સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવાહના મહાન દિવસ માટે તૈયાર છો?

શું તમે યહોવાહના મહાન દિવસ માટે તૈયાર છો?

શું તમે યહોવાહના મહાન દિવસ માટે તૈયાર છો?

“યહોવાહનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.”—સફાન્યાહ ૧:૧૪.

૧-૩. (ક) યહોવાહના દિવસ વિષે બાઇબલ શું કહે છે? (ખ) કયા દિવસની આપણે રાહ જોઈએ છીએ?

 યહોવાહનો મહાન દિવસ ૨૪ કલાકનો જ નથી. પણ એ એક લાંબો સમયગાળો છે. એ દિવસે યહોવાહ દુષ્ટોનો નાશ કરશે. તેઓ માટે એ દિવસ અંધકારનો, કોપનો, દુઃખનો અને સંકટનો હશે. (યશાયાહ ૧૩:૯; આમોસ ૫:૧૮-૨૦; સફાન્યાહ ૧:૧૫) યોએલ પ્રબોધકે કહ્યું: “તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાહનો દિવસ નજીક છે, ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશરૂપે આવશે.” (યોએલ ૧:૧૫) પણ “યથાર્થ [ન્યાયી] હૃદયવાળાઓને” ઈશ્વર બચાવશે.—ગીતશાસ્ત્ર ૭:૧૦.

યહોવાહે પહેલાં પણ અનેક વાર દુષ્ટોને સજા ફટકારી છે. એટલે તેમના ચુકાદાને ‘યહોવાહનો દિવસ’ કહેવામાં આવે છે. દાખલા તરીકે, ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહોવાહે યરૂશાલેમનો નાશ કરવા બાબેલોનનો ઉપયોગ કર્યો. (સફાન્યાહ ૧:૪-૭) એ જ રીતે ૭૦ની સાલમાં યહુદીઓને સજા ફટકારવા યહોવાહે રોમન રાજ્યનો ઉપયોગ કર્યો. કેમ કે યહુદીઓએ ઈશ્વરના દીકરા ઈસુનો નકાર કર્યો હતો. (દાનીયેલ ૯:૨૪-૨૭; યોહાન ૧૯:૧૫) બાઇબલ જણાવે છે કે ભાવિમાં ‘યહોવાહના દિવસે તે પોતે પ્રજાઓની સામે જઈને લડશે.’ (ઝખાર્યાહ ૧૪:૧-૩) પ્રેરિત પાઊલ ઈશ્વરની મદદથી સમજી શક્યા કે એ દિવસ ઈસુના રાજા બનવા સાથે જોડાયેલો છે. યહોવાહે ૧૯૧૪માં ઈસુને સ્વર્ગમાં મસીહી રાજ્યના રાજા બનાવ્યા. (૨ થેસ્સાલોનીકી ૨:૧, ૨) આજે દુનિયાની હાલત પરથી પારખી શકાય છે કે યહોવાહનો દિવસ બહુ જ નજીક છે. એટલે જ યહોવાહના સાક્ષીઓએ ૨૦૦૭ માટે સફાન્યાહ ૧:૧૪નું વચન પસંદ કર્યું: “યહોવાહનો મહાન દિવસ નજીક છે.”

યહોવાહનો મહાન દિવસ બહુ જ નજીક હોવાથી આપણે પોતાને પૂછવું જોઈએ: ‘શું હું એ દિવસ માટે તૈયાર છું? જો ન હોઉં તો શું કરવાની જરૂર છે?’

તમે તૈયાર છો એવું તમારા કામોથી પુરાવો આપો

૪. ઈસુ શાના માટે તૈયાર હતા?

શિષ્યોને દુષ્ટ જગતના અંત વિષે જણાવ્યા પછી ઈસુએ ઉત્તેજન આપ્યું: ‘તમે તૈયાર રહો.’ (માત્થી ૨૪:૪૪) ઈસુએ એમ કહ્યું ત્યારે તે પણ કુરબાની આપવા તૈયાર હતા. (માત્થી ૨૦:૨૮) ઈસુના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૫, ૬. (ક) યહોવાહ ને લોકો માટેનો પ્રેમ આપણને તેમના મહાન દિવસ માટે તૈયાર રહેવા કઈ રીતે મદદ કરશે? (ખ) ઈસુએ લોકોને પ્રેમ બતાવ્યો એમાંથી આપણે શું શીખી શકીએ?

