સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કઈ રીતે સફળ થઈ શકો?

તમે કઈ રીતે સફળ થઈ શકો?

તમે કઈ રીતે સફળ થઈ શકો?

ઈ સ્રાએલના રાજા સુલેમાને કહ્યું હતું: ‘જ્ઞાની વધુ સાંભળે છે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે છે.’ મોટા ભાગે આપણને અનુભવ થયો હશે કે, કોઈનું કહેવું ન માનવાને લીધે આપણે ખોટા નિર્ણયો લીધા હોય.—નીતિવચનો ૧:૫, IBSI.

રાજા સુલેમાનના આ શબ્દોની સાથે સાથે બીજા “ત્રણ હજાર નીતિવચનો” બાઇબલમાં લખવામાં આવ્યા છે. (૧ રાજાઓ ૪:૩૨, IBSI) શું આજે આપણને એનાથી કોઈ ફાયદો થઈ શકે? ચોક્કસ, જેથી “જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે; ડહાપણભરેલી વર્તણુકની, નેકીની, ન્યાયીપણાની અને ઇન્સાફની કેળવણી મળે.” (નીતિવચનો ૧:૨, ૩) ચાલો આપણે એવા પાંચ મુદ્દાઓ જોઈએ જે ખરો નિર્ણય લેવા મદદ કરી શકે.

ભાવિનો વિચાર કરો

અમુક વખતે નિર્ણયો લેતા પહેલાં જ, આપણે સમજીએ છીએ કે એનાથી ભાવિમાં શું પરિણામ આવશે. તેથી, આપણે એ ધ્યાનમાં રાખીને નિર્ણય લઈએ. ઘણી વાર આપણને તરત કયો ફાયદો થાય છે, એ જ આપણે જોઈએ છીએ. તેથી, બાઇબલ ચેતવે છે: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”—નીતિવચનો ૨૨:૩.

તેથી, એ ખૂબ જરૂરી છે કે આપણે શાંત મગજે પેપર અને પેન લઈને એક બાજુ બેસીએ. પછી, લખી લઈએ કે એનાથી મને તરત જ કયા ફાયદા થશે, અને લાંબા ગાળે એના શું પરિણામ આવશે. દાખલા તરીકે, નોકરીનો વિચાર કરો. કદાચ અત્યારે તમને નોકરી પર સારો પગાર મળતો હોય અને તમને એ ફાવી પણ ગઈ હોય. પરંતુ, શું એવી નોકરીથી લાંબે ગાળે તમારે સુખી જીવન ગુમાવવું પડશે? એટલે કે કદાચ નોકરીના લીધે તમારે કુટુંબ અને મિત્રોને છોડીને દૂર જવું પડે તો શું? શું તમે વિચાર કર્યો છે કે એવી જગ્યાએ નોકરી અને મિત્રો કેવા હશે? એવી નોકરીથી, સમય જતા શું તમારા જીવનને નુકસાન તો નહિ થાય ને? વળી, નોકરી પરથી જો તમારું મન ઊઠી જાય તો શું? તેથી, એવો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બેસીને વિચાર કરો કે એનાથી શું લાભ થશે અને શું ગેરલાભ થશે. ત્યાર પછી જ નિર્ણય લો.

ઉતાવળે નિર્ણય ન લો

કહેવત છે કે “ઉતાવળે આંબા ન પાકે.” બાઇબલ સલાહ આપે છે કે, “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો કેવળ નિર્ધન થાય છે.” (નીતિવચનો ૨૧:૫) દાખલા તરીકે, યુવાનોએ લગ્‍ન વિષેના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, બે વાર વિચારવું જોઈએ. નહિ તો ૧૮મી સદીના અંગ્રેજી નાટકના એક લેખક વિલિયમે કહ્યું એમ બની શકે: “વગર વિચારે લગ્‍ન જીવનમાં ઝંપલાવી દેવાથી, જીવનમાં ખૂબ જ પસ્તાવો થાય છે.”

વળી, એનો અર્થ એમ પણ નથી થતો કે બધું કાલ પર છોડી દેવું. અમુક બાબતોમાં જલદી નિર્ણય લેવામાં આપણું જ ભલું છે. નહિ તો આપણે પોતાને તેમ જ બીજાને પણ નુકસાન પહોંચાડી શકીએ છીએ. હા, અમુક બાબતમાં જલદી નિર્ણય ન લેવો આપણને જ ભારે પડી જાય છે. પછી, કોઈ બીજું જ આપણા માટે નિર્ણય ધારી લઈ શકે, જે ખોટો નિર્ણય પણ હોય શકે.

