સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુના જન્મને કઈ રીતે યાદ રાખવો જોઈએ?

ઈસુના જન્મને કઈ રીતે યાદ રાખવો જોઈએ?

ના જન્મને કઈ રીતે યાદ રાખવો જોઈએ?

“કદી પણ થઈ ગયા હોય એવા સૌથી પ્રભાવશાળી લોકોમાં એક” ઈસુ ખ્રિસ્ત હતા.—“ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા.”

મહાન હસ્તીઓને તેમના કામને લીધે લોકો ક્યારેય ભૂલતા નથી. તો પછી, શા માટે ઘણા લોકો ઈસુના કાર્યોને બદલે તેમના જન્મ દિવસને યાદ રાખે છે? મોટા ભાગના કહેવાતા ખ્રિસ્તીઓ ઈસુના જન્મ સમયે શું થયું એ યાદ રાખે છે. પરંતુ, શું તેઓ ઈસુના પહાડ પરના પ્રખ્યાત શિક્ષણને પોતાના જીવનમાં લાગુ પાડે છે? અરે, તેઓને એ શિક્ષણ યાદ પણ છે શું?

ખરું કે, ઈસુનો જન્મ બહુ મહત્ત્વનો અવસર હતો. પરંતુ, ઈસુના શિષ્યોને તેમનો જન્મદિન નહિ પણ તેમણે જે શીખવ્યું અને કર્યું એ વધારે મહત્ત્વનું લાગ્યું. પરમેશ્વર પણ એ જ ચાહતા હતા કે ઈસુએ પોતાના જીવનમાં જે કર્યું એ લોકો યાદ રાખે. તોપણ કહેવાતા ખ્રિસ્તીઓ ફક્ત ઈસુના જન્મ દિવસને યાદ રાખે છે. એટલે જ તેઓ ઈસુના જન્મનું નાટક પણ ભજવે છે.

આજે જે રીતે ક્રિસમસ ઊજવાય છે એ વિષે પણ સવાલ ઊભો થાય છે. કલ્પના કરો કે ઈસુ પૃથ્વી પર પાછા આવે તો, તેમના જન્મ દિવસને નામે લોકો જે વેપાર ધંધો કરે છે એ જોવું શું તેમને ગમશે? જરાય નહિ! યાદ કરો, બે હજાર વર્ષ પહેલાં ઈસુએ યરૂશાલેમના મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે શું જોયું? કોઈ યહુદી ધાર્મિક તહેવારને લઈને મંદિરમાં વેપારીઓ અને શરાફો પૈસા બનાવી રહ્યા હતા. એ જોઈને ઈસુને ખૂબ ગુસ્સો આવ્યો ને તેમણે કહ્યું: “એ બધું અહીંથી લઈ જાઓ; મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો.” (યોહાન ૨:૧૩-૧૬) આ બતાવે છે કે ધર્મ સાથે વેપાર ધંધાની ભેળસેળ ઈસુને જરાય મંજૂર ન હતું.

આજે સ્પેનના રોમન કૅથલિકો નાતાલના સમયને એકદમ પવિત્ર માને છે. તેથી, એ સમયે લોકોને ધર્મના નામ પર વેપાર ધંધામાં ડૂબેલા જોઈને ધાર્મિક લોકોને બહુ ચિંતા થાય છે. જોકે આ કંઈ નવું નથી. શરૂઆતથી જ કહેવાતા ખ્રિસ્તીઓ નાતાલના નામે વેપાર-ધંધો કરતા આવ્યા છે. પત્રકાર વાણએરીએસે લખ્યું: ‘આજે ખાલી મોજમજા કરવા નાતાલ ઊજવતા લોકોને જોઈને બીજા ખ્રિસ્તીઓ ગુસ્સે થઈ જાય છે. ધર્મ કરતાં વેપાર- ધંધાને વધારે મહત્ત્વ આપનારા એ પણ જાણતા નથી કે પહેલી વાર ઈસુના જન્મની ઉજવણી લોકોએ સૂર્યની પૂજા કરવાના આશયથી કરી હતી.’—નાતાલનો ઇતિહાસ, ડિસેમ્બર ૨૪, ૨૦૦૧.

