સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

બીજો કોરીંથી ૬:૧૪માં પાઊલ કોને ‘અવિશ્વાસીઓ’ કહીને બોલાવે છે?

બીજો કોરીંથી ૬:૧૪ કહે છે: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.” છઠ્ઠા અધ્યાયમાંથી આપણે જોઈ શકીએ છીએ કે પાઊલ એવી વ્યક્તિઓ વિષે વાત કરે છે જેઓ યહોવાહના ભક્તો નથી. ચાલો આપણે જોઈએ કે પાઊલ બીજા કોને ‘અવિશ્વાસી’ તરીકે જુએ છે.

પાઊલે ખ્રિસ્તીઓને ધમકાવ્યા કેમ કે ન્યાય માટે તેઓ “અવિશ્વાસીઓની આગળ” જતા હતા. (૧ કોરીંથી ૬:૬) આ કલમમાં પાઊલ કોરીંથના ન્યાયાધીશોને ‘અવિશ્વાસી’ કહે છે. બીજા કોરીંથીના પુસ્તકમાં, પાઊલ કહે છે કે શેતાને “અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે.” પાઊલ કહે છે કે લોકોના હૃદય પર જાણે એક “મુખપટ” છે, એટલે તેઓ યહોવાહ વિષેનું સત્ય જોઈ શકતા નથી. પાઊલે કહ્યું હતું કે જ્યારે ‘લોકો પ્રભુની ભણી ફરશે, ત્યારે તે મુખપટ દૂર કરવામાં આવશે.’—૨ કોરીંથી ૩:૧૬; ૪:૪.

અમુક અવિશ્વાસી લોકો ગુનેગાર હોય છે, અથવા મૂર્તિપૂજકો હોય છે. (૨ કોરીંથી ૬:૧૫, ૧૬) પરંતુ, એનો અર્થ એ નથી કે સર્વ અવિશ્વાસી લોકો યહોવાહના સાક્ષીઓને નફરત કરે છે. અમુક તો, સત્ય વિષે વધુ જાણવા માગે છે. બીજાઓ, કોઈ ખ્રિસ્તી ભાઈ કે બહેનના જીવન સાથી હોય છે. (૧ કોરીંથી ૭:૧૨-૧૪; ૧૦:૨૭; ૧૪:૨૨-૨૫; ૧ પીતર ૩:૧, ૨) આ દાખલાઓ બતાવે છે કે પાઊલ એવી વ્યક્તિઓને ‘અવિશ્વાસી’ ગણે છે, જેઓ ‘પ્રભુ યહોવાહ પર વિશ્વાસ’ કરતા નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧; ૫:૧૪; ૮:૧૨, ૧૩.

હવે, ૨ કોરીંથી ૬:૧૪ની સલાહ, કોઈ પણ સંજોગમાં સર્વ સાક્ષીને લાગુ પડે છે. પરંતુ, એ ખાસ એવા ખ્રિસ્તીઓને લાગુ પડે છે જેઓ જીવન સાથી શોધે છે. (માત્થી ૧૯:૪-૬) શા માટે? કેમ કે જેઓ યહોવાહને ભજતા નથી, તેઓના અરમાન, સંસ્કાર અને ધર્મ આપણાથી તદ્દન જુદા હોય છે. એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરવાથી જીવનમાં સંપ આવશે નહિ.

પરંતુ, જો કોઈ વ્યક્તિ બાઇબલ વિષે શીખી રહી હોય, અને સભાઓમાં પણ આવતી હોય, તો શું તેને ‘અવિશ્વાસી’ તરીકે ગણી શકાય? અથવા, જો મંડળમાં કોઈ બાપ્તિસ્મા ન પામેલ પ્રકાશક હોય, તો શું તે અવિશ્વાસી છે? ના, જરાય નહિ! કેમ કે તેઓ સત્ય વિષે શીખી રહ્યા છે અને બાપ્તિસ્મા પામવા પ્રગતિ કરી રહ્યા છે. (રૂમી ૧૦:૧૦; ૨ કોરીંથી ૪:૧૩) કર્નેલિયસનો જ વિચાર કરો. શાસ્ત્ર કહે છે કે તે બાપ્તિસ્મા લીધા પહેલાં પણ ‘ધાર્મિક હતો અને દેવનો ભય રાખતો’ હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧-૨.

