સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈસુએ ખરેખર ચમત્કારો કર્યા હતા?

શું ઈસુએ ખરેખર ચમત્કારો કર્યા હતા?

શું ઈસુએ ખરેખર ચમત્કારો કર્યા હતા?

‘સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વળગેલાઓને ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યા, ને તેણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને સઘળાં માંદાંઓને સાજાં કર્યાં.’ (માત્થી ૮:૧૬) ‘ઈસુએ ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.’ (માર્ક ૪:૩૯) આ ચમત્કારો વિષે તમે શું વિચારો છો? શું એ ખરેખર થયા હતા? કે પછી એ ફક્ત વાર્તાઓ જ છે?

ઈસુના ચમત્કારો વિષે ઘણા શંકા ઉઠાવે છે. વિજ્ઞાને દૂરબીન, માઇક્રોસ્કોપ, અવકાશ વિજ્ઞાન અને જિનેટિક એંજિનિયરિંગ વગેરેમાં ઘણી પ્રગતિ કરી હોવાથી, તેઓને ચમત્કારોમાં માનવું ઘણું જ અઘરું લાગે છે.

કેટલાકને લાગે છે કે એ ચમત્કારો સાચા હોય જ ન શકે. એક પુસ્તક ખરેખર ઈસુ કોણ હતા એ શોધવાનો પ્રયત્ન કરે છે. એ પુસ્તક એમ પણ કહે છે કે હકીકતમાં ચમત્કારો થયા જ ન હતા. એ તો ફક્ત વાર્તાઓ જ છે જે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા કહેવામાં આવી હતી.

બીજા લોકો ઈસુના ચમત્કારોને બનાવટ કહે છે. તેઓ એવો દાવો કરે છે કે ઈસુ લોકોને ભરમાવતા હતા. બીજી સદીના જસ્ટીન માર્ટર અનુસાર, ઈસુની ટીકા કરનારાઓએ “તેમને જાદુગર અને લોકોને ગેરમાર્ગે દોરનાર” કહ્યા. કેટલાકે તો વળી એવો દાવો કર્યો કે ઈસુએ “યહુદી પ્રબોધક તરીકે નહિ, પણ વિધર્મી મંદિરમાં તાલીમ લીધેલા જાદુગર તરીકે ચમત્કારો કર્યા હતા.”

શું ચમત્કારો ખરેખર થઈ શકે?

શા માટે લોકો ચમત્કારમાં માનતા નથી? કદાચ તેઓને એ માનવું બહુ મુશ્કેલ, અરે અશક્ય લાગે છે કે ઈશ્વરની શક્તિ આવા ચમત્કારો કરી શકે છે. એક નાસ્તિક યુવાને કહ્યું, “ચમત્કારો થઈ જ ન શકે.” ત્યાર પછી તેણે ૧૮મી સદીના સ્કોટિશ ફિલોસોફર ડેવિડ હુમના શબ્દોનો ઉલ્લેખ કરતા કહ્યું: “ચમત્કાર કુદરતી નિયમોનું ઉલ્લંઘન કરે છે.”

અમુક ચમત્કાર થવા અશક્ય છે એવું કહેતા કેટલાક લોકો ખચકાશે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા ચમત્કારો વિષે કહે છે: “કુદરતી નિયમો દ્વારા એ સમજાવી શકાય તેમ નથી.” આ વ્યાખ્યા અનુસાર, અવકાશયાત્રીઓ, સેલફોનની શોધ અને સેટેલાઈટથી માર્ગદર્શન આપવું, સોએક વર્ષ પહેલાં તો આ બધું “ચમત્કાર” જ લાગ્યું હોત. તેથી, એમ કહેવું યોગ્ય નથી કે ચમત્કારો થઈ જ ન શકે, કારણ કે આપણે એને હાલના જ્ઞાનને આધારે સમજાવી શકતા નથી.

ચાલો આપણે ઈસુ ખ્રિસ્તે કરેલા કેટલાક ચમત્કારોના શાસ્ત્રીય પુરાવા તપાસીએ. આપણે એ જોઈશું કે ઈસુના ચમત્કારો હકીકત છે કે ફક્ત વાર્તા જ છે.