સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માલાખીના મુખ્ય વિચારો

માલાખીના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

માલાખીના મુખ્ય વિચારો

યહુદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા પછી યરૂશાલેમ આવ્યા. ત્યાં ફરીથી યહોવાહનું મંદિર બાંધ્યું. એ વાતને સિત્તેર વર્ષ થયા. તોય યહોવાહ સાથેનો તેઓનો નાતો નબળો હતો. અરે, યાજકો પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હતા. એવા સંજોગમાં કોણ તેઓનું અસલી રૂપ ખુલ્લું પાડશે? કોણ તેઓને ફરીથી ઈશ્વર સાથે નાતો બાંધવા મદદ કરશે? યહોવાહે એ કામ માલાખી પ્રબોધકને સોંપ્યું.

યહોવાહે કડક શબ્દોમાં માલાખીને સંદેશો ને ભવિષ્યવાણી આપ્યા, એ તેમણે લખી લીધા. માલાખીનું પુસ્તક હેબ્રી શાસ્ત્રમાં છેલ્લું છે. માલાખીની ભવિષ્યવાણીને ધ્યાન આપીશું તો ‘યહોવાહના મહાન તથા ભયંકર દિવસથી’ બચી જઈશું. એ દિવસે આ દુષ્ટ જગતનો અંત આવશે.—માલાખી ૪:૫.

યાજકોએ ‘ઘણાઓને ઠોકર ખવડાવી’માલાખી ૨:૮

(માલાખી ૧:૧–૨:૧૭)

યહોવાહ જણાવે છે કે પોતાના લોકો પ્રત્યે તેમને કેવું લાગે છે: “મેં તમારા પર પ્રીતિ રાખી છે.” પણ યાજકોએ યહોવાહનું નામ ધિક્કાર્યું છે. કેવી રીતે? તેઓ ‘યહોવાહની વેદી પર અપવિત્ર અન્‍ન ચઢાવતા.’ તેમ જ ‘આંધળા, લંગડા ને રોગિષ્ઠ જાનવરનું’ બલિદાન ચઢાવતા.—માલાખી ૧:૨, ૬-૮.

યાજકોએ ‘ઘણાઓને ઠોકર ખવડાવી’ હતી. લોકો પણ પોતાના ‘ભાઈઓ સાથે કપટથી વર્તતા.’ અમુક તો પરદેશી સ્ત્રીઓને પરણ્યા હતા. વળી બીજાઓએ ‘પોતાની જુવાનીની પત્ની’ પર જુલમ ગુજાર્યો હતો.—માલાખી ૨:૮, ૧૦, ૧૧, ૧૪-૧૬.

સવાલ-જવાબ:

૨:૨—યહોવાહે કઈ રીતે ભ્રષ્ટ યાજકોના ‘આશીર્વાદોને શાપરૂપ કર્યા’? ભ્રષ્ટ યાજકો લોકોને આશીર્વાદો આપતા એને યહોવાહ શાપરૂપ કરી નાખતા.

૨:૩—યાજકોના ‘મુખ પર છાણ ચોપડવાનો’ શું અર્થ થાય? ઈસ્રાએલને નિયમ આપવામાં આવ્યો હતો કે તેઓ જે પશુઓનું બલિદાન કરે એનું છાણ છાવણી બહાર બાળી નાખવું. (લેવીય ૧૬:૨૭) યાજકોના મુખ પર છાણ ચોપડવાનો અર્થ થાય કે યહોવાહે તેઓનો ને યજ્ઞોનો નકાર કર્યો છે.

૨:૧૩—યહોવાહની વેદી કોનાં આંસુથી ઢંકાઈ ગઈ હતી? ઈસ્રાએલી પત્નીઓ મંદિરમાં યહોવાહની આગળ આંસુ સારતી હતી. તેઓને શું દુઃખ હતું? તેઓના પતિઓએ પરદેશી યુવાન સ્ત્રીને પરણવા તેઓને ખોટાં કારણો આપીને છૂટાછેડા આપ્યા હતા.

આપણે શું શીખી શકીએ?

