સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ તમારા મિત્ર બનશે

યહોવાહ તમારા મિત્ર બનશે

યહોવાહ તમારા મિત્ર બનશે

“ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી.”​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૭:​૨૭, પ્રેમસંદેશ.

૧, ૨. (ક) આકાશ તરફ નજર કરતા આપણને ઉત્પન્‍ન કરનાર વિષે કેવો પ્રશ્ન થઈ શકે? (ખ) યહોવાહની નજરમાં આપણે બહુ જ કિંમતી છીએ, એ વિષે બાઇબલ શું જણાવે છે?

 તમે કદી અંધારી રાતે આકાશ તરફ નજર કરી છે? શું તમે એમાં ઝગમગ ઝગમગ કરતા તારા જોયા છે? તમને થયું હશે, કે આ તો ‘ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ’ એટલા બધા છે! આવા મોટા વિશ્વમાં પૃથ્વીનો ગોળો તો જાણે નાનકડું ટપકું જ લાગે! એ બધાના ઉત્પન્‍ન કરનાર, શું એટલા ઊંચે છે કે આપણે તેમની સાથે મિત્રતા ન બાંધી શકીએ? શું તેમને કોઈ જ પામી શકે તેમ નથી? કે પછી શું તેમને આપણી કંઈ પડી નથી?​—⁠ગીતશાસ્ત્ર ૮૩:⁠૧૮.

બાઇબલ આપણને ગેરંટી આપે છે કે યહોવાહની નજરમાં આપણે બહુ જ કિંમતી છીએ. હકીકતમાં બાઇબલ આપણને ઉત્તેજન આપે છે, કે તેમને શોધો કેમ કે ‘તે આપણામાંના કોઈથી દૂર નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭; ૧ કાળવૃત્તાંત ૨૮:૯) યહોવાહે લંબાવેલા દોસ્તીના હાથમાં આપણો હાથ મૂકીશું, તો તે કદી આપણને છોડી દેશે નહિ. વર્ષ ૨૦૦૩ માટેનું વચન આપણને ખાતરી આપે છે કે “તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) યહોવાહ પોતાના લોકો પર જે આશીર્વાદોનો વરસાદ વરસાવે છે, એમાંના અમુકની આપણે ચર્ચા કરીએ.

યહોવાહે આપેલી ખાસ ભેટ

૩. યહોવાહ પોતાના મિત્રોને કઈ ભેટ આપે છે?

સૌ પ્રથમ, યહોવાહ દેવે ફક્ત આપણા માટે ખાસ ભેટ રાખી છે. આ દુનિયાની બધી દોલત, તાકાત કે જ્ઞાન એને ખરીદી શકે નહિ. એ તો ખુદ યહોવાહ પાસેથી ખાસ ભેટ છે, જે તેમણે ફક્ત પોતાના મિત્રો માટે જ રાખી છે. એ શું છે? બાઇબલ જણાવે છે, કે ‘જો તું વિવેક-બુદ્ધિને માટે ઘાંટો પાડશે, . . . જો તું રૂપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે. કેમકે યહોવાહ જ્ઞાન આપે છે.’ (નીતિવચનો ૨:૩-૬) જરા કલ્પના કરો, કે આપણા જેવા પાપી માનવને “દેવનું જ્ઞાન” મળી શકે છે! બાઇબલમાં મળી આવતા એ જ્ઞાન અથવા ભેટની સરખામણી ‘દાટેલા દ્રવ્ય’ સાથે થાય છે. શા માટે એમ છે?

૪, ૫. ‘દેવના જ્ઞાનને’ શા માટે ‘દાટેલું દ્રવ્ય’ કહેવામાં આવે છે?

