સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તાજગી આપતું મનોરંજન

તાજગી આપતું મનોરંજન

તાજગી આપતું મનોરંજન

‘તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.’—૧ કોરીંથી ૧૦:૩૧.

૧, ૨. ખુશી મળે એવી બાબતોને “ઈશ્વરનું વરદાન” કહેવું કેમ યોગ્ય છે? તોપણ બાઇબલ શું ચેતવણી આપે છે?

 દરેક વ્યક્તિ પોતાને ખુશી થાય એવી બાબતો કરવા ચાહે છે. યહોવાહ પણ ખુશીના પરમેશ્વર છે. તે ચાહે છે કે આપણે જીવનનો આનંદ માણીએ. તેથી તેમણે આપણને ખુશ કરવા ઘણું બધું આપ્યું છે. (૧ તીમોથી ૧:૧૧; ૬:૧૭) બુદ્ધિમાન રાજા સુલેમાને કહ્યું: ‘હું જાણું છું, કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો તે કરતાં બીજું કંઇ શ્રેષ્ઠ નથી. દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.’—સભાશિક્ષક ૩:૧૨, ૧૩.

મહેનતનાં મીઠાં ફળ મેળવીને આનંદ માણીએ એ કેટલું સારું લાગે છે. વળી એ ખુશીમાં પરિવાર અને મિત્રોને સામેલ કરીએ છીએ ત્યારે એ બમણી થાય છે. આપણી ખુશીને “ઈશ્વરનું વરદાન” કહેવું એકદમ યોગ્ય છે. આપણે ખુશ થઈએ માટે સર્જનહારે ઘણું બધું આપ્યું છે. પણ એનો અર્થ એ નથી કે આપણે એમાં જ રચ્યા-પચ્યા રહીએ. બાઇબલ દારૂડિયા, ખાઉધરા અને લંપટોની નિંદા કરે છે. તેમ જ, ચેતવણી આપે છે કે તેઓને “દેવના રાજ્યનો વારસો મળશે નહિ.”—૧ કોરીંથી ૬:૯, ૧૦; નીતિવચનો ૨૩:૨૦, ૨૧; ૧ પીતર ૪:૧-૪.

૩. પરમેશ્વરની સેવામાં લાગુ રહેવા અને યહોવાહના દિવસને ધ્યાનમાં રાખવામાં આપણને શું મદદ કરશે?

છેલ્લા દિવસોમાં સંકટ સમયને લીધે યહોવાહના ભક્તો માટે આ દુનિયામાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. કેમ કે આપણે આ ભ્રષ્ટ દુનિયામાં રહેવાનું છે અને એની બૂરાઈઓથી દૂર રહેવાનું છે. (યોહાન ૧૭:૧૫, ૧૬) બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે આજે લોકો ‘ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ’ રાખે છે. તેઓ એમાં એટલા ડૂબી ગયા છે કે આવનાર ‘મોટી વિપત્તિના’ ચિહ્‍નોને ધ્યાન આપતા નથી. (૨ તીમોથી ૩:૪, ૫; માત્થી ૨૪:૨૧, ૩૭-૩૯) ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી: “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.” (લુક ૨૧:૩૪, ૩૫) આપણે પરમેશ્વરના ભક્ત હોવાને લીધે ઈસુની ચેતવણીને ચોક્કસ ધ્યાન આપીશું. આપણે આ દુનિયાના અધર્મી લોકો જેવા નથી. આપણે પરમેશ્વરની સેવામાં લાગુ રહેવા અને યહોવાહના મહાન દિવસને ધ્યાનમાં રાખવાની પૂરી કોશિશ કરીએ છીએ.—સફાન્યાહ ૩:૮; લુક ૨૧:૩૬.

૪. (ક) સારું મનોરંજન શોધવું શા માટે મુશ્કેલ છે? (ખ) એફેસી ૫:૧૫, ૧૬માં મળેલી કઈ સલાહને આપણે પાળવા ચાહીશું?

