સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“દેવે જેને જોડ્યું છે” તેને જુદું ન પાડો

“દેવે જેને જોડ્યું છે” તેને જુદું ન પાડો

“દેવે જેને જોડ્યું છે” તેને જુદું ન પાડો

“તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.”—માત્થી ૧૯:૬.

૧, ૨. લગ્‍નજીવનમાં અમુક વાર તો મુશ્કેલીઓ આવશે જ, એમ માનવું કેમ ખોટું નથી? એ વિષે બાઇબલ શું જણાવે છે?

 માની લો કે તમે કાર કે બાઇક પર લાંબી મુસાફરીએ નીકળો છો. શું રસ્તામાં કોઈ મુશ્કેલી નડશે? કોઈ મુશ્કેલી નહિ નડે એવું તો કોઈ મૂર્ખ જ વિચારશે, ખરું ને! માર્ગમાં કોઈ પણ અણધારી મુશ્કેલી આવી શકે. જોરથી પવન ફૂંકાય. ધોધમાર વરસાદ પડે. ચોમેર ધુમ્મસ છવાઈ જાય. આવી હાલતમાં તમારે થોડી વાર સાઇડમાં ઊભા રહેવું પડે, કે પછી ગાડી ધીમી હાંકવી પડે. એમાંય તમારી ગાડીનું એંજિન બગડ્યું અને તમે એને રિપૅર કરી શકતા ન હોય તો શું? તમારે ગાડી સાઇડમાં રાખીને બીજા કોઈની મદદ લેવી પડે. આવું કંઈક બને તો શું તમે એમ વિચારશો કે ‘મારે ગાડી લઈને નીકળવા જેવું જ ન હતું? એ મારી ભૂલ હતી?’ શું તમે અધવચ્ચે જ ગાડી છોડીને ચાલ્યા જશો? ના! લાંબી મુસાફરીએ નીકળીએ તો આવી મુશ્કેલીઓ તો આવવાની જ. આપણે કંઈ ગાડી ચલાવવાનું છોડી નહિ દઈએ. અધવચ્ચે પણ નહિ છોડીએ. પણ મુશ્કેલીનો કોઈ માર્ગ કાઢીશું, ખરું ને?

લગ્‍ન પણ એક લાંબી મુસાફરી છે. એક વાર લગ્‍નના બંધનમાં જોડાવ એટલે એમાં નાની-મોટી મુશ્કેલી તો આવશે જ. લગ્‍નનો વિચાર કરનારે એવી આશા કદી ન રાખવી કે જીવનમાં ક્યારેય દુઃખો નહિ આવે. બાઇબલમાં ૧ કોરીંથી ૭:૨૮ સાફ જણાવે છે કે પતિ-પત્નીને “શારીરિક દુઃખ થશે.” શા માટે? એક તો, આપણે બધા ભૂલને પાત્ર છીએ. બીજું, આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યાં છીએ. (૨ તીમોથી ૩:૧; રૂમી ૩:૨૩) તેથી, ભલે પતિ-પત્નીમાં સારો એવો મનમેળ હોય, ઈશ્વરભક્તિમાં સારું કરતા હોય, તોપણ તેઓએ અમુક વાર મુશ્કેલીઓ તો સહેવી જ પડશે.

૩. (ક) દુનિયાના લોકો લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ આવે તો શું કરે છે? (ખ) શા માટે યહોવાહના ભક્તો લગ્‍નને ટકાવી રાખવાની કોશિશ કરે છે?