૧:૧૦. સ્વાર્થી યાજકોના અર્પણો યહોવાહને પસંદ ન હતાં. કેમ કે તેઓ મંદિરના દરવાજા બંધ કરવા ને વેદી પર અગ્‍નિ સળગાવવાના પૈસા લેતા હતા. આપણે તેઓની જેમ યહોવાહની ભક્તિમાં સ્વાર્થી ન હોવા જોઈએ. આપણે યહોવાહ ને લોકોની સાચા દિલથી સેવા કરવી જોઈએ. તેમ જ, પૈસાની લાલચ ન રાખવી જોઈએ!—માત્થી ૨૨:૩૭-૩૯; ૨ કોરીંથી ૧૧:૭.

૧:૧૪; ૨:૧૭. યહોવાહ ઢોંગ ચલાવી લેતા નથી.

૨:૭-૯. વડીલો ને સેવકાઈ ચાકરોને બાઇબલમાંથી યહોવાહનું સત્ય શીખવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ‘વિશ્વાસુ તથા શાણા ચાકરે’ બાઇબલ સમજાવતાં જે પુસ્તકો બહાર પાડ્યા છે એના આધારે તેઓએ શીખવવું જોઈએ.—લુક ૧૨:૪૨; યાકૂબ ૩:૧૧.

૨:૧૦, ૧૧. યહોવાહ ચાહે છે કે આપણે ‘કેવળ પ્રભુમાં જ’ લગ્‍ન કરીએ. આપણે એમ જ કરવું જોઈએ.—૧ કોરીંથી ૭:૩૯.

૨:૧૫, ૧૬. લગ્‍નજીવન માટે આપણને ઊંડું માન હોવું જોઈએ. પત્ની સાથે પ્રેમથી વર્તવું જોઈએ.

‘યહોવાહ પોતાના મંદિરમાં આવશે’

(માલાખી ૩:૧–૪:૬)

“કરારનો દૂત” એટલે ઈસુ ખ્રિસ્ત સાથે યહોવાહ અચાનક પોતાના મંદિરમાં આવશે. યહોવાહ પોતાના ‘લોકોનો ન્યાય કરવા આવશે.’ દરેક પ્રકારનાં ખોટાં કામોની તે પોતે સાક્ષી આપશે. તેમ જ, યહોવાહનો ભય રાખે છે તેઓના નામ તે ‘યાદીના પુસ્તકમાં’ લખશે.—માલાખી ૩:૧, ૩, ૫, ૧૬.

‘ભઠ્ઠીની પેઠે બળતો’ દિવસ જલદી જ આવશે. એમાં સર્વ ગર્વિષ્ઠો ને દુરાચારીઓનો નાશ થશે. એ દિવસ પહેલાં પ્રબોધકને મોકલવામાં આવશે જેથી તે ‘પિતાઓનાં મન પુત્રો તરફ ને પુત્રોનાં મન પોતાના પિતાઓ તરફ ફેરવે.’—માલાખી ૪:૧, ૫, ૬.

સવાલ-જવાબ:

૩:૧-૩—યહોવાહ ‘કરારના દૂત’ સાથે ક્યારે મંદિરમાં આવ્યા? તેઓની આગળ કોને મોકલવામાં આવ્યા? ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે યહોવાહે તેમને ભાવિ રાજા તરીકે પસંદ કર્યા. એના સાડા ત્રણ વર્ષ પછી એટલે કે નિશાન ૧૦, ઈ.સ. ૩૩માં યહોવાહે પોતાનું મંદિર સાફ કરવા ઈસુને મોકલ્યા. તેમણે મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂક્યાં. (માર્ક ૧૧:૧૫) એ જ રીતે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા એના સાડા ત્રણ વર્ષ પછી તે યહોવાહ સાથે ઈશ્વરનું ‘મંદિર’ કે મંડળ તપાસવા આવ્યા. તેઓને જાણવા મળ્યું કે મંડળને જૂઠી માન્યતાથી મુક્ત થવાની જરૂર છે. યહોવાહે પહેલી સદીમાં ઈસુ ખ્રિસ્ત માટે યહૂદીઓને તૈયાર કરવા યોહાન બાપ્તિસ્મકને મોકલ્યા હતા. આપણા સમયમાં યહોવાહ પોતાનું મંદિર કે મંડળ તપાસવા આવે એ પહેલાં તેમણે એક ગ્રૂપને મોકલ્યું. ૧૮૮૦ના દાયકામાં આ બાઇબલ વિદ્યાર્થીઓનું ગ્રૂપ બાઇબલનો પ્રચાર કરી રહ્યું હતું. ઈશ્વરના સત્યની તરસ હતી એ લોકોને તેઓ બાઇબલમાંથી શીખવી રહ્યા હતા.

