સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો

માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો

માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો

“જે કંઈ તમે કરો તે પ્રીતિથી કરો.”—૧ કોરીંથી ૧૬:૧૪.

૧. બાળકનો જન્મ થાય ત્યારે માબાપને કેવું લાગે છે?

 બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં ખુશી ખુશી છવાઈ જાય છે. મોટા ભાગના માબાપ એની સાથે સહમત થશે. એલિયા નામની માતા કહે છે: “મારી લાડલીને પહેલી વાર જોઈ તો મારું હૈયું નાચી ઊઠ્યું. દુનિયામાં તે જ સૌથી સુંદર છે.” જો કે આવા ખુશીના પ્રસંગે પણ માબાપને અમુક ચિંતાઓ હોય છે. એલિયાના પતિએ કહ્યું: ‘મને એ જ ચિંતા હતી કે હું કઈ રીતે અમારી લાડલીને જીવનની મુશ્કેલીનો સામનો કરતાં શીખવી શકીશ.’ ઘણા માબાપને આવી જ ચિંતા હોય છે. તેઓ જાણે છે કે બાળકોને પ્રેમથી ઉછેરવા જોઈએ. બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેરતાં માબાપને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેવી મુશ્કેલીઓ?

૨. માબાપ કેવી મુશ્કેલીનો સામનો કરતા હોય છે?

આપણે આ દુનિયાના અંતના સમયમાં જીવી રહ્યાં છીએ. વર્ષો પહેલાં બાઇબલમાં લખવામાં આવ્યું કે લોકોમાં પ્રેમ નહિ હોય. પરિવારમાં પણ પ્રેમ નહિ હોય. લોકો ‘સંયમ ન કરનારા અને નિર્દય’ હશે. બેકદર અને દગાખોર હશે. (૨ તીમોથી ૩:૧-૫) આપણે પણ આવા લોકો સાથે હળવું-મળવું પડે છે. આપણને પણ તેઓનો રંગ લાગી શકે. એટલું જ નહિ, માબાપ પોતાની નબળાઈ પર કાબૂ મેળવવા સખત મહેનત કરતા હોય છે. તેઓથી પણ ભૂલો થઈ શકે. ઘણી વાર વિચાર્યા વગર જેમ-તેમ બોલી શકે. અમુક બાબતમાં ખોટા નિર્ણય લઈ શકે.—રૂમી ૩:૨૩; યાકૂબ ૩:૨, ૮, ૯.

૩. માબાપ કઈ રીતે બાળકોને પ્રેમથી ઉછેરી શકે?

તોય માબાપ બાળકોને ઈશ્વરના માર્ગમાં પ્રેમથી ઉછેરી શકે. કઈ રીતે? બાઇબલની સલાહ માનીને: ‘જે કંઈ તમે કરો તે પ્રેમથી કરો.’ (૧ કોરીંથી ૧૬:૧૪) સાચે જ, પ્રેમ ‘સંપૂર્ણતાનું બંધન છે.’ (કોલોસી ૩:૧૪) પાઊલે કોરીંથી મંડળના ભાઈ-બહેનોને પત્ર લખીને પ્રેમના ત્રણ પાસાં જણાવ્યા. ચાલો આપણે જોઈએ કે માબાપ કઈ રીતે બાળકોને પ્રેમથી શીખવી શકે.—૧ કોરીંથી ૧૩:૪-૮.

સહનશીલ માબાપ

૪. માબાપે કેમ ધીરજ રાખવી જોઈએ?