યહોવાહનું જ્ઞાન અમૂલ્ય છે! એનાથી તો હંમેશ માટેના જીવનની આશા મળે છે. (યોહાન ૧૭:૩) પરંતુ, આપણે ત્યાં સુધી રાહ જોતા બેસી રહેવાની જરૂર નથી. એ જ્ઞાન હમણાં પણ આપણું જીવન સુખી બનાવી શકે છે. દાખલા તરીકે, યહોવાહ દેવે આપેલા બાઇબલના જ્ઞાનથી આપણે મહત્ત્વના પ્રશ્નોના જવાબ જાણી શક્યા છે. જેમ કે, સાચા દેવનું નામ શું છે? (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) લોકો મરણ પામે છે ત્યારે શું થાય છે? (સભાશિક્ષક ૯:૫, ૧૦) આ પૃથ્વી અને આપણા જીવનનો કોઈ હેતુ છે? (યશાયાહ ૪૫:૧૮) વળી, આપણે જાણી શક્યા છીએ, કે ફક્ત બાઇબલ પ્રમાણે જ જીવવાથી આપણું જીવન સુખી બની શકે છે. (યશાયાહ ૩૦:૨૦, ૨૧; ૪૮:૧૭, ૧૮) તેમ જ, બાઇબલ આપણને જીવનની ચિંતાઓનો ઉકેલ શોધવા અને સુખ-શાંતિથી જીવવા મદદ કરે છે. પરંતુ, ખાસ તો એ આપણને યહોવાહ અને તેમના અદ્‍ભુત ગુણો જાણવા મદદ કરે છે. જેથી, આપણે તેમના મિત્રો બની શકીએ. ખરેખર, ‘દેવનું જ્ઞાન’ મેળવીને બાંધેલી જિગરી દોસ્તી કરતાં, વધારે કિંમતી ખજાનો કયો હોય શકે?

તેથી, યહોવાહ દેવના જ્ઞાનની ‘દાટેલા દ્રવ્ય’ સાથે સરખામણી થઈ છે. કિંમતી ખજાનાની જેમ, આ દુનિયામાં એવું જ્ઞાન ભાગ્યે જ મળી શકે છે. આ ધરતી પરના છ અબજ લોકોમાં, લગભગ સાઠ લાખ યહોવાહના ભક્તો છે. બીજા શબ્દોમાં, લગભગ એક હજારમાંથી ફક્ત એકને જ ‘દેવનું જ્ઞાન’ અથવા કિંમતી ખજાનો મળ્યો છે. એ ખજાનો કેવો છે એનો એક દાખલો લઈએ. વિચારો કે, મરણ વખતે શું થાય છે? બાઇબલ જણાવે છે કે જીવ મરણ પામે છે અને મૂએલી વ્યક્તિને એ પછી કશાની ખબર હોતી નથી. (હઝકીએલ ૧૮:૪) તોપણ, દુનિયાના મોટા ભાગના ધર્મોમાં જૂઠી માન્યતા ચાલે છે, કે મરણ પછી પણ વ્યક્તિમાંથી કંઈક અમર રહે છે. એ ચર્ચના ધર્મોનું મૂળ શિક્ષણ છે. તેમ જ, જૈન, તાઓ, બુદ્ધ, મુસ્લિમ, યહુદી, શીખ, શીન્ટો અને હિંદુ, આ બધા ધર્મોમાં પણ એ માન્યતા ચાલે છે. એનો અર્થ એ થયો કે લાખોને લાખો લોકો એ જૂઠી માન્યતાથી છેતરાયા છે!

૬, ૭. (ક) ‘દેવનું જ્ઞાન’ ફક્ત કોને મળી શકે છે? (ખ) ઘણા “જ્ઞાની અને સમજુ” લોકોને નથી, એવી કઈ સમજણ યહોવાહે આપણને આપી છે?

શા માટે ઘણા લોકોને હજુ ‘દેવનું જ્ઞાન’ મળ્યું નથી? એનું કારણ એ છે કે બાઇબલ આપણે પોતાની મેળે સમજી શકતા નથી. શું યાદ છે કે એ જ્ઞાન એક ખાસ ભેટ છે? યહોવાહ એ જ્ઞાન ફક્ત એવા લોકોને જ આપે છે, જેઓ સાચા દિલથી બાઇબલમાં શોધ કરે. એવા લોકો ‘જગતમાં ગણાતા જ્ઞાનીઓ’ ન પણ હોય. (૧ કોરીંથી ૧:૨૬) તેઓમાં દુનિયાની નજરે ઘણા તો “અભણ તથા અજ્ઞાન” પણ હોય શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) જો કે યહોવાહ એ જોતા નથી, પણ તે તો આપણા દિલમાં મનગમતા ગુણો જુએ છે. યહોવાહ એવા બધાને ‘તેમનું જ્ઞાન’ આપે છે.

