સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ આપણા બચાવનાર છે

યહોવાહ આપણા બચાવનાર છે

યહોવાહ આપણા બચાવનાર છે

“યહોવાહ તેમને મદદ કરે છે, અને તેમને છોડાવે છે.”—ગીત. ૩૭:૪૦.

૧, ૨. યહોવાહ વિષે શું જાણવાથી દિલાસો ને ઉત્તેજન મળે છે?

 પૃથ્વી સૂરજની ગોળ ગોળ ફરે છે. સૂરજના પ્રકાશથી પડતો દરેક વસ્તુઓનો પડછાયો બદલાતો રહે છે. જ્યારે કે સૃષ્ટિના સરજનહાર યહોવાહ કદી બદલાતા નથી. (માલા. ૩:૬) તેમના “ફરવાથી પડતો પડછાયો પણ” બદલાતો નથી. (યાકૂ. ૧:૧૭) એ જાણવાથી આપણને ઘણો દિલાસો ને ઉત્તેજન મળે છે.

આગળના લેખમાં આપણે શીખ્યા કે પહેલાં યહોવાહે કઈ રીતે પોતાના ભક્તોને ‘બચાવ્યા.’ (ગીત. ૭૦:૫) યહોવાહ કદીયે બદલાતા નથી. એટલે આજે પણ તે પોતાના ભક્તોને મુશ્કેલીઓમાં “મદદ કરે છે.” (ગીત. ૩૭:૪૦) આપણા સમયમાં યહોવાહે પોતાના ભક્તોને કઈ રીતે બચાવ્યા છે? હજુયે કઈ રીતે બચાવશે?

દુશ્મનોના હાથમાંથી છોડાવ્યા

૩. વિરોધીઓ પ્રચાર બંધ નહિ કરાવી શકે એની શું ગૅરંટી છે?

શેતાન ગમે એટલા ધમપછાડા કરે, તોય આપણને યહોવાહની ભક્તિ કરતા રોકી નહિ શકે. યહોવાહે કહ્યું છે કે “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક [સફળ] થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરૂદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ.” (યશા. ૫૪:૧૭) વિરોધીઓએ વારંવાર પ્રચાર બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ફાવ્યા નથી. એના બે દાખલા લઈએ.

૪, ૫. ૧૯૧૮માં પ્રચાર કામ બંધ કરાવવાનો કેવો પ્રયત્ન થયો? એના શું પરિણામ આવ્યા?

પાદરીઓએ ૧૯૧૮માં પ્રચાર કામ બંધ કરાવવા, લોકોને ઉશ્કેર્યા. એ જમાનામાં જે. એફ. રધરફર્ડ આખી દુનિયામાં થતા પ્રચાર કામની દેખરેખ કરતા. મે ૭, ૧૯૧૮ના રોજ સરકારે ભાઈ રધરફર્ડ અને તેમના સાથીદારોને ગિરફતાર કરવાનો વૉરંટ કાઢ્યો. બે મહિનામાં જ તેઓને ખોટા આરોપ હેઠળ લાંબી સજા થઈ. શું દુશ્મનો પ્રચાર કામ બંધ કરી શક્યા? ના!

યહોવાહનું વચન યાદ કરો: ‘તારી વિરૂદ્ધ કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’ એ ભાઈઓને જેલ થઈ એના નવ મહિના પછી, માર્ચ ૨૬, ૧૯૧૯ના રોજ જામીન પર છૂટ્યા. મે ૫, ૧૯૨૦ના રોજ તેઓ પર મૂકવામાં આવેલા આરોપ પાછા ખેંચી લેવાયા. આઝાદ થયા પછી, તેઓ પૂરા જુસ્સાથી પ્રચાર કરવા લાગ્યા. એનાથી ખૂબ જ વધારો થયો. એ બધાનો જશ યહોવાહને જાય છે, કેમ કે તેમણે પોતાના ભક્તોને ‘બચાવ્યા.’—૧ કોરીં. ૩:૭.

