સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ આપણે તેમને ઓળખવા જ જોઈએ

યહોવાહ આપણે તેમને ઓળખવા જ જોઈએ

યહોવાહ આપણે તેમને ઓળખવા જ જોઈએ

શું તમે તમારા જીવનમાં કંઈક કમી મહેસૂસ કરો છો? જો તમે પરમેશ્વરને નામ પૂરતા જ જાણતા હશો તો, તમે જીવનમાં કમી મહેસૂસ કરશો. પરંતુ, આજે લાખો લોકોએ બાઇબલમાંથી યહોવાહ પરમેશ્વર વિષે જાણીને, ઘણા જ લાભો મેળવ્યા છે. એ લાભો હમણા પૂરતા જ નહિ, પરંતુ કાયમ માટે રહેશે.

બાઇબલના લેખક, યહોવાહ પરમેશ્વર ઇચ્છે છે કે આપણે તેમને જાણીએ. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “જેથી તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર દેવ છે.” તેથી, યહોવાહને ઓળખવા એ આપણા જ લાભમાં છે. વળી, તે કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.” યહોવાહ પરમેશ્વરને ઓળખીને આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ?—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; યશાયાહ ૪૮:૧૭.

આજની દુનિયામાં, લોકો અનેક મુશ્કેલીઓ સહન કરે છે. પરંતુ યહોવાહને ઓળખવાથી આપણને દુઃખો સહન કરવા મદદ મળે છે. તેમ જ, સુંદર આશા અને મનની શાંતિ મળે છે. વળી, આપણે યહોવાહને ઓળખતા થઈએ છીએ ત્યારે, મહત્ત્વના પ્રશ્નોના જવાબ મળે છે, કે જેના માટે આખી દુનિયાના લોકો ફાંફાં મારે છે. પરંતુ, એ પ્રશ્નો કયા છે?

શું તમારા જીવનનો હેતુ છે?

માણસો આજે ચાંદ પર જઈ આવ્યા છતાં, લોકો હજુ વિચારે છે: ‘શા માટે હું અહીં છું? હું ક્યાં જઈ રહ્યો છું? જીવનનો હેતુ શું છે?’ જો વ્યક્તિને ખરો જવાબ ન મળે તો, તે પોતાના જીવનનો હેતુ સમજી શકશે નહિ. શું ઘણા લોકો આ કમીને મહેસૂસ કરે છે? જર્મનીમાં ૧૯૯૦ના છેલ્લા દાયકાઓમાં એક સર્વે કરવામાં આવ્યું. એમાં ૫૩ ટકા લોકોએ જણાવ્યું કે તેમના જીવનનો કોઈ જ હેતુ નથી. તમે તમારી આસપાસના લોકોમાં પણ આવું જ વલણ જોયું હશે.

હા, જીવનમાં કોઈ હેતુ ન હોવાના લીધે ઘણા લોકો આમતેમ ફાંફાં મારે છે. આથી, આવી વ્યકિતઓ નામ કમાવા અથવા પૈસા પાછળ પડી જાય છે. તેમ છતાં, તેઓનું જીવન સૂનું સૂનું, કોરી ખાઈ જનારું બની જાય છે. નિરાશામાં ભાંગી જવાના કારણે તેઓ જીવવાની આશા ગુમાવી દે છે. એક યુવાન સ્ત્રીને એવો જ અનુભવ થયો. ફ્રાંસનું ઇન્ટરનૅશનલ હેરાલ્ડ ટ્રીબ્યુન નામનું એક છાપું કહે છે: તેનો ઉછેર “ખાનદાની અને અમીર” કુટુંબમાં થયો હતો. તે એશઆરામથી જીવતી હોવા છતાં, તેનું જીવન સૂનું હતું. તેને લાગતું હતું કે તેના જીવનનો કોઈ જ અર્થ નથી. એક દિવસે તેણે ઉંધની ગોળીઓથી પોતાનું જીવન ટૂંકાવી દીધું. શું તમે એવા કોઈને જાણો છો જેમણે જીવન સૂનું સૂનું લાગવાને લીધે એને ટૂંકાવી દીધું હોય?

