સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અયૂબના મુખ્ય વિચારો

અયૂબના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

અયૂબના મુખ્ય વિચારો

અયૂબ વર્ષો પહેલાં ઉસ દેશમાં રહેતા હતા. ત્યાં આજે અરબસ્તાન આવેલું છે. એ જમાનામાં ઘણા ઈસ્રાએલીઓ ઇજિપ્તમાં રહેતા હતા. જોકે અયૂબ પોતે ઈસ્રાએલી ન હતા. તોપણ તે યહોવાહના ખરા ભક્ત હતા. બાઇબલ કહે છે કે “પૃથ્વી ઉપર તેના [અયૂબ] જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઇશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.” (અયૂબ ૧:૮) અયૂબ કયા જમાનામાં જીવતા હતા? એ યાકૂબના દીકરા યુસફ પછીનો અને પ્રબોધક મુસા પહેલાંનો સમય હોવો જોઈએ.

મુસા ઇજિપ્તથી નાસીને મિદ્યાન ૪૦ વર્ષ રહ્યા ત્યારે, તેમણે અયૂબ વિષે સાંભળ્યું હોય શકે. મિદ્યાનથી ઉસ બહુ નજીક હતું. પછી ઈસ્રાએલીઓ યહોવાહના કહેવા પ્રમાણે ચાલ્યા ન હોવાથી તેઓને રણમાં ૪૦ વર્ષ ભટકવું પડ્યું. એ સફરના અંતમાં ઈસ્રાએલીઓ ઉસ દેશની પાસે હતા. ત્યારે પણ મુસાએ ફરીથી અયૂબના છેલ્લા વર્ષો વિષે સાંભળ્યું હોય શકે. * બાઇબલમાં અયૂબના જીવનનો અનુભવ બહુ જ સુંદર રીતે લખવામાં આવ્યો છે. પણ એ ફક્ત એક સુંદર કહાણી જ નથી. એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. એમાં આવા પ્રશ્નોના જવાબ પણ છે: આપણે કેમ દુઃખની ચક્કીમાં પીસાવું પડે છે? યહોવાહે કેમ દુષ્ટતા ચાલવા દીધી? શું આપણા જેવા મામૂલી માણસ પર દુઃખ-તકલીફો આવે તોય, તે યહોવાહને વફાદાર રહી શકે? યહોવાહની પ્રેરણાથી મુસાએ અયૂબનું પુસ્તક લખ્યું. અયૂબના પુસ્તકમાં લખાયેલો સંદેશો એ સમયે જેટલો મહત્ત્વનો હતો, એટલો જ આજે પણ છે.—હેબ્રી ૪:૧૨.

‘બળ્યો તે દિવસ, જે દિવસે હું જન્મ્યો’

(અયૂબ ૧:૧–૩:૨૬)

શેતાને એક દિવસ ઈશ્વરની આગળ આવીને અયૂબની ભક્તિ વિષે શંકા કરી. યહોવાહે અયૂબની કસોટી કરવા શેતાનને રજા આપી. શેતાન અયૂબ પર એક પછી એક કસોટી લાવ્યો. તોપણ તેમણે ‘ઈશ્વરને શાપ’ ન આપ્યો.—અયૂબ ૨:૯.

અયૂબના ત્રણ મિત્રો તેમને ‘દિલાસો આપવા આવ્યા.’ (અયૂબ ૨:૧૧) અયૂબે પોતાનું મોં ખોલ્યું નહિ ત્યાં સુધી તેઓ પણ મૂંગા મૂંગા બેસી રહ્યા. છેવટે અયૂબે કહ્યું: ‘બળ્યો તે દિવસ, જે દિવસે હું જન્મ્યો’ અયૂબ ઇચ્છતા હતા કે બાળકો મરેલા જન્મે છે તેમ ‘પોતે કદી અજવાળું ન જોયું હોત’ તો કેટલું સારું થાત!—અયૂબ ૩:૩, ૧૧, ૧૬.

