સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે!

શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે!

શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે!

“માટે તમે દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂબ ૪:૭.

૧, ૨. (ક) યશાયાહનો ચૌદમો અધ્યાય શેતાનને કેવી બડાઈ મારતો બતાવે છે? (ખ) આપણે કયા પ્રશ્નો પર ચર્ચા કરીશું?

 આજે દુનિયામાં કોનામાં સૌથી વધારે ઘમંડ છે? ખરેખર એ તો શેતાન છે. તેના ઘમંડ વિષે પ્રબોધક યશાયાહ બાઇબલમાં સ્પષ્ટ જણાવે છે. બાબેલોન મહાસત્તા બન્યું તેના સોએક વર્ષ પહેલાં આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તેમાં યહોવાહના લોકો “બાબેલોનના રાજા” વિરુદ્ધ આમ કહે છે: ‘તેં તારા હૃદયમાં કહ્યું હતું, કે હું આકાશો પર ચઢીશ, ને હું દેવના તારાઓ’ એટલે કે દાઊદના કુળના રાજાઓ ‘કરતાં મારૂં રાજ્યાસન ઊંચું રાખીશ. હું પોતાને પરાત્પર સમાન કરીશ.’ (યશાયાહ ૧૪:૩, ૪, ૧૨-૧૫; ગણના ૨૪:૧૭) ‘બાબેલોનના રાજાએ’ “આ જગતના દેવ” શેતાનની જેમ ઘમંડ બતાવ્યું હતું. (૨ કોરીંથી ૪:૪) જે રીતે બાબેલોનના રાજા અને તેની સત્તાનો નાશ થયો હતો, એવી જ રીતે ઘમંડી શેતાનનો પણ નાશ થશે.

પરંતુ જ્યાં સુધી શેતાન છે ત્યાં સુધી કદાચ આવા પ્રશ્નો આપણા મનમાં થતા હશે: શું આપણે શેતાનથી બીવું જોઈએ? તે કેમ બીજા લોકો દ્વારા આપણા ઉપર સતાવણી લાવે છે? શેતાનના ફાંદામાં ન ફસાવવા આપણે શું કરી શકીએ?

શું આપણે શેતાનથી બીવું જોઈએ?

૩, ૪. અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેમના સાથીઓ શેતાનથી શા માટે ડરતાં નથી?

અભિષિક્ત ખ્રિસ્તીઓ, ઈસુ ખ્રિસ્તની આ વાતથી હિંમત મેળવે છે: “તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીતો ના; જુઓ, તમારૂં પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.” (પ્રકટીકરણ ૨:૧૦) અભિષિક્ત ખ્રિસ્તીઓ અને પૃથ્વી પર જીવવાની આશા રાખનારા તેમના સાથીઓ શેતાનથી બીતાં નથી. એવું પણ નથી કે તેઓ જન્મથી જ હિંમતવાન છે. ના, તેઓ એટલા માટે શેતાનથી બીતા નથી કેમ કે તેઓ ઈશ્વરનો ડર રાખીને ચાલે છે. ઈશ્વરમાં તેઓને ઊંડી શ્રદ્ધા છે અને ‘તેમની પાંખોની છાયાનો આશ્રય લે છે.’—ગીતશાસ્ત્ર ૩૪:૯; ૩૬:૭.

પહેલી સદીના ઈસુના શિષ્યો પર અપાર દુઃખો આવ્યાં. તેમ છતાં તેઓએ હિંમતવાન બનીને તેનો સામનો કર્યો અને મરતા સુધી ઈશ્વરને વળગી રહ્યા. તેઓ શેતાન તરફથી આવતી સતાવણીથી ડર્યાં નહીં, કેમ કે તેઓને ખબર હતી કે યહોવાહ પોતાના વિશ્વાસુ સેવકોને કાયમ સાથ આપશે. તેથી પહેલી સદીના શિષ્યોની જેમ, આજે પણ અભિષિક્ત ખ્રિસ્તીઓ અને પૃથ્વી પર જીવવાની આશા રાખનારાઓએ નક્કી કર્યું છે કે ગમે તેટલી સતાવણીમાં પણ તેઓ પરમેશ્વરને વફાદાર રહેશે. પરંતુ પ્રેરિત પાઊલે પોતાના એક પત્રમાં કહ્યું હતું કે શેતાનની પાસે આપણને મારી નાંખવાની શક્તિ છે. તો શું એનાથી આપણે બીવું જોઈએ?