દુનિયાની બૂરાઈથી દૂર રહેવું કંઈ રમત વાત નથી. શેતાને બૂરાઈને એવું રૂપ આપ્યું છે જે આપણને ગમી જાય. બૂરાઈનું આ રૂપ ચારે બાજુ જોવા મળે છે. ખાસ કરીને આપણે સારું મનોરંજન શોધતા હોય ત્યારે આપણને આ રૂપ જોવા મળે છે. મનોરંજનને લઈને ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. અમુક મનોરંજન “શારીરિક દુર્વાસનાઓને” પૂરી કરવા લલચાવે છે. (૧ પિતર ૨:૧૧, કોમન લેંગ્વેજ) આપણને નુકસાન કરે એવા મનોરંજન જાહેર જગ્યાઓએ ખુલ્લેઆમ જોવા મળે છે. તેમ જ, પુસ્તકો-પત્રિકાઓ, ટી.વી, ઇંટરનેટ અને વીડિયો દ્વારા આપણા ઘરમાં પણ જોવા મળે છે. તેથી બાઇબલ આપણને સારી સલાહ આપે છે: “કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહિ, પણ ડાહ્યા માણસની પેઠે, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમકે દહાડા ભૂંડા છે.” (એફેસી ૫:૧૫, ૧૬) આ સલાહ પાળવાથી આપણે ધ્યાન રાખીશું કે નુકસાન કરનારા મનોરંજનના ફાંદામાં ન ફસાઈએ. તેમ જ એવા મનોરંજનમાં પોતાનો સમય ન બગાડીએ. જેનાથી યહોવાહ તથા આપણા વચ્ચેનો સંબંધ બગડી શકે. કેમ કે તેનાથી આપણો વિનાશ થઈ શકે છે.—યાકૂબ ૧:૧૪, ૧૫.

૫. આપણને સાચી તાજગી શામાંથી મળે છે?

જોકે યહોવાહના ભક્તોને ઘણું કામ હોય છે. તેથી કોઈ વાર મનને ખુશ કરવા મનોરંજન કરવું યોગ્ય છે. બાઇબલ કહે છે કે “હસવાનો સમય” અને “નાચવાનો સમય” હોય છે. (ઉપદેશક [સભાશિક્ષક] ૩:૪) આમ બાઇબલ મન ખુશ કરવાને સમયનો બગાડ કર્યો હોય એમ કહેતું નથી. પરંતુ મનોરંજનથી આપણું દિલ ખુશ થવું જોઈએ. એવું ન થાય કે મનોરંજનથી આપણે પરમેશ્વરની સેવામાં ઠંડા પડી જઈએ. અનુભવી ભાઈ-બહેનોએ અનુભવ્યું છે કે આપવાથી આપણી ખુશીમાં વધારો થાય છે. તેઓ પોતાના જીવનમાં સૌથી પહેલાં યહોવાહની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપે છે. અને ઈસુની “ઝૂંસરી” ઉઠાવે છે. પરિણામે તેઓના ‘જીવને વિસામો’ એટલે સાચી તાજગી મળે છે.—માત્થી ૧૧:૨૯, ૩૦; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

યોગ્ય મનોરંજન પસંદ કરવું

૬, ૭. મનોરંજનની પસંદગી કરવા તમને ક્યાંથી મદદ મળી શકે?