સવાલ-જવાબ:

૧:૪—શું અયૂબના બાળકો જન્મદિવસ ઊજવતા હતા? ના. મૂળ ભાષામાં આ કલમમાં ‘દિવસ’ માટે વપરાયેલા શબ્દનો અમુક લોકો ‘જન્મદિવસ’ અર્થ કાઢે છે. પણ હેબ્રી ભાષામાં ‘દિવસ’ અને ‘જન્મદિવસ’ માટે જુદા જુદા શબ્દો છે, અને દરેકનો અર્થ જુદો છે. (ઉત્પત્તિ ૪૦:૨૦) અયૂબના સાતેય દીકરાઓ વર્ષમાં એક વાર, તેઓના વારા પ્રમાણે ભાઈ-બહેનોને પોતપોતાના ઘરે બોલાવીને સાત દિવસની ઉજવણી રાખતા.

૧:૬; ૨:૧—યહોવાહની રૂબરૂ કોણ કોણ આવી શકતું? યહોવાહે સૌથી પહેલા બનાવેલા સ્વર્ગદૂત, ઈસુ ખ્રિસ્ત. યહોવાહ ઈસુને પોતાનો “એકાકીજનિત દીકરો” કહે છે. તે “શબ્દ” તરીકે પણ ઓળખાય છે, કેમ કે યહોવાહે ઈસુ દ્વારા પોતાના ભક્તોને સંદેશો પહોંચાડ્યો હતો. યહોવાહની આગળ ઈસુની જેમ બધા જ “દેવદૂતો” આવી શકતા, વફાદાર દૂતો અને બેવફા દૂતો. એમાંનો એક શેતાન પણ હતો. (યોહાન ૧:૧, ૧૮) ૧૯૧૪માં યહોવાહે સ્વર્ગમાં પોતાની સરકાર ઊભી કરી. એના થોડા જ સમય પછી, શેતાન અને તેના દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. (પ્રકટીકરણ ૧૨:૧-૧૨) એ પહેલાં, યહોવાહ શેતાન અને તેના દૂતોને પોતાની આગળ આવવા દેતા હતા. જેથી સર્વ દૂતો જાણી શકે કે યહોવાહ અને તેમના ભક્તો પર શેતાને કેવા આરોપ મૂક્યા છે: એક કે યહોવાહ વિશ્વ પર રાજ કરવા યોગ્ય નથી. બીજું કે યહોવાહના સર્વ ભક્તો સ્વાર્થને લીધે તેમની ભક્તિ કરે છે.

૧:૭; ૨:૨—શું યહોવાહે શેતાનની સાથે મોઢામોઢ વાત કરી હતી? યહોવાહ તેમના દૂતો સાથે કેવી રીતે વાતો કરે છે, એ વિષે બાઇબલ વધારે જણાવતું નથી. પણ પ્રબોધક મીખાયાહને સ્વર્ગનું દર્શન થયું હતું. એમાં તેમણે જોયું કે દૂતો યહોવાહ સાથે મોઢામોઢ વાત કરતા હતા. (૧ રાજાઓ ૨૨:૧૪, ૧૯-૨૩) એના પરથી લાગે છે કે યહોવાહે શેતાનની જોડે પણ મોઢામોઢ વાત કરી હશે.

૧:૨૧—અયૂબ તેમની માનાં ઉદરમાં પાછા કેવી રીતે જઈ શકે? યહોવાહે ‘ભૂમિની માટીમાંથી’ માણસને બનાવ્યો છે. એટલે ધરતીને કવિની ભાષામાં ‘માની’ સાથે સરખાવવામાં આવી છે.—ઉત્પત્તિ ૨:૭.

૨:૯—અયૂબની પત્નીએ કયા કારણથી તેના પતિને કહ્યું હોય શકે કે ‘દેવને શાપ દે, અને મરી જા?’ અયૂબ પર જે વીત્યું હતું તે જ તેમની પત્ની પર પણ વીત્યું. અયૂબને ખતરનાક ગૂમડાં થયાં પહેલાં તે એકદમ તંદુરસ્ત હતા. પણ હવે તે અયૂબનું દુઃખ જોઈ શકતી ન હતી. એ ઉપરાંત મોત તેમના સર્વ બાળકોને ભરખી ગયું હતું! એવા સંજોગોમાં તે ભૂલી ગઈ હોઈ શકે કે તેઓ તો યહોવાહને વફાદાર રહ્યા છે. એ જ સૌથી મહત્ત્વનું હતું!