બીજાની સલાહ લો

જીવનમાં તકલીફ આવી પડે ત્યારે, કોઈ બે વ્યક્તિ કદાચ એક જ સરખા નિર્ણય પર ન પણ આવી શકે. જો આપણે એવી સ્થિતિમાં આવી પડીએ તો શું? એવા સમયે, આપણા જેવા જ સંજોગોમાં સફળ થયા હોય, તેઓની સલાહ લઈએ. તેમને પૂછી શકાય કે તેમણે કઈ રીતે પ્રોબ્લમ પાર પાડ્યો અને તેઓ ખરા નિર્ણય લેવા શું કરે છે. દાખલા તરીકે, વેપાર-ધંધા માટે અનુભવી લોકોની સલાહ લો. તેઓને પૂછો કે ચડતી-પડતીના સમયમાં તેઓએ કેવી રીતે નિર્ણયો લીધા. તેમ જ, તેઓએ લીધેલા નિર્ણયોથી, શું તેઓ સફળ થયા કે નુકસાન થયું?

બાઇબલ કહે છે: “સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” (નીતિવચનો ૧૫:૨૨) તેથી, આપણે અનુભવી લોકો પાસેથી સલાહ લેવી જ જોઈએ. પરંતુ, એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે નિર્ણય તો આપણે જાતે જ લેવો પડશે અને એનાથી જે પરિણામ આવશે એ પણ આપણે જાતે જ ભોગવવું પડશે.—ગલાતી ૬:૪, ૫.

તમારું મન કેળવો

આપણું મન ઘણા નાના-મોટા નિર્ણયો કરે છે. પરંતુ, જો આપણે પોતાના મનને પરમેશ્વરના વિચારોથી ભરીએ, તો આપણે પરમેશ્વરને પસંદ પડે એવા નિર્ણયો લઈશું. (રૂમીઓને પત્ર ૨:૧૪, ૧૫) બાઇબલ કહે છે: “તારાં સર્વ કાર્યોમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપ, એટલે તે તને દોરશે અને સફળતા પમાડશે.” (નીતિવચનો ૩:૬, IBSI) જો કે, બની શકે કે કોઈ બે વ્યક્તિ પોતાના મનને પરમેશ્વરના વિચારોથી ભરી દીધા હોય છતાં, જુદું જુદું વિચારતા હોય અને જુદા જુદા નિર્ણયો પર આવી શકે.

પરંતુ, તમારા મન બાઇબલના વિચારોથી ભરેલા હશે તો, તમે દેવને પસંદ પડે એવા નિર્ણયો લેશો. દાખલા તરીકે, લગ્‍ન પહેલાં સ્ત્રી-પુરુષે સાથે રહેવું કે કેમ. જો તમે પોતાના મનમાં બાઇબલના સિદ્ધાંતો નહિ ઠસાવ્યા હોય તો, તમને થશે કે એમાં શું ખોટું છે! એનાથી તો લગ્‍ન પછી કઈ કઈ મુશ્કેલીઓ આવશે અને બંને વ્યક્તિ સાથે રહી શકશે કે કેમ, એ નક્કી થાય છે. તેમ જ, લગ્‍ન જીવનમાં એકદમ ઝંપલાવવા પહેલાં જ તમે સચેત થઈ જશો. આવું વિચારતી વખતે કદાચ વ્યક્તિનું મન નહિ ડંખે. પરંતુ, પરમેશ્વર લગ્‍ન વિષે શું વિચારે છે, એ જો વ્યક્તિ ધ્યાનમાં રાખશે, તો પોતે લગ્‍ન વિષેનો સારો નિર્ણય લઈ શકશે.—૧ કોરીંથી ૬:૧૮; ૭:૧, ૨; હેબ્રી ૧૩:૪.

તમારા નિર્ણયોની બીજા પર થતી અસર

આપણા નિર્ણયની અસર બીજાને પણ થતી હોય છે. તેથી, કદી વગર વિચાર્યે નિર્ણય ન લઈએ, જેનાથી આપણા સગાં-વહાલાં કે મિત્રો સાથે અને ખાસ કરીને પરમેશ્વર સાથેના સંબંધમાં તરાડ પડે. નીતિવચનો ૧૦:૧કહે છે: “જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.”

જો કે એવો સમય પણ આવે છે જ્યારે દોસ્તોની પસંદગી કરવી જરૂરી બની જાય છે. જેમ કે, કોઈક વ્યક્તિ પહેલા અમુક ધાર્મિક માન્યતાઓ માનતા હોય. પરંતુ, બાઇબલ એનાથી કંઈક અલગ જ કહે છે એ જાણ્યા પછી વ્યક્તિ એવી બાબતોને છોડી દે છે. અથવા તો પરમેશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા માટે, વ્યક્તિ પોતાના જીવનમાં અમુક ફેરફારો કરવાનો નિર્ણય લે છે. જો કે આવા નિર્ણયો કદાચ દોસ્તારોને કે સગાં-વહાલાંને ન પણ ગમે. પરંતુ, ધ્યાન રાખવું જોઈએ કે જે નિર્ણય પરમેશ્વરને પસંદ છે, એ જ ખરો નિર્ણય કહેવાય.