૫. હેબ્રી ૨:૧૪, ૧૫માંથી આપણે શું શીખી શકીએ?

પાઊલે કહ્યું કે, ઈસુ ‘માંસ તથા લોહીનાં ભાગીદાર થઈને’ એટલે કે માણસ બનીને આ પૃથ્વી પર આવ્યા. જેથી “તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે; અને મરણની બીકથી જેઓ આખા જીવનપર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે.” (હેબ્રી ૨:૧૪, ૧૫) શેતાન ‘મરણ પર સત્તા ધરાવે’ છે, એટલે જ ઈસુને મારવા માટે પહેલા તેણે યહૂદાને પોતાને પક્ષે કરી લીધો. પછી યહૂદી ધર્મગુરુઓ અને રૂમીઓને પોતાનું હથિયાર બનાવીને તેમને મોતની સજા અપાવી. (લુક ૨૨:૩; યોહાન ૧૩:૨૬, ૨૭) પરંતુ ઈસુનું મરણ, અપૂર્ણ મનુષ્યો માટે એક બલિદાન હતું. એનાથી આપણા માટે શેતાનની પકડમાંથી છુટકારો અને ત્યાર બાદ હંમેશ માટેની જિંદગી મેળવવી શક્ય બન્યું.—યોહાન ૩:૧૬.

૬, ૭. શેતાન માણસને મારી નાંખવા કેટલી હદ સુધી જઈ શકે છે?

માણસને મારી નાંખવા શેતાન કેટલી હદે જઈ શકે? જ્યારથી શેતાને ખોટો માર્ગ પસંદ કર્યો છે, ત્યારથી તેણે જૂઠાણું વાપરીને ઘણા લોકોને ફસાવ્યા છે, મોતના મોંમાં ધકેલી દીધા છે. કેવી રીતે? આદમે શેતાનની વાતમાં આવીને ઈશ્વરની આજ્ઞા તોડી, ત્યારથી તેના બધાં જ બાળકોને પાપ અને મરણનો વારસો આપ્યો છે. એટલે જ આપણે બધા એક દિવસ મરીએ છીએ. (રૂમી ૫:૧૨) તે ઉપરાંત, પૃથ્વી પરના શેતાનના સાગરિતોએ યહોવાહના ભક્તોને બહુ જ સતાવ્યાં છે. ક્યારેક તો તેમને મારી પણ નાંખ્યા છે, જેમ ઈસુ ખ્રિસ્ત સાથે કર્યું હતું.

પરંતુ એનો અર્થ એ નથી કે શેતાન જેને મારવા ચાહે તેને મારી શકે. શા માટે? પરમેશ્વર કોઈ દિવસ શેતાનને રજા નહિ આપે કે તે તેમના દરેક સેવકને મારી નાખે. કેમ કે તે પોતાના સેવકોનું રક્ષણ કરે છે. (રૂમી ૧૪:૮) ખરું કે યહોવાહ પોતાના બધાં જ લોકો પર સતાવણી આવવા દે છે. અમુક સેવકોને શેતાનના હાથે મરવા પણ દે છે. પરંતુ બાઇબલ આપણને એક અદ્‍ભુત આશા આપે છે. પરમેશ્વર એ બધા લોકોને પાછા જીવનમાં ઉઠાડશે જેઓના નામ તેમની ‘યાદીનાં પુસ્તકમાં’ લખેલા છે. અને શેતાન પરમેશ્વરને એમ કરતા રોકી શકશે નહીં.—માલાખી ૩:૧૬; યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

શેતાન આપણા પર સતાવણી કેમ લાવે છે?

૮. પરમેશ્વરના સેવકો પર શેતાન કેમ સતાવણી લાવે છે?