હાલના વર્ષોમાં, ઘણા સ્પેનિશ પત્રકારો અને એન્સાયક્લોપેડિયાએ નાતાલની ઉજવણી અને એના વેપાર ધંધા વિષે ટીકા કરી હતી. નાતાલની ઉજવણીની તારીખ વિષે એન્સાયક્લોપેડિયા ડે લા રીલીજ્યન કૅથલિક જણાવે છે: ‘પ્રાચીન સમયમાં રોમન ચર્ચના પાદરીઓએ બીજા ધર્મના તહેવારોને ખ્રિસ્તીઓના તહેવાર સાથે જોડી દીધા. દાખલા તરીકે, રોમના લોકો ડિસેમ્બર ૨૫ને અજેય સૂર્યના જન્મદિન તરીકે ઊજવતા હતા. પરંતુ, પાદરીઓએ ઈસુના જન્મને એ તારીખે જ ઊજવવાનું શરૂ કર્યું.’

એન્સાયક્લોપેડિયા હીસપેનીકા પણ જણાવે છે: ‘બાઇબલને આધાર માનીને ચાલીએ તો ઈસુનો જન્મ ડિસેમ્બર ૨૫મીએ થયો જ નથી. એ દિવસ તો પ્રાચીન સમયમાં રોમના પાદરીઓએ નક્કી કર્યો. એ દિવસે લોકો સૂર્ય પૂજાનો તહેવાર ઊજવતા હતા.’ રોમના લોકો કઈ રીતે સૂર્યનો તહેવાર ઊજવતા હતા? એ લોકો ખાઈ-પીને મોજ કરતા ને એકબીજાને ભેટ આપતા હતા. રોમન પાદરીઓ આ પ્રખ્યાત તહેવાર બંધ કરાવવા માંગતા હતા. પણ જો તેઓ એ બંધ કરે તો લોકો ગુસ્સે થાય. તેથી, તેઓએ સૂર્યના જન્મને બદલે ઈસુના જન્મને એ દિવસે મૂકી દીધો. આમ, તેઓએ “નાતાલ”ની શરૂઆત કરી.

કૅથલિક “સંત” ઑગસ્ટીને (ઈસવીસન ૩૫૪- ૪૩૦માં) પોતાના સાથી ખ્રિસ્તીઓને ફરજ પાડી કે સૂર્યને ઊજવવામાં આવતો હતો એ રીતે ડિસેમ્બર ૨૫ની ઉજવણી ન કરે. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ ચોથી અને પાંચમી સદીમાં સૂર્યની પૂજા અને એના રિવાજો બંધ કરવા બહુ મુશ્કેલ હતા. આજે પણ ઘણા લોકો ક્રિસમસને ધામધૂમથી ઊજવે છે જેમ, અગાઉ રોમનો તેઓના તહેવારો ઊજવતા હતા.

મોજમજા અને વેપારધંધા માટે ઉત્તમ તહેવાર

સદીઓથી લોકો નાતાલ ઊજવે છે. આજે તો દુનિયાના ખૂણેખાંચરે એ ઊજવાય છે. લોકો માટે એ મોજ-મઝા અને વેપાર ધંધો કરવાનો તહેવાર બની ગયો છે. વળી, શિયાળામાં આવતા તહેવારો અને ખાસ કરીને ઉત્તર યુરોપમાં ઊજવાતા તહેવારોને લોકો હવે ધીરે ધીરે રોમન તહેવારોની જેમ જ ઊજવવા લાગ્યા છે. * વીસમી સદીથી તો, વેપાર-ધંધાવાળા પોતાના ખિસ્સા ભરાય એવા કોઈ પણ રિવાજને વધારે પ્રોત્સાહન આપવા લાગ્યા છે.

એનું શું પરિણામ આવ્યું? ઈસુ શા માટે જન્મયા એનું મહત્ત્વ સાવ ભૂલાઈ ગયું છે. પણ લોકો માટે ફક્ત ઈસુનો જન્મદિવસ મહત્ત્વનો બની ગયો છે. ઘણા કિસ્સામાં તો, નાતાલના રિવાજોમાં ઈસુનું નામ સુદ્ધાં આવતું નથી. નાતાલનો ઇતિહાસ નામના એક સ્પેનિશ છાપાએ લખ્યું કે ‘નાતાલ આખી દુનિયામાં ઊજવાય છે. એ સમયે કુટુંબના બધા લોકો ભેગા મળે છે ને પોતાના વિચારો પ્રમાણે નાતાલ ઊજવે છે.’

