સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા માટે સૌથી મૂલ્યવાન શું છે?

તમારા માટે સૌથી મૂલ્યવાન શું છે?

તમારા માટે સૌથી મૂલ્યવાન શું છે?

કંઈ પણ મૂલ્યવાન વસ્તુ મેળવવાથી આપણે બહુ ખુશ થઈએ છીએ. પરંતુ, એ શું હોય શકે? પુષ્કળ પૈસા? કીમતી દાગીના? નામના અને પ્રતિષ્ઠા? ઘણા લોકો આ બધી બાબતોને ખૂબ જ મૂલ્યવાન ગણે છે. આ બધી વસ્તુઓથી ભરણ-પોષણ થઈ શકે છે, જીવનને વધારે અર્થપૂર્ણ બનાવી શકે છે, આપણી મનની ઇચ્છાઓને સંતોષી શકે છે અથવા એનાથી કંઈક સિદ્ધિ પણ મેળવી શકીએ છીએ. પરંતુ, શું આપણે આપણા ધ્યેયો અને ભવિષ્યની ઇચ્છાઓને પૂરી કરવાની આશાથી આવી બાબતો મેળવવા મહેનત કરીએ છીએ?

સામાન્ય રીતે, લોકો પોતાની જરૂરિયાતોને અથવા ઇચ્છાઓને સંતોષી શકે એવી બાબતને મૂલ્યવાન ગણે છે. આપણે, પોતાને સુખ અને સલામત ભાવિની આશા આપતી બાબતને પસંદ કરીએ છીએ. આપણે એવી બાબતોને પણ મૂલ્યવાન ગણીએ છીએ કે જેનાથી તાત્કાલિક રાહત અને દિલાસો મળતો હોય. તોપણ, આપણી બદલાતી ઇચ્છાઓ અને રસના આધારે મૂલ્યવાન બાબતો નક્કી કરવી એ છીછરી અને અયોગ્ય છે. વાસ્તવમાં, આપણી સૌથી મોટી જરૂરિયાતને જાણીને આપણે એનું સાચું મૂલ્યાંકન કરવું જોઈએ.

આપણી સૌથી મોટી જરૂરિયાત કઈ છે? આપણું જીવન, એ સિવાય કંઈ પણ બાબત મૂલ્યવાન નથી. જીવન ન હોત તો, આપણું અસ્તિત્વ જ ન હોત. રાજા સુલેમાને લખ્યું: “મૂએલા કંઈ જાણતા નથી, . . . શેઓલમાં [માણસજાતની સામાન્ય કબરમાં] કંઇ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.” (સભાશિક્ષક ૯:૫, ૧૦) આપણે મરણ પામીએ છીએ ત્યારે, આપણી પાસે જે કંઈ છે એનો ત્યાગ કરવો પડે છે. તેથી, આપણા જીવનનું રક્ષણ કરી શકે એવી કોઈ મૂલ્યવાન વસ્તુ આપણા માટે સૌથી મહત્ત્વની છે. આપણા જીવનનું શેનાથી રક્ષણ થશે?

આપણા જીવનનું શેનાથી રક્ષણ થશે?

સુલેમાન રાજા જણાવે છે, “દ્રવ્ય આશ્રય છે.” (સભાશિક્ષક ૭:૧૨) પૂરતા પૈસાથી આપણે ખોરાક અને આરામદાયક ઘર મેળવી શકીએ છીએ. પૈસાથી આપણે દૂર દૂરનાં સ્થળોએ મુસાફરી કરવાનો આનંદ માણી શકીએ છીએ. વૃદ્ધાવસ્થા કે નબળાઈને કારણે આપણે કામ ન કરી શકતા હોય તો, પૈસા આપણી જરૂરિયાતો પણ પૂરી કરી શકે. પૈસા હોવાથી ઘણા લાભ થાય છે. તોપણ, પૈસા આપણા જીવનનું રક્ષણ કરી શકતા નથી. પ્રેષિત પાઊલે તીમોથીને સલાહ આપી: ‘ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ દેવ પર આશા રાખે.’ (૧ તીમોથી ૬:૧૭) આમ, જગતનું દ્રવ્ય આપણા માટે જીવન ખરીદી શકતું નથી.

