સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુની જેમ પ્રચાર કરો

ઈસુની જેમ પ્રચાર કરો

ઈસુની જેમ પ્રચાર કરો

“યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.

૧, ૨. પીતરે કઈ આજ્ઞા પાળી હતી? એ આજ્ઞા કોને આપી હતી?

 પ્રેષિત પીતરે પ્રચાર કામમાં ખૂબ ધગશ બતાવી હતી. એક વાર કરનેલ્યસ અને તેમના પરિવારને તેણે એ કામ વિષે કહ્યું: ‘નાઝારેથના ઈસુએ અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો કે દેવે એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ ઠરાવેલો છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૮, ૪૨.

ઈસુએ સ્વર્ગમાં જતા પહેલાં જ પીતરને એ આજ્ઞા આપી હતી. ઈસુએ સર્વ શિષ્યોને કહ્યું: “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) પીતરને પહેલેથી ખબર હતી કે ઈસુને પગલે ચાલવા માટે પ્રચાર તો કરવો જ પડશે.

પ્રચાર કરવાનું શિક્ષણ

૩. ઈસુએ કયો ચમત્કાર કર્યો અને તે પીતર અને આંદ્રયાને શું કહ્યું?

ઈસુ ૨૯ની સાલમાં બાપ્તિસ્મા પામ્યા હતા. બાપ્તિસ્માના થોડા મહિના બાદ તે ગાલીલના દરિયા કાંઠે પ્રચાર કરતા હતા. ત્યાં પીતર અને તેમનો ભાઈ આંદ્રયા કામ કરતા હતા. તેઓએ આખી રાત મહેનત કરી હતી, પણ એકેય માછલી ન પકડી. ઈસુએ તેઓને કહ્યું: “ઊંડા પાણીમાં હંકારીને માછલાં પકડવા સારૂ તમારી જાળો નાખો . . . એમ કર્યા પછી તેઓએ માછલાંનો મોટો જથો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી.” આ ચમત્કાર જોઈને પીતર સાવ ગભરાઈ ગયો. પણ ઈસુએ કહ્યું: “બી મા; હવેથી તું માણસો પકડનાર થશે.”—લુક ૫:૪-૧૦.

૪. (ક) જગતમાં ખુશખબરી ફેલાવવા માટે ઈસુએ ત્રણ વર્ષ શું કર્યું? (ખ) ઈસુના અને શિષ્યોના પ્રચાર કામમાં શું ફરક હતો?

પીતર શિષ્ય બન્યો. તેમનો ભાઈ આંદ્રયા અને ઝબદીના બે દીકરા યાકૂબ ને યોહાન પણ ઈસુ સાથે ગયા. તેઓ ઈસુ સાથે આશરે ૩ વર્ષ રહ્યા. આ સમય દરમિયાન ઈસુએ તેઓને પ્રચાર કરવાનું શીખવ્યું. (માત્થી ૧૦:૭; માર્ક ૧:૧૬, ૧૮, ૨૦, ૩૮; લુક ૪:૪૩; ૧૦:૯) ત્રણ વર્ષને અંતે ઈસુએ નીસાન ૧૪, ૩૩મી સાલમાં શિષ્યોને કહ્યું: “હું જે કામો કરૂં છું તેજ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટાં કામ કરશે.” (યોહાન ૧૪:૧૨) ઈસુના શિષ્યો ઈસુની જેમ પ્રચાર કરવામાં ખૂબ કુશળ બન્યા હતા. પણ ઈસુ કરતાં, તેઓ રાજ્યની ખુશખબરી વધુ પ્રમાણમાં ફેલાવવાના હતા. “જગતના અંત સુધી” ‘સર્વ દેશમાંથી શિષ્ય’ બનાવવાના હતા.—માત્થી ૨૮:૧૯, ૨૦.

૫. ઈસુએ શિષ્યોને આપેલા શિક્ષણમાંથી આપણે શું શીખી શકીએ?

આપણે આ ‘જગતના અંતના’ સમયમાં જીવી રહ્યા છીએ. (માત્થી ૨૪:૩) પણ આપણે શિષ્યોની જેમ સીધે-સીધા ઈસુ પાસેથી પ્રચાર કરવાની કળા શીખ્યા નથી. પણ બાઇબલમાંથી ઈસુ વિષે વાંચીને આપણે તેમની પ્રચાર કરવાની રીત જાણી શકીએ છીએ. (લુક ૧૦:૧-૧૧) આ લેખમાં આપણે ખાસ કરીને જોઈશું કે ઈસુએ કેવા વલણથી આ પ્રચાર કામ કર્યું, અને આપણે પણ કઈ રીતે કુશળ બની શકીએ.

