સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વાસુ તથા બુદ્ધિમાન “ચાકર”

વિશ્વાસુ તથા બુદ્ધિમાન “ચાકર”

વિશ્વાસુ તથા બુદ્ધિમાન “ચાકર”

‘જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?’—માત્થી ૨૪:૪૫.

૧, ૨. આજે આપણે ઈશ્વરનું જ્ઞાન મળતું રહે એ કેમ જરૂરી છે?

 એ નીસાન ૧૧, ઈસવી સન ૩૩, મંગળવારની બપોર હતી. ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું: “તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” એ પ્રશ્નમાં આપણી માટે બહુ જ ઊંડો અર્થ રહેલો છે. એના જવાબમાં ઈસુએ એક ખાસ ભવિષ્યવાણી કરી. તેમણે કહ્યું કે યુદ્ધો, મરકીઓ, ધરતીકંપો અને બીમારીઓ થશે. પરંતુ, આ ‘બધું તો દુઃખોનો આરંભ જ’ હશે. એટલે કે, એનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે. ખરેખર, ગભરાઈ જવાય એવું ભાવિ કહેવાય!—માત્થી ૨૪:૩, ૭, ૮, ૧૫-૨૨; લુક ૨૧:૧૦, ૧૧.

ઈસુએ કરેલી ભવિષ્યવાણીનો મોટો ભાગ ૧૯૧૪થી પૂરો થઈ રહ્યો છે. આખી માણસજાત પર “દુઃખોનો” કોઈ પાર નથી. પરંતુ, યહોવાહના ભક્તોએ ગભરાવાની જરૂર નથી. ઈસુએ વચન આપ્યું છે કે તે તેઓને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડીને ટકાવી રાખશે. પરંતુ, ઈસુ તો સ્વર્ગમાં છે. તો પછી એ જ્ઞાન પૂરું પાડવા તેમણે કઈ ગોઠવણ કરી છે?

૩. આપણને “વખતસર” ઈશ્વરનું જ્ઞાન મળે એ માટે ઈસુએ કઈ ગોઠવણ કરી છે?

ઈસુએ પોતે એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. એ ખાસ ભવિષ્યવાણી ભાખતી વખતે તેમણે પૂછ્યું: “જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા સારૂ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?” પછી તેમણે કહ્યું: “જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે, તેને ધન્ય છે. હું તમને ખચીત કહું છું, કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.” (માત્થી ૨૪:૪૫-૪૭) ખરેખર, ઈસુએ કહ્યું હતું એમ જ યહોવાહનું જ્ઞાન પૂરું પાડવા માટે એક “ચાકર” જરૂર હશે. એ “ચાકર” પોતે વિશ્વાસુ અને બુદ્ધિમાન હશે. પરંતુ શું આ ચાકર એક વ્યક્તિ છે? કે પછી એક પછી બીજી એમ ઘણી વ્યક્તિઓ એ જવાબદારી સંભાળશે? કે પછી બીજી કોઈક ગોઠવણ છે? એ પ્રશ્નનો જવાબ આપણે ચોક્કસ જાણવો જ જોઈએ, કેમ કે આ જ વિશ્વાસુ ચાકર ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડે છે, જે ખૂબ જરૂરી છે.

“ચાકર” એક વ્યક્તિ કે ઘણી વ્યક્તિઓ છે?

૪. શા માટે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” એક જ વ્યક્તિ ન હોય શકે?

“વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” એક જ વ્યક્તિ ન હોય શકે, કેમ કે ઈશ્વરનું જ્ઞાન પહેલી સદીથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વળી, ઈસુએ કહ્યું તેમ ૧૯૧૪માં ‘ધણી’ આવે ત્યારે પણ, આ ચાકર એમ જ કરતો હશે. એટલે કે લગભગ ૧,૯૦૦ વર્ષો સુધી આ ચાકર એક જ માલિકને વફાદાર હશે. અરે, મથૂશેલાહ પણ આટલું લાંબું જીવ્યા ન હતા!—ઉત્પત્તિ ૫:૨૭.

૫. સમજાવો કે શા માટે દરેક ખ્રિસ્તી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ન હોય શકે?

