સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરમાં શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી હિંમત મળે છે

ઈશ્વરમાં શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી હિંમત મળે છે

ઈશ્વરમાં શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી હિંમત મળે છે

‘બળવાન તથા હિમ્મતવાન થા; તારો ઈશ્વર યહોવાહ તારી સાથે છે.’—યહોશુઆ ૧:૯.

૧, ૨. (ક) માણસની નજરે કનાન સામે ઈસ્રાએલીઓને જીતવાની શક્યતા કેટલી હતી? (ખ) યહોવાહે યહોશુઆને કયું વચન આપ્યું હતું?

 ઈસવીસન પૂર્વે ૧૪૭૩માં ઈસ્રાએલીઓ વચનના દેશમાં પ્રવેશવાની તૈયારીમાં હતા. એ સાથે તેઓની આગળ એક મોટી નડતર પણ હતી. એના વિષે મુસાએ તેઓને યાદ કરાવતાં કહ્યું: ‘હે ઈસ્રાએલ, સાંભળ: તારા કરતાં મોટી ને બળવાન દેશજાતિઓનું તથા મોટાં તથા આસમાનમાં પહોંચેલા કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા સારુ તું આજે યર્દન પાર ઊતરવાનો છે; તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાકીઓનાં ફરજંદ છે કે, જેઓને તું સારી પેઠે ઓળખે છે, ને તેઓ વિષે તેં સાંભળ્યું છે કે “અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?”’ (પુનર્નિયમ ૯:૧, ૨) બધા જાણતા હતા કે તેઓના સૈનિકો રાક્ષસ જેવા છે! એટલું જ નહિ, પણ કનાનીઓ પાસે લડાઈમાં વાપરવા પૂરતા ઘોડા, લોઢાના રથોના પૈડામાં ખતરનાક છરા પણ હતા.—ન્યાયાધીશો ૪:૧૩.

ઈસ્રાએલ પાસે એવું કાંઈ જ ન હતું. કેમ કે તેઓએ ઇજિપ્તની ગુલામીમાંથી છૂટ્યા પછી ચાળીસ વર્ષ રણમાં પસાર કર્યાં હતાં. માણસની નજરે તેઓ કનાન પર જીત મેળવી શકે એમ ન હતા. તોપણ મુસાને પૂરો ભરોસો હતો. તે પોતાની મનની આંખોથી ‘જોઈ’ શકતા હતા કે યહોવાહ તેઓને દોરે છે. (હેબ્રી ૧૧:૨૭) મુસાએ ઈસ્રાએલીઓને કહ્યું: “તારી આગળ પેલે પાર જનાર તે યહોવાહ તારો દેવ છે; તે તેઓનો નાશ કરશે, ને તે તેઓને તારી આગળ નીચા પાડશે.” (પુનર્નિયમ ૯:૩; ગીતશાસ્ત્ર ૩૩:૧૬, ૧૭) મુસાના મરણ પછી, યહોવાહે યહોશુઆને વચન આપતાં કહ્યું: “તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઈસ્રાએલપુત્રોને, આપું છું તેમાં આ યર્દન ઊતરીને જાઓ. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જેમ મુસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ.”—યહોશુઆ ૧:૨,.

૩. શાના લીધે યહોશુઆની શ્રદ્ધા ને હિંમત વધતા રહ્યા?

યહોશુઆને યહોવાહનો સાથ ને માર્ગદર્શન મળતા રહે એ માટે શું કરવાની જરૂર હતી? એ જ કે યહોવાહના નિયમો વાંચવા. પોતાને એ કેવી રીતે લાગુ પડે છે એનો વિચાર કરવો. પછી એ પ્રમાણે જીવવું. એમ કરવાથી યહોશુઆને કેવી મદદ મળત? યહોવાહે તેને કહ્યું: “તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે [સફળ થશે]. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્મતવાન થા; ભયભીત ન થા, ને ગભરાતો મા; કારણ કે જ્યાં કહીં તું જાય છે, ત્યાં તારો દેવ યહોવાહ તારી સાથે છે.” (યહોશુઆ ૧:૮, ૯) યહોવાહનું કહ્યું માનવાથી યહોશુઆ હિંમતવાન, બળવાન ને સફળ થયા. પણ તેમની ઉંમરના મોટા ભાગના ઈસ્રાએલીઓ સફળ ન થયા. તેઓએ યહોવાહનું સાંભળ્યું ન હોવાથી રણમાં મરણ પામ્યા.