ચાલો એક ઉદાહરણ લઈએ. ચર્ચોના ઘણા સ્કૉલરોએ બાઇબલ પર ઢગલાબંધ પુસ્તકો લખી નાખ્યાં છે. ખરું કે આવાં પુસ્તકો આપણને એના ઇતિહાસ અથવા હેબ્રી કે ગ્રીક શબ્દોના અર્થ જણાવી શકે છે. તોપણ, એટલા ભણેલા-ગણેલા હોવા છતાં, શું એ સ્કૉલરોને ‘દેવનું જ્ઞાન’ મળ્યું છે? શું તેઓને ખબર છે કે બાઇબલનો મુખ્ય વિષય યહોવાહનું રાજ્ય છે, જેના દ્વારા સાબિત થશે કે વિશ્વમાં ફક્ત યહોવાહ જ રાજા છે? શું તેઓ જાણે છે કે યહોવાહ દેવ ત્રૈક્યનો ભાગ નથી? જરા વિચારો! આપણે એ જાણીએ છીએ, કેમ કે યહોવાહ પરમેશ્વરે એ જ્ઞાન આપ્યું છે! એવું જ્ઞાન જે ઘણા “જ્ઞાની અને સમજુ” લોકો જાણતા નથી. (માત્થી ૧૧:​૨૫, પ્રેમસંદેશ) આમ, યહોવાહ દેવે પોતાના મિત્રોને કેવો મોટો આશીર્વાદ આપ્યો છે!

યહોવાહ આપણું રક્ષણ કરે છે

૮, ૯. (ક) યહોવાહના મિત્રોને મળતા બીજા આશીર્વાદ વિષે દાઊદે શું જણાવ્યું? (ખ) આપણને શા માટે યહોવાહના રક્ષણની ખૂબ જ જરૂર છે?

યહોવાહના જિગરી દોસ્તો તેમના રક્ષણનો પણ આનંદ માણે છે. દાઊદને એનો બરાબર અનુભવ હતો, એટલે તેમણે લખ્યું: “જેઓ તેને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવાહ છે. તેના ભક્તોની ઈચ્છા તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે. જેઓ યહોવાહ પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮-૨૦) યહોવાહ હરેક પળે આપણી સાથે જ છે, એટલે તે તરત જ આપણો પોકાર સાંભળે છે.

આપણને શા માટે યહોવાહના રક્ષણની ખૂબ જ જરૂર છે? એક તો આપણે ‘સંકટના વખતોમાં’ જીવીએ છીએ. (૨ તીમોથી ૩:૧) બીજું કે યહોવાહ દેવનો જાની દુશ્મન, શેતાન આપણને “ગળી જવાને” મોં ફાડીને જ ઊભો છે. (૧ પીતર ૫:૮) શેતાન આપણા પર સતાવણી, દબાણો અને લાલચો લાવે છે. તે આપણા સ્વભાવ પર પણ નજર રાખે છે, જેથી આપણને તેના ઇશારે નચાવી શકે. તેને તો બસ ગમે એ કિંમતે આપણા વિશ્વાસની નાવ ડૂબાડી દેવી છે. (પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) એવા કટ્ટર દુશ્મન સામે આપણે કઈ રીતે ટકી શકીએ? આપણે આભારી છીએ કે “યહોવાહ પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે.”

૧૦. (ક) યહોવાહ આપણું રક્ષણ કઈ રીતે કરે છે? (ખ) આપણને સૌથી વધારે કેવા રક્ષણની જરૂર છે, અને શા માટે?