વળી, આજે ઘણા લોકો એમ ડંફાસ મારતા હોય છે કે વિજ્ઞાન આપણા જીવનની દરેક બાબતોના જવાબ આપી શકે છે. શું તમે તેઓની સાથે સહમત છો? જર્મનના ડી વૉક છાપાએ બતાવ્યું: “વિજ્ઞાન સાચું હોય શકે, પરંતુ ધર્મની બાબતોમાં એ મદદ કરી શકતું નથી. ઉત્ક્રાંતિમાં અને વિજ્ઞાનમાં કોઈ જ દમ નથી. એમાથી આપણને જરાય દિલાસો કે સલામતી મળતી નથી.” વૈજ્ઞાનિકોએ કુદરત વિષે ઘણું જ સમજાવ્યું છે. તેમ છતાં, આપણે શા માટે પૃથ્વી પર છીએ અને એનો હેતુ શું છે એ વિજ્ઞાન બતાવી શકતું નથી. જો આપણે ફક્ત વિજ્ઞાન પર જ ભરોસો રાખીશું, તો આપણા જીવનનો હેતુ શું છે, એ સવાલનો જવાબ કદી નહિ મેળવીએ. તેથી, સ્યૂટડોઈઝ ટ્‌સેટ્‌ગં નામનું છાપાએ જણાવ્યું કે, આપણને “મોટા પાયા પર માર્ગદર્શનની જરૂર છે.”

તોપછી, યહોવાહ સિવાય બીજું કોણ આપણને માર્ગદર્શન આપી શકે? તેમણે સૌથી પહેલા માણસને પૃથ્વી પર રહેવા માટે બનાવ્યો. તેથી, આપણે અહીં પૃથ્વી પર શા માટે છીએ એ ફક્ત યહોવાહ જ જણાવી શકે છે. બાઇબલ બતાવે છે કે યહોવાહે માનવીઓને પૃથ્વી ભરપૂર કરવા માટે અને એનું ધ્યાન રાખવા માટે બનાવ્યા છે. માનવીઓએ યહોવાહ જેવા ગુણો કેળવવાના હતા જેમાં, ન્યાય, ડહાપણ અને પ્રેમનો સમાવેશ થાય છે. યહોવાહે માનવીઓને શા માટે બનાવ્યા છે એનું કારણ સમજ્યા પછી આપણે જાણી શકીએ છીએ કે આપણે શા માટે અહીંયા છીએ.—ઉત્પત્તિ ૧:૨૬-૨૮.

તમે શું કરી શકો?

‘શા માટે હું અહીં છું? હું ક્યાં જઈ રહ્યો છું? જીવનનો હેતુ શું છે?’ એવા પ્રશ્નોનો જવાબ હજુ સુધી તમને ન મળ્યો હોય તો શું? તો તમે યહોવાહ પરમેશ્વરને બરાબર ઓળખો એવું બાઇબલ ઉત્તેજન આપે છે. હકીકતમાં ઈસુએ કહ્યુ: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” તમે પણ પરમેશ્વરની જેમ બીજા લોકોને પ્રેમ બતાવી શકો અને પરમેશ્વરના બીજા અનેક ગુણો જીવનમાં કેળવી શકો છો. તમને ખાસ કરીને પરમેશ્વરના રાજ્યને આધીન રહેવાનું ઉત્તેજન આપવામાં આવે છે. જો એમ કરશો તો તમને જીવનમાં શાંતિ અને આશીર્વાદ મળશે. વળી, તમને ગૂંચવતા કોઈ પણ પ્રશ્નોના જવાબો પણ મળશે.—યોહાન ૧૭:૩; સભાશિક્ષક ૧૨:૧૩.

આ સામાન્ય પ્રશ્નોના જવાબ મેળવવાથી તમારા જીવન પર કેવી અસર પડશે? હેન્સ એનો જવાબ આપે છે. * વર્ષોથી હેન્સને પરમેશ્વરમાં થોડી ઘણી શ્રદ્ધા હતી. પરંતુ એ શ્રદ્ધાથી તેના જીવનમાં કોઈ ખાસ જાતનો ફેર ન પડ્યો. તે ડ્રગ્સ લેતો, અનૈતિક જીવન જીવતો અને નાની મોટી લૂટફાટ પણ કરતો હતો. વળી, તેને મોટરબાઇકમાં રખડપટ્ટી કરવાનો પણ શોખ હતો. તે કહે છે કે, “તેનું જીવન નકામું હતું.” તે લગભગ ૨૫ વર્ષનો થયો ત્યારે તેણે બાઇબલ વાંચીને પરમેશ્વરને સારી રીતે ઓળખવાનું નક્કી કર્યું. જીવનનો હેતુ શું છે એ સમજ્યા પછી, હેન્સે પોતાના જીવનમાં ફેરફાર કરીને યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું. તે છેલ્લા દશ વર્ષથી પાયોનિયર છે. તે કહે છે: “યહોવાહની સેવા કરવી એ જીવનનો સૌથી સારો માર્ગ છે. એને કશાની સાથે સરખાવી શકાય નહિ. યહોવાહને ઓળખવાથી મને જીવનનો હેતુ મળ્યો છે.”

જોકે, લોકો ફક્ત જીવનના હેતુ વિષે જ વિચારતા નથી. જેમ જેમ આ જગતની પરિસ્થિતિ ખરાબ થતી જાય તેમ તેમ, લોકોના મન, બીજા એક મહત્ત્વના પ્રશ્નથી ઘેરાયેલા છે.