આપણે પરમેશ્વરનો સાથ છોડી દઈએ, સત્યના માર્ગ પરથી ફંટાઈ જઈએ એટલા માટે શેતાન આપણા પર સતાવણી લાવે છે. સ્વર્ગના પિતા યહોવાહ સાથેનો આપણો અમૂલ્ય સંબંધ શેતાન તોડવા માંગે છે. શેતાનનો આ ઇરાદો જાણીને આપણને નવાઈ લાગતી નથી. કેમ કે એદન બાગમાં યહોવાહે પહેલેથી જ જણાવ્યું હતું કે તેમની લાક્ષણિક ‘સ્ત્રી’ અને ‘સર્પ’ વચ્ચે વેર થશે. અને સ્ત્રીનું ‘સંતાન’ તથા સર્પના ‘સંતાન’ વચ્ચે વેર થશે. (ઉત્પત્તિ ૩:૧૪, ૧૫) બાઇબલ જણાવે છે કે શેતાન તે “જૂનો સર્પ” છે. તેના માટે થોડો જ સમય બાકી રહ્યો હોવાથી તે ખૂબ ગુસ્સે ભરાયો છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) સ્ત્રીના ‘સંતાન’ અને સર્પના ‘સંતાન’ વચ્ચે આજે પણ વેર છે. એટલે જ જેઓ યહોવાહની ભક્તિ કરે છે, તેઓ જાણે છે કે તેઓ પર સતાવણી આવશે જ. (૨ તીમોથી ૩:૧૨) પણ સવાલ ઊભો થાય છે કે શેતાન તરફથી આવતી સતાવણીનું ખરું કારણ શું છે?

૯, ૧૦. શેતાને કયો પ્રશ્ન ઉઠાવ્યો છે અને તેણે માણસની વફાદારી પર શું શંકા કરી છે?

શેતાને પડકાર ફેંક્યો છે કે યહોવાહ આખા વિશ્વના રાજા નથી. સાથે સાથે તેણે માણસની વફાદારી પર શંકા કરી છે કે તે ખરા દિલથી યહોવાહને ભજે છે કે કેમ. અયૂબ નામના ભલા માણસ પર શેતાન એક પછી એક સતાવણી લાવ્યો ત્યારે તેનો ઇરાદો શું હતો? એ જ કે તે યહોવાહનો સાથ છોડી દે. પોતાનો આ ઇરાદો પૂરો કરવા માટે શેતાને અયૂબની પત્ની અને ખોટો “દિલાસો આપનાર” તેના ત્રણ મિત્રોને હાથો બનાવ્યા. અયૂબનું પુસ્તક જણાવે છે તેમ, શેતાને પરમેશ્વર સામે પડકાર ફેંક્યો છે. તેણે દાવો કર્યો છે કે માણસ આકરી કસોટીમાં ઈશ્વરને વળગી નહિ રહે. તેથી યહોવાહે શેતાનને અયૂબની કસોટી કરવા દીધી. પરિણામ? અયૂબ ઈશ્વરને વળગી રહ્યા. શેતાનને જૂઠો સાબિત કર્યો. (અયૂબ ૧:૮–૨:૯; ૧૬:૨; ૨૭:૫; ૩૧:૬) પરંતુ શેતાને હાર માની નથી. તે આજે પણ પોતાનો આરોપ સાચો સાબિત કરવા યહોવાહના સાક્ષીઓ પર ભારે સતાવણી લાવે છે. તેઓને યહોવાહથી દૂર લઈ જવા ચાહે છે.

૧૦ શેતાન આપણા પર સતાવણી લાવવા માંગે છે જેથી આપણે યહોવાહને વફાદાર ન રહીએ. પણ આ જાણીને આપણને ગમે એવી સતાવણી સહેવા હિંમત મળે છે. આપણી શ્રદ્ધા પણ મજબૂત બને છે. (પુનર્નિયમ ૩૧:૧૬) સતાવણી સહન કરવા માટે યહોવાહ પણ આપણને મદદ કરશે. કેમ કે તે વિશ્વના રાજા છે. આપણા ઈશ્વર છે. પછી ડર શાનો? તો ચાલો આપણે સત્યના માર્ગમાં ચાલતા રહીને હંમેશા યહોવાહના હૃદયને આનંદ પમાડીએ. એમ કરીને આપણે યહોવાહની નિંદા કરનાર શેતાનને જવાબ આપી શકીશું.—નીતિવચનો ૨૭:૧૧.

‘ભૂંડાથી અમારો છૂટકારો કર’

૧૧. “અમને પરીક્ષણમાં ન લાવ,” આ વિનંતીનો શું અર્થ થાય?