ઈસુની રગરગમાં યહોવાહ ને તેમના ધોરણો માટે પ્રેમ હતો. ઈસુ વિષે હેબ્રી ૧:૯ કહે છે: ‘તેં ન્યાયીપણા પર પ્રીતિ રાખી છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે; એ માટે ઈશ્વરે તને તારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યો છે.’ ઈસુને યહોવાહ પિતા માટે અતૂટ પ્રેમ હતો. તે મરતા સુધી યહોવાહને વફાદાર રહ્યા. આપણે પણ ઈસુની જેમ યહોવાહ ને તેમના ધોરણો માટે પ્રેમ કેળવવો જોઈએ. તો જ યહોવાહ આપણું રક્ષણ કરશે. (ગીતશાસ્ત્ર ૩૧:૨૩) આવો પ્રેમ આપણને યહોવાહના મહાન દિવસ માટે તૈયાર રહેવા મદદ કરશે.

ઈસુને લોકો માટે ખૂબ જ પ્રેમ હતો. તેમના સ્વભાવમાંથી પ્રેમ નીતરતો હતો. એટલે ‘લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં, ખોવાઈ ગએલા ને હેરાન થએલા ઘેટાંના જેવા હતા.’ (માત્થી ૯:૩૬) તે બધે જ ઈશ્વરના રાજ્ય વિષે ખુશખબર ફેલાવતા. ઈસુની જેમ આપણને પણ યહોવાહ અને લોકો માટે પ્રેમ છે. તેથી આપણે બધે જ લોકોને પ્રચાર કરીએ છીએ. આમ આપણને યહોવાહના મહાન દિવસ માટે તૈયાર થવા મદદ મળે છે.—માત્થી ૨૨:૩૭-૩૯.

૭. યહોવાહના મહાન દિવસની રાહ જોવામાં આપણને કેમ આનંદ થાય છે?

યહોવાહની ઇચ્છા પ્રમાણે સેવા કરવાનું ઈસુને ગમતું હતું. (ગીતશાસ્ત્ર ૪૦:૮) આપણને પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવાનું ગમતું હશે તો, રાજીખુશીથી અને તન-મન-ધનથી તેમની ભક્તિ કરતા રહીશું. એનાથી આપણો આનંદ વધશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) સાચે જ ‘યહોવાહનો આનંદ જ આપણું સામર્થ્ય છે.’ એ આનંદથી યહોવાહના મહાન દિવસ માટે આપણે સારી રીતે તૈયાર થઈ શકીશું.—નહેમ્યાહ ૮:૧૦.

૮. શા માટે યહોવાહને પ્રાર્થના કરતા રહેવું જોઈએ?

આકરી કસોટીમાંથી પસાર થવા ઈસુએ દિલ ઠાલવીને યહોવાહને પ્રાર્થના કરી. આમ તે એ કસોટી માટે તૈયાર થઈ શક્યા. યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું ત્યારે પણ ઈસુએ પ્રાર્થના કરી. ઈસુએ શિષ્યોને પસંદ કરતાં પહેલાં પણ આખી રાત પ્રાર્થનામાં યહોવાહની મદદ માંગી. (લુક ૬:૧૨-૧૬) ઈસુએ પોતાના જીવનની છેલ્લી રાત્રે કરેલી પ્રાર્થના વાંચવાથી આપણા દિલ પર કેવી ઊંડી અસર પડે છે! (માર્ક ૧૪:૩૨-૪૨; યોહાન ૧૭:૧-૨૬) ઈસુની જેમ શું તમે પણ યહોવાહને વારંવાર પ્રાર્થના કરો છો? યહોવાહને હંમેશાં પ્રાર્થના કરતા રહીએ. શાંતિથી પ્રાર્થના કરવા સમય કાઢીએ. એમાં યહોવાહનું માર્ગદર્શન ને મદદ માંગતા રહીએ. એ મળે ત્યારે દિલથી પાળતા રહીએ. યહોવાહ આપણા સર્જનહાર અને પિતા છે. તેમની સાથે પાક્કો નાતો બાંધવાની જરૂર છે. આપણે કટોકટીના સમયમાં જીવી રહ્યાં છીએ. યહોવાહનો મહાન દિવસ ઝડપથી આવી રહ્યો છે. એટલે યહોવાહ સાથે પાક્કો નાતો બાંધવા પ્રાર્થનામાં લાગુ રહેવું જોઈએ.—યાકૂબ ૪:૮.