આપણે કઈ રીતે ખાતરી કરી શકીએ કે કયા પ્રકારનું મનોરંજન સારું છે કે નહિ? એ માટે માબાપે પોતાના બાળકોને સલાહ આપવી જોઈએ. અને જરૂર પડ્યે તેઓ વડીલોની મદદ લઈ શકે. જો કે એ યોગ્ય ન કહેવાય કે બીજાઓ આપણને કહે કે ફલાણું પુસ્તક, ફિલ્મ, ગેઇમ, ડાન્સ અથવા ગીત સારા નથી. પાઊલે કહ્યું કે ‘પુખ્ત ઉંમરનાની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે.’ (હેબ્રી ૫:૧૪; ૧ કોરીંથી ૧૪:૨૦) બાઇબલમાં ઘણા સિદ્વાંતો આપ્યા છે જે આપણને ખરું માર્ગદર્શન આપે છે. તેથી તમે બાઇબલથી તાલીમ પામેલા તમારા અંતઃકરણનું સાંભળશો તો, એ તમને ખરું પસંદ કરવા મદદ કરશે.—૧ તીમોથી ૧:૧૯.

ઈસુએ કહ્યું કે કોઈ પણ “ઝાડ ફળથી ઓળખાય છે.” (માત્થી ૧૨:૩૩) એવી જ રીતે કોઈ પણ મનોરંજનની આપણા પર કેવી અસર પડે છે તેને ધ્યાનમાં રાખીને મનોરંજન સારું છે કે ખરાબ એ વિચારવું જોઈએ. જેમ કે આપણને હિંસા, અનૈતિકતા અને સ્પીરીટીઝમ ગમવા લાગે તો, આપણે એવા કાર્યક્રમો જોવા ન જોઈએ. એવું મનોરંજન પણ સારું નથી જેનાથી કોઈનું જીવન જોખમમાં આવે. અથવા કોઈ દેવાદાર કે નિરાશ થઈ જાય, ક્યાં તો કોઈને ઠોકર લાગે. પ્રેષિત પાઊલે આપણને સલાહ આપી કે મંડળના કોઈ ભાઈના અંતઃકરણને ઠેસ પહોંચાડવી પાપ છે. પાઊલે લખ્યું: “ભાઈઓની વિરૂદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોમાં આઘાત કરીને, તમે ખ્રિસ્તની વિરૂદ્ધ પાપ કરો છો. તેથી જો ખાવાની વસ્તુથી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.”—૧ કોરીંથી ૮:૧૨, ૧૩.

૮. કૉમ્પ્યુટર ગેઇમ અને વીડિયો જોવામાં શું જોખમ રહેલું છે?

આજકાલ બજારમાં કૉમ્પ્યુટર અને વીડિયો ગેઇમ તથા વીડિયો પર ઢગલાબંધ ફિલ્મો જોવા મળે છે. જોકે અમુક ગેઇમ અને વીડિયોમાં કોઈ જોખમ નથી, એ આપણા આનંદ માટે સારી હોય છે. પણ મોટાભાગની ગેઇમ અને ફિલ્મો બાઇબલના ધોરણોની વિરુદ્ધમાં છે. કોઈ ફિલ્મ કે ગેઇમમાં એવું હોય કે ખેલાડી મારા-મારીમાં કોઈના હાથ-પગ તોડી નાખે, ખૂન કરે અથવા જાતીયતાના કાર્ય બતાવે તો, એ કંઈ આનંદ આપનાર ના કહેવાય! યહોવાહ ‘જુલમી માણસને’ ધિક્કારે છે. (ગીતશાસ્ત્ર ૧૧:૫; નીતિવચનો ૩:૩૧; કોલોસી ૩:૫, ૬) કોઈ ગેઇમથી તમે લાલચું કે ઝગડાળું બનો છો, તમારું મગજ થાકી જાય અથવા તમારો કીમતી સમય બરબાદ થઈ જાય તો, એની અસર પરમેશ્વરની સેવા કરવામાં પડી શકે છે. તેથી તમારા મનોરંજનમાં જલદીમાં જલદી ફેરફાર કરવાની જરૂર છે.—માત્થી ૧૮:૮, ૯.

યોગ્ય મનોરંજનથી મન ખુશ કરો

૯, ૧૦. મનોરંજનની જરૂરિયાત પૂરી કરવા શું કરી શકીએ?