આજે અમુક પતિ-પત્નીને એકબીજા સાથે બનતું ન હોય. કે લગ્‍નજીવનમાં કોઈ મુશ્કેલી આવે તો, સૌથી પહેલાં શું વિચારે છે? છૂટાછેડા! તેઓને કોઈ પણ કાળે છૂટાછેડા જોઈએ છે. ઘણા દેશોમાં છૂટાછેડાનો દર વધી ગયો છે. પણ યહોવાહના ભક્તોમાં એવું નથી. તેઓના લગ્‍નજીવનમાં પણ મુશ્કેલીઓ આવે છે. પણ તેઓ છૂટાછેડા લેવાનો વિચારેય કરતા નથી. એને બદલે મુશ્કેલીને હલ કરવાની કોશિશ કરે છે. શા માટે? કેમ કે, તેઓ લગ્‍નને યહોવાહે આપેલી ભેટ તરીકે જુએ છે. ઈસુએ પતિ-પત્ની વિષે કહ્યું: ‘ઈશ્વરે જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’ (માત્થી ૧૯:૬) ખરું કે ઈસુની આ સલાહ માનવી સહેલી નથી. દાખલા તરીકે, સગાં-સંબંધીઓ, બીજાઓ અને લગ્‍નના કાઉન્સલરો બાઇબલના સિદ્ધાંતો જાણતા નથી. તેઓ ખોટાં કારણોથી પણ યુગલને જુદા પડવા કે છૂટાછેડા લેવાનું ઉત્તેજન આપે. * પણ યહોવાહના ભક્તો જાણે છે કે છૂટાછેડા લેવાને બદલે કોઈ પણ મુશ્કેલીને હલ કરીને લગ્‍નજીવન નિભાવવું વધારે સારું છે. એ બહુ જરૂરી છે કે કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે તરત આપણે યહોવાહની સલાહ લઈએ. તેમની રીતે એનો હલ લાવીએ, નહિ કે બીજા લોકો શું કહે છે.—નીતિવચનો ૧૪:૧૨.

મુશ્કેલીઓનો સામનો કરવો

૪, ૫. (ક) લગ્‍નજીવનમાં કેવી મુશ્કેલીઓ આવી શકે? (ખ) લગ્‍નજીવનમાં મુશ્કેલી આવે તોપણ બાઇબલની સલાહ પાળવી કેમ સારું છે?

એ હકીકત છે કે દરેક લગ્‍નમાં કંઈને કંઈ મુશ્કેલી તો ઊભી થશે જ. એને થાળે પાડવા પતિ-પત્નીએ ખાસ ધ્યાન આપવું પડશે. મોટા ભાગે તો એ નાની તકરાર જ હોય છે, જેને આસાનીથી થાળે પાડી શકાય. પણ અમુક લગ્‍નજીવનમાં મોટી મુશ્કેલી ઊભી થાય, જેનાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે. એવા સમયે પરિણીત અનુભવી વડીલની સલાહ લેવાની જરૂર પડી શકે. જો કે એનો અર્થ એમ નથી કે તમારું લગ્‍નજીવન નિષ્ફળ ગયું છે. એ તો બતાવે છે કે સમસ્યાનો હલ લાવવા બાઇબલના સિદ્ધાંતોને વળગી રહેવું કેટલું મહત્ત્વનું છે.

આપણા સર્જનહાર યહોવાહે લગ્‍નની શરૂઆત કરી છે. એટલે તે જ સારી રીતે જાણે છે કે સફળ લગ્‍નજીવનની ચાવી શું છે, અને આપણે એ માટે શું કરવાની જરૂર છે. પણ પ્રશ્ન એ થાય કે બાઇબલમાં તેમણે આપેલી સલાહને શું આપણે સાંભળીશું? એને લાગુ પાડીશું? જો એમ કરીશું તો ચોક્કસ લાભ થશે. યહોવાહે અગાઉના જમાનામાં પોતાના ભક્તોને કહ્યું હતું: “જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.” (યશાયાહ ૪૮:૧૮) બાઇબલમાં આપેલી સલાહને લાગુ પાડવાથી લગ્‍નજીવન જરૂર સુખી થાય છે. ચાલો પહેલા આપણે જોઈએ કે બાઇબલ પતિઓને શું સલાહ આપે છે.

“પત્નીઓ પર પ્રેમ રાખો”

૬. પતિઓને બાઇબલ કેવી સલાહ આપે છે?