પાઊલે લખ્યું: ‘પ્રીતિ સહનશીલ છે.’ (૧ કોરીંથી ૧૩:૪) ગ્રીક ભાષામાં ‘સહનશીલનો’ અર્થ, ધીરજ રાખવી ને ગુસ્સા પર કાબૂ રાખવો થાય છે. માબાપે કેમ ધીરજ રાખવી જોઈએ? મોટા ભાગના માબાપ એના અનેક કારણો આપી શકે. ચાલો અમુક દાખલા જોઈએ. બાળકને કંઈ જોઈતું હોય તો, વારંવાર માબાપને એના વિષે કહ્યાં કરશે. માબાપે તેને ના પાડી હોય તોય તે પીછો ન છોડે. બાળકની આશા હોય છે કે આખરે તેઓ ‘હા’ પાડશે. હવે યુવાનોની વાત કરીએ. કોઈ યુવાનને મનગમતું કંઈક કરવાનું મન થાય. પણ માબાપ એમ કરવાની ‘ના’ પાડે છે. કેમ કે એમ કરવું મૂર્ખાઈ છે. તોય તે પોતાની મનમાની કરવા માબાપ સાથે કદાચ જીભાજોડી કરશે. (નીતિવચનો ૨૨:૧૫) આપણે સર્વ એક સમયે બાળક હતા. આપણી જેમ બાળકો પણ વારંવાર ભૂલો કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૦:૩.

૫. માબાપને સહનશીલ અને ધીરજવાન બનવા શું મદદ કરી શકે?

બાળકો સાથે સહનશીલ અને ધીરજવાન બનવા માબાપને શું મદદ કરી શકે? સુલેમાન રાજાએ લખ્યું: ‘સમજુ માણસ તેના ક્રોધને શાંત કરે છે.’ (નીતિવચનો ૧૯:૧૧) માબાપે ભૂલવું ન જોઈએ કે પોતે પણ એક સમયે ‘બાળકની પેઠે બોલતા હતા, બાળકની પેઠે વિચારતા હતા, બાળકની પેઠે સમજતા હતા.’ એ યાદ રાખવાથી બાળકનું વર્તન સમજવા માબાપને મદદ મળશે. (૧ કોરીંથી ૧૩:૧૧) તમને તમારું બાળપણ યાદ હશે. તમે પણ નાના હતા ત્યારે અમુક વસ્તુ મેળવવા હઠ કરી હશે. મોટા થતા ગયા તેમ તમને લાગ્યું હશે કે માબાપ તમારી લાગણીઓ સમજતા નથી. એનો વિચાર કરશો તો, કદાચ તમે સમજી શકશો કે તમારું બાળક કેમ એવી રીતે વર્તે છે. તેમ જ તેઓને આપેલી સલાહ કે નિર્ણયો કેમ વારંવાર યાદ કરાવવાની જરૂર છે. (કોલોસી ૪:૬) યહોવાહે ઈસ્રાએલી માબાપને કહ્યું: ‘હું જે વચનો તને ફરમાવું છું તે તારાં છોકરાંને શીખવ.’ (પુનર્નિયમ ૬:૬, ૭) મૂળ હિબ્રૂ ભાષામાં ‘શીખવવાનો’ અર્થ થાય કે ‘વારંવાર કહેવું.’ જેથી તેઓના દિલમાં યહોવાહના વિચારો ઉતારે. બાળક ઈશ્વરના નિયમો જીવનમાં લાગુ પાડતાં શીખે માટે માબાપે વારંવાર એ કહેવા જોઈએ. એવી જ રીતે, તેઓને જીવનની બીજી બાબતો માટે પણ વારંવાર કહેવું જોઈએ.

૬. સહનશીલ માબાપ કેમ બધું ચલાવી નહિ લે?

સહનશીલ હોવાનો અર્થ એ નથી કે માબાપ બાળકને છૂટ આપીને બધું ચલાવી લે. બાઇબલ ચેતવે છે: “સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને ફજેત કરે છે.” એવું ન થાય માટે શું કરવું? આ જ કલમ આગળ જણાવે છે: “સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે.” (નીતિવચનો ૨૯:૧૫) અમુક વાર બાળકને થઈ શકે કે ઠપકો આપવાનો માબાપને કોઈ હક્ક નથી. તેઓ વળી કોણ? પણ યહોવાહની ભક્તિ કરે છે એવા પરિવારમાં બાળકોનું રાજ ચાલતું નથી. તેઓ નિર્ણય લઈ શકતા નથી. તેમ જ કોઈ નિર્ણય લેતા પહેલાં માબાપે બાળકની સલાહ લેવાની જરૂર નથી. યહોવાહ કુટુંબના શિર કે વડીલ છે. તેમણે માબાપને હક્ક આપ્યો છે કે બાળકને પ્રેમથી શિક્ષા કરે ને શિખામણ આપે. (૧ કોરીંથી ૧૧:૩; એફેસી ૩:૧૫; ૬:૧-૪) પાઊલે પ્રેમ વિષે જે વાત કરી એની સાથે શિક્ષા કે શિખામણ જોડાયેલી છે.

