકો ચલાવી રહ્યા છે, તામિલ, સિંહાલી કે અંગ્રેજી?” ભાઈએ કહ્યું, “કોઈ એક જૂથ આ સંમેલનને ચલાવતું નથી, અમે બધા ભેગા મળીને ચલાવીએ છીએ.” પોલીસ એ વાતને માની જ ન શક્યો. પછી ત્રણેય ભાષાના લોકો છેલ્લી પ્રાર્થનામાં જોડાયા અને સ્ટેડિયમમાં દરેક જગ્યાએથી એક સાથે “આમીન” અવાજ સંભળાયો ત્યારે, આખું સ્ટેડિયમ એકદમ જ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. શ્રોતાઓમાં ભાગ્યે જ એવું કોઈ હશે જેની આંખોમાં આંસુ આવ્યા ન હોય. હા, મહાસંમેલનો સાચે જ આપણા આનંદી ભાઈચારાને દૃઢ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧. *

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક, યહોવાહના સાક્ષીઓ—પરમેશ્વરના રાજ્યને જાહેર કરનારા (અંગ્રેજી), પાન ૬૬-૬૭, ૨૫૪-૮૨ જુઓ.