સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યોએલ અને આમોસના મુખ્ય વિચારો

યોએલ અને આમોસના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

યોએલ અને આમોસના મુખ્ય વિચારો

યોએલના પુસ્તકના લેખક પોતાના વિષે બસ આટલું જ કહે છે: ‘પથૂએલનો પુત્ર યોએલ.’ (યોએલ ૧:૧) તે ફક્ત યહોવાહનો સંદેશો જણાવે છે. અરે, એ લખવાનો સમય પણ નથી જણાવ્યો. અંદાજે કહી શકાય કે ઉઝ્ઝીયાહ યહુદાહ પર રાજા બન્યો એના નવ વર્ષ પછી, ઈસવીસન પૂર્વે ૮૨૦નો એ સમય હતો. કેમ યોએલ પોતાના વિષે બહુ જણાવતા નથી? તે પોતાના પર નહિ પણ સંદેશા પર વધારે ધ્યાન દોરવા માંગતા હોય શકે.

ઉઝ્ઝીયાહના સમયમાં યહુદાહના આમોસ પણ યહોવાહનો સંદેશો આપનાર હતા, જે ‘ગોવાળિયા તથા ગુલરવૃક્ષોના સોરનાર’ હતા. (આમોસ ૭:૧૪) તેમને ઉત્તરમાં ઈસ્રાએલના દસ-કુળના રાજ્યમાં સંદેશો આપવાનો હતો. ઈ.સ. પૂર્વે ૮૦૪માં પોતાનું કામ પૂરું કરી આમોસ પાછા યહુદાહ આવ્યા. ત્યાં સીધીસાદી પણ સરસ ભાષામાં આમોસનું પુસ્તક લખ્યું.

“તે દિવસને માટે અફસોસ!”—કેમ?

(યોએલ ૧:૧–૩:૨૧)

સંદર્શનમાં ઇયળો, તીડો, જીવડાં કે વંદાનાં ટોળેટોળાંનો હુમલો થતો યોએલ જુએ છે. તેઓને “મોટી તથા બળવાન પ્રજા” અને ‘યોદ્ધાઓ’ કહેવામાં આવે છે. (યોએલ ૧:૪; ૨:૨-૭) યોએલ નિસાસો નાખે છે કે “તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાહનો દિવસ નજીક છે, ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશરૂપે આવશે.” (યોએલ ૧:૧૫) યહોવાહ સિયોનના લોકોને સલાહ આપે છે: ‘તમારા ખરા અંતઃકરણથી મારી પાસે પાછા આવો.’ જો તેઓ એમ કરે તો યહોવાહ “પોતાના લોક પર દયા” બતાવશે. જાણે તીડોના “ઉત્તરના સૈન્યને” દૂરથી જ ભગાડી મૂકશે. પોતાનો મહાન દિવસ આવે એ પહેલાં, યહોવાહ ‘સર્વ મનુષ્યો પર પોતાનો આત્મા કે શક્તિ રેડી દેશે. આકાશોમાં તથા પૃથ્વી પર અદ્‍ભુત કામો દેખાડશે.’—યોએલ ૨:૧૨, ૧૮-૨૦, ૨૮-૩૧.

બધી પ્રજાઓને લડવા માટે તૈયાર થવા કહેવામાં આવે છે: ‘તમારા હળની કોશોને ટીપીને તરવારો બનાવો, ને તમારાં દાતરડાંના ભાલા બનાવો. યહોશાફાટની ખીણમાં આવો.’ ત્યાં ન્યાયની લડાઈ થશે ને તે પ્રજાઓનો વિનાશ થશે. ‘પણ યહુદાહ સર્વકાળ સુધી રહેશે.’—યોએલ ૩:૧૦, ૧૨, ૨૦.

સવાલ-જવાબ:

૧:૧૫; ૨:૧, ૧૧, ૩૧; ૩:૧૪—“યહોવાહનો દિવસ” શું છે? યહોવાહનો દિવસ એટલે કે એવો સમય જ્યારે તે દુશ્મનોનો નાશ કરીને બદલો લેશે. પણ પોતાના ભક્તોને બચાવશે. જેમ કે યહોવાહે ઈ.સ. પૂર્વે ૫૩૯માં માદી-ઈરાનીઓ દ્વારા બાબેલોનનો વિનાશ કરાવ્યો. એ વખતે બાબેલોન પર યહોવાહનો દિવસ આવી પડ્યો. (યશાયાહ ૧૩:૧,) એવી જ રીતે, યહોવાહને નહિ ભજનારા ‘મોટા બાબેલોનના’ સર્વ ધર્મો પર “યહોવાહનો દિવસ” આવી પડશે.—પ્રકટીકરણ ૧૮:૧-૪, ૨૧.