ઘણી વાર આપણે પૂછીએ છીએ: “કયું મનોરંજન યોગ્ય છે? દુનિયાનું મોટાભાગનું મનોરંજન બાઇબલના ધોરણોની વિરુદ્ધમાં છે.” તોપણ ખાતરી રાખો કે તમારી જરૂરિયાત પૂરું કરતું મનોરંજન ચોક્કસ છે. પણ એ માટે તમારે શોધવાની કોશિશ કરવાની છે. તમારે અને ખાસ કરીને માબાપે પહેલેથી યોજના બનાવવાની જરૂર છે. ઘણા ભાઈ-બહેનો પોતાના કુટુંબ સાથે અથવા મંડળના અમુક ભાઈ-બહેનો સાથે સમય પસાર કરે છે. એમ કરવાથી તેઓને ઘણી મઝા આવે છે. જમવાના સમયે આખા દિવસ દરમિયાન શું થયું અથવા બાઇબલના કોઈ વિષયની ચર્ચા કરવાથી બધાને મઝા આવે છે અને ઉત્તેજન મળે છે. પિકનિકમાં જવાની, કોઈ રમત રમવાની, ચાલવા જવાની કે કૅમ્પિંગ જવાની ગોઠવણ કરી શકાય. આવું મનોરંજન કરવાથી મઝા આવશે અને સારું પણ લાગશે.

૧૦ એક વડીલ અને તેમની પત્નીએ ત્રણ બાળકોને મોટા કર્યા છે. તેઓ કહે છે: “રજાઓમાં ક્યાં જવું છે એની પસંદગી માટે અમે બાળકોના વિચાર પણ માંગતા હતા. ઘણી વાર અમે બાળકોને પોતાની સાથે એક મિત્રને લાવવાનું કહેતા. એનાથી અમારી રજાઓમાં વધારે મઝા આવતી હતી. કોઈ વાર બાળકના જીવનમાં બનેલી ખાસ ઘટનાને મનાવવા કાર્યક્રમ રાખતા. ક્યારેક અમે સગાં-વહાલાં અને મંડળના મિત્રોને અમારા ઘરે બોલાવતા. અથવા બહાર જઈને ખાવાનું બનાવી ખાતા તથા રમત રમતા હતા. એટલું જ નહિ, અમે ક્યારેક ગાડીમાં તો ક્યારેક ચાલતા ચાલતા પહાડો પર જતા હતા. અને એવા સમયે યહોવાહની રચનામાંથી શીખતા હતા.”

૧૧, ૧૨. (ક) મનોરંજન માટે તમારી સાથે બીજા કોને બોલાવી શકો? (ખ) કેવો પ્રસંગ લોકોને યાદ રહી જાય છે?

૧૧ તમે તમારા પરિવાર માટે મનોરંજનનો કાર્યક્રમ કરો છો ત્યારે બીજાઓને પણ બોલાવો. જેમ કે, વિધવા બહેન, કોઈ ભાઈ કે બહેન જેનું પરિવાર ન હોય અથવા એવું પરિવાર જેમાં એકલા મા કે પિતા હોય. તેઓ સર્વને ઉત્તેજનની જરૂર છે. (લુક ૧૪:૧૨-૧૪) મંડળમાં નવા આવ્યા હોય તેઓને પણ બોલાવી શકો. પણ ધ્યાન રાખજો કે એની બીજા પર ખરાબ અસર ન પડે. (૨ તીમોથી ૨:૨૦, ૨૧) કોઈ ભાઈ-બહેન બીમાર હોવાથી કે અપંગ હોવાથી બહાર જઈ શકતા ન હોય તો શું? તમે તેઓના ઘરે ખાવાનું લઈ જઈ શકો અને તેઓ સાથે વાત કરવાની મઝા માણી શકો.—હેબ્રી ૧૩:૧, ૨.

