સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પુનર્નિયમના મુખ્ય વિચારો

પુનર્નિયમના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

પુનર્નિયમના મુખ્ય વિચારો

યહોવાહે ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા. તેઓ ૪૦ વર્ષ અરણ્યમાં રખડ્યા. તેઓને હજુ સુધી પોતાનો દેશ મળ્યો નથી. આખરે ઈસવીસન પૂર્વે ૧૪૭૩ની સાલમાં ઈસ્રાએલીઓ વચનના દેશને ઉંબરે આવી પહોંચ્યા. તેઓ વચનના દેશનો કબજો લે એ પહેલાં શું બનવાનું હતું? તેઓએ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તેઓએ એ મુશ્કેલીઓને કઈ રીતે હલ કરવાની હતી?

ઈસ્રાએલીઓ યરદન નદી પાર કરીને કનાન દેશમાં જાય એ પહેલાં, મુસા તેઓને એક મોટા કામ માટે તૈયાર કરવા ભેગા કરે છે. કઈ રીતે? તેમણે તેઓને ખાસ પ્રવચનો અને કેટલાક ખાસ નિયમો વિષે જણાવ્યું કે જેનાથી તેઓને ઉત્તેજન, સલાહ અને ચેતવણી મળ્યા. તેમણે ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું કે ફક્ત યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ. વળી, તેઓની આસપાસના દેશો જે કંઈ કરે છે એ પ્રમાણે તેઓએ ચાલવું નહિ. મુસાએ જે કંઈ જણાવ્યું એ આ પુનર્નિયમના પુસ્તકમાં જોવા મળે છે. એ સમયે તેઓને આપેલી સલાહ આજે આપણા માટે પણ એટલી જ મહત્ત્વની છે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં યહોવાહની ભક્તિ કરવી બહુ અઘરું છે.—હેબ્રી ૪:૧૨.

પુનર્નિયમના છેલ્લા અધ્યાય સિવાયનું આખું પુસ્તક મુસાએ લખ્યું છે. * આ પુસ્તકમાં લગભગ બે મહિનાના બનાવો વિષે જણાવે છે. (પુનર્નિયમ ૧:૩; યહોશુઆ ૪:૧૯) ચાલો આપણે આ પુસ્તકની સલાહ પર ધ્યાન આપીએ. એ આપણને પૂરા તન-મનથી યહોવાહને પ્રેમ કરવા મદદ કરશે.

‘તારી નજરે જોયેલાં કાય  તું ભૂલી ન જા’

(પુનર્નિયમ ૧:૧-૪:૪૯)

પ્રથમ પ્રવચનમાં મુસાએ અરણ્યમાં થયેલા કેટલાક અનુભવોની ઝીણામાં ઝીણી માહિતી આપી છે. ખાસ કરીને એવા બનાવો કે જે ઈસ્રાએલી-ઓને વચનના દેશનો કબજો લેવા તૈયાર કરવા માટે મદદરૂપ થાય. ન્યાયાધીશોની પસંદગીના અહેવાલે તેઓને યાદ કરાવ્યું હશે કે યહોવાહ પોતાના લોકોની કાળજી લે છે. મુસાએ એ પણ બતાવ્યું કે દસ જાસૂસોના ખરાબ અહેવાલને કારણે આખી પેઢી વચનના દેશમાં પ્રવેશી શકશે નહિ. હવે જ્યારે તેઓ વચનના દેશના બારણે ઊભા હતા, ત્યારે એ બનાવ તેઓ કદી ભૂલશે નહિ.

યરદન નદી પાર કરતા પહેલાં યહોવાહે ઈસ્રાએલીઓને જીત અપાવી હતી. એને યાદ કરવાથી તેઓને હિંમત મળી કે તેઓ નદી પારના લોકો સામે પણ લડી શકશે. તેઓ જે દેશમાં જવાના હતા એ મૂર્તિપૂજાથી ભરેલો હતો. તેથી, મુસા ઈસ્રાએલીઓને મૂર્તિપૂજા વિરુદ્ધ સખત ચેતવણી આપે એ કેટલું યોગ્ય છે!