૨:૧-૧૦, ૨૮—જીવડાંના હુમલાની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ છે? યોએલનું પુસ્તક જણાવે છે એવાં જીવડાંએ અસલમાં યહુદાહ પર હુમલો કર્યો હોય, એવો રેકોર્ડ બાઇબલમાં નથી. એટલે આ ભવિષ્યવાણીનો અર્થ કંઈ જુદો જ હોવો જોઈએ. એ શબ્દચિત્રની ભાષામાં ૩૩ની સાલની વાત કરે છે. એ વખતે યહોવાહે ઈસુને પગલે ચાલનારાને એવી શક્તિ આપી કે તેઓ યહોવાહનો સંદેશો જણાવવા લાગ્યા. એના લીધે ધર્મગુરુઓને જાણે કે ડંખ લાગ્યો. તેઓનાં મન વીંધાઈ ગયાં. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧, ૧૪-૨૧; ૫:૨૭-૩૩) આજે આપણને એવું જ કામ સોંપવામાં આવ્યું છે.

૨:૩૨—‘યહોવાહને નામે વિનંતી કરવાનો’ શું અર્થ થાય? તેમના નામ વિષે જાણવું, માન આપવું; અને યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખવી.—રૂમી ૧૦:૧૩, ૧૪.

૩:૧૪—“ન્યાયચુકાદાની ખીણ” શું છે? એ અસલમાં કોઈ જગ્યા નથી. પણ એ બતાવે છે કે યહોવાહનો ન્યાય ચૂકવવામાં આવે છે. યહુદાહના રાજા યહોશાફાટના દિવસોનો દાખલો લઈએ. તેના નામનો અર્થ થાય ‘યહોવાહ ન્યાયાધીશ’ છે. એક વાર આજુબાજુના દેશોના લશ્કર તેઓ પર ચડી આવ્યા. યહોવાહે તેઓને ગૂંચવી નાખી યહુદાહમાં પોતાના લોકોને બચાવી લીધા. એટલે એ જગ્યાને ‘યહોશાફાટની ખીણ’ કહેવામાં આવી. (યોએલ ૩:૨, ૧૨) આપણા સમયમાં એ શું બતાવે છે? એ એને બતાવે છે, જ્યારે યહોવાહ દેશોને દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષ ખૂંદાતી હોય એમ ખૂંદી નાખશે.—પ્રકટીકરણ ૧૯:૧૫.

આપણે શું શીખી શકીએ?

૧:૧૩, ૧૪. આપણને જીવન વહાલું હોય તો દિલથી પસ્તાવો કરીએ. યહોવાહનો સાથ કદી ન છોડીએ.

૨:૧૨, ૧૩. પહેલાના જમાનામાં ‘વસ્ત્રો ફાડીને’ બતાવાતું કે વ્યક્તિ કેટલી દુઃખી છે. પણ અહીં ‘આપણાં હૃદયો ફાડવાની’ વાત થાય છે. દિલથી કરેલો પસ્તાવો ખરો પસ્તાવો છે.

૨:૨૮-૩૨. ‘યહોવાહના મોટા ને ભયંકર દિવસે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે, તે તારણ પામશે.’ ‘યહોવાહનાં મોટાં કામો’ લોકોને જણાવવા તે આપણને નાના-મોટા સર્વને શક્તિ આપે છે. માર્ગદર્શન આપે છે. એ કેટલો મોટો આશીર્વાદ છે! (પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૧) એટલે જ, યહોવાહનો એ દિવસ નજીક આવે તેમ, “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં” આપણે વધારે ને વધારે કરતા રહીએ.—૨ પીતર ૩:૧૦-૧૨.

