સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સોંન ટુમે અને પ્રિંસિપામાં પ્રચાર કાર્ય

સોંન ટુમે અને પ્રિંસિપામાં પ્રચાર કાર્ય

સોંન ટુમે અને પ્રિંસિપામાં પ્રચાર કાર્ય

મોટા ભાગના લોકોએ આ ટાપુઓ, સોંન ટુમે અને પ્રિંસિપાના નામ કદી નહિ સાંભળ્યા હોય. આ ટાપુઓ વિષે પુસ્તકોમાં પણ બહુ ઓછી માહિતી જોવા મળે છે. વળી, દુનિયાના નકશામાં પણ એ નાનકડાં બિંદુઓ જેવા દેખાય છે જે ગિનીના અખાતમાં આવેલા છે. સોંન ટુમે ભૂમધ્ય રેખા પર આવેલું છે. જ્યારે કે પ્રિંસિપા, સોંન ટુમેના ઉત્તર-પૂર્વે આવેલું છે. ત્યાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી વાતાવરણ ભેજવાળું રહે છે. એના લીધે ત્યાં ખૂબ જ ઝાડ અને જંગલો જોવા મળે છે. આ ઝાડ એટલા લાંબા હોય છે કે એ ૨,૦૦૦ મીટર જેટલા ઊંચા ઊંચા પર્વતોને પણ ઢાંકી દે છે.

આ ગરમ ટાપુઓની ચારે બાજુ આસમાની રંગનો દરિયો છે. વળી, દરિયા કિનારે તો તાડના ઝાડની લાઈન લાગેલી છે. અહીંના લોકોનો સ્વભાવ એકદમ મળતાવડો છે. તેમ જ, લોકો ઉદાર દિલના છે. અહીંયાં યુરોપ અથવા તો આફ્રિકાના, મિક્સ જાતિના લોકો રહે છે. અહીં ૧,૭૦,૦૦૦ની વસ્તી છે. તેઓ ખાસ કરીને કોકોનું ઉત્પાદન કરે છે. તેમ જ, તેઓ ખેતીવાડી અને માછલી પકડવાનો ધંધો પણ કરે છે. આમ, તેઓ અહીંની વસ્તુઓ બહારના બીજા દેશોમાં મોકલે છે. જો કે અહીં હમણાં હમણાં તો ખાવાના પણ સાંસા પડે છે.

પરંતુ, વીસમી સદીના છેલ્લા દસ વર્ષમાં કંઈક એવું બન્યું, જેનાથી આ ટાપુઓના લોકો પર ઊંડી અસર થઈ. સોંન ટુમે અને પ્રિંસિપાની સરકારોએ, જૂન ૧૯૯૩માં યહોવાહના સાક્ષીઓને પ્રચાર કરવાની છૂટ આપી. આમ, આ ટાપુઓમાં યહોવાહના સાક્ષીઓના વર્ષોથી ચાલી રહેલા મુશ્કેલ અને દુઃખી ઇતિહાસનો અંત આવ્યો.

ટાપુ પર સૌ પ્રથમ યહોવાહના સાક્ષીઓ

લગભગ ૧૯૫૦ પછી, આફ્રિકા પર કબજો જમાવી બેઠેલા પોર્ટુગલના લોકોએ, અમુક કેદીઓને આ ટાપુઓ પર મજૂરી કરવા મોકલ્યા. આ રીતે યહોવાહના સાક્ષીઓ આ ટાપુઓ પર આવ્યા. એક આફ્રિકાના પાયોનિયર ભાઈને, મોઝંબિકમાંથી કાઢી મૂકવામાં આવ્યા, કારણ કે તે ત્યાં પ્રચાર કાર્ય કરતા હતા. પરંતુ, આ ટાપુઓ પર પણ તેમણે હિંમત હાર્યા વગર પ્રચાર કરવાનું ચાલુ જ રાખ્યું. એનાથી, ફક્ત છ જ મહિનામાં બીજા ૧૩ લોકો પણ તેમની સાથે જોડાયા. એ જ રીતે થોડાક સમય પછી, અંગોલાથી પણ અમુક યહોવાહના સાક્ષીઓ આ ટાપુઓ પર આવ્યા. તેઓ કેદમાં હોવા છતાં, દરેકે-દરેક પળનો ઉપયોગ કરીને, આ ટાપુના લોકોને પ્રચાર કર્યો.