બહુ જ મહત્ત્વનો નિર્ણય

આજે લોકો જીવન-મરણની પસંદગી વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આવું જ ઈસવી સન પૂર્વે ૧૪૭૩માં બન્યું હતું. ત્યારે ઈસ્રાએલી લોકો વચનના દેશને આંગણે આવીને ઊભા હતા. મુસાએ પરમેશ્વરનાં વચનો કહી સંભળાવ્યાં: “મેં આજે તારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે: યહોવાહ તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર; કેમકે તે તારૂં જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે; એ સારૂ કે જે દેશ તારા પિતૃઓને, એટલે ઇબ્રાહીમને, ઇસ્હાકને તથા યાકૂબને આપવાને યહોવાહે તેઓની આગળ સમ ખાધા, તેમાં તું વાસો કરે.”—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦.

બાઇબલ બતાવે છે કે આપણે ‘છેલ્લા સમયમાં સંકટના વખતોમાં’ જીવી રહ્યા છે. તેમ જ, ‘આ જગત બદલાઈ રહ્યું છે.’ (૨ તીમોથી ૩:૧; ૧ કોરીંથી ૭:૩૧) પરંતુ, થોડા જ સમયમાં પરમેશ્વર આ ખરાબ દુનિયાનો વિનાશ કરી, પોતાની સુંદર નવી દુનિયા લાવશે.

હા, આપણે નવી દુનિયાના બારણે આવીને ઊભા છીએ. પરંતુ, એ નવી દુનિયામાં કોને જીવન મળશે? વળી, શેતાન અને તેના ખરાબ જગતની સાથે સાથે કોનો વિનાશ થશે? (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧; નીતિવચનો ૨:૨૧, ૨૨) તેથી, એ ખૂબ જ જરૂરી છે કે સુખી જીવન માટે આજે જ આપણે નિર્ણય લઈએ. ખરેખર આમાં આપણા જીવન-મરણનો સવાલ છે. તમે આવી પસંદગી કઈ રીતે કરશો?

જો તમને કાયમી જીવન મેળવવું હોય તો, સૌથી પહેલા પરમેશ્વરની મરજી શું છે એ જાણવું પડશે. આ બાબતમાં ચર્ચના પાદરીઓએ કે ધર્મગુરુઓએ, લોકોને સાચી માહિતી આપી નથી. અરે, તેઓએ તો લોકોને વધારે ગૂંચવી નાખ્યા છે. ખરેખર, તેઓ લોકોને સમજાવી શક્યા નથી કે પરમેશ્વરને તો “આત્માથી તથા સત્યતાથી” ભજવું જોઈએ. (યોહાન ૪:૨૪) તેથી, આજે લોકો મન ફાવે એમ કરી રહ્યા છે, પણ પરમેશ્વરને શું પસંદ છે એ તરફ જરાય ધ્યાન નથી આપતા. ઈસુએ કહ્યું કે, “જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે.”—માત્થી ૧૨:૩૦.

આજે યહોવાહના સાક્ષીઓ રાજીખુશીથી લોકોને બાઇબલ શીખવી રહ્યા છે. તેઓ લોકોને ગમે એ રીતે બાઇબલનું જ્ઞાન આપી રહ્યા છે. જો કોઈને બાઇબલનું જ્ઞાન લેવું હોય તો, તેઓ રહેતા હોય ત્યાંના યહોવાહના સાક્ષીઓને મળી શકે અથવા તો આ મેગેઝિનના પ્રકાશકોને લખીને જણાવી શકે છે.

કદાચ અમુક લોકોને બાઇબલનું થોડું ઘણું જ્ઞાન હશે. તેઓ જાણતા પણ હશે કે બાઇબલ જ એક એવું પુસ્તક છે, જેના પર ભરોસો મૂકી શકાય. તેમ છતાં, હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ બાઇબલ પ્રમાણે પરમેશ્વરની સેવા કરવા કંઈ કરતા નથી. શા માટે તેઓ કોઈ પસંદગી કરતા નથી?