એફેસીઓને લખેલા પત્રમાં પાઊલે પતિઓને આ સલાહ આપી: “પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો; એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે, તે પોતા પર પ્રેમ રાખે છે; કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું કરે છે તેમ. તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે; અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.”—એફેસી ૫:૨૫, ૨૮, ૨૯, ૩૩.

૭. (ક) લગ્‍નજીવનના પાયામાં શું હોવું બહુ મહત્ત્વનું છે? (ખ) પતિ કઈ રીતે હંમેશાં પત્ની પર પ્રેમ રાખે છે?

પાઊલ પતિ-પત્ની વચ્ચેની કોઈ મુશ્કેલી વિષે નહિ, પણ લગ્‍નમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો હલ જણાવતા હતા. એ શું છે? પ્રેમ. હા, પાઊલ કહેતા હતા કે લગ્‍નજીવનના પાયામાં પતિ-પત્ની વચ્ચે પ્રેમનું અતૂટ બંધન હોવું જ જોઈએ. એ જ સફળ લગ્‍નજીવનની ચાવી છે. એટલે જ તેમણે ઉપરની કલમોમાં છ વાર પ્રેમનો ઉલ્લેખ કર્યો. ફરીથી ધ્યાન આપો કે પતિઓને પાઊલ શું કહે છે: “તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.” મૂળ લખાણમાં અહીંયા પત્ની પર સતત પ્રેમ રાખવા ઉત્તેજન આપ્યું છે. પાઊલ જાણતા હતા કે પ્રેમમાં પડવું સહેલું છે, પણ એને જીવનભર નિભાવી રાખવો એટલું સહેલું નથી. એમાંય આ “છેલ્લા સમયમાં” લોકો “સ્વાર્થી” અને “ક્રૂર” થઈ ગયા છે ત્યારે, પ્રેમની ખૂશબુથી લગ્‍નજીવન મહેંકતું રાખવું સહેલું નથી. (૨ તીમોથી ૩:૧-૩) આવા અવગુણો આજે ધીમે ધીમે લગ્‍નજીવનનો પાયો નબળો બનાવે છે. પણ જો પતિ સમજુ ને પ્રેમાળ હશે તો, દુનિયાના આવા સ્વાર્થી વિચારોની પોતાના વાણી-વર્તન પર અસર પડવા નહિ દે.—રૂમી ૧૨:૨.

તમે પત્નીની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરશો?

૮, ૯. પતિએ કેવી રીતોએ પત્નીનું પાલન-પોષણ કરવું જોઈએ?

તમે યહોવાહને ભજતા હો તો, સ્વાર્થી વલણ મનમાં ઘર ન કરી જાય એ માટે શું કરશો? તમારી પત્ની પર કેવી રીતે દિલથી પ્રેમ વરસાવશો? આ વિષે પાઊલની સલાહ આપણે ધ્યાનમાં રાખી શકીએ. એફેસીને લખેલા પત્રમાં પાઊલે બે જરૂરિયાતોનો ઉલ્લેખ કર્યો હતો, જે આપણે પૂરી કરવી જ જોઈએ. એક, તમારી પત્નીનું પાલન-પોષણ કરો. બીજું, પત્ની પર પોતાના શરીર જેવો પ્રેમ રાખો. પત્નીનું પાલન-પોષણ કરવામાં તમે શું કરશો? એક તો તેની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડશો. રોટી-કપડાં-મકાન જેવી જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડશો. પાઊલે તીમોથીને લખ્યું: “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.”—૧ તીમોથી ૫:૮.