તો પછી, શું દરેક ખ્રિસ્તીને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કહી શકાય? એ ખરું છે કે દરેક ખ્રિસ્તી વિશ્વાસુ અને બુદ્ધિમાન હોવો જોઈએ. પરંતુ, ઈસુએ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની’ વાત કરી ત્યારે તેમના મનમાં કંઈ બીજું હતું. શા માટે એમ કહી શકાય? ઈસુએ કહ્યું કે ‘ધણી આવીને તેને [ચાકરને] પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.’ પરંતુ, શું દરેક ખ્રિસ્તીને પ્રભુની “બધી સંપત્તિનો” કારભાર આપી શકાય? એ શક્ય જ નથી!

૬. ઈસ્રાએલ પ્રજામાં દરેક કઈ રીતે યહોવાહનો ‘સેવક’ કે ‘ચાકર’ હતો?

તેથી, આપણે સમજી શકીએ કે ઈસુ ઘણી વ્યક્તિઓના એક વર્ગ કે ગ્રૂપને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કહેતા હતા. શું એવું બની શકે કે એવા ચાકરનું એક ગ્રૂપ હોય શકે? ચોક્કસ! ઈસુ પૃથ્વી આવ્યા એના ૭૦૦ વર્ષ પહેલાં, યહોવાહે ઈસ્રાએલ પ્રજાને કહ્યું: ‘તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે.’ (યશાયાહ ૪૩:૧૦) ઈસવી સન પૂર્વે ૧૫૧૩માં મુસા દ્વારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. ત્યારથી પેન્તેકોસ્ત ૩૩ની સાલ સુધી, દરેક ઈસ્રાએલી એ ચાકરના ગ્રૂપનો ભાગ હતો. જોકે બધા જ ઈસ્રાએલીઓએ વહીવટ કરવામાં કે ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડવામાં સીધેસીધો ભાગ લીધો ન હતો. આ જવાબદારીઓ યહોવાહે રાજાઓ, ન્યાયાધીશો, પ્રબોધકો, યાજકો અને લેવીઓને સોંપી હતી. તેમ છતાં, આખી ઈસ્રાએલ પ્રજા યહોવાહને રાજા તરીકે સ્વીકારતી હતી અને બીજા લોકોમાં તેમની પ્રજા તરીકે જાણીતી હતી. આમ, દરેક ઈસ્રાએલી યહોવાહના સાક્ષી તરીકે જાણીતો હતો.—પુનર્નિયમ ૨૬:૧૯; યશાયાહ ૪૩:૨૧; માલાખી ૨:૭; રૂમી ૩:૧, ૨.

‘સેવક’ કાઢી મૂકાયો

૭. શા માટે ઈસ્રાએલ પ્રજા યહોવાહનો ‘સેવક’ બનવા લાયક ન હતી?

ખરું કે સદીઓ પહેલાં ઈસ્રાએલ પ્રજામાં દરેક યહોવાહનો ‘સેવક’ હતો. તેથી, શું ઈસુએ જણાવેલો ચાકર પણ એ જ છે? ના, દુઃખની વાત છે કે ઈસ્રાએલ પ્રજા ન તો વિશ્વાસુ રહી કે ન તો બુદ્ધિમાન સાબિત થઈ. પાઊલે ઈસ્રાએલી લોકોને તેઓની હાલત વિષે યહોવાહના શબ્દોમાં કહ્યું: “તમારે લીધે વિદેશીઓમાં દેવના નામની નિંદા થાય છે.” (રૂમી ૨:૨૪) ખરેખર ઈસ્રાએલ પ્રજા વર્ષો સુધી યહોવાહની નિંદા કરતી આવી. એ હદ સુધી કે તેઓએ ઈસુનો પણ નકાર કર્યો. આખરે યહોવાહે તેઓને છોડી દીધા.—માત્થી ૨૧:૪૨, ૪૩.

૮. ઈસ્રાએલની જગ્યાએ ‘સેવકને’ ક્યારે અને કેવી રીતે પસંદ કરવામાં આવ્યો?