૩:૪-૮, ૧૯. યોએલે પહેલેથી જણાવ્યું કે યહોવાહના ભક્તોને દુઃખ દેનારા યહુદાહની આજુબાજુના દેશોનો હિસાબ લેવાશે. એ પ્રમાણે જ દરિયાકિનારે આવેલા તૂર શહેરનો બાબેલોનના રાજા નબૂખાદ્‍નેસ્સારે નાશ કર્યો. પછી મહાન સિકંદરે જ્યારે તૂર ટાપુ જીતી લીધો, ત્યારે ત્યાંના હજારો સૈનિકો અને જાણીતા લોકો માર્યા ગયા. ૩૦,૦૦૦ લોકોને ગુલામ તરીકે વેચી દેવાયા. સિકંદર અને તેની જગ્યા લેનારાના હાથે પલિસ્તીઓના પણ એવા જ હાલ થયા. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં તો અદોમ પણ ઉજ્જડ થઈ ગયું. (માલાખી ૧:૩) યહોવાહનાં એ બધાં વચનો પૂરાં થયાં. એનાથી તેમનામાં આપણી શ્રદ્ધા હજુયે વધે છે. આજે યહોવાહના ભક્તોને દુઃખી કરનારા દેશોનો પણ તે હિસાબ લેશે.

૩:૧૬-૨૧. “આકાશ તથા પૃથ્વી કાંપશે.” દેશોને યહોવાહ સજા કરશે. “પણ યહોવાહ પોતાના લોકનો આશ્રય થશે.” તેઓને સુંદર ધરતી પર અમર જીવન આપશે. દુષ્ટ દુનિયાનો યહોવાહ ન્યાય કરે, એ ટાઇમ પહેલાં કરતાં આજે બહુ જ નજીક છે. ચાલો આપણે યહોવાહને વળગી રહીએ, સદાય તેમના માર્ગમાં ચાલતા રહીએ.

‘તારા ઈશ્વર યહોવાહને મળવાને તૈયાર થા’

(આમોસ ૧:૧–૯:૧૫)

યહુદાહ, ઈસ્રાએલ અને ઈસ્રાએલની આજુબાજુના દુશ્મન દેશોને આમોસે યહોવાહનો સંદેશો જણાવવાનો હતો. સીરિયા, પલિસ્તીઓ, તૂર, અદોમ અને મોઆબને માથે વિનાશ ઝઝૂમતો હતો. તેઓએ યહોવાહના ભક્તોને બહુ દુઃખી કર્યા હતા. યહુદાહના લોકોનો નાશ થવાનો હતો, કેમ કે “તેઓએ યહોવાહના નિયમનો અનાદર કર્યો.” (આમોસ ૨:૪) ઈસ્રાએલના દસ-કુળના રાજ્યનું શું? એમાં પણ લાચાર લોકો પર જુલમ થતો હતો. લોકો મન ફાવે એમ વ્યભિચાર કરતા હતા. યહોવાહના પયગંબરોનું અપમાન થતું હતું. આમોસે ચેતવણી આપી કે યહોવાહ ‘બેથેલની વેદીઓને પણ શિક્ષા કરશે. અને શિયાળાના ને ઉનાળાના મહેલોનો નાશ કરશે.’—આમોસ ૩:૧૪, ૧૫.

મૂર્તિપૂજા પાછળ પાગલ ઈસ્રાએલીઓને પહેલાં પણ સજા થઈ હતી. તેઓ હઠીલા હતા. આમોસે તેઓને કહ્યું: “તારા દેવને મળવાને તૈયાર થા.” (આમોસ ૪:૧૨) ઈસ્રાએલીઓ પર યહોવાહનો દિવસ આવી પડશે. તેઓએ આશ્શૂરમાં, “દમસ્કની પેલી પાર ગુલામીમાં” જવું પડશે. (આમોસ ૫:૨૭) બેથેલના યાજકોએ આમોસનો વિરોધ કર્યો, છતાંય તે એકના બે ન થયા. યહોવાહે આમોસને કહ્યું કે ‘મારા ઈસ્રાએલ લોકનો અંત આવી પહોંચ્યો છે. હું હવે પછી કદી પણ તેમને દરગુજર કે માફ કરીશ નહિ.’ (આમોસ ૮:૨) ભલે તેઓ શેઓલની જેમ ઊંડા ખાડા ખોદીને સંતાય કે પછી ઊંચા ઊંચા પહાડોમાં સંતાય, તેઓ નહિ બચે. (આમોસ ૯:૨, ૩) તોપણ યહોવાહ તેઓને આ વચન આપે છે: “હું મારા ઈસ્રાએલ લોકની ગુલામગીરી પાછી ફેરવીશ, ને તેઓ ઉજ્જડ નગરો બાંધીને તેઓમાં વસશે; તેઓ દ્રાક્ષાવાડીઓ રોપીને તેઓનો દ્રાક્ષારસ પીશે; તેઓ બાગબગીચા પણ બનાવીને તેમનાં ફળ ખાશે.”—આમોસ ૯:૧૪.

સવાલ-જવાબ:

૪:૧—“બાશાનની ગાયો” શું હતી? ગાલીલના કિનારે પૂર્વ તરફ બાશાનનો લીલોછમ એરિયા હતો. ત્યાં ગાયો જેવાં ઢોરઢાંકને ચરવાની મજા પડતી. સુખસાહેબીનું જીવન ચાહતી સમરૂનની સ્ત્રીઓને, આમોસે બાશાનની ગાયો સાથે સરખાવી. તેઓ પોતાના મોજશોખ પૂરા કરવા ‘પોતાના ધણીઓનું’ માથું ખાતી. પછી ભલેને એના માટે તેઓ લાચાર લોકો પર જુલમ કરે.

૪:૬—“અન્‍ન ને દાંતને વૈર” એનો શું અર્થ થાય? એ એવા સમયની વાત કરે છે જ્યારે “રોટલીનો દુકાળ” પડ્યો. એટલે કદાચ ખાવાનું ન હોવાને કારણે અન્‍ન અને દાંતને વૈર થયું એમ કહેવાયું હોય.

૫:૫—કઈ રીતે ઈસ્રાએલે ‘બેથેલની શોધ ન કરવાની’ હતી? યરોબઆમ પહેલાએ બેથેલમાં વાછરડાની પૂજા શરૂ કરી હતી. ત્યારથી એ શહેરમાં મન ફાવે એમ ભક્તિ થતી. ગિલ્ગાલ અને બેર-શેબા પણ એવા જ હોવા જોઈએ. એટલે જો ઈસ્રાએલે બચી જવું હોય, તો એ જગ્યાઓએ જવાની જરૂર ન હતી.

૭:૧—“રાજાની કાપણી” એટલે શું? એ રાજાના ઘોડેસવારો અને જાનવરોનો ખર્ચો કાઢવા, રાજાએ નાખેલો ટૅક્સ હોય શકે. એ “પાછલો ચારો” ઊગવા માંડે એના પહેલાં ભરી દેવાનો હતો. એ પછી લોકો પોતાના માટે પાક લણી શકતા. પણ લોકો એ કરી શકે તે પહેલાં તીડોનાં ટોળાં આવીને બધી શાકભાજી ને અનાજ સફાચટ કરી ગયાં.

૮:૧, ૨—“ઉનાળામાં થતાં ફળની એક ટોપલી” એટલે શું? એનો અર્થ એ થાય કે યહોવાહનો દિવસ નજીક હતો. ઉનાળાનાં ફળ કાપણીને અંતે વીણી લેવામાં આવતાં. યહોવાહે આમોસને “ઉનાળામાં થતાં ફળની એક ટોપલી” બતાવી, એનો અર્થ એ હતો કે ઈસ્રાએલનો અંત નજીક હતો એટલે યહોવાહે આમોસને કહ્યું: “મારા ઈસ્રાએલ લોકનો અંત આવી પહોંચ્યો છે; હું હવે પછી કદી પણ તેમને દરગુજર [માફ] કરીશ નહિ.”

આપણે શું શીખી શકીએ?

૧:૩, ૬, ૯, ૧૧, ૧૩; ૨:૧, ૪, ૬. અહીં ઈસ્રાએલ, યહુદાહ અને તેઓની આસપાસના છ દેશો વિષે યહોવાહ કહે છે: “હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ.” યહોવાહ જે સજા આપે એ ભોગવવી જ પડે.—આમોસ ૯:૨-૫.