પતિ કદાચ રોટી-કપડાં-મકાન જેવી બધી જરૂરિયાતોનું સારું એવું ધ્યાન રાખતો હોઈ શકે. પણ એ પૂરતું નથી. તેણે પત્નીનું લાગણીમય રીતે પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, તેને શું ગમે છે, શું નથી ગમતું, તેનું સાંભળવું વગેરે. તેની ઈશ્વરભક્તિની ભૂખ પણ મિટાવવી જોઈએ. આમ પત્નીની લાગણીને માન આપવું, તેની ધાર્મિક ભૂખ સંતોષવી બહુ જરૂરી છે. ખરું કે ઘણા પતિઓ મંડળમાં પોતાની જવાબદારી નિભાવવામાં ડૂબી જાય છે. ભલે મંડળમાં ગમે એવી ભારે જવાબદારી હોય, પણ એના ભોગે પતિએ કુટુંબની જવાબદારી નિભાવવાનું ચૂકવું ન જોઈએ. ઈશ્વરે સોંપેલી એ જવાબદારી તેમણે પહેલાં પૂરી કરવી જોઈએ. (૧ તીમોથી ૩:૫, ૧૨) આ બાબતમાં અમુક વર્ષ પહેલા આ મૅગેઝિને આમ જણાવ્યું હતું: ‘બાઇબલના માર્ગદર્શન પ્રમાણે મંડળની દેખભાળ રાખવી જ જોઈએ. અને એની શરૂઆત ઘરથી જ થાય છે. જો વડીલ મંડળની દેખરેખ રાખવામાં પોતાના કુટુંબને ભૂલી જાય તો, તે વડીલની જવાબદારી પણ ગુમાવી શકે.’ * તેથી એ બહુ મહત્ત્વનું છે કે પતિ તેની પત્નીને રોટી-કપડાં-મકાન પૂરા પાડે. તેની લાગણીઓને સમજે. અને સૌથી મહત્ત્વનું તો, તેની ઈશ્વરભક્તિની ભૂખ મિટાવે.

પત્નીની પ્રેમથી સંભાળ રાખવા બીજું શું કરવું જોઈએ?

૧૦. પતિ કઈ રીતે પત્નીની પ્રેમથી સંભાળ રાખી શકે?

૧૦ પત્નીની પ્રેમથી સંભાળ રાખવામાં તમે તેને ખૂબ પ્રેમ બતાવશો. તમે એમ ઘણી રીતોએ બતાવી શકો. એક તો, પત્ની સાથે પૂરતો સમય ગાળો. જો તમે પત્નીને પૂરતો સમય નહિ આપો તો, ધીરે ધીરે તમારા માટેનો તેનો પ્રેમ ઠંડો પડી શકે. કદાચ તમને લાગશે કે પત્ની માટે હું આટલો બધો સમય આપું છું, આટલી બધી કાળજી રાખું છું, શું એ ઓછું છે? પણ યાદ રાખો, તમારી પત્ની માટે એ ઓછું હોય શકે! ‘હું પત્નીની સારી સંભાળ રાખું છું, તેને ખૂબ ચાહું છું’ એમ કહેવું જ પૂરતું નથી. તમારી પત્નીએ એમ અનુભવવું જોઈએ. પાઊલે લખ્યું: “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.” (૧ કોરીંથી ૧૦:૨૪) પ્રેમાળ પતિ તરીકે તમે એ પારખો કે તમારી પત્નીને ખરેખર શાની જરૂર છે, અને પછી એ જરૂરિયાત પૂરી કરો તો કેવું સારું!—ફિલિપી ૨:૪.

૧૧. પત્ની સાથે પતિ જે રીતે વર્તે છે એની મંડળ અને ઈશ્વર સાથેના સંબંધ પર કેવી અસર પડે છે?