શ્રદ્ધા ન હોવાથી હિંમત હારી ગયા

૪, ૫. (ક) યહોશુઆ અને કાલેબનું વલણ દસ જાસૂસોથી કઈ રીતે અલગ હતું? (ખ) ઈસ્રાએલી લોકોને વિશ્વાસ ન હોવાથી યહોવાહે તેઓને શું કહ્યું?

ઈસ્રાએલીઓ કનાન દેશમાં પહોંચ્યા એના ચાળીસ વર્ષ પહેલાં, મુસાએ બાર જાસૂસોને એ દેશમાં જાસૂસી કરવા મોકલ્યા હતા. તેઓ પાછા આવ્યા ત્યારે દસ જાસૂસો ગભરાયેલા ગભરાયેલા હતા. તેઓએ કહ્યું: “જે સર્વ લોકને અમે તેમાં જોયા, તેઓ કદાવર માણસો છે. અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને, એટલે અનાકના પુત્રોને, અમે જોયા, અને અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા.” શું ત્યાંના ‘સર્વ લોકો’ અને અનાકના પુત્રો બધા રાક્ષસો હતા? જરાય નહિ. તો શું, જળપ્રલય આવ્યો એ પહેલાં જે રાક્ષસો હતા તેઓમાંથી અનાકના પુત્રો જન્મ્યા હતા? બિલકુલ નહિ! કેમ કે તેઓ સર્વ જળપ્રલયમાં નાશ પામ્યા હતા. ઈસ્રાએલીઓમાં ખોટી અફવા ફેલાઈ હોવાથી તેઓ બધા ગભરાતા હતા. અરે, એ હદ સુધી કે તેઓ ઇજિપ્તમાં પાછા જવા તૈયાર હતા, જ્યાં તેઓ પહેલાં ગુલામ હતા!—ગણના ૧૩:૩૧–૧૪:૪.

તોપણ બે જાસૂસ, એટલે યહોશુઆ ને કાલેબ વચનના દેશમાં જવા ઉત્સુક હતા. તેઓએ કનાનીઓ વિષે કહ્યું કે “આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ [યહોવાહ] આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.” (ગણના ૧૪:૯, કોમન લેંગ્વેજ) શું યહોશુઆ ને કાલેબ વધુ પડતી બડાઈ મારતા હતા? જરાય નહિ. તેઓએ પણ ઈસ્રાએલીઓની સાથે પોતાની નરી આંખે જોયું હતું કે યહોવાહે ઇજિપ્ત અને તેના દેવ-દેવીઓ પર દસ આફતો લાવીને તેઓને નમાવ્યા હતા. તેઓએ એ પણ જોયું હતું કે યહોવાહે ફારૂન અને તેની ફોજનો લાલ સમુદ્રમાં નાશ કર્યો હતો. (ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫) આ બનાવો બતાવે છે કે દસ જાસૂસો અને આખી ઈસ્રાએલ પ્રજાને ભયભીત થવાનું કોઈ કારણ ન હતું. યહોવાહે કહ્યું હતું: “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્‍નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?” તેઓના વર્તાવથી યહોવાહને ખૂબ જ દુઃખ થયું હતું.—ગણના ૧૪:૧૧.

૬. કઈ રીતે શ્રદ્ધા ને હિંમત વચ્ચે અતૂટ નાતો છે? એ આજે કઈ રીતે દેખાઈ આવે છે?

ઈસ્રાએલી લોકોના વર્તન પરથી યહોવાહ જોઈ શકતા હતા કે તેઓને તેમનામાં જરાય વિશ્વાસ રહ્યો નથી. કેમ કે તેઓ બીકણ હતા. એ બતાવે છે કે શ્રદ્ધા ને હિંમત વચ્ચે એક અતૂટ નાતો છે. એના વિષે પ્રેરિત યોહાને પહેલી સદીમાં ખ્રિસ્તી મંડળોને લખ્યું કે શેતાન આપણા પર મુશ્કેલીઓ અને સતાવણી લાવે છે. આપણી આગળ લાલચો મૂકે છે. એમાં આપણે ટકી રહેવું જોઈએ: “જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.” (૧ યોહાન ૫:૪) આજે આખી દુનિયામાં ભાઈ-બહેનોમાં યહોશુઆ ને કાલેબ જેવી શ્રદ્ધા હોવાથી તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એ કારણથી આજે સાઠ લાખથી વધારે યહોવાહના સાક્ષીઓ છે. જેમાં નાના-મોટા, તંદુરસ્ત, અશક્ત બધા જ છે. એવો કોઈ દુશ્મન નથી જે તેઓનું નામનિશાન મિટાવી શકે.—રૂમી ૮:૩૧.