૧૨ ઘણા ભાઈ-બહેનો ભેગા મળીને સાદા ભોજનનો આનંદ માણે છે. તેમ જ, તેઓને કઈ રીતે સત્ય મળ્યું એ એકબીજાને જણાવે છે. એનાથી એ પણ શીખવા મળે છે કે પરમેશ્વરને વફાદાર રહેવા કઈ બાબતે તેમને મદદ કરી. અને આવી રીતે સાથે પસાર કરેલો સમય એક યાદગીરી બની રહે છે. આવા પ્રસંગે બાઇબલમાંથી ચર્ચા કરી શકીએ. એમાં બાળકોને પણ ભાગ લેવાનું કહી શકીએ. આમ કરવાથી આપણને સર્વને ફાયદો થશે અને એકબીજાને ઉત્તેજન આપી શકીશું. કોઈને એવું નહિ લાગે કે તેમને ઓછું આવડે છે.

૧૩. મહેમાનગીરી કરવામાં ઈસુએ અને પાઊલે કેવો દાખલો બેસાડ્યો?

૧૩ મહેમાનગીરી કરવામાં અને સ્વીકારવામાં ઈસુએ સારો દાખલો બેસાડ્યો. ઈસુ હંમેશાં એવા પ્રસંગે લોકોને પરમેશ્વર વિષે શીખવતા હતા. (લુક ૫:૨૭-૩૯; ૧૦:૪૨; ૧૯:૧-૧૦; ૨૪:૨૮-૩૨) ઈસુના શિષ્યો પણ તેમને અનુસર્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૬, ૪૭) પ્રેષિત પાઊલે લખ્યું: “તમને મળવાને હું ઘણો ઉત્સુક છું, એ માટે કે હું તમને વિશ્વાસમાં દૃઢ કરી કોઈક આત્મિક દાન પમાડી શકું, હું તમને વિશ્વાસમાં દૃઢ કરી શકું એટલું જ નહિ, પરંતુ હું ઈચ્છું છું કે મને પણ તમારા વિશ્વાસમાંથી ઉત્તેજન મળે અને એમ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ.” (રોમન ૧:૧૧, ૧૨, IBSI) એવી જ રીતે આપણે કોઈ પાર્ટીમાં ભાઈ-બહેનોને બોલાવીએ તો, એવું વાતાવરણ હોવું જોઈએ જેનાથી આપણને અને ભાઈ-બહેનોને ઉત્તેજન મળે.—રૂમી ૧૨:૧૩; ૧૫:૧, ૨.

અમુક બાબતોમાં ધ્યાન રાખો અને સાવધ રહો

૧૪. શા માટે મોટી પાર્ટીઓ ન કરવી જોઈએ?

૧૪ મોટી મોટી પાર્ટીઓ ન રાખીએ તો સારું. કેમ કે એમાં દરેક બાબતોનું ધ્યાન રાખવું મુશ્કેલ છે. એના બદલે અમુક કુટુંબ ભેગા મળીને પિકનિક જઈ શકે. અથવા એવી કોઈ ગેઇમ રમી શકે જેમાં હરીફાઈની ભાવના ન હોય. પણ ધ્યાન રાખો કે આવા કાર્યક્રમ એવા દિવસે રાખો જેનાથી પરમેશ્વરની સેવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. એવા કાર્યક્રમમાં અમુક વડીલો, સેવકાઈ ચાકરો અથવા અનુભવી ભાઈઓ હશે તો, કાર્યક્રમની રોનક વધશે અને સારું પણ લાગશે.

૧૫. પાર્ટીમાં શા માટે ધ્યાન રાખવાની જરૂર છે?