પ્રેમથી કઈ રીતે શીખવવું?

૭. માબાપ બાળકોને કેમ શિક્ષા કરશે? શિક્ષા કરવામાં શું સમાયેલું છે?

પાઊલે લખ્યું કે ‘પ્રીતિ પરોપકારી છે’ એટલે કે પ્રેમ માયાળુ છે. (૧ કોરીંથી ૧૩:૪) માબાપ બાળકોને પ્રેમ કરતા હશે તો, શિક્ષા કરવામાં દયા રાખશે. તેમ જ, શિક્ષા કરતી વખતે ઘડીકમાં ઢીલાં-પોચાં ને ઘડીકમાં કડક નહિ બને. આમ કરવાથી માબાપ યહોવાહને અનુસરે છે. પાઊલે લખ્યું: ‘જેના પર યહોવાહ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે.’ ઘણી વાર બાઇબલમાં શિક્ષા શબ્દ જોવા મળે છે. એનો અર્થ, મારપીટ કરવો નથી. પણ પ્રેમથી શિક્ષણ કે શિખામણ આપવી થાય છે. આવી શિક્ષા કરવાનો શું હેતુ છે? પાઊલ કહે છે: ‘કોઈ પણ શિક્ષા પાછળથી તો ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.’ (હેબ્રી ૧૨:૬, ૧૧) માબાપે બાળકોને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે શિક્ષણ આપવું જોઈએ. એમ કરવાથી બાળકો મોટા થશે ત્યારે શાંતિથી અને હળીમળીને રહેતા શીખશે. બાળકો “યહોવાહની શિક્ષા” કે શિખામણ પ્રમાણે જીવશે તો, યહોવાહ તેને બુદ્ધિ, જ્ઞાન અને સમજ-શક્તિ આપશે. એ સોના-ચાંદીથી પણ વધારે કીમતી છે.—નીતિવચનો ૩:૧૧-૧૮.

૮. માબાપ બાળકોને શિક્ષા નહિ કરે તો શું થશે?

બાળક ખોટું કરે તોય માબાપ તેને શિક્ષા ન કરે કે શિખામણ ન આપે તો એ પ્રેમ ન કહેવાય. યહોવાહે સુલેમાન રાજાને લખવા પ્રેર્યા: “જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.” (નીતિવચનો ૧૩:૨૪) માબાપ બાળકોને જરૂરી શિક્ષા નહિ આપે તો, તેઓ સ્વાર્થી બનશે. તેઓનું જીવન સુખી નહિ હોય. પણ માબાપ દયા બતાવીને જરૂરી બાબતમાં કડક શિક્ષા કરે તો, બાળકો સ્કૂલમાં સારા સ્ટુડન્ટ બનશે. તેઓ બીજા સાથે દોસ્તી કરી શકશે અને સુખી થશે. ખરેખર, જે માબાપ બાળકોને શિક્ષા કરે છે તેઓ પ્રેમ બતાવે છે.

૯. માબાપે બાળકોને શું શીખવવું જોઈએ?