આપણે શું શીખી શકીએ?

૧:૮-૧૧; ૨:૩-૫. અયૂબના અનુભવમાંથી આપણે જોયું કે યહોવાહની ભક્તિમાં આપણાં વાણી-વર્તન કાયમ સારાં હોવાં જોઈએ. મન ફાવે એમ યહોવાહની ભક્તિ ન થાય. પણ ખરી ભાવનાથી તેમની ભક્તિ કરવી જોઈએ.

૧:૨૧, ૨૨. જીવનમાં સારા કે ખરાબ સંજોગો હોય તોપણ યહોવાહને વળગી રહેવું જોઈએ. એમ કરવાથી આપણે શેતાનને જૂઠો સાબિત કરીશું.—નીતિવચનો ૨૭:૧૧.

૨:૯, ૧૦. આપણા કુટુંબમાંથી કોઈ જો યહોવાહને ભજતું ન હોય અને આપણને પણ તેમની ભક્તિ છોડી દેવાનું કહે તો શું? તોપણ, આપણે અયૂબની જેમ યહોવાહની ભક્તિમાં અડગ રહેવું જોઈએ.

૨:૧૩. અયૂબના મિત્રો તેની વફાદારીને યહોવાહની નજરથી જોતા ન હતા. એટલે યહોવાહે આપેલાં વચનોથી અયૂબને દિલાસો આપવા તેઓ પાસે કંઈ જ ન હતું.

‘હું મારી પ્રામાણિકતાનો ઈનકાર કરીશ નહિ’

(અયૂબ ૪:૧–૩૧:૪૦)

અયૂબના ત્રણ મિત્રોએ વારંવાર તેમને એક જ વાત કહી કે તેમણે કંઈક પાપ કર્યું હશે. એટલે જ ઈશ્વર તેમને ભારે સજા કરી રહ્યા છે. અલીફાઝે પ્રથમ એવો આરોપ મૂક્યો. પછી બિલ્લાદે મહેણાં માર્યાં. છેલ્લે સોફાર તેઓથી પણ કડવું બોલ્યો.

અયૂબના મિત્રોએ ખોટા આરોપ મૂક્યા, એ તેમણે સ્વીકાર્યાં નહિ. પોતે જાણતા ન હતા કે યહોવાહ તેમને કેમ દુઃખી થવા દે છે. એટલે તેમણે પોતાને ન્યાયી ઠરાવવાનો પ્રયત્ન કર્યો. છતાંયે તેમણે કહ્યું: ‘હું મરતાં સુધી મારી પ્રામાણિકતાનો ઈનકાર કરીશ નહિ.’—અયૂબ ૨૭:૫.

સવાલ-જવાબ:

૭:૧; ૧૪:૧૪—‘સંકટ વેઠવાનો’ અને ‘મારા યુદ્ધના સઘળા દિવસોનો’ શું અર્થ થાય? અયૂબને સખત દુઃખ પડ્યું હોવાથી તેને લાગ્યું કે જીવન બહુ કઠણ છે. એ ફરજિયાત કાળી મજૂરી કરવા જેવું છે. (અયૂબ ૧૦:૧૭) મરણ પછી પણ અયૂબને સજીવન થવાની રાહ જોવાની હતી. એ તેમના માટે જાણે યુદ્ધમાં ફરજિયાત સેવા આપવાના સમય જેવો હતો.

૭:૯, ૧૦; ૧૦:૨૧; ૧૬:૨૨—આ કલમો શું એવું બતાવે છે કે અયૂબ માનતા ન હતા કે મૂએલાઓને સજીવન કરવામાં આવશે? ના, એવું નથી. અહીં અયૂબ મરણ પછી તરત જ શું થશે, એની વાત કરતા હોઈ શકે. તે એમ કહેતા હોઈ શકે કે પોતે મરણ પામે તો એ જમાનાના લોકો તેમને ફરી જોઈ શકશે નહિ. બીજા શબ્દોમાં, તેઓ અયૂબને તેમના ઘેર પાછા જતાં કોઈ જોઈ શકશે નહિ. તે કોઈની સાથે વાત પણ કરશે નહિ. ક્યાં સુધી? યહોવાહે ઠરાવેલો સમય પૂરો થાય નહિ ત્યાં સુધી. અથવા તે એમ પણ કહેતા હોઈ શકે કે જે કોઈ શેઓલમાં જાય છે, એ પોતાની મેળે એમાંથી બહાર નીકળી શકતો નથી. અયૂબ ૧૪:૧૩-૧૫ બતાવે છે કે ભાવિમાં પોતાને ચોક્કસ સજીવન કરવામાં આવશે તેમ અયૂબ માનતા હતા.