૯. યહોવાહનું નામ પવિત્ર થાય એ કેમ આપણા માટે મહત્ત્વનું હોવું જોઈએ?

ઈસુને મન યહોવાહનું નામ પવિત્ર કરવું સૌથી મહત્ત્વનું હતું. એટલે તેમને કસોટીઓમાંથી પસાર થવા મદદ મળી. ઈસુએ શિષ્યોને શીખવ્યું કે પ્રાર્થનામાં યહોવાહને વિનંતી કરવી જોઈએ કે “તારૂં નામ પવિત્ર મનાઓ.” (માત્થી ૬:૯) આપણી તમન્‍ના પણ યહોવાહનું નામ પવિત્ર થાય એવી હોવી જોઈએ. યહોવાહનું નામ બદનામ થાય એવું આપણે કંઈ જ નહિ કરીએ. આમ આપણે યહોવાહના મહાન દિવસ માટે સારી રીતે તૈયાર થઈશું.

શું તમારે સુધારો કરવાની જરૂર છે?

૧૦. આપણે પોતાનું જીવન કેમ તપાસવું જોઈએ?

૧૦ ધારો કે યહોવાહનો મહાન દિવસ કાલે આવે તો, શું તમે તૈયાર છો? દરેકે પોતાનું જીવન તપાસવું જોઈએ. પોતાના વાણી-વર્તન ને સ્વભાવમાં જોઈતો સુધારો કરવો જોઈએ. આપણે જાણીએ છીએ જીવન પલ બે પલનું છે. તેથી દરરોજ યહોવાહને પસંદ પડે એમ જીવવું જોઈએ. (સભાશિક્ષક ૯:૧૧, ૧૨; યાકૂબ ૪:૧૩-૧૫) તો ચાલો આપણે સુધારો કરવાની જરૂર હોય એવી અમુક બાબતો જોઈએ.

૧૧. આખું બાઇબલ વાંચવા તમે શું કરશો?

૧૧ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને દરરોજ બાઇબલ વાંચવા ઉત્તેજન આપે છે. (માત્થી ૨૪:૪૫) આપણે દરરોજ બાઇબલના ત્રણ-ચાર અધ્યાય વાંચીને એના પર વિચાર કરવાની ગાંઠ વાળવી જોઈએ. એમ કરવાથી વર્ષમાં આખું બાઇબલ, હા ૧,૧૮૯ અધ્યાયો વાંચી શકીશું! ઈસ્રાએલના રાજાઓને ‘પોતાના આયુષ્યના સર્વ દિવસો પર્યંત’ ઈશ્વરના નિયમ વાંચવાની યહોવાહે આજ્ઞા આપી હતી. યહોશુઆએ પણ એમ જ કર્યું હતું. (પુનર્નિયમ ૧૭:૧૪-૨૦; યહોશુઆ ૧:૭, ૮) વડીલોએ પણ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ. એનાથી તેઓ યહોવાહનું સત્ય સારી રીતે શીખવી શકશે!—તીતસ ૨:૧.

૧૨. યહોવાહનો દિવસ ઝડપથી આવતો જોઈને આપણે શું કરવું જોઈએ?

૧૨ યહોવાહનો દિવસ ઝડપથી આવી રહ્યો છે. તેથી આપણે દરેક મિટિંગમાં જવું જોઈએ. એમાં ભાગ લેવો જોઈએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) એમ કરવાથી આપણે સારી રીતે પ્રચાર કરવાની ને શીખવવાની કળા કેળવી શકીશું. તેમ જ સત્ય માટે તરસે છે તેઓને યહોવાહનું અમૃત પાણી પાઈ શકીશું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) કદાચ આપણે મંડળમાં વધારે જવાબદારી ઉપાડી શકીએ. જેમ કે નાની-મોટી ઉંમરના ભાઈ-બહેનોને મદદ કરી શકીએ. તેઓને ઉત્તેજન આપી શકીએ. એમ કરવાથી આપણા દિલને ખુશી મળશે.

સર્વ સાથેનો તમારો વ્યવહાર

૧૩. નવો સ્વભાવ કેળવવા વિષે પોતાને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?