૧૧ સચ્ચાઈનો માર્ગ પકડી રાખવો કંઈ સહેલું નથી. એ માટે ખરા હૃદયથી પ્રાર્થના કરવાની જરૂર છે. ખાસ કરીને ઈસુએ શીખવેલી આ નમૂનાની પ્રાર્થના આપણને મદદ કરી શકે છે: “અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” (માત્થી ૬:૧૩) યહોવાહ આપણને પાપ કરવા માટે લલચાવતા નથી. (યાકૂબ ૧:૧૩) તો આ કલમનો શું અર્થ થાય? જ્યારે પણ બાઇબલ અમુક વખતે કહે છે કે યહોવાહ આમ કરે છે કે પછી વ્યક્તિ પાસે આમ કરાવડાવે છે, ત્યારે એનો અર્થ એ થાય કે યહોવાહ ફક્ત એમ થવા દે છે. (રૂથ ૧:૨૦, ૨૧) એટલે કે આપણે ઈસુના કહ્યા પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે હકીકતમાં યહોવાહને વિનંતી કરીએ છીએ કે પરીક્ષણ આવે ત્યારે આપણને એકલા છોડી ન દે, જેનાથી આપણે પાપમાં પડી શકીએ. એ વાત ચોક્કસ છે કે તે આપણને ક્યારેય એકલા છોડી દેશે નહીં, કારણ કે બાઇબલ આપણને ખાતરી આપે છે: “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.”—૧ કોરીંથી ૧૦:૧૩.

૧૨. ‘તે ભૂંડાથી અમારો છૂટકો કર,’ આ પ્રાર્થના કરવી કેમ જરૂરી છે?

૧૨ ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં પરીક્ષણનો ઉલ્લેખ કર્યા પછી કહ્યું: તે “ભૂંડાથી અમારો છૂટકો કર.” બીજું એક બાઇબલ આમ જ જણાવે છે: “અમને અનિષ્ટથી બચાવો.” (સંપૂર્ણ) શાસ્ત્રમાં જ્યારે ‘છૂટકારો’ કરવા વિષે વાત થાય છે ત્યારે, મોટે ભાગે એ કોઈ વ્યક્તિથી છૂટકો અપાવવા વિષે જણાવે છે. વળી, માત્થીનું પુસ્તક શેતાનને ‘પરીક્ષણ કરનાર’ કહે છે. (માત્થી ૪:૩, ૧૧) એટલે એ બહુ જરૂરી છે કે આપણે ‘તે ભૂંડાથી’ એટલે કે શેતાનના ફાંદાથી બચવા માટે પ્રાર્થના કરીએ. તે કોશિશ કરે છે કે આપણે પરમેશ્વરની વિરુદ્ધ પાપ કરી બેસીએ. (૧ થેસ્સાલોનીકી ૩:૫) તે “ભૂંડાથી અમારો છૂટકો કર,” એવી વિનંતી કરીને આપણે યહોવાહને અરજ કરીએ છીએ કે આપણને સાચો માર્ગ બતાવે. આપણને મદદ કરે, જેથી શેતાનના ફાંદામાં ન ફસાઈએ.

શેતાનથી હારી ન જાઓ

૧૩, ૧૪. કોરીંથ મંડળની અનૈતિક વ્યક્તિએ પસ્તાવો કર્યો ત્યારે, મંડળે કેમ પોતાનું વલણ બદલવાની જરૂર હતી?

૧૩ પાઊલે કોરીંથ મંડળના ખ્રિસ્તીઓને, બીજાઓની ભૂલો માફ કરવાનું પ્રોત્સાહન આપતા કહ્યું: ‘જો તમે કોઈને માફ કરો છો, તો હું પણ તેને માફ કરું છું; કેમ કે મેં જે પણ માફ કર્યું છે, તે તમારા હિતમાં ખ્રિસ્તની સમક્ષ માફ કર્યું છે, કે જેથી શેતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય; કેમ કે આપણે તેની ચાલાકીઓથી અજાણ્યા નથી.’ (ર કોરીંથી ૨:૧૦, ૧૧) શેતાન આપણને પોતાની મુઠ્ઠીમાં કરવા માટે જાત-જાતની ચાલ અજમાવે છે. પરંતુ અહીંયા પાઊલ, શેતાનની કઈ ચાલાકી વિષે વાત કરી રહ્યાં હતા?