હીતોશી નામના માણસનો વિચાર કરો. હીતોશી ગરીબ ઘરમાં ઊછર્યો હોવાથી, તે ધનવાન બનવાની તીવ્ર ઇચ્છા રાખતો હતો. તે પૈસાની શક્તિથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો કે તે એમ માનતો હતો કે પૈસાથી પ્રેમ અને વફાદારી પણ ખરીદી શકાય છે. ત્યાર પછી, એક દિવસ એક માણસ હીતોશીના ઘરે આવ્યો અને તેને પૂછ્યું કે ઈસુ ખ્રિસ્ત તેના માટે મરણ પામ્યા હતા એની તેને ખબર છે કે કેમ. આ સાંભળીને હીતોશીને જિજ્ઞાસા થઈ, કેમ કે તેને લાગતું હતું કે તેના જેવી વ્યક્તિ માટે કોણ મરણ પામે. પછી તેણે જાહેર વાર્તાલાપમાં હાજરી આપી કે જ્યાં ‘આંખ નિર્મળ રાખવાની’ સલાહ સાંભળીને તેને ખૂબ જ નવાઈ લાગી. વક્તાએ સમજાવ્યું હતું કે “નિર્મળ” આંખ ભવિષ્ય પણ જોઈ શકે છે અને આત્મિક બાબતો પર ધ્યાન આપે છે. (લુક ૧૧:૩૪) હીતોશીએ જીવનમાં પૈસા પાછળ ભાગવાને બદલે આત્મિક બાબતોને પ્રથમ સ્થાન આપવાનું શરૂ કર્યું.

ભૌતિક માલમિલકતથી પણ આપણે કંઈક અંશે સ્થિરતા અને સલામતી મેળવી શકીએ છીએ. અઢળક સંપત્તિ હોય તો, રોજિંદી જરૂરિયાતોની ચિંતામાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ. મનગમતા વિસ્તારમાં સુંદર ઘર હોવું, આપણે કંઈક પ્રાપ્ત કર્યું છે એવી લાગણી કરાવી શકે છે. ફૅશનેબલ કપડાં અને આધુનિક કારથી આપણે બીજાઓની પ્રશંસા મેળવી શકીએ છીએ.

‘મહેનતનું સુખ ભોગવવું’ એ એક આશીર્વાદ છે. (સભાશિક્ષક ૩:૧૩) ઘણી માલમિલકતને કારણે આપણા પ્રિયજનો ‘આરામ લઈ શકે છે અને ખાવા-પીવામાં તથા બીજી રીતોએ આનંદ’ કરી શકે છે. તેમ છતાં, ભૌતિક વસ્તુઓનું મૂલ્ય ક્ષણિક છે. ભૌતિકવાદથી દૂર રહેવાની ચેતવણી આપતા ઈસુ ખ્રિસ્તે કહ્યું: “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫-૨૧) હા, ગમે તેટલી માલમિલકત કેમ ન હોય પણ એ આપણા જીવનની બાંયધરી આપી શકતી નથી.

દાખલા તરીકે, લીઝે એક ધનવાન માણસ સાથે લગ્‍ન કર્યું હતું. તે જણાવે છે: “અમારી પાસે સુંદર ઘર અને બે કાર છે તથા અમારી પાસે એટલા પૈસા છે કે અમે જગતની બધી જ સુખ-સગવડોનો આનંદ માણી શકીએ છીએ. . . . તોપણ, તમને આશ્ચર્ય થશે કે હું પૈસાની જ ચિંતા કરું છું.” વધુમાં તે જણાવે છે: “અમારે ઘણું બધું ગુમાવવું પડશે. કેમ કે એમ લાગે છે કે જેટલું વધારે તમારી પાસે હોય છે એટલી જ ઓછી સલામતીનો તમે અનુભવ કરો છો.”