સવાલ-જવાબ:

૨:૪-૬, ૯, ૧૯, ૨૪, ૩૧-૩૫; ૩:૧-૬—શા માટે ઈસ્રાએલીઓએ યરદન નદીની પૂર્વમાં રહેતા અમુક લોકોનો નાશ કર્યો જ્યારે કે બીજાઓને રહેવા દીધા? યહોવાહે ઈસ્રાએલીઓને આજ્ઞા આપી હતી કે તેઓએ એસાવપુત્રો સાથે લડાઈ કરવી નહિ. શા માટે? કેમ કે તેઓ યાકૂબના ભાઈના વંશજો હતા. ઈસ્રાએલીઓએ મોઆબીઓ અને આમ્મોનીઓ વિરુદ્ધ પણ લડાઈ કરવાની ન હતી. કેમ કે તેઓ ઈબ્રાહીમના ભત્રીજા, લોતના વંશજો હતા. અમોરીઓના રાજા સીહોન અને ઓગ ઈસ્રાએલીઓના કોઈ રીતે સંબંધી ન હતા. આથી તેઓને ત્યાં રહેવાનો કોઈ જ અધિકાર ન હતો. તેથી, સીહોને પોતાના દેશમાંથી ઈસ્રાએલીઓને જવા ન દીધા અને ઓગ પણ તેની સાથે મળીને ઈસ્રાએલીઓ સામે ચઢી આવ્યો ત્યારે, યહોવાહે ઈસ્રાએલીઓને આજ્ઞા આપી કે તેઓના શહેરોનો સમૂળગો નાશ કરે અને કોઈ પણ વ્યક્તિ બચવી ન જોઈએ.

૪:૧૫-૨૦, ૨૩, ૨૪—કોઈ પણ પ્રકારની મૂર્તિ નહિ બનાવવાનો અર્થ શું એમ થાય કે કોઈ પણ વસ્તુનું શિલ્પ બનાવવું ખોટું છે? ના. ભક્તિ કરવા માટે કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવવી ખોટું છે. પણ બાઇબલમાં કોઈ શિલ્પ કે ચિત્ર બનાવવાની મનાઈ કરવામાં આવી નથી.—૧ રાજાઓ ૭:૧૮, ૨૫.

આપણે શું શીખી શકીએ?

૧:૨, ૧૯. ઈસ્રાએલીઓ કાદેશ-બાર્નેઆ જવા નીકળ્યા, જેનું અંતર ‘સેઈર પર્વતને માર્ગે હોરેબથી [જ્યાં દસ આજ્ઞાઓ અપાઈ એ સિનાય પહાડના વિસ્તારથી] ફક્ત અગિયાર દિવસની મજલ જેટલું હતું.’ પરંતુ, તેઓએ પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એટલે તેઓએ ૩૮ વર્ષ અરણ્યમાં રખડવું પડ્યું!—ગણના ૧૪:૨૬-૩૪.

૧:૧૬, ૧૭. ન્યાય કરવાનું પરમેશ્વરનું ધોરણ આજે પણ એવું જ છે. ભાઈઓ જ્યારે મંડળમાં ન્યાય કરવાની જવાબદારી સંભાળે, ત્યારે કોઈ પણ જાતનો ભેદભાવ કે માણસોની બીક ન રાખે.

૪:૯. ઈસ્રાએલીઓએ સફળતા માટે ‘નજરે જોએલાં કાર્યને ભૂલી જવાનું ન હતું.’ પરમેશ્વરે વચન આપેલી નવી દુનિયાને આરે આવીને ઊભા છીએ ત્યારે, આપણે પણ તેમણે કરેલાં અદ્‍ભુત કાર્યોને ભૂલી ન જઈએ. એ માટે આપણે બાઇબલનો ખંતથી અભ્યાસ કરવો જઈએ.

યહોવાહને પ્રેમ કરો અને તેમની આજ્ઞાઓ પાળો

(પુનર્નિયમ ૫:૧-૨૬:૧૯)

બીજા પ્રવચનમાં, મુસા સિનાય પહાડ પાસે આપેલા નિયમો અને દસ આજ્ઞાઓ વિષે બતાવે છે. સાત રાષ્ટ્રોના સંપૂર્ણ વિનાશ વિષે પણ બતાવે છે. પછી ઈસ્રાએલીઓ અરણ્યમાં જે મહત્ત્વનો બોધપાઠ શીખ્યા એને યાદ કરાવે છે: “માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે.” નવા દેશમાં, તેઓએ ‘સર્વ આજ્ઞાઓ પાળવાની’ હતી.—પુનર્નિયમ ૮:૩; ૧૧:૮.

