સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભક્તિમાં ઠંડા પડી ગયેલામાં ભક્તિ ફરી જગાડીએ

ભક્તિમાં ઠંડા પડી ગયેલામાં ભક્તિ ફરી જગાડીએ

ભક્તિમાં ઠંડા પડી ગયેલામાં ભક્તિ ફરી જગાડીએ

“મારી સાથે આનંદ કરો, કેમકે મારૂં ઘેટું ખોવાયું હતું તે મને જડ્યું છે.”—લુક ૧૫:૬.

૧. ઈસુ કઈ રીતે ઘેટાંના રખેવાળ સાબિત થયા?

 ઈસુ ખ્રિસ્ત “ઘેટાંના મોટા રખેવાળ” કહેવાય છે. (હેબ્રી ૧૩:૨૦) બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલના “ખોવાએલાં ઘેટાં” કે ભક્તોને શોધવા, ઈસુ આવ્યા હતા. (માથ. ૨:૧-૬; ૧૫:૨૪) ઘેટાંપાળક ઘેટાંના રક્ષણ માટે જીવ આપવા પણ તૈયાર હોય છે. ઈસુએ પોતાનો જીવ કુરબાન કર્યો, એટલે જ આપણે યહોવાહની ભક્તિ કરી શકીએ છીએ.—યોહા. ૧૦:૧૧, ૧૫; ૧ યોહા. ૨:૧, ૨.

૨. અમુક કેમ મંડળની સંગત રાખતા નથી?

પણ આજે અમુક ભક્તોમાં પહેલાં જેવી હોંશ રહી નથી. કોઈ કારણે નારાજ થઈ ગયા છે. તબિયત કે બીજા કોઈ કારણે મિટિંગમાં આવતા નથી. પ્રચાર કરતા નથી. એટલે યહોવાહ સાથેનો તેઓનો નાતો નબળો પડી ગયો છે. એ નાતો પાકો કરવા તેઓએ શું કરવું જોઈએ? મંડળમાં પાછા આવવું જ જોઈએ. એનાથી તેઓ ગીતશાસ્ત્ર ૨૩ના આશીર્વાદો ફરી મેળવીને, દાઊદની જેમ કહી શકશે: “યહોવાહ મારો પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.” (ગીત. ૨૩:૧) તેઓને કોણ મદદ કરી શકે? કેવી રીતે મદદ કરી શકે? શું કરવાથી તેઓ મંડળમાં પાછા આવી શકે?

કોણે મદદ કરવી જોઈએ?

૩. ઈસુનો દાખલો શું કરવા ઉત્તેજન આપે છે?

ઈસુએ એક દાખલો આપ્યો: “જો કોઈ માણસની પાસે સો ઘેટાં હોય, ને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી? અને જો તે તેને જડે તો હું તમને ખચીત કહું છું, કે જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વત્તો હરખાય છે. એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા આકાશમાંના બાપની ઇચ્છા નથી.” (માથ. ૧૮:૧૨-૧૪) પહેલાંની જેમ ભક્તિ કરતા નથી, તેઓ ખોવાયેલાં ઘેટાં જેવાં છે. (ગીત. ૧૦૦:૩) તેઓને ઘણી મદદની જરૂર પડશે. એમ કોણ કરશે?

૪, ૫. શા માટે વડીલોએ ઠંડા પડી ગયેલા ભક્તોને મદદ કરવી જોઈએ?

ખાસ કરીને વડીલોએ એવા ભાઈ-બહેનને મદદ કરવી જોઈએ. એ ભૂલવું ન જોઈએ કે તેઓ પણ ‘ઈશ્વરના ઘેટાં’ કે ભક્તો છે. (ગીત. ૭૯:૧૩) યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયેલા ભક્તોને પ્રેમની જરૂર છે. વડીલોએ વારંવાર તેઓની મુલાકાત લેવી જોઈએ. ઉત્તેજન આપવું જોઈએ. પ્રેમ બતાવવો જોઈએ. એમ થશે તો, કદાચ તેઓને મંડળમાં પાછા આવવાની હોંશ જાગશે. તેઓ યહોવાહ સાથે ફરીથી નાતો પાકો કરી શકશે.—૧ કોરીં. ૮:૧.

આવા ભાઈ-બહેનોને શોધીને મદદ આપવાની જવાબદારી વડીલોની છે. એના વિષે પાઊલે એફેસસના વડીલોને આમ જણાવ્યું: “તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો [વડીલો] નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.” (પ્રે.કૃ. ૨૦:૨૮) પીતરે પણ વડીલોને કહ્યું: “દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો [સંભાળ રાખો], અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો; નીચ લોભને સારૂ નહિ, પણ હોંશથી કરો; વળી તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહિ, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ [દાખલો બેસાડો].”—૧ પીત. ૫:૧-૩.