૧૪ પાઊલે અગાઉ કોરીંથના ખ્રિસ્તીઓને ઠપકો આપ્યો હતો. કારણ? તેઓએ એક અનૈતિક માણસને મંડળીમાં રહેવા દીધો હતો. એ જોઈને શેતાન બહુ જ ખુશ થયો હશે. કેમ કે ‘એવો વ્યભિચાર તો વિધર્મીઓમાં પણ ચાલતો ન હતો.’ તેના લીધે મંડળની ઘણી બદનામી થઈ હતી. છેવટે, તે પાપીને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યો. (૧ કોરીંથી ૫:૧-૫, ૧૧-૧૩) પરંતુ થોડા સમય પછી તે માણસે પસ્તાવો કર્યો. હવે કોરીંથના ખ્રિસ્તીઓએ તેને માફ કરીને પાછો મંડળમાં લઈ લેવાની જરૂર હતી. તેઓ એમ ન કરે તો, શેતાન તેઓને બીજી એક ચાલમાં ફસાવી લેત. કેવી રીતે? તેઓ પણ શેતાનની જેમ કઠોર અને નિર્દય બની જાત. એનાથી તો પસ્તાવો કરનાર બહુ જ નિરાશ થઈ જાત કે તેના પર દયા બતાવવામાં નથી આવતી. અને તે પરમેશ્વરને ભજવાનું સાવ છોડી દે. પછી તો વડીલોએ એ માટે દયાના સાગર યહોવાહને જવાબ આપવો પડે. (૨ કોરીંથી ૨:૭; યાકૂબ ૨:૧૩; ૩:૧) એટલું જ નહિ, યહોવાહનો કોઈ પણ ભક્ત એવું નહીં ઇચ્છે કે તે શેતાનની જેમ નિર્દયી અને કઠોર બને.

પરમેશ્વરે આપેલાં હથિયારોથી મળતું રક્ષણ

૧૫. આપણે કોની સામે ટકી રહેવાની જરૂર છે? એ માટે આપણે શું કરવાની જરૂર છે?

૧૫ આજે દુષ્ટ દેવદૂતો લાલચ આપે છે, આપણા પર મુશ્કેલીઓ અને સતાવણી લાવે છે. પણ જો આપણે શેતાનથી બચવા માંગતા હોય તો, દુષ્ટ દેવદૂતો સામે ટકી રહેવું જોઈએ. એ માટે આપણે ‘ઈશ્વરના સર્વ હથિયારો સજી’ લેવાની જરૂર છે. (એફેસી ૬:૧૧-૧૮) તેમાંથી એક હથિયાર છે, “ન્યાયીપણાનું બખ્તર.” (એફેસી ૬:૧૪) પ્રાચીન ઈસ્રાએલના રાજા શાઊલે પરમેશ્વરની આજ્ઞા માની નહિ ત્યારે, ઈશ્વરની કૃપા તેના પર રહી નહિ. (૧ શમૂએલ ૧૫:૨૨, ૨૩) પરંતુ જો આપણે ઈશ્વરના બીજા હથિયારો સાથે ‘ન્યાયીપણાનું બખ્તર’ સજી લઈશું, એટલે કે તન-મનથી ઈશ્વરનું કહ્યું માનીશું તો, ઈશ્વરની કૃપા આપણા પર રહેશે. તેમની શક્તિ શેતાન અને તેના દુષ્ટ દૂતોથી આપણું રક્ષણ કરશે.—નીતિવચનો ૧૮:૧૦.

૧૬. દુષ્ટ દેવદૂતોની અસરથી સતત બચતા રહેવા આપણે શું કરી શકીએ?

૧૬ દુષ્ટ દૂતોની અસરથી બચવા આપણે બીજું શું કરવાની જરૂર છે? એક તો રોજ બાઇબલ વાંચીએ, એના પર વિચાર કરીએ. બીજું, ‘વિશ્વાસુ કારભારી’ પૂરાં પાડે છે એ સાહિત્યનો પૂરો લાભ લઈએ. (લુક ૧૨.૪૨) એમ કરીશું તો, આપણે ઈશ્વરની વાતોથી આપણું મન ભરીએ છીએ. વધુમાં પાઊલની આ સલાહ મુજબ ચાલીએ છીએ: “છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્‍ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.”—ફિલીપી ૪:૮.