પ્રેમ અને દયાથી બાળકને શિખામણ આપવાનો શું અર્થ થાય છે? બાળકોએ શું કરવું ને શું ન કરવું એ માબાપે જણાવવું જોઈએ. જેમ કે, માબાપે બાળકને નાનપણથી બાઇબલના મુખ્ય સિદ્ધાંત શીખવવા જોઈએ. તેમ જ યહોવાહની ભક્તિના જુદાં જુદાં પાસાંઓ વિષે પણ શીખવવું જોઈએ. (નિર્ગમન ૨૦:૧૨-૧૭; માત્થી ૨૨:૩૭-૪૦; ૨૮:૧૯; હેબ્રી ૧૦:૨૪, ૨૫) બાળકોને શીખવવું જોઈએ કે યહોવાહની કૃપા પામવા આપણે રાજીખુશીથી તેમની આજ્ઞાઓ પ્રમાણે જ જીવવું જઈએ.

૧૦, ૧૧. કોઈ વાર માબાપ કોઈ કામ સોંપે કે કંઈક ગોઠવણ કરે ત્યારે કેમ બાળકનું સાંભળવું જોઈએ?

૧૦ કોઈ વાર માબાપ બાળકને કોઈ કામ સોંપે કે કોઈક ગોઠવણ કરે ત્યારે, પહેલાં સાથે મળીને ચર્ચા કરી શકે. એમ કરવાથી કદાચ બાળક માબાપનું સાંભળવા તૈયાર થશે. એક દાખલો લઈએ. માબાપ બાળકને કહેશે કે તેણે કેટલા વાગ્યા સુધીમાં ઘરે આવી જવું જોઈએ. અથવા એ વિષે બાળકને પૂછશે. પછી માબાપ નક્કી કરશે કે બાળકે કેટલા વાગ્યા સુધીમાં ઘરે આવવું જોઈએ, એનું કારણ જણાવશે. જો માબાપ અને બાળક વચ્ચે મતભેદ થાય તો શું? બાઇબલના નિયમો કે સિદ્ધાંતોનો ભંગ ન થતો હોય તો એવા કિસ્સામાં માબાપ તેઓને રજા આપી શકે. શું એનો અર્થ એમ કે માબાપ હિંમત હારી ગયા?

૧૧ એનો જવાબ મેળવવા ચાલો આપણે યહોવાહનો દાખલો લઈએ. યહોવાહે લોત અને તેમના કુટુંબ સાથે પ્રેમથી વ્યવહાર કર્યો. સ્વર્ગદૂતો લોત, તેમની પત્ની અને દીકરીઓને સદોમમાંથી બહાર લાવ્યા. પછી દૂતે કહ્યું: “તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.” લોતે કહ્યું: “મારા સ્વામી એમ તો નહિ” થાય. પણ લોતે બીજું સૂચન આપ્યું: “હવે જો, આ નગર પાસે છે, માટે ત્યાં નાસી જવાનું સહેલ છે, ને તે નાનું છે; ત્યાં મને નાસી જવા દે.” યહોવાહે શું કહ્યું? તેમણે કહ્યું: ‘આ વાત વિષે પણ હું તારું સાંભળું છું.’ (ઉત્પત્તિ ૧૯:૧૭-૨૨) શું યહોવાહ હિંમત હારી ગયા? બિલકુલ નહિ! તેમણે લોતનું સાંભળ્યું અને દયા બતાવી. માબાપો, તમે બાળકને કંઈ કામ સોંપો કે આજ્ઞા આપો ત્યારે શું અમુક સમયે તેઓનું સાંભળો છો?

૧૨. શેનાથી બાળકો સલામતી અનુભવશે?

૧૨ ધારો કે તમે બાળકોને કોઈ આજ્ઞા આપો છો. એ વખતે જણાવો છો કે તે એમ નહિ કરે તો શું થશે. તમે જે સજા કહી એને કડક રીતે પાળો. એ સમયે બાળકોને લાડ ન લડાવો. માબાપ વારંવાર બાળકોને ચેતવણી આપે પણ એમ ન કરે તો તેઓ બાળકોને પ્રેમ કે દયા બતાવતા નથી. ‘દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા અમલમાં મૂકાતી નથી માટે મનુષ્યોનું અંતઃકરણ ભૂંડું કરવામાં ચોંટેલું છે.’ (સભાશિક્ષક ૮:૧૧) જોકે, માબાપ બાળકને બધાની સામે કે તેના દોસ્તોની આગળ કદાચ સજા નહિ કરે, જેથી બાળક શરમાઈ નહિ. પણ યોગ્ય સમયે સજા આપવી જોઈએ. માબાપનું “હાનું હા, ને નાનું ના હોય” તો, બાળકોને તેઓ માટે માન અને પ્રેમ વધશે. તેઓ માબાપની છાયામાં સલામતી અનુભવશે.—માત્થી ૫:૩૭.