૬. આજે યહોવાહના ભક્તોને ખાસ કેમ વડીલોની મદદની જરૂર છે?

વડીલોએ “ઉત્તમ ઘેટાંપાળક” ઈસુના પગલે ચાલવું જોઈએ. (યોહા. ૧૦:૧૧) ઈસુની નજરમાં યહોવાહના ભક્તો બહુ જ કિંમતી છે. તેઓ વિષે ઈસુએ પીતરને કહ્યું, “મારાં ઘેટાંને સાચવ.” (યોહાન ૨૧:૧૫-૧૭ વાંચો.) આજે શેતાન આપણને બેવફા બનાવવા ઘણા પ્રયત્નો કરે છે. દુનિયાની લાલચો આપીને આપણી નબળાઈનો ફાયદો ઉઠાવે છે. (૧ યોહા. ૨:૧૫-૧૭; ૫:૧૯) તેથી, યહોવાહના ભક્તોની સંભાળ રાખવાની ખૂબ જરૂર છે. ખાસ કરીને જેઓ યહોવાહની ભક્તિમાં કંઈ કરતા નથી, તેઓ પર ખતરો રહેલો છે. તેઓને ‘આત્માથી ચાલવા,’ એટલે યહોવાહના માર્ગમાં ચાલવા ઉત્તેજનની જરૂર છે. (ગલા. ૫:૧૬-૨૧, ૨૫) તેઓને મદદ કરવા યહોવાહને પ્રાર્થના કરીએ. તેમની શક્તિ અને બાઇબલ પર પૂરો આધાર રાખીએ.—નીતિ. ૩:૫, ૬; લુક ૧૧:૧૩; હેબ્રી ૪:૧૨.

૭. કેટલું મહત્ત્વનું છે કે વડીલો ભાઈ-બહેનોની સંભાળ રાખે?

પહેલાંના જમાનામાં ઘેટાંપાળક હૂકવાળી ડાંગ વાપરતા. એ અથવા “લાકડી” નીચેથી, ઘેટાં વાડામાંથી બહાર આવ-જાવ કરતા. આમ ઘેટાંપાળક તેઓની ગણતરી કરી શકતા. (લેવી. ૨૭:૩૨; મીખા. ૨:૧૨; ૭:૧૪) વડીલોએ પણ યહોવાહના ભક્તો પર પ્રેમથી નજર રાખવી જોઈએ. (વધારે માહિતી: નીતિવચનો ૨૭:૨૩.) વડીલોની મિટિંગમાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા માટેની મુલાકાતો (શેપર્ડિંગ) વિષે ખાસ ચર્ચા થાય છે. યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયેલાને ઉત્તેજન આપવાની પણ ગોઠવણ થાય છે. ખુદ યહોવાહે કહ્યું કે ઘેટાંપાળકની જેમ તે પોતાના લોકોને શોધશે અને તેઓની સંભાળ રાખશે. (હઝકી. ૩૪:૧૧) વડીલો પણ એવા પ્રયત્નો કરે છે, એ જોઈને યહોવાહને ખૂબ જ આનંદ થાય છે.

૮. વડીલ કઈ કઈ રીતે ભાઈ કે બહેનને મદદ કરી શકે?

મંડળમાં કોઈ બીમાર પડે ને વડીલો મળવા જાય તો, તેઓ કેટલા ખુશ થઈ જાય છે. એ જ રીતે, ભક્તિમાં ઠંડા પડી જનારને પણ વડીલોના ઉત્તેજનની જરૂર છે. વડીલો તેઓને મળીને બાઇબલમાંથી ઉત્તેજન આપી શકે. કોઈ લેખની ચર્ચા કરી શકે. મિટિંગ વિષે જણાવી શકે. પ્રાર્થના કરી શકે. તેઓને જણાવે કે મંડળમાં ભાઈ-બહેનો તેમને યાદ કરે છે. (૨ કોરીં. ૧:૩-૭; યાકૂ. ૫:૧૩-૧૫) ભલે વડીલ તેઓને મળવા જાય, ફોન કરે કે પત્ર લખીને ઉત્તેજન આપે, એનાથી ફાયદો થશે! એવા ભાઈ-બહેનને મદદ કરવાથી, વડીલને પણ ખુશી થશે.

વડીલોને સાથ આપો

૯, ૧૦. સત્યમાં ઠંડા પડી ગયેલાને મદદ કરવાની જવાબદારી કેમ ફક્ત વડીલોની જ નથી?