ઘણા લોકો નામના અને પ્રતિષ્ઠાને મૂલ્યવાન ગણે છે કેમ કે તેઓ એનાથી વાહવાહ અને માન મેળવી શકે છે. આજના જગતમાં સારી કારકિર્દી મેળવવાને સફળતા ગણવામાં આવે છે. અજોડ કુશળતા અને આવડતથી આપણે નામના મેળવી શકીએ છીએ. એનાથી, બીજાઓ આપણી પ્રશંસા કરી શકે, આપણા વિચારોને માન આપી શકે અને આપણી સાથે મિત્રતા કરવા પણ ઉત્સુક બની શકે. આ સર્વથી આપણને આનંદ અને સંતોષ મળી શકે. પરંતુ, છેવટે તો એ ધીમે ધીમે નાશ પામે છે. સુલેમાન પાસે ઘણો મહિમા અને સત્તા હતી, તોપણ તે વિલાપ કરતા કહે છે: “મૂર્ખના કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; . . . સર્વ ભવિષ્યકાળમાં વિસારે પડશે.” (સભાશિક્ષક ૨:૧૬) આમ, નામના અને કીર્તિ વ્યક્તિને જીવન આપી શકતી નથી.

શૅલો નામના શિલ્પકારે પ્રતિષ્ઠા કરતાં પણ વધારે મૂલ્યવાન બાબતની કદર કરી. તેમનામાં શિલ્પકામની કુદરતી આવડત હતી અને શાળાનું શિક્ષણ લઈને તે પોતાની કળામાં વધારે નિપુણ બન્યા. થોડા જ સમયમાં તેમણે રેડિયો, ટીવી, છાપા અને કળાની કદર કરનારાઓ પાસેથી પ્રતિષ્ઠા મેળવી. તેમની ઘણી શિલ્પકૃતિઓનું યુરોપનાં મુખ્ય શહેરોમાં પ્રદર્શન ભરવામાં આવ્યું. શૅલો જણાવે છે: “હું કબૂલું છું કે એક સમયે હું કળાને મારા જીવનમાં સૌથી વધારે મહત્ત્વ આપતો હતો. તેમ છતાં, મને ભાન થયું કે સતત કારકિર્દીની પાછળ પડવું એ બે ધણીની ચાકરી કરવા બરાબર છે. (માત્થી ૬:૨૪) મને ખાતરી થઈ કે હું કરી શકું એવું સૌથી મહત્ત્વનું કામ રાજ્યના સુસમાચારનો પ્રચાર છે. તેથી, મેં શિલ્પકાર તરીકેના મારા કામને છોડવાનો નિર્ણય લીધો.”

સૌથી મૂલ્યવાન શું છે?

જીવન સિવાય બીજું કંઈ પણ વધારે મૂલ્યવાન નથી. આથી, આપણે જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ શું આપણને જીવતા રહેવાની ખાતરી આપે છે? જીવનના ઉદ્‍ભવ યહોવાહ પરમેશ્વર છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) ખરેખર, “તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) પરમેશ્વર જેઓને ચાહે છે તેઓ માટે તેમણે અનંતજીવનની ભેટ રાખેલી છે. (રૂમી ૬:૨૩) આ ભેટને મેળવવા આપણે શું કરવું જોઈએ?

યહોવાહ પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખીને આપણે અનંતજીવનની ભેટ મેળવી શકીએ છીએ. તેથી, બીજી વસ્તુઓ મેળવવા કરતાં તેમની સાથે મિત્રતા કરવી સૌથી વધારે મૂલ્યવાન છે. આપણે તેમના મિત્ર બનીએ છીએ ત્યારે, આપણી પાસે વાસ્તવિક અને હંમેશનું સુખી ભાવિ રહે છે. પરંતુ, પરમેશ્વરના મિત્ર ન બનવાથી આપણે હંમેશ માટેનું જીવન ગુમાવી શકીએ છીએ. તેથી, આપણને યહોવાહ સાથે સારો સંબંધ રાખવા મળતી મદદ સૌથી મૂલ્યવાન છે.