તો પછી, જો કોઈ ખ્રિસ્તી ભાઈ બાપ્તિસ્મા ન પામેલી પ્રકાશક સાથે લગ્‍ન કરવાનું નક્કી કરે તો શું એમાં કંઈ ખોટું છે? કદાચ ભાઈ એમ વિચારી શકે કે ‘૨ કોરીંથી ૬:૧૪ પ્રમાણે એ બહેન ખરેખર અવિશ્વાસી નથી. તે તો મંડળમાં એક પ્રકાશક તરીકે સેવા કરે છે.’ પરંતુ, એમ વિચારવું ખોટું છે. પાઊલે ખ્રિસ્તી વિધવાઓને સીધેસીધું કહ્યું: “જેને તે ઇચ્છે તેને પરણવાની તેને છૂટ છે; પણ કેવળ પ્રભુમાં.” (૧ કોરીંથી ૭:૩૯) હા, બાઇબલ પ્રમાણે ખ્રિસ્તીઓએ ‘કેવળ પ્રભુમાં જ’ લગ્‍ન કરવું જોઈએ.

પરંતુ, ‘પ્રભુમાંનો’ અર્થ શું થાય છે? તેમ જ પાઊલ રૂમી ૧૬:૮-૧૦ અને કોલોસી ૪:૭માં ફરીથી “પ્રભુમાં” અને “ખ્રિસ્તમાં” કહે છે. તે શાના વિષે વાત કરે છે? પાઊલે કહ્યું કે જેઓ “પ્રભુમાં” અથવા “ખ્રિસ્તમાં” છે, તેઓ મંડળના ભાઈ-બહેનો છે. એટલે રૂમી અને કોલોસીમાં પાઊલ તેઓને ‘ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનારા,’ “ખ્રિસ્તમાં માનવંતા,” ‘વહાલા ભાઈઓ,’ ‘વિશ્વાસુ સેવકો,’ અને “સાથીદાસ” કહીને બોલાવે છે.

પરંતુ, વ્યક્તિ ક્યારે ‘પ્રભુના સાથીદાસ’ બને છે? જ્યારે તે માલિકની સેવામાં કંઈ પણ કરવા તૈયાર થાય છે ત્યારે. ઈસુએ કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.” (માત્થી ૧૬:૨૪) પ્રથમ, વ્યક્તિ મનથી નક્કી કરે છે કે તેને પૂરી રીતે ખ્રિસ્તને પગલે ચાલવું છે અને હવે તેના માલિક યહોવાહ છે. પછી, એ નિર્ણયની સાબિતી આપવા તે બાપ્તિસ્મા પામે છે અને યહોવાહને પસંદ પડે એવા ભક્ત બને છે. * તેથી, “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવાનો અર્થ એ થાય કે સામેની વ્યક્તિ પણ બાપ્તિસ્મા પામેલી સાક્ષી છે. આમ, બંને વ્યક્તિ ‘દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકો’ છે.—યાકૂબ ૧:૧.

જે વ્યક્તિ બાઇબલ અભ્યાસ કરે છે અને મંડળમાં સારી પ્રગતિ કરે છે, તેણે શાબાશી મેળવવી જોઈએ. પરંતુ, તે હજી બાપ્તિસ્મા પામેલ ખ્રિસ્તી નથી. તેણે હંમેશાં યહોવાહની સેવા કરવાનો નિર્ણય લીધો નથી. તેણે જીવનમાં હજી ઘણા ફેરફારો કરવાની જરૂર છે. તેથી, તેણે પહેલા બાપ્તિસ્મા લેવાનું મોટું પગલું લેવું જોઈએ. પછી તે લગ્‍ન કરવાનો બીજો મોટો નિર્ણય લઈ શકે છે.