૧૫ પાર્ટીની ગોઠવણ કરનારે બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમને મહેમાનગીરી કરવાનું બહુ સારું લાગતું હોય અને ગમતું પણ હોય. પણ તમને પછીથી ખબર પડે કે તમારા ઘરે આવેલા એક મહેમાનના વિશ્વાસને ઠોકર લાગી છે તો, તમને કેટલું દુઃખ થશે! પુનર્નિયમમાં આપેલા સિદ્ધાંતનો વિચાર કરો. કોઈ ઈસ્રાએલી નવું ઘર બનાવે તો, તેણે ધાબા ફરતે પાળ બાંધવાની હતી. જેથી એને મનોરંજન માટે વાપરી શકાય અને મહેમાનોને બોલાવી શકાય. પણ શા માટે તેઓએ પાળ બાંધવાની હતી? જેથી ‘કોઈ પડી ન જાય અને તે ઘર તથા તેના માલિક ઉપર દોષ ન આવે.’ (પુનર્નિયમ ૨૨:૮, IBSI) એવી જ રીતે, વધારે પડતા નિયમો બનાવાને બદલે પાર્ટીમાં આવેલા મહેમાનોનું ધ્યાન રાખો જેથી તેઓને ઠોકર ન લાગે અને તેઓનો વિશ્વાસ મજબૂત થાય.

૧૬. પાર્ટીમાં શરાબ રાખીએ તો, શું ધ્યાન રાખવું જોઈએ?

૧૬ પાર્ટીમાં શરાબ આપવાની ગોઠવણ કરી હોય તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અમુક ભાઈબહેનો મહેમાનો પર ધ્યાન રાખવાના હોય તો, તેઓ પોતે જ મહેમાનને શરાબ આપશે. આમ કરવાથી તેઓ ધ્યાન રાખી શકે કે કેટલી શરાબ આપવામાં આવે છે અથવા તેઓ કેટલી પીવે છે. એવું કંઈ કરવાની પરવાનગી આપવી ન જોઈએ જેનાથી બીજા કોઈને ઠોકર લાગે યા મદ્યપાન કરીને કોઈ મસ્ત બની જાય. (એફેસી ૫:૧૮, ૧૯) ઘણા કારણોસર અમુક મહેમાનો શરાબ પીવાની ના પાડે. અમુક દેશોની સરકાર અમુક ઉંમર પછી પીવાની પરવાનગી આપે છે. એ વખતે આપણે સરકારના નિયમોને આધીન રહેવું જોઈએ. પછી ભલે એ સરકાર આપણને બહુ કડક લાગતી હોય.—રૂમી ૧૩:૫.

૧૭. (ક) પાર્ટીમાં સંગીત રાખવાના હોય તો, એની પસંદગી કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? (ખ) પાર્ટીમાં ડાન્સ હોય તો, શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૭ પાર્ટીમાં ધ્યાન રાખવું જોઈએ કે ડાન્સ અથવા બીજા કાર્યક્રમો બાઇબલના સિદ્ધાંત પ્રમાણે હોય. સંગીતની વાત કરીએ તો, અલગ લોકોની અલગ પસંદગી હોય છે. અને આજે જાત-જાતના સંગીત જોવા મળે છે. મોટાભાગના ગીતો બળવો, હિંસા, અને વ્યભિચારને લગતા હોય છે. તેથી આપણે સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ. જરૂરી નથી કે જે ગીતોની ધૂન ધીમી હોય એ ગીતો સારા જ હોય. એમાં પણ ગંદા વિચારો હોઈ શકે. વળી કાન ફાડી નાખે એવા ગીતો પણ મૂકવા ન જોઈએ. તમે એવી વ્યક્તિને સંગીત મૂકવાનું કહો જેને ખબર હોય કે મોટા અવાજે ગીતો વગાડવા ન જોઈએ. એવો ડાન્સ જેમાં હલકા હાવભાવ કરવામાં આવે છે, એ યહોવાહના ભક્તો માટે સારું નથી. જેમ કે, જાતીયતા પર ભાર મૂકવામાં આવે એ રીતે શરીરના અંગો હલાવીને ડાન્સ કરવો.—૧ તીમોથી ૨:૮-૧૦.