આવા વિચારો સ્પેનમાં અને દુનિયાના બીજા ઘણા દેશોમાં પણ જોવા મળે છે. લોકો નાતાલને સારી રીતે ઊજવવા માટે ઘણા પૈસા ખર્ચી નાખે છે. પરંતુ, તેઓ એ જાણતા નથી કે ઈસુ કોણ છે. આજે લોકો રોમનો ઊજવતા હતા એમ જ નાતાલ ઊજવવા લાગ્યા છે. બસ, ખાઈ-પીને મઝા કરો ને એકબીજાને ભેટ આપો.

આપણા માટે બાળકનો જન્મ થયો છે

જો નાતાલનો ઈસુ સાથે કોઈ સંબંધ જ ન હોય તો, ઈસુના જન્મને કઈ રીતે યાદ રાખવો? ઈસુના જન્મના સાતસો વર્ષ પહેલાં યશાયાહ પ્રબોધકે તેમના વિષે ભાખ્યું: “આપણા માટે બાળકનો જન્મ થયો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે શાસન ચલાવશે.” (યશાયા ૯:૬, IBSI) શા માટે યશાયાહે એમ કહ્યું કે ઈસુનો જન્મ અને પછી તે જે કરશે એ ખૂબ મહત્ત્વનું છે? કેમ કે ઈસુ રાજા થવાના હતા. તેમને શાંતિનો સરદાર કહેવામાં આવશે. તેમના રાજ્યમાં ચારેકોર શાંતિ છવાયેલી હશે. વધુમાં, ઈસુનું રાજ્ય “ઈન્સાફ તથા ન્યાયીપણાથી” ભરેલું હશે.—યશાયાહ ૯:૭.

ગાબ્રીએલ દૂતે મરિયમને ઈસુના જન્મ વિષે કહ્યું ત્યારે યશાયાહના શબ્દોને ફરીથી કહ્યા. તેમણે ભાખ્યું: “તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે, તેના પૂર્વજ દાવીદની માફક પ્રભુ તેને રાજા બનાવશે. અને તે યાકોબના વંશજોનો સાર્વકાલિક રાજા બનશે; તેના રાજ્યનો કદી પણ અંત આવશે નહિ!” (લૂક ૧:૩૨, ૩૩, પ્રેમસંદેશ) આ બતાવે છે કે ઈસુ યહોવાહ પરમેશ્વરના રાજ્યમાં કેવી મહત્ત્વની ભૂમિકા ભજવશે. ખ્રિસ્તના રાજ્યથી સર્વને લાભ થશે. એમાં આપણા મિત્રો અને સગાંવહાલાં પણ આવી જાય છે. દૂતે એમ પણ જણાવ્યું કે ઈસુના જન્મથી ‘પૃથ્વી પર જે માણસો વિષે તે [પરમેશ્વર] પ્રસન્‍ન છે, તેઓમાં હંમેશ માટે શાંતિ’ થશે.—લુક ૨:૧૪.

શાંતિ અને ઇન્સાફની દુનિયામાં જીવવાનું આપણે બધા ચાહીએ છીએ, ખરું ને? પરંતુ, ખ્રિસ્તના રાજ્યમાં એ શાંતિનો આનંદ માણવા આપણે દરેકે કંઈક કરવાની જરૂર છે. એ માટે આપણે પરમેશ્વર પ્રસન્‍ન થાય એવાં કાર્ય કરવાની જરૂર છે. તેમની સાથે ગાઢ સંબંધ બાંધવાની જરૂર છે. એ માટે સૌથી પહેલાં આપણે પરમેશ્વર અને ઈસુ વિષે શીખવું જ જોઈએ. ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

ઈસુ વિષે પૂરેપૂરું જ્ઞાન લીધા પછી શું? પછી એ જાણવાની જરૂર છે કે આપણે ઈસુને કેવી રીતે યાદ કરીશું? એ વિષે ઈસુ પોતે શું ઇચ્છે છે? શું ઈસુ એમ ચાહે છે કે અગાઉના લોકો જે દિવસે જૂઠો તહેવાર ઊજવીને મોજમજા કરતા એ જ દિવસે આપણે પણ ખાઈ-પીને મોજમઝા કરીએ? એકબીજાને ભેટ આપીએ? શું તમને એ બરાબર લાગે છે? યાદ કરો, ઈસુ મરણ પામ્યા એના થોડા કલાકો પહેલાં તેમણે પોતાના શિષ્યોને શું કહ્યું હતું: “જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે. અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારો બાપ પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ.”—યોહાન ૧૪:૨૧.

યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી ઘણું શીખ્યા છે, તેઓએ એની સારી એવી સમજણ લીધી છે. તેથી, તેઓને પરમેશ્વર અને ઈસુની આજ્ઞાઓને સારી રીતે સમજવામાં મદદ મળી છે. ઈસુને કઈ રીતે યાદ રાખવા એ વિષેની તેમની આજ્ઞાઓ સમજવામાં તેઓ તમને ખુશીથી મદદ કરશે.

[ફુટનોટ]

^ ક્રિસમસ ટ્રી અને સાંતા ક્લોઝના પૂતળાં એના નોંધપાત્ર ઉદાહરણો છે.

[પાન ૬, ૭ પર બોક્સ/ચિત્ર]

ઉજાણી કે ભેટ આપવા વિષે બાઇબલ શું જણાવે છે?

ભેટ આપવી

બાઇબલમાં ભેટ આપવા વિષે ભલામણ કરવામાં આવી છે. અરે, યહોવાહ પરમેશ્વર પોતે “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર છે. (યાકૂબ ૧:૧૭) ઈસુએ કહ્યું કે પ્રેમાળ માબાપ પોતાના બાળકોને ભેટ આપતા હોય છે. (લુક ૧૧:૧૧-૧૩) ઈશ્વરભક્ત અયૂબ બીમારીમાંથી સાજા થયા ત્યારે તેમના મિત્રો અને કુટુંબીજનોએ તેમને ઘણી ભેટો આપી. (અયૂબ ૪૨:૧૧) જોકે આવી ભેટ આપવા માટે કોઈ ખાસ તહેવાર કે દિવસની જરૂર હોતી નથી. કોઈ પણ ભેટ ખુશીથી ગમે ત્યારે આપી શકાય.—૨ કોરીંથી ૯:૭.

કુટુંબ તરીકે આનંદ માણવા ભેગા મળવું

ભેગા મળવાથી કુટુંબમાં સંપ રહે છે. ખાસ કરીને કુટુંબમાં બધા સાથે ન રહેતા હોય ત્યારે આ રીતે એકઠા મળવું સૌથી સારું છે. ઈસુ અને તેમના શિષ્યો પણ કાનામાં એક લગ્‍નમાં ગયા હતા. એ અવસરે ઘણા સગાંવહાલાં અને મિત્રો હાજર હતા. (યોહાન ૨:૧-૧૦) ઈસુએ જણાવેલા ઉડાઉ દીકરાના ઉદાહરણનો વિચાર કરો. એમાં પિતા પોતાના પુત્રના પાછા આવવાની ખુશીમાં મોટી પાર્ટી રાખી હતી. વળી એમાં સંગીત અને ડાન્સ પણ હતાં.—લુક ૧૫:૨૧-૨૫.

ખાઈ-પીને આનંદ માણવો

બાઇબલમાં એવા ઘણા કિસ્સા જોવા મળે છે જેમાં પરમેશ્વરના સેવકોએ પોતાના કુટુંબ, મિત્રો અને સાથી ભાઈબહેનો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હોય. ત્રણ દૂતોએ ઈબ્રાહીમની મુલાકાત લીધી ત્યારે, તેમણે તેઓને માંસ, રોટલી, દૂધ અને માખણની મિજબાની આપી. (ઉત્પત્તિ ૧૮:૬-૮) સુલેમાન રાજાએ જણાવ્યું કે “ખાવુંપીવું તથા મોજમઝા કરવી” ઈશ્વર તરફથી ભેટ છે.—સભાશિક્ષક ૩:૧૩; ૮:૧૫.

ખરેખર, પરમેશ્વર ચાહે છે કે આપણે મિત્રો અને કુટુંબ સાથે ભેગા મળીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીએ. વળી આપણે એકબીજાને ભેટ આપીએ એવું પણ તે ચાહે છે. આપણે વર્ષમાં ગમે ત્યારે આ બાબતો કરી શકીએ, એ માટે કોઈ તહેવારની જરૂર નથી.