લોકોને દયા બતાવો

૬, ૭. ઈસુનું શિક્ષણ શા માટે લોકોના દિલ સુધી પહોંચી જતું? પ્રચારમાં કુશળ બનવા આપણને શું કરવું જોઈએ?

ઈસુનું શિક્ષણ લોકોના દિલ સુધી પહોંચતું. તે કઈ રીતે એ કરી શક્યા? લોકો જોઈ શકતા હતા કે ઈસુ ખરેખર તેઓને પ્રેમ કરે છે. ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાં શાસ્ત્રમાં લખ્યું હતું કે, “તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૩) આ ભવિષ્યવાણી સાચી પડી. બાઇબલ કહે છે કે , ‘લોકોને જોઈને ઈસુને તેઓ પર દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.’ (માત્થી ૯:૩૬) અરે, ઈસુ પાપી લોકોને પણ ખૂબ ચાહતા હતા. એટલે તેઓ પણ તેમની પાસે આવતા.—માત્થી ૯:૯-૧૩; લુક ૭:૩૬-૩૮; ૧૯:૧-૧૦.

આપણે કઈ રીતે ઈસુની જેમ પ્રચારમાં કુશળ બની શકીએ? પહેલા, આપણે લોકોને ખૂબ ચાહવા જોઈએ. પ્રચારમાં જવા પહેલાં, વિચાર કરો કે સત્ય વગર લોકો કેટલા દુઃખી છે. પછી આપણે પ્રચાર કરવા જઈએ ત્યારે સર્વ લોકો સાથે રાજી-ખુશીથી રાજ્ય વિષે વાત કરવી જોઈએ. આપણને ખબર નથી કોણ આપણું સાંભળશે. વિચાર કરો કે કોઈ ઘરમાલિક મદદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ જ ઘડીએ આપણે તેઓનો દરવાજો ખખડાવીએ. હોંશ ને આનંદથી વાત કરવાથી આપણા શબ્દો વ્યક્તિના દિલ સુધી પહોંચશે.

પ્રેમને લીધે આપણે પ્રચાર કરીએ છીએ

૮. આપણે શા માટે પ્રચાર કરીએ છીએ?

ઈસુએ શાના વિષે પ્રચાર કર્યો? તેમણે લોકોને યહોવાહનો હેતુ જણાવ્યો. કઈ રીતે યહોવાહના નામ પરથી કલંક દૂર કરવામાં આવશે. અને કઈ રીતે નજીકમાં સ્વર્ગદૂતો ને માનવીઓ જાણશે કે ફક્ત યહોવાહ જ વિશ્વના રાજા છે. (માત્થી ૬:૯, ૧૦) ઈસુ યહોવાહને ખૂબ પ્યાર કરતા હતા. તે જિંદગીભર તેમને વફાદાર રહ્યા. જીવનની છેલ્લી ઘડી સુધી તે લોકોને જણાવી રહ્યા કે તેઓના સર્વ દુઃખોનો ઇલાજ ફક્ત ઈશ્વરનું રાજ્ય જ છે. (યોહાન ૧૪:૩૧) શું તમે યહોવાહને ચાહો છો? તો તમે ચોક્કસ પ્રચારમાં બનતું બધું કરશો. પ્રેષિત યોહાને કહ્યું: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એજ દેવ પરનો પ્રેમ છે.” (૧ યોહાન ૫:૩) ચાલો આપણે ઈસુની જેમ પૂરા દિલથી યહોવાહના રાજ્ય વિષે પ્રચાર કરતા રહીએ.—માત્થી ૨૮:૧૯, ૨૦.

૯, ૧૦. બીજા કયા કારણથી આપણે પ્રચાર કરીએ છીએ?