શા માટે આવું થયું?

દુઃખોનો પહાડ તૂટી પડે છે ત્યારે, વ્યક્તિના મનમાં એકને એક પ્રશ્ન વારંવાર આવતો હોય છે કે, શા માટે આવું થયું? આ પ્રશ્નનો ખરો જવાબ આપણે જાણીએ તો આપણે દુઃખનો સામનો કરી શકીએ છીએ. પરંતુ, જો આપણી પાસે એનો ખરો જવાબ ન હોય તો આપણે દુઃખના ડુંગરો નીચે કચડાઈ જઈ શકીએ છીએ. દાખલા તરીકે, બ્રૂનીનો વિચાર કરો.

પસાસેક વર્ષની માતા, બ્રૂની કહે છે, “કેટલાક વર્ષો પહેલાં મારી દીકરીનું અવસાન થયુ. મારી દીકરીના મરણથી હું દુઃખી દુઃખી થઈ ગઈ હતી. મને પરમેશ્વરમાં શ્રદ્ધા હતી આથી, હું દિલાસો મેળવવા પાદરી પાસે ગઈ. તેમણે મને કહ્યું કે પરમેશ્વરે સુઝાનાને સ્વર્ગમાં લઈ લીધી છે. તે હવે દૂત બની ગઈ છે. પરંતુ, પરમેશ્વરે તેને છીનવી લીધી છે એવું જાણીને મને પરમેશ્વર પ્રત્યે નફરત થઈ ગઈ.” આમને આમ, બ્રૂની ઘણા વર્ષો સુધી દુઃખી થતી રહી. “ત્યાર પછી, યહોવાહના એક સાક્ષીએ મને બાઇબલમાંથી બતાવ્યું કે પરમેશ્વરને નફરત કરવી ન જોઈએ. કેમ કે યહોવાહે સુઝાનાને સ્વર્ગમાં લીધી નથી કે તેને દૂત પણ બનાવી નથી. તે અપૂર્ણતાના કારણે બીમાર પડી હતી. સુઝાના મરણમાં ઊંઘી ગઈ છે. યહોવાહ તેને ફરી સજીવન કરશે. મને એ પણ જાણવા મળ્યું કે બહુ જલદી જ યહોવાહ પરમેશ્વર માનવીઓને સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવા દેશે. એક વાર મને ખબર પડી કે યહોવાહ કેવા પરમેશ્વર છે પછી મને પરમેશ્વર ગમવા લાગ્યા અને મારુ દુઃખ ધીમે ધીમે ઓછુ થયું.”—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫; રૂમીઓને પત્ર ૫:૧૨.

લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓ કે આફતો સહન કરે છે. જેમ કે પોતાના જીવનમાં બનેલી કરુણ ઘટના, યુદ્ધ, ભૂખમરો, અને કુદરતી આફત. આપણા પર કોઈ પણ આફત આવી પડે તો યહોવાહને દોષ આપવો ન જોઈએ એ બાઇબલમાંથી શીખ્યા પછી બ્રૂનીના જીવને ટાઢક વળી. યહોવાહ ક્યારેય એવું ઇચ્છતા નથી કે આપણા પર કોઈ પણ જાતનું દુઃખ પડે. વળી, તે બહુ જલદી જ દુષ્ટતાને દૂર કરશે. વધતી જતી દુષ્ટતા જ બતાવે છે આપણે હવે આ જગતના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. આપણે નજીકમાં બહુ મોટો ફેરફર જોઈ શકીશું.—૨ તીમોથી ૩:૧-૫; માત્થી ૨૪:૭, ૮.

પરમેશ્વરને બરાબર ઓળખવા

ઘણા લોકોની જેમ, હેન્સભાઈ અને બ્રૂનીબહેન પણ પરમેશ્વરમાં થોડુ થોડુ જ માનતા હતા. તેઓને શ્રદ્ધા હતી ખરી પરંતુ તેઓ પરમેશ્વર વિષે બહુ જાણતા નહતા. તેઓએ યહોવાહને બરાબર ઓળખવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓના જીવનમાં શાંતિ મળી અને આશાના કિરણોથી તેઓનું જીવન ભરાઈ ગયું. વળી, તેઓએ જીવનના સૌથી મહત્ત્વના પ્રશ્નોના જવાબો મેળવ્યા. લાખો યહોવાહના સાક્ષીઓ પણ એવી જ શાંતિ અનુભવે છે.

બાઇબલનો બરાબર અભ્યાસ કરીને આપણે યહોવાહ વિષે તેમ જ તે આપણી પાસેથી શું માંગે છે એ જાણી શકીએ છીએ. પ્રથમ સદીના યહોવાહના સેવકોએ એમ જ કર્યું. વૈદ અને ઇતિહાસકાર લુક અહેવાલ આપે છે કે બેરીઆ નામના મંડળના લોકો “[પાઊલ અને સીલાસ પાસેથી] પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, એ વાતો એમજ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૦, ૧૧.