૧૮. માબાપે બાળકોને કેવી પાર્ટીઓમાં જવા દેવા જોઈએ?

૧૮ યહોવાહના ભક્તોએ પોતાના બાળકોને પાર્ટીમાં મોકલતા પહેલાં તપાસ કરવી જોઈએ કે કેવા કાર્યક્રમો છે. તમે તમારા બાળકો સાથે જાઓ એ સારું કહેવાશે. અમુક માબાપે પોતાના બાળકોને એવી પાર્ટીઓમાં જવા દીધા, જ્યાં ધ્યાન રાખનારું કોઈ ન હતું. તેથી પાર્ટીમાં આવેલા મોટાભાગના લોકો જાતીયતાના ફાંદામાં ફસાયા. (એફેસી ૬:૧-૪) યુવાનો ૧૮-૧૯ વર્ષના હોય અને તેઓ પોતાને ભરોસા લાયક સાબિત કરે તોપણ, ‘યુવાનીની વાસનાથી’ દૂર રહેવા હજુ તેઓને મદદની જરૂર છે.—૨ તીમોથી ૨:૨૨, પ્રેમસંદેશ.

૧૯. કઈ બાબત આપણને પરમેશ્વરના રાજ્યને પહેલા મૂકવા મદદ કરે છે?

૧૯ કોઈ કોઈ વાર મનોરંજનમાં ભાગ લેવાથી આપણે રીલેક્સ થઈએ છીએ અને જીવનની મઝા માણી શકીએ છીએ. યહોવાહે આપણને મન ખુશ કરવાની અને મઝા માણવાની મના નથી કરી. પરંતુ યાદ રાખો કે એનાથી આપણે સ્વર્ગમાં દ્રવ્ય એકઠું કરી શકતાં નથી. (માત્થી ૬:૧૯-૨૧) ઈસુએ પોતાના શિષ્યોને જીવનમાં મહત્ત્વની બાબત એટલે કે ‘પહેલાં પરમેશ્વરના રાજ્યને તથા તેના ન્યાયીપણાને’ શોધવા મદદ કરી. ઈસુએ ‘વિદેશીઓ શોધે એ સઘળાં વાના’ એટલે કે શું ખાઈશું, પીશું કે પહેરીશું એને વધારે મહત્ત્વ આપ્યું નહિ.—માત્થી ૬:૩૧-૩૪.

૨૦. યહોવાહના વફાદાર સેવકો માટે આગળ કેવી આશા રહેલી છે?

૨૦ હા, આપણે ‘ખાઈએ, કે પીઈએ, કે જે કંઈ કરીએ તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરીએ.’ વળી આપણને જે કંઈ મળે એ માટે આપણા સર્જનહારની કદર કરવી જોઈએ. (૧ કોરીંથી ૧૦:૩૧) પરમેશ્વરની નવી દુનિયા એટલે કે પૃથ્વી બગીચા સમાન બનશે ત્યારે, યહોવાહની દરિયાદિલની મઝા ઉઠાવવા આપણને ઘણા મોકા મળશે. એ પણ એવા લોકો સાથે જેઓ પરમેશ્વરના નિયમોને પૂરી રીતે પાળે છે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬; યશાયાહ ૨૫:૬; ૨ કોરીંથી ૭:૧. (w06 3/1)

શું તમને યાદ છે?

• યોગ્ય મનોરંજન શોધવું શા માટે મુશ્કેલ છે?

• મનોરંજનનાં કેવાં કાર્યક્રમોથી યહોવાહના ભક્તોને મઝા આવી શકે?

• યોગ્ય મનોરંજનનો આનંદ માણતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૪ પર ચિત્ર]

સારાં ફળ મળે એવું મનોરંજન પસંદ કરો

[પાન ૨૫ પર ચિત્ર]

આપણે કેવા મનોરંજનથી દૂર રહેવું જોઈએ?