સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગૌરવી યહોવાહને માન આપીએ

ગૌરવી યહોવાહને માન આપીએ

ગૌરવી યહોવાહને માન આપીએ

“તેનું [યહોવાહનું] કામ તેજસ્વી તથા શોભાયમાન છે.”—ગીતશાસ્ત્ર ૧૧૧:૩.

૧, ૨. (ક) શોભાયમાનનો અર્થ શું થાય? (ખ) આ લેખમાં કેવા સવાલો પર ચર્ચા કરીશું?

 માણસજાત એકબીજાને અનેક રીતે માન આપી શકે છે. એમાંની એક રીત છે આપણો દેખાવ. એના વિષે પાઊલે બહેનોને કહ્યું કે “સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી, કે કીમતી પોશાકથી નહિ.” (૧ તીમો. ૨:૯) પહેરવેશથી આપણે એકબીજાને તેમ જ યહોવાહને માન આપી શકીએ છીએ. બાઇબલ જણાવે છે કે યહોવાહે “વૈભવ તથા ગૌરવ ધારણ કરેલાં છે.” અને તે “શોભાયમાન” છે.—ગીત. ૧૦૪:૧, ૧૧૧:૩.

એક ડિક્શનરી પ્રમાણે શોભાયમાનનો અર્થ “શોભતું અને સારું દેખાતું” થાય છે. પણ બાઇબલમાં હેબ્રી ભાષામાં “શોભાયમાન” શબ્દનો અર્થ “મહિમા,” “માન,” “સન્માન,” “ગૌરવ” અને “આદર” થઈ શકે છે. હવે આપણી જવાબદારી શું છે? આપણે સૌથી વધારે યહોવાહને જ આદર-માન આપવા જોઈએ. વધારે સમજણ માટે આપણે આ લેખમાં પાંચ સવાલો પર ચર્ચા કરીશું: (૧) કયા કારણને લીધે આપણે યહોવાહને માન આપવું જોઈએ? (૨) યહોવાહ કેવી રીતે પોતાના મહિમા અને મહાનતાની સાબિતી આપે છે? (૩) યહોવાહનું ગૌરવ અને મહિમા જોઈને તમારા પર કેવી અસર પડે છે? (૪) ઈસુએ બધાને કેવી રીતે માન આપ્યું? (૫) આપણે કેવી રીતે યહોવાહને માન આપતા રહીએ?

કયા કારણને લીધે માન આપવું જોઈએ?

૩, ૪. (ક) યહોવાહ આપણને માન આપે છે, તો આપણે શું કરવું જોઈએ? (ખ) ગીતશાસ્ત્ર ૮:૫-૯ની કલમો કોને લાગુ પડે છે? (ફૂટનોટ જુઓ.) (ગ) યહોવાહે કોને કોને માન આપ્યું?

જ્યારે યહોવાહે આદમ અને હવાને બનાવ્યા ત્યારે તેઓને પૃથ્વીને સંભાળવાની જવાબદારી સોંપી હતી. (ઉત. ૧:૨૬, ૨૭) આ જવાબદારી સોંપીને યહોવાહે તેઓને માન આપ્યું. તેઓએ પાપ કર્યું તોપણ યહોવાહે એ જવાબદારી માણસો પાસેથી લઈ ન લીધી. એટલે બાઇબલ કહે છે કે યહોવાહે આપણને માનનો મુગટ આપ્યો છે. (ગીતશાસ્ત્ર ૮:૫-૯ વાંચો.) * યહોવાહ આપણને માન આપે છે. સાથે સાથે તેમના જેવા ગુણો પણ આપ્યા છે. એટલે આપણી જવાબદારી છે કે તેમને આદર અને માન આપીએ.