આપણાં જીવન બહુ જ બીઝી થઈ ગયા છે અને દરેકને કંઈને કંઈ તકલીફો હોય છે. એટલે યહોવાહની ભક્તિમાં કોઈ ધીમા પડી જાય, તોય કદાચ ખબર ન પડે. (હેબ્રી ૨:૧) છતાંયે તેઓ યહોવાહને વહાલા છે અને આપણને પણ હોવા જોઈએ. જેમ શરીરની સંભાળ રાખીએ, એમ મંડળમાં દરેકની સંભાળ રાખવી જોઈએ. (૧ કોરીં. ૧૨:૨૫) શું આપણે એમ જ કરીએ છીએ?

૧૦ ખરું કે વડીલો એમાં આગેવાની લે છે. પણ આપણે બધાએ તેઓને સાથ આપવો જોઈએ. જેઓ યહોવાહની ભક્તિમાં કંઈ કરતા નથી, તેઓને ઉત્તેજન આપવું જ જોઈએ. એવી મદદ કરીએ, જેથી તેઓ પાછા મંડળ સાથે હળે-મળે. કઈ કઈ રીતે મદદ આપી શકાય?

૧૧, ૧૨. વડીલો આપણને કદાચ શું કરવાનું કહે? એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૧ એવા ભક્તો મદદ માગે તો, કદાચ વડીલો કોઈ અનુભવી ભાઈ-બહેનને તેઓ સાથે સ્ટડી કરવાનું કહે. એનાથી તેઓના દિલમાં ભક્તિ માટેનો ‘પ્રથમનો પ્રેમ’ ફરીથી જાગી શકે. (પ્રકટી. ૨:૧,) એ માટે તેઓ ચૂકી ગયા હોય, એવા અમુક લેખોની સ્ટડી કરી શકાય.

૧૨ વડીલો તમને એવા ભાઈ-બહેનની સાથે સ્ટડી કરવાનું કહે તો, એની તૈયારી કેવી રીતે કરશો? યહોવાહને પ્રાર્થના કરો કે તમને માર્ગદર્શન આપે. બાઇબલ કહે છે: “તારાં કામો યહોવાહને સ્વાધીન કર [સોંપ], એટલે તારા મનોરથ [ઇચ્છા] પૂરા કરવામાં આવશે.” (નીતિ. ૧૬:૩) એવા લેખો અને કલમોનો વિચાર કરો, જેનાથી તેઓને ઉત્તેજન મળશે. પાઊલનો દાખલો લઈએ. રોમી મંડળના ભાઈ-બહેનોને મળવાની તેમની આરઝૂ હતી. તે તેઓને સત્ય વિષે વધારે સમજણ આપવા અને ઉત્તેજન આપવા ચાહતા હતા. (રૂમી ૧:૧૧, ૧૨ વાંચો.) ચાલો આપણે પણ પાઊલની જેવા બનીએ.

૧૩. ભક્તિમાં ઠંડા પડી ગયેલાની સાથે શાની વાત કરશો?

૧૩ યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનને આમ પૂછી શકો: ‘તમે સત્યમાં કઈ રીતે આવ્યા?’ તેઓને પ્રચારમાં, મિટિંગમાં અને ઍસેમ્બલીમાં થયેલા અનુભવોની વાતો કરો. તેઓ સાથે તમને પણ થયા હોય એવા અનુભવો જણાવો. યહોવાહ સાથે નાતો બાંધવાથી મળેલા આશીર્વાદો યાદ કરો. (યાકૂ. ૪:૮) તમારી દુઃખ-તકલીફોમાં યહોવાહે જે રીતે સાથ આપ્યો એની વાત કરો.—રૂમી ૧૫:૪; ૨ કોરીં. ૧:૩, ૪.

૧૪, ૧૫. ઠંડા પડી ગયેલા ભાઈ કે બહેનને કયા આશીર્વાદો યાદ કરાવવા જોઈએ?

૧૪ તમે એ પણ યાદ કરાવી શકો કે તેઓને પહેલાં કેવા કેવા આશીર્વાદો મળ્યા હતા. જેમ કે તેઓને મંડળ સાથે હળવા-મળવાની કેવી મજા આવતી. યહોવાહ વિષે કેટલું બધું શીખવા મળતું. (નીતિ. ૪:૧૮) ‘પવિત્ર આત્મા’ કે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલીને, લાલચોથી નાસી છૂટવા કેટલી બધી મદદ મળતી. (ગલા. ૫:૨૨-૨૬) તે શુદ્ધ મનથી યહોવાહને પ્રાર્થના કરી શકતા. એટલે ‘ઈશ્વરની શાંતિ તેમનાં હૃદયોની તથા મનોની સંભાળ રાખતી.’ (ફિલિ. ૪:૬, ૭) એ બધું યાદ કરાવો. પ્રેમ બતાવો. ભાઈ કે બહેનને મંડળમાં પાછા આવવા ઉત્તેજન આપો.—ફિલિપી ૨:૪ વાંચો.