૧૩ યહોવાહનો દિવસ ઝડપથી આવશે. એ પહેલાં તમારે ‘ઈશ્વરની પ્રતિમા પ્રમાણે સર્જાયેલો નવો સ્વભાવ’ પહેરી લેવાની જરૂર છે. એમ કરવું તમને અઘરું લાગે છે? (એફેસી ૪:૨૦-૨૪, પ્રેમસંદેશ) તમે ઈશ્વર જેવા ગુણો ને સ્વભાવ કેળવશો તો બધા એ જોઈ શક્શે. તેઓ જાણશે કે તમે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલી રહ્યા છો. (ગલાતી ૫:૧૬, ૨૨-૨૫) તમે કેવી બાબતોમાં સુધારો કર્યો છે એ શું તમે ને તમારું કુટુંબ જણાવી શકો? (કોલોસી ૩:૯, ૧૦) દાખલા તરીકે ભાઈ-બહેનો અને બીજાઓને શું તમે મદદ કરો છો? તેઓને દયા બતાવો છો? (ગલાતી ૬:૧૦) દરરોજ બાઇબલમાંથી શીખવાથી તમને ઈશ્વર જેવા ગુણો કેળવવા મદદ મળશે. તેમ જ, તમે યહોવાહના દિવસ માટે તૈયાર થઈ શકશો.

૧૪. ગુસ્સાને કાબૂમાં રાખવા કેમ વારંવાર પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માગવી જોઈએ?

૧૪ શું તમે નાની નાની બાબતમાં ગુસ્સે થાઓ છો. ગુસ્સાને કાબૂમાં રાખવા શું મદદ કરી શકે? ઈશ્વરની શક્તિ! આપણે પ્રાર્થનામાં તેમની પાસે એ વારંવાર માંગતા રહેવું જોઈએ. એનાથી આપણને તેમના જેવા ગુણો કેળવવામાં મદદ મળશે. ઈસુએ પણ કહ્યું કે ‘માગો, તો તમને આપવામાં આવશે. શોધો, તો તમને જડશે. ઠોકો, તો તમારે સારૂ ઉઘાડવામાં આવશે. જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા જરૂર આપશે.’—લુક ૧૧:૯-૧૩.

૧૫. મંડળમાં કોઈ ભાઈ-બહેન સાથે બનતું ન હોય તો શું કરવું જોઈએ?

૧૫ ધારો કે મંડળમાં કોઈ ભાઈ કે બહેન સાથે તમારું બનતું નથી. એમ હોય તો તેમની સાથે સંબંધ સુધારવા બનતું બધું જ કરો. એનાથી મંડળમાં પ્રેમ ને શાંતિ વધશે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩) ઈસુએ માત્થી ૫:૨૩, ૨૪ અને ૧૮:૧૫-૧૭માં આપેલી સલાહ દિલમાં ઉતારો. ધારો કે તમે ગુસ્સે થાવ તો તમારા ક્રોધ પર સૂર્ય આથમવા ન દો. એ પહેલાં જ ગુસ્સાને ઠંડો પાડી દો. તેમ જ, માફ કરવા તૈયાર રહો. પ્રેરિત પાઊલે લખ્યું: ‘તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને માફ કરો.’—એફેસી ૪:૨૫, ૨૬, ૩૨.

૧૬. લગ્‍નસાથીએ એકબીજાને કેવી રીતે દયા બતાવી જોઈએ?

૧૬ પતિ-પત્નીએ પણ હંમેશાં એકબીજાને પ્રેમ કરવો જોઈએ. દયા બતાવવી જોઈએ ને માફ કરનાર બનવું જોઈએ. ધારો કે તમે લગ્‍નસાથીને પૂરતો પ્રેમ ને દયા બતાવતા નથી, તો શું? બાઇબલ વધારે વાંચો. પછી જે વાંચો એ જીવનમાં લાગુ પાડો. પહેલો કોરીંથી ૭:૧-૫ પ્રમાણે લગ્‍ન સાથીને પ્રેમ બતાવવા શું તમારે સુધારો કરવાની જરૂર છે? જો કરશો તો લગ્‍નજીવનમાં વધુ આનંદ આવશે ને બેવફા થવાની શક્યતા ટાળશો. પતિ-પત્નીએ હંમેશાં જીવનસાથીને પ્રેમ ને દયા બતાવતા રહેવું જોઈએ.

૧૭. તમે ગંભીર પાપ કર્યું હોય તો, શું કરવું જોઈએ?