જેઓ યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરે છે તેઓને યહોવાહ માન આપે છે. ચાલો અમુક ઈશ્વરભક્તોના દાખલા જોઈએ, જેમાં યહોવાહે તેઓને માન આપ્યું છે. જ્યારે હાબેલે પૂરા દિલથી યહોવાહને બલિદાન આપ્યું ત્યારે યહોવાહે એ સ્વીકાર્યું. આ રીતે હાબેલની કદર કરી. યહોશુઆનો વિચાર કરીએ. યહોવાહે મુસાને આજ્ઞા આપી કે યહોશુઆને માન આપે, કેમ કે મુસા પછી યહોશુઆ ઈસ્રાએલીઓના આગેવાન બનવાના હતા. રાજા સુલેમાન વિષે જોઈએ. બાઇબલ જણાવે છે કે “યહોવાહે સુલેમાનને સર્વ ઈસ્રાએલની દૃષ્ટિમાં બહુ જ મોટો કર્યો, ને તેની અગાઉના કોઈ પણ ઈસ્રાએલના રાજાને ન હતો એવો રાજ્યવૈભવ તેણે તેને આપ્યો.” (૧ કાળ. ૨૯:૨૫) આજે પણ યહોવાહ સ્વર્ગમાં જનારા અને પૃથ્વીની આશા રાખનારાઓને માન આપે છે, કેમ કે તેઓ તેમના રાજ્યના ગૌરવ વિષે જણાવે છે. (ગીત. ૧૪૫:૧૧-૧૩) યહોવાહ દરેક ભક્તોની કદર કરે છે. એ જાણીને આપણે તેમને આદર અને માન આપવા જોઈએ.—યોહા. ૧૦:૧૬.

યહોવાહનો મહિમા અને મહાનતા

૫. યહોવાહનો મહિમા અને મહાનતા ક્યાં જોવા મળે છે?

દાઊદે, યહોવાહના મહિમા અને મહાનતા વિષે કહ્યું કે “હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તારું નામ કેવું ઉત્તમ છે! તેં આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.” (ગીત. ૮:૧) યહોવાહે આકાશ અને પૃથ્વીને ઉત્પન્‍ન કર્યા, એમાં તેમનો મહિમા જોવા મળે છે. તે જલદી જ પૃથ્વી માટેનું વચન પૂરું કરવાનાં છે. તે આખી દુનિયામાં સુખ-શાંતિ લાવશે, જેમાં લોકો હંમેશ માટેનાં જીવનનો આનંદ માણશે. અહીંયા તેમની મહાનતા જોવા મળે છે.—ઉત. ૧:૧; ૧ કોરીં. ૧૫:૨૪-૨૮; પ્રકટી. ૨૧:૧-૫.

૬. શા માટે એક ઈશ્વરભક્તે કહ્યું કે યહોવાહે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલાં છે?

એક ઈશ્વરભક્તના દિલમાંથી શબ્દો સરી પડ્યા કે યહોવાહે “વૈભવ તથા ગૌરવ ધારણ કરેલાં છે.” પણ શા માટે તેમણે એમ કહ્યું? કેમ કે તે જોઈ શકતા હતા કે યહોવાહે આકાશને કેટલી સુંદર રીતે રચ્યું છે. જાણે હીરા જડેલા હોય એ રીતે તારા ઝગમગી રહ્યા હતા. તેમણે કહ્યું કે ‘પડદાની પેઠે યહોવાહ આકાશને વિસ્તારે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૧, ૨ વાંચો.) બ્રહ્માંડની અદ્‍ભુત રચનામાં આપણે યહોવાહની મહાનતા જોઈ શકીએ છીએ.

૭, ૮. બ્રહ્માંડમાં નજર નાખતા યહોવાહના ગૌરવ અને વૈભવ-ની કેવી સાબિતી મળે છે?

આપણી આકાશગંગા, દૂધગંગા તરીકે ઓળખાય છે. એમાં અઢળક તારાઓ, ગ્રહો અને સૂર્ય મંડળ છે. આપણા ગ્રહ પૃથ્વીને જો દૂધગંગા સાથે સરખાવીએ તો એ જાણે સમુદ્રના કિનારાની રેતીના એક કણ બરાબર છે. આપણી દૂધગંગામાં આશરે ૧૦૦ અબજ તારાઓ છે. તમે જો એક સેકન્ડમાં એક તારાને ગણો તો ૧૦૦ અબજ તારાઓને ગણતા કેટલો સમય લાગે? એ ગણતા બે-પાંચ વર્ષ નહીં પણ ૩,૦૦૦ કરતાં વધારે વર્ષ લાગે.

આપણી દૂધગંગામાં જ આશરે ૧૦૦ અબજ તારાઓ છે. પણ ખગોળશાસ્ત્રીઓ અંદાજ લગાવે છે કે આખા બ્રહ્માંડમાં આશરે ૫૦થી ૧૨૫ અબજ આકાશગંગા છે. તો પછી તમે વિચાર કરી શકો કે આખા બ્રહ્માંડમાં કેટલા તારાઓ હશે! પરંતુ બાઇબલ જણાવે છે કે યહોવાહ “તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે.” (ગીત. ૧૪૭:૪) આ બધું જોઈને શું તમને યહોવાહના ગૌરવ અને મહાનતા વિષે જણાવવાનું મન નથી થતું!