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો. જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તેજ મારા પર પ્રેમ રાખે છે.” (યોહાન ૧૪:૧૫, ૨૧) જો આપણે ઈસુને ચાહીએ તો આપણે તેમના વિષે પ્રચાર કરીશું. આપણે તેમની સર્વ આજ્ઞાઓ પણ પાળીશું. એક વખતે ઈસુએ પીતરને ત્રણ વાર પૂછ્યું: ‘શું તું મારા પર હેત રાખે છે?’ પીતરે આંચકા વિના કહ્યું ‘હા, ચોક્કસ!’ પછી ઈસુએ તેમને ત્રણ વાર વિનંતી કરતા કહ્યું ‘જો એમ હોય તો મારાં ઘેટાંને સાચવ.’ પછી પીતરે ઈસુના “ઘેટાંને” શોધી કાઢ્યા ને તેઓની દેખભાળ કરી. પ્રેમને લીધે પીતર દિલથી પ્રચાર કરતા રહ્યા.—યોહાન ૨૧:૧૫-૧૭.

૧૦ આપણે પીતરની જેમ ઈસુને ઓળખતા નથી. પણ આપણને ખબર છે કે ઈસુએ ‘સર્વ માણસોને માટે મર્યા.’ (હેબ્રી ૨:૯; યોહાન ૧૫:૧૩) એ જાણીને શું તમારા દિલમાં તેમના માટેનો પ્રેમ જાગતો નથી? પાઊલે કહ્યું: ‘ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે; અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને વાસ્તે મૂઓ તેને અર્થે જીવે’ છે. (૨ કોરીંથી ૫:૧૪, ૧૫) શું તમને પણ એવું જ લાગે છે? જો આપણે ઈસુને દિલથી ચાહતા હોઈએ તો આપણે તન-મનથી પ્રચાર કરીશું. (૧ યોહાન ૨:૩-૫) જો આપણે પૂરા દિલથી પ્રચાર ન કરીએ તો, આપણે ઈસુની કુરબાનીને કિંમતી ગણતા નથી. —હેબ્રી ૧૦:૨૯.

લાલચથી દૂર રહો

૧૧, ૧૨. ઈસુ શા માટે પૃથ્વી પર આવ્યા? લાલચો સામે તેમને શું કર્યું?

૧૧ ઈસુએ પંતીઅસ પીલાતને કહ્યું: “એજ માટે હું જન્મ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) ઈસુએ હંમેશાં યહોવાહનું કામ તેમની નજર સામે જ રાખ્યું. તે એ કામ પૂરું કરવા માટે જ જીવતા હતા.

૧૨ પણ શેતાન ઇચ્છતો હતો કે ઈસુ યહોવાહને છોડી દે. તે ઈસુ પર અનેક કસોટીઓ લાવ્યો. દાખલા તરીકે, ઈસુના બાપ્તિસ્મા પછી તે ઈસુને “જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા” આપવા કોશિશ કરી. (માત્થી ૪:૮, ૯) પણ ઈસુએ એનો ઇનકાર કર્યો. બીજી વાર, યહુદીઓએ ઈસુને રાજા બનવાનું દબાણ કર્યું. પણ ઈસુએ ફરી એનો ઇનકાર કર્યો. (યોહાન ૬:૧૫) અમુક લોકો વિચારે છે કે જો ઈસુ રાજા બન્યા હોત તો, તે સર્વ લોકો માટે ખૂબ કરી શક્યા હોત. પણ ઈસુએ કદીયે એમ વિચાર્યું નહિ. તેમણે બસ સત્યનો પ્રચાર કરવો જ હતો.

૧૩, ૧૪. (ક) ઈસુએ બીજી કઈ લાલચોનો ઇનકાર કર્યો? (ખ) ઈસુ ગરીબ હોવા છતાં, શું કરી શક્યા?

૧૩ ઈસુનું ધ્યાન પૈસા પાછળ પણ ફંટાઈ ગયું નહિ. તે હંમેશાં સાદું જીવન જીવ્યા. ઈસુ પાસે બસ એક સારો ઝભ્ભો હતો. જે રૂમી સૈનિકોએ તેમના મરણ બાદ લઈ લીધો. (યોહાન ૧૯:૨૩, ૨૪) એક વખતે ઈસુએ કહ્યું: “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું ટેકવવાનો ઠામ નથી.” (માત્થી ૮:૨૦) ગરીબ હોવાનો અર્થ એ કે ઈસુ જીવનમાં સફળ ન થયા? જરાય નહિ!