‘પાછા હઠવું’ નહિ

૭. ‘પાછા હઠવાનો’ શું અર્થ થાય?

આજે પૂરા જોરશોરથી યહોવાહના ભક્તો પ્રચાર કરી રહ્યા છે. કેમ કે તેઓ પણ પ્રેરિત પાઊલ જેવું જ માને છે: “આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.” (હેબ્રી ૧૦:૩૯) પાઊલ અહીં ‘પાછા હઠવા’ વિષે શું કહેતા હતા? કોઈ વાર અમુક કારણને લીધે આપણે ડરી જઈએ છીએ. એની તે વાત કરતા ન હતા. યહોવાહના ઘણા એવા ભક્તો છે જે ડરને કારણે અમુક સમયે ધીમા પડી ગયા હતા. (૧ શમૂએલ ૨૧:૧૨; ૧ રાજાઓ ૧૯:૧-૪) પણ પાઊલ કહેતા હતા કે યહોવાહમાં આપણી શ્રદ્ધા ડગવી ન જોઈએ. એમાં પાછા પડવું ન જોઈએ. એના વિષે બાઇબલનો એક શબ્દકોશ કહે છે: ‘ઈશ્વરને ભજવામાં ઠંડા પડવું, છોડી દેવું, તેમના માર્ગમાં ચાલવાનું પડતું મૂકવું.’ એ આગળ જણાવે છે: ‘પાછા હઠવું’ એટલે ‘જાણે વહાણનો સઢ નીચે ઉતારવાથી એ ધીમું પડી જાય છે તેમ, ઈશ્વરની ભક્તિમાં ધીમા પડી જવું.’ જેઓની શ્રદ્ધા અડગ છે તેઓના જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ, સતાવણીઓ, બીમારી કે બીજા કોઈ નડતરો આવે, તોપણ તેઓ ‘ઈશ્વરની ભક્તિમાં ધીમા પડતા નથી. તેઓ જાણે છે કે યહોવાહ તેઓની ખૂબ જ કાળજી રાખે છે. તે તેઓની મર્યાદા પણ જાણે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧૦૩:૧૪) શું તમારી પણ એવી શ્રદ્ધા છે?

૮, ૯. (ક) યહોવાહે કઈ રીતે ઈસુના શિષ્યોની શ્રદ્ધા મજબૂત કરી હતી? (ખ) પોતાની શ્રદ્ધા વધારવા આપણે શું કરવું જોઈએ?

એક વખતે ઈસુના શિષ્યોને લાગ્યું કે તેઓનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેથી તેઓએ ઈસુને કહ્યું: “અમારો વિશ્વાસ વધાર.” (લુક ૧૭:૫) ૩૩મી સાલમાં ઈસુ સજીવન થયા એ પછીના પચાસમે (પેન્તેકોસ્ત) દિવસે તેઓની માંગ પૂરી થઈ. ઈસુના વરદાન પ્રમાણે પેન્તેકોસ્તના દિવસે તેઓ પર યહોવાહની શક્તિ રેડવામાં આવી. એનાથી બાઇબલમાં લખેલો યહોવાહનો સંદેશો અને તેમના હેતુ વિષે તેઓને વધારે સમજણ મળી. (યોહાન ૧૪:૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪) એનાથી તેઓની શ્રદ્ધા વધી. તેઓ મોટા પાયે પ્રચાર કરવા લાગ્યા. લોકોનો વિરોધ હોવા છતાં તેઓએ ‘સર્વ મનુષ્યોને’ શુભસંદેશો જણાવ્યો હતો.—કોલોસી ૧:૨૩; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૨૮:૨૨.