૬, ૭. (ક) હિટલરે શું કર્યું? એનું શું પરિણામ આવ્યું? (ખ) યહોવાહના ભક્તોનો આજ સુધીનો ઇતિહાસ શું બતાવે છે?

બીજો દાખલો જર્મનીના હિટલરનો છે. ૧૯૩૪માં તેણે સમ ખાધા કે દેશમાંથી યહોવાહના સાક્ષીઓનું નામ ભૂંસી નાખશે. એ પછી તેણે હજારો ભાઈ-બહેનોને પકડી પકડીને જેલમાં પૂર્યા. તેઓને જાનવરની જેમ મારઝૂડ કરી. ઘણા ભાઈ-બહેનો જુલમી છાવણીમાં માર્યા ગયા. હિટલર શું યહોવાહના ભક્તોનું નામ નિશાન મિટાવી શક્યો? ના, એમ ન બન્યું! સતાવણીમાં પણ ભાઈ-બહેનો છાની-છૂપી રીતે પ્રચાર કરતા રહ્યા. હિટલરની પડતી થયા પછી, તેઓ ફરીથી પૂરા જોશથી પ્રચાર કરવા લાગ્યા. આજે જર્મનીમાં ૧,૬૫,૦૦૦થી વધારે સાક્ષીઓ છે. યહોવાહનું વચન ફરીથી સાચું પડ્યું: ‘તારી વિરૂદ્ધ કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’ યહોવાહ તેઓના ‘છોડાવનાર’ સાબિત થયા.

આ બે દાખલા બતાવે છે કે યહોવાહ પોતાના સંગઠનનો કદીયે નાશ થવા દેશે નહિ. (ગીત. ૧૧૬:૧૫) શું એનો અર્થ એવો થાય કે યહોવાહ કોઈ પણ ભક્તને કંઈ થવા નહિ દે?

શું યહોવાહ હરવખત આપણને બચાવશે?

૮, ૯. (ક) શું બતાવે છે કે યહોવાહ દરેક કિસ્સામાં પોતાના ભક્તોને ચમત્કારથી બચાવતા નથી? (ખ) આપણે શું સ્વીકારવું જોઈએ?

નબૂખાદનેસ્સાર રાજાના સમયનો વિચાર કરો. તેણે સોનાની મૂર્તિ બનાવી. પણ ત્રણ હિબ્રૂ યુવાનોએ એને ભજવાનો ઇન્કાર કર્યો. રાજાએ તેઓને મોતની સજા ફરમાવી. એ યુવાનોએ કોઈ ચમત્કારની આશા ન રાખી. (દાનીયેલ ૩:૧૭, ૧૮ વાંચો.) જોકે યહોવાહે તેઓને બચાવી લીધા. (દાની. ૩:૨૧-૨૭) તોપણ, બાઇબલ એમ નથી કહેતું કે દરેક કિસ્સામાં ચમત્કારથી આપણું જીવન બચી જશે. પહેલાંના ઘણા ઈશ્વરભક્તો દુશ્મનના હાથે માર્યા ગયા છે.—હેબ્રી ૧૧:૩૫-૩૭.

આપણા સમયમાં પણ એવું જ બને છે. ઘણા ઈશ્વરભક્તોને મારી નાખવામાં આવ્યા છે, જેમ કે હિટલરના રાજમાં. ઘણા અણધાર્યા બનાવોને કારણે મરણ પામે છે. (સભા. ૯:૧૧) જ્યારે કે અમુક મોતના મોંમાંથી બચી ગયા છે. તેઓ માને છે કે યહોવાહે તેમને બચાવ્યા. શું એમાં આપણે શંકા કરવી જોઈએ? ના, યહોવાહ કોને, ક્યારે બચાવે, એ આપણે ન કહી શકીએ. પણ કોઈ મરણ પામે તો, એવું નથી કે યહોવાહે આપેલું વચન નિષ્ફળ ગયું છે.