પ્રથમ સદીના ખ્રિસ્તીઓ મંડળોમાં ભેગા થતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧, ૪૨, ૪૬; ૧ કોરીંથી ૧:૧, ૨; ગલાતી ૧:૧, ૨; ૨ થેસ્સાલોનીકી ૧:૧) આજે પણ યહોવાહના સેવકો એ રીતે જ ભેગા મળે છે. યહોવાહના સાક્ષીઓના મંડળોમાં, લોકો આવીને યહોવાહને વધારે ઓળખી શકે અને તેમની સેવા કરવાનો આનંદ પણ માણી શકે છે. યહોવાહના સેવકો સાથે ભેગા મળવાથી પણ ઉત્તેજન મળે છે. યહોવાહના સાક્ષીઓ, ધીમે ધીમે યહોવાહના ગુણો કેળવવાનો પ્રયત્ન કરે છે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

શું તમને એવું લાગે છે કે પરમેશ્વરને ઓળખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે? પ્રયત્નો તો ખરેખર જરૂરી છે. આપણે જીવનમાં બીજી બાબતો માટે પણ પ્રયત્નો કરવા પડે છે. રમતવીરો તાલીમ મેળવવા કેટલા પ્રયત્નો કરે છે એનો વિચાર કરો. દાખલા તરીકે, બરફ પર સરકવાની રમતમાં ગોલ્ડ મેડલ મેળવનાર જીન ક્લોડ કીલી છે. તે સમજાવે છે કે એક સફળ રમતવીર કઈ રીતે બની શકાય: “રમતમાં ભાગ લેતા પહેલા, ૧૦ વર્ષ અગાઉ તમારે પ્રેક્ટિસ શરૂ કરવી પડે છે. એની તૈયારી કરવી પડે છે અને એ વિષે દરરોજ વિચારવું પડે છે . . . એમાં જ આપણુ તન, મન અને ધન હોવું જોઈએ.” આ બધા પ્રયત્નો ફક્ત દસ મિનિટની રમત જીતવા માટે કરવામાં આવે છે. જો એક રમત માટે આટલા પ્રયત્ન કરવામાં આવતા હોય તો, યહોવાહને ઓળખવામાં કેટલો વધારે સમય લાગી શકે! વળી, એનાથી આશીર્વાદો પણ પુષ્કળ મળે છે!

એકદમ સારો સંબંધ બાંધવો

જીવનની સૌથી મહત્ત્વની બાબતોને કોણ ભૂલી શકે? દેખીતી રીતે જ, કોઈ નહિ. તેથી, જો તમને જીવનનો સાચો હેતુ જાણવો હોય અથવા એ જાણવું હોય કે શા માટે જીવનમાં દુઃખ આવે છે તો, પરમેશ્વર યહોવાહ વિષે બાઇબલમાંથી શીખો. તેમના વિષે જાણવાથી હંમેશ માટે તમારુ જીવન સારા માટે બદલાય શકે.

શું આપણે કદી પણ યહોવાહ વિષે શીખવાનું બંધ કરીશું? લાંબા સમયથી તેમની સેવા કરનારાઓ હજુ પણ તેમના વિષે શીખે છે. તેઓ યહોવાહ વિષે નવી નવી બાબતો શીખવાનું ચાલુ રાખે છે. આવી બાબતો શીખવાથી આપણને આનંદ મળે છે અને આપણો યહોવાહ પરમેશ્વર પરનો પ્રેમ વધે છે. આપણે પણ પ્રેષિત પાઊલના આ શબ્દો સાથે સહમત થઈએ છીએ: “આહા! દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેના ઠરાવો કેવા ગૂઢ, ને તેના માર્ગો કેવા અગમ્ય છે! કેમકે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેનો મંત્રી કોણ થયો છે?”—રૂમીઓને પત્ર ૧૧:૩૩, ૩૪.

[ફુટનોટ્‌સ]

^ નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૫ પર ચિત્રનું મથાળું]

લોકો હજુ પણ સામાન્ય પ્રશ્નોના જવાબ મેળવવા ફાંફાં મારે છે: ‘શા માટે હું અહીં છું? હું ક્યાં જઈ રહ્યો છું?’

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

“યહોવાહ પરમેશ્વર કેવા છે એ એક વાર જાણવાનું શરૂ કર્યું પછી હું વધારેને વધારે તેમની નજીક આવતી ગઈ”

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

“યહોવાહની સેવા કરવી એ જીવનનો સૌથી સારો માર્ગ છે. એને કશાની સાથે સરખાવી શકાય નહિ. યહોવાહને જાણવાથી મને જીવનનો હેતુ મળ્યો છે”