૧૦:૧૦—યહોવાહે કઈ રીતે અયૂબને ‘દૂધની પેઠે રેડીને પનીરની પેઠે જમાવ્યા હતા’? યહોવાહે અયૂબને તેમની માનાં પેટમાં જે રીતે બનાવ્યા હતા એના વિષે અહીં કવિની ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે.

આપણે શું શીખી શકીએ?

૪:૭, ૮; ૮:૫, ૬; ૧૧:૧૩-૧૫. કોઈનું દુઃખ જોઈને આપણે માની ન લેવું જોઈએ કે જેવું વાવે એવું લણે. અથવા ઈશ્વર તેનાથી નારાજ છે.

૪:૧૮, ૧૯; ૨૨:૨, ૩. કોઈને સલાહ આપીએ ત્યારે બાઇબલમાંથી આપવી જોઈએ. પોતાના વિચારો પ્રમાણે નહિ.—૨ તીમોથી ૩:૧૬.

૧૦:૧. અયૂબ પોતાના દુઃખમાં એટલા ડૂબી ગયા હતા કે તેમણે વિચાર કર્યો નહિ કે બીજા કયા કારણે તેમના પર દુઃખો આવ્યા હોય શકે. આપણા પર દુઃખ-તકલીફો આવે ત્યારે આપણા દિલમાં કડવાશ ભરી રાખવી ન જોઈએ. ખાસ કરીને આપણે તો જાણીએ છીએ કે એ દુઃખ-તકલીફો પાછળ તો શેતાનનો હાથ છે.

૧૪:૭, ૧૩-૧૫; ૧૯:૨૫; ૩૩:૨૪. શેતાન આપણા પર અનેક કસોટી લાવે છે. આપણને એ પણ ભરોસો છે કે યહોવાહને વફાદાર રહેવા મરણ પામીએ, તોપણ તે આપણને ચોક્કસ સજીવન કરશે.

૧૬:૫; ૧૯:૨. આપણી વાણીથી કોઈને તોડી પાડવા ન જોઈએ. દરેકને ઉત્તેજન આપવું જોઈએ.—નીતિવચનો ૧૮:૨૧.

૨૨:૫-૭. જ્યારે પૂરતા પુરાવા વગર કોઈ પર દોષ મૂકવામાં આવે. ઠપકો આપવામાં આવે. તો એનો કશો જ લાભ થતો નથી પણ નુકસાન થાય છે.

૨૭:૨; ૩૦:૨૦, ૨૧. એવું નથી કે અમુક જ વ્યક્તિ યહોવાહને વફાદાર રહી શકે છે. આપણે બધા જ રહી શકીએ છીએ. અયૂબે ખોટી રીતે ઈશ્વરને દોષ આપ્યો હતો.

૨૭:૫. અયૂબ યહોવાહને વફાદાર રહેશે કે નહિ, એ ફક્ત તેમના જ હાથમાં હતું. વ્યક્તિને ઈશ્વર માટે જેવો પ્રેમ હોય, એવું તે કરશે. આપણે યહોવાહની ભક્તિ માટે અતૂટ પ્રેમ કેળવવો જોઈએ.

૨૮:૧-૨૮. મનુષ્ય જાણે છે કે સોનું, રૂપું અને હીરા જેવી કિંમતી વસ્તુઓ જમીનમાં છે. એની શોધમાં તે ક્યાં ક્યાં પહોંચી જાય છે. તેની હોશિયારી તેને એવી ગુપ્ત જગ્યાએ લઈ જાય છે જ્યાં બાજ પક્ષીની જોરદાર નજર પણ જઈ શકતી નથી. પણ ઈશ્વરનું જ્ઞાન તો એથી પણ ઊંડું છે. એ ફક્ત એવા લોકોને જ મળે છે જેઓ ઈશ્વરના માર્ગમાં ચાલે છે.