૧૭ ધારો કે તમે ગંભીર પાપ કર્યું છે. હવે શું કરશો? બની શકે એમ જલદીથી યહોવાહ સાથે ફરી નાતો બાંધવા પગલાં લો. મંડળના વડીલોની મદદ લો. તેઓની સલાહ ને પ્રાર્થના તમને ફરીથી યહોવાહ સાથે નાતો બાંધવા મદદ કરશે. (યાકૂબ ૫:૧૩-૧૬) સાચા દિલથી પસ્તાવો કરીને યહોવાહને પ્રાર્થના કરો. એમ નહિ કરો તો તમારું મન દુભાયા કરશે. દિલ ડંખ્યા કરશે. દાઊદે પણ એવું અનુભવ્યું. તેમણે પોતાનું પાપ યહોવાહ આગળ કબૂલ્યું ત્યારે તેમનો ભાર ઊતર્યો. દિલમાં શાંતિ વળી! પછી દાઊદે લખ્યું: ‘જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. જેને યહોવાહ અન્યાયી ગણતો નથી, અને જેનામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.’ (ગીતશાસ્ત્ર ૩૨:૧-૫) વ્યક્તિ પાપ કર્યા પછી સાચા દિલથી પસ્તાવો કરે તો, યહોવાહ તેને જરૂર માફ કરશે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૪; નીતિવચનો ૨૮:૧૩.

જગતનો ભાગ ન બનીએ

૧૮. આ દુનિયા વિષે તમને કેવું લાગે છે?

૧૮ યહોવાહ પિતાએ સ્વર્ગ જેવી નવી દુનિયાનું વચન આપ્યું છે. એની તમે કાગને ડોળે રાહ જોતા હશો એમાં કોઈ શંકા નથી! પણ મોટા ભાગની દુનિયા તો યહોવાહને ઓળખતી નથી. તેઓ વિષે તમને કેવું લાગે છે? શેતાન ‘આ જગતનો અધિકારી’ કે રાજા છે. તોપણ તે ઈસુ ખ્રિસ્તને પોતાના વશમાં કરી ન શક્યો. (યોહાન ૧૨:૩૧; ૧૪:૩૦) તમે પણ નહિ ચાહો કે શેતાન તમને વશમાં કરી લે, ખરું ને? પ્રેરિત યોહાનની આ સલાહને ધ્યાન આપો: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો.” એમાં જ આપણું ભલું છે. કેમ કે ‘જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહેશે.’—૧ યોહાન ૨:૧૫-૧૭.

૧૯. બાળકોને કેવો ધ્યેય બાંધવા ઉત્તેજન આપવામાં આવે છે?

૧૯ શું તમે બાળકોને આ ‘જગતથી નિષ્કલંક’ રહેવા મદદ કરો છો? (યાકૂબ ૧:૨૭) શેતાન બાળકોને પોતાની ચાલમાં ફસાવવા જાળ પાથરે છે. કઈ રીતે? તે જાતજાતના ક્લબ ને સંસ્થાઓ વાપરે છે. એમાં યુવાનોને ગમી જાય એવી પ્રવૃત્તિઓ હોય છે. એનાથી યુવાનોને શેતાનના જગતનો રંગ લાગે છે. પણ આપણે યહોવાહના ભક્તો છીએ. તેમની સંસ્થાનો ભાગ છીએ. વળી, દુષ્ટ જગતનો અંત આવશે ત્યારે ફક્ત યહોવાહની સંસ્થા જ બચશે. યુવાનોને શેતાનના જગતનો રંગ ન લાગે માટે તેઓને ‘પ્રભુના કામમાં’ વ્યસ્ત રહેવા ઉત્તેજન આપો. (૧ કોરીંથી ૧૫:૫૮) બાળકોને જીવનભર યહોવાહનું નામ રોશન કરવામાં આનંદ મળે એવો ધ્યેય બાંધવા માબાપે મદદ કરવી જોઈએ. આમ તમે યહોવાહના દિવસ માટે બાળકોને તૈયાર રહેવા મદદ કરી શકો.

યહોવાહના મહાન દિવસ પછીનું જીવન

૨૦. આપણે કેમ અમર જીવનો વિચાર કરવો જોઈએ?