૧૦ યહોવાહ આપણું રક્ષણ કઈ રીતે કરે છે? યહોવાહે આપણું રક્ષણ કરવાનું વચન આપ્યું છે, એનો અર્થ એ નહિ કે આ જગતમાં આપણને કંઈ મુશ્કેલી પડશે નહિ. તેમ જ, એવું પણ નથી કે યહોવાહ આપણા માટે ચમત્કારો કરશે. તેમ છતાં, યહોવાહ પોતાના લોકોના સંગઠનનું રક્ષણ ચોક્કસ કરે છે. તે શેતાનને કદી પણ પોતાના ભક્તોનું નામ-નિશાન મીટાવવા દેશે નહિ. (૨ પીતર ૨:૯) વળી, યહોવાહ આપણને આત્મિક રીતે રક્ષણ આપે છે. તે આપણને કસોટી સહન કરવા અને તેમની સાથેની મિત્રતા જાળવી રાખવા ઘણી મદદ પૂરી પાડે છે. આખરે તો, એવા જ રક્ષણની આપણને ખૂબ જરૂર છે. જ્યાં સુધી આપણે યહોવાહની દોસ્તીનો હાથ પકડી રાખીશું, ત્યાં સુધી કોઈ આપણો વાળ વાંકો કરી શકે એમ નથી. અરે, મોત પણ આપણું કંઈ બગાડી શકે એમ નથી!​—⁠માત્થી ૧૦:⁠૨૮.

૧૧. યહોવાહે આપણા રક્ષણ માટે કઈ ગોઠવણો કરી છે?

૧૧ યહોવાહે એવી ઘણી ગોઠવણો કરી છે, જેનાથી આપણે આત્મિક રીતે રક્ષણ મેળવી શકીએ. બાઇબલમાં તે એવી સલાહ અને સમજણ આપે છે, જે આપણને કસોટીઓમાં સફળ થવા મદદ કરે છે. (યાકૂબ ૧:૨-૫) એ પાળવાથી આપણને રક્ષણ મળે છે. વળી, ‘યહોવાહ પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપે છે.’ (લુક ૧૧:૧૩) યહોવાહનો પવિત્ર આત્મા આખા વિશ્વમાં એવી શક્તિ છે, જે કોઈ પણ પ્રકારની લાલચો કે કસોટીઓનો સામનો કરવા મદદ કરે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા, યહોવાહ દેવે આપણને ‘માણસોમાં દાન આપ્યાં’ છે. (એફેસી ૪:૮) યહોવાહથી પસંદ થયેલા એ ભાઈઓ આપણને મદદ કરે છે ત્યારે, યહોવાહ જેવી જ લાગણી બતાવવાનો પ્રયત્ન કરે છે.​—⁠યાકૂબ ૫:૧૪, ૧૫.

૧૨, ૧૩. (ક) યહોવાહ કઈ રીતે યોગ્ય સમયે માર્ગદર્શન પૂરું પાડે છે? (ખ) આપણા ભલા માટે યહોવાહે કરેલી ગોઠવણો વિષે તમને શું લાગે છે?

૧૨ યહોવાહ આપણા ભલા માટે યોગ્ય સમયે માર્ગદર્શન પૂરું પાડે છે. (માત્થી ૨૪:૪૫) એ માટે તે વખતસર ચોકીબુરજ અને સજાગ બનો! તથા પુસ્તકો, મિટીંગો, અને નાના-મોટાં સંમેલનો આપે છે. શું તમે મિટીંગ કે સંમેલનમાં એવું કંઈ સાંભળ્યું છે, જેનાથી દિલાસો અને હિંમત મેળવી હોય? અથવા તમને આપણા મેગેઝિનમાં કોઈ લેખ વાંચીને થયું છે કે ‘આ તો મારા માટે જ છે’?

