સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મન પર કાબૂ રાખો

મન પર કાબૂ રાખો

મન પર કાબૂ રાખો

‘તમે પોતાના જ્ઞાનની સાથે સંયમ જોડી દો.’—૨ પીતર ૧:૫-૮.

૧. આપણને શા માટે ઘણા પ્રોબ્લમ છે?

 અમેરિકામાં ડ્રગ્સની સામે જોરદાર લડત શરૂ થઈ. એમાં યુવાનોને સલાહ આપવામાં આવી કે કોઈ ડ્રગ્સની ઑફર કરે તો, ‘ઘસીને ના કહો.’ પરંતુ, આજે ફક્ત ડ્રગ્સનો જ પ્રોબ્લમ કે મુશ્કેલી નથી. લોકો દારૂડિયા છે, સમાજમાં લફરાં ચલાવી લેવાય છે, અને વેપારમાં ગોલ-માલ ચાલે છે. જો લોકો મનની એવી દરેક ઝેર જેવી લાલસાને ઘસીને ના પાડે, તો કેવું સારું! (રૂમીઓને પત્ર ૧૩:૧૪) જો કે હર વખત એમ કરવું સહેલું નથી હોતું.

૨. (ક) બાઇબલના કયા અનુભવો બતાવે છે કે મન પર કાબૂ રાખવો સહેલું નથી? (ખ) આ અનુભવો આપણને કઈ રીતે મદદ કરી શકે?

આપણે કોઈ પણ તન-મન પર પૂરેપૂરો કાબૂ રાખી શકતા નથી. એટલે આપણે જાણવા માંગીએ છીએ કે કઈ રીતે એમ કરી શકાય. બાઇબલ આપણને મદદ કરી શકે છે. એ જણાવે છે કે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરતા લોકો પહેલાના સમયમાં પણ થઈ ગયા. જીવનમાં અમુક સમયે તેઓએ પણ સખત લડત આપવી પડી હતી. દાઊદે બાથ-શેબા સાથે કરેલા વ્યભિચારનો વિચાર કરો. એના કારણે બે નિર્દોષ જીવ માર્યા ગયા. એક તો તેઓને થયેલું બાળક અને બાથ-શેબાનો પતિ. (૨ શમૂએલ ૧૧:૧-૨૭; ૧૨:૧૫-૧૮) હવે, પ્રેષિત પાઊલનો દાખલો લો, જેમણે પોતે કહ્યું: “જે સારૂં હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરૂં છું.” (રૂમીઓને પત્ર ૭:૧૯) શું તમને પણ કોઈ વાર એવું જ લાગે છે? પાઊલ કહે છે: “હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે [દિલમાં] દેવના નિયમમાં આનંદ માનું છું. પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમ બંધનમાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે?” (રૂમીઓને પત્ર ૭:૨૨-૨૪) ખરેખર, બાઇબલના આવા અનુભવો જાણે ટૉનિક જેવા છે, જે આપણા મન પર કાબૂ રાખવાની લડતમાં જીતવા મદદ કરે છે.

તન-મન પર કાબૂ રાખતા શીખો

૩. શા માટે કાબૂ રાખવો સહેલો નથી?

આપણને બીજો પીતર ૧:૫-૭ સંયમ અથવા કાબૂ રાખવા જણાવે છે. સાથે સાથે એ વિશ્વાસ, ચારિત્ર, જ્ઞાન, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રીતિ, અને પ્રેમ વિષે પણ વાત કરે છે. શું આમાંનો કોઈ પણ ગુણ આપોઆપ આવી જાય છે? ના, એ દરેક ગુણ કેળવવા પડે છે. એના માટે નક્કર મન અને અથાક પ્રયત્નો કરવા પડે છે. ખરેખર, તન-મન પર કાબૂ રાખવો કંઈ સહેલી વાત નથી.

૪. શા માટે ઘણાને એમ લાગે છે કે પોતાના પર કાબૂ રાખવામાં કંઈ પ્રોબ્લમ નથી?

