સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આખી દુનિયામાં લોકો એકસરખી પ્રાર્થના કરે છે

આખી દુનિયામાં લોકો એકસરખી પ્રાર્થના કરે છે

આખી દુનિયામાં લોકો એકસરખી પ્રાર્થના કરે છે

જરા વિચાર કરો કે બે અબજ જેટલા લોકો એકસરખી પ્રાર્થના કરે છે. પ્રાર્થનામાં તેઓ વિશ્વના માલિકને એકસરખી વિનંતી કરે છે. પણ તેઓમાંથી ફક્ત અમુક જ જાણે છે કે તેઓ જે વિનંતી કરે છે એ શું છે. પ્રાર્થનામાં તેઓ શું વિનંતી કરે છે? એ જ કે આ ધરતી પર ઈશ્વરનું રાજ આવે.

એક અહેવાલ જણાવે છે કે આખી દુનિયામાં ખ્રિસ્તી ધર્મના લગભગ ૩૭,૦૦૦ ફાંટા છે. એમાં ૨ અબજ જેટલા લોકો છે. બધાય ઈસુ ખ્રિસ્તમાં માને છે. એમાંથી મોટા ભાગના પ્રભુની પ્રાર્થના કરે છે. ઈસુએ એ પ્રાર્થના તેમના ભક્તોને શીખવી હતી. એ પ્રાર્થના આ રીતે શરૂ થાય છે: “આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૯, ૧૦.

સદીઓથી લોકો ચર્ચમાં કે કુટુંબમાં ભેગા મળીને આ પ્રાર્થના કરે છે. જ્યારે કે અમુક એકલા એકલા આ પ્રાર્થના બોલી જાય છે. સુખમાં કે દુઃખમાં લોકો આ પ્રાર્થના બોલતા હોય છે. અમુક પૂરા દિલથી કરે છે. જ્યારે કે બીજાઓ એ પ્રાર્થના બોલવા ખાતર બોલી જાય છે. પણ તેઓ જાણતા નથી કે એ પ્રાર્થનાનો અર્થ ખરેખર શું થાય છે. ખ્રિસ્તી ધર્મો સિવાય બીજા ધર્મના લોકો પણ આ પ્રાર્થના કરે છે.

બીજા ધર્મના લોકો પણ પ્રભુની પ્રાર્થના કરે છે

દાખલા તરીકે યહુદીઓની એક પ્રાર્થનાનું નામ કેદિશ છે. તેઓની માન્યતા પ્રમાણે કોઈ ગુજરી જાય ત્યારે શોક પાળનારા આ પ્રાર્થના કરે છે. જોકે પ્રાર્થનામાં મરણ કે શોક વિષે વાત થતી નથી પણ ઈશ્વરના રાજ્યની વાત થાય છે. એ પ્રાર્થનામાં તેઓ કહે છે કે ‘ઈશ્વર તેમનું રાજ્ય જલદીથી લાવે.’ * એક બીજી પ્રાર્થનામાં પણ તેઓ દાઊદના વંશમાંથી મસીહનું રાજ્ય આવે એ વિષે કહે છે.

યહુદી ધર્મ સિવાય બીજા ધર્મો પણ ચાહે છે કે પરમેશ્વરનું રાજ્ય આવે. દાખલા તરીકે, ૧૯મી સદીના ભારતના એક ધર્મગુરુએ એના વિષે વાત કરી. એના વિષે ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે એ ધર્મગુરુએ પ્રયત્ન કર્યા જેથી હિંદુ, મુસ્લિમ ને ખ્રિસ્તી ધર્મના લોકો એકબીજા સાથે શાંતિથી રહી શકે. પછી તે આગળ જણાવે છે કે ‘જ્યાં સુધી ગરીબ ને અમીર દેશોમાં સંપ નહિ હોય ત્યાં સુધી પરમેશ્વરનું રાજ્ય નહિ આવે.’ બીજો દાખલો લો. ઑસ્ટ્રેલિયાની મુસ્લિમ કૉલેજના એક પ્રિન્સીપાલે ઈશ્વરના રાજ્ય વિષે વાત કરી. તેમણે ત્યાંના એક ન્યૂઝ પેપરને પત્ર લખીને જણાવ્યું કે ‘બધા મુસ્લિમની જેમ, હું માનું છું કે ઈસુ પાછા આવશે અને ઈશ્વરનું રાજ્ય સ્થાપન કરશે.’