૧૭. બીજાઓને સારી રીતે રાજ્યનો સંદેશ જણાવવા આપણને શું મદદ કરશે?

૧૭ ‘શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં પહેરી’ રાખવા માટે યહોવાહ આપણને મદદ કરે છે. (એફેસી ૬:૧૫) આપણા મંડળની મિટિંગોમાં નિયમિત ભાગ લેવાથી આપણે પરમેશ્વરના રાજ્યનો સંદેશ બીજાઓને સારી રીતે જણાવવા તૈયાર થઈએ છીએ. બીજાઓ આપણી પાસેથી સત્ય શીખે છે ને જૂઠી માન્યતાઓથી છુટકારો મેળવે છે ત્યારે, આપણને કેવો અનેરો આનંદ મળે છે! (યોહાન ૮:૩૨) “આત્માની તરવાર” એટલે કે પરમેશ્વરનું વચન બાઇબલ આપણા માટે ખૂબ જરૂરી છે. કેમ કે એ વાંચવાથી આપણે જૂઠું શિક્ષણ માની લઈશું નહિ. તેમ જ ઊંડે સુધી ફેલાયેલી સાવ જૂઠી માન્યતાઓને ‘તોડી પાડવામાં’ આપણને મદદ કરશે. (એફેસી ૬:૧૭; ૨ કોરીંથી ૧૦:૪, ૫) આપણે પરમેશ્વરનું વચન, બાઇબલ વાપરવામાં જાણકાર બનીશું તો બીજાઓને સારી રીતે સત્ય શીખવી શકીશું. સાથે સાથે આપણે શેતાનની ચાલાકીઓમાં પણ ફસાતા નથી.

૧૮. આપણે કેવી રીતે ‘શેતાનની ચાલાકીઓ’ સામે દ્રઢ રહી શકીએ?

૧૮ જ્યારે પાઊલે બાઇબલમાં જણાવ્યું કે આપણે જાણે ઈશ્વરનાં હથિયાર પહેરી લેવાં જોઈએ ત્યારે, તેમણે આ રીતે વાત શરૂ કરી હતી: “પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શેતાનની કુયુક્તિઓની [ચાલાકીઓની] સામે તમે દ્રઢ રહી શકો માટે દેવનાં સર્વ હથિયારો સજો.” (એફેસી ૬:૧૦, ૧૧) અહીં “દ્રઢ રહો” માટેનો મૂળ ગ્રીક શબ્દ ખાસ કરીને સૈનિક માટે વાપરવામાં આવે છે જે લડાઈના મેદાનમાં પોતાની જગ્યાએ ડગ્યા વગર ઊભો રહે છે. એવી જ રીતે, આપણે પણ જાણે દુષ્ટ દૂતો સામે લડવા ઈશ્વરના માર્ગમાં અડગ રહીએ છીએ. શેતાન આપણો સંપ તોડવા ભરપૂર કોશિશ કરે છે. આપણા શિક્ષણમાં ખોટી માન્યતાઓની ભેળસેળ કરવા અને આપણે ઈશ્વરનો સત્યનો માર્ગ છોડી દઈએ એ માટે તે જાત જાતની ચાલાકીઓ વાપરે છે. પરંતુ તેની કોઈ પણ ચાલાકી આજ સુધી સફળ થઈ નથી. અને થશે પણ નહીં! *

શેતાનની સામા થાઓ, એટલે તે નાસી જશે

૧૯. શેતાનનો સામનો કરવા માટે આપણે કયાં પગલાં લેવાની જરૂર છે?