આપણી શ્રદ્ધા મજબૂત બનાવવા શું કરવું જોઈએ? પ્રચારમાં મંડ્યા રહેવું જોઈએ. જાતે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. જે વાંચ્યું હોય એ સમજવા અને જીવનમાં લાગુ પાડવા પ્રાર્થનામાં યહોવાહની મદદ માગવી જોઈએ. યહોવાહનું સત્ય આપણા મન અને દિલમાં ઊતરશે તો જ યહોશુઆ, કાલેબ અને પહેલી સદીના ઈસુના શિષ્યોની જેમ શ્રદ્ધા કેળવી શકીશું. એમ કરવાથી શેતાનની લાલચો, મુશ્કેલીઓ અને સતાવણીઓ સામે આપણે ટકી શકીશું.—રૂમી ૧૦:૧૭.

ઈશ્વરમાં માનવું જ પૂરતું નથી

૧૦. ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા કેળવવા આપણે શું કરવું જોઈએ?

૧૦ બાઇબલના જમાનામાં યહોવાહના ઘણા ભક્તો મરણ સુધી તેમને વફાદાર રહ્યા. કેમ કે તેઓ ઈશ્વરમાં ખાલી માનતા જ ન હતા. પણ ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હતી. એટલે તેઓને દુઃખ-તકલીફો સહેવા હિંમત મળી. (યાકૂબ ૨:૧૯) એવી અતૂટ શ્રદ્ધા કેળવવા આપણે યહોવાહને સારી રીતે ઓળખવા જોઈએ. તેમના પર પૂરો ભરોસો હોવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૭૮:૫-૮; નીતિવચનો ૩:૫, ૬) એટલે કે આપણને યહોવાહમાં, તેમના નિયમો અને સિદ્ધાંતોમાં પૂરો ભરોસો હોવો જોઈએ. એમાં આપણું જ ભલું છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) ‘જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ કે બદલો જરૂર આપશે.’ યહોવાહ પોતાના દરેક વચનોને પૂરાં કરશે એવો આપણને પૂરો ભરોસો હોવો જોઈએ.—હેબ્રી ૧૧:૧, ૬; યશાયાહ ૫૫:૧૧.

૧૧. યહોશુઆ અને કાલેબે પૂરી શ્રદ્ધા અને હિંમતથી યહોવાહનું માન્યું હોવાથી તેઓને કેવો આશીર્વાદ મળ્યો?

૧૧ આપણને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હશે તો, એ રોજ રોજ વધતી જશે. તેમના માર્ગમાં ચાલીશું તેમ આપણે તેમના આશીર્વાદો ‘અનુભવીશું.’ આપણે એ પણ ‘જોઈ શકીશું’ કે તે આપણી પ્રાર્થનાનો અનેક રીતે જવાબ આપે છે. આપણા જીવનમાં તેમનું માર્ગદર્શન જોઈ શકીશું. (ગીતશાસ્ત્ર ૩૪:૮; ૧ યોહાન ૫:૧૪, ૧૫) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોશુઆ અને કાલેબે યહોવાહની ભલાઈ અનુભવી તેમ, તેઓની શ્રદ્ધા વધી હતી. (યહોશુઆ ૨૩:૧૪) જરા વિચાર કરો: યહોવાહે વચન આપ્યું હતું તેમ, યહોશુઆ અને કાલેબ ચાળીસ વર્ષ રણની રઝળપાટ પછી પણ બચી ગયા. (ગણના ૧૪:૨૭-૩૦; ૩૨:૧૧, ૧૨) વચનનો દેશ કનાન કબજે કરવા તેઓએ છ વર્ષ સખત લડાઈ કરી. પછી તેઓને યહોવાહે વારસો આપ્યો. ત્યાં તેઓ સુખેથી ઘણાં વર્ષો જીવ્યા. ખરેખર, જેઓ યહોવાહને પૂરી શ્રદ્ધા ને હિંમતથી ભજે છે તેઓને તે ઘણા આશીર્વાદો આપે છે.—યહોશુઆ ૧૪:૬, ૯-૧૪; ૧૯:૪૯, ૫૦; ૨૪:૨૯.

૧૨. યહોવાહ કેવી રીતે ‘પોતાનાં વચનને ઉચ્ચ સ્થાને મૂકે છે?’