ઈસ્રાએલ પ્રજા વિશ્વાસુ રહી નહિ, એનો અર્થ એવો નથી થતો કે યહોવાહના ભક્તોને તેમનું પવિત્ર જ્ઞાન મળશે નહિ. ઈસુ સજીવન થયા એના ૫૦ દિવસ પછી, પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં લગભગ ૧૨૦ શિષ્યો યરૂશાલેમમાં એક જગ્યાએ ભેગા હતા. એ સમયે તેઓ પર પવિત્ર આત્મા કે શક્તિ રેડવામાં આવી. એ સમયે એક નવી પ્રજાનો જન્મ થયો. શિષ્યો હિંમતથી “ઈશ્વરે કરેલાં મહાન કાર્યો” વિષે યરૂશાલેમના લોકોને કહેવા લાગ્યા. એટલે લોકોને યહોવાહની નવી પ્રજા વિષે ખબર પડી. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૧) આમ આ નવી પ્રજા પરમેશ્વરનો ‘સેવક’ બની. તેઓ બધા લોકોને યહોવાહનો પ્રચાર કરશે અને વખતસર ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. (૧ પીતર ૨:૯) સમય જતાં એ ‘સેવક’ “દેવના ઈસ્રાએલ” તરીકે જાણીતો થયો.—ગલાતી ૬:૧૬.

૯. (ક) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કોણ છે? (ખ) ‘ઘરનાં’ કોણ છે?

“દેવના ઈસ્રાએલ” ગણાતા ગ્રૂપમાં દરેક બાપ્તિસ્મા પામેલા ખ્રિસ્તી છે. તેઓ પવિત્ર આત્માથી પસંદ થયેલા છે અને સ્વર્ગમાં જવાની આશા રાખે છે. ઈસવી સન ૩૩થી હમણાં સુધી, પૃથ્વી પર જીવનારા તેઓના ગ્રૂપને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” કહેવામાં આવે છે. જેમ કે, ઈસવી સન પૂર્વે ૧૫૧૩થી ૩૩ની સાલના પેન્તેકોસ્ત સુધીના દરેક ઈસ્રાએલીઓ ઈશ્વરના સેવક કહેવાતા હતા. તો પછી, ‘ઘરનાં’ કોણ છે, જેઓ માટે આ ચાકર ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડે છે? પ્રથમ સદીમાં બધા જ ખ્રિસ્તીઓને સ્વર્ગની આશા હતી. એટલે ‘ઘરનાં’ લોકો પણ એ પસંદ થયેલા ખ્રિસ્તીઓ જ હતા. પરંતુ, ગ્રૂપ તરીકે નહિ, દરેક વ્યક્તિ તરીકે. ભલેને કોઈ મંડળમાં જવાબદાર વ્યક્તિ હોય તોપણ દરેક ખ્રિસ્તીને, ચાકર પાસેથી મળતું ઈશ્વરનું જ્ઞાન લેવાની જરૂર હતી.—૧ કોરીંથી ૧૨:૧૨, ૧૯-૨૭; હેબ્રી ૫:૧૧-૧૩; ૨ પીતર ૩:૧૫, ૧૬.

“પ્રત્યેકને પોતપોતાનું કામ”

૧૦, ૧૧. આપણે કઈ રીતે જાણી શકીએ કે ચાકર ગ્રૂપના દરેકને એકસરખું કામ સોંપવામાં આવ્યું નથી?

૧૦ “દેવના ઈસ્રાએલ” એટલે વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને ગ્રૂપ તરીકે કામ સોંપવામાં આવ્યું છે. પરંતુ, સાથે સાથે એમાંના દરેકને પોતપોતાની જવાબદારી પણ છે. ઈસુએ એના વિષે માર્ક ૧૩:૩૪માં કહ્યું: ‘જાણે કોઈ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય.’ એ જ રીતે, ચાકર ગ્રૂપના દરેકને પૃથ્વી પર ખ્રિસ્તની સંપત્તિમાં વધારો કરવાનું કામ સોંપ્યું છે. દરેક પોતાની આવડત અને સંજોગ પ્રમાણે એ જવાબદારી પૂરી કરે છે.—માત્થી ૨૫:૧૪, ૧૫.

૧૧ પ્રેષિત પીતરે પહેલી સદીના પસંદ થયેલા ખ્રિસ્તીઓને કહ્યું: ‘દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.’ (૧ પીતર ૪:૧૦) આમ, એ પસંદ થયેલા અભિષિક્તોની જવાબદારી છે કે પરમેશ્વરે આપેલા કૃપાદાનને એકબીજાની સેવા કરવામાં વાપરે. પીતરના શબ્દો એ પણ જણાવે છે કે સર્વને એકસરખી આવડત, જવાબદારી અને સેવાનો લહાવો નહિ હોય. તોપણ, ચાકર ગ્રૂપના દરેક ‘દેવના ઈસ્રાએલનો’ વધારો કરવા કંઈક તો કરી શકતા હતા. કઈ રીતે?