૨૯:૧૨-૧૫. આપણા લાચાર ભાઈ-બહેનો પર આપણો પ્રેમ ઊભરાઈ જવો જોઈએ.

૩૧:૧, ૯-૨૮. અયૂબે પારકી સ્ત્રી પર ખોટી નજર ન કરી કે વ્યભિચાર ન કર્યો. કોઈની સાથે ક્રૂર વર્તાવ ન કર્યો. માલ-મિલકતની માયામાં ન પડ્યા. જૂઠા દેવોની ભક્તિ ન કરી. તેમણે આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે.

હું ધૂળ તથા રાખમાં બેસીને પસ્તાવો કરું છું

(અયૂબ ૩૨:૧–૪૨:૧૭)

અયૂબ અને તેમના ત્રણ મિત્રોની જીભાજોડી અલીહૂ નામનો એક યુવાન દૂર બેસીને શાંતિથી સાંભળી રહ્યો હતો. પછી તેણે હિંમતથી અયૂબ અને તેમના દુશ્મન જેવા ત્રણ મિત્રોને શિખામણ આપી.

અલીહૂએ બોલવાનું પૂરું કર્યું એવામાં યહોવાહે વંટોળિયામાંથી જવાબ આપ્યો. અયૂબ પર કેમ દુઃખ આવી પડ્યું એના વિષે તેમણે સમજાવ્યું નહિ. એના બદલે યહોવાહે તેમને અનેક સવાલ પૂછ્યા. એનાથી અયૂબ જાણી શક્યા કે ઈશ્વરમાં અપાર શક્તિ અને બુદ્ધિ છે. અયૂબે કબૂલ્યું કે પોતે સમજણ વગર બોલ્યો છે. તેમણે કહ્યું: ‘હું ધૂળ તથા રાખમાં બેસીને પસ્તાવો કરું છું.’ (અયૂબ ૪૨:૬) અયૂબની કસોટી પૂરી થઈ ત્યારે, યહોવાહે તેમને આશીર્વાદો આપ્યા. અયૂબ યહોવાહને વળગી રહ્યા હતા.

સવાલ-જવાબ:

૩૨:૧-૩—અલીહૂ ક્યારનો આવીને એ બધુ સાંભળતો હતો? અલીહૂએ તેઓની બધી જ વાતો સાંભળી હતી. કદાચ સાત દિવસ પછી અયૂબે મૌન તોડ્યું એ પહેલાં જ, તે આવીને તેઓથી થોડે દૂર બેઠો હતો.—અયૂબ ૩:૧, ૨.

૩૪:૭—અયૂબ ક્યારે ‘તિરસ્કારને પાણીની’ જેમ પી ગયા? તે દુઃખ સહન કરી રહ્યા હતા ત્યારે તેમના ત્રણ મિત્રો તેમની મશ્કરી કરતા હતા. ખરી રીતે તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલી રહ્યા હતા. (અયૂબ ૪૨:૭) કોઈ પાણી પીવે તેમ અયૂબ તેઓના કડવાં વેણ પી ગયા.

આપણે શું શીખી શકીએ?

૩૨:૮, ૯. એવું નથી કે આપણે મોટી ઉંમરના થઈએ એટલે આપણામાં પોતાની મેળે બુદ્ધિ આવી જાય. પણ બાઇબલમાં જે લખ્યું છે એ સમજવાથી અને ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલવાથી આવે છે.

૩૪:૩૬. આપણી શ્રદ્ધાની બધી જ રીતે કસોટી થાય, ત્યારે એમાં પાર ઊતર્યાંથી પુરાવો મળી શકે કે આપણે ઈશ્વરને વફાદાર રહ્યા છીએ.

૩૫:૨. અલીહૂએ ખૂબ જ ધ્યાનથી અયૂબના મિત્રોની વાત સાંભળી. તેઓની ભૂલ પારખીને પછી જ બોલ્યો. (અયૂબ ૧૦:૭; ૧૬:૭; ૩૪:૫) વડીલોએ પણ સલાહ આપતા પહેલાં, સામેવાળી વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળીને, બધી જ હકીકત જાણવી અને સમજવી જોઈએ.—નીતિવચનો ૧૮:૧૩.