૧૨ યહોવાહે યહોશુઆ અને કાલેબને જે કૃપા બતાવી એનાથી ગીતશાસ્ત્ર ૧૩૮:૨ના શબ્દો યાદ આવે છે: યહોવાહે ‘તેમના નામને અને તેમના વચનને સર્વ કરતાં ઉચ્ચ સ્થાને મૂક્યાં છે.’ (IBSI) યહોવાહ જ્યારે પણ પોતાને નામે કોઈ વચન કે ગૅરન્ટી આપે છે ત્યારે એને પૂરું કરીને જ રહે છે. તે આપણે ધાર્યું પણ ન હોય એના કરતાં વધારે કરે છે. એનાથી તેમનું નામ પણ મહાન થાય છે. (એફેસી ૩:૨૦) જેઓ ‘યહોવાહની ભક્તિમાં આનંદ’ માણે છે તેઓને તે કદી નિરાશ કરશે નહિ!—ગીતશાસ્ત્ર ૩૭:૩, ૪.

‘ઈશ્વરને પ્રસન્‍ન’ કરતો ભક્ત

૧૩, ૧૪. શા માટે હનોખને શ્રદ્ધા અને હિંમતની જરૂર હતી?

૧૩ આપણે હનોખ પાસેથી ઘણું શીખી શકીએ. તેમને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી. તેમણે હિંમતથી બીજાઓને યહોવાહનો સંદેશો જણાવ્યો. તેમને ખબર હતી કે એમ કરવાથી પોતાની સતાવણી થશે. કેમ કે યહોવાહે એદન વાડીમાં જણાવ્યું હતું કે તેમના સેવકો અને શેતાનના સેવકો વચ્ચે વેર કે દુશ્મની રહેશે. (ઉત્પત્તિ ૩:૧૫) હનોખ જાણતા હતા કે આદમના મોટા દીકરા, કાઈને હાબેલને મારી નાખ્યો ત્યારથી એ દુશ્મની ભડકી ઊઠી છે. હનોખના જન્મ પછી આદમ ૩૧૦ વર્ષે મરણ પામ્યો હતો. એટલે હનોખે આદમ પાસેથી ઘણું જાણ્યું હશે.—ઉત્પત્તિ ૫:૩-૧૮.

૧૪ આવી હાલતમાં પણ હનોખ હિંમતથી ‘ઈશ્વર સાથે ચાલ્યા.’ અધર્મી લોકોએ યહોવાહ ‘વિરુદ્ધ’ ખરાબ વાતો ફેલાવી હતી તેથી હનોખે તેઓને ગુનેગાર ઠરાવ્યા. (ઉત્પત્તિ ૫:૨૨; યહુદા ૧૪, ૧૫) યહોવાહની ભક્તિમાં હનોખને કોઈનો ડર ન હતો. એટલે તેમના ઘણા દુશ્મનો ઊભા થયા. છતાં યહોવાહે દુશ્મનોને હાથે હનોખને મરવા દીધા નહિ. પોતે હનોખ ‘પર પ્રસન્‍ન છે’ એમ જણાવ્યા પછી યહોવાહે તેમને ભર ઊંઘમાં નાખીને દર્શન આપ્યું. આમ, તેમને દર્શનમાં જ કોઈ પીડા વગર મરણની ઊંઘમાં સુવાડી દીધા.—હેબ્રી ૧૧:૫, ૧૩; ઉત્પત્તિ ૫:૨૪.

૧૫. હનોખે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?

૧૫ હનોખના મરણ વિષે જણાવ્યા પછી તરત પાઊલે ભાર દઈને ફરીથી જણાવ્યું કે ‘વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શકાતા નથી.’ (હેબ્રી ૧૧:૬) હનોખને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી. તેથી તે હિંમતથી તેમના માર્ગમાં ચાલ્યા. અધર્મી લોકોને યહોવાહનો ન્યાયચુકાદો જણાવ્યો. હનોખે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો. આજે મોટા ભાગનું જગત કાળા કામોમાં મશગૂલ છે. તેઓ યહોવાહની ભક્તિ રોકવા બધું જ કરે છે. એવા લોકોને પ્રચાર કરવાનું કામ યહોવાહે આપણને સોંપ્યું છે.—ગીતશાસ્ત્ર ૯૨:૭; માત્થી ૨૪:૧૪; પ્રકટીકરણ ૧૨:૧૭.

ઈશ્વરનો ડર રાખવાથી હિંમત મળે છે

૧૬, ૧૭. ઓબાદ્યાહ કોણ હતા? કેવા સંજોગમાં તે યહોવાહને ભજતા હતા?