મોટા ભાગે લોકો કહેશે કે મારે એ વિષે કોઈ પ્રોબ્લમ નથી. પરંતુ, જાણે-અજાણે તેઓ પોતાના મનના ગુલામ બની એને ઇશારે નાચે છે. જેના અમુક કામોની અસર કાતિલ ઝેર જેવી હોય છે. (યહુદા ૧૦) પહેલાના કરતાં આજે આપણા તન-મનને વશમાં રાખવું બહુ અઘરું બનતું જાય છે. એનું કારણ એ છે કે આપણે “છેલ્લા સમયમાં” જીવીએ છીએ. પાઊલે કહ્યું હતું કે ‘સંકટના વખતો આવશે, . . . કેમકે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, . . . અને સંયમ ન રાખનારા થશે.’—૨ તીમોથી ૩:૧-૩.

૫. શા માટે યહોવાહના લોકો મન પર કાબૂ રાખવાનું મહત્ત્વનું સમજે છે? કઈ સલાહ આજે પણ લાગુ પડે છે?

યહોવાહના ભક્તો જાણે છે કે મનને કેળવવું કંઈ રમત વાત નથી. પાઊલની જેમ, આપણે જાણીએ છીએ કે યહોવાહને પૂરા દિલથી ભજવાની તમન્‍ના અને પાપી દેહની ઇચ્છાઓ, એ બંને વચ્ચે રાત-દિવસ લડાઈ ચાલે છે. તેથી, આપણે એ જાણવા ચાહીએ છીએ કે કઈ રીતે જીત મેળવી શકાય. છેક ૧૯૧૬ની સાલમાં, આ મેગેઝિને “આપણી વાણી, વિચારો અને વર્તન પર કંટ્રોલ રાખવા વિષે” જણાવ્યું હતું. એમાં ફિલિપી ૪:૮ના શબ્દો દિલમાં ઉતારવાનું સૂચન હતું. ખરું કે એ કલમ લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં લખાઈ હતી, તેમ છતાં આજે પણ ઘણી જ મદદ કરી શકે છે. જો કે એ સલાહ પાળવી તે સમયે સહેલી ન હતી અને આજે પણ સહેલી નથી. યહોવાહના લોકો દુન્યવી લાલસાના ગુલામ ન બનવા સતત પ્રયત્નો કરે છે. આમ, તેઓ યહોવાહના થઈને રહે છે.

૬. આપણે કાબૂ રાખતા શીખીએ ત્યારે શા માટે હિંમત ન હારીએ?

ગલાતી ૫:૨૨, ૨૩ જણાવે છે: “પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે.” આપણા મન પર કાબૂ અથવા સંયમ રાખવાથી આપણને જ ફાયદો છે. પ્રેષિત પીતરે સમજાવ્યું કે એ આપણને યહોવાહની સેવામાં “આળસુ તથા નિષ્ફળ” બનવા નહિ દેશે. (૨ પીતર ૧:૮) જો કે આપણે પોતાની પાસેથી મોટી મોટી આશા રાખવા ન માંડીએ. આપણે બધા એક સરખા નથી. તમને ખબર હશે કે સ્કૂલમાં કે નોકરી પર કોઈ જલદી શીખે તો કોઈ ધીમે ધીમે શીખે. આપણે સુપર ફાસ્ટ ટ્રેનની ઝડપે શીખીએ કે લોકલની ઝડપે, એ મહત્ત્વનું નથી. પણ આપણે આ હીરા-મોતી જેવા ગુણો કેળવતા રહીએ એ મહત્ત્વનું છે. એમ કરવા યહોવાહ આપણને બાઇબલ અને મંડળ દ્વારા મદદ કરે છે.

૭. મન પર કાબૂ રાખતા શીખવું કેમ જરૂરી છે?