૧૦, ૧૧. ઇન્સાને કોની આગળ ઝૂકવું પડે છે? પણ યહોવાહ શું કરશે?

૧૦ બધાએ મોતની આગળ ઝૂકવું પડે છે. બાઇબલ કહે છે: ‘એવો કોણ છે જે પોતાને શેઓલમાંથી છોડાવશે?’ (ગીત. ૮૯:૪૮) શેઓલ એટલે શું? એ ગુજરી ગયેલા મનુષ્યોની હાલત બતાવે છે, જ્યાં તેઓ મોતની નીંદરમાં છે. એને હિબ્રૂ ભાષામાં શેઓલ અને ગ્રીકમાં હાડેસ કહેવાય છે. ગુજરી ગયેલાને યહોવાહ મોતના બંધનમાંથી છોડાવશે. તેઓને સજીવન કરશે. (લુક ૨૦:૩૭, ૩૮; પ્રકટી. ૨૦:૧૧-૧૪) હિટલરના જુલમમાંથી બચેલી એક બહેન એમ જ માનતી હતી. તેને ખબર હતી કે એમાં ઘણા ભાઈ-બહેનો માર્યા ગયા હતા. એક વાર તેની મમ્મીએ કહ્યું હતું કે “જો મોત ઇન્સાનને મુઠ્ઠીમાં રાખી શકે, તો એ યહોવાહ કરતાં મહાન ગણાય. એ બની જ ન શકે!” મોત વિશ્વના માલિકની બરાબર થઈ જ ન શકે.—ગીત. ૩૬:૯.

૧૧ યહોવાહ આપણા ‘છોડાવનાર’ છે. તે આપણી બધી રીતે સંભાળ રાખે છે. કઈ રીતે? ચાલો ત્રણ રીત જોઈએ.

યહોવાહ કેવું રક્ષણ આપે છે?

૧૨, ૧૩. આપણા જીવન કરતાં પણ શું કીમતી છે? એમાં યહોવાહ કઈ રીતે મદદ કરે છે?

૧૨ આપણા માટે યહોવાહ સાથેનો નાતો જીવન કરતાં પણ વધારે કીમતી છે. (ગીત. ૨૫:૧૪; ૬૩:૩) જો એમ ન હોય તો જીવનનો શું મકસદ? ભાવિમાં કોઈ આશા જ રહેતી નથી. પણ યહોવાહ આપણને તેમની સાથેનો નાતો પાકો રાખવા મદદ કરે છે. કઈ રીતે?

૧૩ યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે. સંગઠન આપ્યું છે. તે પોતાની શક્તિ દ્વારા માર્ગદર્શન આપે છે. દરરોજ મન મૂકીને બાઇબલ વાંચીએ. એનાથી આપણી શ્રદ્ધા વધશે. (રૂમી ૧૫:૪) “ચાકર” જેવું યહોવાહનું સંગઠન આપણા માટે “વખતસર” પુસ્તકો, મિટિંગો ને ઍસેમ્બલીની ગોઠવણ કરે છે. એનો ભરપૂર લાભ લઈએ. (માથ. ૨૪:૪૫; યાકૂ. ૪:૮) આપણે ખોટાં કામોમાં પણ ફસાઈએ નહિ. એ માટે દિલથી યહોવાહની શક્તિ માંગીએ.—લુક ૧૧:૧૩.

૧૪. અનુભવથી બતાવો કે યહોવાહ કઈ રીતે આપણું રક્ષણ કરે છે?