વર્ષ ૧૯૬૬માં, આ મજૂરી કરતા બધા ભાઈઓને સોંન ટુમેથી, મૂળ આફ્રિકા દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા. હવે આ ટાપુ પર ગણ્યા-ગાંઠ્યા ભાઈબહેનો જ રહી ગયા. પરંતુ, તેઓએ હિંમતથી કામ લીધું. અહીં તેઓને ઉત્તેજન માટે કે તેઓની મુલાકાત લેવા માટે કોઈ જ યહોવાહના સાક્ષીઓ ન હતા. તેથી, તેઓ એક જગ્યાએ બાઇબલનો અભ્યાસ કરવા ભેગા મળ્યા. એના લીધે, તેઓની પુષ્કળ સતાવણી થઈ, મારવામાં આવ્યા અને કેદ કરવામાં આવ્યા. આ ટાપુ ૧૯૭૫માં પોર્ટુગલથી આઝાદ થયો. ખરેખર, જે સત્યના બી વાવેલા હતા એના હવે ધીરે-ધીરે ફળ આવવા મંડ્યા.

વધારે ભાઈબહેનો, વધારે બાંધકામ

જૂન ૧૯૯૩માં, યહોવાહના સાક્ષીઓને સરકારે છૂટ આપી ત્યારે, સો જેટલા પ્રકાશકો હતા. એ જ વર્ષે, બે સ્પેશિયલ પાયોનિયરો પોર્ટુગલથી આવ્યા. તેઓએ પોર્ટુગલની ક્રેઓલ ભાષા શીખવા ઘણી મહેનત કરી. એના લીધે તેઓ ત્યાંના લોકોમાં પ્રિય થઈ પડ્યા હતા. એ વખતે સૌથી મોટી જરૂરિયાત એક કિંગ્ડમ હૉલની હતી, જ્યાં તેઓ ભેગા મળીને યહોવાહનું શિક્ષણ લઈ શકે. આ સાંભળીને મારિયા નામની બહેને, પોતાની અર્ધા ભાગની જમીન ભાઈઓને દાનમાં આપી દીધી. ત્યાં એક સરસ, મોટો કિંગ્ડમ હૉલ બાંધી શકાય એટલી એ જમીન હતી. પરંતુ, મારિયાને ખબર ન હતી કે એ જમીન પર તો અમુક લોકોની નજર હતી, કેમ કે મારિયાને નજીકનું કોઈ સગું-વહાલું હતું નહિ. એક દિવસે એક મોટો વેપારી મારિયાને સમજાવવા આવ્યો.

વેપારીએ કહ્યું: “મેં સાંભળ્યું છે કે તમે આ જમીન દાનમાં આપી દીધી છે. તમે એ ઠીક કર્યું નથી. એના તો મોં માગ્યા પૈસા મળી શકે, કારણ કે શહેરની વચ્ચોવચ આવી જમીન ક્યાંથી મળે!”

મારિયાએ પૂછ્યું: “તમારે એ જમીન કેટલામાં લેવી છે?” એ માણસે જવાબ ન આપ્યો. એટલે મારિયાએ કહ્યું: “તમે આ દુનિયાની બધી જ દોલત મારી આગળ ધરી દેશો તો પણ બસ નહિ થઈ રહે, કારણ કે પૈસાથી જીવન ખરીદી શકાતું નથી.”

પેલા માણસે સામેથી પૂછ્યું: “તમારે તો આગળ-પાછળ કોઈ નથી, બરાબર ને?”