૧૩ શેતાન જેનો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે, એ છે નિરાશા! આપણામાંથી કોણ નિરાશ થતું નથી? શેતાન જાણે છે કે આપણે લાંબો સમય સુધી નિરાશ રહીશું તો, નબળા પડી જઈશું. એ આપણા માટે ખતરો છે! (નીતિવચનો ૨૪:૧૦) શેતાન એવી નાજુક ઘડીએ જ પોતાની ચાલાકી અજમાવે છે. એટલે, આપણને ઘણી મદદની જરૂર છે. ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનોમાં ઘણી વખત એવા લેખો આવે છે, જે આપણને નિરાશામાં પણ આશાનું કિરણ જોવા મદદ કરે છે. એવા એક લેખ વિષે આપણી એક બહેને લખ્યું: “હું લગભગ દરરોજ એ લેખ વાંચતી, અને મારી આંખમાંથી આંસુ સરી પડતા. હું એ મારી પથારી પાસે જ રાખતી, જેથી મને જોઈએ ત્યારે તરત જ હું એ વાંચી શકું. જાણે આવા લેખો દ્વારા યહોવાહ મને પોતાની ગોદમાં ઊપાડીને, સલામતીનો અહેસાસ કરાવે છે.” * શું આપણે યહોવાહના આભારી નથી કે તે વખતસર આવા લેખો આપે છે? ખરેખર, આવી ગોઠવણોથી યહોવાહ સાબિત કરે છે, કે તે પ્રેમાળ પિતાની જેમ સંભાળ લઈને આપણું રક્ષણ કરે છે.

“પ્રાર્થનાના સાંભળનાર”

૧૪, ૧૫. (ક) યહોવાહે આપણને ખાસ કઈ મદદ આપી છે? (ખ) શા માટે એ મોટો આશીર્વાદ કહેવાય કે યહોવાહને ચોવીસે કલાક પ્રાર્થના કરી શકાય છે?

૧૪ કોઈ કંપનીના માલિકને કામદારો માટે બહુ ઓછો સમય હોય છે. પરંતુ, વિશ્વના માલિક યહોવાહ વિષે શું? આપણે તેમની મદદ માંગીએ તો, શું એનો જવાબ ન આપી શકે એટલા તે બીઝી છે? જરાય નહિ! એટલે જ યહોવાહ આપણને પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપે છે. બાળકને માબાપ પાસે જવા કોઈ અપોઈન્ટમેન્ટ લેવી પડતી નથી. એમ જ યહોવાહ, “પ્રાર્થનાના સાંભળનાર” પાસે આપણે ચોવીસે કલાક જઈ શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૬૫:૨) કઈ રીતે તમને એની ખાતરી થઈ શકે?

૧૫ કંપનીના માલિક પાસે ઘણાં કામ હોય છે. તે નક્કી કરે છે કે પોતે કયું કામ કરશે અને બીજાને કયું કામ સોંપશે. એ જ પ્રમાણે, વિશ્વના માલિક પણ પોતે નક્કી કરી શકે છે. યહોવાહે પોતાના વહાલા પુત્ર, ઈસુ ખ્રિસ્તને ઘણાં કામો સોંપ્યા છે. જેમ કે, યહોવાહે તેમને “ન્યાય ચૂકવવાનો અધિકાર” આપ્યો છે. (યોહાન ૫:૨૭) યહોવાહે ‘દૂતોને તેમને આધીન કર્યા છે.’ (૧ પીતર ૩:૨૨) યહોવાહના શક્તિશાળી પવિત્ર આત્માની પૂરેપૂરી મદદ ઈસુને આપવામાં આવી છે, જેથી તે આપણને મદદ અને માર્ગદર્શન આપે. (યોહાન ૧૫:૨૬; ૧૬:૭) તેથી, ઈસુએ કહ્યું કે “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.” (માત્થી ૨૮:૧૮) પરંતુ, આપણી પ્રાર્થનાઓ તો યહોવાહ પોતે જ સાંભળે છે. એટલે જ બાઇબલ આપણને ઈસુના નામમાં, યહોવાહને જ પ્રાર્થના કરવાનું કહે છે.​—⁠ગીતશાસ્ત્ર ૬૯:૧૩; યોહાન ૧૪:૬, ૧૩.

૧૬. યહોવાહ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, એમ કઈ રીતે કહી શકાય?