હવે, જો કોઈ મંડળમાં સારી પ્રગતિ કરતું હોય, તો શું કોઈ ખ્રિસ્તી બહેને તેની સાથે લગ્‍ન વિષે ચર્ચા કરવી જોઈએ? અથવા, શું બહેને એમ નક્કી કરવું જોઈએ કે ‘તમે બાપ્તિસ્મા પામો પછી આપણે લગ્‍ન કરીશું’? ના, કેમ કે એમ કરવાથી કદાચ એ વ્યક્તિ ફક્ત લગ્‍ન કરવા માટે જ બાપ્તિસ્મા લે.

મોટા ભાગના કિસ્સામાં, વ્યક્તિ હંમેશાં બાપ્તિસ્મા ન પામેલ પ્રકાશક રહેતી નથી. તે પ્રગતિ કરીને થોડા સમયમાં બાપ્તિસ્મા લે છે. તેથી, ઉપરની સલાહ પાળવી કંઈ ભારે બોજો નથી. પરંતુ, હવે આ કિસ્સાનો વિચાર કરો. એક ભાઈ નાનપણથી સત્યમાં મોટો થયો છે. તે ઘણાં વર્ષોથી મિટિંગોમાં જઈ રહ્યો છે, અને તે બાપ્તિસ્મા ન પામેલ પ્રકાશક છે. તો શું, એ ભાઈ સાથે લગ્‍ન કરવું કંઈ ખોટું છે? જો એમ હોય તો, પહેલા બહેને વિચાર કરવો જોઈએ કે તે શા માટે હજુ બાપ્તિસ્મા પામ્યો નથી? શું તેને સત્ય વિષે શંકાઓ છે? એ સાચું છે કે એ વ્યક્તિ ખરેખર ‘અવિશ્વાસી’ નથી. પણ બીજી બાજુ, તે ખરેખર ‘પ્રભુમાં’ કે એક બાપ્તિસ્મા પામેલા ભાઈ પણ નથી.

લગ્‍ન વિષે પાઊલની સલાહ આપણા લાભ માટે છે. (યશાયાહ ૪૮:૧૭) જ્યારે બંને વ્યક્તિએ બાપ્તિસ્મા લીધું હોય, ત્યારે તેઓ એકબીજાને વફાદારી બતાવે છે. આમ, તેઓના લગ્‍ન જીવનનો પાયો મજબૂત રહે છે. તેમ જ, મંડળમાં તેઓના ધ્યેયો અને નિર્ણયો એક જ હોય છે. પરિણામે તેઓનું લગ્‍ન જીવન ખુશીઓથી ભરેલું હશે. એ ઉપરાંત, ‘કેવળ પ્રભુમાં’ લગ્‍ન કરવાથી વ્યક્તિઓ બતાવે છે કે તેઓ યહોવાહને વળગી રહેવા માગે છે. આ વફાદારીને લીધે યહોવાહ તેઓને સદા માટેના આશીર્વાદો આપશે. શાસ્ત્ર કહે છે કે ‘જેઓ યહોવાહને વળગી રહે છે, તેઓને તે કદી છોડતા નથી.’—ગીતશાસ્ત્ર ૧૮:૨૫, NW.

[ફુટનોટ]

^ આ કલમોમાં પાઊલ ખાસ કરીને અભિષિક્ત ખ્રિસ્તીઓને સલાહ આપી રહ્યા હતા. તેથી, જ્યારે યહોવાહે તેઓને સ્વર્ગમાં જવા માટે પસંદ કર્યા ત્યારે, તેઓ બીજા અર્થમાં પણ ‘પ્રભુના સાથીદાસ’ કે ભાઈઓ બન્યા.

[પાન ૩૧ પર ચિત્ર]

‘જેઓ યહોવાહને વળગી રહે છે, તેઓને તે કદી છોડતા નથી’