૯, ૧૦. રોટલી જે રીતે બને છે એમાં કઈ રીતે યહોવાહની મહાનતા અને ડહાપણ જોવા મળે છે?

બાઇબલ જણાવે છે કે યહોવાહે ‘આકાશ અને પૃથ્વીને’ ઉત્પન્‍ન કર્યા છે. તે ‘ભૂખ્યાને અન્‍ન આપે છે.’ (ગીત. ૧૪૬:૬, ૭) ઈસુએ પણ યહુદીઓને પ્રાર્થનામાં શીખવ્યું કે ‘દિવસની રોટલી આજ અમને આપ.’ (માથ. ૬:૧૧) આ પ્રાર્થના પરથી જોવા મળે છે કે રોટલી યહુદીઓનો દરરોજનો ખોરાક હતો. ચાલો જોઈએ કે યહુદીઓ કેવી રીતે રોટલી બનાવતા.

૧૦ યહોવાહે ઘઉં અને જવ બનાવ્યા છે જેમાંથી લોટ મળે છે. યહુદીઓ રોટલી બનાવવા લોટમાં પાણી અને અમુક વખતે એમાં ખમીર (યીસ્ટ) ઉમેરતા. એ લોટ અને રોટલી બનવામાં જે ક્રિયા થાય છે એને વિજ્ઞાનીઓ પણ સમજી શક્યા નથી. એમાં યહોવાહની મહાનતા જોવા મળે છે. એ રોટલી આપણે સહેલાઈથી પચાવી શકીએ છીએ, એમાં પણ યહોવાહનું ડહાપણ જોવા મળે છે. એટલે જ ગીતકર્તાએ કહ્યું કે “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે.” (ગીત. ૧૦૪:૨૪) ઈશ્વરભક્તની જેમ આપણે પણ યહોવાહની મહાનતાનાં ગુણ-ગાન ગાવા જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૧૧:૧-૫ વાંચો.

યહોવાહના ગૌરવની તમારા પર અસર

૧૧, ૧૨. યહોવાહના મહાન કામો પર મનન કરવાથી આપણા પર શું અસર થશે?

૧૧ રોટલી અને બ્રહ્માંડ એ બે જ યહોવાહના મહાન કામો નથી. બીજાં પણ ઘણાં કામો છે જેના પર આપણે મનન કરી શકીએ છીએ. એનો અર્થ એવો નથી કે આપણે ખગોળશાસ્ત્રી કે વિજ્ઞાની બનીએ. આપણે તો મનન કરવા સમય કાઢવાની જરૂર છે.

૧૨ દાઊદે, યહોવાહના મહાન કામો પર મનન કરવા સમય કાઢ્યો હતો. તેમણે કહ્યું કે ‘તમારા ગૌરવની મહત્તા, તમારી મહાનતા અને તમારાં આશ્ચર્યકારક કામોનું હું મનન કરીશ.’ (ગીત. ૧૪૫:૫) દાઊદ, પવિત્ર શાસ્ત્ર પર મનન કરવાથી ઘણું જાણી શક્યા. આપણે પણ યહોવાહના મહાન કામો વિષે જાણવા બાઇબલ વાંચવું જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. આમ કરવાથી આપણે યહોવાહનું ગૌરવ અને મહિમા જોઈ શકીશું અને તેમના માટેની આપણી કદર વધશે. તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત થશે. બીજાઓને તેમના કામો વિષે જણાવવાનું મન થશે. આપણને પણ પૂરા ઉત્સાહથી દાઊદની જેમ કહેવાનું મન થશે કે ‘હું તારી મહાનતા જણાવીશ.’ (ગીત. ૧૪૫:૬) હવે તમે પોતાને પૂછો કે ‘શું હું પૂરા ઉત્સાહથી યહોવાહના ગૌરવ અને મહાનતા વિષે લોકોને જણાવું છું?’

ઈસુએ બધાને માન આપ્યું

૧૩. (ક) દાનીયેલ ૭:૧૩, ૧૪ પ્રમાણે યહોવાહે શું કર્યું? (ખ) ઈસુ કેવા રાજા છે?