૧૨. ચાકર ગ્રૂપના દરેક સ્ત્રી-પુરુષે વધારો કરવા શું કર્યું?

૧૨ સૌ પ્રથમ તો દરેકે યહોવાહના સાક્ષી તરીકે તેમના રાજ્યનો પ્રચાર કરવાનો હતો. (યશાયાહ ૪૩:૧૦-૧૨; માત્થી ૨૪:૧૪) ઈસુ સ્વર્ગમાં ગયા એ પહેલાં, તેમણે પોતાના બધા શિષ્યોને, સ્ત્રી હોય કે પુરુષ, બધાને શિક્ષક બનવાની આજ્ઞા આપી. તેમણે કહ્યું: ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.’—માત્થી ૨૮:૧૯, ૨૦.

૧૩. ચાકર ગ્રૂપના સર્વ ભાઈ-બહેનોએ શું કર્યું?

૧૩ નવા નવા શિષ્યોને તેઓ ઈસુએ આપેલી સર્વ આજ્ઞાઓ પાળવાનું શીખવતા. આમ, એ નવા શિષ્યો પોતે પણ બીજાને શીખવવા માટે તૈયાર થયા. ચાકર ગ્રૂપમાંથી દરેક ભાઈ-બહેનો ઘણા દેશો અને જાતિના લોકોને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડતા. જેથી તેઓ પણ સમય જતાં આ ચાકર ગ્રૂપના બની શકે. પસંદ થયેલા બધા જ ભાઈ-બહેનો શિષ્યો બનાવવા પ્રચાર કરતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૭, ૧૮) ચાકર ગ્રૂપે ઉપાડેલું આ કામ જગતના અંત સુધી ચાલુ રહેશે.

૧૪. મંડળમાં શીખવવાની જવાબદારી કોની હતી? એના વિષે અભિષિક્ત બહેનોને કેવું લાગ્યું?

૧૪ નવા બાપ્તિસ્મા પામેલા દરેક અભિષિક્ત ભાઈ-બહેનો ચાકર ગ્રૂપમાં ઉમેરાતા. તેઓ ગમે એની પાસેથી સત્ય શીખ્યા હોય, પણ પછી તેઓ મંડળમાં વડીલો પાસેથી શીખતા, જેઓ શાસ્ત્ર પ્રમાણે લાયક હતા. (૧ તીમોથી ૩:૧-૭; તીતસ ૧:૬-૯) આમ આ વડીલોને દેવના ઈસ્રાએલમાં વધારો કરવાનો ખાસ લહાવો મળ્યો હતો. મંડળમાં ફક્ત ભાઈઓ જ શીખવી શકે, એ વિષે અભિષિક્ત બહેનો નારાજ થઈ નહિ. (૧ કોરીંથી ૧૪:૩૪, ૩૫) એના બદલે તેઓએ તો મંડળમાં મહેનત કરતા ભાઈઓની મદદ લીધી અને પ્રચારમાં જોર-શોરથી કામ કરીને એની કદર કરી. આજે પણ મંડળમાં વડીલો પસંદ થયેલામાંના હોય કે ન હોય, છતાં પણ અભિષિક્ત બહેનો એવું જ વલણ બતાવે છે.

૧૫. પ્રથમ સદીમાં ઈશ્વરના જ્ઞાનના મૂળ સિદ્ધાંતો ક્યાંથી મળ્યા અને એમ કરવામાં કોણે આગેવાની લીધી?

૧૫ પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓને મળેલા ઈશ્વરના જ્ઞાનના મૂળ સિદ્ધાંતો, પ્રેરિતો અને જવાબદાર શિષ્યો પાસેથી સીધા જ આવ્યા હતા. તેઓએ લખેલાં પત્રો એક પછી એક બધા મંડળોમાં વાંચવામાં આવતા, ખાસ કરીને જે પત્રો ગ્રીક શાસ્ત્રવચનનાં ૨૭ પુસ્તકોમાં છે. એટલે શંકા નથી કે વડીલો એના આધારે જ શીખવતા હતા. આમ ચાકર ગ્રૂપને રજૂ કરનારાઓએ, ઈશ્વરનું જ્ઞાન પૂરા દિલથી પૂરું પાડ્યું. ઈસુએ સોંપેલા કામને પ્રથમ સદીના ચાકર ગ્રૂપે પૂરા તન-મનથી કર્યું.