૧૧ પત્નીની પ્રેમથી સંભાળ રાખવામાં તમે બીજું શું કરી શકો? તેની સાથે પ્રેમથી વર્તો. તમારા વાણી-વર્તનમાં એ જરૂર દેખાઈ આવવું જોઈએ. (નીતિવચનો ૧૨:૧૮) પાઊલે કોલોસીઓને લખ્યું: “પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.” (કોલોસી ૩:૧૯) ‘પત્ની પ્રત્યે કઠોર ન થાઓ,’ એક પુસ્તક પ્રમાણે આનો અર્થ એમ પણ થઈ શકે કે પત્ની સાથે “નોકરાણી જેવો વ્યવહાર ન કરો,” “તેને દાસી ન બનાવો.” ઘરમાં કે જાહેરમાં પત્ની પર અત્યાચાર ગુજારતો પતિ બતાવે છે કે તેને પત્નીની કંઈ પડી નથી. પત્નીને વારે વારે તોડી પાડતો, ગુસ્સે થતો પતિ ઈશ્વરની સલાહ માનતો નથી. એટલે ઈશ્વર સાથેનો તેનો નાતો નબળો પડી શકે. પ્રેરિત પીતરે પતિઓને લખ્યું: “સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો; કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.” *૧ પીતર ૩:૭.

૧૨. ઈસુએ મંડળ સાથે જે રીતે વ્યવહાર કર્યો એનાથી પતિઓ શું શીખી શકે?

૧૨ એવું કદી ન માનશો કે પત્ની તમને કાયમ પ્રેમ કરતી રહેશે, પછી ભલે તમે તેને પ્રેમ બતાવો કે નહિ. પણ તેને અહેસાસ કરાવો કે તમે તેને સતત ચાહો છો. ઈસુએ મંડળ સાથે પ્રેમાળ રીતે વર્તીને પતિઓ માટે સરસ દાખલો બેસાડ્યો. ઈસુ પ્રેમાળ અને દયાળુ હતા. બીજાઓને દિલથી માફ કરતા. તેમના શિષ્યો વારંવાર ચડસાચડસીમાં ઝઘડતા હતા ત્યારે પણ ઈસુએ તેમને ધમકાવ્યા નહિ. તેમણે શિષ્યોને કાયમ પ્રેમ બતાવ્યો, ઘણી વાર માફ કર્યા. એટલે જ ઈસુ બીજાઓને કહી શક્યા: ‘મારી પાસે આવો, હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.’ (માત્થી ૧૧:૨૮, ૨૯) ઈસુએ મંડળ સાથે પ્રેમથી વ્યવહાર કર્યો. ઈસુને પગલે ચાલીને પતિઓએ પણ પત્ની સાથે એવો જ વર્તાવ કરવો જોઈએ. પતિ કેવી રીતે બતાવશે કે તે પત્નીને ચાહે છે, તેને વહાલી ગણે છે? પોતાના વાણી-વર્તનથી. એનાથી પત્ની પણ પતિથી ખુશ રહેશે.

બાઇબલની સલાહ માનતી પત્નીઓ

૧૩. બાઇબલ પત્નીઓને શું સલાહ આપે છે?

૧૩ બાઇબલ પત્નીઓને પણ સલાહ આપે છે. એફેસી ૫:૨૨-૨૪, ૩૩ જણાવે છે: ‘પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે; વળી ખ્રિસ્ત શરીરનો રક્ષક છે. જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું. સ્ત્રીએ પોતાના પતિનું માન રાખવું જોઈએ.’

૧૪. આપણે કેમ કહી શકીએ કે પતિને આધીન રહેવાથી પત્નીનું માન ઘટી જતું નથી?

૧૪ નોંધ કરો કે પાઊલે અહીં આધીન રહેવા અને માન આપવા પર ભાર મૂક્યો છે. પત્નીએ પતિને આધીન રહેવું જોઈએ. એમ કરીને તે પરમેશ્વરની ગોઠવણને માન આપે છે. એનાથી કંઈ પત્નીનું માન ઘટી જતું નથી. કેમ નહિ? કેમ કે સ્વર્ગમાં દેવદૂતો કે પૃથ્વી પર દરેક ઇન્સાને કોઈને તો આધીન રહેવું પડે છે. ઈસુ પણ યહોવાહને આધીન રહે છે. (૧ કોરીંથી ૧૧:૩) પતિ કુટુંબના શિર તરીકે સારી રીતે પોતાની જવાબદારી નિભાવશે તો, પત્ની માટે તેમને આધીન રહેવું સહેલું બનશે.

૧૫. પત્નીઓને બાઇબલ બીજી કઈ સલાહ આપે છે?

૧૫ પાઊલે એમ પણ જણાવ્યું કે પત્નીએ ‘પતિને માન આપવું જોઈએ.’ યહોવાહને ભજતી દરેક પત્નીએ ‘દીનતા અને નમ્રતા’ જેવા ગુણો કેળવવા જોઈએ. તેણે પોતાના પતિનું માનવું જોઈએ. તે પતિની સામે નહિ થાય, તેમ જ પોતાને મન ફાવે એમ નહિ કરે. (૧ પીતર ૩:૪) ઈશ્વરનો ડર રાખીને ચાલતી પત્ની, ઘરનું ભલું થાય એ માટે ખૂબ મહેનત કરે છે. એનાથી તેના પતિને માન મળે છે. (તીતસ ૨:૪, ૫) તે પોતાના વાણી-વર્તનથી હંમેશાં પતિને માન આપશે. બીજાઓ તેના પતિનું અપમાન કરે એવું કંઈ નહિ કરે. પતિ કોઈ નિર્ણય લે તો એમાં પૂરો સહકાર આપશે.—નીતિવચનો ૧૪:૧.

૧૬. સારાહ અને રિબકાહના દાખલામાંથી પત્નીઓ શું શીખી શકે?

૧૬ દીન તથા નમ્ર બનવાનો અર્થ એ નથી કે પતિની દરેક વાતમાં પત્ની આંખો મીંચી હામાં હા કરે. પત્નીએ એમ પણ ન વિચારવું જોઈએ કે તેના વિચારોનું કોઈ મૂલ્ય નથી. ના, પત્નીએ ખુલ્લાં મને પોતાને કેવું લાગે છે એ પતિને જણાવવું જોઈએ. જૂના જમાનાની સારાહ અને રિબકાહનો વિચાર કરો. તેઓ પતિને પોતાના વિચારો જણાવતા અચકાઈ નહિ. બાઇબલ જણાવે છે કે સારાહ અને રિબકાહના પતિઓએ તેઓનું કહ્યું માન્યું ત્યારે યહોવાહે એના પર આશીર્વાદ આપ્યો. (ઉત્પત્તિ ૨૧:૮-૧૨; ૨૭:૪૬–૨૮:૪) આમ, પત્નીઓ પણ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે. પણ યાદ રાખજો, પતિને તોડી પાડતા હોય એ રીતે નહિ, પરંતુ માનથી પોતાના વિચારો જણાવો. એમ કરવાથી પત્નીના વિચારો સાથે પતિ પણ સહમત થઈ શકશે.

સાથે રહેવાનું વચન નિભાવો

૧૭, ૧૮. લગ્‍નબંધન તોડવાની શેતાનની કોઈ પણ કોશિશને પતિ-પત્ની કેવી રીતે નાકામ બનાવી શકે?

૧૭ પતિ-પત્ની જીવનભર સાથે રહેવાનું વચન લઈને લગ્‍નબંધનમાં જોડાય છે. એટલે પતિ-પત્નીએ લગ્‍નજીવન સફળ બનાવવા બનતી બધી જ કોશિશ કરવી જોઈએ. પતિ-પત્ની ખુલ્લાં દિલે વાત નહીં કરે તો, એનાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે. પછી રાયનો પહાડ પણ બની શકે. મોટા ભાગે પતિ-પત્નીમાં કોઈ તકરાર ઊભી થાય ત્યારે તેઓ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દે છે. પરિણામે દિવસો સુધી તેઓના સંબંધમાં કડવાશ રહે છે. અમુક પતિ કે પત્ની તો લગ્‍નબંધનને તોડી નાખવા તલાક લેવા કે બીજા કોઈના પ્રેમમાં પડવા રસ્તાઓ શોધે છે. પણ ઈસુ આવા લોકોને ચેતવણી આપે છે: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માત્થી ૫:૨૮.