૨:૧૨. આપણે કદીયે પાયોનિયરો, સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસીયરો, મિશનરીઓ, બેથેલમાં કામ કરનારાઓની હોંશ પર પાણી ન ફેરવીએ. પણ તેઓને યહોવાહની ભક્તિ વધારે હોંશથી કરવા ઉત્તેજન આપીએ.

૩:૮. સિંહની ગર્જના સાંભળીને કોઈ પણ બેસી નહિ રહે. આમોસે યહોવાહની આ આજ્ઞા સાંભળીને તરત પાળી: “જા, મારા ઈસ્રાએલ લોકોને પ્રબોધ કર.” (આમોસ ૭:૧૫) યહોવાહને દિલોજાનથી ચાહતા હોઈશું તો, તરત તેમની આજ્ઞા પાળીને હોંશથી પ્રચાર કરીશું.

૩:૧૩-૧૫; ૫:૧૧. યહોવાહની મદદથી એક ગોવાળ આમોસ, ધનવાન અને બિન્દાસ્ત લોકોને ‘સાક્ષી આપી’ શક્યા. યહોવાહ પ્રચાર કરવા આપણને પણ એવી જ મદદ આપી શકે છે, ભલેને ગમે એવી મુશ્કેલ ટેરેટરી હોય.

૪:૬-૧૧; ૫:૪, ૬, ૧૪. યહોવાહ પાસે ‘પાછા આવવાની’ વિનંતી ઈસ્રાએલીઓએ વારંવાર ઠુકરાવી. છતાંય તેઓને અરજ કરવામાં આવી કે “યહોવાહને શોધો, એટલે તમે જીવશો.” યહોવાહ ધીરજ રાખીને આ દુષ્ટ દુનિયાને જેટલા દિવસ ચાલવા દે, ત્યાં સુધી લોકોને આપણે પણ એવી જ વિનંતી કરીએ.

૫:૧૮, ૧૯. ‘યહોવાહનો દિવસ ઇચ્છીએ’ પણ તૈયાર ન હોઈએ તો શું ફાયદો? એ જાણે એવા માણસ જેવું થયું, જે સિંહ જોઈને ભાગ્યો તો સામે રીંછ મળ્યું. રીંછથી ભાગ્યો તો સાપ કરડ્યો. એટલે આપણે ‘જાગતા રહીએ.’ યહોવાહની ભક્તિમાં બને એટલું કરીને તેમના દિવસ માટે તૈયાર રહીએ.—લુક ૨૧:૩૬.

૭:૧૨-૧૭. યહોવાહનો સંદેશો જણાવતી વખતે ડરીએ નહિ. હિંમત રાખીએ.

૯:૭-૧૦. ઇજિપ્તથી આઝાદ થયેલી ઈશ્વરની પસંદ કરાયેલી પ્રજાના વંશજ ઈસ્રાએલીઓ હતા. તોપણ તેઓ ઈશ્વરને બેવફા થયા, કૂશપુત્રો જેવા બન્યા. યહોવાહ ભેદભાવ રાખતા નથી. એટલે તેમની કૃપા પામવી હોય તો વ્યક્તિ ભલે કોઈપણ નાત-જાતની હોય, તેણે ‘યહોવાહની બીક રાખીને ન્યાયીપણું કરવું જોઈએ.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

આપણે શું કરવું જોઈએ?

શેતાનની દુનિયાનો જલદી જ યહોવાહ ન્યાય કરશે. એના વિષે લોકોને ચેતવણી આપવા, યહોવાહે પોતાના ભક્તોને મોકલ્યા છે. ચાલો આપણે પણ બીજાને મદદ કરીએ કે તેઓ યહોવાહને ઓળખે. ‘તેમને નામે વિનંતી કરે.’—યોએલ ૨:૩૧, ૩૨.

આમોસે જણાવ્યું કે “ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો, ને ભાગળમાં ન્યાયને સ્થાપિત કરો.” (આમોસ ૫:૧૫) યહોવાહ આ દુનિયાની દુષ્ટતાનો ન્યાય કરે એ પહેલાં, આપણે એ દુનિયાની સોબત છોડી દઈએ. યહોવાહને વળગી રહીને તેમના માર્ગે ચાલીએ. એ માટે યોએલ અને આમોસના પુસ્તકો આપણને ઘણું શીખવે છે.—હેબ્રી ૪:૧૨. (w07 10/1)