વચનના દેશમાં, ઈસ્રાએલીઓને ફક્ત ઉપાસનાને લગતા જ નહિ, પરંતુ ન્યાય, સરકાર, યુદ્ધ અને તેઓના સામાજિક તથા રોજના જીવન વિષે પણ નિયમોની જરૂર હતી. મુસાએ આ નિયમો ફરી જણાવ્યા અને યહોવાહને પ્રેમ કરવાની જરૂર પર અને તેમની આજ્ઞાઓ પાળવા પર ભાર મૂક્યો.

સવાલ-જવાબ:

૮:૩, ૪—ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા ત્યારે કઈ રીતે તેઓનાં કપડાં ઘસાઈ ગયા નહિ અને તેઓના પગ સૂજી ગયા નહિ? જેમ યહોવાહે માન્‍ના આપ્યું, એમ આ પણ એક ચમત્કાર જ હતો. ઈસ્રાએલીઓ જે કપડાં અને ચંપલ કે સેન્ડલ પહેરીને નીકળ્યા હતા એ જ આખો વખત અરણ્યમાં પણ પહેર્યા હતા. વૃદ્ધો મરતા ગયા તેમ તેઓ પોતાના કપડાં અને ચંપલ પોતાના બાળકોને આપતા ગયા. ઈસ્રાએલીઓએ અરણ્યમાં મુસાફરી શરૂ કરી ત્યારે અને અંતમાં વસ્તીગણતરી કરવામાં આવી હતી. એના પરથી જોવા મળ્યું કે ઈસ્રાએલીઓની સંખ્યા વધી ન હતી. આમ, તેઓ પાસે પૂરતાં કપડાં અને ચંપલ હતા.—ગણના ૨:૩૨; ૨૬:૫૧.

૧૪:૨૧—ઈસ્રાએલીઓ કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીઓનું માંસ ખાતા ન હતા. તો શા માટે તેઓ પરદેશીઓને એ વેચતા કે આપતા? બાઇબલ એવા લોકોનો “પરદેશી” તરીકે ઉલ્લેખ કરે છે કે જેઓ ઈસ્રાએલીઓ ન હતા. અથવા દેશમાં રહેવા માટે અમુક નિયમો અપનાવ્યા હતા, પરંતુ યહોવાહના ભક્તો બન્યા ન હતા. વિદેશીઓ મુસાના નિયમ હેઠળ ન હતા. તેઓ કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીના માંસનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકતા હતા. તેથી, ઈસ્રાએલીઓ તેઓને આવા પ્રાણીઓનું માંસ આપી કે વેચી શકતા હતા. જ્યારે કે, ધર્મ બદલનારા કરારના નિયમથી બંધાયેલા હતા. લેવીય ૧૭:૧૦માં બતાવ્યા પ્રમાણે, તેઓ પ્રાણીઓનું લોહી ખોરાકમાં લઈ શકતા ન હતા.

૨૪:૬—શા માટે ‘ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ગીરવે લેવાને ઉપજીવિકા ગીરવે લેવા’ સાથે સરખાવ્યું છે? [‘જિંદગી ગીરો રાખ્યા બરાબર,’ સંપૂર્ણ બાઇબલ] ઘંટી કે ઘંટીનું ઉપલું પડ વ્યક્તિની જિંદગીને બતાવતું હતું, કેમ કે એનાથી વ્યક્તિ દળીને ખાય શકતી. પણ જો એ જ ખૂંચવી લેવામાં આવે, તો આખા કુટુંબને ભૂખે રહેવું પડે.

૨૫:૯—જો કોઈ માણસ પોતાના મરી ગયેલા ભાઈની પત્ની સાથે લગ્‍ન ન કરે તો, તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકવું. શા માટે? ‘પ્રાચીન કાળમાં ઈસ્રાએલમાં વેચવા-લેવાનું દરેક કામ નક્કી કરવા માટે એવો રિવાજ હતો કે એક માણસ પોતાનું ખાસડું કાઢીને પોતાના પડોશીને આપે.’ (રૂથ ૪:૭) ગુજરી ગયેલા પોતાના ભાઈની પત્ની સાથે લગ્‍ન કરવાની ના પાડનાર માણસના પગમાંથી જોડો કાઢી લેવો એમ બતાવતું હતું કે પોતાના મરી ગયેલા ભાઈ માટે તે બાળકો પેદા કરવા ચાહતો નથી. આ એકદમ શરમજનક બાબત હતી. (પુનર્નિયમ ૨૫:૧૦) તેથી, તેના મુખ પર થૂંકીને તેનું અપમાન કરવામાં આવતું હતું.—ગણના ૧૨:૧૪.