મારિયાએ વાત ટૂંકાવતા કહ્યું: “આ જમીન તો મને યહોવાહે આપેલી છે. તેમણે વર્ષોથી ઉછીની આપેલી જમીન મેં તેમને પાછી આપી દીધી. હવે તો બસ હું કાયમનું જીવન મેળવવાની રાહ જોઈ રહી છું.” પછી મારિયાએ પેલા વેપારીને પૂછ્યું: “શું તમે મને કાયમનું જીવન આપી શકો છો, નહિ ને?” પેલો વેપારી મૂંગે મોઢે ત્યાંથી જતો રહ્યો.

એ જ જમીન પર ખૂબ જ સુંદર બે માળનું મકાન બંધાયું. એના બાંધકામ માટે પોર્ટુગલના ભાઈઓએ ખૂબ જ મહેનત કરી હતી. આ મકાનની નીચે એક મોટું ભોંયરું છે. તેમ જ, મોટો કિંગ્ડમ હૉલ અને રહેવા માટે રૂમની પણ સગવડ છે. વડીલો, સેવકાઈ ચાકરો અને પાયોનિયરો ત્યાં ભેગા મળી શકે, એ માટે ક્લાસ રૂમો પણ છે. હવે ત્યાં બે મંડળો મિટિંગો ભરી શકે છે. ખરેખર, શહેરની વચ્ચોવચ યહોવાહની સેવા કરવા માટેની આ સુંદર જગ્યા છે.

વળી, મૅઝોઝ્સી શહેરના મંડળમાં ૬૦ જેટલા જોશીલા પ્રકાશકો છે. તેઓએ કેળાના ખેતરમાં કામચલાઉ કિંગ્ડમ હૉલ બાંધ્યો હતો. એક સારા કિંગ્ડમ હૉલની ખાસ જરૂર હતી. તેથી, ભાઈઓએ ત્યાંની સરકારને જણાવ્યું. અમુક અધિકારીઓએ એક સરસ જમીન બતાવી. ફક્ત બે જ મહિનામાં, પોર્ટુગલના ભાઈઓએ સુંદર કિંગ્ડમ હૉલ બાંધી દીધો. આજુબાજુના લોકો તો મોંમાં આંગળાં નાખી ગયા! એક સ્વિડનનો એંજિનિયર એ શહેરમાં બીજી કોઈ જગ્યાએ કામ કરતો હતો. તે આ ભાઈબહેનોને કામ કરતા જોઈને બોલી ઊઠ્યો: “માનવામાં નથી આવતું! અહીં મૅઝોઝ્સીમાં પણ યહોવાહના સાક્ષીઓએ આટલી ઝડપથી બાંધકામ કર્યું. આવું કામ તો અમારે કરવું જોઈતું હતું.” આ કિંગ્ડમ હૉલ જૂન ૧૨, ૧૯૯૯માં તૈયાર થયો અને એના સમર્પણ વખતે ૨૩૨ ભાઈબહેનો આવ્યા હતા. ખરેખર, જે લોકો અહીં ફરવા આવતા તેઓની પહેલી નજર આ હૉલ પર જ પડતી.

એક યાદગાર સંમેલન

સોંન ટુમે અને પ્રિંસિપામાં જાન્યુઆરી ૧૯૯૪માં એક યાદગાર સંમેલન થઈ ગયું. આ ટાપુઓમાં એ પહેલ-વહેલું જ સંમેલન હતું. એ ત્રણ દિવસનું હતું અને એનો વિષય હતો “દૈવી શિક્ષણ.” એ એક સુંદર એ.સી. ઑડિટોરિયમમાં રાખવામાં આવેલું. એ સંમેલનમાં ૧૧૬ પ્રકાશક હતા અને ૪૦૫ની હાજરી હતી. તેઓએ પહેલી વખત બાઇબલ વિષે ડ્રામા જોયો અને નવા પુસ્તકો પણ મેળવ્યાં. જરા વિચારો કે ત્યાંના ભાઈબહેનો કેવા રાજી રાજી થઈ ગયા હશે! વળી, ત્યાં દરિયા કાંઠે ૨૦ ભાઈ-બહેનો બાપ્તિસ્મા પણ પામ્યા.

આ સંમેલનમાં બીજા શહેરથી આવેલા ભાઈબહેનોએ પહેરેલા લૅપલ બૅજે લોકોનું ધ્યાન ખેંચ્યું. પોર્ટુગલ અને અંગોલાથી આવેલા ૨૫ ભાઈબહેનોએ આ સંમેલનની રોનક ઓર વધારી દીધી. આ ત્રણ દિવસમાં તો ભાઈબહેનો એકબીજા સાથે એટલા હળીમળી ગયા કે, છૂટા પડતી વખતે આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા.—યોહાન ૧૩:૩૫.

અહીંના મુખ્ય રેડિયોના રિપોર્ટરો આવ્યા અને સંમેલનની દેખરેખ રાખનાર ભાઈ પાસેથી માહિતી મેળવી. તેઓએ ટૉકના મુખ્ય મુદ્દાઓ પણ રેડિયો પર સંભળાવ્યા. ખરેખર, આ ભૂલાય નહિ એવું યાદગાર સંમેલન હતું. વર્ષોથી છૂટા પડી ગયેલા આ વિશ્વાસુ ભાઈબહેનો જાણે કે યહોવાહના સંગઠન સાથે ફરી ભેગા થયા.

યહોવાહના વિશ્વાસુ સેવકો

સત્યનું જ્ઞાન દિલમાં ઊંડું ઊતરે છે ત્યારે, એનાથી યહોવાહને માન અને મહિમા મળે છે. (તીતસ ૨:૧૦) જેમ કે, એક છોકરીને દર અઠવાડિયે બાઇબલના અભ્યાસ દ્વારા ખૂબ જ આનંદ મળતો હતો. પરંતુ, તેના પપ્પાએ તેને મિટિંગોમાં જવાની સખત મનાઈ કરી. તેણે શાંત મને તેના પપ્પાને સમજાવ્યું કે મિટિંગોમાં જવું કેટલું મહત્ત્વનું છે અને તે પોતે એક પણ મિટિંગ ચૂકી શકતી નથી. એ સાંભળીને, તેના પપ્પાએ તેને તરત જ ઘરમાંથી કાઢી મૂકી. તેના પપ્પાને લાગ્યું કે તે પણ બીજી છોકરીઓની જેમ કોઈક માણસ સાથે જતી રહેશે જે તેની જીવન જરૂરિયાતો પૂરી પાડશે. જ્યારે તેના પપ્પાને ખબર પડી કે તેણે એવું કંઈ ખોટું કામ કર્યું નથી અને એક ખ્રિસ્તી તરીકે તેનું જીવન એકદમ ચોખ્ખું છે ત્યારે, તેના પપ્પાએ તેને ઘરે પાછી બોલાવી દીધી. તેમ જ, તેને છૂટથી યહોવાહની સેવા કરવા દીધી.

બીજો દાખલો એક એવી વ્યક્તિનો છે જે સંગીતનો ખૂબ જ શોખીન હતો. પરંતુ, તેના જીવનમાં ઘણા પ્રોબ્લમ હતા. તે જીવનથી કંટાળી ગયો હતો. તે વિચારી રહ્યો હતો કે જીવનનો હેતુ શું છે! એવામાં જ, એક દિવસે તેને યહોવાહના સાક્ષીઓનો ભેટો થઈ ગયો. તેણે તેના જીવનમાં એકદમ ફેરફાર કરી નાખ્યો અને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવા લાગ્યો. એના લીધે, ચારે બાજુ લોકો તેની જ વાતો કરવા લાગ્યા. વળી, તેણે ખરાબ દોસ્તો પણ છોડી દીધા. (૧ કોરીંથી ૧૫:૩૩) ત્યાર પછી, તેણે યહોવાહને સમર્પણ કરીને, બાપ્તિસ્મા લીધું.

અમુક યુવાનો સાચા ધર્મની શોધમાં હતા. એમ કરતા કરતા તેઓ પાદરી સુધી પહોંચી ગયા. પરંતુ, એ પાદરીથી તેઓ વધારે ગૂંચવાઈ ગયા અને બહુ જ નિરાશ થઈ ગયા. તેઓને ધર્મ પ્રત્યે નફરત થઈ ગઈ. ત્યાં સુધી કે તેઓ ધર્મની મજાક ઉડાવવા લાગ્યા.

એક દિવસે એક મિશનરિ ભાઈ કોઈને બાઇબલ શીખવવા જઈ રહ્યા હતા. આ છોકરાઓ રહેતા હતા એ ગલીમાંથી તે ભાઈ પસાર થયા. આ છોકરાઓને અમુક પ્રશ્નો હતા અને તેઓ ચાહતા હતા કે આ મિશનરિ ભાઈ એના જવાબો આપે. તેથી, તેઓ આ ભાઈને ઘરના પાછળના આંગણાંમાં લઈ ગયા અને એક સ્ટૂલ પર બેસાડ્યા. પછી આ છોકરાઓએ તો આત્મા, સ્વર્ગ-નર્ક, અને આ દુનિયાનો અંત જેવા વિષયો પર એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યા. આ ભાઈએ તેઓને બાઇબલમાંથી દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. એક કલાક પછી, તેઓમાંના એક લૉ નામના છોકરાએ ભાઈને કહ્યું: “અમે તમારી મજાક ઉડાવવા માટે અંદર બોલાવ્યા હતા, પ્રશ્નો પૂછવા નહિ. અમે આવું બીજા ઘણા ધર્મોના લોકો સાથે કર્યું છે અને આવા પ્રશ્નોના જવાબ અમને કોઈએ આપ્યા નથી. પરંતુ, તમે તો બાઇબલમાંથી અમારા બધા જ પ્રશ્નોના જવાબો આપ્યા છે. હું કઈ રીતે બાઇબલમાંથી વધારે શીખી શકું?” આમ, લૉ બાઇબલ શીખવા લાગ્યો અને તરત જ તે મિટિંગોમાં પણ આવવા લાગ્યો. થોડાક સમય પછી, તેણે એ ખરાબ દોસ્તી પણ છોડી દીધી અને તે તેનું ખરાબ જીવન બદલી, સારું જીવન જીવવા લાગ્યો. લગભગ એક વર્ષમાં તો તેણે યહોવાહને પોતાનું સમર્પણ કરીને, બાપ્તિસ્મા લીધું. હવે તે મંડળમાં એક સેવકાઈ ચાકર તરીકે સેવા આપી રહ્યો છે.

આ દેશમાં, લગ્‍ન કર્યા વગર સાથે રહેવાનો એકદમ સામાન્ય રિવાજ છે. અહીં લોકો પોતાના લગ્‍ન રજીસ્ટર કરાવતા નથી. ઘણા લોકો આ રીતે વર્ષોથી સાથે રહે છે અને તેઓને હવે બાળકો પણ છે. પરમેશ્વર આનાથી રાજી નથી, એ માનવું તેઓ માટે ઘણું જ અઘરું છે. તેમ છતાં, એક વ્યક્તિએ બાઇબલની મદદ દ્વારા આ બાબતનો કઈ રીતે સામનો કર્યો એ જાણીને ખૂબ આનંદ થાય છે.—૨ કોરીંથી ૧૦:૪-૬; હેબ્રી ૪:૧૨.

આ વ્યક્તિનું નામ છે એન્ટોનિયો. તેમને સમજ પડી કે લગ્‍ન રજીસ્ટર કરાવવું કેટલું અગત્યનું છે. તેથી, તેમણે વિચાર કર્યો કે મકાઈની કાપણી થઈ જશે પછી મારી પાસે થોડાક પૈસા આવશે. એનાથી હું બધાને લગ્‍નનું જમણ કરાવીને, અમારા લગ્‍ન રજીસ્ટર કરાવીશ. પરંતુ, કાપણીની આગલી જ રાતે ચોરો આવીને બધો પાક ચોરી ગયા. તેથી, તેમણે વિચાર કર્યો કે હું આવતી સાલ ફરી કાપણી થાય ત્યાં સુધી રાહ જોઉં. બીજા વર્ષે પણ તે પૈસા ભેગા ન કરી શક્યા અને લગ્‍ન રજીસ્ટર ન કરાવી શક્યા. તેથી, તેમને ખ્યાલ આવ્યો કે આ બધા પાછળ કોઈક ચાલ રમી રહ્યું છે. તેમણે કહ્યું: “હવે શેતાન મારી સાથે કોઈ પણ ચાલ રમી શકશે નહિ. હવે તો લગ્‍નનું જમણ થાય કે ન થાય, હું દોઢ જ મહિનામાં અમારા લગ્‍ન રજીસ્ટર કરાવીશ.” આમ, તેઓએ કોઈ પણ ચિંતા કર્યા વગર લગ્‍ન રજીસ્ટર કરાવી દીધા. અરે, પણ આ શું, તેઓ વિચારમાં પડી ગયા! ભાઈબહેનોએ ત્યાં મરઘી, બતક અને બકરીનું માંસ લાવી, લગ્‍નનું મોટું જમણ કરાવ્યું. ત્યાર પછી, એન્ટોનિયો, તેમની પત્ની અને છ બાળકોએ યહોવાહને સમર્પણ કરીને, બાપ્તિસ્મા લીધું.

પ્રિંસિપા ટાપુ

પ્રિંસિપા ટાપુમાં લગભગ ૬,૦૦૦ની વસ્તી છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં સોંન ટુમેથી, સરકીટ ઓવરશીયર અને પાયોનિયર ભાઈબહેનોએ ઘણી વાર આ ટાપુની મુલાકાત લીધી છે. અહીંના લોકોએ ભાઈબહેનોની ખૂબ જ સારી રીતે આગતા-સ્વાગતા કરી અને તેઓનું સાંભળ્યું. એક દિવસે, અમુક બહેનોએ એક માણસને પત્રિકા વાંચવા માટે આપી. બીજા દિવસે તે માણસે જણાવ્યું કે, ‘મારે પણ લોકોને પત્રિકાઓ આપવા માટે તમારી સાથે આવવું છે.’ એ બહેનોએ જણાવ્યું કે આ કામ તો અમારું છે, તમારું નહિ. પરંતુ, તે માણસે તો હઠ પકડી અને કહ્યું કે, ‘હું તમારી સાથે દરેક ઘરે આવીશ અને તેઓને જણાવીશ કે આ બહેનો જે કહે છે એને ધ્યાનથી સાંભળો.’ જો કે એ માણસ પછી તો જતો રહ્યો પણ આ બહેનો જે મહત્ત્વનું કામ કરી રહી હતી એ માટે તેણે તેઓના ખૂબ જ વખાણ કર્યા.