૧૮ પ્રેરિત પાઊલ પરિણીત કે કુંવારા, બધા લોકોને સલાહ આપતા કહે છે: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.” (એફેસી ૪:૨૬, ૨૭) પતિ-પત્નીમાં કોઈ કોઈ વાર મતભેદ ઊભો થાય, એકબીજા સાથે સહમત ન થાય, એ કંઈ નવું નથી. પણ શેતાન એનો લાભ ઉઠાવીને પતિ-પત્નીના સંબંધોમાં પૂરાય નહિ એવી ખાઈ બનાવવા માંગે છે. તેને જીતવા દેશો નહિ! લગ્‍નમાં કોઈ મુશ્કેલી આવે તો, એ વિષે યહોવાહ શું વિચારે છે એ જાણો. બાઇબલની સલાહ શોધો. આપણાં સાહિત્યનું માર્ગદર્શન લો. કોઈ પણ મુશ્કેલી વિષે પતિ-પત્ની શાંતિથી અને ખુલ્લાં મને વાત કરે તો કેવું સારું! તમે યહોવાહના ધોરણો મુજબ ચાલો છો કે નહિ એ ખાતરી કરો. જો એમાં કોઈ સુધારો કરવાનો હોય તો તરત પગલાં લો. (યાકૂબ ૧:૨૨-૨૫) આ તમારા લગ્‍નજીવનનો સવાલ છે. યુગલ તરીકે તમે પરમેશ્વર સાથે ચાલવાનો નિર્ણય કરો. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને ઈશ્વરે જે જોડ્યું છે એને જુદું પાડવા ન દો!—મીખાહ ૬:૮. (w 07 5/1)

[Footnotes]

^ ફેબ્રુઆરી ૮, ૨૦૦૨ અવેક! પાન ૧૦ પર “જુદા પડવું અને છૂટાછેડા” બૉક્સ જુઓ. આ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ ફેબ્રુઆરી ૧, ૧૯૯૦નું ચોકીબુરજ પાન ૨૧ જુઓ.

^ મંડળમાં વધારે જવાબદારી માટે યોગ્ય થવા, ભાઈઓ વાણી કે વર્તનથી ‘બીજાઓને દુઃખ પહોંચાડનારા’ હોવા ન જોઈએ. જેમ કે બીજાઓને મારપીટ કરે, કે પછી ડોળા કાઢીને ઊંચે સાદે ધમકાવે. એટલે જ મે ૧, ૧૯૯૧નું ચોકીબુરજ પાન ૧૫ પર આમ જણાવે છે: ‘કોઈ માણસની બહાર જાહેરમાં બહુ સારી છાપ હોય, પણ ઘરમાં તે પત્ની કે બાળકો પર જુલમ કરતો હોય તો, તે વડીલ બનવાને લાયક નથી.’—૧ તીમોથી ૩:૨-૫, ૧૨.

શું તમને યાદ છે?

• યહોવાહને ભજતા યુગલોમાં પણ શા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે?

• પતિ કેવી રીતે પત્નીનું પાલન-પોષણ કરી શકે? તે પત્નીની પ્રેમથી સંભાળ રાખે છે એમ કેવી રીતે બતાવી શકે?

• પત્ની કેવી રીતે બતાવી શકે કે તે પતિને ખૂબ માન આપે છે?

• પતિ અને પત્ની જીવનભર સાથે રહેવાનું વચન પાળવા કેવી રીતે લગ્‍નબંધનને મજબૂત કરી શકે?

[Study Questions]

[Picture on page 24]

પતિએ પત્નીની રોટી-કપડાં-મકાન જેવી જરૂરિયાતો પૂરી કરવા સાથે તેની ઈશ્વરભક્તિની ભૂખ પણ સંતોષવી જોઈએ

[Picture on page 25]

પત્ની કોઈ બાબત વિષે પોતાને કેવું લાગે છે એ પૂરા માનથી પતિને જણાવે છે