૧૬ શું યહોવાહ સાચે જ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે? જો એમ ન હોય, તો શા માટે યહોવાહ અરજ કરે છે કે, “પ્રાર્થનામાં લાગુ રહો”? શા માટે યહોવાહ આપણો બોજો અને ચિંતા તેમના પર નાખવાનું કહે છે? (રૂમીઓને પત્ર ૧૨:૧૨; ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ પીતર ૫:૭) અગાઉના વિશ્વાસુ ભક્તોને પૂરેપૂરો ભરોસો હતો કે યહોવાહ તેઓની પ્રાર્થનાઓ સાંભળે છે. (૧ યોહાન ૫:૧૪) ગીતોની રચના કરનાર, દાઊદે પણ કહ્યું કે “તે [યહોવાહ] મારો સાદ સાંભળશે.” (ગીતશાસ્ત્ર ૫૫:૧૭) આપણે પણ પૂરી ખાતરી રાખીએ કે તે આપણો પોકાર સાંભળે છે. યહોવાહ એક પ્રેમાળ પિતાની જેમ, જાણે આપણો હાથ પકડીને મદદ કરે છે.

યહોવાહ આશીર્વાદ આપે છે

૧૭, ૧૮. (ક) આપણે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરીએ, એનાથી તેમને કેવું લાગે છે? (ખ) નીતિવચનો ૧૯:૧૭ પ્રમાણે, કઈ રીતે યહોવાહ આપણાં નાના-નાના કામો પણ ધ્યાનમાં લે છે?

૧૭ યહોવાહ વિશ્વના સૌથી મહાન રાજા છે. એ હકીકત બદલાતી નથી, પછી ભલે આપણે તેમની ભક્તિ કરીએ કે ન કરીએ. પરંતુ, યહોવાહ કદર કરનારા ઈશ્વર છે. તેથી, આપણે તેમની રાજી-ખુશીથી ભક્તિ કરીએ તો, તે બહુ જ ખુશ થાય છે. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧) તેથી, તે આપણને ઇનામ આપે છે. આ એક બીજો લાભ છે, જેનો તેમના ભક્તો આનંદ માણે છે.​—⁠હેબ્રી ૧૧:⁠૬.

૧૮ બાઇબલ જણાવે છે કે યહોવાહ પોતાના ભક્તોની ખૂબ જ કદર કરે છે. જેમ કે, આપણે વાંચીએ છીએ: ‘ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેને તેનો બદલો આપશે.’ (નીતિવચનો ૧૯:૧૭) મુસાના નિયમશાસ્ત્રમાં પણ ગરીબ લોકો માટે યહોવાહે પ્રેમ બતાવ્યો. (લેવીય ૧૪:૨૧; ૧૯:૧૫) એવો જ પ્રેમ આપણે ગરીબ લોકોને બતાવીએ ત્યારે, યહોવાહને કેવું લાગે છે? આપણે કોઈ બદલાની આશા વિના ગરીબને આપીએ ત્યારે, જાણે આપણે યહોવાહને ઉછીનું આપ્યું હોય, એમ તે માને છે. યહોવાહ વચન આપે છે કે એ દેવું તે પોતે આશીર્વાદો સાથે ચૂકવી દેશે. (નીતિવચનો ૧૦:૨૨; માત્થી ૬:૩, ૪; લુક ૧૪:૧૨-૧૪) આપણા ભાઈ કે બહેનને ખરા સમયે આપણે મદદ કરીએ છીએ, એ જોઈને યહોવાહ દેવનું દિલ ખુશ થઈ જાય છે. ખરેખર, આપણે કેટલા રાજી છીએ કે યહોવાહ પરમેશ્વર આપણા નાનાં-નાનાં કામો પણ ધ્યાનમાં લે છે!​—⁠માત્થી ૫:⁠૭.

૧૯. (ક) શા માટે કહી શકાય કે યહોવાહ માટે આપણે જે કંઈ કરીએ એની તે કદર કરે છે? (ખ) યહોવાહ માટેના આપણા કામોનું તે કઈ રીતે ઇનામ આપે છે?