આપણે શું શીખી શકીએ?

૬:૬-૯. ઈસ્રાએલીઓને નિયમો જાણવાની આજ્ઞા આપવામાં આવી હતી. એવી જ રીતે આપણે પણ પરમેશ્વરની આજ્ઞાઓ જાણએ અને એ પ્રમાણે જીવીએ. એને આપણાં બાળકોના મનમાં પણ ઠસાવવી જોઈએ. ‘એને નિશાની તરીકે આપણા હાથે બાંધવી’ જોઈએ. વળી, આપણે એ આજ્ઞાઓ ‘આંખોની વચ્ચે કપાળભૂષણ પર બાંધવી’ જોઈએ. આપણે યહોવાહને આધીન છીએ એ આપણાં કામોથી સર્વ લોકોને દેખાવું જોઈએ.

૬:૧૬. ઈસ્રાએલીઓએ માસ્સાહમાં પાણી માટે કચકચ કરીને યહોવાહની પરીક્ષા કરી, તેમ આપણે કદી પણ તેમની પરીક્ષા કરવી જોઈએ નહિ.—નિર્ગમન ૧૭:૧-૭.

૮:૧૧-૧૮. ધન-દોલતના ફાંદામાં ફસાઈને આપણે યહોવાહને ભૂલી જઈ શકીએ છીએ.

૯:૪-૬. કદી એવું ન માનીએ કે આપણે પોતે ન્યાયી અને સારા છીએ.

૧૩:૬. આપણે લોકોનું ધ્યાન યહોવાહ તરફ ખેંચવું જોઈએ, આપણા તરફ નહિ.

૧૪:૧. પોતાના શરીરને ઇજા પહોંચાડવી એ શરીર માટે અપમાન બતાવે છે. વધુમાં એ જૂઠા ધર્મ સાથે જોડાયેલું હોય શકે. (૧ રાજાઓ ૧૮:૨૫-૨૮) આપણને સજીવન થવાની આશા હોવાથી વહાલી વ્યક્તિના મરણ વખતે એવું કંઈ કરીને શોક બતાવવો અયોગ્ય છે.

૨૦:૫-૭; ૨૪:૫. ભલે ગમે એવું મહત્ત્વનું કામ હોય છતાં, જરૂરિયાતમાં હોય તેઓને પહેલા મદદ કરવી જોઈએ.

૨૨:૨૩-૨૭. કોઈ પણ સ્ત્રીએ બળાત્કારનું જોખમ જણાતા જ બૂમાબૂમ કરી મૂકવી જોઈએ.

“જીવન પસંદ કર”

(પુનર્નિયમ ૨૭:૧-૩૪:૧૨)

મુસાએ પોતાના ત્રીજા પ્રવચનમાં બતાવ્યું કે યરદન નદી પાર કર્યા પછી, ઈસ્રાએલીઓએ મોટા પથ્થરો પર નિયમો લખવાના હતા. તેમ જ પરમેશ્વરને આધીન રહેવાથી મળતા આશીર્વાદ અને ન રહેવાથી આવતા શાપ લખવાના હતા. ચોથું પ્રવચન યહોવાહ અને ઈસ્રાએલીઓ વચ્ચે થયેલા નવા કરારથી શરૂ થાય છે. આજ્ઞા ન પાળવાથી આવનાર શાપ વિષે મુસા ફરીથી ચેતવણી આપે છે. વળી, લોકોને ‘જીવન પસંદ કરવાનું’ ઉત્તેજન પણ આપે છે.—પુનર્નિયમ ૩૦:૧૯.

ચોથું પ્રવચન આપવા ઉપરાંત, મુસા એ પણ બતાવે છે કે આગેવાની લેનાર બદલાશે. વળી, તે ઈસ્રાએલીઓને સુંદર ગીત શીખવે છે કે જેનાથી યહોવાહની સ્તુતિ થાય છે. તેમ જ બેવફા બનવાથી આવતા પરિણામો વિષે ચેતવે છે. કુળોને આશીર્વાદ આપ્યા પછી, ૧૨૦ વર્ષની વયે મુસા મરણ પામે છે. ઈસ્રાએલીઓ ત્રીસ દિવસ સુધી શોક પાળે છે.