આપણે શું કરવું જોઈએ

આપણી સફળતા આપણા જ્ઞાન પર આધારિત છે. ચોક્સાઈભર્યા જ્ઞાનનો ઉદ્‍ભવ, યહોવાહના શબ્દ બાઇબલમાં છે. ફક્ત બાઇબલમાં જ એ જોવા મળે છે કે આપણે પરમેશ્વરને ખુશ કરવા શું કરવું જોઈએ. તેથી, આપણે બાઇબલનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત વિષે ખંતપૂર્વક શીખીને આપણે સર્વ “અનંતજીવન” તરફ દોરી જતું જ્ઞાન મેળવી શકીએ છીએ. (યોહાન ૧૭:૩) આવા જ્ઞાનથી ખજાનો મળ્યો હોય એવો આનંદ મળે છે.—નીતિવચન ૨:૧-૫.

પરમેશ્વરના શબ્દમાંથી મળતું જ્ઞાન આપણને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ બતાવવા મદદ કરે છે. યહોવાહે જણાવ્યું કે આપણે સર્વ ઈસુ દ્વારા તેમની પાસે જઈ શકીએ છીએ. (યોહાન ૧૪:૬) ખરેખર, “બીજા કોઈથી તારણ નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૨) આખરે, આપણું તારણ ‘રૂપા અથવા સોના વડે નહિ, પરંતુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્ત’ પર આધારિત છે. (૧ પીતર ૧:૧૮, ૧૯) આપણે ઈસુના શિક્ષણમાં ભરોસો મૂકવો જોઈએ અને તેમના ઉદાહરણને અનુસરીને આપણા વિશ્વાસને પ્રદર્શિત કરવો જોઈએ. (હેબ્રી ૧૨:૧-૩; ૧ પીતર ૨:૨૧) તેમનું બલિદાન કેટલું મૂલ્યવાન છે! એનાથી ભવિષ્યમાં સર્વ માણસજાતને અનંતજીવનનો લાભ મળશે. આપણે એમાંથી પૂરેપૂરો લાભ મેળવીને મૂલ્યવાન અનંતજીવન મેળવી શકીએ છીએ.—યોહાન ૩:૧૬.

ઈસુએ કહ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭) યહોવાહને પ્રેમ કરવાનો અર્થ એમ થાય છે કે ‘આપણે તેમની આજ્ઞાઓ પાળીએ.’ (૧ યોહાન ૫:૩) તેમની આજ્ઞાઓ પાળવામાં જગતથી દૂર રહેવાનો, પ્રમાણિક વર્તણૂક જાળવી રાખવાનો અને વફાદારીથી તેમના રાજ્યને ટેકો આપવાનો સમાવેશ થાય છે. આ રીતે, આપણે મરણને બદલે “જીવન પસંદ” કરીએ છીએ. (પુનર્નિયમ ૩૦:૧૯) જો આપણે ‘દેવની પાસે જઈશું તો તે આપણી પાસે આવશે.’—યાકૂબ ૪:૮.

જગતની સર્વ કીમતી વસ્તુઓ કરતાં પરમેશ્વરના મિત્ર બનવું વધારે મૂલ્યવાન છે. જેઓ પરમેશ્વરના મિત્ર છે તેઓ પૃથ્વી પર સૌથી સુખી લોકો છે! તેથી, આપણે પણ મૂલ્યવાન ખજાનો એટલે કે પરમેશ્વરની સ્વીકૃતિ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાલો આપણે પ્રેષિત પાઊલની સલાહને ધ્યાન આપીએ: “ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર. વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર.”—૧ તીમોથી ૬:૧૧, ૧૨.

[પાન ૨૧ પર ચિત્રો]

તમારા માટે સૌથી મૂલ્યવાન શું છે? પુષ્કળ પૈસા, માલમિલકત, પ્રતિષ્ઠા કે પછી બીજું કંઈ?

[પાન ૨૩ પર ચિત્ર]

આપણે બાઇબલનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે