સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“દુનિયાની વચ્ચોવચ્ચ” આવેલો ટાપુ

“દુનિયાની વચ્ચોવચ્ચ” આવેલો ટાપુ

“દુનિયાની વચ્ચોવચ્ચ” આવેલો ટાપુ

શું તમે કદી ‘તે પીટો ઓ તે હેનુઆ’ એ શબ્દો સાંભળ્યા છે? એ ઈસ્ટર ટાપુ કે રાપા નૂઈની ભાષા છે. એનો અર્થ “દુનિયાની વચ્ચોવચ્ચ” થાય છે. એવું શું હતું જેથી ત્યાં ખાસ સંમેલન રાખવામાં આવ્યું?

ઈસ્ટર ટાપુ કે રાપા નૂઈ મહાસાગરમાં એકલો ટાપુ છે. આ ટાપુની રોનક જ કંઈ ઓર છે! તેમ જ એ બધાથી અજોડ છે. હા, આ ટાપુ બીજા દેશોથી બહુ દૂર દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો છે. એ ટાપુ ચીલીના સૅંટિયાગો શહેરથી ૨,૩૫૦ માઇલ દૂર આવેલો છે. સપ્ટેમ્બર ૯, ૧૮૮૮માં આ ટાપુ ચીલીનો એક ભાગ બની ગયો.

એ ટાપુ લગભગ ૧૬૬ ચોરસ કિલોમીટરનો છે. ત્રણ પર્વતોના બનેલા આ ટાપુનો આકાર ત્રિકોણ જેવો છે. ઘણા પૅસિફિક ટાપુઓની ટોચ પર જ લોકો રહે છે, અને બાકીનો પર્વત દરિયામાં હોય છે. આ ટાપુ કુદરતી સુંદરતા માટે ખૂબ જ જાણીતો છે. વળી, અહીં મોઆઈ તરીકે ઓળખાતા પથ્થરનાં અજાયબ પૂતળાં પણ ખૂબ જ જાણીતા છે. *

આ ટાપુની સુંદરતા સાથે સાથે અહીં ઘણા ઐતિહાસિક સ્થળો પણ છે. વળી, અહીં જાત-જાતનાં ફળો પણ ઉગે છે. જેમ કે અનાનસ, ઍવાકાડો, શક્કરિયાં, પપૈયા અને નવ જાતનાં કેળા મળે છે. વળી, દરિયાને લીધે અહીં જાતજાતની માછલીઓ અને એવી બીજી ઘણી વસ્તુઓ પણ મળે છે.

ઈસ્ટર ટાપુનું હવામાન સાધારણ ઠંડું-ગરમ હોય છે. અહીં નિયમિત વરસાદની સાથે સાથે અવાર-નવાર મેઘધનુષ જોવા મળે છે. એ જોઈને અહીં ફરવા આવેલા લોકો મોંમાં આંગળા નાખી જાય છે. હાલમાં અહીં ૩,૮૦૦ લોકો રહે છે. એ લોકો ઑસ્ટ્રેલિયાના આદિવાસી જેવા દેખાય છે. તેઓ પોલીનેશિયા જાતિ તરીકે ઓળખાય છે. તેમની સાથે યુરોપના, ચીલીના અને બીજા દેશના લોકો પણ જોવા મળે છે. યુરોપ અને એશિયાથી ઘણા લોકો આ ટાપુ જોવા આવે છે. આમ, આ રહેવાસીઓનું જીવન ટુરિસ્ટો પર નભે છે.