૨૦ આપણે અમર જીવન પર નજર રાખીશું તો શાંતિથી યહોવાહના દિવસ સુધી રાહ જોઈ શકીશું. (યહુદા ૨૦, ૨૧) સ્વર્ગ જેવી નવી દુનિયામાં જીવવાની કલ્પના કરતા રહીએ. દિવસે-દિવસે આપણે યુવાન થઈશું. આપણી પાસે પુષ્કળ ટાઇમ હશે. મનગમતા શોખ પૂરાં કરી શકીશું. યહોવાહને સારી રીતે ઓળખી શકીશું. તોય આપણે તેમને સોએ-સો ટકા નહિ ઓળખી શકીએ. આપણે ‘તેમના માર્ગોનો માત્ર ઇશારો જ’ જાણી શકીશું. (અયૂબ ૨૬:૧૪) કેવું સરસ ભાવિ!

૨૧, ૨૨. સજીવન થશે તેઓને તમે શું પૂછશો કે કહેશો?

૨૧ નવી દુનિયામાં ગુજરી ગયેલાઓ ઊંઘમાંથી જાગશે. તેઓ આપણને પોતાના જીવન વિષે એવી બાબતો જણાવશે જે વિષે આપણે કંઈ જાણતા નથી. જેમ કે હનોખ પાસેથી જાણવા મળશે કે કેવી રીતે તેમણે હિંમતથી દુષ્ટ લોકોને યહોવાહનો સંદેશો આપ્યો. (યહુદા ૧૪, ૧૫) નુહ જણાવશે કે વહાણ બાંધવાનું તેમને કેવું લાગ્યું. ઈબ્રાહીમ ને સારાહને ઉર દેશમાં પોતાનું એશઆરામનું ઘર છોડીને તંબૂમાં રહેવાનું કેવું લાગ્યું. હામાને યહોવાહના લોકોનો નાશ કરવા કાવતરું રચ્યું. પણ એસ્તરે પોતાના લોકોને બચાવવા શું કર્યું, એ તે જણાવી શકશે. (એસ્તેર ૭:૧-૬) તેમ જ યૂના જણાવશે કે મોટી માછલીના પેટમાં ત્રણ દિવસ કેવી રીતે પસાર કર્યા? અરે, યોહાન બાપ્તિસ્મક પણ જણાવશે કે ઈસુને બાપ્તિસ્મા આપતી વખતે તેમને કેવું લાગ્યું? (લુક ૩:૨૧, ૨૨; ૭:૨૮) એ બધું જાણવાની કેવી મજા આવશે!

૨૨ ઈસુ પૃથ્વી પર હજાર વર્ષ રાજ કરશે ત્યારે આપણને કહેવામાં આવી શકે કે સજીવન થએલાઓને ‘યહોવાહનું જ્ઞાન’ લેવા મદદ કરો. (નીતિવચનો ૨:૧-૬) આજે લોકો યહોવાહ વિષે શીખે છે. તેમના માર્ગે ચાલે છે. એ જોઈને આપણને કેટલો આનંદ થાય છે! કલ્પના કરો કે સદીઓ પહેલાં જીવતાં હતાં, તેઓ નવી દુનિયામાં આપણી પાસેથી યહોવાહ વિષે શીખે છે. યહોવાહની મદદથી તમે તેઓને શીખવો છો. પછી તેઓ તન-મનથી યહોવાહને ભજે છે. એનાથી આપણને કેવું લાગશે!

૨૩. આપણે શું કરવાની ગાંઠ વાળવી જોઈએ?

૨૩ આજે આપણને અઢળક આશીર્વાદો મળી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૪૦:૫) યહોવાહ આપણને જે રીતે તેમનું જ્ઞાન પૂરું પાડે છે એની આપણે કદર કરવી જોઈએ. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) ભલે આપણા સંજોગો ગમે એવા હોય, તોપણ ચાલો આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ. તન-મન-ધનથી તેમની ભક્તિ કરીએ. (w07 12/15)

[Study Questions]

તમે કેવી રીતે સમજાવશો?

• “યહોવાહનો મહાન દિવસ” શું છે?

• તમે યહોવાહના દિવસ માટે કઈ રીતે તૈયાર રહી શકો?

• યહોવાહનો મહાન દિવસ બહુ જ નજીક હોવાથી આપણે કેવા ફેરફાર કરવાની જરૂર પડી શકે?

• યહોવાહના મહાન દિવસ પછી તમે શું કરવાની આશા રાખો છો?

[Picture on page 14]

ઈસુ કસોટી માટે તૈયાર હતા

[Picture on page 17]

સજીવન થશે એમાંના અમુકને યહોવાહનું જ્ઞાન આપવાનો આશીર્વાદ!