૧૪ આગળના લેખની શરૂઆતમાં જે માબાપની વાત કરી, તેઓનો વિચાર કરો. તેઓની દીકરી ટ્રેસાનું ખૂન થઈ ગયું! * ટ્રેસાના પપ્પાએ કહ્યું: ‘મારી દીકરીના રક્ષણ માટે યહોવાહને પ્રાર્થના કરતોʼતો. તોયે તે બચી નહિ. ત્યારે થયું, કેમ આવું? કેમ યહોવાહે એવું થવા દીધું? યહોવાહ હરવખત ચમત્કારથી બચાવ કરતા નથી. તોપણ . . . એ માની જ શકાતું નʼતું. હું પ્રાર્થના કરતો રહ્યો. યહોવાહ ગૅરંટી આપે છે કે તેમની સાથે પાકો નાતો જાળવી રાખવા તે મદદ કરશે. ટ્રેસા છેલ્લા દમ સુધી યહોવાહને ભજતી હતી. હકીકતમાં તો યહોવાહે તેનું રક્ષણ કર્યું હતું. ભલે તેનો જીવ ગયો, પણ યહોવાહ સાથેનો તેનો નાતો કોઈ તોડી ન શક્યું. મને ખાતરી છે કે યહોવાહ તેને ભૂલશે નહિ. એ વિચારીને મને બહુ જ દિલાસો મળ્યો. મનની શાંતિ મળી.’

બીમારીમાં યહોવાહની મદદ

૧૫. બીમારીમાં યહોવાહ કઈ કઈ રીતે મદદ કરે છે?

૧૫ દાઊદે કહ્યું કે યહોવાહ પોતાના ભક્તોને ‘બીમારીમાં’ મદદ કરે છે. (ગીત. ૪૧:૩) એવું નથી કે યહોવાહ ચમત્કારથી આપણને સાજા કરે છે. તો પછી કઈ રીતે મદદ કરે છે? એક તો બાઇબલ દ્વારા. એમાં એવા સિદ્ધાંતો છે, જે સારવાર વિષે ખરા નિર્ણયો લેવા મદદ કરે. (નીતિ. ૨:૬) બીજું કે ચોકીબુરજ અને સજાગ બનો!માં બીમારી અને સારવારને લગતા લેખો આવે છે. એમાંથી મદદ મળી શકે. ત્રીજું કે યહોવાહ આપણને બીમારી સહેવા ‘પરાક્રમ’ કે શક્તિ આપે છે. (૨ કોરીં. ૪:૭) આ રીતે આપણે નિરાશામાં ડૂબી નહિ જઈએ. યહોવાહની ભક્તિ પરથી આપણું ધ્યાન ફંટાવા નહિ દઈએ.

૧૬. એક ભાઈને બીમારી સહેવા કેવી રીતે મદદ મળી?

૧૬ આગળના લેખની શરૂઆતમાં વીસ વર્ષના ભાઈની વાત કરી. ૧૯૯૮માં થયેલી બીમારીના લીધે આજે તે સાવ અપંગ છે. * તે કહે છે, ‘ઘણી વાર એટલો દુઃખાવો થાય કે મોત આવે તો છૂટું. પણ હું તરત યહોવાહને પ્રાર્થના કરું કે મને મનની શાંતિ, ધીરજ અને સહનશક્તિ આપે. યહોવાહ મારી પ્રાર્થના જરૂર સાંભળે છે, કેમ કે મને મનની શાંતિ મળે છે. ત્યારે વિચારું છું કે નવી દુનિયામાં હું ચાલી શકીશ. કુટુંબ સાથે વાતો કરવાની, જાતજાતના ભોજન ખાવાની શું મજા આવશે! યહોવાહે આપેલી ધીરજને લીધે હું બીમારી સહી શકું છું. સહનશક્તિ મળવાથી યહોવાહની ભક્તિમાં થાય એ કરું છું. દાઊદ રાજાની જેમ હું માનું છું કે યહોવાહે મને બીમારીમાં સાથ આપ્યો છે.’—યશા. ૩૫:૫, ૬.

યહોવાહ આપણી સંભાળ રાખશે

૧૭. યહોવાહે કયું વચન આપ્યું? એનો શું અર્થ થાય?