૧૪ ભલે દુનિયામાં ઘણા અમીર વ્યક્તિઓ સમાજો માટે ખૂબ કરે, પણ ઈસુએ તેઓના કરતાં વધુ કર્યું. પાઊલે કહ્યું: “તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો, કે તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયો, એ માટે કે તમે તેની દરિદ્રતાથી ધનવાન થાઓ.” (૨ કોરીંથી ૮:૯; ફિલિપી ૨:૫-૮) ગરીબ હોવા છતાં, ઈસુએ સર્વ લોકો માટે હંમેશ માટેના જીવનનું વરદાન ખરીધ્યું. એ જાણીને શું આપણું દિલ ખુશીથી છલકાતું નથી! યહોવાહનું કામ જિંદગીભર કરવાથી તેમને સ્વર્ગમાં આશીર્વાદ મળ્યા. એ જાણીને આપણે કેટલા ખુશ થઈએ છીએ.—ગીતશાસ્ત્ર ૪૦:૮; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨, ૩૩, ૩૬.

૧૫. મિલકતને બદલે આપણે શું વધારવું જોઈએ?

૧૫ જો આપણે ઈસુને પગલે ચાલવું હોય, તો આપણે પૈસા પાછળ દોડીશું નહિ. (૧ તીમોથી ૬:૯, ૧૦) પૈસાથી આપણે થોડો-ઘણો એશઆરામ મળી શકે. પણ પૈસો હંમેશાં માટેનું જીવન આપી શકતો નથી. આપણે ગુજરી જઈએ ત્યારે, આપણી મિલકત નકામી થઈ જાય છે. ઈસુનો ઝભ્ભો પણ તેમના માટે નકામો બની ગયો. (સભાશિક્ષક ૨:૧૦, ૧૧, ૧૭-૧૯; ૭:૧૨) ચાલો આપણે યહોવાહમાં અને ઈસુમાં શ્રદ્ધા વધારીએ. આપણું મોત આવે તો ફક્ત એ શ્રદ્ધા જ આપણને કામ આવશે.—માત્થી ૬:૧૯-૨૧; લુક ૧૬:૯.

દુશ્મનોથી ડરો નહિ

૧૬. દુશ્મનો સામે ઈસુએ શું કર્યું?

૧૬ ઈસુના ઘણા દુશ્મનો હતા. ઈસુને ખબર હતી કે તેઓ તેમને મારી નાખશે. તેમ છતાં, તે ડરી ગયા નહિ. તે પ્રચાર કરતા રહ્યા. ઈસુ વિષે પાઊલે કહ્યું: “પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે.” (હેબ્રી ૧૨:૨) ‘શરમને તુચ્છ ગણી’ એટલે કે ઈસુ દુશ્મનોથી શરમાઈ ગયા નહિ. તે ડરીને ચિંતામાં ડૂબી ગયા નહિ. તેમનું પૂરું ધ્યાન ફક્ત યહોવાહના કામ પર જ હતું.

૧૭. આપણે કઈ બાબતોને લીધે થાકી શકીએ? આપણને શું કરવું જોઈએ?

૧૭ પાઊલ ઈસુના દાખલામાંથી આપણને અરજ કરે છે કે, “જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેનો વિચાર કરો, રખેને તમે તમારાં મનમાં નિર્ગત [કંટાળી] થયાથી થાકી જાઓ.” (હેબ્રી ૧૨:૩) શું આપણે ખરેખર યહોવાહની ભક્તિથી કંટાળીને થાકી જઈ શકીએ? હા, સ્કૂલ કે નોકરી પર વ્યક્તિઓ સત્યના લીધે આપણને ચીડવે. કદાચ સગાં-વહાલા આપણને કહે, ‘એ ધર્મ છોડી દો. જીવનમાં કંઈક કરો!’ કે પછી, આપણને દુનિયાની લાલચો સામે ‘ના’ પાડવું અઘરું લાગે. આવા સંજોગમાં આપણે થાકવું જોઈએ નહિ. કેમ કે ઈસુની જેમ યહોવાહ આપણને સહન-શક્તિ દેશે. આમ આપણે જીવનમાં તેમની ભક્તિ પ્રથમ રાખી શકીશું.—માત્થી ૬:૩૩; રૂમી ૧૫:૧૩; ૧ કોરીંથી ૨:૪.