ખરું કે લીસ્ટમાં સંયમ સૌથી છેલ્લે આવે છે, છતાં પણ એ બહુ જરૂરી ગુણ છે. જો આપણે પોતાના પર પૂરેપૂરો કાબૂ રાખી શકતા હોત, તો આપણે “દેહનાં કામ” ન કરતા હોત. પરંતુ આપણે પાપી છીએ, એટલે “વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી” જેવી કોઈને કોઈ મુસીબતોમાં પડીએ જ છીએ. (ગલાતી ૫:૧૯, ૨૦) તેથી, ચાલો પાક્કો નિર્ણય કરીએ કે આપણા દિલો-દિમાગમાંથી એવા ઝેરી સ્વભાવનું નામ-નિશાન મિટાવી દઈએ.

અમુકે વધારે ધ્યાન આપવાની જરૂર

૮. અમુકને મન પર કાબૂ રાખવો શા માટે વધારે અઘરો લાગી શકે?

આપણામાંના અમુકને કુટુંબને કારણે કે અગાઉના અનુભવોને કારણે, પોતાના પર કાબૂ રાખવો અઘરો લાગી શકે. જો અમુકને અઘરું ન લાગે તો સારું કહેવાય. પરંતુ, જેઓને એ માટે લડત કરવી પડતી હોય, તેઓ સાથે આપણે સમજી-વિચારીને વર્તીએ. આપણે તેઓને પૂરો સાથ આપીએ, ભલેને પછી એ કારણે આપણને કોઈ તકલીફ પડે. આપણે બધા જ પાપી છીએ, એટલે આપણે કોઈ બીજાનો વાંક કાઢી શકતા નથી.—રૂમીઓને પત્ર ૩:૨૩; એફેસી ૪:૨.

૯. આપણામાંથી અમુકને કેવા પ્રોબ્લમ હોય છે? એ બધા પર કાયમ માટેની જીત ક્યારે મેળવી શકાશે?

દાખલા તરીકે તમે કોઈ ભાઈ કે બહેનને જાણતા હોવ, જેમણે સિગારેટ કે ડ્રગ્સ છોડી દીધા હોય, પણ હજુ કોઈ કોઈ વાર એની તલપ લાગતી હોય. અમુકને વધારે પડતું ખાવા-પીવાની આદત પડી ગઈ હોય. વળી, અમુક પોતાની જીભ પર લગામ રાખી શકતા ન હોય. ખરેખર, તન-મન પર કાબૂ રાખવો સહેલી વાત નથી. હકીકત એ છે કે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.” (યાકૂબ ૩:૨) કોઈને વળી જુગાર રમવાનું બહુ મન થતું હોય. અમુકનું મગજ બહુ જલદી તપી જતું હોય શકે. આપણી આવી નબળાઈ પર કાબૂ મેળવતા ટાઈમ લાગી શકે, અને આપણે અમુક હદે જરૂર સફળ થઈશું. પરંતુ, આવી ખરાબ ઇચ્છા પર કાયમ માટેની જીત તો યહોવાહના રાજમાં આપણે સંપૂર્ણ થઈશું ત્યારે જ મળશે. ત્યાં સુધી આપણે મનને કેળવતા રહીશું તો, પાપી જીવનની ગંદકીમાં પાછા નહિ પડીએ. તેથી, ચાલો આ લડતમાં આપણે એકબીજાને દિલથી સાથ આપીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૧, ૨૨.

૧૦. (ક) અમુક માટે જાતીય લાગણી પર કાબૂ રાખવો શા માટે ચેલેંજ ઊભી કરે છે? (ખ) એક ભાઈએ કયો મોટો ફેરફાર કરવો પડ્યો? (પાન ૧૬ પરનું બોક્ષ જુઓ.)