સૌથી પહેલો પ્રચાર

યહોવાહના સાક્ષીની ૧૯૮૨ની યરબુક જણાવે છે: “એક સમયે ઈસ્ટર ટાપુમાં ફક્ત એક જ યહોવાહની સાક્ષી હતી. આ બહેનને ચીલી બ્રાંચની એક બહેન ઘણી મદદ કરતી હતી. જોકે, સમય જતા એ બહેન પણ ચીલી રહેવા જતી રહી. પરંતુ, ઈસ્ટર ટાપુમાં હજુ પણ ચોકીબુરજ મૅગેઝિનનું લવાજમ ભરીને નિયમિત વાંચનારા લોકો છે. એપ્રિલ ૧૯૮૦માં એક વ્યક્તિએ એ ટાપુ પરથી ફોન કરીને પૂછ્યું, ‘ઈસુનો યાદગાર દિવસ એટલે મેમોરિયલ ક્યારે છે?’ થોડાક વખત પછી, એક યુગલ ચીલીના એક શહેરમાંથી આ ટાપુ પર રહેવા આવ્યું. આ યુગલે ઘણા લોકો સાથે બાઇબલનો અભ્યાસ કર્યો. આ ટાપુ પર ૧૯૮૧માં પહેલી વખત મેમોરિયલ ઉજવવાની ગોઠવણ કરવામાં આવી. એમાં ૧૩ વ્યક્તિઓ આવી હતી. ખરેખર, આ ટાપુ આટલો દૂર હોવા છતાં પણ ‘સુસમાચાર’ ફેલાતો જોઈને ઘણો જ આનંદ થાય છે.”

જાન્યુઆરી ૩૦, ૧૯૯૧માં બ્રાંચે એક સ્પેશિયલ પાયોનિયર યુગલ, દારીયો અને વીની ફર્નાન્ડીઝને આ ટાપુ પર મોકલ્યા. આ ભાઈ કહે છે: “અમે પાંચ કલાકની મુસાફરી કર્યા પછી એકલા અટૂલા ટાપુ પર પહોંચ્યા. અમે આ ટાપુ અને અહીંના લોકોના રીત-રિવાજોથી અજાણ્યા હતા.” અહીંના એક ભાઈની મદદથી અને બીજી એક બહેન જે પોતાનાં બે બાળકો સાથે હમણાં જ આવી હતી, એની મદદથી તરત જ પ્રચાર અને મિટિંગોની ગોઠવણો થઈ. જોકે ખૂબ જ સતાવણી અને ધમકીઓ, તેમ જ, અલગ રીત-રિવાજો છતાં યહોવાહની મદદથી તેઓએ પ્રચાર કામ ચાલુ જ રાખ્યું. ભાઈ અને બહેન ફર્નાન્ડીઝ સ્પેશિયલ પાયોનિયર તરીકે સેવા આપતા નથી છતાં, તેઓ હવે આ ટાપુ પર જ રહે છે. તેઓ અહીં જન્મેલા પોતાના છોકરાને મોટો કરે છે. હવે અહીં ૩૨ ભાઈ-બહેનો છે. આ ટાપુ પર રાપા નૂઈના લોકો અને બીજી બાજુથી આવેલા ભાઈબહેનો પણ છે.

સરકીટ સંમેલનની તૈયારી

ઈસ્ટર ટાપુ, ચીલીથી ઘણું દૂર હોવાથી અહીં સંમેલન રાખવામાં આવતા ન હતા. તેમ છતાં, અહીંના મંડળ માટે શરૂઆતમાં દર વર્ષે સ્પેશિયલ, સરકીટ સંમેલન અને મહાસંમેલનની વિડીયો કૅસેટ મોકલવામાં આવતી હતી. પરંતુ, ૨૦૦૦ના અંતમાં ચીલી બ્રાંચ કમિટીએ વિચાર્યું કે જો આ ટાપુ પર સંમેલન રાખવામાં આવે તો સારું થશે. એ ખાસ પ્રસંગ માટે ચીલીથી થોડા ભાઈબહેનોને અહીં આવવાનું ઉત્તેજન આપવામાં આવ્યું. પરંતુ, આ ટાપુ પર અમુક જ દિવસે વિમાન જતું હોવાથી સંમેલન રવિવાર અને સોમવાર રાખવામાં આવ્યું.