૧૬ યહોવાહમાં શ્રદ્ધા હોવી જ પૂરતી નથી. તેમનો ડર રાખીને ચાલવું જોઈએ. તો જ આપણને તેમની ભક્તિમાં હિંમત મળશે. એક ઈશ્વરભક્તનો દાખલો લઈએ. તે આહાબ રાજા અને પ્રબોધક એલીયાહના જમાનામાં થઈ ગયા. આહાબ ઉત્તર ઈસ્રાએલનાં દસ કુળોના રાજ્યનો રાજા હતો. તેના રાજમાં માણસે બનાવેલા બઆલ દેવની ભક્તિ બહુ જ ફૂલીફાલી હતી. ખરું કહીએ તો, એ દેશમાં બઆલના ૪૫૦ પ્રબોધકો અને અશેરાહ દેવીના ૪૦૦ પ્રબોધકો આહાબ રાજાની પત્ની ‘ઈઝેબેલની મેજ પર જમતા’ હતા.—૧ રાજાઓ ૧૬:૩૦-૩૩; ૧૮:૧૯.

૧૭ ઈઝેબેલ રાણી યહોવાહની કટ્ટર દુશ્મન હતી. ઉત્તર ઈસ્રાએલનાં દસ કુળોના રાજ્યમાંથી તે ઈશ્વરભક્તોનું નામનિશાન મિટાવવા ચાહતી હતી. તેણે યહોવાહના ઘણા પ્રબોધકોને મારી નંખાવ્યા હતા. એલીયાહને પણ મારી નાખવાનો પ્રયત્ન કરતી હતી. તેથી યહોવાહે એલીયાહને યર્દન નાસી જવાનું કહ્યું. (૧ રાજાઓ ૧૭:૧-૩; ૧૮:૧૩) જરા વિચાર કરો, ઉત્તર ઈસ્રાએલનાં દસ કુળોના એ રાજ્યમાં સાચી ભક્તિને વળગી રહેવું કેટલું મુશ્કેલ હશે! એમાંય તમે રાજાના મહેલમાં કામ કરતા હો તો, યહોવાહને ભજવા કેવી કેવી તકલીફો પડી હોત, એનો વિચાર કરો! એ સમયે ઈશ્વરભક્ત ઓબાદ્યાહના * સંજોગો પણ એવા જ હતા. તે આહાબ રાજાના કુટુંબના કારભારી હતા.—૧ રાજાઓ ૧૮:૩.

૧૮. ઓબાદ્યાહ કેવી રીતે યહોવાહના અજોડ ભક્ત હતા?

૧૮ ઓબાદ્યાહ આવા સંજોગમાં સમજી વિચારીને યહોવાહની ભક્તિ કરતા હતા. તે યહોવાહના નિયમો ને સિદ્ધાંતો પ્રમાણે જીવ્યા. એમાં કદી તડજોડ કરી નહિ. ૧ રાજાઓ ૧૮:૩ કહે છે: “ઓબાદ્યાહ તો યહોવાહથી ઘણો બીતો હતો.” ઓબાદ્યાહને યહોવાહનો અલગ પ્રકારનો ડર હતો! ઓબાદ્યાહને મન યહોવાહની ભક્તિ સૌથી મહત્ત્વની હતી. ઈઝેબેલ રાણીએ યહોવાહના અમુક પ્રબોધકોને મારી નાખ્યા ત્યારે ઓબાદ્યાહે અજોડ હિંમત બતાવી. કેમ કે તે યહોવાહનો ડર રાખીને જીવતા હતા.

૧૯. ઓબાદ્યાહે યહોવાહની ભક્તિ માટે હિંમતથી શું કર્યું?