૧૯૦૦ વર્ષ પછીનો “ચાકર”

૧૬, ૧૭. કઈ રીતે ૧૯૧૪ સુધીમાં ચાકર ગ્રૂપે પોતાની જવાબદારી વિશ્વાસુ રીતે પૂરી કરી?

૧૬ આજના વિષે શું? ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા. શું ઈસુને એ સમયે પવિત્ર આત્માથી પસંદ થયેલા એવા ખ્રિસ્તીઓનું ગ્રૂપ મળી આવ્યું, જેઓ વખતસર ઈશ્વરનું જ્ઞાન આપતા હતા? હા, ચોક્કસ! આ ગ્રૂપનાં કાર્યોને કારણે એ સહેલાઈથી ઓળખાઈ આવ્યું. (માત્થી ૭:૨૦) ત્યારથી આજ સુધીનો ઇતિહાસ એનો પુરાવો આપે છે.

૧૭ ઈસુ પાછા આવ્યા ત્યારે, લગભગ ૫,૦૦૦ જેટલા લોકો બાઇબલનું સત્ય બીજાને જણાવી રહ્યા હતા. ખરું કે પ્રચાર કરનારા થોડા જ હતા. તોપણ ચાકર ગ્રૂપે નવી નવી રીતોથી દૂર દૂર સુધી ઈશ્વરના રાજ્યનો પ્રચાર કર્યો. (માત્થી ૯:૩૮) દાખલા તરીકે, લગભગ ૨,૦૦૦ છાપામાં બાઇબલ પર ઉપદેશ છાપવાની ગોઠવણ થઈ. આ રીતે બાઇબલનો સંદેશ એકસાથે હજારોના હજારો વાચકો સુધી પહોંચ્યો. એ ઉપરાંત, કલર સ્લાઇડ અને ફિલ્મનો ઉપયોગ કરીને આઠ કલાકનો પ્રોગ્રામ તૈયાર થયો. એનાથી દુનિયાના અમુક ભાગોમાં લગભગ ૯૦ લાખથી વધારે લોકો એનો લાભ લઈ શક્યા. તેઓએ સૃષ્ટિની શરૂઆતથી ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્ય વિષેનો બાઇબલનો સંદેશો જોયો અને સાંભળ્યો. બાઇબલ પરનાં પુસ્તકો-પુસ્તિકાઓનો પણ સારો ઉપયોગ થયો. દાખલા તરીકે, ૧૯૧૪માં આ મૅગેઝિનની લગભગ ૫૦,૦૦૦ કોપી છાપવામાં આવી હતી.

૧૮. ઈસુએ ચાકરને ક્યારે પોતાની સર્વ સંપત્તિ પર કારભારી ઠરાવ્યો અને શા માટે?

૧૮ ખરેખર, માલિકે આવીને જોયું કે પોતાનો વિશ્વાસુ ચાકર ઘરનાંને વખતસર ઈશ્વરનું જ્ઞાન આપે છે અને શુભસંદેશ પ્રચાર કરે છે. તેથી, હવે એ ચાકરને વધારે જવાબદારી સોંપવાનો સમય આવ્યો. ઈસુએ કહ્યું: “હું તમને ખચીત કહું છું, કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.” (માત્થી ૨૪:૪૭) હા, ઈસુને ૧૯૧૪માં રાજા બનાવવામાં આવ્યા હતા. આ ચાકર કસોટીમાંથી પાસ થયા પછી, ૧૯૧૯માં રાજા ઈસુએ પોતાની બધી સંપત્તિ પર તેને કારભારી ઠરાવ્યો. પરંતુ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ શા માટે વધારે જવાબદારી સોંપવામાં આવી? એનું કારણ એ કે માલિકની સંપત્તિ વધી રહી હતી.

૧૯. સમજાવો કે ‘મોટી સભાને’ કઈ રીતે ઈશ્વરનું જ્ઞાન સમયસર મળી રહ્યું છે?