અહીં પહેલી વાર સરકીટ સંમેલન રાખવામાં આવે એ તો ખાસ પ્રસંગ જ કહેવાય ને! તેથી, ચીલીથી ૩૩ ભાઈબહેનો અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહી હતા. વિમાનમાં કલાકો સુધી મુસાફરી કર્યા પછી ભાઈ-બહેનો અહીં પહોંચ્યા. આ ટાપુ પરના ભાઈબહેનો ચીલીથી સંમેલન માટે આવેલા ભાઈબહેનોને લેવા એરપોર્ટે પર આવ્યા હતા. અહીંના રિવાજ પ્રમાણે તેઓ બધા જ તેમના માટે ફૂલોના હાર બનાવી લાવ્યા હતા. એરપોર્ટ પરથી તેઓએ ભાઈબહેનો માટે રહેવાની સગવડ કરી હતી ત્યાં લઈ ગયા. પછી તેઓને થોડું ફરવા લઈ ગયા. તેમ જ જેઓનો સંમેલનમાં ભાગ હતો, તેઓને કિંગ્ડમ હૉલમાં લઈ જવામાં આવ્યા.

નવાઈ પમાડે એવી સંમેલનની જાહેરાત

સંમેલનમાં જઈ રહેલા ભાઈબહેનોએ પાદરીને રેડિયો પર કહેતા સાંભળ્યા કે ચીલીથી યહોવાહના સાક્ષીઓ ઈસ્ટર ટાપુ પર આવ્યા છે. એ સાંભળીને ભાઈબહેનોને નવાઈ લાગી. તેણે એમ પણ કહ્યું: ‘એ લોકો તમારા ઘરે આવીને કહેશે કે દુનિયાનો અંત બહુ નજીક છે.’ આમ કહીને પાદરી તો ચર્ચના સભ્યોને ચેતવવા માંગતા હતા, જેથી તેઓ યહોવાહના સાક્ષીઓનું ન સાંભળે. પરંતુ, અજાણતા તેણે જ સંમેલનની જાહેરાત કરી. એ સાંભળીને અહીંના લોકો સંમેલનની આતુરતાથી રાહ જોવા લાગ્યા. બીજે દિવસે યહોવાહના સાક્ષીઓએ ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશો જણાવ્યો.

સંમેલનની શરૂઆત

રવિવાર સવારે ભાઈ-બહેનોએ કિંગ્ડમ હૉલના આંગણામાં ઊભા રહીને મહેમાનોનું સ્વાગત કર્યું. અહીંની અમુક બહેનોએ પોતાના સરસ ડ્રેસ પહેર્યા. વળી, વાળમાં સુંદર ફૂલો પણ નાખ્યા હતા.

હૉલમાં મધુર સંગીત વાગતું હતું. પછી સંમેલન શરૂ થયું ત્યારે આશરે એક સો જેટલા ભાઈબહેનોએ ગીત ગાયું. એ ગીતનો વિષય હતો: ‘વિશ્વાસમાં દૃઢ અને અડગ રહો.’ પહેલી વાર આટલા બધા લોકોએ ત્યાં એક સાથે ગીત ગાયું હતું. એ સંમેલનમાં ચેરમૅને દરેકને રાપા નૂઈની ભાષામાં પ્રેમથી આવકાર્યા ત્યારે અહીંના ભાઈ-બહેનોની આંખો ભરાઈ આવી. સવારની સભા પછી બપોરે ત્રણ વ્યક્તિએ યહોવાહના સાક્ષી બનવા માટે બાપ્તિસ્મા લીધું. પહેલા દિવસનો કાર્યક્રમ પૂરો થયા પછી બધાએ ભાઈબહેનોએ એકબીજાનો અને યહોવાહનો પ્રેમ અનુભવ્યો.—૧ પીતર ૫:૯.

સવારે પ્રચારમાં

ઈસ્ટર ટાપુ પર અમુક સંજોગોના કારણે બીજા દિવસનો પ્રોગ્રામ, બપોર પછી શરૂ થયો. તેથી, સંમેલનમાં આવ્યા હતા તેઓએ, સવારના પ્રચાર કાર્યમાં ભાગ લીધો. પ્રચારમાં તેઓને કેવો અનુભવ થયો એ શું તમે જાણો છો?

એક મોટી ઉંમરના માજીના આઠ દીકરા-દીકરીઓ હતા. તેમણે યહોવાહના સાક્ષીઓને કહ્યું કે, ‘હું રોમન કેથલિક છું. મને તમારી સાથે વાત નથી કરવી.’ પરંતુ, સાક્ષીઓએ સારી રીતે તેમની સાથે વાત કરીને કહ્યું, ‘આજે બધા જ લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. જેમ કે ઘણા લોકો ડ્રગ્સના બંધાણી હોય છે, કેટલાકને કુટુંબમાં અનેક મુશ્કેલીઓ હોય છે.’ આમ, માજીએ વાત સાંભળી.

બીજા એક માજીને સાક્ષીઓ સાથે જરા પણ વાત કરવી ન હતી. આથી, એ માજીએ સાક્ષીઓને કહ્યું, ‘ચીલીમાં ક્રૂર લોકો રહે છે તેઓને જઈને પ્રચાર કરો અને સુધારો.’ એ યુગલે માજીને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યનો શુભસંદેશો બધા જ માટે છે. એ જ કારણથી અમે આ સંમેલનમાં આવ્યા છીએ. જેથી બધા લોકો ઈશ્વર પર પ્રેમ રાખી શકે.’ (માત્થી ૨૪:૧૪) તેઓએ માજીને પૂછ્યું, ‘આ ટાપુ કરતાં પણ વધુ સારી પરિસ્થિતિમાં તમને રહેવું ગમશે, જ્યાં બીમારી કે મરણ જેવું કંઈ જ હશે નહિ?’ અને માજીને કહ્યું કે જુઓ આ ટાપુના પર્વતો વર્ષોથી અહીં છે. એ સાંભળીને માજીને થયું કે ‘અરે આ પર્વતોની સરખામણીમાં આપણું જીવન કેટલું ટૂંકું છે?’ પછી સાક્ષીઓએ પૂછ્યું: “તમે કદી વિચાર્યું છે કે આપણું જીવન કેમ આટલું ટૂંકું છે?” માજીએ પોતે બાઇબલમાંથી ગીતશાસ્ત્ર ૯૦:૧૦ વાંચ્યું, ત્યારે નવાઈ લાગી.

એ જ, સમયે બાજુના ઘરમાંથી યહોવાહના સાક્ષીઓએ બૂમો સાંભળી. જોકે, તે સ્ત્રી શું કહેતી હતી એ સાક્ષીઓ સમજ્યા નહિ. તેથી, એ માજીએ સાક્ષીઓને કહ્યું કે, ‘તેઓ તમારા વિષે ખરાબ બોલે છે અને કહે છે કે અમારા ઘરે આવશો નહિ.’ હકીકતમાં એ માજી તેઓની મોટી બહેન હતી! તેઓનો એવો રિવાજ હતો કે કુટુંબમાં જે મોટું હોય તેમણે જ નિર્ણય લેવો જોઈએ. આથી, એ માજીએ તેની નાની બહેનને પોતાની ભાષામાં ખખડાવ્યા. પછી માજીએ સાક્ષીઓ પાસેથી પોતાની ભાષામાં અમુક સાહિત્ય લીધું. એના એક-બે દિવસ પછી એ માજી તેમના ભાઈ સાથે કારમાં જતા હતા. ત્યારે તેમણે સાક્ષીઓને જોયા અને તેના ભાઈને કાર રોકવાનું કહ્યું. જોકે, તેમના ભાઈને સાક્ષીઓ દીઠા ગમતા ન હતા. તેમ છતાં એ માજી, સાક્ષીઓને આશીર્વાદ આપવા અને ‘આવજો’ કહેવા ગયા.

જોકે, શરૂઆતમાં ચીલીમાંથી આવેલા સાક્ષીઓને એવું લાગ્યું કે અહીંના લોકોને યહોવાહ વિષે સાંભળવું નહિ હોય. પરંતુ, છેવટે તેઓને જોવા મળ્યું કે હકીકતમાં તો ઈસ્ટર ટાપુના રહેવાસીઓ ખૂબ જ સારા છે. ખરું કહીએ તો, અહીં ૨૦ સાક્ષીઓ છે એમાંથી છ જણ એ ટાપુના નાગરિકો છે. એક સ્ત્રી સાક્ષીઓ પાસેથી બાઇબલ શીખતી હતી ત્યારે, તેના પતિ બાજુના રૂમમાંથી સાંભળતા હતા. આ રીતે તે પણ ઈશ્વરનું સત્ય શીખ્યા. આજે એ પતિ-પત્ની બંને યહોવાહના સાક્ષીઓ છે. એ ભાઈ આજે અહીં મંડળમાં સેવકાઈ ચાકર તરીકે સેવા આપી રહ્યા છે.

સંમેલનનો બીજો દિવસ

સોમવારે બપોર પછી બીજા દિવસનો પ્રોગ્રામ શરૂ થયો. લગભગ સો જેટલા લોકો આવ્યા હતા. એમાં ૩૨ ભાઈઓ, ૩૩ બહેનો અને રસ ધરાવતી અમુક વ્યક્તિઓ હતી. તેઓએ જાહેર પ્રવચન પણ સાંભળ્યું. જેનો વિષય હતો: “જગત પર પ્રેમ અને શ્રદ્ધાનો વિજય.” હકીકતમાં સંમેલનમાં બધા જોઈ શક્યા કે યહોવાહના સાક્ષીઓ ભલે જુદા જુદા દેશમાંથી આવે છે, છતાં તેઓમાં ખરો પ્રેમ છે.—યોહાન ૧૩:૩૫.

એ સંમેલનમાં ડિસ્ટ્રીક્ટ અને સરકીટ નિરીક્ષકે પાયોનિયરો સાથે ખાસ મિટિંગ રાખી હતી. આ ટાપુ પર આવા ત્રણ પાયોનિયરો છે. તેમ જ ચીલીમાંથી એ સંમેલનમાં અમુક સ્પેશિયલ પાયોનિયરો આવ્યા હતા. તેઓ પણ એ મિટિંગમાં હતા. એ મિટિંગમાંથી પણ દરેકને ખૂબ જ ઉત્તેજન મળ્યું હતું.

એ સંમેલન પછી બીજે દિવસે અહીંના અમુક ભાઈઓ, ચીલીથી આવેલા મહેમાનોને ટાપુ પર ફરવા લઈ ગયા. એક જગ્યાએ પથ્થરની ખાણ હતી. જ્યાંથી પહેલાં જ્વાળામુખી નીકળતો હતો. પ્રાચીન સમયમાં ત્યાં હરીફાઈ થતી. આજે અહીં આનાકાના નામનો સુંદર દરિયા કિનારો છે. અહીંના આદિવાસી આ જગ્યાએથી હરીફાઈ શરૂ કરતા. *

અહીંના ભાઈઓ સાથે છેલ્લે મંડળ પુસ્તક અભ્યાસ થયો. એ સભા પછી ભાઈઓએ મહેમાનો માટે જમવાનું બનાવ્યું હતું. એ ભોજનમાં અહીંનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમ જ તેઓએ પોતાના પહેરવેશમાં નૃત્ય કર્યું. ચીલીથી ઈસ્ટર ટાપુ પર આવેલા મહેમાનો અને રાપા નૂઈ ભાઈબહેનોએ સંમેલન માટે જેટલી મહેનત કરી હતી, એની બધા જ ખૂબ કદર કરતા હતા.

ચીલીથી આવેલા ભાઈબહેનો, ઈસ્ટર ટાપુ પરના ભાઈબહેનો સાથે એક જ અઠવાડિયામાં એટલા ભળી ગયા કે તેઓ જાણે બધાને વર્ષોથી ઓળખતા હોય એવું અનુભવતા હતા. આ ચીલી ભાઈબહેનોને ત્યાંથી પાછા જવાનું મન થતું ન હતું. સર્વએ નવા મિત્રો બનાવ્યા અને એકબીજા પાસેથી જે ઉત્તેજન મળ્યું એ કદી ભૂલાશે નહિ. મહેમાનો પાછા ચીલી જવા માટે ઍરર્પોટે પહોંચ્યા ત્યારે આવજો કહેતા પહેલાં, ભાઈઓએ શંખ-છીપલાથી બનાવેલી માળા દરેકને પહેરાવી.