૧૭ યહોવાહે વચન આપ્યું છે કે તે આપણી સંભાળ રાખશે. (માત્થી ૬:૩૩, ૩૪ ને હેબ્રી ૧૩:૫, ૬ વાંચો.) એનો એવો અર્થ નથી કે કામધંધો નહિ કરીએ તોય, યહોવાહ ખાવા-પીવાનું પૂરું પાડશે. (૨ થેસ્સા. ૩:૧૦) તો પછી એ વચનનો અર્થ શું થાય? એ કે જીવનમાં યહોવાહની ભક્તિ પ્રથમ રાખીએ. સાથે સાથે કામધંધો પણ કરીએ. તેમના આશીર્વાદથી જીવનની જરૂરિયાતો મળી રહેશે. (૧ થેસ્સા. ૪:૧૧, ૧૨; ૧ તીમો. ૫:૮) જેમ કે ભાઈ-બહેનો દ્વારા ચીજ-વસ્તુઓ પૂરી પાડે કે જોબ પણ ઑફર કરે. આપણે ધારતા ન હોઈએ એ રીતે યહોવાહ મદદ કરે છે.

૧૮. અનુભવ આપીને જણાવો કે યહોવાહ પોતાના ભક્તોની કેવી રીતે સંભાળ રાખે છે.

૧૮ આગળના લેખની શરૂઆતમાં એક બહેન ને તેમની દીકરીની વાત કરી. તેઓ નવી જગ્યાએ રહેવા ગયા. બહેન કહે છે: ‘સવારે પ્રચારમાં જતી ને બપોરે જોબ શોધતી. એક દિવસ દૂધ લેવા ગઈ. દુકાનમાં શાકભાજી જોઈને લેવાનું એટલું મન થયું. પણ પૈસા જ ન હતા. એટલો જીવ બળ્યો . . . બસ, દૂધ લઈને આવતી રહી. ઘરે પહોંચી તો દરવાજા પાસે જ શાકભાજીની બૅગો! જાણે મહિનાઓ ચાલે એટલું શાકભાજી! એ જોઈને હું રડી પડી. યહોવાહને થેંક્યું કીધું.’ મંડળના એક ભાઈ પોતાના ગાર્ડનમાંથી એ બહેન માટે શાકભાજી મૂકી ગયા હતા. એ બહેને તેમને લખ્યું: ‘શાકભાજી માટે થેંક્યું. સાથે સાથે યહોવાહને પણ થેંક્યું કહું છું. તમારી મદદ પાછળ યહોવાહનો પ્રેમ મને દેખાય છે.’—નીતિ. ૧૯:૧૭.

૧૯. જગતનો અંત નજીક આવે તેમ આપણે શું કરવું જોઈએ? આપણને શાની ખાતરી છે?

૧૯ યહોવાહે પહેલાં અને હમણાં પોતાના ભક્તોની સંભાળ રાખી છે. એનાથી આપણી શ્રદ્ધા વધે છે. ગમે એ મુસીબતો આવે, તોપણ યહોવાહ પર અતૂટ શ્રદ્ધા રાખીએ. જલદી જ શેતાનના દુષ્ટ જગતનો અંત આવશે. એ પહેલાં યહોવાહની મદદની હજુયે વધારે જરૂર પડશે. આપણને પૂરી ખાતરી છે કે દુષ્ટ જગતમાંથી યહોવાહ આપણો બચાવ કરશે. (લુક ૨૧:૨૮) યહોવાહ આપણને પણ ‘છોડાવનાર’ સાબિત થશે. (w08 9/15)

[Footnotes]

^ આ અનુભવ અવેક! જુલાઈ ૨૨, ૨૦૦૧, પાન ૧૯-૨૩ પર જુઓ.

^ આ અનુભવ અવેક! જાન્યુઆરી ૨૦૦૬, પાન ૨૫-૨૯ પર છે.

[Picture on page 20]

આપણે શું શીખ્યા?

• જેઓ માર્યા ગયા છે તેઓને યહોવાહ કઈ રીતે છોડાવશે?

• યહોવાહ સાથેનો નાતો કેમ જીવન કરતાં પણ કીમતી છે?

• યહોવાહે શું પૂરું પાડવાનું વચન આપ્યું છે? એનો શું અર્થ થાય?

[Study Questions]