૩૭:૧૪; ૩૮:૧–૩૯:૩૦. યહોવાહે પોતાની શક્તિથી ઉત્પન્‍ન કરેલી સૃષ્ટિ, વિશ્વ, તેમનાં અજોડ કામો અને તેમની બુદ્ધિ પર મનન કરવાથી, આપણને નમ્ર બનવા મદદ મળે છે. એમ કરીશું તો આપણે મન ફાવે એમ નહિ કરીએ. આપણે પોતાના જીવનથી બતાવી શકીશું કે યહોવાહ જ વિશ્વના રાજા છે.—માત્થી ૬:૯, ૧૦.

૪૦:૧-૪. આપણા મનમાં જ્યારે પણ ઈશ્વરની વિરુદ્ધ ફરિયાદ કરવાનું મન થાય ત્યારે ‘પોતાના મોં પર હાથ મૂક્વો જોઈએ.’

૪૦:૧૫–૪૧:૩૪. હિપોપૉટેમસ (ગેંડો) અને મગરની શક્તિ કહેવી પડે! યહોવાહ તેઓના સરજનહાર હોવાથી તેઓને શક્તિ આપી છે. આપણે પણ યહોવાહની સેવામાં તેમની શક્તિથી જ ટકી રહીએ છીએ.—ફિલિપી ૪:૧૩.

૪૨:૧-૬. અયૂબે યહોવાહનો સાદ સાંભળ્યો. તેમણે બનાવેલાં પ્રાણીઓમાં કેટલી શક્તિ છે એ જાણ્યું. એનાથી, અયૂબ જાણે ઈશ્વરને જોતા હોય એમ સત્ય સમજવા તેમને મદદ મળી. (અયૂબ ૧૯:૨૬) શાસ્ત્ર દ્વારા આપણને કોઈ પણ બાબતમાં સુધારો કરવાનું કહેવામાં આવે ત્યારે રાજીખુશીથી પોતાની ભૂલ સ્વીકારીને એમ કરવું જોઈએ.

‘અયૂબના જેવી સહનતા’ કેળવીએ

અયૂબનું પુસ્તક સ્પષ્ટ રીતે બતાવે છે કે આપણા દુઃખ પાછળ ઈશ્વરનો હાથ નથી. પણ શેતાનનો છે. યહોવાહ દુઃખ-તકલીફો ચાલવા દે છે એનાથી આપણને તેમના પ્રત્યે વફાદારી બતાવવાનો મોકો મળે છે. કઈ રીતે? યહોવાહને વફાદાર રહેવાથી, આપણે બતાવી શકીશું કે યહોવાહ પોતે જ આપણા અને વિશ્વના રાજા છે.

અયૂબની જેમ યહોવાહના ભક્તોની કસોટી તો થશે જ. અયૂબના અનુભવમાંથી આપણને પણ દુઃખ-તકલીફો સહન કરવાની હિંમત મળે છે. એ બતાવે છે કે આપણને કાયમ દુઃખ સહેવું નહિ પડે. યાકૂબ ૫:૧૧  કહે છે કે ‘તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને યહોવાથી જે પરિણામ આવ્યું તે તમે જોયું છે.’ યહોવાહની ભક્તિમાં અયૂબ બેવફા બન્યા નહિ. એટલે યહોવાહે તેમને મોટા આશીર્વાદો આપ્યા. (અયૂબ ૪૨:૧૦-૧૭) આપણે પણ યહોવાહને વફાદાર રહીશું તો તે સુંદર નવી દુનિયામાં આપણને અમર જીવન આપશે! ચાલો આપણે પણ યહોવાહની ભક્તિમાં અયૂબની જેમ વફાદાર રહેવા બનતું બધું જ કરીએ.—હેબ્રી ૧૧:૬. (w06 3/15)

[ફુટનોટ]

^ અયૂબનું પુસ્તક ૧૪૦થી વધારે વર્ષનો અહેવાલ આપે છે. ઈસવીસન પૂર્વે ૧૬૫૭થી ૧૪૭૩ સુધીનો.

[પાન ૬ પર ચિત્ર]

અયૂબે જે રીતે દુઃખ સહન કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ?