સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને માર્ગે ચાલીશું તો સુખી થઈશું

ઈશ્વરને માર્ગે ચાલીશું તો સુખી થઈશું

ઈશ્વરને માર્ગે ચાલીશું તો સુખી થઈશું

“શ્વાસોચ્છ્‌વાસ લેનારાં સર્વ યાહની સ્તુતિ કરો. તમે યહોવાની સ્તુતિ કરો.”—ગીતશાસ્ત્ર ૧૫૦:૬.

૧. એક ભાઈએ સુખ પામવા માટે શું શું કર્યું?

 કોરિયાનો * જીન નામનો ભાઈ જણાવે છે: “મને થયું કે ડૉક્ટર બનીને મોટું નામ કમાઉં. એમાં પૈસોય મળે, ને સમાજસેવા પણ થાય. પણ એમાં કંઈ ન વળ્યું. ડૉક્ટર કરી કરીને શું કરી લે, કંઈ નહિ. પછી થયું કે ચિત્રકળા શીખું ને સમાજને ખુશ કરું. શીખ્યોય ખરો, પણ એમાંય કંઈ ન વળ્યું. ન તો સમાજ ખુશ થયો, ન તો હું. પછી થયું કે ટીચર બની લોકોમાં વિદ્યા સિંચું. પણ એમાંય લોકોને એકનું એક શીખવીને કંટાળી ગયો. એમાંય કંઈ ન વળ્યું. આ બધું તો ઉપરછલ્લું સુખ પ્રાપ્ત કરવાનો મારો નાનો પ્રયાસ. પણ ન તો મને મળ્યું સુખ, ન તો સમાજને સુખી કરી શક્યો.”

૨. (ક) સાચું સુખ ક્યાંથી મળે છે? (ખ) આપણા જીવનમાં માર્ગદર્શન કેવી રીતે મળી શકે?

શું તમે પણ આવું અનુભવ્યું છે? સાચું સુખ ક્યાંથી મળે? એ તો ઈશ્વર જ આપી શકે. તે જ આપણને ખરો માર્ગ બતાવે છે. તે જ સાચું માર્ગદર્શન આપી શકે છે. ઈશ્વરે આપણને જે રીતે રચ્યા છે એનો વિચાર કરો. આપણને દિલ આપ્યું છે. બુદ્ધિ આપી છે. જીવવાનું કારણ આપ્યું છે. તેમણે ખરો માર્ગ પણ બતાવ્યો છે. આપણે બસ એ માર્ગે ચાલવાની જરૂર છે.

૩. જીવનમાં ખરું સુખ પ્રાપ્ત કરવા આપણે શું કરવું જોઈએ?

ઈશ્વરે આપણને જે રીતે ઘડ્યા છે, એનો જ વિચાર કરો. તેમણે આપણા ઘડતરમાં કોઈ કચાશ રાખી નથી. એક તો કોઈ સ્વાર્થ વગર આપણામાં પ્રેમ રેડ્યો છે. (ગીતશાસ્ત્ર ૪૦:૫; ૧૩૯:૧૪) એટલે આપણે પણ એકબીજામાં પ્રેમ રેડવો જોઈએ. કોઈ સ્વાર્થ વગર એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. (૧ યોહાન ૪:૭-૧૧) બીજું, ઈશ્વરે આપણને ઘણું માર્ગદર્શન આપ્યું છે. એ પ્રમાણે ચાલીશું તો જ સુખી થઈશું.—સભાશિક્ષક ૧૨:૧૩; ૧ યોહાન ૫:૩.

૪. (ક) સાચું સુખ કેવી રીતે મળે છે? (ખ) જીવનમાં સૌથી સારો માર્ગ કયો છે?

ઈશ્વરે આપણ બધાને સુખ-શાંતિમાં રહેવા બનાવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬; ૨:૧૫) એટલે ખરું સુખ, ખરી શાંતિ તો ઈશ્વરભક્તિ કરવાથી જ મળે છે. જેમ બાળકને માબાપ વિના ન ચાલે, તેમ આપણને ઈશ્વર વિના ન ચાલે. (હેબ્રી ૧૨:૯) માબાપ સાથે હશે તો બાળક હૂંફ, સલામતી અનુભવે છે. ઈશ્વર આપણી સાથે હશે તો આપણેય સુખ, સલામતીનો અનુભવ કરીશું. અને ઈશ્વર સદાય આપણી સાથે જ છે. તે આપણને સંભાળે છે, ને આપણું સાંભળે પણ છે. (યાકૂબ ૪:૮; ૧ યોહાન ૫:૧૪, ૧૫) શું આપણે તેમનું સાંભળીએ છીએ? તેમને જ માર્ગે ચાલીએ છીએ? એમ કરીને આપણે ઈશ્વરને ખુશ કરીએ છીએ. એમાં આપણું પણ ભલું છે. (ઉત્પત્તિ ૬:૯; નીતિવચનો ૨૩:૧૫, ૧૬; યાકૂબ ૨:૨૩) આપણે ‘દરેકે યહોવાહની સ્તુતિ કરવી જોઈએ.’ એના સિવાય જીવનમાં બીજું કંઈ જ નથી. એ જ સૌથી સારો માર્ગ છે.—ગીતશાસ્ત્ર ૧૫૦:૬.

તમે કયે માર્ગે જાવ છો?

૫. શા માટે પૈસા પાછળ ન પડવું જોઈએ?

યહોવાહ ચાહે છે કે આપણે પોતાનું અને આપણા કુટુંબનું ધ્યાન રાખીએ. પણ રોજી-રોટી કમાવવામાં એટલા ડૂબી ન જઈએ કે ઈશ્વરભક્તિને બાજુ પર મૂકી દઈએ. (માત્થી ૪:૪; ૬:૩૩) ઘણા લોકો તો આજે બસ પૈસા પાછળ જ દોડે છે. પણ પૈસો જ બધું નથી. એક સર્વે બતાવે છે કે એશિયાના ‘કરોડપતિઓની પાસે પૈસા છે, માન છે, મોભો છે. પણ સાથે સાથે ડર છે, ગભરાટ છે ને બીક પણ છે.’—સભાશિક્ષક ૫:૧૧.

૬. પૈસા પાછળ પડવાથી શું થાય છે, એ વિષે ઈસુએ શું સલાહ આપી?

ઈસુએ કહ્યું કે “દોલતની માયા” એક જાતની જાળ છે. (માર્ક ૪:૧૯) દૂરથી ડુંગર રળિયામણા લાગે. આપણને એમ થાય કે ધનદોલત હશે તો સુખી થઈશું. પણ ધનદોલત ભેગી કરવાથી કંઈ સાચું સુખ મળતું નથી. સુલેમાને લખ્યું કે, ‘પૈસાનો પ્રેમી કદી સંતોષ પામશે નહિ.’ (સભાશિક્ષક ૫:૧૦) પણ શું એવું થઈ શકે કે આપણે પૈસોય કમાઈએ અને દિલથી ઈશ્વરભક્તિ પણ કરીએ? એ બન્‍નેયનો મેળ ન ખાય. ઈસુએ કહ્યું: “કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; કેમ કે તે એક પર દ્વેષ કરશે, ને બીજા પર પ્રીતિ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે; દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.” ઈસુએ સમજાવ્યું કે સાચું સુખ, સાચી શાંતિ તો ઈશ્વરની ભક્તિ કરવાથી જ મળે છે. ઈશ્વર ખુદ જાણે છે કે આપણને શાની જરૂર છે. તે પોતે એ પૂરું પાડશે. પછી આપણે શા માટે ચિંતા કરવી જોઈએ!—માત્થી ૬:૮, ૧૯-૨૫.

૭. આપણે ‘ખરેખરૂં જીવન’ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ?

ઈશ્વરભક્ત પાઊલે તીમોથીને પત્ર લખ્યો ત્યારે, એમાં કડક સલાહ આપતા જણાવ્યું કે, ‘ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે; અને ઉદાર તથા પરોપકારી થાય; ભવિષ્યને માટે પોતાને વાસ્તે સારા પાયારૂપી પૂંજીનો સંગ્રહ કરે, જેથી જે ખરેખરૂં જીવન છે તે જીવન તેઓ ધારણ કરે.’—૧ તીમોથી ૬:૧૭-૧૯.

‘ખરેખરૂં જીવન’ શું છે?

૮. (ક) કઈ રીતે લોકો પૈસા પાછળ પડવાનું શીખે છે? (ખ) એ લોકો શું નથી વિચારતા?

ઘણા લોકો માટે તો ખરેખરૂં જીવન એટલે એશોઆરામનું જીવન. સુખસાહેબીભર્યું જીવન. એશિયાનું એક ન્યૂઝ મૅગેઝિન જણાવે છે: ‘આજકાલ લોકો ટીવી ને ફિલ્મો જોઈ જોઈને ન શીખવાનું શીખે છે અને સુખનાં સપનાં જુએ છે.’ પણ ક્યાં ફિલ્મી પડદાનું જીવન ને ક્યાં વાસ્તવિક જીવન! ઘણા લોકો પૈસા પાછળ દોડે, દોડે તો ખરા પણ જાણે આંધળી દોડ. રાત-દિવસ બસ કામ, કામ ને કામ જ. પછી ભલે તબિયત બગડે, ભલે કુટુંબનો માળો વિખેરાય, ભલે ઈશ્વરનો હાથ છોડવો પડે. ત્યારે કોઈ એવું નથી વિચારતા, કે આ તો દુનિયાની હવા છે. આ તો દુનિયાના વિચારો છે, ઈશ્વરના નથી. ઈશ્વર નથી ચાહતા કે આપણે એ માર્ગે જઈએ. (૧ કોરીંથી ૨:૧૨; એફેસી ૨:૨) જેઓ ધનદોલત પાછળ પડે છે, તેઓના જીવનમાં કોઈ જાતનું સુખ નથી, નથી કોઈ જાતની શાંતિ.—નીતિવચનો ૧૮:૧૧; ૨૩:૪, ૫.

૯. આજકાલ લોકો શા માટે સુધારો કરવામાં સફળ નથી થતા?

આજકાલ સમાજસેવા કરવામાં જ ડૂબી જાય એવાય માણસો જોવા મળે છે. લોકોની ભૂખ ભાંગવા, બીમારોની સેવા કરવા અને લોકોને ન્યાય અપાવવા તેઓ રાત-દિન એક કરી નાખે છે. તેઓ પણ સુધારો કરી કરીને કેટલો કરશે! અરે જુઓ તો ખરા, “આખું જગત,” હા આ જગતનો ખૂણે ખૂણો શેતાનના હાથ નીચે ખદબદે છે.—૧ યોહાન ૫:૧૯.

૧૦. ઈશ્વર ક્યારે આપણને “ખરેખરૂં જીવન” આપશે?

૧૦ આવનાર જિંદગીમાં આપણી શ્રદ્ધા ઉપરછલ્લી જ હોય તો શું કામનું? બાઇબલ જણાવે છે કે, ‘જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય, તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.’ ઘણાને મન તો બસ આ જિંદગી જ સર્વસ્વ છે. એટલે તેઓ માને છે કે ચાલો ‘ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.’ (૧ કોરીંથી ૧૫:૧૯, ૩૨) પરંતુ આપણી શ્રદ્ધા પાકી છે, મજબૂત છે, કેમ કે ‘આપણે ઈશ્વરના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.’ (૨ પીતર ૩:૧૩) આપણને શ્રદ્ધા છે કે ત્યારે આપણે “ખરેખરૂં જીવન” પ્રાપ્ત કરીશું. એટલે કે સુખ-શાંતિના દિવસો આવશે. ત્યારે કદીયે કોઈ આપણું સુખ છીનવી નહિ લે. ખુદ ઈશ્વર આપણને અમર જીવન આપશે.—૧ તીમોથી ૬:૧૨.

૧૧. ઈશ્વર જે આશીર્વાદો આપશે એનો પ્રચાર કરવો કેમ મહત્ત્વનું છે?

૧૧ ઈશ્વર સર્વ તકલીફો, દુઃખ ને પાપ આ ધરતી પરથી દૂર કરશે. એ વાતનો પ્રચાર કરવો, એના જેવું મોટું કામ આ દુનિયામાં ક્યાંય નથી. (યોહાન ૪:૩૪) જ્યાં સુધી આપણે એ પ્રચાર કરતા રહીશું ત્યાં સુધી આપણને ઈશ્વરનો સથવારો મળશે. એના આશીર્વાદ મળશે. ધરતી ફરતે આપણા લાખો ભાઈ-બહેનો એ જ કામ કરે છે.

યહોવાહના આશીર્વાદ મેળવવા શું કરવું જોઈએ?

૧૨. આ જગતની મોહમાયા અને ઈશ્વરના આશીર્વાદમાં શું ફેર છે?

૧૨ આ ‘જગત તથા તેની લાલસા’ જતા રહેવાના છે. શેતાનનો એક અંશ પણ આ દુનિયામાં નહિ ટકે. પણ જે ઈશ્વરને માર્ગે ચાલે છે ‘તે સદા’ રહેશે. (૧ યોહાન ૨:૧૫-૧૭) આ જગતની મોહમાયા તો આજે છે ને કાલે નથી. પણ ઈશ્વર જે જીવન આપશે, જે આશીર્વાદ આપશે એ ટકશે. સદા ટકશે. ઈશ્વરના આશીર્વાદ મેળવવા આપણે અત્યારે જ બનતું બધું કરવું જોઈએ.

૧૩. હેન્રીભાઈ અને સુઝને ઈશ્વરને માર્ગે ચાલવા માટે શું કર્યું?

૧૩ હેન્રી અને સુઝનનો વિચાર કરો. તેઓને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા. તેઓનું માનવું છે કે જે કોઈ ઈશ્વરનું કહ્યું કરશે તેઓને ખુદ ઈશ્વર રોજી રોટી પૂરી પાડશે. (માત્થી ૬:૩૩) તેઓ રાત-દિવસ કામ પાછળ નથી પડતા. તેઓનું ઘર સાદું છે પણ સુખી છે. ઈશ્વરની ભક્તિ કરવાનો સમય છે. બે દીકરીઓ માટે પણ સમય છે. (હેબ્રી ૧૩:૧૫, ૧૬) એક ઓળખીતાનું મગજ કામ કરતું ન હતું કે આ બન્‍નેય કેમ આવું સાદું જીવન જીવે છે. તેણે સુઝનને કહ્યું કે, ‘જો તારે એશઆરામથી જીવવું હોય તો આ બધી ભક્તિ છોડ.’ પણ આપણા હેન્રીભાઈ અને સુઝન જાણતા હતા કે ફક્ત યહોવાહ જ ‘હમણાંના તથા હવે પછીના જીવનનું’ વચન આપે છે. (૧ તીમોથી ૪:૮; તીતસ ૨:૧૨) તેઓની બન્‍નેય દીકરીઓ મોટી થઈ, હવે પાયોનિયર સેવા કરે છે. કુટુંબને એવું કંઈ નથી થતું કે અમારી પાસે આ હોત કે પેલું હોત તો કેવું સારું! તેઓને તો ઈશ્વરને માર્ગે ચાલવાથી ઘણા આશીર્વાદ મળ્યા છે.—ફિલિપી ૩:૮; ૧ તીમોથી ૬:૬-૮.

‘જગતમાં તલ્લીન ન થઈ જઈએ’

૧૪. ઈશ્વરને માર્ગેથી ભટકી જઈશું તો શું પરિણામ આવશે?

૧૪ જો આપણે ધ્યાન નહિ રાખીએ તો આવનાર જીવનમાં આપણી શ્રદ્ધા નબળી પડી જશે. ‘સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી એ દબાઈ’ જશે. (લુક ૮:૧૪) આપણે રાતદિવસ રોજી રોટીની ‘ચિંતા’ કરીશું તો આ જગતનાં વમળમાં ફસાઈ જઈશું. (લુક ૨૧:૩૪) દુઃખની વાત છે કે અમુક એમાં ફસાઈ ગયા છે અને યહોવાહને માર્ગેથી ‘ભટકી ગયા છે. તેઓએ અમીર થવાની લાલચમાં ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.’ એમ કરીને તો તેઓ અનંતજીવનનો આશીર્વાદ ગુમાવી રહ્યા છે!—૧ તીમોથી ૬:૯, ૧૦, ૧૨; નીતિવચનો ૨૮:૨૦.

૧૫. જગતમાં તલ્લીન ન થયા હોવાથી, કીથભાઈના ફૅમિલીને કેવા આશીર્વાદો મળ્યા?

૧૫ પાઊલે સલાહ આપી કે આ જગતમાં વહેવાર તો કરવો પડે છે, પણ એમાં તલ્લીન ન થઈ જઈએ. (૧ કોરીંથી ૭:૩૧) કીથભાઈ અને તેમની પત્નીને તલ્લીન થવાનો મોકો તો હતો, પણ ન થયા. તેઓએ ઈશ્વરનું કહ્યું કર્યું. સાંભળો તેઓની વાત. કીથભાઈ કહે છે: ‘હું ડેન્ટીસ્ટનું ભણવાનું પતાવતો હતો એવામાં જ યહોવાહનો સાક્ષી બન્યો. જો મારે પૈસા બનાવવા હોત તો ઘણા બનાવી શક્યો હોત. પણ હું કામકાજમાં ડૂબી ન ગયો. એટલે મને મારા ફૅમિલી સાથે સમય મળ્યો. ઈશ્વરભક્તિ માટે પણ સમય મળ્યો. પાંચ દીકરીઓ સાથે સારો એવો સમય ગુજારી શક્યો. ભાગ્યે જ અમારી પાસે પૈસાની બચત રહેતી. અમે કરકસર કરીને જીવન ગુજારતા શીખ્યા. એમાં અમને રોજી-રોટી મળી જતી. અમારા ફૅમિલીમાં એકબીજાનો પ્રેમ હતો. હૂંફ હતી. આનંદ હતો. પછી અમે બધાય પાયોનિયરીંગ કરી શક્યા. હવે મારી દીકરીઓના લગ્‍ન થઈ ગયા છે. ત્રણ દીકરીઓને ઘરે બાળકો છે. તેઓ પણ યહોવાહને માર્ગે ચાલે છે, અને સુખી છે.’

પહેલાં ઈશ્વરને માર્ગે ચાલો

૧૬, ૧૭. ઈશ્વરને માર્ગે ચાલી હોય એવી જાણીતી વ્યક્તિઓના દાખલા બાઇબલમાંથી આપો.

૧૬ બાઇબલમાં એવા ઘણા દાખલા છે જેઓ ઈશ્વરને માર્ગે ચાલ્યા હતા. એવા પણ દાખલા છે જેઓ ઈશ્વરને માર્ગે ન ચાલ્યા. આપણે નાના-મોટા બધાય એમાંથી ઘણું શીખી શકીએ. (રૂમી ૧૫:૪; ૧ કોરીંથી ૧૦:૬, ૧૧) નિમ્રોદે મોટાં મોટાં શહેરો બાંધ્યા, પણ એ યહોવાહની સામો થયો. (ઉત્પત્તિ ૧૦:૮, ૯) હવે મુસાનો દાખલો લઈએ. મુસાએ માન-મોભો જતો કર્યો. તેમણે ‘ઇજિપ્ત દેશની સર્વ સંપત્તિના માલિક બનવા કરતાં ઈશ્વરે આપેલી જવાબદારી નિભાવવાનું વધારે પસંદ કર્યું.’ (હેબ્રી ૧૧:૨૬, IBSI) લુક વૈદ હતા. તેમણે પાઊલની અને બીજા અનેકની સારવાર કરી હશે. પણ લુકે એમાં પૈસા કમાવાને બદલે પ્રચાર કામમાં અને બાઇબલના ભાગો લખવામાં સમય ગુજાર્યો. પાઊલ વકીલ હતા. પણ તેમણે યહોવાહની સેવામાં સમય ગુજાર્યો. તે તો ‘વિદેશીઓના પ્રેરિત’ તરીકે જાણીતા હતા.—રૂમી ૧૧:૧૩.

૧૭ દાઊદ સારા સંગીતકાર હતા, સૈનિકોનાં સેનાપતિ પણ હતા. તોપણ આપણે તેમને સંગીતકાર કે સેનાપતિ તરીકે નથી ઓળખતા. આપણે તો તેમને ‘યહોવાહના મનગમતા’ ભક્ત તરીકે ઓળખીએ છીએ. (૧ શમૂએલ ૧૩:૧૪) દાનીયેલ બાબેલોનની સરકારના મોટા વડા હતા. પણ આપણે તેમને યહોવાહના એક પયગંબર તરીકે જાણીએ છીએ. એસ્તેરને ઈરાનની મહારાણી તરીકે નહિ, પણ એવી સ્ત્રી તરીકે જાણીએ છીએ કે જેનામાં શ્રદ્ધા હતી. હિંમત હતી. પીતર, આંદ્રયા, યાકૂબ અને યોહાનનો વિચાર કરો. તેઓને માછીમારનો ધંધો હતો. પણ આપણે તેઓને માછીમાર તરીકે નહિ પણ ઈસુના શિષ્યો તરીકે જાણીએ છીએ. અરે, ખુદ ઈસુનો વિચાર કરો. તે પણ સુથારીકામ જાણતા હતા. પણ આપણે તેમને સુથાર તરીકે નહિ, મસીહ કે ખ્રિસ્ત તરીકે જાણીએ છીએ. (માર્ક ૬:૩; માત્થી ૧૬:૧૬) આ દરેકના કિસ્સામાં તેઓ એક વાત સારી રીતે જાણતા હતા કે પોતે ઈશ્વરને પગલે પહેલાં ચાલવું જોઈએ. પછી ભલે તેઓને ગમે એ કામકાજ આવડતું, ભલે તેઓમાં ગમે એવી આવડત હોય, ભલે તેઓની પાસે પુષ્કળ પૈસો હોય. તેઓ ઈશ્વરને માર્ગે જ પહેલાં ચાલ્યા. ઈશ્વરનું કહ્યું પહેલાં કર્યું, પછી બીજી બધી વાત.

૧૮. જીનભાઈએ શું નક્કી કર્યું? એનું શું પરિણામ આવ્યું?

૧૮ આપણે શરૂઆતમાં જીનભાઈની વાત કરી તે પોતે હવે કહે છે: “મારો બધો સમય હું લોકોની સારવારમાં, ચિત્રકળામાં કે સ્કૂલમાં બીજાઓને શીખવવામાં વેડફી દેતો નથી. એને બદલે હું યહોવાહની સેવા કરું છું. હું હવે એવી જગ્યાએ સેવા આપું છું જ્યાં લોકોને બાઇબલમાંથી શીખવાની ભૂખ હોય. મને એમ હતું કે યહોવાહની સેવા કરવાથી શું વળવાનું છે? પણ મને એનાથી ઘણું શીખવા મળે છે. મારો સ્વભાવ સારો કરવાની કોશિશ કરું છું. અલગ અલગ જાતના લોકો સાથે ભળવાની કોશિશ કરું છું. હવે મને ખબર પડી કે યહોવાહને માર્ગે જ ચાલવું જોઈએ, એના સિવાય બીજું બધું નકામું છે.”

૧૯. તમે કેવી રીતે જીવનમાં સાચી ખુશી પામી શકો?

૧૯ યહોવાહે આપણને સત્યનું જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાનથી લોકોને જીવનની ભેટ મળી શકે છે. (યોહાન ૧૭:૩) આપણે ઈશ્વરની કૃપા તો સ્વીકારી છે, પણ એની જવાબદારી ન ભૂલવી જોઈએ. (૨ કોરીંથી ૬:૧) આપણા જીવનની ઘડીઓ યહોવાહની સેવા કરવા માટે વાપરવી જોઈએ. યહોવાહનું જ્ઞાન ફેલાવવું જોઈએ, જેનાથી આપણને સાચું સુખ મળશે. અમર જીવન મળશે. એમ કરીશું તો “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે,” એ પ્રભુ ઈસુનું વચન આપણે પોતે જીવનમાં અનુભવીશું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે પોતે અનુભવીશું કે યહોવાહની સેવામાં જ સાચી ખુશી, સાચો સંતોષ મળે છે. (w07 10/1)

[Footnote]

^ અમુક નામ બદલ્યાં છે.

તમે કેવો જવાબ આપશો?

• સૌથી વધારે સુખ શું કરવાથી મળે છે?

• શા માટે પૈસા પાછળ ન પડવું જોઈએ?

• ઈશ્વર આપણને કેવા જીવનનું વચન આપે છે?

• આપણે કઈ રીતે ઈશ્વરને માર્ગે ચાલી શકીએ?

[Study Questions]

[Pictures on page 21]

યહોવાહના આશીર્વાદ મેળવવા શું કરવું જોઈએ?