૧૯ પહેલો રાજાઓ ૧૮:૪ કહે છે: “ઇઝેબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે એમ થયું કે ઓબાદ્યાહે સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યા, ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું.” આ કલમ પરથી આપણે જોઈ શકીએ કે સો પ્રબોધકોને છૂપી રીતે ખાવા-પીવાનું પૂરું પાડવું એ કંઈ રમત વાત ન હતી. ઓબાદ્યાહને એટલું જ ધ્યાન રાખવાનું ન હતું કે પોતે આહાબ રાજા અને ઈઝેબેલની નજરમાં ન આવે. બઆલ દેવ અને અશેરાહ દેવીને ભજતા ૮૫૦ જૂઠા પ્રબોધકોની નજરમાં ન આવે એનું પણ તેમણે ધ્યાન રાખવાનું હતું. એ સહેલું ન હતું! કેમ કે તેઓ દરરોજ રાજાના મહેલમાં આવ-જા કરતા હતા. એ ઉપરાંત રાજાનું કુટુંબ અને મોટા ભાગની તેમની પ્રજા માણસે બનાવેલા દેવ-દેવીને ભજતા હતા. તેઓએ ઓબાદ્યાહને ખુલ્લા પાડવા કોઈને કોઈ મોકો જરૂર શોધ્યો હશે, જેથી તેઓને રાજા-રાણી પાસેથી શાબાશી ને માન મળે. એવા સંજોગમાં પણ ઓબાદ્યાહે હિંમતથી યહોવાહના પ્રબોધકોની જરૂરિયાતો પૂરી પાડી. આપણે પણ યહોવાહનો ડર રાખીને ચાલીશું તો, તેમના માર્ગમાં ચાલવા ખૂબ જ હિંમત મળશે!

૨૦. ઓબાદ્યાહ યહોવાહનો ભય રાખતા હોવાથી તેમને શું મદદ મળી? તેમના દાખલામાંથી તમે શું શીખ્યા?

૨૦ ઓબાદ્યાહ યહોવાહનો ડર રાખીને તેમના માર્ગમાં હિંમતથી ચાલ્યા. એટલે યહોવાહે પણ તેમને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા. નીતિવચનો ૨૯:૨૫ કહે છે: “માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.” ઓબાદ્યાહ પણ આપણી જેમ સામાન્ય માણસ જ હતા. માની લો કે તમને કોઈ મારી નાખવા શોધતું હોય તો તમને કેવો ડર લાગે? તેમને પણ એવો જ ડર હતો. (૧ રાજાઓ ૧૮:૭-૯, ૧૨) તોપણ તેમને ઇન્સાનના ડર કરતાં યહોવાહનો ભય વધારે હતો. તેથી તેમને વફાદાર રહેવા હિંમત મળી. ઓબાદ્યાહે આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. ખાસ કરીને યહોવાહની ભક્તિને કારણે જેઓને જેલની સજા થાય છે, અથવા જેઓનું જીવન જોખમમાં મૂકાય છે, તેઓને આ દાખલામાંથી ખૂબ ઉત્તેજન મળે છે. (માત્થી ૨૪:૯) ચાલો આપણે પણ તેમની જેમ યહોવાહની ‘સેવા આદરભાવથી તથા ભયથી કરીએ.’—હેબ્રી ૧૨:૨૮.

૨૧. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૧ યહોવાહમાં શ્રદ્ધા અને તેમનો ડર રાખવાથી જ આપણને હિંમત મળતી નથી. પણ એ મેળવવા આપણને તેમની ભક્તિ માટે ઊંડો પ્રેમ હોવો જોઈએ. પાઊલે લખ્યું: “ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.” (૨ તીમોથી ૧:૭, કોમન લેંગ્વેજ) હવે પછીના લેખમાં આપણે જોઈશું કે સંકટના આ છેલ્લા દિવસોમાં પ્રેમ આપણને કેવી રીતે પૂરી હિંમતથી યહોવાહની ભક્તિ કરવા મદદ કરે છે.—૨ તીમોથી ૩:૧. (w 06 10/1)

[ફુટનોટ]

^ આ ઓબાદ્યાહ પ્રબોધક ન હતા.

તમે શું કહેશો?

• યહોશુઆ અને કાલેબને શામાંથી હિંમત મળી?

• અતૂટ શ્રદ્ધામાં શાનો સમાવેશ થાય છે?

• હનોખ કેમ કોઈનો ડર રાખ્યા વગર યહોવાહનો ન્યાયચુકાદો જાહેર કરી શક્યા?

• ઈશ્વરનો ડર આપણને કઈ રીતે હિંમત આપે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહે યહોશુઆને આજ્ઞા કરી, “બળવાન તથા હિમ્મતવાન થા”

[પાન ૨૦ પર ચિત્ર]

ઓબાદ્યાહે યહોવાહના પ્રબોધકોની જરૂરિયાતો પૂરી પાડી અને રક્ષણ આપ્યું

[પાન ૨૧ પર ચિત્ર]

હનોખે હિંમતથી યહોવાહનો સંદેશો જણાવ્યો