૧૩ ઈસુ ખ્રિસ્તે પૂરા ઉત્સાહથી લોકોને સંદેશો જણાવીને યહોવાહને મોટા મનાવ્યા. આ રીતે તેમણે યહોવાહને માન અને મહિમા આપ્યા. યહોવાહે પણ ઈસુને રાજા તરીકે પસંદ કર્યા. (દાનીયેલ ૭:૧૩, ૧૪ વાંચો.) આ મોટો લહાવો મળવા છતાં ઈસુ ઘમંડી ના બની ગયા. તે એક પ્રેમાળ રાજા છે. તે આપણી મર્યાદા જાણે છે. તે આપણને માન આપે છે. એ સમજવા એક દાખલો જોઈએ જેમાં ઈસુએ એક રકતપિત્તિયાને માન આપ્યું. પણ એ પહેલાં આપણે જોઈએ કે ઈસ્રાએલીઓ એવી વ્યક્તિ સાથે કેવી રીતે વર્તતા હતા.

૧૪. ઈસ્રાએલીઓ રક્તપિત્ત થયેલી વ્યક્તિ સાથે કેવી રીતે વર્તતા?

૧૪ ઈસ્રાએલીઓ રક્તપિત્ત થયેલી વ્યક્તિઓથી દૂર ભાગતા હતા. તેઓને દૂર રાખવા અમુક ધર્મગુરુઓ પથ્થર મારતા. એવી વ્યક્તિને જ્યારે લોકો સામે આવવું પડતું ત્યારે અશુદ્ધ અશુદ્ધ એવી બૂમો પાડવી પડતી. (લેવી. ૧૩:૪૩-૪૬, ૨ રાજા. ૫:૭, ૧૪) * રાબ્બીઓના લખાણ પ્રમાણે, રક્તપિત્ત થયેલી વ્યક્તિએ લોકોથી આશરે છ ફૂટનું અંતર રાખવું પડતું. આવી કફોડી હાલતમાં વ્યક્તિ જીવે કે મરે તેના માટે બધું સરખું જ હતું.—ગણ. ૧૨:૧૨.

૧૫. રક્તપિત્ત થયેલી વ્યક્તિ સાથે ઈસુ કેવી રીતે વર્ત્યા?

૧૫ રક્તપિત્ત થયેલી વ્યક્તિ ઈસુ સામે આવી ત્યારે તે શું તેનાથી દૂર ભાગ્યા? શું તેને પથ્થર માર્યા? જરાય નહિ. (ક ૫:૧૨, ૧૩ વાંચો.) એ વ્યક્તિ સાજા થવા આજીજી કરે છે ત્યારે ઈસુએ તેનું ધ્યાનથી સાંભળ્યું. ધુત્કારવાને બદલે તેને હમદર્દી બતાવી. ઈસુ વ્યક્તિને અડક્યા અને તેને સાજી કરી. આ રીતે ઈસુએ તેને માન આપ્યું.

૧૬. ઈસુએ રક્તપિત્તિયાને સાજો કર્યો એ બનાવમાંથી શું શીખવા મળે છે?

૧૬ રક્તપિત્ત વ્યક્તિના બનાવમાંથી શીખવા મળે છે કે ઈસુએ પણ યહોવાહની જેમ બધાને માન આપ્યું. આપણે પણ યહોવાહ અને ઈસુની જેમ બીજાઓને માન આપવું જોઈએ. વ્યક્તિ અમીર હોય કે ગરીબ, નાની હોય કે મોટી દરેકને સમાન ગણીએ અને બધાને માન આપીએ. (૧ પીત. ૨:૧૭) ખાસ કરીને એવા લોકોને જેઓને યહોવાહે આપણી દેખરેખ માટે નીમ્યા છે. જેમ કે પતિ, માતા-પિતા, મંડળના વડીલો. બાઇબલ જણાવે છે કે ‘ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.’—રૂમી ૧૨:૧૦.

યહોવાહની ભક્તિમાં માન બતાવીએ

૧૭. યહોવાહની ભક્તિમાં માન બતાવવા વિષે બાઇબલ શું જણાવે છે? સમજાવો.

૧૭ આપણે યહોવાહની ભક્તિ કરવાની બાબતમાં પણ માન આપવું જોઈએ. મુસા અને યહોશુઆને આજ્ઞા આપવામાં આવી હતી કે મુલાકાત મંડપ જેવી પવિત્ર જગ્યાએ જાય ત્યારે ચંપલ ઉતારીને જાય. (નિર્ગ. ૩:૫; યહો. ૫:૧૫) આ રીતે તેઓ યહોવાહની ભક્તિને માન આપતા. એના વિષે સભાશિક્ષક ૫:૧ જણાવે છે કે “ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ.” ચાલો હવે ઈસ્રાએલના યાજકોનો વિચાર કરીએ. યાજકો અને તેઓના ઘરના દરેક સભ્યોએ પણ યહોવાહની ભક્તિને માન આપવાનું હતું. યાજકોએ વેદી પાસે જતી વખતે એવું વસ્ત્ર પહેરવાનું હતું, જેનાથી ‘નગ્‍નતા’ ન દેખાય. (નિર્ગ. ૨૮:૪૨, ૪૩) આ રીતે તેઓ યહોવાહની ભક્તિને માન આપતા.