૩:૧૦—“દશાંશો” કે દસમો ભાગ લાવવાનો એ અર્થ થાય કે આપણે યહોવાહને બધું જ આપી દેવું જોઈએ? મુસા દ્વારા ઈસ્રાએલને આપવામાં આવેલા નિયમો ઈસુના મરણથી રદ થયા. એટલે યહોવાહના ભક્તોએ આજે દશાંશો તરીકે પૈસા આપવાની જરૂર નથી. તેમ જ, આપણી પાસે જે હોય એનો દસમો ભાગ દાનમાં આપવાની જરૂર નથી. આજે દશાંશ આપવાનો જુદો અર્થ થાય છે. (એફેસી ૨:૧૫) ઈસ્રાએલીઓ દર વર્ષે પોતાની પેદાશ કે આવકનો દસમો ભાગ યહોવાહની ભક્તિમાં આપતા. પણ આપણે પોતાનું બધું જ યહોવાહને એક વાર આપીએ છીએ. ક્યારે? યહોવાહને ભજવાનું પ્રાર્થનામાં વચન આપીને બાપ્તિસ્મા લઈએ ત્યારે. એ સમયથી આપણા પૈસા-મિલકત બધું યહોવાહનું છે. તેમની સેવામાં કેટલું આપવું એ આપણે નક્કી કરવાનું છે. આપણે પોતાના ગજાં પ્રમાણે સમય, શક્તિ, પૈસા કે માલ-મિલકત તેમની સેવામાં વાપરી શકીએ. એમાં આવી બાબતો પણ આવી જાય છે: મિટિંગોમાં જવું, ઘરડા ને બીમાર ભાઈ-બહેનોની મુલાકાત લેવી અને યહોવાહની ભક્તિ ફેલાવવા ફંડ-ફાળો આપવો.

૪:૩—યહોવાહના ભક્તો કઈ રીતે ‘દુષ્ટોને પગ તળે ખૂંદશે’? આપણે સાચોસાચ ‘દુષ્ટોને પગ તળે ખૂંદીશું’ નહિ. એટલે કે યહોવાહનો ન્યાયચુકાદો લાવીને આપણે તેઓનો નાશ નહિ કરીએ. પણ શેતાન ને તેની દુનિયાનો અંત આવશે ત્યારે આપણે એ આનંદમાં સહભાગી થઈશું.—ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦; પ્રકટીકરણ ૨૦:૧-૩.

૪:૪—આપણે કેમ ‘મુસાનો નિયમ યાદ રાખવો જોઈએ?’ આજે યહોવાહના સેવકોએ એ નિયમ પ્રમાણે જીવવાની જરૂર નથી. તોપણ જે ‘સારી વસ્તુઓ થવાની’ છે એની એ “પ્રતિછાયા” કે પડછાયો હતો. (હેબ્રી ૧૦:૧) તેથી મુસાના નિયમમાં જે લખવામાં આવ્યું છે એ વાંચીને એના પર વિચાર કરવો જોઈએ. આમ આપણે જોઈ શકીશું કે એમાં જે લખ્યું છે એ કઈ રીતે સાચું પડે છે. (લુક ૨૪:૪૪, ૪૫) એ ઉપરાંત યહોવાહે સ્વર્ગમાં કરેલી ગોઠવણો સમજવા મુસાનો નિયમ આપણને મદદ કરે છે. એનો અભ્યાસ કરવાથી આપણે ઈસુનું શિક્ષણ સારી રીતે સમજી શકીશું. એ પ્રમાણે જીવવા આપણને મદદ મળશે.—હેબ્રી ૯:૨૩.