સવાલ-જવાબ:

૩૨:૧૩, ૧૪—ઈસ્રાએલીઓને કોઈ પણ પ્રકારની ચરબી ખાવાની મનાઈ હતી. તો “હલવાનની ચરબી” ખાવાનો શું અર્થ થાય છે? અહીં “ચરબી” એટલે કે ટોળાંમાંથી સૌથી સારું પ્રાણી અથવા ચીજ-વસ્તુ. જેમ કે, એ જ કલમ આગળ એમ બતાવે છે કે “ઘઉંના તાંદળાનું સત્ત્વ; અને દ્રાક્ષના લાલચોળ રસનો દ્રાક્ષારસ.” આમ, એ સૌથી સારા ભાગને બતાવે છે.

૩૩:૧-૨૯—મુસાએ ઈસ્રાએલીઓને આશીર્વાદ આપ્યા એમાં શા માટે શિમઓનનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો? શિમઓન તથા લેવી “ક્રૂર” રીતે વર્ત્યા અને તેઓનો ક્રોધ “વિકરાળ” હતો. (ઉત્પત્તિ ૩૪:૧૩-૩૧; ૪૯:૫-૭) તેઓને બીજાં કુળોની જેમ વારસો આપવામાં આવ્યો ન હતો. લેવીએ ૪૮ શહેરો મેળવ્યાં અને શિમઓનનો ભાગ યહુદાહના વિસ્તારમાં જ હતો. (યહોશુઆ ૧૯:૯; ૨૧:૪૧, ૪૨) તેથી, મુસાએ પોતે આપેલા આશીર્વાદોમાં તેઓનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નહિ. તેમ છતાં, ઈસ્રાએલીઓને આપવામાં આવેલા આશીર્વાદોમાં શિમઓનનો પણ સમાવેશ થતો હતો.

આપણે શું શીખી શકીએ?

૩૧:૧૨. નાના બાળકોએ ખ્રિસ્તી સભાઓમાં મોટાઓ સાથે બેસવું જોઈએ અને સાંભળીને શીખવું જોઈએ.

૩૨:૪. યહોવાહના સર્વ કામ સંપૂર્ણ છે. એમાં તે ન્યાય, ડહાપણ, પ્રેમ અને શક્તિ જેવા પોતાના ગુણોને એકદમ સમતોલ રીતે બતાવે છે.

આપણા માટે મૂલ્યવાન પુસ્તક

પુનર્નિયમ યહોવાહને “એકલો જ યહોવાહ” તરીકે બતાવે છે. (પુનર્નિયમ ૬:૪) આ પુસ્તક પરમેશ્વર સાથેના અજોડ સંબંધમાં રહેલા લોકો વિષે બતાવે છે. પુનર્નિયમનું પુસ્તક મૂર્તિપૂજા વિષે ચેતવણી આપે છે અને ફક્ત સાચા પરમેશ્વરની જ ભક્તિ કરવાનું ઉત્તેજન આપે છે.

સાચે જ, આ પુસ્તક આપણા માટે મૂલ્યવાન છે! જોકે આપણે મુસાના નિયમ પાળવાના નથી છતાં એમાંથી ઘણું શીખી શકીએ. એ ‘યહોવાહને આપણા પૂરા અંતઃકરણથી, મનથી તથા બળથી પ્રીતિ કરવા’ મદદ કરશે.—પુનર્નિયમ ૬:૫.

[ફુટનોટ]

^ છેલ્લા અધ્યાય મુસાના મરણ વિષે જણાવે છે, જે યહોશુઆ કે પ્રમુખ યાજક એલઆઝરે લખ્યો હોય શકે.

[પાન ૨૪ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સેઈર

કાદેશ- બાર્નેઆ

સિનાય પહાડ (હોરેબ)

સૂફ સમુદ્ર

[ક્રેડીટ લાઈન]

Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[પાન ૨૪ પર ચિત્ર]

પુનર્નિયમના પુસ્તકમાં ખાસ કરીને મુસાએ આપેલાં પ્રવચનો છે

[પાન ૨૬ પર ચિત્ર]

યહોવાહે માન્‍નાની ગોઠવણ કરી એમાંથી આપણે કયો બોધપાઠ લઈ શકીએ?

[પાન ૨૬ પર ચિત્ર]

‘ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ગીરવે લેવાને જિંદગી ગીરવે લેવા’ સાથે સરખાવ્યું છે