૧૦ યહોવાહે આપણને જાતીય સંબંધની લાગણી સાથે બનાવ્યા છે. પરંતુ, અમુકને આ બાબતે તન-મન પર કાબૂ રાખવામાં મુશ્કેલી પડે છે. આ દુનિયા આપણને ચતુરાઈથી જાળમાં ફસાવે છે કે જાતીય સંબંધનો આનંદ માણવા સિવાય જીવનમાં બીજું કશું જ નથી. આમ, એ લોકોની લાગણી ઉશ્કેરી બળતામાં ઘી ઉમેરે છે. આજે આપણામાં ઘણા યુવાનિયા કુંવારા રહેવા માંગે છે, જેથી દુનિયાદારીની ચિંતા વગર યહોવાહની વધારે સેવા કરી શકે. ખાસ કરીને તેઓ માટે આ મોટી ચેલેંજ ઊભી કરે છે. (૧ કોરીંથી ૭:૩૨, ૩૩, ૩૭, ૩૮) તેથી જો તેઓ પરણી જવાનું નક્કી કરે તો કંઈ વાંધો નથી, કેમ કે શાસ્ત્ર જણાવે છે કે “વાસનાના અગ્‍નિમાં બળવા કરતાં લગ્‍ન કરવું સારું છે.” (પ્રેમસંદેશ) જો કે તેઓ “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરશે તો સુખી થશે. (૧ કોરીંથી ૭:૯, ૩૯) યહોવાહ એ જોઈને ખુશ થાય છે કે, યુવાનિયા પણ તેમના સંસ્કારને વળગી રહે છે. તેઓના ઉદાહરણથી ખરેખર આપણને પણ ખૂબ આનંદ થાય છે.

૧૧. કોઈને પરણવું હોય પણ હજુ યોગ્ય સાથી ન મળ્યું હોય, તેમને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

૧૧ હવે કલ્પના કરો કે કોઈને પરણવું હોય પણ હજુ યોગ્ય સાથી ન મળે તો શું? એ વ્યક્તિ નિરાશ બની વિચારે પણ ચઢી જાય કે, ‘મારા મિત્રો તો પરણી ગયા, હું રહી જઈશ કે કેમ?’ કોઈ વાર અમુક લોકો જાતીય લાગણી સંતોષવા ગંદી ટેવોમાં પણ ફસાઈ જાય. કોઈ ભાઈ કે બહેન કુંવારા રહેવા બનતી કોશિશ કરતા હોય ત્યારે, આપણે તેઓને સાથ આપીએ. આપણે ભૂલે-ચૂકે પણ આવું કંઈ કહીને તેઓને ટોકીએ નહિ કે, “ક્યારે બોલાવવાના તમારા લગ્‍નમાં?” ભલે તમે ખોટા ઇરાદાથી પૂછ્યું ન હોય, પણ સામેવાળા પર એની શું અસર થશે? એના બદલે આપણે પોતાની જીભ પર લગામ રાખીએ તો કેવું સારું! (ગીતશાસ્ત્ર ૩૯:૧) જેઓ કુંવારા હોવા છતાં, આ દુનિયાની ગંદકીથી દૂર રહે છે, તેઓ ખરેખર બહુ સારું કરે છે. આપણે તેઓને નિરાશ કરવાને બદલે, ઉત્તેજન આપીએ. વળી, કુંવારા ભાઈ-બહેનોને પણ આપણા ઘરે બોલાવીએ. જેથી, આપણે એકબીજાની સંગતનો આનંદ માણી ઉત્તેજન મેળવતા રહીએ.

લગ્‍ન સંબંધમાં સંયમ

૧૨. પતિ-પત્નીએ પણ કોઈ વાર શા માટે કાબૂ રાખવો પડે છે?