૧૩, ૧૪. બાળકોને શિક્ષા કરતી વખતે માબાપ કઈ રીતે યહોવાહના પગલે ચાલી શકે?

૧૩ બાળકોને જરૂર હોય એ પ્રમાણે પ્રેમ અને દયાથી શિક્ષા કે શિખામણ આપવી જોઈએ. પામબહેન કહે છે: “અમારી બંને દીકરીઓને અલગ રીતે શિક્ષા કરવી પડે છે. એક દીકરીને જે સજા કામ કરતી એ બીજીને કામ ન કરતી.” તેમના પતિ લૅરે કહે છે: “અમારી મોટી દીકરી થોડી જીદ્દી હતી. તેની સાથે કડક ન બનીએ તો, ગાંઠે જ નહિ. જ્યારે નાની દીકરીને મોટા અવાજે કંઈ કહ્યું હોય કે તેની સામે આંખ કાઢીએ તો, તે રડું રડું થઈ જતી.” ખરેખર, પ્રેમાળ માબાપ નક્કી કરશે કે દરેક બાળકને કેવી શિક્ષા કે શિખામણ કામ કરશે.

૧૪ યહોવાહ તેમના ભક્તોની નબળાઈ અને સારા ગુણો જાણે છે. તેમણે માબાપ માટે સારો દાખલો બેસાડ્યો છે. (હેબ્રી ૪:૧૩) યહોવાહે ઈસ્રાએલીઓને કદી જેમતેમ શિક્ષા કરી ન હતી. તેઓને ખોટા લાડ લડાવ્યાં ન હતાં. યહોવાહે હંમેશાં પોતાના ભક્તોને “ન્યાયની રૂએ” શિક્ષા કરી. (યિર્મેયાહ ૩૦:૧૧) માબાપો, શું તમે તમારાં બાળકોની નબળાઈ કે સારા ગુણો જાણો છો? જો જાણતા હો તો, શું યોગ્ય રીતે તમે બાળકોને શિક્ષા કરો છો? એમ કરવાથી બાળકો માટેનો તમારો પ્રેમ દેખાઈ આવશે.

બાળકો સાથે ખુલ્લાં દિલે વાત કરો

૧૫, ૧૬. માબાપ કઈ રીતે બાળકોને ખુલ્લાં દિલે વાત કરવા ઉત્તેજન આપી શકે? અમુક માબાપ શું કરે છે?

૧૫ પ્રેમ ‘અન્યાયમાં હરખાતો નથી પણ સત્યમાં હરખાય છે.’ (૧ કોરીંથી ૧૩:૬) બાળકોને જે ખરું છે એ પારખવા અને એને પ્રેમ કરતા માબાપ શીખવી શકે. બાળકોને ખુલ્લાં દિલે વાત કરવાનું ઉત્તેજન આપી શકે. પછી ભલેને તેઓની વાત સાંભળીને કદાચ તમને ચિંતા થાય. બાળકોની કેવી લાગણીઓ અને વિચારોથી માબાપને આનંદ મળે છે? બાળકોના વિચારો યહોવાહના શિક્ષણની સુમેળમાં હોય. પણ અમુક વાર બાળકોની વાતથી ખબર પડે કે તેમનું દિલ ખોટા વિચારો તરફ ઢળેલું છે. (ઉત્પત્તિ ૮:૨૧) એવા સમયે માબાપે શું કરવું જોઈએ? શું તેઓએ તરત જ બાળકોના વિચારોમાં સુધારો લાવવા શિક્ષા કરવી જોઈએ? માબાપ એમ કરશે તો, બાળકો ડરીને માબાપને પસંદ પડે એવી વાતો જ કહેશે. ખરું કે બાળક માનથી ન બોલે તો તેને પ્રેમથી તરત જ સુધારવું જોઈએ. પણ એમ કરતા માબાપે બાળકને ગભરાવી નાખવું ન જોઈએ, જેથી તે ખુલ્લાં દિલે વાત કરતા અચકાય. બાળકને પ્રેમથી સુધારવામાં ને ગભરાવી નાખવામાં મોટો ફરક છે.