મહેમાનો ઍરર્પોટમાં જવા લાગ્યા ત્યારે, ત્યાંના ભાઈ-બહેનોએ પોતાની ભાષામાં કે “આવજો!” કહ્યું. એનો અર્થ થાય કે, “હું રાપા નૂઈ પાછો આવીશ.” હા, સાચે જ તેઓ ચાહે છે કે ક્યારે પાછા ઈસ્ટર ટાપુ પરના ભાઈઓને ફરી મળીએ. તેઓ એક કુટુંબ જેવા જ હતા. એ અનુભવ જ કંઈ ઓર છે!

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત ૨૨ જૂન, ૨૦૦૦નું સજાગ બનો! (અંગ્રેજી) મૅગેઝિન જુઓ.

^ રાનો રારાકુ જ્વાળામુખીના મુખ પાસે ઘણાં લખાણો જોવા મળે છે. એ ટાપુ પર જે કોઈ રાજ કરવા ચાહતું, તેઓની ત્યાં હરીફાઈ થતી. એ હરીફાઈમાં ઊંચા પર્વત પરથી નીચે ઊતરીને દરિયામાં આવેલા નાના ટાપુ સુધી તરીને જવાનું હતું. ત્યાર પછી એ ટાપુ પરના કોઈ પણ પક્ષીનું ઈંડું લઈને એ તૂટે નહિ એ રીતે પાછા પર્વત ચડવાનું હતું.

[પાન ૨૪ પર બોક્સ]

અહીંના પ્રચાર કાર્યનો અનુભવ

એ સંમેલન રાખવામાં આવ્યું એના બે વર્ષ પહેલાં એક સરકીટ નિરીક્ષક અને તેની પત્ની અહીં આવ્યા હતાં. તેઓને અહીં ખૂબ જ મજા આવી હતી. દાખલા તરીકે, જે બહેનની સાથે તેઓ ઈસ્ટર ટાપુ પર રહ્યા, તેમણે તેઓને કહ્યું કે ૧૬ વર્ષ પહેલાં પોતે દક્ષિણ ચીલીમાં રહેતી હતી. તેઓએ જ તેમને બાઇબલ સ્ટડી કરાવી હતી. એ જાણીને તેઓને કેવું લાગ્યું હશે એનો વિચાર કરો! વર્ષો પછી પોતાની મહેનતનાં ફળ રાપા નૂઈ પર મળી રહ્યાં હતાં.

તેમ જ તેઓને એક અનેરો અનુભવ થયો: દુકાનના એક માલિકે, એ સરકીટ નિરીક્ષક પાસેથી ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ, એટલે કે બાઇબલ અને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે એ પુસ્તકો લીધાં હતાં. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે. તેમને ફરી મળવા ગયા ત્યારે, તે દુકાન માલિકે કહ્યું કે પોતે એ બાઇબલ વાંચી શકતો નથી, કારણ કે તેઓએ તેમને સ્પૅનિશમાં નહિ પણ ફ્રેન્ચમાં બાઇબલ આપ્યું હતું! પછી એ તકલીફ દૂર કરવા તેઓએ અહીંના ભાઈઓની મદદથી તેની પોતાની ભાષાનું બાઇબલ આપ્યું.

[પાન ૨૨ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ઈસ્ટર ટાપુ

ચીલી

[પાન ૨૩ પર ચિત્ર]

સરકીટ સંમેલનમાં બાપ્તિસ્મા પામ્યા એમાંના બે

[પાન ૨૫ પર ચિત્ર]

રાનો રારાકુ જ્વાળામુખીનો ઢોળાવ: ગ્વાયાબા નામનું જંગલી ફળ ટાપુ પર થાય છે