૧૯ નવા રાજા બનેલા માલિકે, વિશ્વાસુ ચાકરને કારભારી ઠરાવ્યો એ સંપત્તિ શું છે? પૃથ્વી પર જે કંઈ તેમનું છે, એ બધું જ એમાં આવી જાય છે. દાખલા તરીકે ૧૯૧૪માં ખ્રિસ્ત રાજા બન્યા, એના ૨૦ વર્ષ પછી ‘બીજાં ઘેટાંની’ ‘એક મોટી સભા’ ઓળખાઈ આવી. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) તેઓ ‘દેવના ઇસ્રાએલનો’ ભાગ ન હતા. પરંતુ, આ પૃથ્વી પર જીવવાની આશા રાખનારા નમ્ર સ્ત્રી-પુરુષો હતા. તેઓ પણ પસંદ થયેલા અભિષિક્તોની જેમ જ યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરવા ચાહતા હતા. તેઓએ જાણે કે ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ કહ્યું: “અમે તારી સાથે આવીશું, કેમકે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે.” (ઝખાર્યાહ ૮:૨૩) તેથી, બાપ્તિસ્મા પામેલા આ નવા નવા ખ્રિસ્તીઓ પણ અભિષિક્ત ખ્રિસ્તીઓની સાથે ઈશ્વરનું જ્ઞાન લેવા લાગ્યા. ખરેખર, ‘મોટી સભાના’ ભાઈ-બહેનો માટે આ કેવો મોટો આશીર્વાદ કહેવાય!

૨૦. માલિકની સંપત્તિમાં વધારો કરવા ‘મોટી સભાએ’ કયો ભાગ ભજવ્યો છે?

૨૦ ‘મોટી સભાના’ ભાઈ-બહેનો ખુશીથી ચાકર ગ્રૂપની સાથે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર થતો જાય છે, તેમ પૃથ્વી પર માલિકની સંપત્તિ વધે છે. તેથી, ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની’ જવાબદારી પણ વધે છે. સત્યની શોધ કરનારા લોકોનો વધારો થવાથી બાઇબલનાં સાહિત્યોની માંગ પણ વધી છે. એ માંગને પૂરી કરવા માટે વધારે પ્રિંટિંગ સાધનોની જરૂર પડી છે. તેથી, એક પછી બીજા દેશોમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસ શરૂ થઈ. વળી, “પૃથ્વીના છેડા સુધી” મિશનરિઓ મોકલવામાં આવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) વર્ષ ૧૯૧૪માં લગભગ ૫,૦૦૦ પસંદ થયેલા ભાઈ-બહેનો હતા. આજે યહોવાહની ભક્તિ કરનારાની સંખ્યા ૬૦ લાખથી વધારે થઈ છે, જેમાં ‘મોટી સભાના’ ભાઈ-બહેનો વધારે છે. ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા પછી, ખરેખર તેમની સંપત્તિમાં ઘણો જ વધારો થયો છે.

૨૧. હવે પછીના લેખમાં કયાં બે ઉદાહરણોની ચર્ચા કરીશું?

૨૧ આ બધું બતાવે છે કે આ ચાકર સાચે જ “વિશ્વાસુ અને બુદ્ધિમાન” છે. ઈસુએ આ ચાકરની વાત કર્યા પછી, તરત જ બે ઉદાહરણ આપ્યાં, જે એ ગુણો પર પ્રકાશ ફેંકે છે. એક ઉદાહરણ મૂર્ખ અને બુદ્ધિમાન કુમારિકાનું છે તથા બીજું તાલંત વિષે છે. (માત્થી ૨૫:૧-૩૦) ચોક્કસ આપણે એનો અર્થ જાણવા ચાહીએ છીએ. આજે આપણા માટે એ ઉદાહરણોનો શું અર્થ થાય છે? આપણે આ પ્રશ્નની ચર્ચા હવે પછીના લેખમાં કરીશું.

તમારા વિચાર જણાવશો?

• “વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર” કોણ છે?

• ‘ઘરનાં’ કોણ છે?

• વિશ્વાસુ ચાકરને ક્યારે માલિકની બધી સંપત્તિનો કારભાર સોંપાયો અને શા માટે એ સમયે?

• બીજા કોણે પ્રભુની સંપત્તિમાં વધારો કરવામાં મદદ કરી છે અને કઈ રીતે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

પ્રથમ સદીમાં વિશ્વાસુ ચાકર ગ્રૂપે પોતાની જવાબદારી પૂરી કરી