બે પાયોનિયર ભાઈઓ, સોંન ટુમેથી પ્રિંસિપા પ્રચાર કાર્ય માટે આવ્યા. જલદી જ તેઓ ૧૭ વ્યક્તિને બાઇબલમાંથી શીખવવા લાગ્યા. અહીં વધુને વધુ લોકો બાઇબલ શીખતા જ ગયા અને હવે ૧૬ વ્યક્તિઓ પુસ્તક અભ્યાસમાં આવવા લાગ્યા. વળી, જાહેર પ્રવચન વખતે તો ૩૦ વ્યક્તિઓ આવી હતી. તેથી, એક કિંગ્ડમ હૉલની જરૂર હોવાથી ભાઈઓએ ત્યાંની સરકારને જણાવ્યું. તેઓએ રાજીખુશીથી સરસ જમીન આપી જ્યાં તેઓ સુંદર કિંગ્ડમ હૉલ બાંધી શકે. એના બાંધકામ માટે ભાઈઓ ખાસ સોંન ટુમેથી આવ્યા હતા. તેઓએ એક સુંદર નાનો કિંગ્ડમ હૉલ બાંધ્યો અને એમાં બે સ્પેશિયલ પાયોનિયરો રહી શકે માટે રૂમ પણ બનાવી.

ખરેખર, કેટલી ખુશીની વાત છે કે આ દૂર દૂરના ટાપુઓમાં પણ સત્યનો સંદેશો ફેલાઈ રહ્યો છે અને વધારેને વધારે લોકો સત્ય સ્વીકારી રહ્યા છે. (કોલોસી ૧:૫, ૬) જાન્યુઆરી ૧૯૯૦માં, સોંન ટુમે અને પ્રિંસિપામાં ૪૬ પ્રકાશકો હતા. પરંતુ, ૨૦૦૨ સુધીમાં તો, આ પ્રચાર કરનારાઓની સંખ્યા વધીને ૩૮૮ની થઈ છે! લગભગ ૨૦ ટકા પ્રકાશકો પૂરા સમયની સેવા કાર્યમાં છે અને લગભગ ૧,૪૦૦ લોકોને બાઇબલ વિષે શીખવી રહ્યા છે. અરે, ૨૦૦૧માં તો મેમોરિયલની હાજરી ૧,૯૦૭ હતી. હા, આ ગરમ ટાપુઓમાં યહોવાહનું જ્ઞાન પવનની ઝડપે ફેલાઈ રહ્યું છે અને એનાથી યહોવાહને વધુને વધુ મહિમા મળી રહ્યો છે.—૨ થેસ્સાલોનીકી ૩:૧.

[પાન ૧૨ પર બોક્સ/ચિત્ર]

જાણીતા રેડિયો પર પ્રોગ્રામ

આ ટાપુઓ પર પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે,* એ પુસ્તક લોકોને ખૂબ જ ગમ્યું અને તેઓએ એને પૂરા દિલથી વાંચ્યું છે. ત્યાંના રેડિયો પર દર પંદર દિવસે ૧૫ મિનિટનો પ્રોગ્રામ આવે છે. આ પ્રોગ્રામનું નામ એ પુસ્તક પરથી રાખવામાં આવ્યું છે. એક વખતે રેડિયો પર “હું ખરો પ્રેમ કઈ રીતે ઓળખી શકું,” એ વિષય પર પ્રોગ્રામ આવ્યો. એ પ્રોગ્રામમાં પુસ્તકમાંથી થોડુંક વાંચવામાં આવ્યું. એ સાંભળીને લોકો રાજીના રેડ થઈ ગયા. (પ્રકરણ ૩૧ જુઓ.) એ જ રીતે, બીજો પણ પ્રોગ્રામ આવે છે જેમાં કૌટુંબિક સુખનું રહસ્ય * પુસ્તકના અમુક ભાગો રજૂ થાય છે.

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૯ પર ચિત્ર]

સોંન ટુમે ૧૯૯૪માં સૌથી પહેલો કિંગ્ડમ હૉલ

[પાન ૧૦ પર ચિત્ર]

૧. મૅઝોઝ્સીમાં બે જ મહિનામાં બાંધેલો કિંગ્ડમ હૉલ

૨. આ ઑડિટોરિયમમાં યાદગાર સંમેલન થયું હતું

૩. સંમેલનમાં બાપ્તિસ્મા માટે તૈયાર આનંદી ભાઈ-બહેનો

[પાન ૮ પર ચિત્ર]

પૃથ્વીનો ગોળો: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.