૧૬ માબાપ કઈ રીતે બાળકોને ખુલ્લાં દિલે વાત કરવા ઉત્તેજન આપી શકે? એલિયાબહેનની આપણે આગળ વાત કરી. તે કહે છે: ‘અમે હંમેશાં બાળકો માટે સમય કાઢીએ છીએ. તેઓ અમારી સાથે દિલ ખોલીને વાત કરતા જરાય ડરતા નથી. શાંતિથી તેઓની વાત સાંભળીએ છીએ. પછી ભલેને અમુક બાબતો અમને ગમતી ન હોય.’ ટોમભાઈ કહે છે: “અમે અમારી દીકરીને દિલ ખોલીને વાત કરવાનું ઉત્તેજન આપતા. ભલેને તે અમારી વાત સાથે સહમત ન હોય. અમને થતું કે જો ગુસ્સે થઈને તેને તોડી પાડીશું અથવા અમને ગમતી જ વાત કઢાવીશું તો તે કદી દિલની વાત નહિ કરે. અમે માનીએ છીએ કે દીકરીનું સાંભળવાથી તેને પણ અમારું સાંભળવાનું મન થશે.” એ બતાવે છે કે બાળકોએ માબાપની આજ્ઞા પાળવી જોઈએ. (નીતિવચનો ૬:૨૦) બાળકો ખુલ્લાં દિલે વાત કરશે તો માબાપ તેઓને વિચાર શક્તિ કેળવવા મદદ કરશે. વિનસન્ટભાઈને ચાર દીકરીઓ છે. તે કહે છે: ‘અમે દીકરીઓ સાથે હંમેશાં લાભ અને ગેરલાભ વિષે ચર્ચા કરીએ. એનાથી તેઓ પોતે સારું-નરસું પારખી શકે છે. એનાથી તેઓને વિચાર શક્તિ કેળવવામાં મદદ મળે છે.’—નીતિવચનો ૧:૧-૪.

૧૭. માબાપે શું ન ભૂલવું જોઈએ?

૧૭ બાળકોને ઉછેરવામાં કોઈ પણ માબાપ બાઇબલની બધી જ સલાહને પાળી શકશે નહિ. તોપણ, ભૂલવું નહિ કે સહનશીલતાથી, પ્રેમ અને દયાથી બાળકોને ઉછેરશો તો, તમારા માટે તેઓનું માન વધશે. યહોવાહ પણ તમારી મહેનતના ફળ આપશે. (નીતિવચનો ૩:૩૩) યહોવાહને ભજતાં દરેક માબાપ ચાહે છે કે તેઓની જેમ બાળકો પણ યહોવાહને પ્રેમ કરે. માબાપ કઈ રીતે બાળકોને એમ કરતા શીખવી શકે? હવે પછીના લેખમાં અમુક સૂચનો જોઈશું. (w 07 9/1)

તમે શું કહેશો?

• માબાપ કઈ રીતે સહનશીલતા કે ધીરજ બતાવી શકે?

• દયા અને શિક્ષા કઈ રીતે મળતા આવે છે?

• માબાપ અને બાળકો ખુલ્લાં દિલે વાત કરે એ કેમ જરૂરી છે?

[Study Questions]

[Picture on page 24]

માબાપ, તમે બાળકો હતાં ત્યારે કેવાં હતાં એ યાદ છે?

[Picture on page 25]

શું તમે બાળકોને ખુલ્લાં દિલે વાત કરવા ઉત્તેજન આપો છો?