કદાચ તેઓ સાચા પરમેશ્વર અને તેમની ભક્તિથી અજાણ હોય શકે. ઈસુએ કહ્યું: “જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.” (માત્થી ૭:૨૧) એ માટે ફક્ત બાઇબલનું જ્ઞાન લેવું જ જરૂરી નથી. પણ સાથે સાથે પરમેશ્વરની સેવા કરવા માટે મન મક્કમ કરવાની પણ જરૂર છે. અગાઉના ખ્રિસ્તીઓએ એક સરસ દાખલો બેસાડ્યો. પહેલી સદીના અમુક લોકો વિષે બાઇબલ કહે છે: “ફિલિપ દેવના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧; ૮:૧૨) કોઈ કહેશે કે ‘હા, હું પૂરા દિલથી બાઇબલ સ્વીકારું છું અને એના પર ભરોસો પણ મૂકું છું. તેમ જ, હું બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવું છું.’ તો પછી, સવાલ થાય કે તે શા માટે બાપ્તિસ્મા લેતા નથી? (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૪-૩૮) એક વાત યાદ રાખવી જોઈએ કે જો તમારે પરમેશ્વરને ખુશ કરવા હોય તો, તમારે પોતે રાજી-ખુશીથી નિર્ણય કરવો પડશે.—૨ કોરીંથી ૯:૭.

પરંતુ, તમને થશે કે ‘હજુ તો મને બાઇબલનું પૂરું જ્ઞાન નથી.’ પણ ચિંતા ન કરો, કેમ કે મોટા ભાગે પરમેશ્વર વિષે શીખવાની શરૂઆત કરનારને પહેલ-વહેલા તો થોડું જ જ્ઞાન હોય છે. દાખલા તરીકે, કોણ કહી શકે કે, આજે તેઓ જે જાણે છે એ વર્ષો પહેલાં પણ જાણતા હતા? પરમેશ્વરની સેવા કરવા માટે કંઈ પંડિત બનવાની જરૂર નથી. પણ બાઇબલનું મૂળ શિક્ષણ અને પૂરા દિલની સેવા જરૂરી છે. એનાથી પરમેશ્વર રાજી થાય છે.

વળી, આજે ઘણા આવો નિર્ણય લેતા નથી કેમ કે તેઓને ડર છે કે પરમેશ્વરને પસંદ પડે એવું જીવન પોતે જીવી શકશે નહિ. હા, આજે ઘણા લોકોમાં પોતે કંઈ નહિ કરી શકે એવી લાગણી હોય છે, એટલે તેઓ કોઈ નિર્ણય પર આવી શકતા નથી. દાખલા તરીકે, કોઈ વ્યક્તિને એમ લાગી શકે કે હું લગ્‍ન કરી, કુટુંબની જવાબદારી નહિ ઉપાડી શકું! પણ જ્યારે તે લગ્‍ન કરે છે ત્યારે આપોઆપ બધું શીખી જાય છે. એ જ રીતે, કોઈ યુવાનને નવું નવું જ લાયસન્સ મળ્યું હોય તો તે વાહન ચલાવતા ઘણો જ ગભરાશે. ખાસ કરીને, જ્યારે તે સાંભળે કે રોજ કેટલા યુવાનોના અકસ્માત થઈ રહ્યા છે ત્યારે તે વધારે ડરી જાય છે. જો કે એ મનમાં રાખવું તેના માટે સારું છે જેથી તે ધ્યાન રાખી વાહન ચલાવી શકે. પણ એનાથી ડરી જઈને લાયસન્સ જ ન લે એ વાત બરાબર નથી.

જીવન પસંદ કરો!

બાઇબલ જણાવે છે કે રાજકારણ, જૂઠા ધર્મો અને વેપારધંધા, આ સર્વ સાથે દુનિયાનો જલદી જ અંત આવશે. પણ જેઓ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવે છે, તેઓ જ સફળ થશે અને આ પૃથ્વી પર હંમેશ માટે જીવશે. આ દુનિયાના વિનાશમાંથી બચનારા નવી દુનિયામાં જશે, અને આ પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવશે. તેઓ પરમેશ્વરનો મૂળ હેતુ પૂરો કરશે. તો પછી, જીવનમાં સફળ થવા માટે શું તમને પરમેશ્વરના માર્ગે ચાલવું ગમશે?

જો એમ હોય તો દિલથી બાઇબલનું જ્ઞાન લો. પરમેશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા માટે શું કરવું એનું શિક્ષણ લેવાનો પાક્કો નિર્ણય લો. તેમ જ, ફક્ત શીખવાનો જ નહિ, પણ એ પ્રમાણે જીવવાનો નિર્ણય લો. હા, જીવન સફળ બનાવવા કાલે નહિ, આજે જ ખરો નિર્ણય લો.

[પાન ૪ પર ચિત્ર]

કોઈ પણ મહત્ત્વના નિર્ણયો ઉતાવળે ન લો

[પાન ૫ પર ચિત્ર]

જીવનમાં તમે શું બનવા માંગો છો, એ વિષે સલાહ લો

[પાન ૭ પર ચિત્ર]

પરમેશ્વરની સેવા કરવાનો નિર્ણય હમણાં લેનારા, સફળ થશે અને આ પૃથ્વીને સુંદર બનાવશે