૧૫ માનો કે કોઈ વડીલ એવા પતિ-પત્નીને મળવા જાય, જેઓ યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયા છે. તે તેઓને પૂછી શકે કે ‘સત્ય શીખ્યા ત્યારે તમને કેવું લાગ્યું હતું?’ તેઓને યાદ કરાવો કે સત્ય શીખીને કેટલી તાજગી મળી. જૂઠા શિક્ષણથી આઝાદી મળી. (યોહા. ૮:૩૨) યહોવાહ વિષે અને તેમણે બતાવેલા પ્રેમ વિષે શીખીને, તેઓને કેવું લાગ્યું હતું! (વધારે માહિતી: લુક ૨૪:૩૨.) તેઓને યાદ કરાવો કે યહોવાહને ભજવાનું વચન પાળવાથી, તેમની સાથે પાકો નાતો બંધાય છે. તેઓ છૂટથી પ્રાર્થના કરી શકે છે. તેઓને દિલથી ઉત્તેજન આપો કે યહોવાહ તરફ પાછા ફરે. સત્યનો ખરો આનંદ માણે.

પ્રેમથી મદદ કરતા રહો

૧૬. ઠંડા પડી ગયેલાને મદદ આપવાથી કેવા આશીર્વાદો મળ્યા છે? અનુભવ જણાવો.

૧૬ આ રીતે મદદ કરવાથી આશીર્વાદો મળે છે. ચાલો એક અનુભવ લઈએ. એક યુવાન ૧૨ વર્ષની ઉંમરે પબ્લિશર બન્યો. પણ ૧૫ વર્ષની ઉંમરે પ્રચાર-મિટિંગ છોડી દીધા. એક વડીલે તેને પ્રેમથી મદદ કરી, ઉત્તેજન આપ્યું. તે મંડળમાં પાછો આવ્યો. હવે ત્રીસેક વર્ષથી તે ફુલ-ટાઇમ પ્રચાર કરે છે. કેવું સારું કે તેને એ મદદ મળી!

૧૭, ૧૮. ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનોને મદદ કરવા આપણે કેવા ગુણો કેળવવા જોઈએ?

૧૭ ઈસુએ શિષ્યોને કહ્યું, “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૪, ૩૫) સાચા પ્રેમથી યહોવાહના ભક્તો ઓળખાય છે. ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનોને શું આપણે એવો જ પ્રેમ બતાવવો ન જોઈએ? બતાવવો જ જોઈએ! એમ કરવા આપણે બીજા ગુણો પણ કેળવવા જોઈએ.

૧૮ પાઊલે કહ્યું: “દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો; વળી એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.” (કોલો. ૩:૧૨-૧૪) આપણે પણ આવા ગુણો કેળવીએ અને ભાઈ-બહેનોને મદદ કરીએ.

૧૯. ભાઈ-બહેનને મંડળમાં પાછા લાવવાની મહેનત કેમ નકામી નથી?

૧૯ ઘણા લોકો માલમિલકત ભેગી કરવા આખી જિંદગી મહેનત કરે છે. પણ જીવન તો એનાથી બેહદ કીમતી છે. એ સમજાવવા ઈસુએ ખોવાયેલા ઘેટાનો દાખલો વાપર્યો. (માથ. ૧૮:૧૨-૧૪) યહોવાહની ભક્તિમાં કંઈ કરતા નથી, તેઓને મદદ આપતી વખતે એ દાખલો ભૂલશો નહિ. હવે પછીનો લેખ બતાવશે કે કેમ ભાઈ કે બહેન યહોવાહની ભક્તિમાં ઠંડા પડી જાય છે. એ પણ શીખીશું કે તેઓ મંડળમાં પાછા આવે ત્યારે આપણે શું કરવું જોઈએ. આ લેખોનો વિચાર કરો. પ્રચાર-મિટિંગમાં ન આવતા ભાઈ-બહેનને તમે મદદ કરો, એ યહોવાહ કદીયે નહિ ભૂલે. કદાચ એ ભાઈ-બહેન મંડળમાં પાછા આવે પણ ખરા. (w08 11/15)

કેવી રીતે સમજાવીશું?

• યહોવાહની ભક્તિમાં કંઈ ન કરનારાને વડીલો કઈ રીતે મદદ કરી શકે?

• મંડળની સંગત ન રાખનારાને કઈ રીતે મદદ કરી શકીએ?

• ઠંડા પડી ગયેલી વ્યક્તિઓને મદદ કરવા કેવા ગુણો કેળવવા જોઈએ?

[Study Questions]

[Picture on page 15]

જેઓ પ્રચાર-મિટિંગમાં આવતા નથી, તેઓને વડીલો પ્રેમથી મદદ કરે છે