ઉપર જોયા પ્રમાણે અબજો લોકો વિનંતી કરે છે કે પરમેશ્વરનું રાજ્ય આવે. એ ધ્યાનમાં લઈને હવે આના પર વિચાર કરો.

અમે યહોવાહના સાક્ષીઓ કે ભક્તો આ મૅગેઝિન બહાર પાડીએ છીએ. શા માટે? આ મૅગેઝિનના પહેલાં પાન પર જણાવ્યું છે કે ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે. અમે પણ એવું જ ચાહીએ છીએ કે લોકો એ રાજ્ય વિષે જાણે. એટલે અમે બધી નાત-જાતના લોકોને પ્રચાર કરીએ છીએ. અમે આખી દુનિયામાં લગભગ ૨૩૬ દેશોમાં ને ૪૦૦ જેટલી ભાષામાં પ્રચાર કરીએ છીએ. અમે ચાહીએ છીએ કે બાઇબલમાંથી લોકો સાથે ચર્ચા કરીએ. ઘણી વાર અમે લોકોને પૂછીએ છીએ કે ‘ઈશ્વરના રાજ્ય માટે પ્રાર્થના કરો છો?’ ઘણા લોકો હા પાડે છે. પછી તેઓને પૂછીએ કે ‘એ રાજ્ય શું છે?’ ત્યારે મોટે ભાગે લોકો જણાવે છે કે ‘મને ખબર નથી.’ અથવા તેઓની સમજણ બહુ ઓછી હોય છે.

જો તેઓ ઈશ્વરના રાજ્યનો ખરો અર્થ જાણતા ન હોય તો શા માટે આવી પ્રાર્થના કરે છે? શું ઈશ્વરના રાજ્ય વિષે સમજવું બહુ જ અઘરું છે? ખરેખર એવું નથી. બાઇબલ સીધીસાદી રીતે એના વિષે જણાવે છે. ચાલો આપણે બાઇબલમાંથી જોઈએ કે ઈશ્વરનું રાજ્ય શું છે. ઈશ્વરનાં રાજ્ય વિષે બાઇબલ જે સંદેશો આપે છે એનાથી આપણને દિલાસો મળશે. મનની શાંતિ મળશે. હવે પછીનો લેખ એ વિષે જણાવશે. એના પછીનો લેખ સમજાવશે કે એ રાજ્ય ક્યારે આવશે. (w08 1/1)

[ફુટનોટ]

^ એવું લાગે છે કે કેદિશ પ્રાર્થના ઈસુના સમયમાં કે એના પહેલા શરૂ થઈ હતી. જોકે હજુ પણ અમુકને એ વિષે શંકા છે. પણ પ્રભુની પ્રાર્થનાની જેમ કેદિશ પ્રાર્થનામાં લોકો ઈશ્વરનું નામ પવિત્ર મનાવવા વિનંતી કરે છે. એ બે પ્રાર્થનામાં અમુક વિચારો સરખા છે. શા માટે? કેમ કે જ્યારે ઈસુએ પ્રભુની પ્રાર્થના વિષે કહ્યું ત્યારે જણાવેલી વિનંતીઓ નવી ન હતી. દરેક વિનંતી પવિત્ર શાસ્ત્રમાંથી લીધેલી હતી. એટલે ઈસુએ ઉત્તેજન આપ્યું કે યહુદીઓએ પણ એવી વિનંતીઓ કરવી જોઈએ.