૧૯ શેતાન અને તેના ઈશારે નાચતા તેના દૂતોની અસરથી આપણે જરૂર બચી શકીએ છીએ. આપણે તેઓથી બીવાની કોઈ જરૂર નથી, કેમ કે શિષ્ય યાકૂબે લખ્યું હતું: “માટે તમે દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” (યાકૂબ ૪:૭) શેતાન અને તેનાં અપદૂતોનો સામનો કરવા માટે આપણે અમુક પગલાં ભરવાની જરૂર છે. તે છે, જંતરમંતર અને એવાં કામ કરનારાઓથી દૂર રહેવું. તેઓ સાથે કોઈ સંબંધ ન રાખવો. બાઇબલમાં યહોવાહ પોતાના ભક્તોને જંતર-મંતર, શકુન જોવા, જ્યોતિષશાસ્ત્ર કે પિશાચવાદમાં ભાગ લેવાની સખત મનાઈ કરે છે. જો આપણે તન-મનથી યહોવાહની ભક્તિમાં લાગુ રહીશું તો આપણી શ્રદ્ધા મજબૂત થશે. પછી આપણે એ વિચારીને બીવાની જરૂર નથી કે કોઈ આપણા પર જંતર-મંતર કરીને પોતાના વશમાં કરી લેશે.—ગણના ૨૩:૨૩; પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; યશાયાહ ૪૭:૧૨-૧૫; પ્રેરિતોના કૃત્યો ૧૯:૧૮-૨૦.

૨૦. આપણે શેતાનનો વિરોધ કેવી રીતે કરી શકીએ?

૨૦ આપણે બાઇબલનાં ધોરણો અને તેનાં સત્યને વળગી રહીએ, અને શેતાન સામે મક્કમ બનીને ઊભા રહીએ ત્યારે “શેતાનનો સામનો” કરીએ છીએ. પણ આ દુનિયાનું વલણ શેતાન જેવું છે. કેમ કે શેતાન આ જગતનો દેવ છે. (૨ કોરીંથી ૪:૪) એટલે જ આપણે દુનિયાના વલણથી દૂર રહીએ છીએ, જેમ કે અભિમાન, સ્વાર્થ, અનૈતિકતા, હિંસા અને ધનદોલતનો મોહ. યાદ કરો, અરણ્યમાં શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું ત્યારે શું થયું હતું. ઈસુએ શાસ્ત્રમાંથી વચનો વાપરીને શેતાનનો વિરોધ કર્યો. એનાથી શેતાન ત્યાંથી નાસી ગયો. (માત્થી ૪:૪, ૭, ૧૦, ૧૧) એવી જ રીતે, જો આપણે પૂરી રીતે યહોવાહનું કહ્યું માનીશું, પ્રાર્થના દ્વારા તેમના પર પૂરો ભરોસો રાખીશું તો શેતાન ‘આપણી પાસેથી નાસી જશે.’ (એફેસી ૬:૧૮) ભૂલો નહિ, યહોવાહ પરમેશ્વર અને તેમનો વહાલો દીકરો ઈસુ આપણી સાથે છે. હવે કોઈની તાકાત નથી કે આપણું કાયમ માટે નુકસાન કરે. અરે, શેતાન પણ આપણને કંઈ નહિ કરી શકે!—ગીતશાસ્ત્ર ૯૧:૯-૧૧. (w06 1/15)

[ફુટનોટ]

^ ઈશ્વરનાં સર્વ હથિયારો વિષે વધારે જાણવા માટે, સપ્ટેમ્બર ૧૫, ૨૦૦૪નું ચોકીબુરજ, પાન ૧૫-૨૦ જુઓ.

તમે કેવો જવાબ આપશો?

• શું આપણે શેતાનથી બીવું જોઈએ?

• આપણા પર શેતાન કેમ સતાવણી લાવે છે?

• ‘ભૂંડા’ શેતાનથી છુટકારો મેળવવા માટે આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ?

• દુષ્ટ દૂતોની અસરથી બચવા માટે આપણે શું કરી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

પહેલી સદીના ઈસુના શિષ્યો હિંમતવાન હતા. તેઓ મરણ સુધી યહોવાહને વફાદાર રહ્યા

[પાન ૧૧ પર ચિત્ર]

જેઓ યહોવાહની યાદમાં છે તેઓ ફરી જીવનમાં ઊઠશે. શેતાન પણ એમ થતા રોકી નહિ શકે

[પાન ૧૨ પર ચિત્ર]

તે ‘ભૂંડા’ શેતાનથી છુટકારો પામવા માટે તમે પ્રાર્થના કરો છો?

[પાન ૧૩ પર ચિત્ર]

શું તમે ‘ઈશ્વરનાં સર્વ હથિયારો’ પહેરી લીધા છે?