૧૮. ઈસુ અને પીતર વચ્ચે કઈ ચર્ચા થઈ? એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૮ ભક્તિને લગતી બાબતોમાં ઈસુનું ધ્યાન કદીયે ફંટાઈ ગયું નહિ. એક વખત તે શિષ્યોને સમજાવતા હતા કે યહોવાહનું કામ પૂરું કરવા માટે તેમને મરવું પડશે. ત્યારે પીતરે ઈસુને કહ્યું: “એવું તને કદી થશે નહિ.” પીતર જાણે ઈસુને કહેતા હતા ‘થોડું ઓછું કામ કરો. એવો ભોગ દેવાની કોઈ જરૂર નથી.’ પણ ઈસુએ તરત જ પીતરને કહ્યું: “અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમકે દેવની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.” (માત્થી ૧૬:૨૧-૨૩) આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિને લીધે આપણે યહોવાહના કામમાં ઢીલા ન બની જાય. ચાલો આપણે ઈસુની જેમ હંમેશાં યહોવાહનું કહ્યું કરીએ.

પ્રચાર કરતા રહો!

૧૯. ભલે ઈસુએ અનેક ચમત્કારો કર્યા, તેમનું મુખ્ય કામ શું હતું?

૧૯ ઈસુ, યહોવાહના પુત્ર હતા. ઈસુએ લોકો માટે અનેક ચમત્કારો કર્યા. અરે, તેમણે ગુજરી ગયેલાઓને પણ સજીવન કર્યા. પણ ઈસુ સમાજમાં સેવા કરવા માટે આવ્યા ન હતા. તે યહોવાહના રાજ્યનું જ્ઞાન ફેલાવવા આવ્યા. ભલે તેણે લોકો માટે ખૂબ ચમત્કારો કર્યા, તે જાણતા હતા કે લોકો ફરી બીમાર થશે ને છેવટે ગુજરી જશે. ફક્ત સત્ય વિષે પ્રચાર કરવાથી જ લોકોને સદા માટેના આશીર્વાદો મળવાના હતા.—લુક ૧૮:૨૮-૩૦.

૨૦, ૨૧. ભલે આપણે સમાજમાં થોડી સેવા કરતા હોઈએ, આપણે શું ભૂલતા નથી?

૨૦ આજે, અમુક લોકો ઈસુની જેમ ગરીબ દેશો માટે ખૂબ સેવા કરે છે. અમુક કિસ્સામાં તેઓ પોતાના ખર્ચમાંથી હૉસ્પિટલ કે મકાનો બાંધે છે. ખરેખર તેઓ સારું કામ કરે છે. પણ એ મદદ ફક્ત અમુક સમય સુધી જ ચાલશે. છેવટે લોકો બીમાર થઈને ગુજરી જવાના તો છે. પણ યહોવાહનું રાજ્ય આ સર્વ દુઃખોને દૂર કરી શકે છે. ઈસુની જેમ, ચાલો આપણે બને તેમ સર્વ લોકોને એ રાજ્ય વિષે જણાવીએ.

૨૧ શું એનો અર્થ એ થાય છે કે આપણે સમાજ માટે કંઈ ન કરવું જોઈએ? ના, પાઊલે કહ્યું: “જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) કોઈ આફતના સમયે આપણે બને તેમ સર્વને મદદ કરીએ છીએ. કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય ત્યારે આપણે તેઓ માટે કંઈક “સારૂં” કામ કરીએ છીએ. પછી ભલે તેઓ સાક્ષી હોય કે નહિ. પણ આપણે કદી ભૂલતા નથી કે સત્ય ફેલાવાનું કામ આપણું સૌથી મુખ્ય કામ છે.

ઈસુ પાસેથી શીખો

૨૨. આપણે કયાં કારણોના લીધે પ્રચાર કરીએ છીએ?

૨૨ પીતરે કહ્યું: “જો હું સુવાર્તા પ્રગટ ન કરૂં, તો મને અફસોસ છે.” (૧ કોરીંથી ૯:૧૬) પીતરે કદી એમ ન વિચાર્યું કે ‘ચાલશે, હું આજે પ્રચાર કરવા નહિ જઉં.’ તે જાણતા હતા એ તો સર્વ માટે મરણ-જીવનનો સવાલ હતો. (૧ તીમોથી ૪:૧૬) શું આપણે પ્રચાર કામને ખૂબ મહત્ત્વનું ગણીએ છીએ? શું આપણે ચાહીએ છીએ કે સર્વ લોકો સત્ય વિષે શીખે? શું આપણે યહોવાહ અને ઈસુને ચાહીએ છીએ? શું આપણે ઈસુની કુરબાનીને કિંમતી ગણીએ છીએ? જો આ પ્રશ્નોના જવાબ ‘હા’ હોય, તો આપણે પૂરા દિલથી પ્રચાર કરીશું. ચાલો આપણે “માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહિ, પણ દેવની ઇચ્છા પ્રમાણે” જીવીએ.—૧ પીતર ૪:૧, ૨.