૧૨ જો કે લગ્‍ન થઈ જાય એટલે એવું નથી કે જાતીય લાગણી ઉપર કોઈ કાબૂની જરૂર નથી. દાખલા તરીકે, પતિ અને પત્નીની જાતીય લાગણીની જરૂરિયાત જુદી જુદી હોય શકે. કોઈ વાર પતિ કે પત્નીની તબિયત નરમ-ગરમ હોય શકે, જેના લીધે શરીર સંબંધ ન બાંધી શકાય. કદાચ કોઈને લગ્‍ન પહેલાં એવા અનુભવ થયા હોય, જેના કારણે આ સલાહ પાળવી અઘરી લાગે: “પતિએ પત્નીની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ. તેવી જ રીતે પત્નીએ પતિની જાતીય જરૂરિયાત સંતોષવી જોઈએ.” એવા સંજોગોમાં તેમના સાથીએ પોતાની લાગણી પર વધારે કાબૂ રાખવો પડે. પરંતુ, પતિ-પત્ની બંનેએ પાઊલની આ સલાહ પણ ધ્યાનમાં રાખવી: ‘જાતીય સંબંધ માટે એકબીજાને ના પાડશો નહિ, સિવાય કે એકબીજાની સંમતિ હોય અને તે પણ અમુક સમય પ્રાર્થનામાં ગાળવા માટે જ. પણ, ત્યાર પછી, શેતાન તમને પરીક્ષામાં નાખી ન દે માટે તમારા સંબંધ ચાલુ રાખો.’—૧ કોરીંથી ૭:૩,, પ્રેમસંદેશ.

૧૩. તન-મન પર કાબૂ રાખવા પ્રયત્ન કરતા હોય, તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

૧૩ ખરેખર, પતિ અને પત્ની બંને આ નાજુક સંબંધમાં પણ યોગ્ય સંયમ જાળવે એ કેવું સરસ કહેવાય. સાથે સાથે, તેઓ બીજા ભાઈ-બહેનોને પૂરો સાથ આપે, જેઓને હજુ એ બાબતે પ્રોબ્લમ છે. આપણે એવા ભાઈ-બહેનો માટે યહોવાહને ખાસ વિનંતી કરી શકીએ. જેથી, યહોવાહની મદદથી તેઓ સમજી વિચારીને, હિંમતથી મનને કેળવતા રહે. તેમ જ, અયોગ્ય ઇચ્છાઓ પર જીત મેળવે.—ફિલિપી ૪:૬, ૭.

એકબીજાને મદદ કરતા રહો

૧૪. આપણે ભાઈ-બહેનો પ્રત્યે કેમ માયાળુ બનીને સમજણથી વર્તવું જોઈએ?

૧૪ આપણે બધા જુદા જુદા સ્વભાવના છીએ. કોઈ વાર આપણને જેમાં પ્રોબ્લમ ન હોય, એમાં આપણા ભાઈ કે બહેનને પ્રોબ્લમ હોય શકે. બની શકે કે આપણે સમજતા નથી કે તેઓ પર શું વીતે છે. કોઈ જલદી હસી શકતું હોય, રડી શકતું હોય. જ્યારે કે કોઈ તરત જ એમ ન પણ કરી શકે. અમુક જલદીથી મનને વશમાં કરી લે, કોઈ ન પણ કરી શકે. ખાસ તો એ યાદ રાખવું કે વ્યક્તિ કંઈ ખરાબ નથી, પણ તે પોતાના મન સાથે લડી રહી છે. તેથી, આપણે તેમને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે માત્થી ૫:૭ની સલાહ માનીશું તો, આપણને પણ ખુશી થશે.

૧૫. ગીતશાસ્ત્ર ૧૩૦:૩ કેવો દિલાસો આપે છે?

૧૫ શક્ય છે કે કોઈ આપણી સાથે સારી રીતે ન પણ વર્તે. તેમ છતાં આપણે કદી કોઈનો વાંક કાઢવો જોઈએ નહિ. એના બદલે આપણે પોતાનો વિચાર કરીએ: આપણે કંઈ ખોટું કરીએ, તો યહોવાહ જુએ છે. પરંતુ, શું આપણને એ જાણીને ખુશી નથી થતી કે સારું કરીએ, એ પણ યહોવાહ જુએ છે? ગીતશાસ્ત્ર ૧૩૦:૩ ખરેખર દિલાસો આપે છે: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?”