૪:૫, ૬—‘એલીયાહ પ્રબોધક’ જેવું કોણ છે? કહેવામાં આવ્યું છે કે “એલીયાહ” જેવા પ્રબોધક લોકોને ઈશ્વર તરફ પાછા ફરવા મદદ કરશે. પહેલી સદીમાં ઈસુએ કહ્યું કે યોહાન બાપ્તિસ્મક “એલીયાહ” હતા. (માત્થી ૧૧:૧૨-૧૪; માર્ક ૯:૧૧-૧૩) આપણા દિવસમાં “યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ આવે” એ પહેલાં તેમણે “એલીયાહ” જેવો પ્રબોધક મોકલ્યો. એ કોણ છે? “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર.” (માત્થી ૨૪:૪૫) લોકો યહોવાહ સાથે નાતો બાંધે માટે અભિષિક્ત ખ્રિસ્તીઓ બનતું બધું જ કરી રહ્યા છે.

આપણે શું શીખી શકીએ?

૩:૧૦. આપણે તન-મન-ધનથી યહોવાહની સેવા કરીશું, તો જ તેમના આશીર્વાદો પામીશું.

૩:૧૪, ૧૫. યાજકો ભ્રષ્ટ હોવાથી યહૂદીઓ યહોવાહની સેવાને કીમતી ગણતા ન હતા. વડીલો ને સેવકાઈ ચાકરની જવાબદારી છે કે તેઓ મંડળમાં સારો દાખલો બેસાડે.—૧ પીતર ૫:૧-૩.

૩:૧૬. યહોવાહ પોતાના ભક્તોને સારી રીતે ઓળખે છે. તે તેઓને ભૂલશે નહિ. તે શેતાનના જગતનો નાશ કરશે ત્યારે પોતાના ભક્તોને જરૂર બચાવશે. તેથી આપણે યહોવાહને વફાદાર રહેવા દિલમાં ગાંઠ વાળીએ.—અયૂબ ૨૭:૫.

૪:૧. યહોવાહને હિસાબ આપવાનો આવશે ત્યારે “મૂળ કે ડાળી” એટલે કે માબાપ-બાળકોનો એક સરખો ન્યાય કરવામાં આવશે. બાળકોના દિલમાં યહોવાહના વિચારો મૂકવા એ માબાપની જવાબદારી છે! માબાપે યહોવાહની કૃપા પામવા તનતોડ મહેનત કરવી જોઈએ.—૧ કોરીંથી ૭:૧૪.

ઈશ્વરનો ભય રાખો

“યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ” આવશે ત્યારે કોણ બચશે? (માલાખી ૪:૫) યહોવાહ કહે છે: “મારા નામનું ભય રાખનારાઓને સારૂ તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોડમાંના વાછરડાઓની પેઠે કૂદશો.”—માલાખી ૪:૨.

ઈસુ ખ્રિસ્ત “ન્યાયીપણાનો સૂર્ય” છે. યહોવાહનો ભય રાખનારાઓ તેમની કૃપા પામશે. (યોહાન ૮:૧૨) તેઓ માટે ઈસુની ‘પાંખો આરોગ્ય’ બનશે. તેઓ હવે યહોવાહ સાથે નાતો બાંધી શકે છે. ઈશ્વરની નવી દુનિયા આવશે ત્યારે તેઓમાં કોઈ જાતની ખોટ નહિ હોય. (પ્રકટીકરણ ૨૨:૧, ૨) આપણે એ આશીર્વાદો મેળવવા માટે જાણે આનંદમાં ‘વાછરડાઓની જેમ કૂદશું.’ તેથી ચાલો આપણે સુલેમાન રાજાની સલાહ દિલમાં ઉતારીએ: ‘ઈશ્વરનો ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.’—સભાશિક્ષક ૧૨:૧૩. (w07 12/15)

[Picture on page 28]

માલાખી પ્રબોધક યહોવાહની ભક્તિમાં તલ્લીન હતા

Pictures not used

આપણે બાઇબલમાંથી જ શીખવવું જોઈએ

યહોવાહના ભક્તો લગ્‍નસંબંધને જાળવી રાખે છે