૨૩, ૨૪. (ક) માછલી પકડવાનું કામ ને પ્રચાર કામ કઈ રીતે સરખું છે? (ખ) આજે કયા લોકો પૂરા દિલથી પ્રચાર કરે છે?

૨૩ ફરી પીતર અને આંદ્રયાનો અનુભવ વિષે થોડું વિચારો. જેમ તેઓ માછલી શોધતા હતા, તેમ આપણે નમ્ર લોકોને શોધીએ છીએ. જેમ તેઓ ઈસુનું માર્ગદર્શન સ્વીકારીને ઢગલો બંધ માછલી પકડી, તેમ ઈસુનું સાંભળવાથી ધારીએ નહિ એવી જગ્યામાં આપણને સારા ફળો મળશે. ઘણા ભાઈ-બહેનોએ એ જ અનુભવ્યું છે. જેમ પીતર અને આંદ્રયા બીજી જગ્યાએ જઈને માછલી પકડી, તેમ અમુક સાક્ષીઓ બીજા વિસ્તારોમાં સેવા કરવા જાય છે. ભલે આપણને પ્રચાર કામમાં પુષ્કળ ફળો મળે કે ન નહિ, આપણે એ કામને છોડી દેવું જોઈએ નહિ. ભલે સત્યને લીધે લોકો આપણને હેરાન કરે, આપણે સાક્ષી આપવામાં ઢીલા પડવું જોઈએ નહિ. ઈસુ જ્યાં સુધી પ્રચાર કામ બંધ ન કરે ત્યાં સુધી ચાલો આપણે એ કરતા રહીએ.—માત્થી ૨૪:૧૪.

૨૪ આશરે ૨૩૦ દેશોમાં ૬૦ લાખ કરતાં વધારે સાક્ષીઓ પૂરા દિલથી પ્રચાર કરી રહ્યા છે. આપણી મહેનતના ફળો વિષે ૨૦૦૪ના સેવા વર્ષના રિપોર્ટમાં જોવા મળશે. એ ફેબ્રુઆરી ૧, ૨૦૦૫ના ચોકીબુરજ મૅગેઝિનમાં હશે. એ રિપોર્ટ આપણને પૂરી ખાતરી આપશે કે યહોવાહ પ્રચાર કામ પર આશીર્વાદ વરસાવે છે. આ દુનિયાનો અંત ખૂબ નજીક છે. તેથી આપણે પાઊલની આ સલાહ દિલમાં ઉતારવી જોઈએ: “પૂરી તત્પરતાથી ઈશ્વરનું વચન પ્રગટ કર.” (૨ તિમોથી ૪:૨, IBSI) યહોવાહ આ કામને રોકે ત્યાં સુધી ચાલો આપણે પૂરા દિલથી પ્રચાર કરતા રહીએ.

તમે જવાબ આપી શકો છો?

• ઈસુના પ્રચાર કરવાના શિક્ષણમાંથી આપણે શું શીખીએ છીએ?

• ઈસુ લોકો પર કેવી લાગણી રાખતા હતા?

• આપણે કયા કારણોને લીધે પ્રચાર કરીએ છીએ?

• ઈસુની જેમ આપણે કઈ રીતે યહોવાહની ભક્તિ જીવનમાં પ્રથમ રાખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

આ વર્ષથી મંડીને યહોવાહના સાક્ષીઓનો જગતભર સેવા રિપોર્ટ, જાન્યુઆરી એકના ચોકીબુરજના અંકને બદલે ફેબ્રુઆરી એકના અંકમાં આવશે.

[પાન ૧૫ પર ચિત્ર]

જો આપણે ઈસુની જેમ લોકોને ખૂબ ચાહીએ તો, આપણે પ્રચારમાં વધારે કુશળ બનીશું

[પાન ૧૬ પર ચિત્ર]

સત્ય ફેલાવવા માટે ઈસુ પૃથ્વી પર આવ્યા

[પાન ૧૭ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓ તન-તોડ મહેનતથી બધી બાજુ પ્રચાર કરે છે