૧૯ આપણે યહોવાહની ભક્તિમાં જે કંઈ કરીએ એની તે ખૂબ જ કદર કરે છે. આપણે યહોવાહના સાચા ભક્ત હોઈએ તો, પૂરા તન, મન અને ધનથી તેમની ભક્તિ કરીશું. ચાલો આપણે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવા અને બીજા લોકોને તેમના ભક્તો બનાવવા બનતું બધું જ કરીએ. (માત્થી ૨૮:૧૯, ૨૦) જો કે કોઈ વાર એમ પણ લાગે કે ‘હું બહુ કરી શકતો નથી.’ આપણા સંજોગો જોતાં, આપણું દિલ ડંખે પણ ખરું કે ‘શું યહોવાહ મારી ભક્તિથી ખુશ છે?’ (૧ યોહાન ૩:૧૯, ૨૦) જો કે ‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી,’ જ્યાં સુધી એ સાચા દિલથી હોય, તો યહોવાહ એનાથી ખૂબ રાજી થાય છે. (માર્ક ૧૨:૪૧-૪૪) બાઇબલ ખાતરી આપે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, . . . તેને વિસરે એવો અન્યાયી નથી.” (હેબ્રી ૬:૧૦) યહોવાહ પોતાના માટે કરેલા દરેક કામને ધ્યાનમાં લે છે, ભલેને એકદમ નાનું કેમ ન હોય! યહોવાહના આશીર્વાદોનો વરસાદ આપણા પર હમણાં તો વરસે જ છે. પરંતુ, યહોવાહ જલદી જ નવી દુનિયામાં આપણા જીવનને ખુશીથી ભરી દેશે!​—⁠ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬; ૨ પીતર ૩:⁠૧૩.

૨૦. આપણે ૨૦૦૩ના વર્ષમાં શું ધ્યાનમાં રાખીએ અને એનાથી કયા આશીર્વાદો મળશે?

૨૦ ચાલો આપણે ૨૦૦૩ના વર્ષમાં ખાસ ધ્યાનમાં રાખીએ, કે આપણે યહોવાહના પાક્કા મિત્રો બનવાનો પ્રયત્ન કરીએ છીએ કે કેમ. એમ કરીશું તો, યહોવાહ પણ પોતાનું વચન પાળશે, કેમ કે ‘દેવ કદી જૂઠું બોલી શકતા નથી.’ (તીતસ ૧:૨) આપણે તેમના જિગરી દોસ્ત બનીશું તો, તે પણ આપણા જિગરી દોસ્ત બનશે. (યાકૂબ ૪:૮) એનાથી આપણા પર તેમના આશીર્વાદોનો વરસાદ કાયમ રહેશે. ચાલો આપણે યહોવાહની મિત્રતાનો હાથ કાયમ પકડી રાખીએ!

[ફુટનોટ]

^ “યહોવાહ દેવ આપણા હૃદયને પારખે છે,” એ લેખ ચોકીબુરજમાં મે ૧, ૨૦૦૦, પાન ૨૮-૩૧ પર આવ્યો હતો. એની કદર કરતા આપણી બહેને લખ્યું હતું.

આપણે શું શીખ્યા?

• યહોવાહ પોતાના મિત્રોને કઈ ખાસ ભેટ આપે છે?

• કયું ખાસ આત્મિક રક્ષણ યહોવાહ પોતાના લોકોને પૂરું પાડે છે?

• શા માટે યહોવાહને ગમે ત્યારે પ્રાર્થના કરવી, એ લહાવો કહેવાય?

• બાઇબલ કઈ રીતે જણાવે છે કે યહોવાહ પોતાના ભક્તોની સેવાથી ખૂબ રાજી થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

યહોવાહે તેમના જ્ઞાનની ઊંડી સમજણ આપી છે

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

યહોવાહ આપણને આત્મિક રીતે રક્ષણ આપે છે

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહ આપણા એવા મિત્ર છે, જે આપણી દરેક પ્રાર્થના સાંભળે છે