૧૬, ૧૭. (ક) ગલાતી ૬:૨, આપણને કઈ રીતે મદદ કરી શકે? (ખ) હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૧૬ આપણે યહોવાહના મિત્ર બનવું હોય તો, તન-મન પર કાબૂ રાખતા શીખવું જ જોઈએ. એ માટે આપણા ભાઈ-બહેનો જરૂર મદદ કરશે. ખરું કે આપણે દરેકે પોતાની જવાબદારી ઉપાડવી પડશે. પણ એકબીજાને કોઈ પ્રોબ્લમ હોય તો મદદ કરવી આપણી ફરજ છે. (ગલાતી ૬:૨,) વળી જો તમારા માબાપ, પતિ કે પત્ની, અથવા દોસ્ત તમને ખોટે માર્ગે જતા અટકાવે, તો તેમની કદર કરો. તેઓ તમને ખોટી જગ્યાએ જવાની, ખોટું કરવાની કે ખોટી બાબતો જોવાની ના કહે તો, તેમનું સાંભળો. એનાથી તમારા મનને કેળવવા મદદ મળશે!

૧૭ આ લેખમાં તન-મન પર કાબૂ રાખવા વિષે આપણે ઘણી વાતો કરી ગયા. આપણામાંના ઘણા એ પ્રમાણે કરતા હોય શકે. પરંતુ, આપણને લાગે કે ‘હું જેટલો વધારે સુધારો કરું એમાં મારું જ ભલું થશે. તો હું એ કઈ રીતે કરી શકું?’ શું તમને પણ એવું જ લાગે છે? સંયમ યહોવાહના પવિત્ર આત્માનું ફળ છે. એ આપણે હજુ વધારે કઈ રીતે કેળવી શકીએ? એ આપણને યહોવાહના મિત્ર બનવા કઈ રીતે મદદ કરશે? એના વિષે હવે પછીના લેખમાં જોઈએ.

શું તમને યાદ છે?

તન-મન પર કાબૂ રાખવો . . .

• શા માટે જરૂરી છે?

• અમુક માટે કેમ ચેલેંજ ઊભી કરે છે?

• લગ્‍ન જીવનમાં કેમ જરૂરી છે?

• શા માટે આપણે એકબીજાને મદદ કરવાની જરૂર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર બોક્સ/ચિત્ર]

આ ભાઈએ જીત મેળવી

જર્મનીમાં એક યહોવાહના સાક્ષી ટેકનિકલ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. તેમણે જુદા જુદા ૩૦ ટેલિવિઝન અને રેડિયો પ્રોગ્રામ પર ધ્યાન રાખવાનું હતું. જ્યારે કોઈ પ્રોબ્લમ આવે ત્યારે, એનો ઉકેલ લાવવાનો હતો. એ ભાઈ કહે છે: “મોટે ભાગે પ્રોગ્રામ ખોટી જગ્યાએ જ અટકી પડતો, જ્યારે મારા-મારી કે સેક્સ અથવા જાતીય સંબંધો દેખાતા હોય. એવા ગંદા ચિત્રો જાણે મારા મગજમાં પ્રિન્ટ થઈ જતા. ઘણા દિવસો સુધી જાણે મારા મનમાંથી જવાનું નામ જ લેતા નહિ.” તે ભાઈ કબૂલે છે કે એનાથી તેનો સ્વભાવ બદલાવા લાગ્યો: ‘હું મારા મન પર કાબૂ રાખી શકતો નહિ, એટલે વાત વાતમાં મારો ગુસ્સો આસમાને ચડી જતો. સેક્સના દૃશ્યોની અસર મારી પત્ની સાથેના સંબંધ પર પડી. દરરોજ જાણે મારી અંદર કુસ્તી ચાલતી. પરંતુ, મારે જીત મેળવવી હતી! એટલે ભલેને ઓછો પગાર મળે, પણ મેં બીજી નોકરી શોધી. થોડા સમય પહેલાં જ મને બીજી નોકરી મળી ગઈ. હું જીતી ગયો.’

[પાન ૧૫ પર ચિત્ર]

મન કેળવવા આપણને બાઇબલ મદદ કરે છે