૧૮. આજે કેવી રીતે આપણે યહોવાહની ભક્તિમાં માન બતાવી શકીએ?

૧૮ આજે કેવી રીતે આપણે યહોવાહની ભક્તિમાં માન બતાવી શકીએ? આપણે યહોવાહની ભક્તિમાં માન બતાવવું હોય તો આપણા વાણી-વર્તન સારા હોવા જોઈએ. આપણે સારા છીએ એવો દેખાડો કરવો ન જોઈએ, કેમ કે ઈશ્વર દેખાવ નહીં પણ દિલ જુએ છે. (૧ શમૂ. ૧૬:૭; નીતિ. ૨૧:૨) આપણા વાણી-વર્તન સારા હશે તો આપણો સ્વભાવ પણ સારો હશે. આપણો આત્મવિશ્વાસ વધશે. બીજાઓને આદર-માન આપી શકીશું. આપણે જે રીતે વાત કરીએ અને જે પોશાક પહેરીએ એમાં એ દેખાય આવશે. પાઊલ કહે છે: “અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી; પણ સર્વ વાતે અમે દેવના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ.” (૨ કોરીં. ૬:૩, ૪) જો આપણા વાણી-વર્તન સારા હશે તો ‘સર્વ વાતે આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવીશું.’—તીત. ૨:૧૦.

યહોવાહને માન આપતા રહીએ

૧૯, ૨૦. (ક) આપણે કેવી રીતે બીજાને માન આપી શકીએ? (ખ) આપણાં વાણી-વર્તનથી શું સાબિત થવું જોઈએ?

૧૯ યહોવાહે સ્વર્ગમાં જનારાઓને પ્રચાર કામમાં આગેવાન નીમ્યા છે. તેઓ હિંમતથી યહોવાહના રાજ્ય વિષે બીજાઓને જણાવે છે. એટલે બાઇબલ સ્વર્ગમાં જનારાઓને ‘ખ્રિસ્તના એલચી’ તરીકે ગણે છે. (૨ કોરીં. ૫:૨૦) પૃથ્વી પરની આશા રાખનારા, સ્વર્ગમાં જનારાઓને પ્રચાર કામમાં સાથ આપે છે એટલે તેઓ પણ જાણે કે યહોવાહના રાજ્યના એલચી છે. જેમ એક એલચી પોતાના દેશની સરકાર માટે હિંમતથી બોલતો હોય છે, તેમ આપણી જવાબદારી છે કે યહોવાહના રાજ્ય વિષે હિંમતથી સંદેશો જણાવીએ. (એફે. ૬:૧૯, ૨૦) ચાલો આપણે બીજાઓને યહોવાહના રાજ્ય વિષે જણાવીને તેઓને માન આપીએ.—યશા. ૫૨:૭.

૨૦ આ લેખમાં શીખવા મળ્યું કે યહોવાહ બહુ મહાન અને મહિમાવાન છે. તોપણ તે આપણને માન આપે છે. એટલે આપણે વાણી-વર્તનથી સાબિત કરવું જોઈએ કે યહોવાહની ભક્તિને અને બીજાને પૂરા દિલથી માન આપીએ છીએ. (૧ પીત. ૨;૧૨) એમ કરીશું તો યહોવાહના દિલને ખુશ કરી શકીશું. (w 08 8/15)

[Footnotes]

^ દાઊદે ગીતશાસ્ત્ર ૮માં જે લખ્યું છે એ ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે.—હેબ્રી ૨:૫-૯.

^ આ કલમોમાં કોઢ ભાષાંતર થયું છે. પણ એ ખરેખર રક્તપિત્ત છે.

કેવી રીતે તમે સમજાવશો?

• યહોવાહનું ગૌરવ અને મહિમા જોઈને આપણા પર કેવી અસર પડી શકે?

• ઈસુએ રક્તપિત્તિયાને સાજો કર્યો એ બનાવમાંથી શું શીખવા મળે છે?

• આપણે કેવી રીતે યહોવાહને માન આપી શકીએ?

[Study Questions]

[Picture on page 18]

યહોવાહે હાબેલને કેવી રીતે માન આપ્યું?

[Picture on page 21]

ઈસુ, રક્તપિત્તિયા સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણને શું શીખવા મળે છે?